'સીબીઆઈ-ઈડીના દુરુપયોગ માટે મોદી જવાબદાર નથી', મમતા બેનરજી આટલાં ઉદાર કેમ થયાં?

    • લેેખક, ટીમ બીબીસી હિન્દી
    • પદ, નવી દિલ્હી
  • મમતા બેનરજીના તાજેતરના નિવેદનથી અટકળોનું બજાર ગરમાયું
  • ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી એકતાને સાથ ના આપ્યો અને ભાજપના ઉમેદવારને આસાન જીત મળી
  • મમતાએ પછી એક સપ્ટેમ્બરે કહ્યું કે આરએસએસમાં કંઈ બધા ખરાબ નથી
  • સોમવારે મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ માટે પીએમ જવાબદાર નથી
  • મમતા બેનરજી એનડીએનાં જૂનાં સાથી રહ્યાં છે, પરંતુ રાજ્યમાં અત્યારે ભાજપ મુખ્ય વિપક્ષી પાર્ટી છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશેની પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ એક ટિપ્પણી કરી હતી જેની ચર્ચા થઈ રહી છે કારણ કે તે ચોંકાવનારું નિવેદન હતું.

મમતા બેનરજીએ કહેલું કે તેઓ એવું નથી માનતાં કે મોદીએ સીબીઆઈ અને ઈડી જેવી કેન્દ્રીય એજન્સીઓને બંગાળમાં ખુલ્લી છૂટ આપી છે. મમતાએ કહેલું કે એવું ભાજપના અન્ય નેતાઓએ કર્યું છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં તૃણમૂલ કૉંગ્રેસના નેતૃત્વવાળી સરકારે સોમવારે કેન્દ્રીય એજન્સીઓના કથિત દુરુપયોગ અંગે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ પોતાના વિરોધીઓને કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગથી દબાવી રહ્યો છે. આ પ્રસ્તાવના સમર્થનમાં મમતા બેનરજીએ 27 મિનિટ સુધી ભાષણ કર્યું.

મમતાએ પોતાના ભાષણમાં કહ્યું, "ઘણા લોકોને ખબર નથી કે સીબીઆઈ હવે પીએમઓને રિપોર્ટ નથી કરતી. હવે તે ગૃહમંત્રાલયને રિપોર્ટ કરે છે. આ એજન્સીઓ હવે પીએમઓ દ્વારા નિયંત્રિત નથી થતી. આખા દેશમાંથી ઉદ્યોગપતિઓ ભાગી રહ્યા છે. તેઓ સીબીઆઈ અને ઈડીના દુરુપયોગથી ડરેલા છે. હું નથી માનતી કે નરેન્દ્ર મોદી એવું કરે છે. એનો દુરુપયોગ ભાજપના અન્ય નેતા કરી રહ્યા છે."

કૉંગ્રેસના સવાલ

મમતા બેનરજીનું આ નિવેદન ભાજપના ધારાસભ્યો માટે ચોંકાવનારું હતું. કૉંગ્રેસે આ બયાન બાબતે મમતા બેનરજીને નિશાન પર લીધાં હતાં. કૉંગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે આ સરકારમાં મોદીની મરજી વગર પાંદડુંય નથી હલતું.

શ્રીનેતે કહ્યું કે આ પ્રકારની ટિપ્પણીઓ વડા પ્રધાનને મૂંઝવી દેનારા સવાલો સામે ઢાલ જેવું કામ કરશે. એમણે કહ્યું કે રાહુલ ગાંધી એકમાત્ર એવા નેતા છે જે આરએસએસ અને ભાજપ સાથે સમજૂતી કર્યા વિના લડી રહ્યા છે. કૉંગ્રેસે કહ્યું કે ભાજપ સાથે આરપારની અસલી લડાઈ કૉંગ્રેસ જ લડી રહી છે.

