You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ભાજપમાં ‘અસંતોષની આગ' : બે ઉમેદવારોને કેમ બદલવા પડ્યા?
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી ભાજપે કુલ 26માંથી 26 ઉમેદવારો જાહેર કરી દીધા છે પરંતુ એવું બન્યું કે તેમને બે બેઠકો પર નવેસરથી ઉમેદવારો જાહેર કરવા પડ્યા છે.
વડોદરાથી ભાજપે હાલનાં સાંસદ રંજનબહેન ભટ્ટને ટિકિટ આપી હતી પરંતુ તેમણે 23 માર્ચે તેમના ઍક્સ હૅન્ડલ પર લખ્યું હતું કે, "હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું."
ત્યારબાદ થોડી જ વારમાં સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ફેસબુક પર કંઈક આવા જ શબ્દોમાં અંગત કારણોસર ચૂંટણી લડવાની ના પાડી હતી. જોકે, તેમણે થોડીવારમાં એ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.
હવે આ બંને ઉમેદવારો ભાજપ તરફથી ચૂંટણી નહીં લડે. તેમના બદલે વડોદરાથી ડૉ. હેમાંગ જોશી અને સાબરકાંઠાથી શોભનાબહેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. જોકે, આ ઘટનાઓથી શિસ્તબદ્ધ પક્ષ કહેવાતા ભાજપમાં આંતરિક વિખવાદની વાતો ચર્ચાઈ રહી છે.
આ સિવાય પણ સોશિયલ મીડિયા પર આણંદ અને બનાસકાંઠા બેઠક પરથી પણ ભાજપ ઉમેદવાર બદલશે તેવો અનેક લોકો દાવો કરી રહ્યા છે.
એક તરફ ભાજપ દરેક બેઠક પાંચ લાખ મતોથી જીતવાનો દાવો કરી રહ્યો છે અને આ લક્ષ્યને લઈને આગળ વધી રહ્યો છે ત્યારે તેના જાહેર થયેલા ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા હોવાથી પક્ષ માટે અસુવિધાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
વડોદરામાં પક્ષના સ્થાનિક નેતાઓએ જ તેમનાં ઉમેદવાર રંજનબહેન ભટ્ટનો ભરપૂર વિરોધ કર્યો હોવાને કારણે પક્ષના કાર્યકર્તાઓમાં પણ અસંતોષની લાગણી હોવાની વાત બહાર આવી છે.
વડોદરા અને સાબરકાંઠામાં શું બન્યું?
વડોદરાથી રંજનબહેનના નામની જાહેરાત થતાં જ વિવાદ થયો હતો. વડોદરાનાં પૂર્વ મેયર અને પાર્ટીનાં વરિષ્ઠ નેતા જ્યોતિબહેન પંડ્યાએ પ્રેસ કૉન્ફરન્સ યોજવાની જાહેરાત કરી હતી. પ્રેસ કૉન્ફરન્સની ગણતરીના કલાકો પહેલાં જ તેમને ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષપદેથી હઠાવી દેવામાં આવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજીનામું આપતી વખતે જ્યોતિબહેને સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમનો વિરોધ રંજનબહેનને ફરીથી ટિકિટ આપવા સામે છે. તેમણે ટિકિટ ઉપર પોતાનો દાવો પણ રજૂ કર્યો હતો.
આ ઘટનાના ત્રણ દિવસ બાદ સાવલીની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ "અંતરાત્માનો અવાજ સાંભળીને" ઈમેલ મારફત ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું.
ઇનામદારે સ્થાનિક મીડિયા સાથે વાત કરતી વેળાએ પાર્ટીમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થઈ હોવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે જે કાર્યકર્તાઓએ પક્ષ માટે ભોગ આપ્યો હોય, તેમની અવગણના થાય તે બરાબર નથી.
