ગુજરાતમાં આપ ચૈતર વસાવા થકી ફરીથી બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે?

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ ગુજરાતમાં દરેક પક્ષે પોતપોતાની રીતે ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે.

એક તરફ ભાજપે દરેક લોકસભા બેઠક પાંચ લાખની જંગી લીડથી જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે તો બીજી તરફ કૉંગ્રેસ ગુજરાતમાંથી પસાર થનારી રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાયયાત્રા’ની તૈયારીઓમાં વ્યસ્ત છે. તો સામેની બાજુએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી ચૂકેલી આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પરથી પોતાનો ઉમેદવાર જાહેર કરીને ચૂંટણીનું રણશિંગું ફૂંકી દીધું છે.

ગુજરાતમાં 'ઇન્ડિયા' ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ ચૂંટણી લડશે કે કેમ તેના પર હજુ અસમંજસ યથાવત્ છે.

છેલ્લા બે વખતથી ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતી રહેલા ભાજપ સામે બંને પક્ષો માટે ગઠબંધન થવાની પરિસ્થિતિમાં પણ કપરાં ચઢાણ છે.

પરંતુ જે રીતે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઍન્ટ્રીએ ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી હતી તે જ રીતે ભરૂચથી લઈને સમગ્ર આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની સક્રિયતા લોકસભાની ચૂંટણીને અમુક બેઠકોનો જંગ રસપ્રદ બનાવી શકે છે.

નોંધનીય છે કે થોડા સમય પહેલાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી માટે ભરૂચથી ઉમેદવાર જાહેર કર્યા હતા.

2022ની ચૂંટણી પછી ‘આપ’ની પરિસ્થિતિ

2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર 181 બેઠકો પર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીને મોટી સફળતા તો મળી ન હતી, પરંતુ તેઓ 12.92 ટકા મત મેળવીને "ગુજરાતમાં ત્રીજો પક્ષ ન ચાલે" તે માન્યતાને કેટલેક અંશે ભાંગવામાં સફળ થઈ હતી.

તેમને પાંચ બેઠકો મળી હતી, જેના કારણે તેમને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો. પરંતુ ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીમાં અનેક ભંગાણ પડ્યાં છે. પક્ષના અનેક નેતા ભાજપ અને કૉંગ્રેસમાં સામેલ થયા છે.

આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા પાંચ ધારાસભ્યોમાંથી એક વીસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિધાનસભા તથા પાર્ટીમાંથી રાજીનામું દીધું અને બાદમાં ભાજપમાં જોડાયા હતા.

આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી અને આદિવાસી નેતા પ્રો. અર્જુન રાઠવા કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. બંને નેતાઓ લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. બીજી તરફ યુવા નેતા નિખિલ સવાણી પણ ભાજપમાં જોડાઈ ગયા હતા.

આ સિવાય આપમાં પ્રદેશ ઉપાધ્યક્ષપદે રહેલા વશરામ સાગઠિયા, મનોજ ભૂપતાણી, સેક્રેટરી હરેશ કોઠારી પણ કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા.

ગત વર્ષે એપ્રિલ મહિના બાદ જ સુરતમાંથી ચૂંટાયેલા આપના દસ કૉર્પોરેટરો ભાજપમાં સામેલ થઈ ગયા હતા.

હવે વિધાનસભામાં પણ આપની સંખ્યા ઘટીને ચાર થઈ ગઈ છે.

આ સિવાય જિલ્લા-તાલુકા સ્તરે આમ આદમી પાર્ટીના સેંકડો કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અલગ-અલગ કાર્યક્રમોમાં ભાજપમાં જોડાયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં બહુ સક્રિય નથી એવું રાજકીય વર્તુળોમાં ચર્ચાતું હતું.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, "કોઈ પણ ચૂંટણી પૂરી થાય એ પછી થોડા સમય માટે એવું બનતું હોય છે કે રાજકીય રીતે કોઈ પક્ષ સક્રિય ન હોય તેવું દેખાય. અમે સંગઠનમાં ફેરફાર કર્યા છે, નવી નિમણૂકો કરી છે. તેથી અમુક નારાજગીઓ થઈ હોય. જેટલા લોકો પક્ષ છોડીને જાય છે એટલા જ નવા લોકો પણ જોડાય છે."

"તેના કારણે પક્ષની અસર ઓછી થઈ ગઈ કે પાર્ટી ખતમ થઈ ગઈ એવું નથી હોતું. ભરૂચમાં અરવિંદ કેજરીવાલની સભામાં ભીડ જોઈને લોકોએ જ એમ કહ્યું કે આમ આદમી પાર્ટી ફરીથી બેઠી થઈ છે."

ચૈતર વસાવાનો મોટા આદિવાસી નેતા તરીકે ઉદય

હાલમાં ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતર વસાવા પહેલા ભારતીય ટ્રાઇબલ પાર્ટી(બીટીપી)ના સદસ્ય હતા. તેઓ વર્ષ 2014માં બીટીપીમાં જોડાયા હતા.

બીટીપીએ 2022ની વિધાનસભાની ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટી સાથે જોડાણ કર્યું હતું જે થોડા સમયમાં જ તૂટી ગયું હતું. પરંતુ એ સમયે ચૈતર વસાવાએ પણ બીટીપી છોડી દીધી હતી અને આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા.

તેઓ બીટીપીના સ્થાપક છોટુ વસાવાના ખૂબ નજીકના સાથી ગણાતા હતા. પરંતુ ટિકિટની ફાળવણી વખતે પણ તેમના પુત્ર મહેશ વસાવા સાથે વિવાદ થયો હતો. ત્યાર બાદ આમ આદમી પાર્ટીએ તેમને ડેડિયાપાડાથી ટિકિટ આપી હતી.

ચૂંટણી પહેલાંથી જ તેમને ‘અભૂતપૂર્વ જનસમર્થન’ મળી રહ્યું હતું. ચૂંટણીપરિણામની વાત કરીએ તો લગભગ 56 ટકા જેટલા મત મળ્યા હતા અને 40,282 મતની લીડથી તેમણે વિજય મેળવ્યો હતો અને પહેલી વાર તેઓ ધારાસભ્ય બન્યા હતા.

36 વર્ષીય વસાવા ચૂંટણી જીત્યા બાદ તેમના વિસ્તારમાં અને વિધાનસભામાં આક્રમક રીતે લોકોના પ્રશ્નો ઉઠાવતા અને તેનું સમાધાન કરતા જોવા મળ્યા હતા.

ત્યાર બાદ કથિતપણે વનવિભાગના કર્મચારીઓને ધમકાવવાના મામલામાં તેમની સામે કેસ થયો હતો અને તેઓ ધરપકડથી બચવા ‘ફરાર’ થઈ ગયા હોવાનો આરોપ કરાઈ રહ્યો હતો. જોકે, ઘણા દિવસો કેસ નોંધાયાના કેટલાક દિવસ બાદ તેમણે જાતે જ સરેન્ડર કર્યું હતું.

તેઓ જેલમાં હતા તે સમયે જ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને તેમના સમર્થનમાં ભરૂચમાં જનસભા યોજી હતી અને તેમને ભરૂચ બેઠકથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.

તે સમયે કેજરીવાલે કહ્યું હતું કે ચૈતર વસાવાને જામીન નહીં મળે તો તેઓ જેલમાંથી પણ ચૂંટણી લડશે.

જોકે, બાદમાં તેમને જામીન મળ્યા. જેલમાંથી બહાર આવ્યા બાદ બીબીસી ગુજરાતીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, "ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ છ ટર્મથી સાંસદ હોવા છતાં પણ ઊડીને આંખે વળગે તેવું એક પણ કામ કર્યું નથી. આદિવાસી સમાજ હવે તેમના પર નિર્ભર નથી. તેમની નિષ્ફળતાને કારણે જ હું ઊભર્યો છું."

ધબકાર દૈનિકના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવે છે કે, "રાજકીય ક્ષેત્રે કોઈ પણ વ્યક્તિનું કદ ત્યારે જ મોટું થાય જ્યારે તે પ્રજાકીય પ્રશ્નો સંદર્ભે લડત ચલાવે. ચૈતર વસાવા ઘણા સમયથી છોટુ વસાવા સાથે હતા અને તેમની રાજકીય સક્રિયતા તો હતી જ."

તેઓ કહે છે, "ચૈતર વસાવા જે પરિસ્થિતિઓમાં આપબળે જીત્યા એ પણ નોંધનીય છે. કારણ કે તેમણે ભાજપના ઉમેદવારને હરાવ્યા છે અને સાથેસાથે છોટુભાઈ વસાવાના વર્ચસ્વને પણ ખતમ કરી દીધું છે. આ પ્રકારની જીત આદિવાસી વિસ્તારોમાં પ્રભુત્ત્વ હોવા છતાં પણ કૉંગ્રેસ મેળવી શકી નથી. એટલે સ્વાભાવિક રીતે જ ચૈતર વસાવાનું રાજકીય કદ ત્યારે જ વધી ગયું હતું."

તો ઈસુદાન ગઢવી આમાં સંપૂર્ણપણે ચૈતર વસાવાની મહેનતને શ્રેય આપે છે.

તેઓ કહે છે, "ચૈતર વસાવા આદિવાસી સમાજમાં ખૂબ લોકપ્રિય છે. ભાજપ અને અન્ય પક્ષોએ આદિવાસી સમાજને ક્યારેય તક આપી નથી. આમ આદમી પાર્ટીએ ચૈતરભાઈને પદ આપ્યું, ટિકિટ આપી અને તેમણે પણ ખૂબ મહેનત કરી. સમગ્ર આદિવાસી પટ્ટામાં તેમણે પ્રવાસ ખેડ્યો છે, લોકોના પ્રશ્નો ઉઠાવ્યા છે."

ચૈતર વસાવાને સહારે ‘આપ’ ગુજરાતમાં ફરીથી બેઠી થશે?

આમ આદમી પાર્ટીનો સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં પ્રદર્શનથી ‘ગુજરાતપ્રવેશ’ થયો એમાં કથિત પાટીદાર ફૅક્ટરને જવાબદાર માનવામાં આવે છે.

હવે લોકસભા ચૂંટણી પહેલાં જે રીતે મહિનાઓ પહેલાં આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને સૌપ્રથમ ઉમેદવાર જાહેર કરી દીધા છે તેનાથી સમજી શકાય છે કે પાર્ટી આદિવાસી મતદારો પાસેથી આશા રાખી રહી છે અને આ માટે પાર્ટી ચૈતર વસાવાની ‘લોકપ્રિયતા પર ઘણો મદાર રાખી રહી છે.’

આ બેઠક પર આમ આદમી પાર્ટીનું પ્રદર્શન તેનું ગુજરાતમાં ભવિષ્ય નક્કી કરશે તેવું વિશ્લેષકો માને છે.

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ભરૂચ સિવાય દાહોદ અને બારડોલી હેઠળ આવતી વિધાનસભાઓમાં પણ આમ આદમી પાર્ટી 2022માં ઘણી બેઠકો પર બીજા નંબરે આવી હતી. અહીં પણ આદિવાસી મતદારોનું પ્રભુત્વ રહ્યું છે.

નરેશ વરિયા કહે છે, "એવું કહી શકાય કે ચૈતર વસાવાને સહારે આમ આદમી પાર્ટી બેઠી થવા માંગે છે. કારણ કે હાલની પરિસ્થિતિમાં માત્ર ભરૂચની બેઠક જ એવી છે જ્યાં ભાજપને પણ થોડો ડર લાગી રહ્યો છે."

"લોકસભાની ચૂંટણીમાં આ જ એક બેઠક એવી છે, જ્યાં ચૈતર વસાવાને ઊભા રાખીને આમ આદમી પાર્ટી કંઈક પ્રભાવ છોડી શકે તેવું તેમને લાગે છે."

તેઓ કહે છે, "કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થાય અને સંયુક્ત ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને તેઓ ઊભા રાખે અને ભરૂચ બેઠક પર આદિવાસી તથા મુસ્લિમ મતોનું વિભાજન ન થાય તો ભાજપને આ બેઠક ગુમાવવાનો વારો આવી શકે તેવું હું માનું છું."

"આ સિવાય તેમને આદિવાસી પટ્ટાની બીજી બેઠકો પર પણ ચોક્કસપણે ચૈતર વસાવાનો ફાયદો મળે."

"અન્ય બેઠકો ગઠબંધનમાં કૉંગ્રેસને ફાળે જાય તો કૉંગ્રેસના ઉમેદવારને પણ ચૈતર વસાવાનો ફાયદો મળી શકે છે. સમગ્ર આદિવાસી પટ્ટામાં ચોક્કસપણે ફાયદો થાય એવું મને લાગે છે."

અગાઉ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વરિષ્ઠ પત્રકાર ડૉ. હરિ દેસાઈ અને પ્રૉ. હેમન્તકુમાર શાહ પણ એ વાતે સહમત થયા હતા કે ચૈતર વસાવાને ઉમેદવાર બનાવીને આમ આદમી પાર્ટી આદિવાસી મતદારોને રીઝવવામાં સફળ થઈ શકે.

હાલમાં તો કોર્ટે જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી ચૈતર વસાવાને ભરૂચ અને નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મનાઈ ફરમાવી છે. તેઓ પોતાના જ મતવિસ્તારમાં પ્રચાર કરવા જઈ શકે તેમ નથી. એ સંજોગોમાં તેમના માટે પોતાની બેઠક પર કઈ રીતે પ્રચાર કરવો એ પ્રશ્ન બનશે. તો બીજી તરફ આ કેસને કારણે તેમને મળેલી લોકચાહનાને પોતાની બાજુ કેટલી હદે ખેંચી શકે છે તેની અસર પણ ચૂંટણીપરિણામો પર પડશે એવું કહેવાઈ રહ્યું છે.

ચૈતર વસાવા કહે છે, "મને ડેડિયાપાડાની જનતાએ 56 ટકા મત આપ્યા છે. આટલી ભારે સરસાઈથી જિતાડ્યો છે છતાં મને મારા મતવિસ્તારમાં જ જવાની પરવાનગી નથી આપવામાં આવી. આ લોકશાહીનું હનન છે, પરંતુ હવે બંધારણને બચાવવા માટે લોકો જાગૃત થઈ ગયા છે. હું જેલમાંથી બહાર આવ્યો ત્યારે સ્વયંભૂ હજારો લોકોએ એકઠા થઈને મારું સ્વાગત કર્યું હતું. લોકો સારી રીતે ભાજપની રણનીતિ સમજી ગયા છે અને આવનારા દિવસોમાં પરિવર્તન ઇચ્છી રહ્યા છે."

જોકે, આ સંજોગોમાં તેઓ ભરૂચ અને આસપાસની આદિવાસી મતદારોના પ્રભુત્વ ધરાવતી અન્ય બેઠકો પર કેટલો પ્રભાવ પાડી શકે છે તે જોવું રહ્યું.