You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અંબરીષ ડેર : ભાજપના પ્રમુખ પાટીલ જેમને કૉંગ્રેસ છોડાવવા મથતા રહ્યા એ નેતા કોણ છે?
“આદમી બિકતા જરૂર હૈ, કિંમતે તય કરતી હૈ ઊસકી મજબૂરીયા. ઔર જરૂરી નહીં કી ઊસકી મજબૂરી પૈસા હી હો.” ગુજરાતની ગત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાવા મામલે બીબીસીએ કરેલા પ્રશ્નના જવાબમાં કૉંગ્રેસના હવે ભૂતપૂર્વ બની ગયેલા ધારાસભ્ય અંબરીષ ડેરે કહેલી આ વાત યાદ આવી જાય છે.
સોમવારે (4 માર્ચ, 2024) ગુજરાત કૉંગ્રેસના ‘ફાયરબ્રાન્ડ નેતા’ અને રાજુલાના ભૂતપૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોવાની મીડિયા સમક્ષ પુષ્ટિ કરી છે અને 5 માર્ચે ભાજપમાં સામેલ થવાની જાહેરાત કરી છે. જોકે કૉંગ્રેસના પક્ષપ્રમુખ શક્તિસિંહ ગોહિલે અંબરીષ ડેરને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હોવાની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે આ પહેલાં પણ ઘણી વાર ગુજરાત કૉંગ્રેસના આક્રમક વલણ ધરાવતા નેતા તરીકેની છબિવાળા અંબરીષ ડેરની ભાજપમાં જોડાવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી.
જોકે, અંબરીષ ડેર દરેક વખતે આ વાતનો ઇનકાર કરતા હતા. પરંતુ સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે રામમંદીર અને 370ની કલમ દૂર કરવા જેવા ભાજપ શાસિત કેન્દ્ર સરકારે લીધેલા મોટા નિર્ણયોમાં કૉંગ્રેસ દ્વારા થયેલી ટીકાને કારણ ગણાવી પક્ષમાંથી રાજીનામું આપી દીધું હોવાનું જણાવ્યું હતું.
એટલું જ નહીં તેમણે ભાજપના નેતા હીરા સોલંકી ચૂંટણીમાં હરાવ્યા હતા તેમની જ સાથે મંચ પર ઉપસ્થિત રહેવા જેવી સ્થિતિ વિશે ખૂબ જ સૂચક રીતે કહ્યું હતું, "રાજકારણમાં ક્યારેય કોઈ કાયમી મિત્ર કે કાયમી શત્રુ હોતા નથી."
ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે પણ અંબરીષ ડેરને ભાજપમાં લઈ આવવા માટે ભૂતકાળમાં નિવેદનો આપ્યાં હતાં.
નવેમ્બર, 2023માં વેરાવળના એક પ્રોગ્રામમાં ભાજપના ગુજરાત એકમના પ્રમુખ સી. આર. પાટીલે હળવા અંદાજમાં સૂચક નિવેદન કરતાં કહ્યું હતું કે, “તેના માટે મેં બસમાં રૂમાલ મૂકી રાખ્યો હતો. અંબરીષભાઈ ડેર બસ ચૂકી ગયા. એ મારો મિત્ર જ છે, હું એને હાથ પકડીને લાવવાનો જ છું.”
ઉપરાંત ગત વિધાનસભાની ચૂંટણી પહેલાં પણ તેમણે ‘અંબરીષ ડેર માટે ખાસ જગ્યા’ રાખી હોવાનું નિવેદન આપીને કૉંગ્રેસના આ નેતાની વગ અને ડિમાન્ડ અંગે લોકોને વિચારતા કરી દીધા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે પાછલા ઘણા સમયથી ગુજરાતમાં ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત ઘણા નેતાઓ કૉંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. આ સંખ્યા એટલી તો મોટી હતી કે કેટલાક સ્થાનિક મીડિયાના અહેવાલોમાં આ કાર્યક્રમોને ‘ભાજપના કૉંગ્રેસી ભરતીમેળા’ની ઉપમા અપાઈ હતી.
