મગજમાં ફિટ કરેલી ચિપ શું કામ કરશે? તેનાથી અસાધ્ય રોગોની સારવાર થઈ શકશે?

શું એ દિવસો નજીક આવી રહ્યા છે જ્યારે મનુષ્ય પોતાના મગજથી જ કૉમ્પ્યૂટરને નિયંત્રિત કરી શકશે?

ટેક અબજોપતિ એલન મસ્ક કહે છે કે તેમની કંપની ન્યૂરાલિન્કે માનવ મગજમાં પ્રથમ વખત વાયરલેસ બ્રેઇન ચિપનું પ્રત્યારોપણ કર્યું છે.

એલન મસ્ક જણાવે છે કે, પ્રારંભિક પરિણામોમાં આશાસ્પદ ન્યૂરોન સ્પાઇક્સ જોવા મળ્યા છે અને તે દર્દી ધીમેધીમે સ્વસ્થ થઈ રહ્યું છે.

કંપની કહે છે કે તેનો ધ્યેય માનવ મગજને કમ્પ્યૂટર સાથે જોડવાનો છે અને તે જણાવે છે કે, તે જટિલ ન્યૂરોલૉજીકલ પરિસ્થિતિઓનો સામનો કરવામાં વિશ્વને મદદ કરવા માંગે છે.

બીજી ઘણી બધી હરિફ કંપનીઓએ પહેલાથી જ આ પ્રકારના ઉપકરણોનું પ્રત્યારોપણ કર્યું છે.

બીબીસી ન્યૂઝે આ ઘટના પર પ્રતિક્રિયા માટે ન્યૂરાલિંક અને યુએસના મેડિકલ રેગ્યુલેટર, ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો સંપર્ક કર્યો હતો.

મસ્કની કંપનીને એફડીએ દ્વારા મે મહિનામાં માનવો પર ચિપનું પરીક્ષણ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ પરવાનગી ઘણા પ્રયત્નો પછી મળી હતી અને તેના કારણે આ મંજૂરી નિર્ણાયક હતી.

ન્યૂરાલિંક પાછળનો હેતુ શું છે

કંપની અનુસાર, આ મંજૂરીથી છ વર્ષના અભ્યાસની શરૂઆત માટે લીલી ઝંડી મળી છે, જેમાંએક રોબોટનો ઉપયોગ મગજના એવા ભાગ પર 64 લવચીક તાર મૂકવા માટે કરવામાં આવી રહ્યો છે, જે માનવના હલન ચલનને નિયંત્રિત કરે છે. આ તાર માનવ વાળથી પણ પાતળા છે.

કંપની કહે છે કે આ તાર દ્વારા પ્રાયોગિક પ્રત્યારોપણ કરી શકાય છે- જે બેટરી દ્વારા સંચાલિત થાય છે અને વાયરલેસ ચાર્જ થઈ શકે છે. મગજના સિગ્નલને વાયરલેસ રીતે રેકૉર્ડ કરવા અને વહન કરવા માટે એક એપ સાથે કનેક્ટ કરવામાં આવે છે જે ડીકોડ કરે છે કે વ્યક્તિ કેવી રીતે હલનચલન કરવા માંગે છે.

એક્સ પર પોસ્ટ કરતાં મસ્કે જણાવ્યું હતું કે ન્યૂરાલિંકની પ્રથમ પ્રોડક્ટને ટેલિપથી કહેવામાં આવશે.

તેમણે કહ્યું કે, ટેલિપથીની મદદથી તમે તમારા ફોન અથવા કમ્પ્યૂટરનું નિયંત્રણ માત્ર વિચારીને કરી શકશો.

તેઓ વધુમાં જણાવે છે, "હાલમાં આ પ્રોડક્ટના પ્રારંભિક વપરાશકર્તાઓ એ હશે જેમણે તેમના અંગો ગુમાવ્યા છે."

