ઝૂંપડીમાં રહેતાં આ પતિ-પત્ની યૂટ્યૂબ પર વીડિયો બનાવી થઈ ગયાં માલામાલ

    • લેેખક, રાહુલ રણસુભે
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

સોશિયલ મીડિયા આજે સામાન્ય લોકોમાં લોકપ્રિયતા મેળવી રહ્યું છે. તેમને સેલિબ્રિટીનો દરજ્જો પણ મળી રહ્યો છે. વીડિયો શૅરિંગ વેબસાઇટ યૂટ્યૂબે ઘણા લોકોને પોતાની કળા રજૂ કરવા માટે પોતાની ચેનલ શરૂ કરવા માટે મોકળું મેદાન પૂરું પાડ્યું છે.

શોખથી શરૂ કરેલી ચેનલ તેમના નિર્વાહનું સાધન પણ બની ગઈ છે. ઘણા યૂટ્યૂબર આવી ચેનલમાંથી લાખો કમાઈ રહ્યા છે.

આવોજ એક યૂટ્યૂબર પરિવાર છે જેની આર્થિક સ્થિતિ સોશિયલ મીડિયાના માધ્યમથી મજબૂત બની ગઈ.

પતરાંના ઘરમાં રહેતા પરિવારે યૂટ્યૂબના જોરે પોતાનું ઘર બનાવ્યું છે અને યૂટ્યૂબમાંથી મળેલા પૈસાથી નવી નક્કોર કાર પણ ખરીદી છે.

ચાલો સોલાપુર જિલ્લાના મોહોલ શહેરના યૂટ્યૂબર ગણેશ શિંદે અને તેમના પરિવારને મળીએ...

ટિકટૉક બંધ થયા પછી યૂટ્યૂબ ચેનલ શરૂ કરી

ગણેશ અને તેમનાં પત્ની યોગિતા ટિકટૉકના વીડિયો બનાવતાં હતાં. તેમણે ટિકટૉક પર પણ સારી પ્રસિદ્ધિ મળી.

ટિકટોક પર તેના લાખો ફોલોઅર્સ હતા. ગણેશ અને યોગીતા પતિ-પત્ની વચ્ચેની મજાકના નાના-નાના જોક્સ સાથેના વીડિયો મૂકતા હતા. તેમના વીડિયો વાયરલ પણ થતા હતા.

જોકે, ભારત સરકાર દ્વારા ભારતમાં ટિકટૉક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ઘણા ટિકટૉકરોની જેમ, ગણેશનું ઍકાઉન્ટ પણ બંધ થઈ ગયું.

ત્યારબાદ ગણેશ બીજા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મની શોધ કરવા લાગ્યા.

ગણેશ કહે છે, "શરૂઆતમાં મને યૂટ્યૂબ વિશે કંઈ ખબર નહોતી. અમે ટિકટૉકનો ઉપયોગ કરતા હતા. અમે ત્યાં 15 સૅકન્ડના ટૂંકા વીડિયો બનાવતા. અમને તે સમયે કંઈ ખબર ન હતી. અમે થોડા જ દિવસોમાં ટિકટૉક પર પ્રખ્યાત થઈ ગયા. આ બધું દોઢ મહિનામાં બન્યું. આમ અમે સરળતાથી યૂટ્યૂબ ઍકાઉન્ટ ખોલ્યું અને જોયું તો અમે તેમાં અમારા ટિકટૉકના વીડિયો જોયા."

"મારો મતલબ કે, લોકોએ અમારો 15-સેકન્ડના વીડિયોને યૂટ્યૂબ પર મૂક્યા. તેથી મેં વિચાર્યું, કે આ તો ભારે ગડબડ થઈ છે."

"ત્યારબાદ અમે યૂટ્યૂબ પર વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું. યૂટ્યૂબ પર ઍકાઉન્ટ ખોલ્યા પછી, મને જાણવા મળ્યું કે લોકો અહી પૈસા કમાય છે અને ભારે પૈસા કમાય છે... "

"તેથી મેં તેના વિશે વધુ માહિતી મેળવવાનું શરૂ કર્યું. ત્યારે અમને જાણવા મળ્યું કે અમારે હોરીજોન્ટલ (આડા) વીડિયો બનાવવા જરૂરી છે અને આમ અમે યૂટ્યૂબનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું."

સંક્ષિપ્તમાં: સોલાપુરનો શિંદે પરિવાર યૂટ્યૂબમાંથી કેવી રીતે લાખો રૂપિયા કમાય છે?

