કચ્છ જેવા સૂકાભઠ્ઠ પ્રદેશમાં પણ પાતળી હવામાંથી પીવાનું પાણી કેવી રીતે મેળવી શકાય?

    • લેેખક, માર્ટિન પેરિસ
    • પદ, બીબીસી ફ્યુચર

શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની અસર શરૂ થવા જઈ રહી છે. ગરમી વધશે ત્યારે પાણીની તંગીના સમાચાર ગુજરાતમાં કોઈ નવી વાત નથી. આ અહેવાલ એવા વિસ્તારની વાત કરે છે, જે દુષ્કાળ પ્રભાવિત છે.

ગુજરાત જે સૌરઊર્જામાં દેશનાં ટોચનાં રાજ્યોમાં આવે છે, તે સૌરઊર્જાની મદદથી નવીન ટેકનૉલૉજી થકી દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પાણીની અછત દૂર કરવાની આશા જાગી છે.

અમેરિકાના લાસ વેગાસની સૂકી, રણની હવામાં આસપાસના પુષ્કળ પાણી સ્રોત વિશે વાત કરવી થોડી વિચિત્ર લાગે છે.

નેવાડાનો દક્ષિણી વિસ્તાર ઇતિહાસના સૌથી ખરાબ દુષ્કાળની પકડમાં છે. તેને લીધે પાણીની અછત અને તેના ઉપયોગ પર નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે. તેથી આના જેવા પાણીની અછતવાળા વિસ્તારોમાં પાતળી હવામાંથી પાણી પ્રાપ્ત કરવાની સંભાવના આકર્ષક જણાય છે અને કૉડી ફ્રાઈસન બરાબર એના જ પ્રયાસ કરી રહ્યા છે.

એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં મટિરિયલ સાયન્સના અસોસિયેટ પ્રૉફેસર ફ્રાઈસને સૌરઊર્જા સંચાલિત હાઈડ્રોપેનલ વિકસાવી છે, જે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે પાણીમાંથી મોટા પ્રમાણમાં ભેજ શોષી શકે છે.

આ એ અભિગમનો આધુનિક ટ્વિસ્ટ છે, જેનો ઉપયોગ વાતાવરણમાંથી ભેજ ખેંચવા માટે સદીઓથી કરવામાં આવતો રહ્યો છે. જેમ કે પેરુમાં ધુમ્મસને ‘પકડવા’ માટે વૃક્ષો અને નેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રથા છેક 1500ના દાયકાથી ચાલી આવે છે અને તેનો ઉપયોગ આજે પણ કરવામાં આવે છે.

લાસ વેગાસમાં જાન્યુઆરીમાં યોજાયેલા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો (સીઈએસ)માં પ્રદર્શિત આકર્ષક પારદર્શી ટેલિવિઝન અને ઈલેક્ટ્રિક વાહનોની વચ્ચે કેટલાક સ્ટાર્ટ-અપ્સ આ પ્રાચીન અને મહદઅંશે અવગણના કરવામાં આવી છે તેવા સ્વચ્છ પેયજળના સ્રોતનો લાભ લેવાની નવી રીતોનો દાવો કરતા જોવા મળ્યા હતા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તેઓ હવામાંથી વધારે પાણી ખેંચવાની રીતો શોધી રહ્યા છે.

સૌરઊર્જા સંચાલિત હાઇડ્રોપેનલની પોતાની શોધ બાદ ફ્રાઈસને 2014માં પોતાની કંપની ઝીરો માસ વોટરની સ્થાપના કરી હતી. આજે કંપનીને સોર્સ ગ્લોબલ નામે ઓળખવામાં આવે છે. તે વિશ્વના 50થી વધુ દેશોમાં કામ કરે છે અને તેનું પ્રાઈવેટ વેલ્યૂએશન એક અબજ ડૉલરથી વધુ છે.

કઈ રીતે કામ કરે છે આ ડિવાઇસ?

