મહારાષ્ટ્ર : પંઢરપુર યાત્રામાં દર્શન કરવા જતી મહિલાઓને માસિક આવે ત્યારે શું કરે?

    • લેેખક, માનસી દેશપાંડે
    • પદ, પંઢરપુરથી

માસિક ધર્મ અને ધર્મનો મુદ્દો વિવિધ સમાજ, જ્ઞાતિ અને મંદિરોમાં વિવાદાસ્પદ બની રહ્યો છે.

આ વિવાદ દેશની સર્વોચ્ચ અદાલતના દરવાજે ટકોરા મારવા સુધી પહોંચ્યો છે, પરંતુ મહારાષ્ટ્રના પંઢરપુરની લગભગ 21 દિવસની તીર્થયાત્રા આ વિવાદમાં અપવાદ છે.

પગપાળા પંઢરપુર યાત્રા કરતી વારકરી મહિલાઓ માસિક ધર્મ વિશે શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ અમે કર્યો હતો.

ગામડાંનાં ઘરોમાં જે રીતે માસિક ધર્મનું પાલન કરવામાં આવે છે તેવું વારીની યાત્રામાં હોતું નથી.

વારકરી મહિલાઓ કહે છે કે માસિક ધર્મ પ્રકૃતિનો જ એક હિસ્સો છે.

મહારાષ્ટ્રના વારકરી ભક્તિ સંપ્રદાયનો દસ સદીનો એટલે કે 1,000 વર્ષનો ઇતિહાસ છે. તેમાં વારકરી મહિલાઓની ભાગીદારી ઉપરાંત મહિલા સંતોનું પણ મોટું યોગદાન છે.

આ આધ્યાત્મિક પરંપરાએ દૈનિક જીવનના સંઘર્ષ અને વિઠ્ઠલ પ્રત્યેના સમર્પણને સાંકળીને ખુદને તથા સમાજને સવાલ કરવાની હિંમત કરી હોય એવું લાગે છે.

સંતો દ્વારા રચવામાં આવેલી આ રચનાઓમાં વિઠ્ઠલ-રખુમાઈ(રુક્ષ્મણી)ની ભક્તિનાં રસાળ વર્ણન માત્ર નથી.

આ સંતોએ સ્પૃશ્ય-અસ્પૃશ્ય, દમનકારી માપદંડો, પરંપરાઓ, જ્ઞાતિભેદ અને વર્ણભેદ વિશેના અભંગ (વિઠ્ઠલનાં ભજન) પણ રચ્યાં છે.

'અવધ રંગ એક ઝાલા' શબ્દોથી શરૂ થતા અભંગનાં સર્જક સંત સોયરાબાઈ એક અન્ય અભંગમાં કહે છે કે સૃષ્ટિના ચક્રનું નિર્માણસ્થાન વિઠ્ઠલ જ છે અને તે દરેક જીવમાં વાસ કરે છે.

માસિક ધર્મ વિશેનું આ સંતોનું ચિંતન વારકરી સંપ્રદાયમાં કઈ રીતે પ્રસરેલું છે તે જાણવાનો પ્રયાસ અમે કર્યો હતો.

બીબીસી મરાઠીની એક ટીમ મંગળવારે સવારે સોલાપુર જિલ્લાના અકલુજ પાસે પહોંચી હતી. કેટલાક લોકો સંત તુકારામની પાલખીની આગળ મંજીરા વગાડતા ચાલી રહ્યા હતા. કેટલાક માથા પરની થેલીઓને સંતુલિત રાખીને ફટાફટ આગળ વધતા હતા. કેટલાક લોકો નજીકનાં ખેતરોમાં ફેલાયેલા હતા. તેમાં એક નવું જ દૃશ્ય જોવા મળ્યું હતું.

અકલુજ પાસે એક ટૅન્કર ઊભું હતું. કેટલીક વારકરી મહિલાઓ ત્યાં કપડાં ધોઈ રહી હતી. કેટલીક વારકરી વૃદ્ધાઓ શરીર પર સાડી પહેરીને સ્નાન કરી રહી હતી.