  • ગણેશ શિંદે પ્લમ્બર તરીકે કામ કરતા હતા
  • ટિકટૉક પર તેના લાખો ફૉલોઅર્સ હતા. ગણેશ અને યોગીતા પતિ-પત્ની વચ્ચેની મજાકના નાના-નાના જોક્સ સાથેના વીડિયો મૂકતાં હતાં
  • ટિકટૉક પર પ્રતિબંધને પગલે ગણેશનું ઍકાઉન્ટ બંધ થઈ ગયું
  • કોરોનાના સમયમાં ગણેશનું કામ બંધ થઈ ગયું હતું
  • દરમિયાન તેમનાં પત્ની પણ ગર્ભવતી હતાં
  • સિઝેરિયન ડિલિવરી માટે ડૉક્ટરે 35થી 40 હજાર રૂપિયા જમા કરાવવા કહ્યું
  • યૂટ્યૂબ પર મદદ માટે વીડિયો બનાવ્યો અને એક જ રાતમાં સમસ્યા દૂર થઈ
  • યૂટ્યૂબથી કમાણી કર્યા બાદ તેણે પોતાનું ઘર બનાવવાનું શરૂ કર્યું અને યૂટ્યૂબ પર બાંધકામના વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું
  • તેમના વિડિયો પર ટિપ્પણીઓ થવા લાગી કે તેમણે તેમનાં પત્નીની ડિલિવરી માટે કરેલી મદદના પૈસા તેણે ઘર બનાવવા માટે વાપર્યા
  • ગણેશે વીડિયો બનાવ્યો કે અમે યૂટ્યૂબના પૈસાથી ઘર બનાવી રહ્યા છીએ

પત્નીની ગર્ભાવસ્થા દરમિયાન યૂટ્યૂબ પર મદદ માટે અપીલ

ગણેશ શિંદે પ્લંબરર તરીકે કામ કરતા હતા. પ્લંબિંગમાંથી જે પણ પૈસા મળતા તેનાથી ઘર ચલાવતા હતા. જોકે, કોરોનાના સમયમાં ગણેશનું કામ બંધ થઈ ગયું હતું. જેના કારણે તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

દરમિયાન તેમનાં પત્ની પણ ગર્ભવતી હતાં. તે દિવસો વિશે વાત કરતાં યોગિતા કહે છે કે તે અમારાં માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો.

યોગિતાએ કહ્યું, "બાળકનો જન્મ સુખદ અનુભૂતિ હતી. કસમથી કહું છું કે હું તેને ક્યારેય ભૂલીશ નહીં. કારણ કે તે કોરોનાનો સમય હતો. તે સમયે, મારા પતિ પ્લમ્બિંગનું કામ કરતા હતા. તેમને દરેકના ઘરે જવાનું થતું. તેથી લોકો તેમને ઘરે બોલાવતા નહોતા."

"કામ મેળવવાના તેમના પ્રયાસો નિષ્ફળ ગયા. મારી પહેલી દીકરીનો જન્મ થયો ત્યારે મારી નૉર્મલ ડિલિવરી થઈ હતી. મને સિઝેરિયન ડિલિવરી થશે એનો તો સપને પણ ખ્યાલ નહોતો. અમારી પાસે ડિલિવરીના 10-15 હજાર રૂપિયા હતા. પણ ડૉક્ટરે અમને 35થી 40 હજાર રૂપિયા જમા કરાવવા કહ્યું."

ગણેશ વિચારતા હતા કે એક જ રાતમાં આટલા પૈસા ક્યાંથી લાવવા.

તે રાત વિશે વાત કરતાં ગણેશે કહ્યું, "પછી મને લોકોનો વિચાર આવ્યો. મેં યૂટ્યૂબ પર ચાર લોકોને જોડ્યા હતા તેમની મદદથી વીડિયો બનાવ્યો. તે સમયે, મેં વિચાર્યું ન હતું કે આટલો બધો પ્રતિસાદ મળશે. એક જ રાતમાં મારી બધી અડચણો દૂર થઈ ગઈ."

યૂટ્યૂબમાંથી પૈસા આવવાની શરૂઆત

ગણેશની સમસ્યા દૂર થઈ. યોગિતાની ડિલિવરી સરળતાથી થઈ ગઈ. તેઓને બીજી પુત્રી જન્મી હતી.

ગણેશ આ તમામ ઘટનાઓનો વીડિયો યૂટ્યૂબ પર પોસ્ટ કરતા હતા. પછી અચાનક તેના વીડિયો વાયરલ થયા અને તેની યૂટ્યૂબ ચેનલ મૉનેટાઈઝ થઈ ગઈ.

યૂટ્યૂબના નિયમો અનુસાર તેમના કેટલાક નિયમોનું પાલન કર્યા પછી જ યૂટ્યૂબરને વીડિયો માટે પૈસા મળે છે. ગણેશ નવા હોવાથી પહેલા તો તેને તેમાંથી કોઈ પૈસા મળ્યા ન હતા. પરંતુ તે કહે છે કે આ તમામ વીડિયોથી તેમને ઘણો ફાયદો થયો છે.

ડિલિવરીની મદદમાંથી ઘર બનાવ્યાનો આરોપ

યૂટ્યૂબથી કમાણી કર્યા બાદ તેણે પોતાનું ઘર બનાવવાનું શરૂ કર્યું અને યૂટ્યૂબ પર બાંધકામના વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું. આ સાથે તેમની સામે ટીકાઓ પણ શરૂ થઈ હતી.

તેમના વિડિયો પર ટિપ્પણીઓ થવા લાગી કે તેમણે તેમની પત્નીની ડિલિવરી માટે કરેલી મદદના પૈસા તેણે ઘર બનાવવા માટે વાપર્યા. ગણેશ કહે છે કે તેમને ધમકીભર્યા ફોન પણ આવતા હતા.

