ગુજરાત : ભાજપે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ સહિત પાંચ સાંસદોની ટિકિટ કેમ કાપી?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતની સાત બેઠકના ઉમેદવારોનાં નામ જાહેર થયાં છે.

અત્યાર સુધીમાં ભાજપે ગુજરાતના 22 ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં છે. હવે ચાર સીટના ઉમેદવાર જાહેર થવાના બાકી છે. આ ચાર બાકી સીટમાં અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને મહેસાણાનો સમાવેશ થાય છે.

ભાજપે બીજી યાદીમાં રેલવે મંત્રી (રાજ્યકક્ષા) દર્શના જરદોશ સહિત પાંચ સાંસદોને પડતાં મૂક્યાં છે. તો ભાવનગરથી ભારતીબહેન શિયાળ, વલસાડથી ડૉ. કે.સી. પટેલ, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ અને છોટાઉદેપુરથી ગીતાબહેન રાઠવાને આ ચૂંટણીમાં ટિકિટ નથી મળી.

ભાજપની સીટ પરથી બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતાં દર્શના જરદોશ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનાં ખાસ વિશ્વાસુ માનવામાં આવે છે.

પાટીલ 2020માં ભાજપના પ્રમુખ થયા પછી દર્શના જરદોશને રાજ્યકક્ષાના રેલવે મંત્રી બનાવાયાં હતાં.

જોકે ભાજપની 'નો રિપીટ થિયરી'ના ભાગરૂપે કેટલાક નેતાઓની ટિકિટ કાપવામાં આવે છે અને તેની પાછળ ભાજપનું ચોક્કસ ગણિત પણ હોય છે એમ રાજકીય નિષ્ણાતોનું માનવું છે.

ભાજપે જાહેર કરેલી પહેલી યાદીમાં પણ પાંચ સાંસદોની ટિકિટ કાપી છે. તો ભાજપ આ આ રણનીતિ શું છે અને દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપીને નવા ચહેરા લોકોમાં વિશ્વાસ કેળવી શકશે?

ગુજરાતમાં ભાજપે સાંસદ દર્શના જરદોશની ટિકિટ કેમ કાપી?

દર્શના જરદોશ સતત ત્રણ ટર્મથી ચૂંટણી જીતતાં આવ્યાં છે અને કેન્દ્ર સરકારમાં રેલવે મંત્રી પણ છે. જોકે આ વખતે તેમને ટિકિટ નથી મળી.

વરિષ્ઠ પત્રકાર પ્રફુલ ત્રિવેદીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "રેલવે મંત્રી દર્શના જરદોશને લોકસભાની ટિકિટ ન મળી એ કલ્પના બહારની વાત છે, કારણ કે ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર 1989થી ઓબીસી નેતા કાશીરામ રાણાનો કબજો હતો. છ ટર્મ સુધી ચૂંટાયેલા કાશીરામ રાણા વાજપેયીની સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે અને 2009માં કાશીરામ રાણા જેવા દિગ્ગજ નેતાને બદલે દર્શના જરદોશને ટિકિટ અપાઈ ત્યારે એ ચૂંટાઈને આવ્યાં હતાં."

"એમની ચૂંટણીનું મૅનેજમૅન્ટ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કર્યું હતું, એટલું જ નહીં ગત ચૂંટણીમાં સીઆર પાટીલે એમના માટે પ્રચાર પણ કર્યો હતો. છતાં તેમના સ્થાને ત્રણ વખત કૉર્પોરેટર રહેલા ઓબીસીના મોઢ વણિક મુકેશ દલાલની પસંદગી કરાઈ છે."

સુરતની લોકસભાની બેઠક પર ઓબીસી અને પટેલ જ્ઞાતિનું વર્ચસ્વ વધુ છે. તેમજ આ બેઠક પર ભાજપ અગાઉથી બહુમતીથી જીતતો આવે છે.