સાબરકાંઠાથી જ્યારે પક્ષના ઉમેદવાર ભીખાજી ઠાકોરને ભાજપની ટિકિટ મળી ત્યારે પક્ષના કાર્યકર્તાઓમાં કોઈ સીધી નારાજગી જોવા મળી ન હતી. પરંતુ ત્યારબાદ તેમની જ્ઞાતિને લઈને વિવાદ શરૂ થયો હતો. સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે તેઓ ઠાકોર નથી પણ આદિવાસી છે એવો સોશિયલ મીડિયામાં પ્રચાર શરૂ થયો હતો.
જોકે, 24 માર્ચ સાંજ સુધીમાં તેમણે આ મુદ્દે કોઈ વિધિવત સ્પષ્ટતા કરી નથી અને તેમના સમર્થનમાં અમુક કાર્યકર્તાઓએ વિરોધપ્રદર્શન પણ કર્યું હોવાના અહેવાલ છે. અરવલ્લી જિલ્લા પંચાયતના ભાજપના સદસ્યએ ભીખાજી ઠાકોરના સમર્થનમાં રાજીનામું પણ આપ્યું છે.
કેમ ભાજપના ઉમેદવારો લડવાની ના પાડી રહ્યા છે?
આ મુદ્દે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર અજય નાયક કહે છે, “ભાજપ માટે કાયમ એવું કહેવાતું રહ્યું છે કે તે શિસ્તબદ્ધ અને કૅડર બેઝ પાર્ટી છે. ભાજપમાં જ્યારે ઉમેદવારોની પસંદગી થાય છે ત્યારે ઘણાં બધાં પરિબળોને ધ્યાનમાં રાખીને થતી હોય છે. સાબરકાંઠામાં તો આખો મામલો ખોટી ઍફિડેવિટનો સામે આવ્યો છે. જ્યારે વડોદરામાં ઉમેદવાર સામે સ્થાનિકસ્તરે નારાજગીનો મામલો છે. ભાજપને કદાચ એવું લાગ્યું હશે કે આવો વિરોધ તો થયા કરે. વિરોધને નજરઅંદાજ કરવાની ભાજપની માનસિકતા તેને નડી છે. પણ આ જે બન્યું છે તે ચોંકાવનારું છે.”
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક રાજીવ શાહ આ પરિસ્થિતિને ચોંકાવનારી ગણાવતા કહે છે કે, “હાલમાં ગુજરાતમાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે જ્યાં ગુજરાતમાં વિપક્ષ ખતમ થઈ ગયો છે અને જાણે કે ભાજપમાં વિપક્ષ ઊભરી રહ્યો છે.”
તેઓ કહે છે, “ગુજરાતમાં એક-બે બેઠકોના અપવાદને બાદ કરતાં ભાજપની સ્થિતિ ખૂબ મજબૂત છે. એવી પરિસ્થિતિમાં ભાજપમાં જે લોકો બોલી રહ્યા છે તેમને એવું પણ લાગ્યું હોઈ શકે કે આપણે વિરોધ કરીએ તો કદાચ પ્રેશરથી આપણને ટિકિટ મળી જાય.”
વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામી કહે છે, “જ્યારે કોઈ પક્ષ આટલો મોટો થઈ જાય ત્યારે તેમાં આવા પ્રશ્નો વધી જતા હોય છે. નારાજગી, ઇર્ષા, પ્રતિસ્પર્ધા આ બધું સાહજિક રીતે જ વધે છે. પરંતુ નામ જાહેર થયા પછી ઉમેદવારોએ કેમ ના પાડી એ રહસ્ય છે. પક્ષની જીત લગભગ નક્કી મનાતી હોય, પક્ષનું પ્રતીક અને નરેન્દ્ર મોદીનો ચહેરો વધુ મહત્ત્વનાં હોય ત્યારે કદાચ ઉમેદવારને પણ એવું લાગ્યું હોય કે મારી ક્યાં જરૂર છે, કોઈ પણ લડશે એ જીતી જશે. એટલા માટે પણ તેમણે લડવાની ના પાડી હોય એવું બની શકે.”
જૂના કાર્યકર્તાઓની અવગણનાના આરોપો
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જ્યારે ધારાસભ્યપદેથી રાજીનામું આપવાની વાત કરી ત્યારે પણ તેમણે જૂના કાર્યકર્તાઓની અવગણનાનો મુદ્દો આગળ ધર્યો હતો. જોકે, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આ પહેલાં કહી ચૂક્યા છે કે 'કોઈ ધારાસભ્ય નક્કી ના કરી શકે કે પક્ષમાં કોને લેવા અને કોને નહીં.'