હવે જ્યારે અંબરીષ ડેરની ભાજપમાં જોડાવાની અટકળો હવે વાસ્તવિક્તા બની ચૂકી છે ત્યારે બીબીસી ગુજરાતીએ તેમની રાજકીય કારકિર્દી પર નજર કરી હતી.
19 વર્ષ પછી ભાજપ પાસેથી આંચકી લીધી રાજુલા બેઠક
રાજુલાના સ્થાનિક પત્રકાર જયદેવ વરુ પ્રમાણે અંબરીષ ડેર રાજુલામાં વર્ચસ્વ ધરાવતા આહીર સમાજમાંથી આવે છે.
હાલ તેઓ સૌરાષ્ટ્ર સારું એવું વર્ચસ્વ ધરાવે છે.
50 વર્ષીય ઉદ્યોગકાર એવા અંબરીષ ડેરની રાજકીય કારકિર્દીની શરૂઆત નગરપાલિકાથી થઈ હોવાનું પત્રકાર વરુ જણાવે છે.
તેઓ કહે છે કે, “તેઓ સૌપ્રથમ વખત વર્ષ 2003માં બીએસપીમાંથી રાજુલા નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાયા હતા, પછી 2005માં તેઓ નગરપાલિકાના પ્રમુખ બન્યા. જે દરમિયાન એક વર્ષ માટે તેઓ રાજુલાના યુવા ભાજપના ઉપપ્રમુખ પણ રહ્યા હતા.”
જોકે, બાદમાં ભાજપે નગરપાલિકાની ટિકિટ ન ફાળવતાં તેઓ વર્ષ 2009 સુધી તેઓ અન્ય પક્ષ થકી નગરપાલિકામાં ચૂંટાયા. બાદમાં 2009માં સમાજવાદી પાર્ટીથી તેઓ નગરપાલિકાની ચૂંટણીમાં જીત્યા.
પત્રકાર વરુ જણાવે છે, "નગરપાલિકાના રાજકારણ બાદ તેઓ વર્ષ 2014માં ફરીથી રાજકારણમાં ઍક્ટિવ થાય છે અને વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલાં વર્ષ 2015માં પોતાની કામગીરી અને વિસ્તારમાં વધતી લોકપ્રિયતાને પગલે કૉંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહની ગુડબુકમાં સમાવિષ્ટ થઈ જાય છે."
"બાદમાં તેમની વિસ્તારમાં કૉંગ્રેસના સિનિયર નેતાઓ અને દાવેદારોની નારાજગી વહોરીને કૉંગ્રેસ વર્ષ 2017ની ચૂંટણીમાં અંબરીષ ડેર પર દાવ રમે છે. જેનું તેમને પરિણામ પણ મળે છે. તેઓ 19 વર્ષથી આ બેઠક પર હીરા સોલંકીના ‘એકચક્રી શાસનનો અંત આણવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે."
વર્ષ 2017માં અમરેલીની રાજુલા વિધાનસભા બેઠક પરથી તેઓ ભાજપના 1998થી જીતતા આવતા ઉમેદવાર હીરા સોલંકીને પરાજિત કરીને ‘જાયન્ટ કિલર’ની ભૂમિકા ભજવી સૌની નજરમાં આવ્યા હતા.
તેમણે 12 હજાર કરતાં વધુ મતોથી ફૅવરિટ મનાતા ઉમેદવાર એવા હીરા સોલંકીને હરાવ્યા હતા.
2017માં વિધાનસભા જીત બાદ તેઓ સ્થાનિક સહકારી નાગરિક બૅન્કના ડાયરેક્ટર પણ બન્યા છે.
સ્થાનિકોના પ્રશ્નો ગાંધીનગર, મુખ્ય પ્રવાહનાં માધ્યમો અને સરકારના કાન સુધી પહોંચાડવાની તેમની આવડતને કારણે રાજુલામાં તેમના ટેકેદારો અને લોકપ્રિયતામાં ભારે વધારો થયો છે.
