ભારતમાં નોકરીનું સંકટ, જે લાખો બેરોજગારોને શહેરો તરફ ધકેલી રહ્યું છે

    • લેેખક, બાર્બરા પ્લેટ અશર
    • પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ

ભારત હાલ શહેર તરફ પલાયનના વિકટ સંઘર્ષનો સામનો કરી રહ્યું છે. નોંધનીય છે કે વિશ્વના ઇતિહાસમાં આ બીજા ક્રમની સૌથી મોટી ગ્રામીણથી શહેરી વિસ્તારો તરફ પ્રયાણની ઘટના છે.

સંયુક્ત રાષ્ટ્રના પ્રોજેક્શન પ્રમાણે ભારત ચીનને વટાવી વર્ષ 2023ના મધ્ય ભાગ સુધી વિશ્વનો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બની જશે. આ બદલાવની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે વસતિનાં પરિમાણોમાં આવી રહેલા ઉપર મુજબના બદલાવો પણ સમાંતરપણે ચાલી રહ્યા છે.

નિષ્ણાતોના માને છે કે સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બનવાની વાત એ તેના ડેમોગ્રાફિક ડિવિન્ડની દિશામાં આગળ આંગળી ચીંધે છે, કારણ કે ભારત પાસે હવે વિશ્વની સૌથી મોટી યુવાન વર્કફોર્સ છે. જોકે આટલી વસતિ માટે રોજગારસર્જનની બાબતે આ એક મોટો પડકાર પણ છે.

અને ભારતનાં ગામડાંમાંથી શહેરો તરફ થઈ રહેલા સ્થળાંતર માટે પણ આ જ બાબત જવાબદાર છે, કારણ કે ગામડાંમા લોકોને પૈસા કમાવવાની એટલી તકો મળતી નથી. તેથી તેઓ વધુ સારી તકોની શોધમાં મોટાં શહેરો તરફ આવી રહ્યા છે અને એ પણ હજારો-લાખોની સંખ્યામાં.

ભારતના આર્થિક પાટનગર મુંબઈમાં તાજેતરમાં યુવાનોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

આ ટોળાનું કારણ હતું પોલીસદળની ભરતી. હરીફાઈ ગળાકાપ હતી. માત્ર આઠ હજાર પદો માટે સાડા છ લાખ અરજદારો હતા.

યુવાનોની આ ભીડમાં સુનીલ બાંબલે પણ હતા, જેઓ આ નોકરી માટે ત્રીજી વખત પ્રયાસ કરી રહ્યા, તેઓ વધુ એક તક માટે 200 કિલોમીટરની સફર ખેડી પહોંચ્યા હતા.

તેમણે પરીક્ષા આપ્યા બાદ સફળતાની આશામાં પ્રાર્થના કરતાં હાથ ઉપર ઉઠાવતાં કહ્યું, “જો મને આ નોકરી મળી જાય તો મારું જીવન બદલાઈ જશે, કારણ કે મને કાયમી આવકનો સ્રોત મળી જશે.”

“મારી પાસે સુરક્ષિત નોકરી હશે, હું લગ્ન કરી શકીશ.”

કંઈક આવી જ ચિંતા આ અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં પણ પ્રતિબિંબિત થઈ રહી હતી.

આ રિપોર્ટમાં નોંધાયું હતું કે વસતિને લગતી બાબતો સંદર્ભે મોટા ભાગના ભારતીયોને નાણાકીય મુદ્દાને લઈને ચિંતિત હતા.

દેશનું અર્થતંત્ર ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે, જેના કારણે વિશ્વમાં તે એક બજાર બનીને સામે આવી રહ્યું છે.

વૃદ્ધિદર છતાં એક સ્વતંત્ર થિંક-ટૅન્ક સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE) અનુસાર દેશનો બેરોજગારી દર આઠ ટકાની ઉચ્ચ સપાટીએ છે.

આ બાબત એ યુવાનો માટે એકદમ બંધબેસતી છે જેમને શિક્ષણ તો પ્રાપ્ત થાય છે પરંતુ એવું નહીં જે તેમને ભારતના અર્થતંત્રને ઝડપ બક્ષતાં સૉફ્ટવૅર અને ફાઇનાન્સ જેવાં ક્ષેત્રોમાં નોકરી અપાવી શકે.

તેથી તેઓ સરકારી નોકરી મેળવવા માગે છે.

બાંબલે કહે છે કે જો તેમને તેમના સપનાની આ નોકરી નહીં મળે તો પણ તેઓ શહેરમાં પહોંચી જશે, જોકે તેમને ખ્યાલ છે કે આ બાબત પડકારભરી રહેશે.

તેઓ કહે છે કે, “અહીં નોકરી માટેની તકો વધુ છે પરંતુ પ્રમાણમાં મુશ્કેલીઓ પણ વધુ છે.”

બાંબલે ઉમેરે છે કે, “મારે જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે ગામડા કરતાં શહેરમાં વધુ ખર્ચ કરવો પડશે. ઉપરાંત હું સારી રીતે જીવન પણ પસાર પણ નહીં કરી શકું. તેમ છતાં હું અહીં શિફ્ટ થવા માટે તૈયાર છું.”

કંઈક આ પ્રકારનો જ જુગાર નાલા સોપારાના ઘણા લોકો ખેલે છે. નાલા સોપારાએ મુંબઈના દૂરસ્થ વિસ્તારમાં સ્થળાંતરોની વસતિ છે, જે પાછલાં 20 વર્ષોમાં 200 ટકા વિસ્તર્યો છે.

ઓછી આવક ધરાવતા આ વિસ્તારમાં ઇમારતો વચ્ચેની સાંકડી ખાલી જગ્યાઓમાં બારીમાંથી કપડાં બહાર લટકતાં દેખાય છે, તેમજ દરવાજા અને કૉમન એરિયાના સાંકડા પટ્ટામાં જ બાળકો ટોળે વળીને રમતાં દેખાય છે.

આ અંધારિયા ઓરડાઓમાં મહિલાઓ હેર ક્લિપ બનાવવાનું પ્લાસ્ટિક અને કોઇલ વીંટવાનું કામ કરી રહ્યાં છે. આ એક ખૂબ જ ઓછી કમાણી કરાવતું નાનું કામ છે – પરંતુ તેમને જીવન ટકાવવા માટે કમાણી કરાવી આપે છે.

33 વર્ષીય રંજના વિશ્વકર્મા હસતાં હસતાં જણાવે છે કે, “હું મારી જરૂરિયાત મુજબની વસ્તુ ખરીદી શકું છું. હું મારા માટે સાડી ખરીદી શકું છું! કે મારા દીકરાની જરૂરિયાતનો સામાન જેમ કે પુસ્તક કે સ્કૂલ માટેની પેન્સિલ-ઇરેઝર ખરીદી શકું છુ. મારે હવે બધી વ્સ્તુઓ માટે મારા પતિ પર આધાર રાખવો પડતો નથી.”

રંજનાની બાજુમાં જ રસોડાવાળા એક એ રૂમમાં તેમનો દીકરો શાંતિથી બેઠો બેઠો ભણી રહ્યો છે. તેઓ આવી જ રીતે પાછલાં દસ વર્ષથી રહી રહ્યાં છે. પરંતુ રંજનાને વિશ્વાસ છે કે તેમના દીકરાનો ભવિષ્ય તેમના કરતાં સારો હશે.

તેઓ કહે છે કે, “દીકરો શહેરમાં ભણી રહ્યો છે તેથી તે કંઈક કરી બતાવશે. નોકરી મેળવીને આગળ નીકળી જશે.”

તેમની જ માફક તેમના પાડોશી વિશાલ દુબે પણ ઉત્તર પ્રદેશથી જ આવે છે.

તેઓ એક ઇન્ટરનેટ કંપનીમાં સેલ્સમૅનની નોકરી કરે છે. દિવસના 12 કલાકની આ નોકરી કરવા માટે તેમણે દરરોજ લાંબી મુસાફરી ખેડવી પડે છે. પરંતુ આ નોકરી થકી તેઓ તેમના રિક્ષાચાલક પિતાને મદદરૂપ થઈ શકે છે તેમજ તેમનાં માતાની સારવારના ખર્ચમાં ટેકો કરી શકે છે. તેમણે તાજેતરમાં જ એક ઘર રજિસ્ટર કરાવ્યું, જેના માટે તેઓ હપતેથી ચુકવણી કરશે.

કેટલાંક “નાનાં સપનાં” તેઓ પૂરાં કરી શક્યા છે, પરંતુ તેઓ મોટાં સ્વપ્ન પણ જુએ છે.

તેઓ કહે છે કે, “હું આશા કરું છું કે એક દિવસ હું એટલો કમાતો થઈ જાઉં કે મારા નગરજનોને મદદરૂપ થઈ શકું.”

“હું મારું ગામ સમૃદ્ધ બને તેવું ઇચ્છું છું, જેથી મારા ગામના લોકોએ માઇગ્રન્ટ ન બનીને શહેરમાં ન જવું પડે. તેમણે મારા જેવા પડકારોનો સામનો ન કરવો પડે.”

પરંતુ ભારતની હકીકતને ધ્યાને લેવામાં આવે તો આ સપનું સાકાર થવાની શક્યતા નહીંવત્ જણાય છે. અંદાજ છે કે આ સદીના મધ્ય ભાગ સુધીમાં ભારતનાં શહેરી સેન્ટરોમાં લગભગ 80 કરોડ લોકો રહેતા હશે, જે એ સમયે દેસની વસતિના અડધા કરતાં પણ વધુ સંખ્યા હશે.

ભારત આગામી સમયમાં તેના લોકોની આશા-નિરાશાને અનુલક્ષીને કઈ રીતે વિકાસ કરશે મોટા ભાગે તેનો આધાર ખીચોખીચ ભરાયેલાં તેનાં શહેરો પર હશે.