અહીં ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના અર્જુન મોઢવાડિયા સહિતના અનેક ધારાસભ્યો અને મોટા નેતાઓએ છેલ્લા બે-ત્રણ મહિનામાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
ભાજપમાં કાર્યકર્તાઓના અસંતોષ વિશે વાત કરતાં રાજીવ શાહ કહે છે, “ભાજપના ખૂબ જૂના કાર્યકર્તાઓને એવું લાગી રહ્યું છે કે તેમની અવગણના થઈ રહી છે. કૉંગ્રેસના આટલા બધા લોકો પક્ષમાં આવે અને મૂળ આરએસએસના અને દાયકાઓથી ભાજપમાં કામ કરતા લોકોને કોઈ હોદ્દો કે ટિકિટ ન મળે તો અસંતોષ જન્મે એ બહુ સ્વાભાવિક છે.”
અજય નાયક કહે છે, “ભાજપમાંથી ઉમેદવાર લડવાની ના પાડે અને કૉંગ્રેસમાંથી ઉમેદવાર લડવાની ના પાડે એ બંને વચ્ચે દેખીતો ફરક છે. કૉંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડવાની ના પાડે તો તેને હારનો ડર છે અથવા તો કારણ વગર પ્રતિષ્ઠા બગડવાનો ડર છે એવું કહી શકાય. જ્યારે ભાજપમાં તો ટિકિટ માટે પડાપડી થાય છે અને જીતની શક્યતા પણ વધારે હોય ત્યારે કોઈ ઉમેદવાર કેમ લડવાની ના પાડે? એટલે એ સ્પષ્ટ છે કે ભાજપના ઉમેદવારને ઉપરથી જ ચૂંટણી લડવાની ના પાડવામાં આવી હશે.”
“આપણે એ વાત માની લેવી જોઇએ અત્યારના રાજકારણમાં જો કોઈ વ્યક્તિ આવી રહી છે તો એ સેવા કરવા આવતી નથી. એ કોઈને કોઈ હેતુ લઈને આવે છે. બે-ત્રણ ચૂંટણી જતી રહે અને તેમ છતાં પણ તેમને કંઈ ન મળે તો સ્વાભાવિક રીતે જ અસંતોષ ઊભો થાય છે. ભાજપમાં રહેલા લોકો પણ વિચારે છે કે સત્તા, પાવર, પ્રતિષ્ઠા કંઈ પણ મળતું નથી તો આ બધું ક્યાં સુધી કરવાનું? ભાજપ એટલે જ આ પ્રકારના અસંતોષને ડામવા માટે નવા ચેહરાઓને લાવે છે.”
રાજ ગોસ્વામી આ ઘટનાને ભાજપમાં થયેલા મૂલ્યોના ધોવાણ સાથે જોડે છે અને કહે છે, “કેટલાંક વર્ષો પહેલાં એવું મનાતું હતું કે ભાજપ એક નવી કૅડર, નવા વિચારો, મૂલ્યો સાથે આવેલો પક્ષ છે. પરંતુ છેલ્લાં દસ વર્ષોમાં જ ભાજપનો ચહેરો, ભાજપનું તંત્ર, ભાજપની કામ કરવાની પદ્ધતિ એ બધું ખૂબ ઝડપથી બદલાયાં છે. સત્તા હાથમાં આવ્યા પછી ભાજપનું ચરિત્ર જ જાણે કે બદલાઈ ગયું છે. જૂના ભાજપમાં ‘બોટમ ટુ ટોપ’ મૉડલ હતું જ્યારે હાલના ભાજપમાં ‘ટોપ ટુ બોટમ’ મૉડલ બની ગયું છે. હાલના મૉડલમાં જમીની કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે અને ઉપરથી લેવાય નિર્ણય એ જ અનુસરવાનો એવું ચાલી રહ્યું છે. ”
લોકસભા ચૂંટણીમાં આનાથી કંઈ ફર્ક પડશે?