મુકેશ દલાલની પસંદગીનું કારણ જણાવતા પ્રફુલ ત્રિવેદી કહે છે, "એની પાછળનું બીજું કારણ એ પણ હોઈ શકે કે 43 વર્ષથી ભાજપમાં જોડાયેલા મુકેશ દલાલ કો-ઑપરેટિવ બૅન્કના ચૅરમૅન રહી ચૂક્યા છે. આ બૅન્કની સુરતમાં જ 25 શાખા છે અને સુરતના હીરા ઉદ્યોગ, કાપડ જેવા અનેક ઉદ્યોગ આ લોકસભા બેઠકમાં આવતી સાતમાંથી પાંચ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે."

"આ બૅન્ક સહકારી હોવાથી નાના-મોટા વેપારીઓ સમેત અનેક લોકો સાથે એમને સીધો સંપર્ક રહે છે. એટલું જ નહીં સાર્વજનિક ઍજ્યુકેશન સોસાયટી સાથે સંકળાયેલા હોવાથી એમનું આ વિસ્તારમાં 'સોશિયલ કેપિટલિઝમ' અને સોશિયલ એન્જિનિયરિંગ સારું છે. બીજું કે ભાજપનો ગઢ રહેલી આ બેઠક પર 'નો રિપીટ થિયરી'ના ભાગરૂપે નવો ચહેરો ઉતારાયો છે."

ભાજપનું દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતો અંકે કરવાનું ગણિત

પ્રફુલ્લ ત્રિવેદી કહે છે કે "રાહુલ ગાંધીની મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં થયેલી ભારત જોડો ન્યાય યાત્રા બાદ ભાજપ કોઈ પણ પ્રકારે ઢીલાશ વર્તવા માગતો હોય એમ લાગતું નથી, એટલે જ એમણે જાહેર કરેલી સાત બેઠકોમાંથી બંને આદિવાસી બેઠકો પર નવા ચહેરા ઉતાર્યા છે."

"વલસાડના સાંસદ કેસી પટેલ ભૂતકાળમાં 'હની ટ્રેપના કેસ'માં સંડોવાયા હતા. આ કેસ બાદ દિલ્હી પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી, એમની પાસેથી કેટલીક વીડિયો ટૅપ અને ઑડિયો ટૅપ પણ મળી હતી અને કેસી પટેલ આ કેસમાંથી બહાર આવી ગયા હતા."

"પણ ભાજપ કોઈ તક જવા દેવા માગતો ન હોય એમ લાગે છે એટલે કેસી પટેલના બદલે વલસાડ અને સુરતના રૂરલ વિસ્તારમાં અસર કરતી અને સૌથી વધુ વર્ચસ્વ ધરાવતી ઢોઢિયા આદિવાસી જ્ઞાતિમાંથી આવતા કમ્પ્યુટર એન્જિનિયર અને માર્કેટિંગમાં સ્નાતક થયેલા ધવલ પટેલ પર પસંદગી ઉતારી છે."

પ્રફુલ્લ ત્રિવેદીનું માનવું છે કે તેનાથી માત્ર વલસાડ સીટ પર જ નહીં સુરત અને દાદરાનગર હવેલીની સીટ પર પણ ફાયદો થાય એવી ગણતરી ગોઠવી છે. બીજી તરફ મોહન ડેલકરનાં પત્ની કલાબહેન ડેલકરને સાથે રાખ્યાં છે, એટલે ઢોઢિયા આદિવાસીઓનું પ્રભુત્વ ત્યાં પણ વધુ છે.

ઉલ્લેખનીય છે કે ભાજપે જાહેર કરેલી બીજી યાદીમાં કલાબહેન ડેલકરને દાદરાનગર હવેલીની ટિકિટ અપાઈ છે.

2017માં મોહનસિંહ રાઠવા સામે ઓછા મતથી વિધાનસભામાં હારનાર જશુભાઈ રાઠવાને ભાજપે છોટાઉદેપુરથી લોકસભાની ટિકિટ આપી છે. ગત ચૂંટણીમાં ગીતાબહેન રાઠવા અહીંથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં.

