કચ્છનાં ગામોની એ કમાલ જેણે ‘પાણીની તંગીની સમસ્યાને ભૂતકાળ’ બનાવી દીધી

    • લેેખક, સંજય દવે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"અમારા ગામનાં બે તળાવો પહેલાં ઊંડાં નહોતાં, એટલે તેમાં લાંબા સમય સુધી પાણી રહેતું નહોતું. તેથી અમારે ક્યારેક બહારથી ટૅન્કરથી પાણી મંગાવીને અમારાં પશુઓને પીવડાવવું પડતું. જોકે, થોડા વખત પહેલાં બન્ને તળાવો ઊંડાં કરવાની કામગીરી થયા પછી હવે છેક ઉનાળા સુધી અમારાં પશુઓને પીવાનું પાણી મળતું થયું છે."

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીર બેટ પર આવેલા ગણેશપર ગામનાં પૂર્વ સરપંચ કુંવરબહેન ભીમજીભાઈ વરચંદ (આહીર)ના આ શબ્દો છે.

કચ્છ જિલ્લાના રણ વિસ્તારમાં ખદીર ટાપુ પર આવેલાં કુલ 10 ગામોમાંથી 6 ગામોમાં જળમંદિર અભિયાન હેઠળ 16 તળાવો ઊંડાં કરવાની થયેલી કામગીરીથી આ પરિણામ મળ્યું છે.

આ અભિયાન હેઠળ છેલ્લાં નવ વર્ષ દરમ્યાન મોટા પાયે નાના ચેકડેમ જેવાં જળસંગ્રહનાં સ્ટ્રક્ચર્સની મરામત, તળાવો ઊંડાં કરવાં, તળાવના પાળાનું રિપૅરિંગ, તળાવનાં પાણીની આવકના સ્રોતનું રિપૅરિંગ વગેરે જેવી જુદીજદી કામગીરી કરવામાં આવી.

આ જળમંદિરો બનવાથી દરિયાકાંઠાનાં ગામોમાં ખારાશનું પ્રમાણ 6000 ટીડીએસથી ઘટીને 1200 જેટલું નીચું આવ્યું છે એવું અભિયાનના વખતોવખતના મૉનિટરિંગ દરમ્યાન જાણવા મળ્યું છે.

કેટલાંક ગામોમાં તો વરસાદ પછી પીવાનાં પાણીમાં ખારાશ ઘટીને 500 ટીડીએસ સુધી થઈ ગઈ છે.

દરિયાકાંઠાનાં ગામોમાં ખારાશનું પ્રમાણ 6000 ટીડીએસથી ઘટીને 1200 જેટલું નીચું આવ્યું

‘કચ્છ નવનિર્માણ અભિયાન’ અને ‘સેતુ અભિયાન’ના નેજા હેઠળ આરતી ફાઉન્ડેશનના લાલભાઈ રાંભિયાની આગેવાનીમાં ‘જળમંદિર અભિયાન’ આદરવામાં આવ્યું.

‘કચ્છ નવનિર્માણ અભિયાન’ના મંત્રી જયેશ લાલકા કહે છે, "તળાવોને જળમંદિરમાં પરિવર્તિત કરવાનો સહુનો સહિયારો પ્રયાસ રંગ લાવ્યો છે. કચ્છે જાણે જળક્રાંતિ કરી છે."

"કચ્છના સ્વપ્નદૃષ્ટા કાંતિસેન શ્રૉફ (કાકા)ની જન્મ શતાબ્દી નિમિત્તે 2022ના વર્ષ દરમ્યાન માત્ર છ મહિનામાં જ ગ્રામજનોની ઉત્તમ લોકભાગીદારીથી 101ના લક્ષ્યાંક સામે 156 જળમંદિરો અમે બનાવી શક્યા."

ભુજ તાલુકાના બન્ની વિસ્તાર પાસે આવેલા બેરડો ગામમાં જળમંદિર અભિયાન અંતર્ગત થોડાક-થોડાક અંતરે 15 જેટલી નાની તલાવડીઓ બનાવવામાં આવી છે.