વારકરીઓ પોતાની અનુકૂળતા અનુસાર પોતાનું કામ પાર પાડવા માટે ટેવાયેલા છે. કેટલાક સવાલો થયા. આ બધું વારકરી પુરુષો માટે જેટલું આસાન છે એટલું જ આસાન વારકરી મહિલાઓ માટે છે ખરું? સૌથી મહત્ત્વનો સવાલ એ કે પંઢરપુર યાત્રા દરમિયાન જે મહિલાઓને માસિક આવે તેઓ શું કરતી હશે?

ઝડપભેર સ્નાન કરી લેવાનું હોય ત્યાં સેનિટરી પેડ કેવી રીતે બદલતી હશે? માસિક દરમિયાન સ્વચ્છતા રાખવી પડે છે. માસિક આવ્યું હોય તેવી મહિલાઓ સ્વચ્છતા કઈ રીતે જાળવતી હશે? યાત્રામાં સામેલ થયેલી મહિલાને માસિક આવે ત્યારે તેના પ્રત્યેનો દૃષ્ટિકોણ કેવો હોય છે? માસિકમાં હોય તેવી મહિલાઓને અહીં પણ 'ગંદી' ગણવામાં આવે છે?

પંઢરપુર સુધીની યાત્રાના રિપોર્ટિંગ દરમિયાન આ સવાલોના જવાબ મેળવવાનો નિર્ણય કર્યો હતો.

મહિલાઓ માસિક ધર્મ બાબતે વાત કરતાં શરમાતી હતી. કેટલીક મહિલાઓ તેમને માસિક આવવાનું બંધ થયું એ પછી એટલે કે મેનોપૉઝ શરૂ થયા પછી આ યાત્રામાં જોડાઈ હતી.

મૂળ પૂણેનાં વતની પરંતુ દેહુથી તુકારામ મહારાજની પાલખી યાત્રામાં જોડાયેલાં જયમાલા બચ્ચેએ જ આવી યાત્રા દરમિયાન માસિક આવ્યાના અનુભવની સ્પષ્ટ વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે "મહિલાઓ સેનિટરી પેડનો ઉપયોગ કરે છે. વપરાયેલા પેડને કપડા કે કાગળમાં વિંટાળીને ફેંકી દે છે. યાત્રામાં ચાલતી વખતે તેઓ કોઈ શારીરિક અસ્વસ્થતા અનુભવતી નથી. પંઢરપુર જવાનો ઉત્સાહ અને આનંદ પ્રચંડ હોય છે. "

મેં તેમને પૂછ્યું હતું કે માસિક આવ્યું હોય તેવી મહિલાઓ માટે ઘણાં ઘરોમાં જાતજાતનાં બંધન હોય છે. ઘરમાં તેમણે બધાથી અલગ બેસવું પડે છે અને તેમને ઓછી મોકળાશ આપવામાં આવતી હોય છે ત્યારે પંઢરપુર વારીમાં આવી મહિલાઓ બાબતે કેવો અભિગમ હોય છે?

જયમાલા બચ્ચેએ કહ્યું હતું કે "બધું પાંડુરંગનાં ચરણોમાં લીન હોય છે. આ યાત્રામાં માસિકને ખરાબ ગણવામાં આવતું નથી. આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે. કેટલીક મહિલાઓને માસિક દરમિયાન બહુ કષ્ટ થતું હોય છે. તેથી તેમના માટે ચાર દિવસનો વિરામ હોવો જોઈએ. આ પ્રથાને કેટલાક લોકો માને છે, કેટલાક નથી માનતા."

"એક રીતે વિચારીએ તો આ સ્રાવ પવિત્ર હોય છે, પરંતુ રૂઢિ અનુસાર ઘરમાં તે પાળવું પડે છે. પંઢરપુર યાત્રામાં એવું કોઈ માનતું નથી. તેઓ પાંડુરંગના ચરણને અનુસરે છે. એ દરમિયાન તેને ગંદી બાબત માનવામાં આવતી નથી."

આ બાબતે મેં યવતમાલ જિલ્લાની એક યાત્રી ટુકડીમાં સામેલ થયેલાં 50 વર્ષની વયનાં શોભાતાઈને સવાલ પૂછ્યો હતો.

