You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મનસુખ માંડવિયાને ભાજપે ભાવનગરને બદલે પોરબંદરથી ચૂંટણીમાં કેમ ઉતાર્યા?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારતીય જનતા પાર્ટીએ પોરબંદર લોકસભાની સીટ પરથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જ્યારે કૉંગ્રેસે તેમની વિરુદ્ધ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને ઉમેદવાર બનાવ્યા છે.
જોકે, ગઈકાલે પોરબંદર લોકસભા બેઠક હેઠળ આવતા ધોરાજી અને ઉપલેટામાં મનસુખ માંડવિયા વિરુદ્ધ બેનર લાગ્યાં હતાં. સ્થાનિક ઉમેદવારને મત આપવાની માંગ સાથે લાગેલાં આ પોસ્ટરોએ આ બેઠક પર રાજકીય પારો ઊંચે ચડાવી દીધો છે.
સ્થાનિક મીડિયા સાથેની વાતચીત દરમિયાન ધોરાજી ભાજપના શહેર પ્રમુખ રાજૂભાઈ બાલધાએ કહ્યું "કૉંગ્રેસના ઉમેદવાર હારી જવાના ભયથી પોસ્ટર લગાવી રહ્યા છે. હારના ભયથી કૉંગ્રેસ આવા સ્ટન્ટ કરી રહી છે. લોકો ભાજપને ઇચ્છે છે અને કૉંગ્રેસ હારી જવાની છે."
ભાજપના નેતાના આક્ષેપોનો જવાબ આપતા કૉંગ્રેસના પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર લલિત વસોયાએ સ્થાનિક મીડિયાને કહ્યું, “ભાજપના કાર્યકરોએ જ પોસ્ટર લગાવ્યાં છે. આ પોસ્ટર લગાવવા પાછળનું કારણ ભાજપમાં રહેલો આંતરિક વિખવાદ છે.”
આ પહેલાં વડોદરાની લોકસભા બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર તરીકે રંજનબહેન ભટ્ટનું નામ જાહેર કરવાની સાથે જ તેમનો વિરોધ શરૂ થઈ ગયો હતો અને વડોદરા ભાજપમાં વ્યાપેલો અસંતોષ ખૂલીને બહાર આવ્યો હતો.
પોરબંદરમાં માંડવિયા વિ. વસોયાનો જંગ
લોકસભા ચૂંટણી માટેની પહેલી યાદીમાં ગુજરાતથી પણ ભાજપે 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. તેમાં પાંચ સાંસદોની ટિકિટ કપાઈ છે.
આ યાદીમાં જ મનસુખ માંડવિયાને પોરબંદરથી ટિકિટ આપવામાં આવી હતી. જોકે, જ્યારથી તેઓ ઉમેદવાર તરીકે જાહેર થયા ત્યારથી જ તેઓ આયાતી ઉમેદવાર છે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો હતો.
પોરબંદરથી હાલના સાંસદ રમેશ ધડુકના સ્થાને તેમને ટિકિટ અપાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વ્યાપકપણે એ ચર્ચા થઈ રહી હતી કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલાને પણ ભાજપ ગુજરાતથી ચૂંટણી લડાવશે.
એમાં પણ સૌથી વધુ ચર્ચા એ વાતની થઈ રહી હતી કે મનસુખ માંડવિયાને ભાજપ ભાવનગર કે અમરેલી બેઠક પરથી ટિકિટ આપશે.
પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપે તેમને પોરબંદર બેઠક પરથી ટિકિટ આપીને સૌને ચોંકાવ્યા છે.
ભાજપે કેમ મનસુખ માંડવિયાને પોરબંદરથી ઉતાર્યા?
છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ચર્ચાઓમાં મનસુખ માંડવિયાને ભાવનગરથી ટિકિટ આપવામાં આવશે તેવી ચર્ચા હતી.
પરંતુ તેમને અંતે પોરબંદરથી ટિકિટ આપવામાં આવી છે અને રમેશ ધડુકની ટિકિટ કપાઈ ગઈ છે.
આવું થવા પાછળનાં કારણો જણાવતાં રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા જણાવે છે કે, “પોરબંદર બેઠક પરંપરાગત રીતે લેઉવા પટેલ સમુદાયના પ્રભુત્ત્વવાળી બેઠક ગણાય છે. એ સિવાય આ બેઠક માટે છેલ્લા ઘણા સમયથી અર્જુન મોઢવાડિયા ફૅક્ટરની પણ ચર્ચા હતી. વળી, વચ્ચે તો તેમના ભાજપમાં જોડાવાની પણ ચર્ચા હતી.”
“પરંતુ ચોક્કસપણે મનસુખ માંડવિયાને પોરબંદરથી ટિકિટ આપવામાં આવી તે ચોંકાવનારો નિર્ણય છે. વળી, કેન્દ્રીય મંત્રીને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી તેના કારણે ભાજપના કાર્યકર્તાઓને પણ દિલોજાનથી કામ કરવું પડે. એટલે જે થોડી ઘણી ચિંતા ભાજપને હોય તેને પણ તેણે નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો છે.”
મનસુખ માંડવિયાને ભાવનગરથી ટિકિટ ન આપવાના નિર્ણયને સમજાવતાં કૌશિક મહેતા કહે છે કે, “ત્યાંથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ કોળી સમુદાયના ઉમેશ મકવાણાને ટિકિટ આપી છે. ભાવનગરમાં કોળી મતદારોનું કાયમ પ્રભુત્ત્વ રહ્યું છે. એટલે એવું બની શકે કે ભાજપે ત્યાંથી મનસુખ માંડવિયાને ટિકિટ આપવાનું ટાળ્યું હોય.”
પોરબંદરની બેઠકનું ગણિત
પોરબંદરની લોકસભા બેઠક હેઠળ ગોંડલ, જેતપુર, ધોરાજી (રાજકોટ જિલ્લો), પોરબંદર અને કુતિયાણા (પોરબંદર જિલ્લો) અને માણાવદર તથા કેશોદ (જૂનાગઢ જિલ્લો) એમ ત્રણ જિલ્લાની સાત વિધાનસભા બેઠક આવે છે.
કૉંગ્રેસે 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન જે 17 બેઠકો જીતી હતી, તેમાંથી બે બેઠકો પોરબંદર અને માણાવદર આ લોકસભાની બેઠક હેઠળ આવે છે.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ પોરબંદર બેઠક પરથી પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયાને આઠ હજાર 100 કરતાં વધુ મતથી પરાજય આપ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક મીડિયામાં સતત એવા સમાચારો ચાલી રહ્યા હતા કે મેર સમાજના દિગ્ગજ નેતા અને વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. જોકે, અર્જુન મોઢવાડિયા આ વાતને નકારી ચૂક્યા છે.
2009ની લોકસભા ચૂંટણીમાં પોરબંદર બેઠક પર છેલ્લી વાર કૉંગ્રેસની જીત થઈ હતી અને વિઠ્ઠલભાઈ રાદડિયા ચૂંટાયા હતા. ત્યાર બાદ તેઓ ભાજપમાં ભળી ગયા અને 2013 તથા 2014માં ફરીથી એક વાર લોકસભા ચૂંટણીમાં તેઓ જીત્યા હતા.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયે કૉંગ્રેસે લલિત વસોયાને તો ભાજપે રમેશ ધડુકને ટિકિટ આપી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા લલિતભાઈ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધોરાજીની બેઠક પરથી વિજેતા થયા હતા. તેમણે વિઠ્ઠલભાઈના ગઢમાં ગાબડું પાડ્યું હતું
પોરબંદર બેઠકનો ઇતિહાસ
વર્ષ 1997માં શંકરસિંહ વાઘેલાએ તેમનું પદ છોડ્યું તેના લગભગ 25 દિવસ પહેલાં ગાંધી જયંતીના રોજ જૂનાગઢમાંથી અલગ જિલ્લા તરીકે પોરબંદરની જાહેરાત કરી, જેના હેઠળ પોરબંદર અને કુતિયાણા એમ બે વિધાનસભા બેઠક મૂકવામાં આવી.
સૌપ્રથમ ચૂંટણી સમયે હાલની પોરબંદર બેઠક હેઠળ આવતા વિસ્તારોનું પ્રતિનિધિત્વ સોરઠ અને હાલાર બેઠક દ્વારા થતું. એ અરસામાં આ ભૂભાગ સૌરાષ્ટ્ર રાજ્ય હેઠળ આવતો. સૌરાષ્ટ્ર રાજ્યને લોકસભાની છ બેઠક મળેલી હતી.
ગુજરાત રાજ્યના ગઠન બાદ જૂનાગઢ અને જામનગર લોકસભા બેઠકોએ અનુક્રમે સોરઠ અને હાલાર બેઠકોની સ્થાનપૂર્તિ કરી. રાજ્યને 22 બેઠક મળી હતી, જે 1971ની ચૂંટણી સમયે વધીને 24 થઈ.
જિલ્લા તરીકેની સ્થાપનાના બે દાયકા પહેલાં વર્ષ 1977ની લોકસભા ચૂંટણી સમયે પોરબંદર બેઠક સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવી. આ સાથે જ ગુજરાતની બેઠકસંખ્યા વધીને 26 થઈ હતી, જેમાં અનુસૂચિત જાતિને બે તથા અનુસૂચિત જનજાતિને માટે ચાર બેઠક અનામત રાખવામાં આવી હતી.
1991માં ભાજપ પહેલીવાર પોરબંદર લોકસભાની બેઠક જીત્યું હતું અને હરિલાલ પટેલ સાંસદ તરીકે ચૂંટાયા હતા.
2024ની લોકસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે હજુ સુધી ઇન્ડિયા ગઠબંધન હેઠળ તેના ફાળે ગુજરાતમાં આવેલી 24 બેઠકો પૈકી એક પણ ઉમેદવાર જાહેર કર્યા નથી, એટલે પોરબંદરથી તેના ઉમેદવાર કોણ હશે તે જાહેર થયું નથી.