બેરડો ગામના આગેવાન રમઝાનભાઈ ખાસકોલી કહે છે, "અમારા ગામમાં 5000થી વધુ ભેંસો છે અને આખા ગામનું આર્થિક ઉપાર્જનનું એકમાત્ર સાધન પશુપાલન છે. આ વિસ્તાર અંતરિયાળ હોવાથી પાણી પુરવઠા વિભાગનું પાણી અનિયમિત અને અપૂરતું મળે છે."

"તેથી પશુઓને પાણી પીવડાવવા માટે કયારેક ટૅન્કર મગાવવા પડે. ગામના ચરિયાણ વિસ્તારમાં 15 તલાવડીઓ બનાવવાથી પશુઓને ચોમાસા સુધી પીવાનું પાણી ઉપલબ્ધ થયું. આ કામમાં ગામના લોકોએ 50 ટકાથી વધુ લોકભાગીદારી સાથે કામ કર્યું."

કચ્છના નવ તાલુકાનાં 140 ગામોમાં કુલ 268 ‘જળમંદિરો’માં જળસંગ્રહની કામગીરી

વર્ષ 2014થી 2022 દરમ્યાન કચ્છ જિલ્લાના નવ તાલુકાનાં 140 ગામોમાં કુલ 268 ‘જળમંદિરો’ તૈયાર કરવામાં આવ્યાં.

નોંધપાત્ર વાત તો એ છે કે, આ 140 ગામોમાં માત્ર જાન્યુઆરીથી જૂન 2022ના છ મહિનાના સમયગાળામાં જ કુલ 156 જળમંદિરોની કામગીરી કરવામાં આવી.

જળસંગ્રહની આ સરાહનીય કામગીરીથી આજે બધાં 156 તળાવોની ક્ષમતા 4,79,032 ઘનમીટર સુધી પહોંચી છે અને તેની પાણી સંઘરવાની ક્ષમતા 5060.22 લાખ લિટર જેટલી વધી છે.

ભુજના હવામાનવિભાગના આંકડા મુજબ, કચ્છમાં વાર્ષિક સરેરાશ 378.2 મિલીમીટર વરસાદ વરસે છે. ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ધરાવતા અને દુષ્કાળનું સૌથી વધારે જોખમ ધરાવતા વિસ્તારોમાં કચ્છનો સમાવેશ થાય છે.

કચ્છમાં વરસાદ અનિયમિત હોય છે અને વરસાદમાં સામાન્ય કરતાં 45 ટકા સુધી વધઘટ જોવા મળે છે. બદલાતી ઋતુઓ (ક્લાયમેટ ચેન્જ)ની વિપરીત અસરો પણ કચ્છીજનોને માઠી અસર પહોંચાડતી હોય છે.

આવી સ્થિતિમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવો કચ્છ માટે અતિઆવશ્યક બની જાય છે.

ખદીર બેટનાં છ ગામોમાં 16 તળાવોની જળસંગ્રહ-શક્તિ વધી, ઉનાળા સુધીનું પાણી ઉપલબ્ધ

કચ્છના ભચાઉ તાલુકામાં ખદીર બેટનો વિસ્તાર આવેલો છે. તેમાં આશરે 500થી 1000 લોકોની વસતિ ધરાવતા નાનાં-નાનાં 10 ગામો છે.

હડપ્પન યુગમાં વિકસેલું અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલું પુરાતન શહેર ધોળાવીરા શહેર પણ આ વિસ્તારમાં આવેલું છે.

અહીંનાં 10 ગામોમાંથી છ ગામોમાં ‘જળમંદિર અભિયાન’ અંતર્ગત છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન 16 તળાવો ઊંડાં કરવાનાં તેમ જ તેના પાળા અને પાણીની આવકના સ્રોત રિપૅર કરવાનાં કાર્યો કરીને તળાવોની સંગ્રહ-શક્તિ વધારવાનું કામ થયું. તેથી અહીંનાં પશુઓને છેક ઉનાળા સુધી પીવાનું પાણી ઉપલબ્ધ બન્યું. ઉપરાંત તળાવનાં પાણીથી સ્થાનિક કૂવા-બોર રિચાર્જ થયા.

