ગુજરાતના 'ચેરાપુંજી' ડાંગમાં ઉનાળામાં પાણીની તંગી કેમ થાય છે?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

હજી સૂર્યનું પહેલું કિરણ નીકળે છે, ત્યાં તો સવિતા પવાર બે ઘડા લઈને પાણી લાવવા ઘરેથી નીકળી પડે છે.

માથે બે ઘડા અને ઘણી વખત કેડે એક બાળક લઈને તેઓ પાણી ભરવા જાય છે. ગામની સીમ પાર કરીને, ખેતરોના માર્ગે ચાલતાં-ચાલતાં તેઓ એક ડુંગર પાર કરે છે, અને ત્યારબાદ જંગલની વચ્ચે આવેલા એક કૂવા નજીક તેઓ પહોંચે છે, પછી તેમને બે ઘડા પાણી મળે છે.

તેઓ કહે છે કે એક દિવસમાં તેઓ પાણી માટે આવા તો કેટલાય ફેરા કરે છે. જોકે આવી પરિસ્થિતિ લગભગ ડાંગ જિલ્લાનાં બીજાં કેટલાંય ગામોની છે. ડાંગનાં નાનાં ગામોમાં જેની ગણતરી થાય છે તેવા કિરલી ગામમાં પાણીની પાઇપલાઇન તો છે, ઘરે ઘરે નળ પણ છે, પરંતુ તે નળમાં પાણી આવતું જોવાનું આ ગામના લગભગ દરેક ગ્રામજનનું સપનું છે.

વર્ષોથી ચાલતી આવતી પાણીની સમસ્યાને લઈને, સવિતાબહેન અને તેમની સાથે ગામની બીજી તમામ મહિલાઓ દિવસ દરમિયાન પાણી માટે સંઘર્ષ કરતી જોવા મળે છે.

અહીંના લોકો કહે છે કે, "હજી તો કપરો સમય બાકી છે, ઉનાળાના મહીનાઓ એપ્રિલ, મે અને જૂનમાં તો પાણીની તંગી ખૂબ વધારે થઈ થશે. ઘરથી ચાર કિલોમીટરના અંતરે આવેલા કૂવામાં પણ પાણી નહીં મળે. તેવા સમયમાં પાણીનાં નાનાં નાનાં ખાબોચિયાંઓ શોધીને મહિલાઓ ખોબે ખોબે ઘડો ભરીને પાણી લાવશે."

કિરલી, કાકડવિહીર અને પોડસમાલ, આ ત્રણ ગામો બાજુ-બાજુમાં આવેલાં છે અને ત્રણેયની પાણીની સમસ્યા ડાંગની પાણીની સમસ્યાને સમજવા માટે પૂરતી છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સવિતાબેન પવાર કહે છે કે, "આખો દિવસ પાણી ભરવાને કારણે અમારા શરીરમાં સતત દુખાવો રહે છે. ઘર માટે, વાસણ ધોવા માટે, ઢોર ઢાકર માટે, પાણીની જરૂર પડતી હોય છે. એટલા માટે તો કહેવાયું છે કે ‘જળ હોય તો જીવન હોય’ પરંતુ અમારે જળ માટે વર્ષોથી દરરોજ સંઘર્ષ કરવો પડે છે."

સવિતાબહેને પોતે બીકૉમ સુધી અભ્યાસ કર્યો છે. પાંચ વર્ષ પહેલાં અમૂલભાઈ પવાર સાથે તેમનાં લગ્ન થયાં ત્યાર પછી તેઓ અહીં રહેવા આવી ગયાં છે.

તેઓ કહે છે કે, "મારા પિયરમાં આ પ્રકારની સમસ્યા મેં જોઈ નહોતી, પરંતુ અહીંયા તો આ સમસ્યા તમામ મહિલાઓને જીવનનો એક ભાગ બની ગઈ છે."

ડાંગનાં ગામોમાં લોકો પાણી ક્યાંથી લાવે છે?

