You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સત્યપાલ મલિકે કહ્યું હતું, "ચૂંટણી પહેલાં કેજરીવાલની ધરપકડ થશે"
- લેેખક, સર્વપ્રિયા સંગવાન
- પદ, બીબીસી સંવાદદાતા
આમ આદમી પાર્ટીનાં નેતા અને દિલ્હી સરકારનાં મંત્રી આતિશીએ કહ્યું છે કે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે.
તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, “અમને સમાચાર મળી રહ્યા છે કે ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે.”
આતિશીએ પોતાના ટ્વિટર હૅન્ડલ પર લખ્યું હતું કે, "અમે ઈડી દ્વારા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. અમે આજે રાત્રે જ સુપ્રીમ કોર્ટ પાસે વહેલી સુનાવણીની માગ કરશું."
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે અગાઉ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘અરવિંદ કેજરીવાલની ધરપકડ થશે’.
વાંચો જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે અગાઉ બીબીસી સાથે કરેલી ખાસ વાતચીત...
"અસદુદ્દીન ઓવૈસીને ખબર નથી. મેં એ સમયે પણ પુલવામાનો મુદ્દો વડા પ્રધાન સમક્ષ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું આ આપણી ભૂલને કારણે થયું છે."
"હું ઇચ્છતો હતો કે તેના પર તપાસ થાય અને મને એમ હતું કે એ લોકો તપાસ કરશે એટલે એ વખતે હું રાજીનામું આપું એવું કોઈ કારણ ન હતું."
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે આ વાત કહી છે. બીબીસી સાથે એક વિશેષ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે પુલવામા મામલાની જવાબદારી ગૃહ મંત્રાલયની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે દાવો કર્યો હતો કે મેં એમની સમક્ષ બધી વાત મૂકી હતી તો ગૃહમંત્રીએ કોઈ પગલાં લેવાં જોઈતા હતા. રાજીનામું તો એમણે આપવું જોઈતું હતું કે જે લોકો જવાબદાર હતા.
અહીં ઉલ્લેખનીય છે કે સત્યપાલ મલિકે વરિષ્ઠ પત્રકાર કરણ થાપરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં 2019ના પુલવામા હુમલા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી અને અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા.
તેમના દાવાઓ પર અનેક લોકોએ પ્રતિક્રિયાઓ આપી હતી જેમાં તેમના પર ઘણા લોકોએ સવાલો પણ ઉઠાવ્યા હતા.
એઆઇએમઆઇએમનાં વડા અસદુદ્દીન ઓવૈસીએ એક ભાષણમાં સત્યપાલ મલિકના વિધાનનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે "એમણે એ જ સમયે રાજ્યપાલના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈતું હતું. તેના બદલે તેઓ રાજ્યપાલના પદે ચોંટેલા રહ્યા અને હવે સાડા ચાર વર્ષ પછી બોલી રહ્યા છે. "
તો શું સત્યપાલ મલિક અવસરવાદી છે, જે પોતાના સબંધો બગડ્યા પછી આ બધી વાતો કરી રહ્યા છે?
બીબીસી સાથે વાતચીત દરમિયાન સત્યપાલ મલિકે કહ્યું કે, "જે દિવસે પુલવામા હુમલો થયો એ જ દિવસે મેં આ મુદ્દો ઉઠાવ્યો હતો."
" મને કહેવામાં આવ્યું હતું કે તમે ચૂપ રહો. પછી મને લાગ્યું કે આ લોકો દેશને એ જ દિશામાં લઈ જાય છે કે જે દિશામાં પાકિસ્તાન જઈ રહ્યું છે."
"એ સમયે એમનો વિરોધ કરવો એ ખૂબ ખતરનાક કામ હતું કારણ કે તરત જ મને દેશદ્રોહી કહી દેવામાં આવ્યો હોત."
"જ્યારે ખેડૂત આંદોલન સમયે મને લાગ્યું કે આ લોકો ખેડૂતોને નજરઅંદાજ કરી રહ્યા છે ત્યારે જ મેં આ મુદાને ઉઠાવ્યો હતો."
જૂના અને અત્યારના વિધાનોમાં વિરોધાભાસ?
સત્યપાલ મલિકે કરણ થાપરને આપેલા ઇન્ટરવ્યૂમાં એવો દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેંદ્ર મોદીને ભ્રષ્ટાચારથી કોઈ ખાસ નફરત નથી.
પરંતુ જ્યારે સત્યપાલ મલિક મેઘાલયના રાજ્યપાલ હતા ત્યારે એમણે રાજસ્થાનમાં એક ભાષણ આપ્યું હતું.
