સુરત: બૅગમાં સમાઈ જાય એવડી પવનચક્કી જે તમારા ઘરનું 'લાઇટ બિલ ઝીરો કરી શકે'

    • લેેખક, રૂપેશ સોનવણે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

“એક સ્માર્ટફોન ખરીદો એટલા ખર્ચમાં મળતી આ નાની પવનચક્કી, તમારા ઘરનું વીજળી બિલ આગામી 20 વર્ષ સુધી શૂન્ય બનાવી શકે છે. 20 વર્ષ સુધી એને જોવાનીય જરૂર નહીં પડે.”

“ત્રણ કિલોવૉટનું સોલર યુનિટ બે ચાર કલાક કામ કરીને માત્ર 12 યુનિટ વીજળી જ પેદા કરી શકે છે. સામેની બાજુએ અમે બનાવેલી પવનચક્કી 24 કલાક કામ કરીને 21 યુનિટ સુધી વીજળી પેદા કરવાની ક્ષમતા ધરાવે છે.”

આર્ટ્સમાં સ્નાતક થયેલા યુવાન ડુંગરસિંહ સોઢાએ કોઈ પણ જાતની તાલીમ મેળવ્યા વગર એક એવી પવનચક્કી વિકસાવી છે, જે તેમના મતે વીજળીના બિલના દબાણથી સામાન્ય માણસને છુટકારો અપાવી શકે છે.

તેઓ પોતાની પ્રોડક્ટ અંગે ઉપરોક્ત વાત કરે છે.

મૂળ રાજસ્થાનના ડુંગરસિંહ અને ગુજરાતના જૂનાગઢ જિલ્લાના યુવાન દિવ્યરાજસિંહ સિસોદિયાએ ‘સન વિન્ડ’ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે.

તેમનો દાવો છે કે ખૂબ ઓછી કિંમતે મળી જતી આ પવનચક્કી એટલી વીજળી પેદા કરી શકે છે કે જેનાથી એસી, ટીવી, ફ્રિઝ જેવી દૈનિક જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી ચલાવી શકાય છે.

નોંધનીય છે કે ‘સન વિન્ડ’ના કો-ફાઉન્ડર દિવ્યરાજસિંહ પણ હજુ બીએમાં અભ્યાસ કરી રહ્યા છે.

કોલસો, પેટ્રોલિયમ પેદાશો જેવા પુન:અપ્રાપ્ય ઊર્જાસ્રોતોનો મર્યાદિત જથ્થો અને અન્ય મર્યાદાઓને કારણે આજકાલ ઘણા લોકો પવન અને સૌરઊર્જા જેવા પુન:પ્રાપ્ય ઊર્જાસ્રોતોના વપરાશને પ્રાધાન્ય આપી રહ્યા છે.

આવી સ્થિતિમાં ‘સન વિન્ડ’ જેવાં સ્ટાર્ટ અપ પુન:પ્રાપ્ય ઊર્જાસ્રોતના સસ્તા વિકલ્પ પૂરા પાડવાનું કામ કરીને આ તકનીક સુધી સામાન્ય માણસની પહોંચ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે.

આજના સમયમાં જ્યારે વીજળીનું બિલ સામાન્ય લોકોના મહિનાનું બજેટ ખરાબ કરવાની ક્ષમતા ધરાવે છે ત્યારે એવું કહેવું કે આ પ્રકારના વિકલ્પો આવા દબાણથી છુટકારો અપાવવાની એક શક્યતા રજૂ કરે છે.

આખરે નવયુવાનોએ બનાવેલી આ સસ્તી, પોર્ટેબલ પવનચક્કી કેવી રીતે કામ કરે છે? અને એ તમારું વીજળીનું બિલ કેવી રીતે શૂન્ય કરી શકે? આ સવાલોના જવાબ મેળવવા માટે બીબીસી ગુજરાતીએ ‘સન વિન્ડ’ સ્ટાર્ટ અપના ફાઉન્ડરો સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.

નોકરી મૂકીને ‘જાતમહેનતે બનાવી સોંઘી પવનચક્કી’

સ્ટાર્ટ અપના ફાઉન્ડર ડુંગરસિંહ સોઢા રાજસ્થાનના છે.

