You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડાં પ્રધાન ઇંદિરા ગાંધી જ્યારે રાયબરેલીથી ચૂંટણી જીત્યાં અને હારી ગયાં
- લેેખક, નીલેશ ધોત્રે
- પદ, બીબીસી સંવાદદાતા
“ભાઈઓ અને બહેનો, રાષ્ટ્રપતિજીએ કટોકટીની જાહેરાત કરી છે.” ઇંદિરા ગાંધીએ 1975ની 25 જૂને રેડિયો પર આવી જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે જ દેશમાં ઇમરજન્સી લાદવામાં આવી હતી. કટોકટીનો અમલ 1977ની 21 માર્ચ સુધી ચાલુ રહ્યો હતો.
ઇંદિરા ગાંધીના આ ઝટકા પાછળનાં ઘણાં કારણો હતાં. તેમાંથી એક તેમની સંસદસભ્ય તરીકેની ચૂંટણીને રદ કરવાનો અલાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો હતો.
1966ની 24 જાન્યુઆરીએ પહેલી વાર વડાં પ્રધાન બનેલાં ઇંદિરા ગાંધીએ 1971ની લોકસભા ચૂંટણી સુધી દેશ, સરકાર અને કૉંગ્રેસ પાર્ટી પર મજબૂત પકડ જમાવી હતી.
એ વખતે તેમના ટેકેદારોએ એવું ચિત્ર ઊભું કર્યું હતું કે ઇંદિરા ગાંધીનો વિરોધ એટલે દેશનો વિરોધ.
એ પરિસ્થિતિમાં ઇંદિરા ગાંધી 1971માં રાયબરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યાં હતાં. તેમણે યુનાઇટેડ સોશિયલિસ્ટ પાર્ટીના ઉમેદવાર રાજ નારાયણને 1,11,810 મતોથી હરાવ્યા હતા.
રાજ નારાયણે આ ચૂંટણી ઇંદિરા ગાંધી સામેની પ્રતિષ્ઠાનો જંગ બનાવી હતી. તેઓ પૂરી તાકાતથી ચૂંટણી લડ્યા હતા. તેથી તેમને ખાતરી હતી કે જીત તેમની જ થશે.
ચૂંટણીનું પરિણામ જાહેર થાય તે પહેલાં રાજ નારાયણના સમર્થકોએ તેમનું વિજય સરઘસ કાઢ્યું હતું, પરંતુ પરિણામ જાહેર થયું ત્યારે રાજ નારાયણ એક લાખથી વધુ મતથી હારી ગયા હતા.
જોકે, રાજ નારાયણે પરાજય સ્વીકાર્યો ન હતો અને ઇંદિરા ગાંધી ચૂંટણીને અલાહાબાદ હાઈકોર્ટમાં પડકારી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ નારાયણે આક્ષેપ કર્યો હતો કે ઇંદિરા ગાંધીએ ચૂંટણીમાં સરકારી મશીનરીનો ઉપયોગ કર્યો હતો. તેમણે કુલ સાત આરોપ મૂક્યા હતા.
તેમનો પહેલો આરોપ એ હતો કે ઇંદિરા ગાંધીએ એક સરકારી અધિકારી યશપાલ કપૂરને તેમના ચૂંટણી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા હતા.
બીજો આરોપ એવો હતો કે ઇંદિરા ગાંધીએ પ્રચાર સભાઓ માટે સ્ટેજ બનાવવા અને લાઉડ સ્પીકર લગાવવા માટે જાહેર બાંધકામ ખાતાના કર્મચારીઓનો ઉપયોગ કર્યો હતો. લોકપ્રતિનિધિત્વ કાયદા અનુસાર, ચૂંટણીપ્રચારમાં સરકારી મશીનરીનો ઉપયોગ કરી શકાતો નથી.
ઇંદિરા ગાંધીએ મત મેળવવા માટે પૈસા વહેંચ્યા હતા, એ તેમનો ત્રીજો આરોપ હતો.
તેમણે બોગસ મતદાન અને અન્ય આક્ષેપો પણ કર્યા હતા.
