ગુજરાત ભાજપમાં કૉંગ્રેસી નેતાઓ જોડાતાં પક્ષના કાર્યકરોમાં અસંતોષ કેમ?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા

લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

ચૂંટણીને ગણતરીનો સમય બાકી છે ત્યારે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓના ભાજપમાં સામેલ થયા છે.

ભાજપના નેતાઓએ તો અન્ય પાર્ટીમાંથી આવેલા નેતાઓને કેસરીયો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું, પરંતુ ક્યાંક અંદરખાને ભાજપના જૂના જોગીઓ અને કાર્યકર્તાઓમાં અસંતોષ હોય એવું પણ જણાઈ રહ્યું છે.

રાજકોટમાં આ અસંતોષનું ઉદાહરણ જોવા મળ્યું. અહીં એક અનામી પત્રિકા વાઇરલ થઈ છે. જેમાં ભાજપમાં કૉંગ્રેસના નેતાઓની ભરતી મામલે રોષ વ્યક્ત કરાયો છે.

આ પત્રિકામાં દલીલ કરાઈ છે કે ભાજપના કૉંગ્રેસીકરણ બાદ ભાજપના મૂળ કાર્યકર્તાઓ માટે સરકાર અને સંગઠનમાં 14 ટકા અનામત રાખવી જોઈએ.

ભાજપની નેતાગીરીએ આ પત્રિકા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવાની વાત કરી છે, પણ જાણકારો કહે છે કે રાજકોટમાં કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓનો અસંતોષ ચરમસીમા પર છે અને આ પ્રકારની પત્રિકા તેનું ઉદાહરણ છે.

જોકે, ભાજપે સ્પષ્ટ કર્યું છે કે આ કામ વિરોધીઓનું છે, આવું કામ ભાજપનો કોઈ સંનિષ્ઠ કાર્યકર્તા ન કરી શકે.

જાણકારો કહે છે કે વર્ષ 2002થી લઈને અત્યાર સુધી લગભગ સો જેટલા કૉંગ્રેસી નેતાઓ ભાજપનો કેસરીયો ખેસ પહેરી ચૂક્યા છે, જેને કારણે ભાજપના કાર્યકર્તાઓને હવે લાગે છે કે બહારથી આવેલા લોકો તેમનામાંથી ભાગ પડાવે છે.

જોકે જાણકારો એમ પણ કહે છે કે ભલે અસંતોષ હોય, પરંતુ ભાજપના કાર્યકર્તાઓ તેમનો વિરોધ વ્યક્ત કરવાનું ટાળે છે.

તેઓ ભાજપના કાર્યકર્તાની ચુપકીદીનું કારણ જણાવતાં કહે છે કે ભાજપ શિસ્તબદ્ધ અને કૅડર બૅઝ્ડ પાર્ટી છે અને બીજું કારણ તેમને રાજકીય કારકીર્દી પૂર્ણ થઈ જવાનો ભય પણ હોય છે.

શો છે પત્રિકાનો વિવાદ અને શું કહેવું છે ભાજપનું?

રાજકોટમાં આવી અનામી પત્રિકા વાઇરલ થઈ છે. જેમાં પક્ષનો વિશ્વાસુ ‘એક ગાભામારુ કાર્યકર’ના નામથી આ પત્રિકા લખવામાં આવી છે. આ પત્રિકા પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલને સંબોધીને લખવામાં આવી છે.

આ પત્રિકામાં લખવામાં આવ્યું છે કે, “છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાજપ પક્ષમાં કૉંગ્રેસના નેતાઓને ભેળવીને રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, મંત્રીમંડળ અને બોર્ડ-નિગમ સહિત પાર્ટી અને સંગઠનમાં જે મહત્ત્વના હોદ્દા આપવામાં આવે છે, જેને કારણે ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા કાર્યકર્તાઓ માટે ખુરશીને ગાભા મારવાની સ્થિતિ પેદા થઈ છે. ભાજપના જૂના કાર્યકર્તાને લોકો સોશિયલ મીડિયામાં ‘ગાભામારુ’ તરીકે સંબોધીને મશ્કરી કરતા જોવા મળે છે, ત્યારે ભાજપના કાર્યકર્તાઓના હક માટે મારી નીચે મુજબની રજૂઆત છે.”