બીબીસી ગુજરાતીની ટીમ જ્યારે ડાંગના આ વિસ્તારમાં પહોંચી, તો સૌથી પહેલાં અમને અમુક મહિલાઓ તૂટેલી પાઇપ-લાઇનમાંથી ટીપે ટીપે નીકળતાં પાણીનો સંગ્રહ કરીને ઘડામાં ભરતી દેખાઈ હતી. આ જ ગામનાં રહેવાસી ઝીણીબહેન પવાર પ્રમાણે તેઓ આખા દિવસ દરમિયાન માત્ર પાણી ભરવાનું જ કામ કરે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું, "આ પાણીની લાઇન પણ થોડા દિવસોમાં બંધ થઈ જશે ત્યારબાદ અમે અલગ અલગ જગ્યાએ પાણી શોધવા માટે નીકળીશું."

આ ત્રણ ગામોના લોકો મુખ્યત્વે ત્રણ પ્રકારે પાણી મેળવે છે.

ગામવાસીઓ કહે છે કે "જેઓ પૈસા ખર્ચી શકે છે તે લોકો પ્રાઇવેટ પાઇપલાઇન કે બોરવેલ મારફતે પાણીની વ્યવસ્થા કરતા હોય છે. જો ભૂગર્ભજળ હોય તો પંચાયતે બનાવેલા હૅન્ડ પમ્પ મારફતે ગામવાસીઓને પાણી મળી રહે અથવા તો રૂ. 1200 ભરીને પ્રાઇવેટ ટેન્કર મારફતે લોકો પાણી મંગાવતા હોય છે. જેમની પાસે પાણી ખરીદવાના પૈસા ન હોય તેમણે ઘણા કિલોમીટર સુધી ચાલીને પાણી શોધીને લાવવું પડે છે."

પોડસમાલ ગામના રહેવાસી કાનુભાઈ ભોઈએ એક પ્રાઇવેટ લાઇન નાખીને પોતાના પરિવાર માટે પાણીની તંગીનું સમાધાન શોધ્યું છે.

કાનુભાઈ જણાવે છે કે, ‘તેમણે ત્રણથી ચાર કિલોમીટર દૂર આવેલા એક ડૅમથી પોતાના ઘર સુધી સ્વખર્ચે પાઇપલાઇન લગાવી જે તેમના ઘર સુધી આવે છે. ઇલેક્ટ્રિક મોટર મારફતે તેઓ પાણી પોતાના ઘર સુધી પહોંચાડે છે.’

"સરકાર પાસેથી અમને કોઈ આશા નથી. દરેક ચૂંટણી પહેલાં સરકાર આવે, અધિકારીઓ આવે, નેતાઓ આવે, અમને વિવિધ પ્લાન બતાવે, તેના વિશે વાત કરે, પાઇપલાઇન પણ નાખી આપે, પરંતુ હકીકત એ છે હજી સુધી ચૂંટણીમાં અમને માત્ર પાણીના વાયદાઓ મળેલા છે, પરંતુ પાણી મળ્યું નથી."

તેમના ગામમાં હાલમાં પાણીની પાઇપલાઇન તો છે, પરંતુ તેમાં આજ સુધી ક્યારેય પાણી આવ્યું નથી.

ડાંગમાં અમુક ઘરોની બહાર અર્ધસરકારી સંસ્થાઓએ શોષકૂવા પણ બનાવવામાં આવેલાં છે. વરસાદ પછીના થોડા મહિનાઓ સુધી જે તે ફળિયાનાં મકાનોને આ કૂવા મારફતે પાણી મળી રહે છે. જોકે આ પણ પૂર્ણ સમાધાન નથી કારણ કે આવા કૂવામાં પાણી જલદી સૂકાઈ જાય છે.

કિરલી ગામના ભૂતપૂર્વ સરપંચ ઈશ્વરભાઈ ભોઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "ડાંગ જિલ્લામાં પાણીનો સ્રોત તો છે, છતાં લોકોને પાણી સમયસર મળતું નથી. 2006ના સમયમાં મારા સમયકાળ દરમિયાન મેં પાઇનલાઇન લગાવીને ઘરે-ઘરે પાણી મળે તે રીતે આયોજન કર્યું હતું, પરંતુ હજી સુધી પાણી મળ્યું નથી."

