You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા કૉંગ્રેસને કેટલી ફળશે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
“દેશની 90 ટકા વસતી વંચિત સમાજોની છે અને માત્ર દસ ટકા સવર્ણો પાસે તમામ સંસાધનો છે.”
રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો ન્યાય યાત્રાના 54મા દિવસે એટલે કે ગત ગુરુવારે સાંજે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે જનસભા સંબોધતી વખતે આ વાત કહી હતી. આ સાથે જ તેમણે જાતિગત વસતિગણતરીનો મુદ્દો ઉઠાવીને ભાજપ પર જાતિગત વસતિગણતરી કરાવવાની અનિચ્છાનો આરોપ મૂક્યો હતો.
તેમણે ભાજપની કેન્દ્ર સરકાર પર વંચિતોની ઉપેક્ષાનો આરોપ કરતાં કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આદિવાસી છે, તેથી તેમને રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં નહોતાં બોલાવાયાં.”
નોંધનીય છે કે રાહુલ ગત લગભગ બે માસથી મણિપુરથી મુંબઈ સુધીની ભારત જોડો ન્યાય યાત્રા મારફતે જનસંપર્કનો પ્રયાસ કરી રહ્યા છે.
રાહુલે ગુજરાતમાં પોતાની યાત્રામાં બેરોજગારી, જાતિગત વસતિગણતરી અને વંચિતોની ઉપેક્ષા મામલે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
રાહુલ ગાંધી આ યાત્રા અંતર્ગત ત્રણ રાત્રિ અને ચાર દિવસ સુધી ગુજરાતના આદિવાસી વિસ્તારોનો પ્રવાસ કરી રહ્યા હતા. જાણકારો આને એક સમયે કૉંગ્રેસના ગઢ મનાતા ગુજરાતના આદિવાસી પટ્ટાને ફરીથી પાર્ટી સમક્ષ આકર્ષવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની યાત્રામાં દાહોદથી લઈને છોટા ઉદેપુર અને ભરૂચ સુધી ભારે સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી. ભરતડકે મોટી સંખ્યામાં લોકોએ કલાકો સુધી તેમના આવવાની રાહ જોઈ હતી.
જોકે, રાહુલની યાત્રા લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં લોકોને રીઝવવામાં કેટલી કામિયાબ રહી એ તો સમય જ જણાવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ગુજરાતીના સંવાદદાતાએ રાહુલની યાત્રા દરમિયાન ગુજરાતના આ વિસ્તારોમાં જોવા મળેલ માહોલ, લોકોની અપેક્ષા અને તેની રાજ્યના રાજકારણ પરની અસર અંગે જાણવા પ્રયાસ કર્યો હતો.
ગુજરાતમાં યાત્રા કૉંગ્રેસને લાભ કરાવશે?
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક મનોજ મિસ્ત્રી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે ચોક્કસપણે ગુજરાતમાં અનેક જગ્યાએ આ યાત્રાને વ્યાપક સમર્થન મળ્યું, પરંતુ તે રાજકીય રીતે ચૂંટણીમાં કૉંગ્રેસને કેટલો ફાયદો કરાવશે તે કહેવું અઘરું છે.
તેઓ કહે છે, “આ યાત્રાથી આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે આદિવાસી વિસ્તારોમાં કૉંગ્રેસ હજુ જીવે છે. ભાજપના આટલા પ્રયત્નો છતાં તે કૉંગ્રેસને આ વિસ્તારોમાં સંપૂર્ણપણે ડેમેજ કરી શકી નથી. જૂની પેઢીના મતદારોમાં કૉંગ્રેસને હજુ એટલું જ સમર્થન મળી રહ્યું છે.”
દક્ષિણ ગુજરાતના રાજકારણને નજીકથી જોનારા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નરેશ વરિયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, “એ વાત સ્વાભાવિક છે કે કોઈ મોટો નેતા આવે તો ભીડ ભેગી થાય, પરંતુ યાત્રામાં સરેરાશ ઓછી ભીડ દેખાય છે. છતાંય અત્યારે ગુજરાતમાં કૉંગ્રેસની જેવી હાલત છે એ જોતાં આ ભીડ કૉંગ્રેસ માટે ઉત્સાહવર્ધક છે અને યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો છે એમ કહી શકાય.”