તેઓ ‘સોંઘી’ પવનચક્કી બનાવવા પાછળની પોતાની પ્રેરણા અંગે વાત કરતાં કહે છે કે, “હું રાજસ્થાન જેવા રાજ્યથી આવું છું, જ્યાં વીજળી-પાણીની સમસ્યા સર્જાયા કરે છે. વાવાઝોડાની સ્થિતિમાં ઘણા દિવસો સુધી વીજળી નથી મળતી. ત્યારે મારા મનમાં એ વિચાર હતો જ કે હું કંઈક એવી વસ્તુ બનાવું જેનાથી આ સમસ્યાથી મારા ગામના લોકોને, ખેડૂતોને અને શહેરી વિસ્તારમાં પણ લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે.”

સોઢા કહે છે કે આ વાત સાથે તેમને પવનચક્કીનો વિચાર સ્ફૂર્યો.

સોઢાએ આ વિચારને અમલી બનાવવા માટે પોતાની સારી એવી પત્રકારત્વની નોકરી પણ મૂકી દીધી. અને પાછલાં લગભગ દોઢ વર્ષથી સામાન્ય લોકોને પરવડે તેવી પવનચક્કીની ડિઝાઇન અને પ્રોડક્ટ તૈયાર કરવામાં લાગી ગયા.

સોઢા કહે છે કે તેઓ અત્યાર સુધી આ સાહસ પાછળ દસ લાખ રૂપિયા કરતાં વધુ ખર્ચ કરી ચૂક્યા છે.

અગાઉ જણાવ્યું એમ તેઓ કહે છે કે પવનચક્કી બનાવવાની તેમણે કોઈ તાલીમ મેળવી નથી. તેઓ બધું જાતમહેનતે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ અને પુસ્તકો થકી શીખ્યા હોવાનો દાવો કરે છે.

આ ઉદાહરણથી એ વાત યોગ્ય સાબિત થાય છે કે પ્રબળ ઇચ્છા હોય તો કોઈ મર્યાદાઓ નડતી નથી.

તેઓ પોતાની પવનચક્કીના ફાયદા ગણાવતાં કહે છે કે, “અમે ઘર માટે અલગ અલગ મૉડલની પવનચક્કી બનાવી છે. જેમાં એક કિલોવૉટની ક્ષમતાવાળી પવનચક્કી પણ સામેલ છે. આ વર્ટિકલ પવનચક્કી તમારું વીજળીનું બિલ શૂન્ય કરી શકે છે. અને તે ખૂબ ઓછી કિંમતે ખરીદી શકાય છે.”

કેવી રીતે કામ કરે છે પવનચક્કી?

ડુંગરસિંહ સોઢા પોતે બનાવેલી પવનચક્કીના ફાયદા જણાવતાં કહે છે કે જ્યાં હવાનો પ્રવાહ સારો હોય એ તમામ સ્થળોએ અમારી પ્રોડક્ટ સારી એવી વીજળી પેદા કરી શકે છે. આ પવનચક્કીને ઘરની છત પર પણ લગાવી શકાય છે.

તેઓ પોતાની પવનચક્કીની ખાસિયતો જણાવતાં કહે છે કે, “ઘરે લગાવાયેલી પવનચક્કીથી પેદા થતી વધારાની વીજળી ગ્રીડમાં પણ મોકલી શકાય છે. અમે ખૂબ મહેનત અને વારંવાર સુધારા કરીને એક કાર્યક્ષમ પ્રોડક્ટ બનાવી છે.”

મોટી અને નાની પવનચક્કીની ડિઝાઇન અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “અમે લગભગ બધી વસ્તુઓ અમારી જાતે જ ડિઝાઇન કરી અને બનાવી છે. જ્યાં બહારથી પાર્ટ બનાવડાવાનું સસ્તું પડતું હતું ત્યાં અમારી ડિઝાઇન આધારે પાર્ટ તૈયાર કરાવ્યા છે.”