આ વિશે બીબીસી ગુજરાતીએ ડાંગ જિલ્લાના કાર્યપાલક એન્જિનિયર, પાણી પુરવઠા વિભાગ, એચ. બી. ડીમ્મર સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું કે, "ડાંગ જિલ્લામાં આજ સુધીની તમામ પાણીની યોજનાઓ ખુલ્લા કૂવા આધારિત છે, ઉનાળાના છેલ્લા ત્રણ મહિના દરમિયાન પાણીની તંગી વધી જાય છે, માટે હવે રાજ્ય સરકાર આશરે 866 કરોડ રૂપિયાના ખર્ચે, તાપી નદી આધારિત એક યોજના લાવી રહી છે, જેમાં ઉકાઈ ડેમથી પાણીને પાઇપલાઇન મારફતે ડાંગ સુધી લાવવામાં આવશે અને તે પાણી પછી અહીંના દરેક ગામડાં સુધી પહોંચાડવામાં આવશે."

ડાંગ જિલ્લાના ચેક ડૅમનો ઉદ્દેશ કેમ સર થતો નથી?

ડાંગ જિલ્લામાં વૉટર ચેમ્પિયન તરીકે ઓળખાણ મેળવી ચૂકેલાં નીતાબહેન પટેલ, છેલ્લાં ઘણાં વર્ષોથી અહીંની પાણીની સમસ્યાને દૂર કરવા માટે પ્રયાસો કરી રહ્યાં છે.

તેઓ જણાવે છે કે, "જિલ્લામાં નાના-મોટા થઈને 4000 થી વધુ જેટલા ચેક ડૅમ્સ છે, જેની ઊંચાઈ ત્રણ મીટરથી આઠ મીટર સુધીની છે. જોકે તેમાંથી મોટા ભાગના ચેક ડૅમમાં પાણીનો સંગ્રહ થઈ શકતો નથી."

"મોટા ભાગના ચેક ડૅમ્સમાં ત્રણ ફૂટથી આઠ ફૂટ સુધીની માટી જમા થઈ ગઈ છે, એટલા માટે અહીંયા પાણી જમા થઈ શકતું નથી."

"ડૅમનું ડીસિલ્ટિંગનું કામ ન થવાને કારણે પાણીનો સંગ્રહ થતો નથી, જેના કારણે ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ થતું નથી અને કૂવામાં પાણી રહેતું નથી."

"જ્યાં સુધી ડીસિલ્ટિંગનું કામ નહીં થાય ત્યાં સુધી ડૅમ્સનો ઉપયોગ ન થઈ શકે." ચેક ડૅમ્સમાં જમા માટીને દૂર કરવા માટેની પ્રક્રિયાને ડીસિલ્ટિંગ કહેવામાં આવે છે.

આ વિશે બીબીસી ગુજરાતીએ ડાંગથી ભાજપના ધારાસભ્ય વિજયભાઈ પટેલ સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું કે, "ડીસિલ્ટિંગની પ્રક્રિયામાં એકથી વધુ સરકારી ખાતાની પરવાનગીની જરૂર હોય છે, માટે તેની પરવાનગીની પ્રક્રિયામાં સમય લાગી જાય છે, જો કે હવે તેની પરવાનગી મળી ગઈ છે, અને થોડા સમયમાં આ પ્રક્રિયા શરૂ થઈ જશે."

ડાંગની પાણીની સમસ્યાના સમાધાન વિશે તેમણે કહ્યું કે, "હવે રાજ્ય સરકાર ડાંગ જિલ્લામાં કૂવા આધારિત પાણીના સ્રોતની જગ્યાએ પાણીની આપૂર્તિને દમણ-ગંગા અને તાપી નદી જેવા સ્રોત આધારિત કરવા માટે કામ કરી રહી છે, અને ટૂંક સમયમાં તેનું કાયમી સમાધાન આવી જશે."

ગુજરાતના ચેરાપુંજીમાં ઉનાળા દરમિયાન પાણીની અછત કેમ થઈ જાય છે?