પ્રફુલ્લ ત્રિવેદી વધુમાં કહે છે કે "અહીં અટકળો એવી હતી કે કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા નારણ રાઠવા અથવા મોહનસિંહ રાઠવાને આ બેઠક અપાશે, પણ એવું થયું નથી. આ વિસ્તારના દિગ્ગજ આદિવાસી નેતાઓ ભાજપ સાથે હોવાથી રાઠવા જ્ઞાતિનું પ્રભુત્વ ધરાવતી બેઠક પર ભાજપે જશુ રાઠવાને ટિકિટ આપી છે.

"જોકે રાહુલ ગાંધીની યાત્રા પછી આ બેઠકનો કરંટ નજીકની ભાજપની આદિવાસી બેઠક પર અસર કરે એમ હોવાથી ભાજપે ગણતરી ગોઠવીને આયોજન કર્યું છે."

વડોદરામાં રંજનબહેન ભટ્ટને રિપીટ કરવાનું ભાજપનું કારણ શું?

ભાજપની બીજી યાદીમાં વડોદરાથી રંજનબહેન ભટ્ટને રિપીટ કરાયાં છે, જ્યારે સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ટિકિટ મળી છે.

જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા કહે છે કે "ભાજપે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આયોજનપૂર્વક નવા ચહેરા ઉતાર્યા છે. ભાજપે સોશિયલ એન્જિનિયરિંગ કરીને જે પ્રકારે આયોજન કર્યું છે એ માઇક્રો મૅનેજમૅન્ટથી કર્યું છે. કૉંગ્રેસની સામે 2022માં 156 બેઠકો જીત્યા પછી પણ કૉંગ્રેસના પસંદગીના નેતાઓને ભાજપમાં આવકારવા માટે લાલ જાજમ પાથરી એમણે લોકસભાની શતરંજનાં સોગઠાં વ્યવસ્થિત ગોઠવ્યાં છે."

"વડોદરામાં રંજનબહેન ભટ્ટને રિપીટ કરવા પાછળનું કારણ પણ બહુ જ સહજ છે. વડોદરાની આસપાસના મધ્ય ગુજરાતના આદિવાસીઓનો વડોદરા લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠકો સાથે સીધો સંબંધ છે. અહીં લોકો કામની શોધમાં આવે છે ત્યારે આ સંજોગોમાં રંજનબહેનને રિપીટ કરવાથી મનોવિજ્ઞાનિક ફાયદો મળી શકે એમ છે."

તેઓ કહે છે કે "અલબત્ત, કૉંગ્રેસમાંથી આવેલા નવા નેતાઓને કારણે ભાજપના કેટલાક કાર્યકર્તાઓને છૂપી નારાજગી છે, પણ એને થાળે પાડવામાં ભાજપ માટે આ પગલું ભરવું જરૂરી હતું.

ઉત્તર ગુજરાતની વાત કરતા કૌશિક મહેતા કહે છે કે "સાબરકાંઠામાં છેલ્લી સહકારી ચૂંટણીઓમાં પણ ભાજપ આગળ રહ્યો હતો. આ વિસ્તારમાં મુખ્યત્વે ખેતી અને પશુપાલન છે ત્યારે સહકારી આગેવાનની ભૂમિકા ચૂંટણીમાં નિર્ણાયક બને છે."

"અહીં સતત બે વખત ચૂંટણી જીત્યા પછી ભાજપના સાંસદ દીપસિંહ રાઠોડ સામે 'સરકારી અધિકારી અને ભાજપના કાર્યકર્તાઓ સાથે તોછડા વર્તનની અનેક ફરિયાદો' ઊઠી હતી, આથી નવા ચહેરા તરીકે સહકારી આગેવાન ભીખાજી ઠાકોરને ઉતાર્યા છે, જેથી આ વિસ્તારમાં ઠાકોર અને આદિવાસી મતોને આસાનીથી અંકે કરી શકાય."