તેમણે કહ્યું હતું કે "પંઢરપુરની યાત્રા માટે કેટલીક ટુકડીઓ તેમનાં ગામોમાંથી એક મહિના પહેલાં પ્રસ્થાન કરતી હોય છે. તેમાં સામેલ મહિલાઓને માસિક આવવાનું જ, પરંતુ એવી પરિસ્થિતિ કોઈ ધાર્મિક કાર્યક્રમમાં સર્જાય ત્યારે મહિલાએ તેમાં સામેલ ન થવું જોઈએ."

જોકે, શોભાતાઈના ટુકડીમાં જ સામેલ અર્ચના કદમે આ બાબતે અલગ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે "માસિક સ્ત્રાવ પ્રકૃતિની જ દેન છે ત્યારે તેને ખરાબ શા માટે ગણવો જોઈએ?"

અર્ચના કદમે ઉમેર્યું હતું કે "યાત્રામાં માસિક આવ્યું ત્યાં સુધીમાં બધા દેવદર્શન થઈ ગયાં હતાં. તેથી મને કોઈ સમસ્યા નડી ન હતી. યાત્રા દરમિયાન માસિક આવે ત્યારે દેવનાં દર્શન દૂરથી કરવાનાં હોય. સ્ત્રીઓ માટે માસિક ચક્ર ઈશ્વરની ભેટ છે, પણ દુનિયા તેને દુષ્ચક્ર માને છે. જોકે, અહીં એવું કશું નથી. એ કુદરતની દેન છે. ઈશ્વરે જ આપેલું છે. સ્ત્રીઓ માટે તે જરૂરી છે. તેના લીધે જ બધું છે."

બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે માસિક દરમિયાન કેટલીક મહિલાઓને ઘણી શારીરિક તકલીફ થાય છે.

બધી મહિલાઓમાં તે સમાન નથી હોતું, પણ શરીરમાં, પેટમાં અને પગમાં પીડાની તકલીફ સર્વસામાન્ય છે. તેથી આવી પરિસ્થિતિમાં પણ મહિલાઓ પગપાળા યાત્રા ચાલુ રાખે છે?

અર્ચના કદમે કહ્યું હતું કે "મને કોઈ તકલીફ થતી નથી, પણ ચાલવાને કારણે પગમાં પીડા થાય છે. તેના નિવારણ માટે હું દવા લઈને આવી છું. જમવું ગમે નહીં. ક્યારેક એસીડીટી થાય. ફરી ગોળી લેવાની. આવું ચાલ્યા કરે. "

"આ બધાની માનસિક તૈયારી કરીને જ આવી છું. પેટમાં થોડી પીડા થાય, પણ ઘરમાં બેસી રહીએ તો આ બધું જોવા કેવી રીતે મળે? ચાલવાને કારણે રક્તસ્ત્રાવ વધારે થયો હતો, પરંતુ તેનોય આનંદ હતો. ઈશ્વરનું નામ લેવાનું અને ચાલતા રહેવાનું."

તેમણે ઉમેર્યું હતું કે "મારું માસિક ચોથી તારીખે આવવાનું હતું, પણ ચાલતા રહેવાને કારણે તે 28મીએ આવ્યું. હું સેનિટરી પેડ સાથે લાવી હતી. તેથી કોઈ તકલીફ થઈ નહીં. માર્ગમાં સર્જાયેલી પરિસ્થિતિનો સામનો કર્યો. ઘરે હોઈએ તો વાપરેલું કપડું ધોઈ શકીએ. હવે તો છોકરીઓ પેડ જ વાપરે છે. તે બદલી શકાય છે."

તેમણે એમ પણ કહ્યું હતું કે "વાપરેલાં પેડ કોઈ જગ્યાએ ફેંકી દેવાનાં. બીજા ખરીદી લેવાનાં. સ્નાન કરવાની અનુકૂળતા હોય તો નાહી લેવાનું. અહીં ઘર જેવું ન હોય. આ પુરુષોને કશું કહી શકાય નહીં. અમે સ્ત્રીઓ જ એકમેકની મદદ કરીએ છીએ."