ખદીર વિસ્તારના રતનપર ગામના અગ્રણી મોહનભાઈ ડોસાભાઈ આહીર કહે છે, "પહેલાં અહીંનાં રતનપર, ગણેશપર, અમરાપર, ગઢડા અને બામણકા ગામની મહિલાઓને પીવાનું પાણી મેળવવા માટે બે-ત્રણ કિલોમીટર દૂર સુધી જવું પડતું. પહેલાં તળાવોની ક્ષમતા ઓછી હોવાથી લાંબા સમય સુધી તેમાં પાણી રહેતું નહોતું. તેથી ગામના લોકોને પોતાનાં પશુઓ માટે, રૂપિયા ખર્ચીને પાણીનું ટૅન્કર મંગાવવું પડતું."

"રતનપર ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ત્રણ કૂવામાંથી ટૅન્કર દ્વારા મીઠું પાણી મેળવવા માટે અહીંનાં ગામોના લોકોને 500થી 1000 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડતો. પણ હવે ગામનાં તળાવોની જળસંગ્રહ-શક્તિ વધી છે. એટલે હવે લોકોને ટૅન્કરનો ખર્ચ કરીને પશુઓ માટે પાણી મંગાવવું પડતું નથી."

પાણીનો સંગ્રહ કરવા ગામોના 90 ટકા લોકોએ ઘરે ભૂગર્ભટાંકા બનાવ્યા

ભચાઉ તાલુકાના 1500 લોકોની વસતિ ધરાવતા ગણેશપર ગામમાં આ અભિયાન હેઠળ ત્રણ તળાવોનું કામ થયું તેના કારણે ગામના લોકોને તથા ગામનાં 4000થી વધુ પશુઓને પીવાનું પાણી ઉપલબ્ધ થયું છે.

આ તળાવોનું સમારકામ થયું તે પહેલાં ટૅન્કરોનાં પાણીનો સંગ્રહ કરવા માટે અહીંનાં ગામોના 90 ટકા લોકોએ ઘરે ભૂગર્ભટાંકા બનાવ્યા છે.

જળમંદિરની બીજી અસર રૂપે, સ્થાનિક લોકોમાં જળસંગ્રહની ટેવ વિકસી છે. આ વર્ષે મે મહિનામાં આવેલા વાવાઝોડા અને વરસાદ પછી સિઝનનો પૂરતો વરસાદ થયો નથી.

તેમ છતાં, આ તળાવો રિપૅર થવાથી હવે ગામમાં જ પીવાનું પાણી ઉપલબ્ધ થયું છે.

જયેશભાઈ લાલકા કહે છે, "ખદીરના હનુમાન બેટના રણ વિસ્તારમાં માત્ર મે મહિનામાં પાણી સુકાય ત્યારે જ જઈ શકાય. ત્યાં 48 ડિગ્રી ગરમીમાં પણ સતત કામ કરીને એક તળાવનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું."

"રણમાં મીઠી વીરડી સમાન આ જળમંદિરથી એ વિસ્તારમાં વિચરતા ઘુડખર, નીલગાય, અનેક પક્ષીઓ અને અસંખ્ય જીવોને પીવાનું પાણી ઉપલબ્ધ થયું."

ખદીર બેટના અમરપર ગામના 35 વર્ષના યુવાન મોહનભાઈ મણવર કહે છે, "જળમંદિર અભિયાન હેઠળ અમારા અમરાપર ગામમાં પણ એક મોટું તળાવ રિપૅર કરવામાં આવ્યું તેથી ગામની 1700 લોકોની વસતિ અને 6000 પશુઓને હવે લાંબા સમય સુધી પાણી મળે છે."

"એટલું જ નહીં, પશુઓને ખારું પાણી પીવડાવવું પડતું. હવે તળાવમાંથી પશુઓને મીઠું પાણી પીવા મળે છે એટલે પશુઓનું આરોગ્ય સચવાયું છે અને વધુ દૂધ-ઉત્પાદન મેળવવું શક્ય બન્યું છે. વળી, તળાવમાંથી જે માટી મળી તે અમને સ્મશાનમાં વૃક્ષારોપણ કરવામાં ઉપયોગી થઈ."

