You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતનું એ ગામ જ્યાં લોકો પાસે હજુ ‘મતાધિકાર નથી’, અત્યાર સુધી ક્યારેય નથી કર્યું મતદાન
- લેેખક, શંકર વદિશેટ્ટી
- પદ, બીબીસી માટે
"અમારી પાસે મત આપવાનો અધિકાર નથી. અમને એ પણ ખબર નથી કે મત કેવી રીતે આપવો."
આ વાત આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લાના પ્રથીપાડુ મતવિસ્તારના ગિરિજાનાપુરમ ગામના આદિવાસી લોકો કહી રહ્યા છે.
ગોકવરમ પંચાયતના આ ગામમાં અંદાજે 50 લોકો રહે છે. અધિકારીઓનું કહેવું છે કે તેમાંથી 19 લોકોને હાલમાં પહેલી વાર મત આપવાનો અધિકાર મળ્યો છે.
કોંડાડોરા જનજાતિમાં સામેલ આ બધા લોકોનું કહેવું છે કે તેમણે અત્યાર સુધી મતદાન કર્યું નથી.
એટલું જ નહીં, તેમાંના મોટા ભાગના લોકો પાસે કોઈ ઓળખપત્ર પણ નથી.
ઘણા લોકો પાસે આધારકાર્ડ પણ નથી
પૂર્વીય ઘાટમાં રહેતા આ જનજાતિના મોટા ભાગના લોકો આજે પણ અનેક સરકારી કલ્યાણ યોજનાઓથી વંચિત છે. બીબીસીને એ વાત પણ ધ્યાને આવી છે કે રાષ્ટ્રીય ગ્રામીણ ગૅરંટી યોજના અને વન અધિકાર અધિનિયમ પણ અહીં લાગુ નથી.
ગિરિજાનાપુરમ ગામ કોલકાતા-ચેન્નાઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગથી અંદાજે 20 કિમી દૂર એક પહાડ પર આવેલું છે. પેદ્દીપલેમથી ત્યાં બસથી જઈ શકાય છે. તમે ત્યાં પગપાળા જઈ શકો છો અથવા પહાડો પર પહોંચવા માટે ક્યારેક રિક્ષા પણ મળી શકે છે. ત્યાર બાદ તમારે એક કિલોમીટર પગપાળા ચાલીને પહાડ પર ચડવું પડે.
ગિરિજાનાપુરમમાં કુલ 13 પરિવારો છે. તેમનું કહેવું છે કે તેઓ અંદાજે ત્રણ પેઢીથી ત્યાં રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લોકો પહાડોમાંનાં ઝાડ કાપીને લાકડાં વેચે છે. તેઓ કોલસો બનાવે છે અને પછી તેને નીચે લઈ જાય છે અને વેચે છે.
ગામના મોટા ભાગના લોકો પાસે આધારકાર્ડ સહિત કોઈ અન્ય ઓળખના દસ્તાવેજો નથી. કેટલાક પાસે આધારકાર્ડ અને રોજગારી ગૅરંટી જૉબકાર્ડ છે.
તેમનું કહેવું છે કે આ ઓળખપત્રથી તેમને સરકાર તરફથી કોઈ યોજનાનો લાભ નથી મળતો.
તેમનું કહેવું છે કે ગામના ત્રણ લોકોને પેન્શન અને કેટલુંક રૅશન (ચોખા) સિવાય અન્ય કોઈ કલ્યાણકારી યોજનાનો લાભ નથી મળતો.
ગિરિજાનાપુરમમાં કોઈ શિક્ષિત લોકો નથી. તેમનું કહેવું છે કે તેઓ અને તેમનાં બાળકો ક્યારેય શાળાએ ગયાં નથી. ગામમાં પરણીને આવેલાં બે મહિલાઓ સાતમા અને પાંચમા ધોરણમાં ભણતાં હતાં. બાળકો સ્કૂલે જતાં નથી, કેમ કે અહીં શાળા કે આંગણવાડી કશું જ નથી.
ગિરિજાનાપુરમના લોકોનું કહેવું છે કે 1952થી અત્યાર સુધી અહીં ચૂંટણી થતી આવી છે, પરંતુ તેમણે એક વાર પણ મત આપ્યો નથી. 50 અને 60 વર્ષના વડીલોએ પણ આ જ વાત કહી.