માસિક ધર્મ સંબંધી સામાજિક અને ધાર્મિક બંધનો આ યાત્રા દરમિયાન થોડાં ઢીલાં પડતાં હોવાનું આ મહિલાઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું.

અકલુજમાં ગ્રામપંચાયત અને સ્વયંસેવી સંગઠનો દ્વારા મફત સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવતું હતું. ત્યાં માસિક દરમિયાન સ્વચ્છતાની જાળવણી વિશે જાગૃતિ ફેલાવવાનું કામ પણ ચાલતું હતું.

સવાલ એ છે કે સેનિટરી પેડ પ્રચલિત નહોતા ત્યારે મહિલાઓ પંઢરપુર યાત્રામાં સામેલ થતી હતી?

મેં આ સવાલ નાસિક જિલ્લાના નિફાડ તાલુકાની એક યાત્રામંડળી સાથે આવેલાં કમલબાઈ ઝગડેને પૂછ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે એ સમયે પણ મહિલાઓ યાત્રામાં સામેલ થતી હતી અને પરિસ્થિતિ અનુસાર પ્રતિસાદ આપતી હતી.

કમલબાઈ ઝગડેએ કહ્યું હતું કે "એ સમયે કપડાના ટુકડા વાપરવામાં આવતા હતા. કંઈ થાય તો પણ ચાલતા જ રહેવાનું. કપડાને ધોઈ લેવાનું અને ભોજન માટે વિશ્રાંતિ હોય ત્યારે આરામ કરી લેવાનો. જમવાની વિશ્રાંતિનો સમય ત્રણ કલાકનો હોય છે. એ દરમિયાન ધોયેલા કપડાને સૂકવવાની વ્યવસ્થા કરી લેવાની. માસિક દરમિયાન વાપરવા માટે કોરા કપડાના વધુ કટકા સાથે રાખવાના. ધોયેલા કટકા સુકાય નહીં અથવા રક્તસ્ત્રાવ વધારે પ્રમાણમાં થતો હોય તો વધારાના ટુકડા વાપરી શકાય."

તેમણે ઉમેર્યું હતું કે "હવે છોકરીઓ પેડ વાપરે છે. માસિકમાં હોય તેવી અનેક મહિલાઓ આ યાત્રામાં અત્યારે પણ સામેલ છે. માસિકમાં હોઈએ અને વરસાદ પડે તો સમસ્યા સર્જાય છે. વરસાદમાં ભીના ન થવાય તેની કાળજી રાખવી પડે. નહીં તો પહેરેલાં કપડાં પણ સૂકવવાં પડે."

યાત્રા કરતી વખતે માસિક આવે ત્યારે સ્ત્રીઓ પાલખીની નજીક જતી નથી, એવું નાસિક જિલ્લાના સતરીતનાં સિંધુતાઈ શેડગેએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, "માસિક ચક્ર ચાલુ હોય ત્યારે સ્ત્રીઓ પાદુકાની પાસે જતી નથી. થોડી દૂર ઊભી રહે છે. અમે પણ એવું જ કરતાં હતાં. ઘરની માફક સંપૂર્ણપણે અલગ બેસી શકાય નહીં, પણ અમે બહાર જ રહીએ છીએ. અમારા ઘરમાં પણ માસિક વખતે મહિલાઓ અલગ બેસે છે. પુત્રીઓ, પુત્રવધુઓ, દોહિત્રીઓ બધાં જ માસિક વખતે બધે અડઅડ કરતાં નથી."

આ જ યાત્રામાં એક વયસ્ક મહિલાએ જણાવ્યું હતું કે તેમને માસિક આવવાનું બંધ થયું એ પછી જ તેમણે આ યાત્રામાં જોડાવાનું શરૂ કર્યું હતું.

એકંદર એવું લાગ્યું કે માસિકને કારણે યાત્રામાં કોઈ વિક્ષેપ ન સર્જાય તેનું ધ્યાન યાત્રામાં સામેલ મહિલાઓ રાખે છે. માસિક શરૂ થાય એટલે અટકી જવાનો કે એ પછીની યાત્રા પગપાળા નહીં કરવાનો વિચાર સુધ્ધાં તેઓ કરતી નથી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો