You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેજરીવાલ સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મળેલી જીતથી કોઈ ફાયદો થશે?
- લેેખક, કિર્તી દુબે
- પદ, બીબીસી સંવાદદાતા
- સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલ સરકાર અને દિલ્હીના લૅફ્ટનન્ટ ગવર્નર વચ્ચે અધિકારોને લઈને કાયદાકીય લડત ચાલી રહી હતી
- સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો હક્ક દિલ્હી સરકાર પાસે છે
- અત્યાર સુધી દિલ્હીમાં સચિવોની નિયુક્તિ અને બદલીનો અધિકાર દિલ્હીના લૅફ્ટનન્ટ ગવર્નર પાસે હતો
- સુપ્રીમ કોર્ટે કહ્યું - જમીન, લોક વ્યવસ્થા અને પોલીસનો મામલો કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્રમાં રહેશે
- દિલ્હીમાં તમામ વહીવટી મામલાના સુપરવિઝનનો અધિકાર ઉપરાજ્યપાલ પાસે ન હોઈ શકે
- વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટની ડિવિઝન બૅન્ચે આ મામલે વહેંચાયેલો ચુકાદો આપ્યો હતો
સુપ્રીમ કોર્ટની સંવિધાન બેન્ચે ગુરુવારે દિલ્હી સરકારના પક્ષમાં ચુકાદો આપતા કહ્યું કે અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગનો અધિકાર દિલ્હી સરકાર પાસે હોવો જોઈએ.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુજની બેન્ચે આ મામલે સર્વસંમતિથી ચુકાદો આપ્યો છે.
પાંચ જજોની આ બંધારણીય ખંડપીઠમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હા સામેલ હતા.
ખંડપીઠે કહ્યું કે દિલ્હીમાં તમામ વહીવટી મામલામાં સુપરવિઝનનો અધિકાર એલજી એટલે કે ઉપરાજ્યપાલ પાસે ન હોઈ શકે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે દિલ્હીની ચૂંટાયેલી સરકારના દરેક અધિકારમાં ઉપરાજ્યપાલ દરમિયાનગીરી ન કરી શકે.
ખંડપીઠે કહ્યું, "અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર પાસે રહેશે."
"જમીન, લોકવ્યવસ્થા અને પોલીસને છોડીને કરવેરા, આઈએએસ અધિકારીઓની પોસ્ટિંગ (ભલે દિલ્હી સરકારે કરી હોય કે નહીં), તેમની બદલીના અધિકાર દિલ્હી સરકાર પાસે જ રહેશે."
આ ચુકાદા પર દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, "આઠ વર્ષથી અમારા દરેક કામને કેન્દ્ર સરકારે આ નિયમ અંતર્ગત રોક્યું હતું. શિક્ષણમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી તો એવા સચિવની નિયુક્તિ કરી, જે કામમાં અડચણ ઊભી કરવા લાગ્યા. મહોલ્લા ક્લિનિક માટે એવા સ્વાસ્થ્ય સચિવની પસંદગી કરી, જેમણે કામ ન થવા દીધું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મારા હાથ બાંધીને મને નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો પરંતુ તમારો ભરોસો અને અમારી મહેનતથી અમે કામ કરવાનું ચાલુ રાખ્યું. આજે હું ચીફ જસ્ટિસ અને ખંડપીઠમાં સામેલ ચાર અન્ય જજોનો આભાર માનવા માગું છું. આ લોકતંત્રની જીત છે, સત્યની જીત છે."
એનડીટીવીના અહેવાલ પ્રમાણે, અરવિંદ કેજરીવાલે યોજેલી પત્રકારપરિષદમાં જ તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જાહેર કાર્યમાં અવરોધો ઊભા કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ત્યાર પછી તેમણે દિલ્હી સરકારના સેવાવિભાગના સચિવ આશિષ મોરેની બદલી કરી નાખી હતી. આ બદલીને ઘણી બદલીઓમાંની પ્રથમ માનવામાં આવી રહી છે. સાથે જ આગામી દિવસોમાં દિલ્હીમાં મોટી સંખ્યામાં અધિકારીઓની બદલી થવાની શક્યતા સેવાઈ રહી છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને પત્રકાર રહી ચૂકેલા આશુતોષે બીબીસીને જણાવ્યું, "આ ચુકાદાનું મહત્ત્વ જનતા માટે તો છે જ, સાથેસાથે તેનું રાજકીય મહત્ત્વ પણ છે. આ મામલો કેજરીવાલ વિરુદ્ધ કેન્દ્ર સરકારનો હતો અને હવે આ જીત બાદ કેજરીવાલ સરકારના ઇરાદા તેનાથી ઊંચા આવશે."
તેમણે આગળ કહ્યું, "આ એક એવી વ્યવસ્થા હતી જેમાં એલજીના માધ્યમથી કેન્દ્ર સરકાર દિલ્હી સરકારને કામ નહોતી કરવા દેતી, તેના પર નિયંત્રણ રાખી રહી હતી. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે દિલ્હી સરકાર જ દિલ્હીના અધિકારીઓ પર નજર રાખશે."
આશુતોષ કહે છે કે જો દિલ્હીની જનતા વોટ આપીને સરકાર બનાવી રહી હોય તો અધિકારીઓ પાસેથી કામ કરાવવાની જવાબદારી પણ તેમની પાસે જ હોવી જોઈએ. જો સરકાર કામ જ ન કરાવી શકે તો જનતાને જવાબ કેવી રીતે આપશે. જો જવાબદારી સરકારની હોય તો સચિવ પણ સરકારના જ આધીન હોવા જોઈએ.
આશુતોષ માને છે કે તેનાથી દિલ્હીની જનતાને ફાયદો થશે.
