You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતનો આ દસમું નાપાસ યુવાન GPSC પાસ કરી ટૉપર કઈ રીતે બન્યો?
- લેેખક, સાગર પટેલ
- પદ, બીબીસી ગુજરાતી
"અમે એવા પણ દિવસો જોયા છે જ્યારે ઘરમાં ખાવાનાય ફાંફાં હતાં. હું 11મા ધોરણમાં હતો ત્યારે મારા પિતાનું અવસાન થયેલું. મારા મોટા ભાઈ ઑર્કેસ્ટ્રમાં ગાવા જતા."
"ઘરનું ગુજરાન ચલાવવા મમ્મીએ નાનકડી દુકાન ખોલીને નમકીનના પડીકાં અને અન્ય નાની-મોટી વસ્તુઓ વેચવાનું ચાલુ કર્યું અને મને ભણાવ્યો. આજે મેં તાજેતરમાં ગુજરાત પલ્બિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા લેવાયેલી આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે."
ગુજરાતના અમદાવાદના છારાનગર વિસ્તારના નાનકડા એવા છાપરાવાળા જર્જરિત મકાનમાં રહેતા 30 વર્ષના નિખિલ તમંચે વિપરીત પરસ્થિતિઓનો સામનો કરી મેળવેલ સફળતા પાછળની પોતાની અને પરિવારની અથાક મહેનતની કહાણી જણાવતાં ઉપરોક્ત વાત કરે છે.
વિચરતી-વિમુક્ત જનજાતિમાં આવતા છારા સમાજના નિખિલે પોતાની સફળતા અને પોતાના સમાજ અંગેની ગેરમાન્યતાઓ વિશે બીબીસી ગુજરાતી સાથે મુક્તમને વાત કરી હતી.
આ સાફલ્યગાથામાં સામાન્ય માણસ માટે પ્રેરણારૂપ સાબિત થતી ઘણી વાતો છે.
નિખિલ દસમા ધોરણની પરીક્ષામાં નાપાસ થયા હતા.
તેમનું પરિણામ જોતાં માલૂમ પડે છે કે તેઓ બે પ્રયાસે ધોરણ દસમાં પાસ થઈ શક્યા હતા. પ્રથમ પ્રયાસે વિજ્ઞાન અને અંગ્રેજીમાં નાપાસ થનારા નિખિલે અંતે જીપીએસસીની આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન ઇકૉનૉમિક્સની પરીક્ષામાં સર્વોચ્ચ સ્થાન હાંસલ કરી ગુણપત્રક વડે પ્રતિભાનો તાગ કાઢતી માન્યતાઓના બંધિયાર વાડા જાણે તોડી નાખ્યા છે.
હાલ તેઓ ‘ગૂજરાત વિદ્યાપીઠ’માં પીએચ.ડી સ્કોલર તરીકે જોડાઈને ડૉક્ટરેટનો અભ્યાસ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રારંભિક નિષ્ફળતાઓ છતાં નિખિલનો અભ્યાસ પ્રત્યેનો જજબો જ તેમને પહેલાં ગુજરાતની એક માનીતી કૉલેજમાંથી અર્થશાસ્ત્રમાં એમ. એ. અને ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટની યોગ્યતા પ્રાપ્ત કરવા સુધી લઈ ગયો.
અહીં નોંધનીય છે કે મોટા ભાગે અમદાવાદના છેવાડાના વિસ્તારોમાં વસતા છારા સમાજના લોકોને ગેરવાજબી રીતે ‘ગુનાહિત પ્રવૃત્તિ સાથે સાંકળીને’ જોવામાં આવે છે. સામાજિક ગેરમાન્યતાઓ અને ગુનાહિત પ્રવૃત્તિ સાથે લેવાદેવાની હોવાની મર્યાદાગ્રસ્ત માન્યતા જેવી મુશ્કેલીઓ પણ નિખિલનાં ધૈર્ય, જુસ્સા અને મહેનત સામે વામણી પુરવાર થઈ છે. આ તમામ મર્યાદાઓ છતાં તેમણે મેળવેલ સફળતા જ તેમની કહાણીને ખાસ બનાવે છે.
નિખિલ બીબીસી ગુજરાતી સાથે જે સ્થળે વાત કરીને પોતાની કહાણી જણાવી હતી, ત્યાં પાછળ તેમનાં માતાની પતરાની નાનકડી દુકાન, જીર્ણ બાંધકામવાળાં પડુંપડું થતાં પતરાંનાં અંધારિયાં મકાન દેખાતાં હતાં. આ પૃષ્ઠભૂમિ નિખિલ અને તેમના પરિવારે વર્ષો સુધી વેઠેલી દારુણ ગરીબી અને સંઘર્ષની સાક્ષી પૂરી છે.
‘જનરલ કૅટગરી કરતાં પણ સારું પરિણામ’
નિખિલ તમંચે પોતે મેળવેલ સફળતા અંગે માહિતી આપતાં જણાવે છે કે, "મેં આ પરીક્ષામાં સામાન્ય કૅટગરી કરતાં પણ વધુ પરિણામ મેળવ્યું છે. હું આ પરીક્ષામાં ટૉપ પર રહ્યો છું."