નર્મદા યોજનાનો લાભ મળતો નથી એવાં નવ ગામોને જળમંદિરથી સધિયારો મળ્યો

ભચાઉ તાલુકાના નેર ગામના સરપંચ દેવશીભાઈ રબારી કહે છે, "અહીં એશિયાની સૌથી મોટી ઘાસિયા ભૂમિ પાસે ચરિયાણ વિસ્તાર આવેલો છે. તેથી અહીં પશુઓ માટે પુષ્કળ પ્રમાણમાં ઘાસ તો મળી રહે છે, પણ માર્ચ મહિના પછી પશુઓ માટે પીવાનું પાણી ઉપલબ્ધ રહેતું નહોતું. જળમંદિર અભિયાનથી અહીં બે જળમંદિર બનાવવામાં આવ્યાં તેથી હવે ચોમાસા સુધી પશુઓને પીવાનું પાણી ઉપલબ્ધ થયું."

રાપર તાલુકાનાં 97 ગામો અને 270 જેટલી વાંઢમાં ત્રણ લાખથી વધુ લોકો અને બેથી અઢી લાખ જેટલાં પશુઓનો વસવાટ છે. તેમાંથી 80 ટકા વાંઢમાં પાણીની તંગી વર્તાતી હોય છે. ત્યારે જળમંદિર હેઠળ છેલ્લાં બે વર્ષ દરમ્યાન રાપર તાલુકાનાં 15 ગામોનાં 16 તળાવોની જળસંગ્રહ-શક્તિ વધારવામાં આવી છે.

સ્થાનિકો પોતાના ટ્રૅક્ટરોથી તળાવની માટી ઉપાડવાની મજૂરી જાતે કરી

આ અભિયાનથી વ્રજવાણી ગામમાં તળાવ ઊંડું કરવાથી તેની 3000 લોકોની વસતિ, આશરે 300 ઊંટ, ચારેક હજાર જેટલાં કુંજ પક્ષી અને આસપાસનાં બીજાં ચારેક ગામોના લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ થયું.

આમાંથી કેટલાંક ગામો અંતરિયાળ ડુંગર વિસ્તારમાં આવેલાં છે અને તેમાં બોર-કૂવા જેવા કોઈ સ્રોત નથી. તેથી જળમંદિર અભિયાન તેમના માટે જીવાદોરી બની છે.

આ સમગ્ર કાર્યમાં જળમંદિર અભિયાન દ્વારા જેસીબીનો ખર્ચ ઉપાડવામાં આવ્યો. મહત્ત્વની વાત એ છે કે સ્થાનિક ગામોના લોકોએ પોતાના ટ્રૅક્ટરોથી તળાવની માટી ઉપાડવાની મજૂરી જાતે કરી.

રાપર તાલુકાનાં વ્રજવાણી, આણંદપર, લખાગઢ, બાલાસરની ખારી, જાતાવાડા, કમુઆરા વાંઢ, નગાવાંઢ, ભુરાવાંઢ જેવાં ગામોમાં જૂનાં તળાવો પાસેનાં ગાંડા બાવળ કાઢીને સાફસફાઈ કરવામાં આવી, તળાવોનું સમારકામ કરવામાં આવ્યું અને તળાવના પાળા બનાવવામાં આવ્યા.

જળમંદિર અભિયાન સાથે જોડાયેલા ગ્રામ સ્વરાજ સંઘના કાર્યકર ધર્મેન્દ્ર હોથી કહે છે, "નગાવાંઢમાં રહેનારા પારકરા કોળી લોકોની સ્થિતિ આર્થિક રીતે બહુ નબળી છે. તેઓ કોલસા પાડવાની અને બીજી મજૂરી કરીને જીવન-ગુજરાન ચલાવે છે. અહીં બોર-કૂવા નથી. તેથી લોકોને બે-ત્રણ કિલોમીટર દૂરના તળાવમાંથી પાણી ભરીને લાવવું પડતું. ક્યારેક તેમને ટૅન્કરથી પણ પીવાનું પાણી મંગાવવું પડતું, પણ ગરીબીના કારણે તેઓ તેનો સંગ્રહ કરવાના ટાંકા બનાવી શકે એવી સ્થિતિ પણ નથી. એટલે તળાવો બનવાથી તેમનાં પશુઓને પીવાનું પાણી ઉપલબ્ધ થયું અને તેમની હાડમારી દૂર થઈ."