ડિવાઇસમાં હવા ખેંચતા પંખાને ચલાવવા માટે પેનલ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે. ડિવાઈસમાં એક શુષ્ક પદાર્થ હોય છે, જે ભેજને શોષી લે છે. પાણીના અણુ એકઠા થાય છે અને જળ બાષ્પના સ્વરૂપમાં ઉત્સર્જિત થાય છે, કારણ કે સૌર ઊર્જા ઉચ્ચ આદ્રતાયુક્ત ગેસ બનાવવા માટે પેનલનું તાપમાન વધારે છે. પછી તેને પીવા યોગ્ય બનાવવા તેમાં મિનરલ્સ ભેળવતા પહેલાં પ્રવાહીનું ઘનીકરણ થાય છે.

ફ્રાઈસેન કહે છે, "આ રીતે અમે વિશ્વના ખૂબ શુષ્ક હોય તેવા વિસ્તારો સહિતના મોટાભાગના સ્થળોએ પાણી બનાવી શકીએ છીએ. અમારું હેડક્વાર્ટર એરિઝોનાના સ્કોટ્સડેલમાં આવેલું છે. ત્યાં ઉનાળામાં સાપેક્ષ ભેજ પાંચ ટકાથી ઓછો હોય છે. તેમ છતાં અમે પાણી બનાવીએ છીએ."

"આ એક અત્યંત કાર્યક્ષમ અને ઓછો ખર્ચાળ અભિગમ છે, જેના વડે અમે બીજું કોઈ ન જઈ શકે તેવા સ્થળો સુધી પહોંચી શકીએ છીએ."

પ્રમાણમાં શુષ્ક આબોહવામાં પણ હવામાં આશ્ચર્યજનક માત્રામાં ભેજ હોય છે. સમગ્ર પૃથ્વીના વાતાવરણમાં, અહીંની તમામ નદીઓના પાણી કરતાં આશરે છ ગણું પાણી છે.

ફ્રાઈસનનું લક્ષ્ય વીજળીની સુવિધા ન હોય અને કુદરતી આફતોથી બરબાદ થયેલા હોય તેવા પ્રદેશોના ગ્રામીણ તથા આદિવાસી સમુદાયો જેવા જૂજ વિકલ્પ ધરાવતા લોકો માટે પાણીની સુવિધાનું લોકશાહીકરણ કરવાનો છે.

સોર્સના ગ્રાહકોમાં આફ્રિકાની એક સબ-સહારન સ્કૂલનો સમાવેશ થાય છે, જ્યાં છોકરીઓએ તાજું પાણી શોધવા માટે કલાકો સુધી ચાલવું પડતું હતું. હવે એ છોકરીઓ ભણવામાં તે સમય પસાર કરી શકે છે.

મંગળ પર પીવાનું પાણી ઉપલબ્ધ કરાવશે?

ફ્રાઈસનના જણાવ્યા અનુસાર, એક પેનલની કિંમત લગભગ 2,000 ડૉલર છે અને તે ઓછામાં ઓછા 15 વર્ષ ચાલે છે, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે થયેલી પ્રગતિને લીધે બદલાતી પરિસ્થિતિ, ભેજ, તાપમાન, સૂર્યપ્રકાશ અને પાણીનો મહત્તમ જથ્થો પ્રાપ્ત કરવા તેના વપરાશના સંદર્ભમાં તેની ઉપજમાં મોટો વધારો કરી શકાતો હોવાનું એડમ શાર્કવરીએ જણાવ્યું હતું. વેન્ચર કેપિટલ કંપની મટીરિયલ ઇમ્પેક્ટે સોર્સ ગ્લોબલમાં રોકાણ કર્યું છે અને શાર્કવરી મટીરિયલ ઇમ્પેક્ટ સાથે જોડાયેલા છે.

તેઓ કહે છે, "આ પેનલોનું નિર્માણ પેનલ દીઠ દરરોજ ચારથી પાંચ લિટર પાણી બનાવવા માટે કરવામાં આવ્યું છે, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ અલ્ગોરિધમ્સની મદદ વડે તે પ્રમાણ સાત, આઠ, નવ લિટરના સ્તરે પહોંચી શકે છે."