ગુજરાતમાં ભાજપ સતત ત્રીજીવાર 26માંથી 26 બેઠકો જીતવા માટે થનગની રહ્યો છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન હેઠળ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ એવો દાવો કરી રહ્યાં છે કે આ વખતે ભાજપ 26માંથી 26 બેઠક જીતી નહીં શકે.
ભરૂચ, બનાસકાંઠા અને વલસાડ જેવી બેઠકો પર વિપક્ષના ઉમેદવારો સતત ચર્ચામાં રહ્યા છે ત્યારે ભાજપમાં હાલમાં ચાલી રહેલી અસંતોષની પરિસ્થિતિનો શું વિપક્ષોને ફાયદો થશે કે નહીં એ પણ અગત્યનો પ્રશ્ન છે.
અજય નાયકનું માનવું છે કે, “આ બધી ઘટનાઓથી ભાજપને કંઈ જાજો ફરક પડવાનો નથી. કૉંગ્રેસના જે કોઈ ઉમેદવારો અત્યારે ભાજપને ટક્કર આપવાની પરિસ્થિતિમાં છે એ તેમની પોતાની છાપ અને પકડને કારણે છે.”
જોકે, તેઓ માને છે કે હવે ભાજપને વધુ સતર્ક અને સાવધ રહેવું પડશે અને તમામ બેઠકો જીતવાનું લક્ષ્ય હાંસલ કરવા ગુજરાતમાં વધુ મહેનત કરવી પડશે.”
રાજીવ શાહ માને છે કે આ અસંતોષ કે વિરોધની 2024ની લોકસભા ચૂંટણીમાં વધુ અસર થશે નહીં.
વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામી કહે છે, “સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાની તાકાત કોઈનામાં છે ખરી? જે કોઈ સશક્ત ઉમેદવારો કૉંગ્રેસના છે એ પોતાની તાકાત પર ટકી ગયેલા છે. જો નારાજ મતદારોનો ફાયદો લેવામાં તમે સફળ ન થાઓ તો અંતે તેનો ફાયદો ફરીથી ભાજપને જ થવાનો છે.”
ભાજપનું શું કહેવું છે?
સ્થાનિક સમાચારપત્રને ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે આપેલા ઇન્ટરવ્યૂમાં આ મુદ્દે કહ્યું હતું કે, “હવે ઉમેદવાર નહીં બદલાય, માત્ર આ બે બેઠકો પર જ ઉમેદવાર બદલાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ ઉમેદવારોનો અંગત નિર્ણય છે અને ટિકિટ આપતાં સમયે આવી કોઈ વાત ન હતી.”
‘ધી ઇન્ડિયન ઍક્સપ્રેસ’ના એક અહેવાલ પ્રમાણે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ કહ્યું હતું કે, “ઉમેદવારોનું એલાન કરવાનો નિર્ણય પક્ષના કેન્દ્રીય નેતૃત્ત્વનો નિર્ણય હતો અને એ નિર્ણય બદલાયો છે કારણ કે એવી પરિસ્થિતિ ઊભી થઈ હોય. પાર્ટીના નિર્ણયો ઘણીવાર બદલાતા હોય છે અને આ સામાન્ય વાત છે.”
તેમણે એમ પણ કહ્યું હતું કે, “ઉમેદવારો તેમનો મત વ્યક્ત કરી શકે છે અને તેમની ઇચ્છા ન હોય તો ચૂંટણી લડવાનો નિર્ણય પાછો પણ ખેંચી શકે છે. કારણ કે ચૂંટણી લડવી એ ફરજિયાત નથી.”
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે પણ આ નિર્ણયો કેન્દ્રીય પાર્લામેન્ટરી બૉર્ડ લેતું હોવાનું કહી વધુ કંઈ કહેવાનું ટાળ્યું હતું.
ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, “ભાજપના ઉમેદવારો પાંચ લાખની સરસાઈથી જીતવાના હોય તો કેમ તેમના પર દબાણ કરીને તમે ચૂંટણી લડવાની ના પડાવો છો?”