બિટિયારી ગામના તળાવની જર્જરિત પાળ રિપૅર થવાથી પશુઓ માટેનું પાણી બચ્યું

કચ્છના લખપત તાલુકાનાં નવ ગામોમાં 13 તળાવોની કામગીરી થઈ. ત્યાંના ‘સેતુ-અભિયાન’ના કાર્યકર ગોપાલભાઈ ભરવાડ કહે છે, "લખપતની સુભાષપર પંચાયતમાં આવેલા બિટિયારી ગામના તળાવની જર્જરિત પાળ તૂટવાની અણી પર હતી. આ તળાવ પર આખા ગામના 1000થી વધુ પશુઓ નિર્ભર છે. જો આ પાળનું વખતસર રિપૅરિંગ ન થયું હોત તો તળાવનું બધું જ પાણી ગામનાં ખેતરોમાં વહી જઈને ખેતરોને નુકસાન પહોંચાડે એવું બનવાની સંભાવના હતી."

"જોકે, તળાવની પાળનું રિપૅરિંગ કામ થવાથી ગામના ખેડૂતો સહિત પશુપાલકોને પણ તળાવમાં પાણી ઉપલબ્ધ રહેવાથી હાશકારો થયો છે. એટલું જ નહીં, તળાવ રિપૅર થવાથી ગામનાં હલીમાબહેન જત અને જામ ભદન જત જેવા અનેક ગરીબ ખેડૂતોને ખેતીમાં પિયત માટે પાણી ઉપલબ્ધ બન્યું છે."

બોરમાં પહેલાં 200 ફૂટે પાણી મળતું, હવે ફક્ત 100 ફૂટે મળવા લાગ્યું

ભુજ તાલુકાના તુગા (પચ્છમ) ગામના અબ્દુલ ગની સમા કહે છે, "અમારા ગામના માલધારીઓ ચોમાસામાં તેમનાં ઘરપરિવાર અને પશુઓને લઈને ગામથી 12 કિમી દૂર ડુંગર ઉપર જતા રહે છે. ત્યાં પશુઓ માટે ઘાસચારો અને ત્રણ મહિના સુધી જ તલાવડીઓમાં પાણી મળી રહેતું."

"કેટલીક તલાવડીઓ તૂટી ગઈ હોવાથી પશુઓ માટે પૂરતું પાણી મળતું નહીં, તેથી તેમને પશુઓ સહિત ગામમાં પાછા આવવું પડતું. પરિણામે, ઊભા પાકમાં પશુઓ દ્વારા ભેલાણ (પાક ચરી જવા)નું પ્રમાણ વધતું. પરંતુ આ જળમંદિર અભિયાન દ્વારા ચારમાંથી એક તલાવડી ઊંડી ખોદવાથી હવે છ મહિના સુધી ડુંગર ઉપર તલાવડીમાં પાણી મળી રહે છે એ મોટો લાભ થયો."

માંડવી તાલુકાના મસ્કા ગામના સરપંચ કીર્તિભાઈ ગોર કહે છે, "અમારું ગામ દરિયાથી માત્ર બે કિમી દૂર હોવાથી ગામના બોરવેલનાં પાણીમાં 5500 પીપીએમ જેટલી ભારે ટીડીએસ (ખારાશ) રહેતી. વર્ષ 2017થી જળમંદિર અભિયાન હેઠળ નાના ચેકડેમ, ઓગનપાળા, કૂવા રિચાર્જ વગેરે જળસંગ્રહનાં કામો કરવાથી ખારાશ ઘટીને 1200 થઈ ગઈ છે. વળી, વાડી વિસ્તારમાં બોરમાં પહેલાં 200 ફૂટે પાણી મળતું તે હવે ફક્ત 100 ફૂટે મળવા લાગ્યું છે તેનાથી અમારા ગ્રામજનો બહુ રાજી થયા છે."