એમણે કહ્યું હતું કે "જ્યારે હું કાશ્મીરમાં રાજ્યપાલ તરીકે હતો ત્યારે મારા પાસે બે ફાઈલો આવી હતી."
"તેમાં એક પ્રોજેકટ સાથે આરએસએસ સાથે સંકળાયેલી એક વ્યક્તિ અને એક પ્રોજેકટ સાથે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી જોડાયેલા હતા."
"એ વિભાગોના સચિવોએ એમને જાણકારી આપી હતી કે આ પ્રોજેક્ટ્સમાં મોટી ગડબડ છે. ત્યારપછી સત્યપાલ મલિકે આ પ્રોજેક્ટ્સને રદ્દ કરી દીધા હતા."
પરંતુ એમણે પોતાના ભાષણમાં એ પણ કહ્યું હતું કે જ્યારે વડા પ્રધાનને એમણે આ વાત કરી ત્યારે વડા પ્રધાને એવું કહ્યું હતું કે "ભ્રષ્ટાચાર પર કોઈ સમાધાન કરવાની જરૂર નથી".
તો શું એમના અત્યારનાં નિવેદનો અને પહેલાંનાં નિવેદનોમાં વિરોધાભાસ નથી?
સત્યપાલ મલિક જવાબ આપે છે, "હા, એમને ભ્રષ્ટાચારથી કોઈ ચીડ નથી. મેં એમને ગોવામાં ચાલતા ભ્રષ્ટાચારની ફરિયાદ કરી એટલે જ મને ગોવાથી હટાવી દેવામાં આવ્યો."
"એ લોકો પર પગલાં લેવાને બદલે મારી જ ટ્રાન્સફર કરી દીધી. કાશ્મીરના પ્રોજેક્ટ્સ રદ્દ કર્યા પછી હું તરત જ તેમને મળવા ગયો હતો અને કહ્યું હતું કે મેં પ્રોજેક્ટ્સ રદ્દ કરી દીધા છે."
"તમારે મને રાજ્યપાલપદેથી હટાવી દેવો હોય તો મને વાંધો નથી."
"પરંતુ ત્યારે એમણે એવું કહ્યું હતું કે, ‘ભ્રષ્ટાચાર પર કોઈ સમાધાન કરવાની જરૂર નથી.’ "
‘અરવિંદ કેજરીવાલની ધરપકડ થશે’
શું ભ્રષ્ટાચાર સામે લડી શકે તેવો તમને દેશમાં કોઈ એક ચહેરો દેખાય છે?
એમણે કહ્યું કે "એક નહીં, એવા અનેક લોકો હજી દેશમાં છે. જેમ કે નીતીશ કુમાર."
પરંતુ બિહારમાં જ્યારે નીતીશ કુમાર મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યપાલ પદે રહીને સત્યપાલ મલિક જ કહી રહ્યા હતા કે "બિહારની શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટ છે", તો પછી તેઓ કઈ રીતે કહી શકે કે નીતીશ કુમારની છબી સ્વચ્છ છે?
એમણે હસતાં- હસતાં કહ્યું કે, "તો પણ બીજા લોકોની સરખામણીમાં તેઓ સારા છે."
અરવિંદ કેજરીવાલ પણ ખૂબ જોરશોરથી તમારા ઉઠાવેલા સવાલોને એમનો મુદ્દો બનાવે છે એ વાત પર એમણે કહ્યું કે "અરવિંદ કેજરીવાલ પણ બીજાની તુલનામાં સારા છે પરંતુ ભ્રષ્ટાચારના આરોપો તો એમની સરકાર પર પણ લાગી રહ્યા છે."
જવાબમાં તેઓ કહે છે, "મને લાગે છે કે એમની ચૂંટણી પહેલાં સો ટકા ધરપકડ કરવામાં આવશે."
તો શું અરવિંદ કેજરીવાલ નરેંદ્ર મોદી સામેનો ચહેરો બની શકે?
સત્યપાલ મલિક કહે છે, "નરેંદ્ર મોદી સામેનો ચહેરો કોઈ બની શકે એવું હું નથી કહી રહ્યો."
"એમની સામે પ્રજાએ જ ચહેરો બનવું જોઈએ. જનતા વિ. મોદીની ચૂંટણી થવી જોઈએ."
કોણ છે સત્યપાલ મલિક?
સત્યપાલ મલિકની રાજકીય કૅરિયર પણ ખૂબ લાંબી રહી છે.
1974માં તેઓ ચૌધરી ચરણસિંહની પાર્ટી ભારતીય ક્રાંતિદળની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા.
1980માં તેઓ રાજ્યસભા સાંસદ બન્યા, પરંતુ 1984માં કૉંગ્રેસમાં જોડાઈ ગયા અને 1986માં ફરીથી રાજ્યસભા સાંસદ બન્યા.