આ પત્રિકામાં વધુ લખવામાં આવ્યું છે, “ગુજરાત ભાજપ સંગઠનમાં તેમજ ટિકિટ ફાળવણીમાં ભાજપના જ વર્ષો જૂના મૂળ કાર્યકર્તાઓ માટે 14 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવે.”

આ પત્રિકામાં અલગ-અલગ કૅટગરીના લોકો માટે વિવિધ અનામતની જોગવાઈની માગ પણ કરવામાં આવી છે.

જેમાં માગ કરાઈ છે, “કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા માટે 40 ટકા અનામત, ભાજપના મૂળ કાર્યકર્તાઓ માટે 14 ટકા અનામત, પાર્ટી ફંડ આપતા લોકો માટે 30 ટકા અનામત અને નવા જોડાયેલા સેલિબ્રિટી કે જૂના ભાજપી કે પછી ઘરવાપસી થયેલા હોય તેવા લોકો માટે 16 ટકા અનામત આપવામાં આવે.”

આ પત્રિકા વાઇરલ થતા ભાજપના નેતાઓ સક્રિય થયા હતા. ગુજરાત ભાજપપ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરાએ બીબીસી સહયોગી બિપિન ટંકારિયાને જણાવ્યું હતું કે આ પત્રિકા વિકૃત માનસિકતા ધરાવતી વ્યક્તિનું કામ છે.

તેમણે વધુમાં જણાવ્યું, “આ પત્રિકા મામલે તપાસ કર્યા બાદ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.”

ડૉ. ભરત બોઘરાએ વધુમાં જણાવ્યું, “સમગ્ર પાર્ટી એક પરિવાર છે. હું નહીં, પરંતુ પરિવારની ભાવના સાથે કામ કરતો આ પરિવાર છે. ચૂંટણીટાણે વિકૃત માનસિકતા ધરાવતા લોકો મીડિયામાં સ્થાન પામવા આ પ્રકારની પત્રિકા બહાર પાડતા હોય છે. તેમને દુનિયા અને જનતા ઓળખે છે. ભાજપમાં આ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી. ભાજપ પરિવારની ભાવનાથી કામ કરનારી પાર્ટી છે.”

આ જ પ્રકારની વધુ એક પત્રિકા સુરતમાં પણ વાઇરલ થઈ છે. જેમાં આમ આદમી પાર્ટીના નેતા રજનીકાંત વાઘાણીનું નામ છે.

ભાજપના કાર્યકર્તાઓનું શું કહેવું છે?

વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના 17 ધારાસભ્યો ચૂંટાયા હતા. સૌરાષ્ટ્રની 48 બેઠકો પૈકી કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યો હતા જે પૈકી પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાદાણી ભાજપમાં જોડાતા હવે કૉંગ્રેસ પાસે સૌરાષ્ટ્રમાં એક જ ધારાસભ્ય બાકી રહે છે અને તે છે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા.

અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર, નવસારી જિલ્લા કૉંગ્રેસપ્રમુખ ધર્મેશ પટેલ તથા મૂળુભાઈ કંડોરિયા પણ ભાજપમાં જોડાયા હતા.

અરવિંદ લાદાણી પહેલાં ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ, વીજાપુરના ધારાસભ્ય સી. જે. ચાવડા પણ ભાજપમાં કેસરી ખેસ ધારણ કરી ચૂક્યા છે.

હવે કૉંગ્રેસના નેતાઓ દ્વારા ભાજપમાં જોડાવાને કારણે પાર્ટીના કાર્યકર્તાઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે.

સુરત શહેર યુવા ભાજપના પૂર્વ મહામંત્રી મોનિલ ઠાકર બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કબૂલે છે કે જે પ્રકારે પાર્ટી બહારથી આવેલા નેતાઓને પદ મળી જાય છે, તેને કારણે ભાજપના નાના કાર્યકર્તાઓમાં કચવાટ પેદા થયો છે.