રાજ નારાયણે કોર્ટમાં ધા નાખી ત્યારે તેમની ભૂમિકાને રાજકીય સ્ટંટ ગણવામાં આવી હતી. કોઈએ તે પગલાને ગંભીર ગણ્યું ન હતું, પરંતુ અલાહાબાદ હાઈકોર્ટ તેની સુનાવણી કરવા સંમત થઈ ત્યારે બધા ચોંકી ઊઠ્યા હતા.
લંડન ટાઇમ્સે એવી ટિપ્પણી કરી હતી કે આ તો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ વડાં પ્રધાન સામે મહાઅભિયોગની કાર્યવાહી હાથ ધરવા જેવો છે.
વડાં પ્રધાન ઇંદિરા ગાંધી કોર્ટમાં હાજર થયાં
આ કેસ માટે 1975ની 18 માર્ચે કોર્ટમાં હાજર થવાનો આદેશ ઇંદિરા ગાંધીને આપવામાં આવ્યો હતો.
કોઈ વડા પ્રધાનને અદાલતમાં ઉપસ્થિત થવાનો આદેશ આપવામાં આવ્યો હોય તેવું ભારતના ઇતિહાસમાં પહેલી વાર બન્યું હતું.
ઇંદિરા ગાંધી ન્યાયમૂર્તિ જગમોહનલાલ સિંહાની અદાલતમાં હાજર થયાં હતાં. એ દિવસે કોર્ટમાં તેમને લગભગ પાંચ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
ઇંદિરા ગાંધીની જુબાની બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.
તમામ ઘટનાક્રમથી ઇંદિરા ગાંધી અને તેમના સમર્થકો સમજી ગયા હતા કે કોર્ટનો ચુકાદો તેમની વિરુદ્ધમાં આવી શકે છે.
તેથી દિવંગત વરિષ્ઠ વકીલ શાંતિ ભૂષણે આક્ષેપ કર્યો હતો કે ન્યાયમૂર્તિ સિંહાના સંભવિત નિર્ણયને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાંં આવ્યો હતો.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "ડૉ. માથુર ઇંદિરા ગાંધીના અંગત ચિકિત્સક હતા. અલાહાબાદ હાઈકોર્ટના વડા ન્યાયમૂર્તિ ડી. એસ. માથુર તેમના સંબંધી હતા. ન્યાયમૂર્તિ સિંહાએ આ બાબતે મને બાદમાં જણાવ્યું હતું. ઇંદિરા ગાંધીની જુબાનીના એક દિવસ પછી ન્યાયમૂર્તિ માથુર તેમનાં પત્ની સાથે ન્યાયમૂર્તિ સિંહાના ઘરે ગયા હતા."
"એ સમયે તેમણે ન્યાયમૂર્તિ સિંહાને જણાવ્યું હતું કે આ કેસના ચુકાદા પછી તમને સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવાની યોજના છે. માથુરે એક રીતે સિંહાને સંકેત આપ્યો હતો કે તમે ઇંદિરા ગાંધીની તરફેણમાં ચુકાદો આપશો તો તમને સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવામાં આવશે તે નક્કી છે."
જોકે, તેની કોઈ અસર થઈ ન હતી. ન્યાયમૂર્તિ સિંહા બિલકુલ ડર્યા ન હતા.
આખરે એ દિવસ ઊગ્યો
1975ની 12 જૂને સવારના દસ વાગ્યા પહેલાં અલાહાબાદ હાઈકોર્ટનો રૂમ નંબર 24 ખીચોખીચ ભરાઈ ગયો હતો. તેમાં ઊભા રહેવાની જગ્યા સુધ્ધાં ન હતી.
ન્યાયમૂર્તિ જગમોહનલાલ સિંહાના ચુકાદા પર સમગ્ર દેશનું ધ્યાન હતું. તેઓ બરાબર 10 વાગ્યે કોર્ટરૂમમાં આવ્યા હતા અને બધા ઊભા થયા હતા.
તેમણે ચુકાદો વાંચવાની શરૂઆત કરવાની સાથે જ કહ્યું હતું કે રાજનારાયણની અરજીમાં કેટલાક મુદ્દા સાચા હોય તેવું લાગે છે.