એ પછી પણ વિધાનસભામાં અને તેની બહાર પણ ભાજપની નીતિઓની ટીકા કરવામાં તેઓ ‘કૉંગ્રેસનો બુલંદ અવાજ’ બનીને સામે આવ્યા હતા.
જોકે, ડેરના સમર્થક યુવા વર્ગ અને ટેકેદારોની મત બૅન્ક મોટા ભાગે જળવાઈ રહેલી હોવાનું મનાય છે.
ડીએનએ ઇન્ડિયા ડોટ કૉમના એક અહેવાલ અનુસાર તેઓ પોતે એક ઉદ્યોગકાર અને સંપન્ન પરિવારમાંથી આવે છે. વર્ષ 2018માં પોતાનો ધારાસભ્ય તરીકેનો પગાર દાન કરી દેવાની જાહેરાત કરીને તેઓ સમાચારોમાં છવાઈ ગયા હતા.
પત્રકાર વરુ અંબરીષ ડેરની લોકપ્રિયતા અંગે વાત કરતા કહે છે : તેમની એક યુવાન નેતા તરીકેની છબિ અને આક્રમક વલણમાં ભાષણ આપવાની શૈલી તેમને યુવા વર્ગમાં લોકપ્રિય બનાવે છે.
જોકે, વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિકોનાં પડતર કામો અને હિંદુત્વ સહિતના મુદ્દાઓએ તેમની હારમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ચૂંટણીમાં ફરી એક વાર હીરા સોલંકીનો વિજય થયો હતો.
કૉંગ્રેસી નેતાઓના પક્ષપલટા મુદ્દે ભાજપ પર કર્યા હતા પ્રહાર
વર્ષ 2017થી અવારનવાર કૉંગ્રેસના અન્ય ધારાસભ્યોની માફક તેઓ પણ ‘પક્ષપલટો’ કરીને ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છાશવારે વ્યક્ત કરવામાં આવતી રહી. જોકે, તેઓ આવી તમામ શક્યતાઓને રદિયો આપતા રહેતા.
ગુજરાત ભાજપની ટીકા કરતા અંબરીષ ડેરે ભાજપમાં સામેલ થવાની શક્યતા અંગે સપ્ટેમ્બર, 2022માં કહ્યું હતું :
“2000ની સાલ બાદથી આ રાજ્યમાં મૅનપાવર, મનીપાવર અને મસલપાવરે લોકશાહીને ઘણું નુકસાન કર્યું છે.”
“આજે પરિવારોને હેરાન કરાય છે, જુદા જુદા કેસોમાં ફસાવી દેવાની વાત કરાય છે. મંત્રીમંડળમાં સ્થાન આપવા સહિતનાં પ્રલોભનો અપાય છે. આ પ્રલોભનોમાં ક્યાંકને ક્યાંક લોકો આમાં આવી જતા હોય છે. અમે 27 વર્ષથી અમારી સરકાર રાજ્યમાં નથી તો પણ પક્ષ સાથે ટકી રહ્યા છીએ. જો તેમ છતાં મીડિયામાં અમારું નામ ભાજપમાં જોડાનારાની યાદીમાં ચલાવાતું હોય તો એ ભલે થાતું. વગર પૈસે અમારી તો પ્રસિદ્ધિ થાય છે.”
“જોકે, અમે મીડિયાને સ્પષ્ટપણે કહ્યું છે કે આવું ન કરશો, પરંતુ તેઓ અમારી કોઈ વાત માનવા તૈયાર નથી. સરકારનો હાથ તેમની ઉપર છે. તેથી તેઓ આવું બધું ચલાવે છે. હું તો સ્પષ્ટપણે કહેવા માગું છું કે પાર્ટીએ મને ટિકિટ આપીને ધારાસભ્ય બનાવ્યો, પ્રવક્તા બનાવ્યો, કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો. મને કૉંગ્રેસે બધું આપ્યું. તેથી મારો કૉગ્રેસમાંથી જવાનો કોઈ પ્રશ્ન નથી.”