તેઓ કહે છે, "તેનાથી જનતાને સ્પષ્ટ દૃષ્ટિકોણ મળશે. અત્યાર સુધી દિલ્હી સરકાર એમ કહેતી હતી કે તેમને કામ કરવા દેવાતું નથી. તેઓ જે ઇચ્છે છે એલજી તે કરવા દેતા નથી."
"હવે સચિવ તેમના હશે, તેમના જ નિયંત્રણમાં હશે અને જવાબદારી પણ તેમની જ હશે. જે વધારે દૃઢ હશે. તેઓ એમ નહીં કહી શકે કે અધિકારીઓ પર અમારું નિયંત્રણ નથી."
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું ?
સુપ્રીમ કોર્ટે લાંબા સમયથી ચાલી રહેલી કેજરીવાલ સરકાર વિરુદ્ધ એલજીના અધિકારો અંગેના કેસ પર ગુરુવારે ચુકાદો આપ્યો.
સચિવ સ્તરના અધિકારીઓ પર દિલ્હી સરકારનો અધિકાર હશે કે એલજીનો? લાંબા સમયથી ચાલી રહેલી આ મૂંઝવણનો સુપ્રીમ કોર્ટે જવાબ આપી દીધો છે.
ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું, "બંધાણની કલમ 239 (એએ) અંતર્ગત દિલ્હીને વિધાનસભા સ્થાપિત કરવાનો અધિકાર મળ્યો. તેના સભ્યોને દિલ્હીની જનતા ચૂંટે છે. કલમ 239 એએની વ્યાખ્યા એ રીતે જ કરવી જોઈએ જેથી લોકતંત્ર આગળ વધી શકે."
કોર્ટે કહ્યું કે લોકતાંત્રિક સરકારમાં સાચી શક્તિ જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે હોય છે.
બેન્ચ પ્રમાણે, જો કોઈ રાજ્યમાં ઍક્ઝિક્યુટિવ પાવર કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચાયેલો હોય તો એ જોવું જોઈએ કે રાજ્યના કામકાજ પર કેન્દ્રનું વર્ચસ્વ વધી ન જાય. જો એમ થાય તો તે લોકશાહીના મૂલ્યોની વિરુદ્ધ હશે.
જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, "જો લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર પાસે અધિકારીઓને આદેશ આપવાનો જ અધિકાર નહીં હોય તો એ જવાબદારીના 'ટ્રિપલ ચેઇનના સિદ્ધાંત' સાથે બેઇમાની હશે."
"આદર્શ સ્થિતિ એ છે કે સર્વિસ સાથે જોડાયેલા મામલા દિલ્હી સરકાર પાસે હોવા જોઈએ. જો મંત્રીઓનો નીતિઓને લાગુ કરાવનારા અધિકારીઓ પર કોઈ હક નહીં હોય તો તેઓ કામ કેવી રીતે કરાવી શકશે."
રાજ્યપાલ અંતર્ગત લોકવ્યવસ્થા, પોલીસ અને જમીન સંબંધિત મામલા આવશે, પરંતુ આઈએએસ કે પછી સંયુક્ત કૅડર સેવાઓ દિલ્હી સરકાર અંતર્ગત આવવી જોઈએ. જે નીતિઓ સાથે જોડાયેલા કામ કરે છે.
શું હતો વિવાદ?
દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે, પરંતુ તેને પોતાની વિધાનસભા બનાવવાનો હક્ક પ્રાપ્ત છે. બંધારણની કલમ 239 એએ બાદ દિલ્હીને નેશનલ કૅપિટલ ટૅરેટરી ઘોષિત કરવામાં આવી હતી.
દિલ્હીની સરકારનો તર્ક હતો કે ત્યાં જનતા દ્વારા ચૂંટાયેલી સરકાર હોવાથી દિલ્હીના તમામ અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગનો અધિકાર પણ સરકાર પાસે જ હોવો જોઈએ.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતામાં બંધારણીય ખંડપીઠે 18 જાન્યુઆરીએ આ મામલે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. જેને ગુરુવારે જાહેર કરવામાં આવ્યો હતો.
ફેબ્રુઆરી 2019માં સુપ્રીમ કોર્ટની બે ન્યાયાધીશોની ખંડપીઠે આ મામલે વહેંચાયેલો ચુકાદો આપ્યો હતો.
બે ન્યાયાધીશો પૈકી જસ્ટિસ સીકરીએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે સરકારમાં નિદેશક સ્તરની નિયુક્તિ દિલ્હી સરકાર કરી શકે છે.
જ્યારે અન્ય એક ન્યાયાધીશ ભૂષણનો ચુકાદો તેનાથી વિપરિત હતો. તેમણે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે દિલ્હી સરકાર પાસે તમામ કાર્યકારી શક્તિઓ નથી. અધિકારીઓના ટ્રાન્સફર -પોસ્ટિંગના અધિકાર ઉપરાજ્યપાલ પાસે હોવા જોઈએ.
બે બેન્ચની ખંડપીઠના ચુકાદામાં મતભેદ હોવાથી અસહમતિ ધરાવતા મુદ્દાને ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠ પાસે મોકલવામાં આવ્યા હતા પરંતુ ગયા વર્ષે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને અપીલ કરી કે આ કેસ એક બંધારણીય ખંડપીઠ પાસે મોકલવામાં આવે. કારણ કે દિલ્હી દેશની રાજધાની છે અને આ કેસ રાજધાનીના અધિકારીઓની પોસ્ટિંગ અને બદલી સાથે જોડાયેલો છે.
ત્યાર પછીથી આ ચુકાદો પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠ પાસે મોકલવામાં આવ્યો હતો અને ગુરુવારે તેનો ચુકાદો આવ્યો છે.