“આની ડિઝાઇનથી માંડીને દરેકે દરેક પાર્ટમાં મહિનાઓ સુધી સંશોધન કરીને સુધારા અને ફેરફાર કર્યા છે.”

પવનચક્કી અંગે વધુ માહિતી આપતાં તેઓ કહે છે કે, “નાની પવનચક્કી 15 કિમી પ્રતિ કલાકના પવને અને મોટી પવનચક્કી પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે વાતા પવને વીજળી પેદા કરે છે.”

તેઓ પવનચક્કીની અન્ય ખાસિયતો અંગે વાત કરતાં કહે છે કે તેમની પવનચક્કી માત્ર ઘરમાં, ખેતરમાં કે ખુલ્લા મેદાનમાં જ ઉપયોગી સાબિત થાય છે એવું નથી. પરંતુ એ એક ફોલ્ડેબલ અને ગમે ત્યાં સાથે લઈ જઈ શકાય તેવી પ્રોડક્ટ છે. જે ગમે ત્યાં પવનઊર્જા પેદા કરવાની ક્ષમતા ધરાવે છે.

તેઓ કહે છે કે આ પવનચક્કી એટલી ‘શક્તિશાળી’ છે કે તેની મદદથી દુર્ગમ વિસ્તારોમાં મોબાઇલ ફોન ચાર્જ કરી શકાય, પંખા ચલાવી શકાય છે. તેમજ આનાથી પેદા થતી વીજળીની મદદથી 113 ટૅન્ટને વીજળી પૂરી પાડી શકાય છે.

ડુંગરસિંહ કહે છે કે, “તમે તેને પિકનિક પર, દુર્ગમ વિસ્તારોમાં પોતાની સાથે લઈ જઈને વીજળી પેદા કરી શકો છો.”

‘સન વિન્ડ’ના કો-ફાઉન્ડર દિવ્યરાજસિંહ કહે છે કે, “ઘરવપરાશ માટેની પવનચક્કીની સાથોસાથ અમે સંરક્ષણક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે તેવી પણ પવનચક્કી બનાવી છે. જે માત્ર દસ-15 મિનિટમાં લગાવી અને ખોલી શકાય છે.”

“આની મદદથી આપણા દેશના જવાનો દુર્ગમ વિસ્તારોમાં પણ વીજળી ઉત્પાદન મેળવી શકશે.”

ઘરે લગાવી શકાય તેવી નાની પવનચક્કીની મદદથી થતી બચત અંગે અંદાજ મૂકતાં તેઓ કહે છે કે આ પવનચક્કી તમારા બિલમાં ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયાનો ઘટાડો કરવા સક્ષમ છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર રાજ્યમાં 31 ડિસેમ્બર, 2022ની સ્થિતિ અનુસાર 6,835 મેગાવૉટની પવનઊર્જા અને 6,325 મેગાવૉટ ક્ષમતાવાળી સૌરઊર્જાની સિસ્ટમ લાગેલી છે.

જોકે, ગત માર્ચ અને શરૂઆતના ત્રિમાસિક ગાળામાં રાજ્યની ક્ષમતા કરતાં પુન:પ્રાપ્ય ઊર્જાસ્રોત દ્વારા ઓછા પ્રમાણમાં ઊર્જા પેદા કરી શકાઈ હતી.

જે અંગે કેટલાક નિષ્ણાતોએ ચિંતા પણ વ્યક્ત કરી હતી.

જુલાઈ 2023ના એક અહેવાલ અનુસાર નવીન અને પુનપ્રાપ્ય ઊર્જાના કેન્દ્રીય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુજરાત પુન:પ્રાપ્ય ઊર્જાસ્રોતની ક્ષમતા બાબતે તાજેતરમાં તામિલનાડુને વટાવીને પ્રથમ ક્રમાંકે પહોંચી ગયું હતું.

સમગ્ર રાજ્યમાં સોલાર, પવન અને બાયો ઊર્જાની ક્ષમતાનું કુલ 10.41 ગીગાવૉટ થઈ ગઈ હતી. આ પ્રમાણ સમગ્ર ભારતની સરખામણીએ 51.3 ટકા જેટલું છે.