તેઓ યાત્રાની ગુજરાતના મતદારો પરની સંભવિત અસર અંગે વાત કરતાં કહે છે, “જો વિધાનસભાની ચૂંટણી હોય તો આપણે એ અનુમાન જલદી લગાવી શકીએ કે આ યાત્રાની કેટલી અસર થશે. પરંતુ આ લોકસભાની ચૂંટણી છે જેમાં આ પ્રકારની યાત્રાની કેટલી અને કેવી અસર થાય તેનું સીધું અનુમાન ન લગાવી શકાય. પણ એક વાત ચોક્કસ છે કે આટલું નબળું સંગઠન હોવા છતાં પણ આટલા લોકો આ યાત્રામાં સામેલ થયા એ અગત્યનું છે.”
શું કહે છે લોકો?
આ યાત્રા દરમિયાન બીબીસી ગુજરાતીએ વિવિધ લોકો સાથે વાત કરી હતી. મોટા ભાગના લોકો રાહુલ ગાંધીને જોવા આવ્યા હતા અને તેમાંથી ઘણા તેમના પ્રશંસક પણ હતા.
પરંતુ એક મહિલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, “રાહુલ ગાંધી જે સમયે આવવાના હોય તો તે સમય જ તેમણે લોકોને આપવો જોઈએ, જેથી લોકો ખોટી રીતે હેરાન ન થાય.”
એક યુવાન ગૌતમ દવેએ દેશમાં રહેલી બેરોજગારીની સમસ્યા અને રોજગારી આપવાની પ્રક્રિયાની ટીકા કરતા બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “હાલમાં યુવાનોની સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે, રાહુલ ગાંધી તે મુદ્દા પર વાત કરે છે. અમે નોકરીની તૈયારીઓ કરીએ છીએ પણ પરીક્ષા પહેલાં પેપર ફૂટી જાય છે. તો આવામાં અમારા જેવા યુવાનોની તકલીફને વાચા રાહુલ ગાંધી આપી રહ્યા છે.”
જોકે, એવા પણ અમુક લોકો હતા જેમણે ગાંધીની યાત્રામાં જવાનું ટાળ્યું હતુ. લીમડી ગામના ભૂરસિંગ બીલવા બીબીસી સાથે વાત કરતા કહે છે કે, “અમારે મજૂરી કરવી જરૂરી છે, એટલા માટે અમે રાહુલ ગાંધીને જોવા જવા કરતાં મજૂરી કરવાનું પસંદ કર્યુ અને ખેતરમાં કામ કરી રહ્યા છીએ.”
રાહુલ ગાંધીની સભામાં હાજર અન્ય એક મહિલા કહે છે કે, “મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. ગરીબ માણસોનું જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. સરકાર બદલાય તો ખ્યાલ આવે કે બીજી સરકાર કેવી રીતે કામ કરી રહી છે.”
રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન કરાયેલ આયોજન અને તૈયારીઓ અંગે બીબીસી સંવાદદાતાએ કેટલાંક અવલોકન કર્યાં હતાં. તેમાં ખાસ વાત હતી યાત્રાની જવાબદારી સંભાળી રહેલી યુવાનોની એક ટીમ.
રાહુલ ગાંધીની આ યાત્રામાં તેમના સ્ટાફ તેમજ સુરક્ષાકર્મીઓ ઉપરાંત યુવાનોની એક ખાસ ટીમ પણ કામ કરી રહી હતી.
દરેક સભાસ્થળે રાહુલ ગાંધી આવે તે પહેલાં વૉકી-ટૉકીથી સજ્જ આ ટીમ આવી પહોંચતી હતી અને સભાસ્થળનો તમામ નિરીક્ષણ કરતી.
યુવાનોની આ ટીમ રાહુલ ગાંધીની ખાસ ટીમ તરીકે ઓળખાય છે, જેમને રાહુલ ગાંધીના કાફલા સુધી પણ જવાની પરવાનગી હોય છે.
આ ટીમ રાહુલ ગાંધીના આગમન પહેલાંથી તેઓ સ્થળ પર પહોંચી જાય છે અને રાહુલના આગમન સુધી વિવિધ કામગીરીનું ધ્યાન રાખે છે.
સમગ્ર યાત્રામાં રાહુલ ગાંધીને રહેવા માટે એક મોટી કૅરાવાન ઉપરાંત તેમની ટીમ માટે ટ્રક-કન્ટેઇનરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઠેકઠેકાણે રાહુલ ગાંધીની સભા ઉપરાંત અનેક નાકા પર તેમના સ્વાગતની પણ તૈયારીઓ કરવામાં આવી હતી.
યાત્રામાં પહેલા દિવસથી લઈને છેક સુધી વિવિધ સ્થળે તેના ‘ઇન્ડિયા’ ગઠબંધનના સાથીદાર પક્ષ આમ આદમી પાર્ટીની હાજરી જોવા મળી હતી.
યાત્રાના પહેલા દિવસે આપના ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા રાહુલ ગાંધી સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા.
કૉંગ્રેસના નેતાઓનું શું કહેવું છે?
નોંધનીય છે કે એક તરફ જ્યાં અર્જુન મોઢવાડિયા સહિતના ઘણા સિનિયર નેતા પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે કૉંગ્રેસના નેતાઓનું માનવું છે કે રાહુલ ગાંધીની ચાર દિવસની આ મુલાકાતે પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકી દીધા છે.
કૉંગ્રેસ નેતા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, “આ કાર્યક્રમની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી અને આજે તેનું પરિણામ જોવા મળ્યું છે. જે નેતા ગયા છે તેમના જવાથી અમને દુ:ખ થયું છે, પરંતુ એ વાત પણ ચોક્કસ છે કે તેનાથી પાર્ટીને કોઈ અસર નહીં થાય.”
આ જ રીતે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, “ગુજરાતની જનતાએ જે રીતે રાહુલ ગાંધીની યાત્રાને વધાવી છે તેનાથી એ વાત ચોક્કસ છે કે કૉંગ્રેસને લોકો ચાહે છે. યાત્રાના રૂટ પરની લોકસભાની બેઠકો ઉપરાંત ગુજરાતના બીજા વિસ્તારોથી પણ કૉંગ્રેસના કાર્યકર્તાઓ આવ્યા છે અને એ તમામ લોકો ફરીથી પોતાના વિસ્તારમાં જઈને એક નવા જુસ્સા સાથે કામ કરશે.”
‘ઇન્ડિયા’ ગઠબંધનની દૃષ્ટિએ પણ ન્યાયયાત્રાનું કેટલું મહત્ત્વ?
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતની બહુચર્ચિત બેઠક ભરૂચમાંથી ગત શનિવારે જ્યારે રાહુલ ગાંધીની યાત્રા પસાર થઈ ત્યારે અલગ જ પ્રકારનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
કૉંગ્રેસે ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન આપ્યું છે. છ ટર્મથી ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાને આ ભાગીદારી પડકારી રહી છે.
ન્યાયયાત્રા જ્યારે ભરૂચ પહોંચી ત્યારે રસ્તા પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ કૉંગ્રેસના કાર્યકર્તાઓ સાથે હાજર હતા અને ચૈતર વસાવાએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. તેઓ રાહુલ ગાંધીની જીપ પર પણ તેમની સાથે જોવા મળ્યા હતા.
આ ગઠબંધનની અસર અંગે મનોજ મિસ્ત્રી કહે છે, “આમ જોવા જઈએ તો ઇન્ડિયા ગઠબંધનની ગુજરાતમાં એટલી અસર નથી. ચૈતર વસાવા મજબૂત ઉમેદવાર છે પણ ભાજપે બીટીપીના મહેશ વસાવાને પોતાની તરફ ખેંચ્યા છે અને મનસુખ વસાવાને પણ ફરીથી ટિકિટ આપી છે.”
“વધુમાં, કૉંગ્રેસ સામે આ યાત્રાનો રાજકીય ફાયદો લેવો અઘરો દેખાય છે. કારણ કે કૉંગ્રેસની સ્થાનિક નેતાગીરી ખતમ થઈ ગઈ છે. વધુમાં આર્થિક તાકાત અને લડી લેવાની વૃત્તિ પણ જોઈએ, જે કૉંગ્રેસમાં દેખાતી નથી. આ જમાનો નક્કર મૅનેજમૅન્ટનો છે, જેમાં પણ કૉંગ્રેસ નબળી દેખાય છે. લોકો યાત્રાથી ઉત્સાહિત થાય પણ મતદાનકેન્દ્ર સુધી શું કૉંગ્રેસ તેને લઈ જઈ શકે છે કે કેમ એ અગત્યનું છે. તેના માટે મજબૂત આયોજન જોઈએ.”
વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા કહે છે, “આપના પ્રદેશ સ્તરના નેતાઓ પણ આ યાત્રામાં જોડાયા છે જે ગઠબંધનની દૃષ્ટિએ સારા સંકેત આપનારું છે. જે હેતુથી ગઠબંધન થયું એ હેતુ પરિપૂર્ણ કરવા તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. એ ચોક્કસપણે તેમના માટે સારી વાત છે. ગુજરાતની ચૂંટણીમાં જ્યારે મોટા ભાગના લોકોએ પરિણામની ધારણા કરી લીધી હોય એવા માહોલમાં પણ તેમના નેતાઓ પ્રયત્નો કરી રહ્યા છે એવું ફલિત થાય છે.”
ચૈતર વસાવાએ શું કહ્યું?
આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા અને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, “હાલ ભાજપ ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસન ચલાવી રહ્યો છે અને તેના વિરોધમાં કૉંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાયયાત્રાની શરૂઆત કરી છે. 28 વર્ષથી વધુ સમયથી લોકો ભાજપને મત આપી રહ્યા છે, છતાં પણ ભાજપ સરકાર એક સારું શાસન ચલાવવામાં અને લોકોને ન્યાય આપવામાં નિષ્ફળ રહી છે. હાલમાં રાહુલ ગાંધીની ન્યાયયાત્રાના કારણે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. લોકોનું સમર્થન જોઈને ચોક્કસપણે કહી શકાય કે પરિવર્તનનો સમય આવી ગયો છે.”
તેઓ કહે છે, “હાલમાં હું કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનનો ઉમેદવાર છું. બંને પક્ષો તરફથી મને ખૂબ જ સમર્થન મળી રહ્યું છે. આજે કૉંગ્રેસના પ્રદેશના નેતાઓની સાથોસાથ સ્થાનિક નેતા અને કાર્યકર્તાઓ પણ આ રેલીમાં જોડાયા છે. ઇન્ડિયા ગઠબંધનની સમગ્ર ટીમ સાથે મળીને આ લોકસભા ચૂંટણી લડશે.”
ભાજપનું શું કહેવું છે?
જોકે, રાહુલ ગાંધીની આ ન્યાયયાત્રાને લઈને ભાજપમાં કોઈ ખાસ હલચલ દેખાઈ નહોતી.
આ વિશે વાત કરતા દાહોદ ભાજપના સ્થાનિક નેતા ભરતભાઈ શ્રીમાળીએ કહ્યું કે, “કૉંગ્રેસે આદિવાસી વિસ્તારમાં લોકો સાથેનો પોતાનો સંપર્ક ગુમાવી દીધો છે અને આ રેલીથી લોકોને કોઈ ફરક નહીં પડે. ભાજપ છેલ્લી બે ટર્મથી અહીં જીતી રહ્યો છે અને આવનારી ચૂંટણી પણ ભાજપ જ જીતશે તેમાં કોઈ બેમત નથી.”
ભાજપનાં પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, “અત્યારે જ્યારે ચૂંટણી માથે છે, ત્યારે રાહુલ ગાંધીને ગુજરાતના આદિવાસીઓ યાદ આવ્યા છે. જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે કેમ તેમણે આદિવાસીઓનાં જનધન ખાતાં ખોલાવ્યાં ન હતાં કે પછી તેમને સ્વાસ્થ્યની સુવિધાઓ નહોતી આપી? તેમને સારું શિક્ષણ મળે તેની વ્યવસ્થા કેમ કૉંગ્રેસે ન કરી? ચૂંટણી સમયની જ તેમની મુલાકાતોને લોકો સમજે છે અને આવી રેલીઓથી લોકોનું મન ન બદલાય. અમારા કાર્યકર્તાઓ જે રીતે કામ કરી રહ્યા છે તે જ રીતે કામ કરતા રહેશે અને અમે આ વખતે પણ 26માંથી 26 બેઠકો લાવીશું.”