"આ બાબત તેને અસરકારક અને ખર્ચની દૃષ્ટિએ પોસાણક્ષમ બનાવે છે." જોકે, ઉપજનો મોટો આધાર હવામાનની પેટર્ન અને સૂર્યના સંસર્ગ પર હોય છે, એવી ચેતવણી સોર્સ ગ્લોબલ આપે છે.

ફ્રાઈસન માને છે કે તેમની હાઈડ્રોપેનલ એક દિવસ મંગળ પર પણ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવશે, જ્યાં વાતાવરણમાં પાણીમાંના ભેજનું સરેરાશ પ્રમાણ એક ટકા હોય છે.

તેઓ કહે છે, "એ માટે અલગ એન્જિનિયરિંગ કરવું પડશે, પરંતુ હવામાંનો ભેજ પ્રાપ્ત ન કરી શકાય, તેને વાતાવરણ માટે યોગ્ય હોય એવી સામગ્રીમાં શોષી ન શકાય અને પછી સૂર્યશક્તિના ઉપયોગ વડે તે ભેજમાંથી પાણી બનાવી ન શકાય તેવું કોઈ કારણ નથી."

કૉફી મશીનમાં કમાલ

કેટલાક એવા લોકો પણ છે, જેઓ અલગ માર્કેટને આકર્ષવા માટે સમાન તકનીકનો ઉપયોગ કરવા ઇચ્છે છે. વૉટર ડિસ્પેન્સર કંપની કારા વોટરે ગયા વર્ષે સીઈએસમાં ડીઝાઈનર વોટર કૂલર વડે 4,899 ડૉલરનો ઇનોવેશન ઍવૉર્ડ જીત્યો હતો. કંપની કહે છે કે તેનું ડીઝાઈનર વોટર કૂલર ડેસીકન્ટ્સના ઉપયોગ વડે હવામાંથી ભેજ ખેંચીને દિવસમાં 10 લિટર પાણીનું ઉત્પાદન કરી શકે છે.

આ સ્ટાર્ટ-અપે 2014માં કારા પોડ રજૂ કર્યું હતું. તે એક કોફી મશીન છે અને કંપનીનો દાવો છે કે હવામાંથી મેળવવામાં આવેલા પાણી વડે પોતાને સતત રિફિલ કરીને કોફી બનાવી શકે છે.

એર-ટુ-વોટર સોલ્યુશનની શોધ કરતી કંપનીઓમાં માત્ર સોર્સ ગ્લોબલ અને કારા વોટર જ નથી. વિશ્વના અન્ય ભાગોમાં પણ નોંધપાત્ર સ્પર્ધા ચાલી રહી છે. કેનેડાની કંપની રેઈનમેકર એવી પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરી રહી છે, જે પ્રતિદિન 20,000 લીટર સુધી પાણી હવામાંથી બનાવી શકે છે.

ઑસ્ટ્રેલિયાની ફેન્ટર-ઇમપોટેપ ઇન્ડસ્ટ્રીઝ કહે છે કે તેની પ્રોડક્ટ રોજ 10,000 લીટર પાણી મેળવી શકે છે. એટમોસ્ફિયરિક વોટર સોલ્યુશન્શમાં એવાં એર-ટુ-વૉટર ડિસ્પેન્સર્સ પણ છે, જે એર પ્યુરિફાયર અને ડિહ્યુમિડીફાયર પણ છે. એટમોસ્પાર્ક વોટર-ઑન-ધ-ગો નામની મોબાઈલ ડિવાઈસનું માર્કેટિંગ પણ કરી રહ્યું છે. તેની પ્રતિસ્પર્ધી વોટરજેનની પોતાની ડિવાઈસ ટૂંક સમયમાં આવી રહી છે.

આ ઉપકરણો કેટલાં સાર્થક સાબિત થશે એ કહેવું અત્યારે ખૂબ જ વહેલું છે, પરંતુ ખરેખર બોટમલેસ કપની સંભાવના આકર્ષક તો લાગે જ.