નિખિલના પરિણામ પર એક નજર કરતાં જણાય છે કે તેમણે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગની કૅટગરીમાં આ પરીક્ષા આપી હતી.
પરંતુ તેમની મહેનતના બળે તેઓ માત્ર પોતાની કૅટગરીમાં જ નહીં પરંતુ સામાન્ય કૅટગરીના અન્ય ઉમેદવારો કરતાં પણ સારું પરિણામ મેળવવામાં સફળ રહ્યા હતા.
પરંતુ તેમની આ સફળતા સુધીની સફર આગળ જણાવ્યું એમ બિલકુલ સરળ રહી નથી.
પારાવાર ગરીબીમાંથી પરિવારનો દીકરો આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો એ વાતની ખુશી પરિવારજનોનાં હરખઘેલા ચહેરા અને રાજીપાને કારણે ભીની થયેલી આંખોમાં પ્રતિબિંબિત થઈ રહી છે.
‘સફળતાના સમાચાર સાંભળી મા-દીકરો બંને રડી પડ્યાં’
પિતાના અવસાન બાદ નિખિલના પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત કથળી ગઈ હતી. આવી સ્થિતિમાં માતાએ ઘરનું સુકાન સંભાળ્યું.
આ હિંમતવાન માતાએ પરિવારનું ગુજરાન ચલાવવા માટે પરિશ્રમની પરાકાષ્ઠાનો અનુભવ કરવાથીય પીછેહઠ ન કરી.
પતિના અવસાન બાદ પરિવાર ચલાવવા માટે નિખિલનાં માતા શોભના તમંચેએ મજૂરીકામ કર્યું.
આગળ જણાવ્યું એમ ઘરની પાસે જ નાનકડી પતરાની દુકાન કરી અને નાની-મોટી વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું.
આટલું કર્યા છતાં માતા કપરા નિર્ણયો લેવા મજબૂર હતાં. ત્રણ પુત્રો પૈકી તેઓ એકને જ ભણાવી શકે એવી સ્થિતિમાં હતાં.
જેમતેમ કરીને તેઓ નિખિલને ભણાવી શક્યાં.
નિખિલનાં માતા પોતાના સંઘર્ષ અને દીકરાની સફળતા વિશે પોતાની પ્રતિક્રિયા આપે છે.
તેઓ કહે છે કે, "હું લોકોના ઘરે કામ કરવા જતી. એ સિવાય હું દુકાન પણ ચલાવતી. મારા બે દીકરા પણ મને મદદ કરતા. આ બધું કરીને અમે નિખિલને ભણાવ્યો."
આ વાત કરતાં શોભના તમંચેની આંખમાં ખુશી છવાયેલી જોવા મળે છે.
તેઓ પોતાના દીકરાની સફળતા અંગે રાજીપો વ્યક્ત કરતાં કહે છે કે, "અમે આ સમાચાર બાદ ખૂબ જ ખુશ થઈ ગયા હતા, તેની સફળતા અંગે જાણ્યા બાદ અમે બંને મા-દીકરા પેટ ભરીને રડ્યાં. ખુશીનાં આંસુ રોકાવાનું નામ નહોતાં લઈ રહ્યાં. મનમાં બસ એક જ વિચાર હતો કે આખરે અમારી મહેનત કંઈક તો રંગ લાવી."
નિખિલનાં માતાની જેમ તમામ પરિવારજનોને લાગે છે કે તેમની વર્ષોની મહેનત આખરે રંગ લાવી છે.
‘સમાજ ગુનેગાર નથી હોતો’
ઉપર જણાવ્યું એમ નિખિલ જે સમાજમાંથી આવે છે એ છારા સમાજનું નામ ગેરવાજબી રીતે ‘ગુનાહિત પ્રવૃત્તિઓ’ સાથે સાંકળીને જોવાય છે.
નિખિલ પોતાના સમાજની ‘મર્યાદિત વ્યાખ્યા’ અને સમાજ પ્રત્યેના સંકુચિત દૃષ્ટિકોણ અંગે પણ વાત કરે છે.
તેઓ કહે છે કે, "છારા સમાજમાં જન્મ થવાને કારણે મેં નાનપણથી ઘણી બધી વસ્તુઓ જોઈ."
"ઘણા બધા લોકો એમ કહેતા કે તમારા સમાજમાંથી ઘણા ગુનેગારો નીકળે છે. પણ જેમ જેમ હું શિક્ષણ મેળવતો ગયો, તેમ તેમ મને સમજાતું ગયું કે ગુનેગારની કોઈ જાતિ નથી હોતી. એના વિચારો હોય છે કે એ કઈ રીતે પોતાની જિંદગી જીવવા માગે છે, અને એણે કયો માર્ગ અપનાવ્યો છે."
"તેથી એ વિચારોની ભૂલ છે, એ કોઈ જાતિની ભૂલ નથી. એ જાતિમાંથી ગુનેગાર પેદા થયો છે એવું નથી."