તેઓ કહે છે કે આ લોકસભામાં આવતી સાત બેઠકોમાંથી પાંચ ભાજપ પાસે છે, એક કૉંગ્રેસ પાસે અને એક અપક્ષ પાસે છે, જે અપક્ષ ઉમેદવાર છે એ ભાજપને સમર્થન આપી રહ્યા છે ત્યારે વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી કોઈ કચાશ નહીં રાખવા પ્રયાસ કરાયો છે.

ભાવનગરથી ભારતી શિયાળને બદલે નીમુબહેન બાંભણિયાની પસંદગી

ભાજપની બીજી યાદીમાં ભાવનગરથી નીમુબહેન બાંભણિયાની પસંદગી થઈ છે. અહીંનાં વર્તમાન સાંસદ ભારતી શિયાળની ટિકિટ કપાઈ છે.

નીમુબહેન ઠાકોર અને કોળી વિકાસ નિગમનાં પાંચ વર્ષ સુધી ડિરેક્ટર રહી ચૂક્યાં છે.

ભાવનગરના રાજકારણ અને જ્ઞાતીય સમીકરણને સમજાવતા કૌશિક મહેતા કહે છે, "ભાવનગરમાં સવા ત્રણ લાખથી જીતેલી બેઠક પર ભારતીબહેન શિયાળને બદલે નીમુબહેન બાંભણિયાને મેદાનમાં ઉતારી કૉંગ્રેસ અને આપના સંયુક્ત ઉમેદવાર સામે ચેક ઍન્ડ મેટ જેવી શતરંજની ચાલ રમી છે."

"જ્યાં સાતમાંથી ત્રણ બેઠકો પર એ આગળ છે. આપના ઉમેદવારને કૉંગ્રેસે ટેકો આપ્યો છે, પણ અહીં નીમુબહેન બાંભણિયા કોળી સમાજમાં સારી પકડ ધરાવે છે અને ભાવનગરનાં બે વાર મેયર રહી ચૂક્યાં છે, આથી હવે કૉંગ્રેસ અને આપે નવી રણનીતિ ઘડવી પડે."

અમદાવાદમાં લોકસભાની બે સીટ છે. એક છે અમદાવાદ પશ્ચિમ (એસસી અનામત) અને બીજી અમદાવાદ પૂર્વ. અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલને ભાજપે ફરી ટિકિટ આપી છે.

કૌશિક મહેતા કહે છે, "અમદાવાદ પૂર્વની બેઠક પર હસમુખ પટેલને રિપીટ કરવા પાછળનું કારણ એ છે કે અહીં ભાજપને જોખમ નથી. ભાજપની ભગિની સંસ્થાઓના ગઠબંધન ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી લડે છે એની અસર જોવા મળશે."

તો રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશી કહે છે કે "ભાજપ જે રીતે ટિકિટની ફાળવણી કરી રહ્યો છે એ સોશિયલ એન્જિનિયરિંગથી કરી રહ્યો છે. કૉંગ્રેસ પાસે પહેલાં 25 જેટલાં સંગઠનો સહકારી ક્ષેત્રો હતાં, પણ હવે એ નથી ત્યારે ઉમેદવારે પોતાની તાકાત પર સંગઠન ગોઠવવું પડે એવી સ્થિતિ પેદા થઈ છે."

"આ સંજોગોમાં ભાજપ એની 25 જેટલી ભગિની સંસ્થા અને સહકારી ક્ષેત્રની તાકાત લગાવે એમાં કૉંગ્રેસનું મનોબળ આપોઆપ તૂટી જાય, એટલે ભાજપ ઉમેદવારોની પસંદગી કરીને માળખું ગોઠવે, કૉંગ્રેસના ઉમેદવારનું મનોબળ નબળું કરે, જે ચૂંટણીના પહેલા રાઉન્ડમાં સાયકૉલૉજિકલ ગેમમાં એક ડગલું આગળ રહે છે."