એમણે કહ્યું, નેશનલ હૅરલ્ડ ન્યૂઝ પેપર સાથે સંકળાયેલા મની લૉન્ડરિંગ કેસમાં ઈડીએ રાહુલ ગાંધીની ત્રણ દિવસ સુધી કલાકો પૂછપરછ કરી હતી. તે પછીયે રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી પર હુમલા કરવાનું બંધ ના કર્યું.

સુપ્રિયા શ્રીનેતે કહ્યું, "મને નથી ખબર કે મમતા અમિત શાહ પર શા માટે આરોપ કરી રહ્યાં છે અને મોદીને કેમ બચાવી રહ્યાં છે. મને ખબર નથી કે કયા આધારે એમણે નિર્ણય કર્યો કે મોદી સારા છે. હું એ અંગે કશી ટિપ્પણી કરવા નથી માગતી."

સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે જ્યારે તમે વડા પ્રધાનને ક્લીન ચિટ આપો છો ત્યારે એ સવાલોથી બચાવી રહ્યા હોવ છો જેને દેશ પૂછવા માગે છે કે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ શા માટે થઈ રહ્યો છે.

કૉંગ્રેસ પ્રવક્તાએ કહ્યું, "જો તમે વિપક્ષમાં છો, તો સંતાકૂકડીની રમત ના રમી શકો. આ બાબતે કૉંગ્રેસનું વલણ બિલકુલ સ્પષ્ટ છે. અમે એ વાતથી નથી ડરતાં કે સીબીઆઈ અને ઈડી અમને ટાર્ગેટ કરશે. એમની એજન્સીઓ, એમની ટ્રોલ આર્મી અને ખોટા પ્રચારથી કૉંગ્રેસ ડરતી નથી. એ અમારી ફરજ છે કે વડા પ્રધાનનું ઉત્તરદાયિત્વ નક્કી કરવાની માગ કરીએ. વિપક્ષ તરીકે આ જ અમારો ધર્મ છે. કૉંગ્રેસ અને નેતૃત્વ નીડર છે."

આરએસએસ વિશે શું બોલ્યાં હતાં મમતા

પીએમ મોદી અંગેના મમતા બેનરજીના નિવેદન સામે ડેક્કન હૅરલ્ડે અમેરિકન સિંગર જિમી ડીનનું એક ઉદ્ધરણ પ્રકાશિત કર્યું છે. જિમી ડીને કહેલું, "હું પવનની દિશા ના બદલી શકું પરંતુ ગંતવ્ય સુધી પહોંચવા માટે પોતાની હોડીને ઍડ્‌જસ્ટ કરી શકું છું."

આ પહેલાં મમતા બેનરજીએ ચાલુ મહિનાની શરૂઆતમાં આરએસએસ વિશે પણ ટિપ્પણી કરી હતી.

મમતાએ કહેલું કે, આરએસએસમાં બધા લોકો ખરાબ નથી. એમણે કહેલું કે, "આરએસએસમાં એવા લોકો મોટી સંખ્યામાં છે જેઓ ભાજપને સમર્થન નથી આપતા. મમતાની આ ટિપ્પણીને એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ તકવાદી ગણાવી હતી. તો, ભાજપે કહેલું કે એમને મમતાના સર્ટિફિકેટની જરૂર નથી."

અસદુદ્દીન ઓવૈસીએ કહેલું, "2020માં મમતાએ આરએસએસને દેશભક્ત ગણાવેલો. એના જવાબમાં આરએસએસ-એ મમતાને દુર્ગા કહ્યાં હતાં. હું આશા રાખું છે કે ટીએમસીના મુસ્લિમ ચહેરા ઈમાનદારી માટે મમતાનાં વખાણ કરશે."

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મમતાનું વલણ

મમતા બેનરજીએ જુલાઈમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી એકતાને સાથ નહોતો આપ્યો. એમની પાર્ટીએ મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. બીજી તરફ, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી એકતાની બાબતે મમતા મુખર હતાં.