કોર્ટમાં બેઠેલા બધાએ એવું ધાર્યું હતું કે હવે ઇંદિરા ગાંધીની ચૂંટણી રદ્દ થઈ જશે.
દરમિયાન, નવી દિલ્હીમાં ન્યૂઝ એજન્સીઓની ઑફિસમાં ટેલિપ્રિન્ટરમાં ટકાટક થવા લાગી હતી. વડાં પ્રધાનની ઑફિસમાં પણ યુએનઆઈ સમાચાર સંસ્થાનું એક ટેલિપ્રિન્ટર લગાવવામાં આવ્યું હતું.
તેના પર ફ્લેશ આવ્યોઃ "ઇંદિરા ગાંધીની ચૂંટણી રદ"
અર્થાત્ જસ્ટિસ સિંહાએ અલાહબાદ હાઈકોર્ટમાં ચુકાદો આપી દીધો હતો.
જસ્ટિસ સિંહાએ રાજ નારાયણ દ્વારા લગાવવામાં આવેલા કુલ સાતમાંથી પાંચ આરોપમાંથી ઇન્દિરા ગાંધીને રાહત આપી હતી, પરંતુ બે આરોપ સબબ દોષિત ઠેરવ્યાં હતાં.
કોર્ટે તેમની સંસદસભ્ય તરીકેની ચૂંટણીને રદ્દ કરી હતી અને તેમને આગામી છ વર્ષ માટે લોકસભા તથા વિધાનસભાની ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવ્યાં હતાં.
જસ્ટિસ સિંહાએ તેમના ચુકાદામાં લખ્યું હતું કે ઇંદિરા ગાંધીએ તેમની ચૂંટણીમાં સરકારી અધિકારીઓ અને સરકારી મશીનરીનો ઉપયોગ કર્યો હતો, જે લોકપ્રતિનિધિત્વ કાયદાનું ઉલ્લંઘન છે.
માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં પહેલી વાર એવું બન્યું હતું કે સત્તા પરના વડા પ્રધાન સામે હાઈકોર્ટના કોઈ ન્યાયમૂર્તિએ આવો ચુકાદો આપ્યો હોય.
કોર્ટના ચુકાદા બાદ દિલ્હીમાંના ઇંદિરા ગાંધીના નિવાસસ્થાને કૉંગ્રેસી નેતાઓની ભીડ એકઠી થવા લાગી હતી.
તેનું વર્ણન કરતાં દિવંગત વરિષ્ઠ પત્રકાર કુલદીપ નય્યરે બીબીસીને કહ્યું હતું, “આ ચુકાદા પછી હું બાબુ જગજીવનરામને મળવા ગયો હતો અને તેમને પૂછ્યું હતું કે હવે શું થશે? તેમણે કહ્યું હતું કે કાયદા અનુસાર ઇંદિરા ગાંધીએ રાજીનામું આપી દેવું જોઈએ, પણ તેઓ આપશે નહીં.”
“મેં પૂછ્યું કે તમે કશું કહેશો નહીં? તેમણે કહ્યું હતું કે આવી હિંમત કોઈનામાં નથી, પણ તેઓ રાજીનામું આપશે તો આગામી વડા પ્રધાન કોણ બનશે એ બાબતે અંદરોઅંદર ઝઘડો થશે. ઇન્દિરા ગાંધી તે સમયે દ્વિધામાં હતાં.”
એ જ સમયે જાણવા મળ્યું હતું કે જસ્ટિસ સિંહાએ તેમના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જવા માટે ઇંદિરા ગાંધીને 20 દિવસનો સમય આપ્યો છે.
ઇંદિરા ગાંધીએ એ સમયના પ્રખ્યાત વકીલ નાની પાલખીવાલાને તત્કાળ બોલાવ્યા હતા. તેમણે તમામ કાગળો નવેસરથી તૈયાર કરીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
તે અરજી 1975ની 22 જૂને સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ વી. આર. કૃષ્ણા અય્યર સમક્ષ સુનાવણી માટે આવી હતી.