બોફોર્સ કૌભાંડ સામે આવ્યા પછી એમણે સાંસદ તરીકેનો કાર્યકાળ પૂરો થાય એ પહેલાં જ કૉંગ્રેસ છોડી દીધી હતી.
પછી 1989માં તેઓ જનતાદળની ટિકિટ પર લોકસભા સાંસદ બન્યા.
એ ઉપરાંત તેઓ સમાજવાદી પાર્ટીમાં પણ રહ્યા અને 2004માં ભાજપ સાથે જોડાયા.
2012માં તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા.
2017માં તેમને બિહારના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા.
ત્યારપછી તેમણે જમ્મુ-કાશ્મીર, ગોવાનું રાજ્યપાલપદ સંભાળ્યું અને 2022ના ઑક્ટોબરમાં તેઓ મેઘાલયના રાજ્યપાલપદેથી નિવૃત્ત થયા.
તો શું સત્યપાલ મલિક એક નવી રાજકીય ઇનિંગ શરૂ કરી રહ્યા છે?
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ ન તો ચૂંટણી લડશે કે ન તો કોઈ પાર્ટીમાં જશે.
તો શું તેઓ વિપક્ષને એક કરવાની ભૂમિકામાં છે? કારણ કે ઉત્તર-પ્રદેશમાં તેઓ સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસને સાથે લાવવા માગે છે અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસને સાથે લાવવા માગે છે.
એમણે કહ્યું કે, "મેં મારા અનુભવથી તેમને એક સલાહ આપી છે. જ્યારે હું વીપી સિંહ સાથે હતો એ સમયે પણ એકતા ન હતી એટલે એમણે ‘વન વર્સિઝ વન’ એવી એક ફૉર્મૂલા આપી હતી."
"એક ઉમેદવાર સામે એક ઉમેદવાર. આવી પરિસ્થિતિમાં એ નક્કી નથી કરવું પડતું કે નેતા કોણ હશે. આ વાત પર લગભગ બધી પાર્ટીઓ સહમત છે."
ભાજપ સાથે કેમ જોડાયા?
તેઓ કહે છે, "હું બહુ મોડો ભાજપમાં આવ્યો. હું લોહિયાવાદી હતો. મને જ્યારે એવું લાગ્યું કે બધી પાર્ટીઓ તૂટી ગઈ, લોકદળના ચાર ટુકડા થઈ ગયા, હવે મારી કોઈ જગ્યા બચી નથી ત્યારે હું ભાજપમાં જોડાયો."
"મારા પાસે કોઈ રસ્તો ન હતો. પણ મારા ભાષણોમાં એવી વાત ક્યારેય જોવા નહીં મળે જે ભાજપના લોકો બોલે છે."
"હું હંમેશા મારી લોહિયાવાળી જ લાઇન પકડી રાખતો હતો.’
નરેંદ્ર મોદીની લોકપ્રિયતા પાછળ સત્યપાલ મલિકને શું કારણ લાગે છે?
એમનું કહેવું છે કે, "આ લોકપ્રિયતા તો મૅનેજ કરવામાં આવી છે, બનાવવામાં આવી છે. એમની લોકપ્રિયતા હિન્દુ-મુસ્લિમ વાળી છે."
"જેટલું હું સમજું છું એ પ્રમાણે 2024માં એ કામ નહીં કરે. લોકો એમની રમતને સમજી ગયા છે. લોકો બેરોજગારી અને મોઘવારીથી ત્રાસેલા છે."
"હું લોકો સાથે મહિનામાં આઠ થી 10 મીટીંગો કરૂં છું. લોકો હવે સવાલો કરી રહ્યા છે."
‘જેલ જવું પડશે તો જઈશું’
76 વર્ષના સત્યપાલ મલિક દિલ્હીમાં ભાડાના મકાનમાં એકલા રહે છે.
સુરક્ષા માટે એમને માત્ર એક ગાર્ડ મળ્યો છે. ધી વાયરને આપેલા ઇન્ટરવ્યૂ પછી સીબીઆઇ તેમના ઘરે પણ પૂછપરછ કરવા માટે ગઈ હતી.
શું સત્યપાલ મલિકને ડર નથી લાગતો કે એમને પણ જેલ જવું પડશે?
તેઓ કહે છે, "હું પહેલાં પણ ઘણીવાર જેલ ગયો છું. મારો આત્મવિશ્વાસ કહે છે કે હું સાચી દિશામાં છું, સાચા પ્રશ્નો ઉઠાવી રહ્યો છું. જો તેના કારણે જેલ જવું પડે તો જઈશ."