ત્યારે, મમતાની પાર્ટીના પ્રવક્તા સુખેન્દુ શેખરે કહેલું કે, "વિપક્ષે ઉમેદવાર નક્કી કરતાં પહેલાં એમની પાર્ટીનો સંપર્ક નહોતો કર્યો."

મમતાની પાર્ટીના વોટિંગમાં સામેલ નહીં થવાના લીધે ભાજપના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર જગદીપ ધનખડને આસાન જીત મળી હતી. આની પહેલાં જગદીપ ધનખડ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા. ધનખડ જ્યારે રાજ્યપાલની ભૂમિકામાં હતા ત્યારે મમતા સાથે ટક્કર રહેતી હતી. મમતાના અચાનક આવા વલણથી પણ લોકો આશ્ચર્યચકિત હતા.

જાધવપુર યુનિવર્સિટીમાં રાજનીતિ વિજ્ઞાનના પ્રૉફેસર અબ્દુલ મતીને કહ્યું કે "ભાજપ અને આરએસએસ બાબતે મમતા બેનરજીનું આ વલણ ચોંકાવનારું નથી."

પ્રૉફેસર મતીને કહ્યું, "મમતા બેનરજી એનડીએનો ભાગ રહ્યાં છે. 2002માં જ્યારે ગુજરાતમાં રમખાણ થયાં ત્યારે મમતા ભાજપની સાથે હતાં. નરેન્દ્ર મોદીએ હિન્દુત્વ બાબતે જે પૉલિટિકલ ડિસ્કોર્સ સેટ કર્યો છે, એની સામે મમતા વિરોધ કરવા નથી માગતાં. એની સામે તેઓ બંગાળી અસ્મિતાની ચાસણીમાં બહુસંખ્યકવાદના રાજકારણને આગળ વધારી રહ્યાં છે. એમને ખબર છે કે લઘુમતીનો વોટ ક્યાંય નહીં જાય. લેફ્ટ અને કૉંગ્રેસ રાજ્યમાં બચ્યાં નથી."

1998માં તૃણમૂલ કૉંગ્રેસનું ગઠન થયું અને પહેલી વાર 2001માં વિધાનસભા ચૂંટણીનો સામનો કર્યો હતો. મમતા બેનરજીના નેતૃત્વવાળી ટીએમસીએ સીપીએમને પહેલી જ ચૂંટણીમાં જોરદાર ટક્કર આપી.

આ ચૂંટણીમાં સીપીએમનો વોટ શેર 36.59 ટકા રહ્યો, જ્યારે ટીએમસીને 30.66 ટકા વોટ મળ્યા. 2011માં સીપીએમનાં 34 વર્ષના શાસનનો મમતાએ અંત કરી દીધો. મમતા 2011માં મુખ્ય મંત્રી બન્યાં અને હજી સુધી છે.

બંગાળમાં મમતા વિ. ભાજપ

પશ્ચિમ બંગાળની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 38.1 ટકા હતો, જ્યારે મમતા બેનરજીનો 47.94 ટકા. મમતા બેનરજીને 294માંથી 213 અને ભાજપને 77 સીટ પર જીત મળી હતી.

મમતા બેનરજીને ભાજપ કરતાં લગભગ 10 ટકા વધારે વોટ મળ્યા હતા. ભાજપને 2019ની લોકસભા ચૂંટણીમાં 40.30 ટકા વોટ મળ્યા હતા. જો લોકસભા સાથે સરખામણી કરીએ તો વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બે ટકા ઓછા વોટ મળ્યા હતા.

બીજી તરફ, ટીએમસીનો વોટ શેર 2019માં 43.30 ટકાથી વધીને 48.20 ટકા થઈ ગયો હતો. જો ભાજપને 2019ની લોકસભા ચૂંટણીના ધોરણે જીત મળી હોત તો લગભગ 121 ધારાસભ્ય ભાજપના હોત, પરંતુ 77 બેઠક પર જ ભાજપને જીત મળી છે, કેમ કે, એમનો વોટ શેર ઘટ્યો છે, જ્યારે મમતાનો વધ્યો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો