લોકસભા ચૂંટણી : ગુજરાતમાં ભાજપે 15માંથી પાંચ નવા ચહેરા કેમ ઉતાર્યા છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે.

આ યાદીમાં ગુજરાતની 15 લોકસભા બેઠકો પરથી પણ પાર્ટીના ઉમેદવાર જાહેર કરાયા છે.

કુલ 16 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના 195 ઉમેદવારોની જાહેરાત ભાજપે પહેલા તબક્કામાં કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર વારાણસીથી ચૂંટણી લડશે.

ગુજરાતમાં લોકસભા બેઠકો પરના ભાજપના ઉમેદવારોની વાત કરીએ તો ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલનાં નામની અપેક્ષિત જાહેરાત ઉપરાંત અન્ય 13 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરાઈ છે.

કચ્છથી વિનોદભાઈ ચાવડા, બનાસકાંઠાથી ડૉ. રેખાબહેન ચૌધરી, પાટણથી ભરતસિંહજી ડાભી, અમદાવાદ પશ્ચિમથી દિનેશભાઈ મકવાણા, રાજકોટથી પરશોત્તમ રૂપાલા, પોરબંદરથી મનસુખ માંડવિયા, જામનગરથી પૂનમબહેન માડમ, આણંદથી મીતેશભાઈ રમેશભાઈ પટેલ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલથી રાજપાલ જાધવ, દાહોદથી જસવંતસિંહ ભાભોર, ભરૂચથી મનસુખ વસાવા અને બારડોલીથી પ્રભુભાઈ વસાવાનાં નામની જાહેરાત કરાઈ છે.

ભાજપની પહેલી યાદીમાં ગુજરાતની 15 બેઠકો પરથી જાહેર થયેલાં નામમાં ભાજપના હાલના પાંચ સાંસદોની ટિકિટ કપાઈ છે.

ભાજપે પંદરમાંથી પાંચ નવા ચહેરા કેમ ઉતાર્યા છે?

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય એ પહેલાં ભાજપે ગુજરાતમાં પહેલાં પંદર ઉમેદવારોમાંથી પાંચ નવા ચહેરા ઉતારવા પાછળ જ્ઞાતિનું ગણિત અને વિપક્ષી દળો પર મનોવૈજ્ઞાનિક દબાણ લાવવા માટે નવી ટેકનિક અપનાવી હોવાનું રાજકીય પંડિતોનું માનવું છે.

આ પાછળનું મુખ્ય કારણ છે કે ભાજપનો વોટ શેર શહેરી વિસ્તારમાં વધ્યો છે પણ સેમી અર્બન અને રૂરલ (ગ્રામીણ) વિસ્તારમાં વિપક્ષના વોટનું ભલે વિભાજન થયું હોય પણ ભાજપ વિરોધી વોટમાં કોઈ મોટો ફર્ક પડ્યો નથી. જેના પરિણામે જ્ઞાતિવાર સમીકરણના ચોકઠાં ગોઠવી નવા ચહેરા ઉતાર્યા છે.

તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર અને જાણીતા સેફોલોજિસ્ટ ડૉ. એમ.આઈ. ખાને ભાજપની નવી રણનીતિ વિષે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ભાજપ ચૂંટણી જાહેર થયા પહેલાં ગુજરાતના 15 લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે, એની પાછળ ચોક્કસ ગણિત છે."

"દરવખતની જેમ લોકો માનતા હતા કે આ વખતે પણ ભાજપ ' નો રિપીટ ' ના નામે નવા ચહેરા ઉતારી લોકોને આશ્ચર્યમાં મૂકશે. આ વખતે પણ એવુંજ કર્યું છે તેમ કહીયે તો ખોટું નહીં ગણાય. કારણકે 15માંથી પાંચ જૂના ઉમેદવારોને બદલી નવા મુકવા એ ' નો રિપીટ ' થિયરીનો જ એક પ્રકાર છે."

આ વખતે બનાસકાંઠાથી પરબત પટેલ, અમદાવાદ પશ્ચિમથી કિરીટ સોલંકી, રાજકોટથી મોહન કુંડારિયા, પંચમહાલથી રતનસિંહ રાઠોડ અને પોરબંદરથી રમેશ ધડુકના સ્થાને અન્ય ઉમેદવારોને ટિકિટ અપાઈ છે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતના આદિવાસી મતદારોને જોડવા ભાજપે કેવી રણનીતિ અપનાવી?

આદિવાસી પટ્ટાની વાત કરીએ તો ભરૂચથી મનસુખ વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનમાં ભરૂચ બેઠક પર આપે ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે. તેથી આ બેઠક પર ચૂંટણીનો મુકાબલો રસાકસી ભરેલો રહે એવું રાજકીય વિશ્લેષકો માને છે. જોકે ભરૂચ બેઠક પરથી કૉંગ્રેસના નેતા રહેલા અહેમદ પટેલનાં દીકરી અને દીકરાના ચૂંટણી લડવા અંગેની ચર્ચાઓ પણ ચાલી રહી હતી.

મનસુખ વસાવા છ વખત આ બેઠક પરથી સાંસદ રહ્યા છે. હવે સાતમી વખત તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડશે.

છ વખત સાંસદ રહી ચૂકેલા મનસુખ વસાવાને રિપીટ કરવા પાછળના સમીકરણો પર વાત કરતા સેફોલોજિસ્ટ ડૉ. ખાને માને છે કે આની પાછળ પણ ગણિત ખાસ છે.

તેમણે કહ્યું કે "અનેક લોકો તર્ક લગાવી રહ્યા હતા કે આ ચૂંટણીમાં ભાજપની પાર્ટી લાઇન વિરુદ્ધ નિવેદનો કરનારા દક્ષિણ ગુજરાતના ભરૂચના સંસદ મનસુખ વસાવાને તડકે મુકવામાં આવશે અને ઉત્તર ગુજરાતના પાટણમાં પણ એવું જ કરશે એના બદલે બન્ને સાંસદોને રિપીટ કર્યા છે, જેની પાછળનું ગણિત જુદું છે."

"આદિવાસી પટ્ટામાં છ વખતથી સંસદ તરીકે ચૂંટાઈ આવતા મનસુખ વસાવા સામે ઍન્ટી ઇન્કમબન્સી છે પણ એની સામે આપે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. એના કારણે કૉંગ્રેસમાં ભારે ભડકો થયો છે અને આ વિસ્તારના આદિવાસીમાં મજબૂત પકડ ધરાવતા છોટુ વસાવાના દીકરા મહેશ વસાવાને ભાજપ પોતાની તરફ લઈ રહ્યો છે જે પોતે આદિવાસી ની સબકાસ્ટ ' ભીલ ' માંથી આવે છે."

ડૉ ખાનના મત પ્રમાણે "મનસુખ વસાવા પોતે આદિવાસીની સબકાસ્ટ ' ભીલ' માંથી આવે છે અને કૉંગ્રેસે કરેલા આપ સાથેના ગઠબંધનમાં ઊભા રહેલા આપના ઉમેદવાર ચૈતર વસાવા પોતે ભીલ છે તો નજીક આવેલા બારડોલીના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાને ભાજપે ટિકિટ આપી છે જેના કારણે તાવીયા, ગરાસિયા, ડુંગરી, ઢોલી મેવાસી સહિતની પેટા જ્ઞાતિઓ ભાજપ સાથે રહે અને જીત આસાન થઈ જાય."

તેમનું માનવું છે કે ભરૂચની બેઠક સાથે બારડોલીનું જ્ઞાતિવાર કૉમ્બિનેશન આખાય દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં અસર કરશે.

મધ્ય ગુજરાતના પંચમહાલથી ભાજપે રાજપાલ જાધવને ઉમેદવાર બનાવ્યા છે જે પોતે આદિવાસી છે.

બીજી તરફ દાહોદમાં જશવંતસિંહ ભાભોરને ભાજપે ટિકિટ આપી છે જેઓ પણ ભીલ આદિવાસી છે.

ડૉ ખાનના મતે, "દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ આદિવાસી મતદારોમાંથી એમની આ પેટા જ્ઞાતિના મતદાતાઓ 48 ટકા થાય છે જેથી આ પ્રકારે સમીકરણો ગોઠવ્યાં છે."

પાંચ લાખની લીડ અને પાડોશી રાજ્યોનું ગણિત

ભાજપ લોકસભાની 2019ની ચૂંટણીમાં ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતી ગયો હતો અને હવે પાર્ટીએ 26 બેઠકો પર વિજય મેળવવાની સાથે-સાથે વધુમાં વધુ બેઠકો પર પાંચ લાખથી વધુ લીડથી જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.

લોકસભા ચૂંટણી પહેલાં હાલમાં જ ગુજરાતના દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા છે.

નારણ રાઠવાની સાથે અન્ય નેતાઓ અને કાર્યકરો પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ત્યારે કહ્યું હતું કે "આજે 10 હજારથી વધુ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે."

વરિષ્ઠ પત્રકાર વિક્રમ વકીલના મતે ભાજપે આ સમયે ચોક્કસ ગણિત સાથેનું આયોજન કર્યું છે.

તેઓ કહે છે કે, "2022ની વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકોની રેકૉર્ડ બ્રેક બહુમતી પછી પણ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાંથી સંખ્યાબંધ નાના મોટા કૉંગ્રેસ અને આપના આદિવાસી અને ઓબીસી નેતાઓને પોતાની સાથે લેવાનું ગણિત એ છે કે ભાજપ આખાય ગુજરાતમાં 16 હજાર બૂથ પર પાછળ હતો."

"આ નેતાઓ આવી જાય તો એ લીડને પણ આસાનીથી કાપી શકાય એમ છે. એટલે આ ઉમેદવારોની પસંદગીમાં ઝીણવટભર્યું ધ્યાન અપાયું છે. આ માટે પહેલે થી કસરત થઈ છે."

તેમણે ઉમેર્યું કે,"બીજું મહત્ત્વનું પાસું એ છે કે આ લોકસભાની ચૂંટણી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસીઓ સાથે રોટી બેટીનો વ્યવહાર છે, આ વાતને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. એટલે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ઉમેદવારોની પસંદગી વખતે આ ચૂંટણીનો પ્રભાવ ત્યાંના આદિવાસી ઉમેદવારોને પણ ફાયદો કરાવી શકે એમ છે."

આ ઉપરાંત મહેશ વસાવાએ આદિવાસી યુવાનોની ભારતીય ટાઇગર સેના બનાવી છે જે માત્ર ગુજરાત જ નહીં મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કામ કરે છે. એટલે રાજસ્થાનમાં અગાઉ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં બીટીપીએ પોતાની હાજરી નોંધાવી દીધી હતી.

વિક્રમ વકીલ માને છે કે, "પંચમહાલના ઉમેદવાર રાજપાલસિંહ જાધવ યુવાન છે અને એમના વિસ્તારોમાં અનેક ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી છે જેના કારણે એ યુવાનોમાં લોકપ્રિય છે. આ સંજોગોમાં ભારતીય ટાઇગર સેનાના યુવાનોને પોતાના પડખે લેવા સરળ બનશે. આ બધાં ગણિતને ધ્યાનમાં રાખીને ભાજપે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેની અસર માત્ર ગુજરાત જ નહીં પણ પાડોશી રાજ્યોમાં પણ લોકસભાની ચૂંટણી વખતે જોવા મળે."

સૌરાષ્ટ્રથી બે કેન્દ્રીય મંત્રીઓને કેમ ટિકિટ આપવામાં આવી?

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વ્યાપકપણે એ ચર્ચા થઈ રહી હતી કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલાને પણ ભાજપ ગુજરાતથી ચૂંટણી લડાવશે.

એમાં પણ સૌથી વધુ ચર્ચા એ વાતની થઈ રહી હતી કે મનસુખ માંડવિયાને ભાજપ ભાવનગર કે અમરેલી બેઠક પરથી ટિકિટ આપશે.

પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપે તેમને પોરબંદર બેઠક પરથી ટિકિટ આપીને સૌને ચોંકાવ્યા છે.

ભાજપે પોતાની પ્રથમ યાદીમાં ભારત સરકારના કેબિનેટ મંત્રી પરશોત્તમ રૂપાલાને રાજકોટથી અને ભારત સરકારમાં આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને પોરબંદરથી ટિકિટ આપવામાં આવી છે.

હાલમાં રાજકોટથી મોહન કુંડારિયા અને પોરબંદરથી રમેશ ધડુક ભાજપના સાંસદ છે.

એમ.આઈ. ખાન કહે છે કે ગુજરાતમાં 2022માં થયેલી ચૂંટણીમાં ભલે આપ બહુ બેઠકો મેળવી ના શકી પણ 12 ટકાથી વધુ વોટ લઈ ગઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીના ફાળે આવેલો મોટા ભાગનો વોટ શેર સૌરાષ્ટ્રનો હતો એટલે બે કેન્દ્રીય પ્રધાનો પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયાને સૌરાષ્ટ્રમાં ઉતાર્યા છે.

"બે કેન્દ્રીય પ્રધાનો સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે કાર્યકર્તાઓની મશીનરી ગિયર અપ થાય અને બીજી બેઠક પર સૌરાષ્ટ્રમાં ફાયદો મળી શકે. અલબત્ત મૂળ અમરેલીના પરશોત્તમ રૂપાલાને રાજકોટથી ઉતાર્યા છે આ બેઠક 1989થી માત્ર એક વખત કૉંગ્રેસના હાથમાં ગઈ હતી, બાકી ભાજપનો ગઢ રહી છે. 2019માં ભાજપના મોહન કુંડારિયા સાડા ત્રણ લાખથી વધુ વોટથી ચૂંટાયા હતા."

મૂળ ભાવનગરના મનસુખ મંડાવિયાને પોરબંદરથી ઉમેદવાર બનાવાયા છે. અહીં પણ ભાજપની પકડ મજબૂત છે. 2019માં આ બેઠક 2.30 લાખ જેટલા મતોથી ભાજપના રમેશભાઈ ધડુક ચૂંટાયા હતા.

ખાને ઉમેર્યું, "આ બે કેન્દ્રીય પ્રધાનોને રાજ્યસભાના બદલે લોકસભાની ચૂંટણી લડાવવા પાછળનું ગણિત એ છે કે સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં ભાજપની પકડ વધુ મજબૂત થાય."

"પાર્ટીએ ઉમેદવારો જાહેર કરતા પહેલાં આ વિસ્તારમાંથી થોડું પ્રભુત્વ ધરાવતા વિપક્ષના નેતાઓને ભાજપમાં સામેલ કર્યા છે જેથી જે બૂથ પર ભાજપને ઓછા મતો મળ્યા છે ત્યાં ફાયદો થઈ શકે."

ઉત્તર ગુજરાતમાં કેવા છે ભાજપનાં સમીકરણો?

ઉત્તર ગુજરાતની વાત કરતા ડૉ ખાન કહે છે કે, "ઉત્તર ગુજરાતમાં પાટણમાં ભાજપ અન્ય જગ્યાઓ જેટલો મજબૂત નથી. જોકે, અહીં ભાજપે પાટણમાં બધાના આશ્ચર્ય વચ્ચે ભારત સિંહ ડાભીને ટિકિટ આપી છે, પણ અહીંનું ગણિત જુદું છે."

તેઓ કહે છે કે, "બનસકાંઠામાં ભાજપે ડૉ. રેખા ચૌધરીને ટિકિટ આપી છે એ ઉત્તર ગુજરાતમાં સહકારી ક્ષેત્રે પ્રભુત્વ ધરાવતી બનાસ ડેરીના સ્થાપક ગલબા પટેલનાં પૌત્રી છે, જેના કારણે ચૌધરી સમાજમાં મોટી અસર પડે એમ છે. કારણ કે બનસકાંઠા અને પાટણમાં ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા વર્ગના મતદારો વધુ છે. "

"પશુપાલનને કારણે ઠાકોર અને ચૌધરી ઉપરાંત અન્ય ઓબીસી જ્ઞાતિ સમૃદ્ધ બની છે. એટલે આ બંને બેઠકો પર સીધી અસર થાય એ માટે ડૉ. રેખા ચૌધરીને લોકસભાની ટિકિટ આપી છે. આ વિસ્તારમાં ઠાકોર, ચૌધરી અને રબારીનું કૉમ્બિનેશન ઉત્તર ગુજરાતમાં જીત આસાન કરી દે એમ છે."

નોંધનીય છે કે 2023ની રાજ્યસભા ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજથી પૂર્વ ધારાસભ્ય બાબુલાલ દેસાઈને સાંસદ બનાવાયા હતા, તો વિપુલ ચૌધરીની અર્બુદા સેના ભાજપ માટે પ્રચાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી ઉત્તર ગુજરાતમાં પાર્ટીને મોટો ફાયદો થઈ શકે છે.

2019માં બનાસકાંઠામાં ભાજપને 3.60 લાખની લીડથી વિજય મળ્યો હતો. હવે રેખા ચૌધરી બનસકાંઠાથી ભાજપનાં ઉમેદવાર છે.

ડૉ ખાનનું માનવું છે કે, આ બધા ઉપરાંત રેખા ચૌધરીના દાદા ગલબા પટેલના નામે 'સિમ્પથી વોટ' મળે, એટલે ભાજપને ઉત્તર ગુજરાતમાં ફાયદો થઈ શકે.

અમદાવાદ પશ્વિમમાં ઍડવોકેટ અને ભાજપના પ્રવક્તા દિનેશ મકવાણાને ઉમેદવાર બનાવાયા છે જે બેઠક 2019માં ભાજપ સવા ત્રણ લાખના અંતરથી જીત્યો હતો. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ગાંધીનગરની બેઠકની અસર પણ અહીં જોવા મળશે.

ભાજપે રાજકીય સમીકરણની સાથે-સાથે સોશિયલ ઍન્જીનિયરિંગ કરી 15 ઉમેદવાર જાહેર કર્યા છે, જેથી ટૂંક સમયમાં બાકીના 11 ઉમેદવાર તરીકે નવા ચહેરા ઉતાર્યા હોય તો આ બેઠકોના ઉમેદવારનો ફાયદો મેળવી શકાય.