ત્યાર બાદ ગણેશ અને યોગિતાએ આ તમામ આરોપોનું ખંડન કરવા માટે એક વીડિયો બનાવ્યો હતો.

તેમાં તેમણે ખુલાસો કરતા કહ્યું હતું કે, "અમે ડિલિવરી માટે મેળવેલી મદદના પૈસાનો તેમાં જ ઉપયોગ કર્યો હતો. અમે યૂટ્યૂબના પૈસાથી ઘર બનાવી રહ્યા છીએ."

નવા ઘરનો આનંદ

ગણેશ શિંદેનું ઘર મોહોલ ગામની બહાર રેલ્વે સ્ટેશન પાસે છે. આ સ્થાન પર પહોંચ્યા પછી, ગણેશનું પીળું ઘર દરેકનું ધ્યાન ખેંચે છે. આ જગ્યાએ ઝૂંપડી હતી.

નવા ઘર વિશે વાત કરતાં ગણેશનાં પત્ની યોગિતા કહે છે, "મારા મનમાં ક્યાંક એક સપનું હતું કે આપણું પોતાનું એક સારું ઘર હોવું જોઈએ અને તે સપનું આજે ફક્ત અમારા યૂટ્યૂબ પરિવારના કારણે સાકાર થયું છે."

"અમારું પતરાંનું ઘર હતું, જ્યાં ઘણા લોકો અમને મળવા આવતા. પરંતુ તે સમયે તેઓએ ફક્ત અમારા વીડિયો વિશે જ વાત કરતા હતા, ઘર વિશે કોઈ વાત કરતું ન હતું. પણ હવે જ્યારે લોકો મળવા આવે છે ત્યારે ઘર જોઈને વખાણ કરે છે. હું આ પ્રશંસાથી હરખાઉં છું."

લોકોની ટિપ્પણીઓની માનસિક પીડા

આજે ગણેશ અને યોગિતા પાસે સુખી પરિવાર પાસે હોય એવી તમામ વસ્તુ છે. તેણે તાજેતરમાં એક નવી કાર પણ ખરીદી છે.

તેઓ નિયમિતપણે આ બધાના વીડિયો યૂટ્યૂબ પર પોસ્ટ કરે છે. પરંતુ હજુ પણ તેમના વીડિયોમાં ટીકા કરતી ટિપ્પણીઓ આવી રહી છે.

યોગિતા કહે છે કે લોકો મનમાં આવે એવું કંઈપણ લખે છે અને મોકલે છે તેથી તેમને ઘણી માનસિક પીડા થાય છે.

યોગિતાએ કહ્યું, "આ દરમિયાન, અમને કાર, ઘર, ડિલિવરીના સમયને લઈને ઘણી ટિપ્પણીઓ મળી, પરંતુ અમે તેની અવગણના કરી. કારણ કે જો અમે ટિપ્પણીઓ પર ધ્યાન આપ્યું હોત, તો અમારું મગજ ફરી ગયું હોત. તેથી અમે તે ટિપ્પણીને અવગણી."

અનાથાશ્રમમાં દાન કર્યું

શું ગણેશની આર્થિક સ્થિતિમાં સુધાર થશે પછી લોકોએ આપેલી મદદ પરત કરશે? આ પ્રશ્ન ટિપ્પણીઓમાં પૂછવામાં આવ્યો હતો. જેના પર તેમણે પોતે જ એક વીડિયો બનાવ્યો હતો.

તેમાં તેણે કહ્યું હતું કે, "મુશ્કેલીના સમયમાં અમને મદદ કરનારા તમામ લોકોને શોધીને તેમને પૈસા પરત કરવા એ શક્ય નહીં બને. પરંતુ લોકોએ અમને જેટલી મદદ કરી તેટલી અમે અનાથાશ્રમમાં દાન કરીશું."

ત્યારબાદ તેમણે કહ્યું કે તેમણે તેમની પુત્રી ખુશીનો પહેલો જન્મદિવસ અનાથાશ્રમમાં ઉજવ્યો હતો.

યૂટ્યૂબથી માસિક બે લાખ સુધીની આવક

ગણેશ અને યોગિતાની સાથે તેમની મોટી દીકરી શિવાની પણ ફેમસ થઈ ગયાં છે. શિવાનીના વીડિયો પણ લોકો રસથી જુએ છે.

આજે ગણેશની યૂટ્યૂબ ચેનલના 8 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. ગણેશ કહે છે કે તે આમાંથી મહિને 1.5 થી 2 લાખ રૂપિયા કમાય છે.

ગણેશ કહે છે, "શરૂઆતમાં હું પ્લમ્બર તરીકે કામ કરતો હતો. હું દરરોજ મારી કિટ લઈને કામ પર જતો હતો. પરંતુ જ્યાં સુધી તમને સફળતા નથી મળતી ત્યાં સુધી લોકો તમારી દરકાર નથી કરતા. અમે અમારું કામ ચાલુ રાખવા માગીએ છીએ."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો