અર્જુન મોઢવાડિયાએ કૉંગ્રેસમાંથી રાજીનામું કેમ આપ્યું?

પોરબંદરના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.

રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કૉંગ્રેસના 'ફાયરબ્રાન્ડ' નેતા અંબરીષ ડેરે સોમવારે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મોઢવાડિયાના રાજીનામા રૂપે ગુજરાત કૉંગ્રેસને બીજો મોટો ઝટકો લાગ્યો છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે.

તેમણે રાજીનામું આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં અર્જુન મોઢવાડિયાએ કૉંગ્રેસ પક્ષ છોડવાનું કારણ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે તેઓ કેટલાક સમયથી કૉંગ્રેસ પાર્ટીમાં ગૂંગળામણ અનુભવી રહ્યા હતા.

અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, "1982 વિદ્યાર્થી તરીકે જોડાયો હતો, પોરબંદર તાલુકા યુવક કૉંગ્રેસથી શરૂ કરીને , ધારાસભ્ય, વિધાનસભામાં વિપક્ષનો નેતા, પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ રહ્યો છું. કૉંગ્રેસ પક્ષમાં કેટલાક સમયથી ગૂંગળામણ અનુભવતો હતો, જે આશાએ કૉંગ્રેસમાં આવ્યો હતો, તે નહોતું થઈ રહ્યું. દેશને આઝાદી મહાત્મા ગાંધીના નેતૃત્વમાં મળી હતી. પરંતુ ગાંધીજીએ કહ્યું તેમ આઝાદ થયો નથી, તે આઝાદી અપાવવા હું કૉંગ્રેસમાં જોડાયો હતો."

"છેલ્લાં ઘણાં વર્ષોથી લાગતું હતું કે સામાજિક અને આર્થિક બદલાવ લાવવાનું કામ કૉંગ્રેસમાં રહીને નહીં કરી શકું."

તેમણે કહ્યું કે જે પક્ષ માટે લોહી પસીનો પાડ્યા તેને છોડી દેવો મુશ્કેલ હતો.

રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મામલે અર્જુન મોઢવાડિયાની નારાજગી?

અર્જુન મોઢવાડિયાએ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ ન થવાના પાર્ટી નેતૃત્વના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. તેઓ આ અંગે પહેલાં પણ પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.

તેમણે કહ્યું કે, "પ્રજા સાથેનો તાંતણો ગુમાવી દે તો રાજકીય પક્ષ અસ્તિત્વ ગુમાવી દે છે અને એનજીઓ બને છે. અદાલતના ફેસલા બાદ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠામાં આમંત્રણ મળ્યું તેને પાર્ટીએ ઠુકરાવ્યું."

તેમણે કહ્યું કે તેમણે ત્યારે અવાજ ઉઠાવ્યો હતો કે પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવવાનો નિર્ણય ખોટો છે.

અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, "વારંવાર મેં મારો સંદેશ પહોંડવાની કોશિશ કરી જેમાં સફળતા ન મળી."

મોઢવાડિયાએ કૉંગ્રેસ પ્રમુખને પત્ર લખીને શું કહ્યું?

સમાચાર સંસ્થા એએનઆઈએ અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યા બાદ સોશિયલ મીડિયા વેબસાઇટ 'એક્સ' પર કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમણે લખેલો પત્ર ટ્વીટ કર્યો હતો.

એ પત્રમાં મોઢવાડિયાએ રાજીનામું આપવા પાછળનાં કારણો જણાવ્યાં હતાં. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમથી કૉંગ્રેસે જાળવેલા અંતરથી મોઢવાડિયા નારાજ હોવાનું પત્રમાં જણાવાયું છે.

ખડગેને સંબોધતાં મોઢવાડિયાએ લખ્યું છે, 'કૉંગ્રેસના નેતૃત્વે બાલક રામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સનું આમંત્રણ અસ્વીકારતાં મેં 11 જાન્યુઆરીએ મેં મારો વિરોધ નોંધાવ્યો હતો. પ્રભુ રામ માત્ર હિંદુઓના જ પૂજનીય નથી પણ તેઓ ભારતની આસ્થા છે. આમંત્રણનો અસ્વીકાર કરીને ભારતના લોકોની લાગણી દુભાવી છે અને કૉંગ્રેસ લોકોની લાગણી કળવામાં નિષ્ફળ નીવડી છે.'

'અયોધ્યામાં મહોત્સવનો બહિષ્કાર કરીને કૉંગ્રેસ પક્ષે જે રીતે ભગવાન રામનું અપમાન કર્યું છે, એનાથી દુભાયેલા કેટલાય લોકોનું હું મળ્યો છું.'

'આ પવિત્ર પ્રસંગને અપમાનિત કરતાં રાહુલ ગાંધીએ આસામમાં હોબાળો કર્યો હતો, જેનાથી પક્ષના કાર્યકરો અને ભારતના નાગરિકોના ગુસ્સામાં વધારો થયો હતો. આ ઉપરાંત છેલ્લાં કેટલાંય વર્ષોથી મેં મારા જિલ્લા પોરબંદર અને ગુજરાતના લોકો માટેના યોગદાન આપવામાં મારી જાતને અસહાય અનુભવી છે. એટલે જે પક્ષ સાથે હું 40 વર્ષથી જોડાયેલો હતો અને મારું આખું જીવન આપી દીધું એમાંથી હું રાજીનામું આપું છું.'