નાની પાલખીવાળાએ ઇન્દિરા ગાંધી તરફથી, જ્યારે શાંતિ ભૂષણે રાજ નારાયણ તરફથી રજૂઆત કરી હતી.
એ સમયે ન્યાયમૂર્તિ અય્યરને પણ પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક ટીવી ઇન્ટરવ્યૂમાં ન્યાયમૂર્તિ અય્યરે ખુદ આ વાત જણાવી હતી.
અય્યરે કહ્યું હતું, “તત્કાલીન કાયદા મંત્રી ગોખલે મારા મિત્ર હતા. તેમણે મને ફોન કરીને કહ્યું હતું કે તેઓ મને મળવા માગે છે. તમે મને શા માટે મળવા માગો છો, એવું મેં પૂછ્યું ત્યારે તેમણે ઇન્દિરા ગાંધીના કેસનો ઉલ્લેખ કર્યો હતો.”
“આ ચુકાદા પર સ્ટે આપવામાં આવે એવી વડાં પ્રધાનની ઇચ્છા છે, એવું તેમણે મને જણાવ્યું ત્યારે મેં તેમને કહ્યું હતું કે આ માટે તમારે મને મળવાની જરૂર નથી. તમારે સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ.”
જે દિવસે આ અરજી સુનાવણી માટે આવી હતી એ જ દિવસે ચુકાદો આપી દેવાનો નિર્ણય જસ્ટિસ અય્યરે કર્યો હતો.
લંચ બ્રેક લીધા વગર સાંજે સાડા પાંચ વાગ્યા સુધી સુનાવણી ચાલી હતી. એ પછી મધરાત સુધી અય્યર તેનો ચુકાદો લખતા રહ્યા હતા.
અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદા સામે 1975ની 24 જૂને જસ્ટિસ અય્યરે વચગાળાનો સ્ટે આપ્યો હતો.
ઇંદિરા ગાંધીને વડાં પ્રધાન તરીકે સંસદની કાર્યવાહીમાં ભાગ લેવાની અને ભાષણ કરવાની છૂટ આપવામાં આવી હતી, પરંતુ સંસદસભ્ય તરીકે સંસદમાં કામ કરવા તથા મતદાન કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.
તેનો અર્થ એ કે સુપ્રીમ કોર્ટે તેમને સંસદસભ્ય પદ પાછું આપ્યું હતું, પરંતુ કેટલીક મર્યાદા નક્કી કરી હતી.
ત્યાં સુધીમાં વિરોધ પક્ષોએ ઇંદિરા ગાંધી વિરુદ્ધ દેશભરમાં આગ પેટાવી દીધી હતી. દિલ્હીના રામલીલા મેદાનમાં જયપ્રકાશ નારાયણની એક વિશાળ સભાનું આયોજન 25 જૂને કરવામાં આવ્યુ હતું.
જયપ્રકાશ નારાયણે તેમના ભાષણની શરૂઆત પ્રખ્યાત કવિ દિનકરની કવિતા ‘સિંહાસન ખાલી કરો કી જનતા આતી હૈ’થી કરી હતી.
આ સભા પછી ઇંદિરા ગાંધીએ રેડિયો પર જાહેરાત કરી હતી, “ભાઈઓં ઔર બહેનોં, રાષ્ટ્રપતિજીને આપાતકાલની ઘોષણા કી હૈ. ઈસસે આતંકિત હોને કા કોઈ કારણ નહીં હૈ.”
એ પછી શું થયું હતું તે ઇતિહાસમાં નોંધાયેલું છે.
1977માં દેશમાંથી કટોકટી ઉઠાવી લેવામાં આવી પછી લોકસભા ચૂંટણી યોજવામાં આવી હતી. એ સમયે રાજ નારાયણે ફરી એક વાર રાયબરેલીમાં ઇંદિરા ગાંધીને પડકાર ફેંક્યો હતો.
જોકે, આ વખતે તેઓ જીત્યા હતા અને મોરારજી દેસાઈની સરકારમાં આરોગ્ય મંત્રી બન્યા હતા.
તેમનું આરોગ્ય મંત્રી અને રાયબરેલીથી સંસદસભ્ય બનવું માત્ર એક સંયોગ બની રહ્યું હતું.