ગામમાં રહેતાં બુરમ્મા કહે છે, "અમને અહીં 40 વરસ થયાં. મારા પાસે કે મારાં બાળકો પાસે મતનો અધિકાર નથી. અમે ઘણી વાર પૂછ્યું છે. જ્યારે અમે મત આપવા જઈએ છીએ ત્યારે તેઓ કહે છે કે અમારી પાસે મતાધિકાર નથી. બે મહિના પહેલાં એ લોકો મતાધિકાર માટે આવ્યા હતા. તેમણે ફોટો પણ માગ્યા હતા."
એટલે સુધી કે યુવાઓનું પણ કહેવું છે કે તેમની પાસે મત આપવાનો અધિકાર નથી.
ગામમાં રહેતા બાબુલુનું કહેવું છે, "હું વૃદ્ધ થયો છું. મેં ક્યારેય મત આપ્યો નથી. મારી મા અને પિતાએ પણ મત નથી આપ્યા. અમારા લોકોને એ પણ ખબર નથી કે ખરેખર મત કેવી રીતે આપી શકાય. ઘણી વાર તેઓ સરકાર તરફથી આવે છે અને કહે છે કે તેઓ અમને બધું જ આપશે. તેઓ કહે છે કે મતાધિકાર પણ મળશે. પણ હજુ અમને મતાધિકાર મળ્યો નથી."
આ ગામમાં રહેલા પરિવારોની અટક માથે અને ઉલ્લી છે.
ગિરિજાનાપુરમના યુવાઓ સાથે લગ્ન કર્યાં બાદ સ્થળાંતરિત થયેલી કેટલીક મહિલાઓએ કહ્યું કે તેમણે પોતાના ગૃહનગરમાં મતદાન કર્યું છે.
ઘરની પાસે જ બાળકોના જનમ
ગિરિજાનાપુરમના ગ્રામીણોએ કહ્યું કે તેમને ખબર નથી કે મુખ્ય મંત્રી કોણ છે. તેઓ એવું પણ કહે છે કે તેમને રાજકીય પાર્ટીનું નામ પણ ખબર નથી.
અહીંનાં મોટા ભાગનાં બાળકોનો જન્મ ઘરે જ થાય છે. કેટલીક ગર્ભવતી મહિલાઓની ડિલિવરી હૉસ્પિટલમાં થઈ છે. અમુક લોકોનું બૅન્ક ખાતું ટાઉનમાં છે.
તેમનું કહેવું છે કે તેઓ વીઆરઓ સિવાય કોઈ પણ સરકારી અધિકારીને જાણતા નથી.
માત્ર એક વ્યક્તિ પાસે મોબાઇલ ફોન છે. આ ગામમાં પરણીને આવેલાં દારાકુમારી તેનો ઉપયોગ કરે છે. તેઓ કોય્યર મંડળના કાકરપાડુથી લગ્ન કર્યાં બાદ અહીં આવ્યાં હતાં.
'પેન્શન માટે ઠેર ઠેર ભટકતા વૃદ્ધ લોકો'
ગિરિજાનાપુરમ ગામ અન્ય પહાડ પર વસેલું હતું. ગ્રામીણોનું કહેવું છે કે ખેતીના નામે કેટલાંક ઝાડને કાઢી નાખ્યાં, આથી તેઓ એ પહાડથી બરાબર નીચે અન્ય પહાડ પર ઝૂંપડી બનાવીને રહે છે.
તેઓ આજે પણ ઘાસનાં ઝૂંપડાંમાં રહે છે, કેટલાક બકરીઓ પાળે છે.
તાજેતરમાં પહાડની ટોચ પર વનીકરણને લીધે અહીં એક રસ્તો બની ગયો છે. પરંતુ ગિરિજાનાપુરમના લોકોનું કહેવું છે કે એક વર્ષ પહેલાં અહીં સાંકડી કેડી જેવું હતું.
માથે દારાકુમારી કહે છે, "અમારી પાસે જમીનની માલિકી નથી. અમારી પાસે ઘરની માલિકી નથી. અમે ખેતી કરતા નથી. અમે કાયમી મકાન બાંધતા નથી. અમારી પાસે પાણી પણ નથી. એક દાતા આવ્યા અને એક બોર ખોદાવ્યો હતો, પણ પાણી સારું નહોતું. અમે ઝરણાનું પાણી પીએ છીએ. અમારી પાસે વીજળી નથી."
"અમારી માગ છે કે તેઓ ઘર બનાવી આપે અને પીવાનું પાણી આપે. અમે અધિકારીઓને કહ્યું છે કે તેઓ જો આંગણવાડી કેન્દ્ર સ્થાપી આપે તો ઘણું સારું રહેશે. જોકે, તેમણે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી."
તેમનું કહેવું છે કે વૃદ્ધોને પેન્શન માટે પહાડોથી નીચે જવું પડે છે. આથી તેમની માગ છે કે તેની પહાડની ઉપર જ વ્યવસ્થા કરવામાં આવે.
પ્રથીપાડુના એક ટ્રેડ યુનિયન નેતા ઈશ્વરરાવે સરકાર પાસે ગિરિજાનાપુરમના રહેવાસીઓ માટે પીવાના પાણી સહિત અન્ય પ્રાથમિક સુવિધાઓ આપવાનો અનુરોધ કર્યો છે.
તેમની માગ છે કે મતદાનને યોગ્ય બધા લોકોની ઓળખ મતદારના રૂપમાં કરવામાં આવે, તેમને પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે અને સરકારની બધી કલ્યાણકારી યોજના લાગુ કરવા માટે પગલાં ભરવામાં આવે.
તેઓ કહે છે, "ગિરિજાનાપુરમના ગ્રામીણોની સાથે જ પાસે આવેલા અલગઅલગ પહાડો પર રહેતા લોકો પાસે પણ પ્રાથમિક સુવિધા પહોંચી નથી. અહીં ખોદકામ માટે ત્યાંના મૂળ રહેવાસીઓને માન્યતા મળતી નથી. ખોદકામના નામે ઉત્ખનનમાં કોઈ અડચણ ન આવે એવી વાત કરીને તેમને લાંબા સમયથી સતત નજરઅંદાજ કરવામાં આવે છે."
"અમે આ અંગે વારંવાર અધિકારીઓનું ધ્યાન દોર્યું છે, પણ તેઓ ધ્યાન આપ્યું નથી."
જોકે, તેમને મતદાનનું ઓળખપત્ર મળતા ખુશી થઈ રહી છે. ઈશ્વરરાવે સરકાર પાસે રોજગાર ગૅરંટી આપવા અને તેમની આજીવિકા સુનિશ્ચિત કરવા પગલાં લેવા વિનંતી કરી છે.
અમને ખબર નથી કે આટલા લાંબા સમયથી મત કેમ નથી પડ્યા- અધિકારી
કેટલાક મહિના પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી એ વાત સામે આવી હતી કે આ વિસ્તારમાં રહેતા ગિરિજાનાપુરમના ડોંડાડોરા આદિવાસીઓ પાસે મતાધિકાર નથી. તેના પર અધિકારીઓએ પ્રતિક્રિયા પણ આપી.
પ્રથીપાડુ વિધાનસભા મતવિસ્તારના રિટર્નિંગ ઑફિસર અને નાયબ કલેક્ટર એ. શ્રીનિવાસરાવે બીબીસીને જણાવ્યું કે "તાજેતરમાં પાત્રતા ધરાવતા લોકોની ઓળખ કરીને 19 લોકોને મતદાતાના રૂપમાં સામેલ કર્યા છે. આગામી ચૂંટણીમાં તેમને મત આપવાનો મોકો મળશે."
તેમણે કહ્યું, "આટલાં વરસોથી તેમને મતાધિકારથી પણ નજરઅંદાજ કરવામાં આવ્યા છે. અમને લાગે છે કે તેમને એટલે નજરઅંદાજ કરાયા હશે, કારણ કે કેટલાક પાસે આધારકાર્ડ પણ નથી અને તેમની પાસે માહિતી પણ નથી. હવે અમે તેમને જલદી ચૂંટણીકાર્ડ આપશું, જેથી તેઓ દરેક ચૂંટણીમાં મતદાન કરી શકે."
તેમનાં નામ 22 જાન્યુઆરીએ ચૂંટણીપંચે જાહેર કરેલી મતદાનસૂચિમાં છે. જોકે, તેમને હજુ સુધી મતદાન ઓળખપત્ર મળ્યાં નથી. આથી ફેબ્રુઆરીના અંત સુધીમાં એ આદિવાસી ગામના લોકોને ખબર નહોતી કે તેમનું નામ મતદાતા સૂચિમાં છે.
એ. રાવે કહ્યું કે ઓળખપત્ર વિતરિત કરવામાં મોડું થયું છે અને તેમને જલદી તેમની પાસે પહોંચાડી દેવાશે.
તેમણે કહ્યું કે સંબંધિત અધિકારીઓ બધી યોજનાઓનો લાભ તેમને મળે તેના માટે કામ કરશે.