મોનિલ ઠાકર કહે છે, “જેનો ટ્રેક રેકૉર્ડ પણ ખરાબ હોય તેવા લોકોને પાર્ટી કેસરીયો ખેસ પહેરાવે છે તે યોગ્ય નથી. પાર્ટીમાં જોડાનારા નેતાઓ અંગે કોઈ નિશ્ચિત માપદંડ નક્કી થવો જોઈએ. પહેલાં તેમને બૂથ લેવલની કામગીરી સોંપવી જોઈએ, પછી તેમને કોઈ પદ આપવું જોઈએ. સીધેસીધા આવીને આ લોકો એ કાર્યકરોના નેતા બની જાય છે, જે વર્ષોથી તેમની સામે લડ્યા હતા. જેને કારણે ભાજપના જૂના કાર્યકર્તાઓના નૈતિક બળ તૂટે છે, એટલું જ નહીં પરંતુ તેમનું સ્વાભિમાન પણ ઘવાય છે.”

મોનિલ ઠાકરને એક સમયે પાર્ટીવિરોધી ગતિવિધીઓ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને ભાજપે થોડા સમય પહેલાં ફરીથી પાર્ટીમાં સામેલ કરી લીધા. જોકે હાલ તેમની પાસે કોઈ મોટી જવાબદારી નથી અને તેઓ માત્ર પાર્ટીના કાર્યકર્તા તરીકે ભાજપનું કામ કરી રહ્યા છે.

સુરત ભાજપના એક નેતા રૂપેશ દેશમુખ આ વિશે કહે છે, “તેને કારણે દુ:ખ તો થાય છે, પરંતુ પાર્ટીનો કાર્યકર આજે નહીં તો કાલે તક મળશે તેવી આશામાં પાર્ટીનું કામ કરે છે. આખરે એ પાર્ટીનો નિર્ણય છે અને અમે તો વડા પ્રધાન મોદીને જોઈને કામ કરીએ છીએ.”

રાજકોટના પૂર્વ મેયર અને ભાજપના નેતા જનક કોટક બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “કાર્યકર્તાઓને આ નથી ગમતું કે જેઓ ભાજપને અપશબ્દો કહેતા હતા, તેઓ આજે તેમના નેતા બની જાય. આ લોકોને પણ ભાજપ પ્રત્યે કોઈ પ્રેમ નથી. લોભ અને લાલચને કારણે તેઓ ભાજપમાં જોડાયા હોય છે. પરંતુ પાર્ટીનો કાર્યકર્તા એક સૈનિકની જેમ કામ કરતો હોય છે, કારણકે તે માને છે કે પાર્ટી જે કરે છે તે દેશહિતમાં છે અને ભાજપના કાર્યકર્તા માટે રાષ્ટ્રહિત સર્વોપરી છે.”

જાણકારોના મતે કેટલાક કાર્યકર્તા અને નેતા આ મામલે ચૂપ છે, કારણ કે તેમને ડર છે કે જો બોલીશું તો આવનારા દિવસોમાં તેમની પાસે આવનારી તક ઝૂંટવાઈ જશે.

જાણકારો શું કહે છે?

જાણકારો કહે છે કે પાર્ટીનું નેતૃત્વ એટલું મજબૂત છે કે ભાજપના કોઈ નેતા કે કાર્યકર્તામાં વિરોધ કરવાની હિંમત નથી, આને કારણે આ નેતાઓ કે કાર્યકર્તાઓ ગેરિલા પદ્ધતિથી પત્રિકા મારફતે કે પછી સોશિયલ મીડિયામાં મીમ્સ વાઇરલ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કરે છે.

કેટલાક વિશ્લેષકો કહે છે કે આ મોદી અને શાહનું રાજકારણ છે અને તેમાં નવા પ્રયોગો થતા રહે છે. જાણકારો એમ પણ કહે છે કે હાલ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ઘણા મંત્રીઓનાં કુળ કૉંગ્રેસી છે. સંગઠન કે બોર્ડ-નિગમમાં પણ કૉંગ્રેસ મૂળ કૉંગ્રેસના ઘણા નેતાઓને સ્થાન મળ્યું છે એટલે ભાજપના કાર્યકર્તાઓમાં અંદરખાને નારાજગી હોય એ સ્વાભાવિક છે.

રાજકીય વિશ્લેષક સુનીલ જોશી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “કેશુભાઈ પટેલે પણ કહેવું પડ્યું હતું કે મારો શો વાંક, વિજય રૂપાણીએ પણ કહેવું પડ્યું હતું કે મને હઠાવવાનું કારણ તો આપો. વિજય રૂપાણીના સમયે પણ કવિતાઓ વિરોધરૂપે વાઇરલ થઈ હતી. ભાજપની આ પાવરગેમ છે. પક્ષનું નવીનીકરણ છે. જેમાં સત્તાનાં સમીકરણો જ ધ્યાને લેવાય છે. કાર્યકર્તાઓ નારાજ હોય તો તેઓ સીધો વિરોધ વ્યક્ત કરી શકતા નથી, તેથી ગર્ભિતપણે આ પ્રકારે પત્રિકા મારફતે પોતાનો રોષ વ્યક્ત કરે છે.”

રાજકીય વિશ્લેષક રાજ ગોસ્વામી કહે છે, “ભાજપના બે પ્લાન છે. એક શોર્ટ ટર્મ અને એક લૉંગ ટર્મ. શોર્ટ ટર્મમાં આ લોકસભાની ચૂંટણીમાં 400 બેઠકો જીતવી. લૉંગ ટર્મ પ્લાનમાં કૉંગ્રેસ પક્ષને મુખ્ય વિપક્ષની ભૂમિકામાંથી ખતમ કરી નાખવો.”

તેઓ કૉંગ્રેસના નેતાઓને સામેલ કરવાનાં કારણો અંગે વાત કરતાં કહે છે કે, “ગાંધી પરિવારને એકલો પાડવા માટે તેઓ કૉંગ્રેસના નેતાઓની ભરતી કરે છે, પછી તેમાં કોઈ નારાજ થાય તેની તેમને પડી નથી. ભાજપના નેતાઓ તેને માટે બહુ ઇમોશનલ થતા નથી. સંઘને પણ આ માફક આવતું હશે, કારણકે કોઈ પણ બહાને તમે તમારી વિચારધારાને આગળ વધારી રહ્યા છો.”

રાજ ગોસ્વામી ભાજપની આ વ્યૂહરચનાને વડા પ્રધાન મોદીના સંભવિત લક્ષ્ય સાથે જોડીને જુએ છે. તેઓ કહે છે, “પીએમ મોદી હવે એટલો બહુમત મેળવવા માગે છે જેથી તેઓ આવનારી ટર્મમાં એવા કામ પૂર્ણ કરી શકે જે તેઓ તેમની અગાઉની બે ટર્મમાં ન કરી શક્યા. તેના માટે તેમને લોકસભા અને રાજ્યસભામાં એટલી બહુમતીની જરૂર છે, જે વિપક્ષની ભૂમિકા નહિવત કરી દે. તમે જોશો તો રાજ્યસભાની હાલની ચૂંટણીમાં પણ જે પ્રકારે ક્રોસવોટિંગ થયું તે દર્શાવે છે કે ભાજપની મંશા શી છે.”

કેટલાક જાણકારો કહે છે કે જ્યારથી સી. આર. પાટીલ ગુજરાત પ્રદેશઅધ્યક્ષ બન્યા છે ત્યારથી રાજકોટ ભાજપમાં રૂપાણી જૂથને સાઇડલાઇન કરી દેવામાં આવ્યું છે, જેને કારણે આ પત્રિકા જેવો અસંતોષ અવારનવાર પ્રગટ થતો રહે છે.

વરિષ્ઠ પત્રકાર સુરેશ પારેખ જંગી મતોની જીતના લક્ષ્ય સામે સવાલ કરતાં કહે છે, “અંદરખાને નારાજગી છે પણ પાર્ટી કૅડર બૅઝ્ડ છે, તેથી બહાર અસંતોષ દેખાતો નથી. પાંચ લાખ મતોથી જીતવું તેવા ધ્યેય સાથે કામ કરવાને બદલે પાર્ટીએ પ્રજાના પાંચ પ્રશ્નો પણ બાકી ન રહેવા જોઈએ તેવા ધ્યેય સાથે ચૂંટણીમાં ઊતરવું જોઈએ. પાંચ લાખ મતોથી જીત એ કોઈ લોકશાહીનો માપદંડ ન હોઈ શકે.”

જાણકારો એમ પણ કહે છે કે ભયને કારણે પણ કોઈ પાર્ટી સામે બોલવા તૈયાર નથી.

સુનીલ જોશી કહે છે, “પહેલાં કોઈ કાર્યકર્તાઓને ટિકિટ ન મળે તો કાર્યાલયે દેખાવો થતા હતા આજે કોઈની બોલવાની હિંમત નથી, કારણકે ભાજપના કાર્યકર્તાઓ માટે કોઈ બીજો વિકલ્પ નથી. તેથી તે બોલતો નથી.”