ડાંગ જિલ્લામાં પાણીની સમસ્યા પાછળ તેની ભૌગોલિક પરિસ્થિતિને પણ જવાબદાર માનવામાં આવે છે. અહીં ચોમાસામાં ભારે વરસાદ થાય છે, પરંતુ ચોમાસા ઉપરાંત બાકીની ઋતુઓમાં ભાગ્યે જ વરસાદ થાય છે.

નીતાબહેન પટેલ કહે છે કે, "ડાંગ જિલ્લો પર્વત ઉપર આવેલો છે, અને તેની જમીનમાં ભેજ ધારણ શક્તિ ઓછી છે કારણ કે જમીનની નીચે પથ્થરો વધારે છે. ખૂબ વરસાદ પડતો હોવાથી, વરસાદી પાણી માટીનું ધોવાણ કરે છે. વરસાદી પાણી સાથે વહેતી માટી ચેક ડૅમ અને નદી નાળામાં જમા થઈ જાય છે, જેના કારણે અહીંયા પાણી રોકાતું નથી, અને અહીંયા વધારે વરસાદ પડે તો તેનો ફાયદો નીચેના ભાગમાં આવેલા નવસારીને થાય છે."

નિષ્ણાતો માને છે કે, "ડાંગની પાણીની સમસ્યા માટે જંગલોનું ઘટતું જતું પ્રમાણ પણ છે. રાજ્ય સરકારના એક અહેવાલ પ્રમાણે 2013 થી 2017 દરમિયાન રાજ્યમાં સાત લાખ જેટલાં વૃક્ષો કાપવામાં આવ્યાં હતાં, જેમાં મોટા ભાગનાં વૃક્ષો દક્ષિણ ગુજરાતનાં હતાં. ડાંગ દક્ષિણ ગુજરાતમાં આવેલું છે."

નીતાબહેન કહે છે કે જો વૃક્ષો હોય તો જમીનમાં પાણી રોકવાની ક્ષમતા વધે, તેની સાથે ઉપરથી પાણી જે ખૂબ ઝડપથી નીચે ઊતરે છે, જો વૃક્ષો હોય તો પહેલાં પાણી વૃક્ષ પર પડે અને પછી ધીરે ધીરે નીચે ઊતરે. એટલે કે દોડતું પાણી ચાલતું થાય, તો જમીનનું ધોવાણ થતું અટકે અને નદી, નાળાં કે ચેક ડૅમમાં માટી ભરાઈ જાય છે, તે સમસ્યાથી પણ છુટકારો મળે.

જળ સંસાધન મંત્રાલયના એક રિપોર્ટમાં કરવામાં આવેલી ભલામણો અનુસાર ડાંગ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને જોતાં અલગઅલગ ભાગો માટે વિવિધ સમાધાનોની જરૂરિયાત છે. જેમાં ચેક ડૅમ્સ, ટ્યૂબ વેલ્સને રિચાર્જ કરવાનું કામ અને ગામ તલાવડીઓને ઊંડી કરવા જેવી ભલામણો કરવામાં આવી હતી. વરસાદી પાણીનો સંગ્રહ અને જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવાની ભલામણ પણ કરવામાં આવી હતી.

ગુજરાતમાં ઉનાળામાં ડાંગની જેમ અન્ય કેટલાય જિલ્લાઓમાં પાણીની અછત સર્જાય છે.

ગુજરાતમાં પાણીની તંગીની સમસ્યા વિશે વિધાનસભામાં જવાબ આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સમગ્ર રાજ્ય માટે વૉટર સપ્લાય ગ્રિડ બનાવવાની પહેલ કરી છે.

તેમણે કહ્યું હતું કે રાજ્યમાં આ ગ્રિડમાં 3200 કિલોમીટરની બલ્ક પાઇપલાઇનનું 20 હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગ્રિડની મદદથી 18,152 ગામોમાંથી 14,926 ગામો અને 241 શહેરોને નર્માદા અને પાણીના અન્ય સ્રોતો સાથે જોડવામાં આવ્યાં છે જેનાથી 4.36 કરોડ લોકોને 3,200 એમએલડી જેટલું પાણી દરરોજ 352 સ્કીમો હેઠળ મળે છે.