You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
AAP હવે રાષ્ટ્રીય પાર્ટી, એનસીપી અને ટીએમસીનો દરજ્જો છીનવાયો
શરદ પવારની નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)નો હવે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો રહ્યો નથી, જ્યારે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે.
સોમવારે ચૂંટણીપંચે રાષ્ટ્રીય પાર્ટીઓની એક નવી સૂચિ જાહેર કરી છે, જેમાં કૉમ્યુનિસ્ટી પાર્ટી ઑફ ઇન્ડિયા (સીપીઆઈ) અને મમતા બેનરજીની ટીએમસીને પણ આ સૂચિમાં બહાર કરી દીધી છે.
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ને નાગાલૅન્ડની સ્ટેટ પાર્ટીનો દરજ્જો મળ્યો છે, જ્યારે ત્રિપુરામાં સ્ટેટ પાર્ટી તરીકે હાલમાં બનેલી ટિપરા મોથાને સ્થાન મળ્યું છે.
વૉઇસ ઑફ પીપુલ પાર્ટીનો મેઘાલયમાં સ્ટેટ પાર્ટીનો દરજ્જો પણ છીનવાઈ ગયો છે.
બીઆરએસનો આંધ્રપ્રદેશની સ્ટેટ પાર્ટીનો દરજ્જો પણ ખતમ કરી દેવાયો છે.
હાલમાં કે. ચંદ્રશેખર રાવની ટીઆરએસનું નામ બદલીને બીઆરએસ કરવામાં આવ્યું હતું.
આ સિવાય ઉત્તરપ્રદેશમાં આરએલડીનો સ્ટેટ પાર્ટીનો દરજ્જો છીનવાઈ ગયો છે.
પશ્ચિમ બંગાળમાં આરએસપી (રિવોલ્યુશનરી સોશિયલિસ્ટ પાર્ટી)નો પણ સ્ટેટ પાર્ટીનો દરજ્જો ખતમ કરી દેવાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં ભાજપનો 156 બેઠકો પર વિજય થયો હતો, જ્યારે કૉંગ્રેસ માત્ર 17 બેઠકો પર જીતી શકી હતી.
તેમજ પ્રજા માટે પોતાની જાતને ત્રીજા વિકલ્પ સ્વરૂપે રજૂ કરનાર આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો પર વિજય મેળવ્યો હતો.
ચૂંટણીપંચનાં ધારાધોરણો પ્રમાણે ગુજરાતની ચૂંટણીમાં સારો એવો વોટશૅર મેળવીને આપ રાષ્ટ્રીય પક્ષોની પંગતમાં સામેલ થવામાં સફળ રહી છે.
નોંધનીય છે કે આમ આદમી પાર્ટી મસમોટા વોટશૅર સાથે દિલ્હી અને પંજાબમાં સત્તામાં છે.
વર્ષ 2022ના માર્ચમાં યોજાયેલી ગોવા વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 6.77 ટકા વોટશૅર મેળવ્યો હતો.
પાર્ટીએ દિલ્હી, પંજાબ અને ગોવામાં પોતાની 'ઓળખ' તો ઊભી કરી લીધી હતી. જેથી ચૂંટણીપંચનાં ધારાધોરણો મુજબ પાર્ટીએ ગુજરાત અથવા તો હિમાચલ પ્રદેશમાં છ ટકા વોટશૅર મેળવવો અને પોતાની 'ઓળખ' પ્રસ્થાપિત કરવી જરૂરી હતી.
ચૂંટણીપંચના આંકડા પ્રમાણે, હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટીને 1.10 ટકા વોટશૅર મળ્યો હતો. જ્યારે ગુજરાતમાં પાર્ટીનો વોટશૅર 12.9 ટકા હતો. જે ધારધોરણો કરતાં બમણો છે.
- ચૂંટણીપંચે રાષ્ટ્રીય પક્ષોની જાહેર કરેલી નવી યાદીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનો સમાવેશ કરાયો છે
- ચૂંટણીપંચનાં ધારાધોરણો અનુસાર એનસીપી અને ટીએમસી જેવી કેટલીક પાર્ટીઓનો રાષ્ટ્રીય દરજ્જો ખતમ કરી દેવાયો છે
- વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપે 12.9 ટકા વોટશૅર મેળવ્યા બાદ પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી હતી
- નોંધનીય છે કે ગુજરાતમાં પાંચ ધારાસભ્યો ધરાવનારી આપ દિલ્હી અને પંજાબમાં સત્તા પર છે
રાષ્ટ્રીય પાર્ટી માટે શું છે ધારાધોરણો?
ભારતીય ચૂંટણીપંચની 'પૉલિટિકલ પાર્ટીઝ ઍન્ડ સિમ્બૉલ્સ, 2019 હૅન્ડબુક' અનુસાર કોઈ પણ રાજકીય પાર્ટી ત્યારે નેશનલ પાર્ટી ગણાશે જ્યારે :
- તેની ચાર કે તેથી વધુ રાજ્યોમાં 'ઓળખ' હોય અથવા
- જો પાર્ટીએ ચાર કે તેથી વધુ રાજ્યોમાં વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં છ ટકાથી વધુ વોટશૅર મેળવ્યો હોય અથવા તો લોકસભાની ચૂંટણીમાં તેમના ચાર સાંસદો ચૂંટાયા હોય અથવા
- તેમણે ઓછામાં ઓછા ત્રણ રાજ્યોમાં લોકસભાની કુલ બેઠકોમાંથી 2 ટકા સીટો મેળવી હોય.
ઉલ્લેખનીય છે કે આ ધારાધોરણો મુજબ ચૂંટણીપંચ સમયાંતરે પાર્ટીઓનું મૂલ્યાંકન કરે છે અને તેમાં બંધબેસતી ન હોય તેવી પાર્ટીઓની કક્ષામાં ફેરફાર પણ કરે છે.
આપે ગુજરાતને આપ્યું હતું ‘શ્રેય’
નોંધનીય છે કે ગુજરાતમાં પાંચ બેઠકો પર વિજય મેળવ્યા છતાં આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવી સહિતના એકેય ચર્ચિત ચહેરાઓ ચૂંટણી જીત્યા નહોતા.
જોકે, ચૂંટણીમાં હાર્યા બાદ આમ આદમી પાર્ટીનું એક ટ્વીટ ચર્ચામાં આવ્યું હતું. આ ટ્વીટમાં ગુજરાતનાં ચૂંટણીપરિણામોના બળે આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પાર્ટી બનવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જે સાચો પણ ઠર્યો છે.
આમ આદમી પાર્ટીએ ટ્વીટ કર્યું હતું કે, "એક નાનકડી આમ આદમી પાર્ટી"ને રાષ્ટ્રીય પાર્ટી બનાવવા માટે ગુજરાતની જનતાનો આભાર અને તમામ દેશવાસીઓને શુભેચ્છા. અમે ભારતને નંબર. 1 રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ પર અડગ છે."
દિલ્હીના ભૂતપૂ્ર્વ નાયબમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ પણ આવું જ કંઈક ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું, "ગુજરાતની જનતાના વોટથી આમ આદમી પાર્ટી આજે રાષ્ટ્રૂીય પાર્ટી બની ગઈ છે. શિક્ષણ અને સ્વાસ્થ્યની રાજનીતિ પ્રથમ વખત રાજનીતિમાં ઓળખ બનાવી રહી છે. આ માટે દેશને અભિનંદન."