સુરેશ પારેખ કહે છે, “એક સમયે જ્યારે રાજકોટના કાર્યકર્તાઓ વિરુદ્ધ જઈને પાર્ટીએ કિરણ પટેલને લોકસભાની ટિકિટ આપી તો કાર્યકર્તાએ તેમને હરાવીને પરચો આપ્યો હતો. આજે રાજકોટ બહારના એવા પરશોત્તમ રૂપાલાને ટિકિટ મળી છે, તો વિરોધ કરનારું કોઈ નથી. રાજકોટની નેતાગીરીને કટ ટુ સાઇઝ કરી દેવામાં આવી છે, જેને કારણે કાર્યકર્તાઓમાં છૂપો અસંતોષ છે.”

કૉંગ્રેસ અને આપનું શું કહેવું છે?

રાજકોટ કૉંગ્રેસના નેતા અને શહેરના પૂર્વ મેયર અશોક ડાંગર એક સમયે કૉંગ્રેસથી નારાજ હતા અને તેઓ તેને કારણે ભાજપમાં ગયા હતા. પરંતુ ભાજપ માફક નહીં આવતા તેઓ કૉંગ્રેસમાં પરત ફર્યા હતા. અશોક ડાંગર આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે કે ભાજપમાં જૂના કાર્યકર્તાઓની સ્થિતિ મજૂરિયા જેવી જ છે.

અશોક ડાંગર કહે છે, “કૉંગ્રેસ પાર્ટીની સમસ્યા એ છે કે તેઓ નારાજ નેતાઓને સમજાવી નથી શકતા, પરંતુ જે પ્રકારે કૉંગ્રેસના નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે તેને કારણે ભાજપના કાર્યકર્તાઓને શંકા થાય તે વાજબી છે. હવે અરવિંદ લાદાણી ભાજપમાં જોડાયા બાદ તરત જ બોલ્યા કે હું માણાવદરથી ચૂંટણી લડીશ. હવે તેઓ જે કૉંગ્રેસ મૂળ ધરાવતા ભાજપના નેતા જવાહર ચાવડાને હરાવીને ધારાસભ્ય બન્યા હતા તે જવાહર ચાવડાનું શું થશે? એ ભાજપના નેતાઓનું શું થશે જેઓ માણાવદરથી ટિકિટની અપેક્ષા રાખીને બેઠા હતા?”

ગુજરાતમાં એક સમયે કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી સરકારમાં કૅબિનેટ મંત્રી રહી ચૂકેલા અને હાલ કૉંગ્રેસમાં ગયેલા જયનારાયણ વ્યાસ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “ કેશુભાઈ પટેલ જેવા દિગ્ગજ નેતાએ એક વાર કહેવું પડ્યું હતું કે રાજ્યમાં અઘોષિત કટોકટી છે. તેઓ જ્યારે આવું બોલ્યા ત્યારે સ્થિતિ કેવી હશે તે સમજી શકાય એમ છે. પ્રજા જુએ છે. આ એવી વ્યવસ્થા છે જ્યાં ચૂંટાયેલા નેતા કે મંત્રીની કોઈ કિંમત નથી. ભાજપના નેતાઓની કોઈ કિંમત નથી, જ્યારે ઉછીના લીધેલા નેતાઓ લાડકવાયા બને છે. આવા સંજોગોમાં ભાજપના કાર્યકર્તાઓ એટલા માટે નારાજ છે, કારણકે તેમનો અવાજ સાંભળનારું કોઈ નથી.”

કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં એક કવિતા માધ્યમથી પોતાની વાત કરી.

તેમણે કહ્યું, “ખર્યા પાનખરે પીળા પાંદડાં જમીને, નથી અફસોસ વૃક્ષને જરાય, ત્યજીને કૂંપળો અહીં તૈયાર છે વસંતે.”

એક સમયે આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ રહી ચૂકેલા ગોપાલ ઈટાલિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “મને તો ભાજપના કાર્યકર્તાઓની દયા આવે છે. તેમણે તો છેવટે ખુરશી ગોઠવવાનું અને પાથરણાં પાથરવાનું કામ જ કરવાનું છે. મલાઈ તો આ બહારથી આવેલા લોકો ખાઈ જાય છે.”