મોટર ન્યૂરોન રોગ ધરાવતા દિવંગત બ્રિટિશ વૈજ્ઞાનિકનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે: "વિચારો કે શું થાત જો સ્ટીફન હોકિંગ સ્પીડ ટાઈપિસ્ટ કરતાં વધુ ઝડપથી વાતચીત કરી શકે તો? અમારો આ જ ધ્યેય છે."

આમ, તો મસ્કને કારણે ન્યૂરાલિન્કની ગરિમા વધે છે, પરંતુ તેમને હરીફોનો સામનો પણ કરવો પડશે જે આ ક્ષેત્રમાં બે દાયકાથી કામ કરી રહ્યા છે. ઉટાહ સ્થિત બ્લેકરોક ન્યૂરોટેકે 2004માં પ્રથમ વખત બ્રેઈન-કમ્પ્યૂટર ઇન્ટરફેસમાંથી પ્રથમ પ્રત્યારોપણ કર્યું હતું.

ન્યૂરાલિન્કના સહ-સ્થાપક દ્વારા રચાયેલ પ્રિસિઝન ન્યૂરોસાયન્સનો હેતુ પણ લકવાગ્રસ્ત લોકોને મદદ કરવાનો છે. અને તેનું ઇમ્પ્લાન્ટ ટેપના ખૂબ જ પાતળા ટુકડા જેવું લાગે છે જે મગજની સપાટી પર મૂકવામાં આવે છે અને તેને નાનકડો ચીરો પાડીને ઇમ્પ્લાન્ટ કરી શકાય છે. કહેવામાં આવે છે કે તે ખૂબ સરળ પ્રક્રિયા છે.

શું છે આ બ્રેઇન ચિપ સ્ટાર્ટ-અપ?

અબજોપતિ ઉદ્યોગસાહસિક ઈલોન મસ્કના બ્રેઇન -ચિપ સ્ટાર્ટઅપ ન્યૂરાલિંકે 20 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે તેમને ઇન્ડિપેન્ડેન્ડ રિવ્યૂ બોર્ડ તરફથી લકવાગ્રસ્ત દર્દીઓ માટે બ્રેઈન ઇમ્પ્લાન્ટના પ્રથમ માનવીય પરીક્ષણો માટે મંજૂરી માળી ગઈ હતી.

ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલી આ ચિપ 1,024 નાના ઇલેક્ટ્રોડ્સ સાથે જોડાયેલ છે, જે માનવ વાળ કરતાં વધુ જાડા નથી. તે બેટરી દ્વારા સંચાલિત છે જેને વાયરલેસ રીતે રિચાર્જ કરી શકાય છે.

તેમણે જણાવ્યું હતું કે, સર્વાઇકલ, કરોડરજ્જુની ઈજા અથવા લકવો ધરાવતા લોકો આ અભ્યાસ માટે લાયક ઠરી શકે છે. પરંતુ આ પરીક્ષણને પૂર્ણ થવામાં લગભગ છ વર્ષનો સમય લાગશે.

ન્યૂરાલિંક તેના નિેવેદનમાં કહે છે કે, તેમનો પ્રારંભિક ધ્યેય લોકોને ફક્ત તેમના વિચારોનો ઉપયોગ કરીને કમ્પ્યૂટર કર્સર અથવા કીબોર્ડને નિયંત્રિત કરવા સક્ષમ બનાવવાનો છે.

ઈલોન મસ્ક ન્યૂરાલિંકને લઈને ખૂબ મોટી મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. તેઓ કહે છે કે તે સ્થૂળતા, ઑટિઝમ, ડિપ્રેશન અને સ્કિઝોફ્રેનિયા જેવી બીમારીઓની સારવાર માટે પણ ઉપયોગી નીવડશે.

વાંદરામાં ચિપ લગાવવામાં આવી ત્યારે શું થયું?

ન્યૂરાલિંકના ટૅકનિકલ પાસાઓ, ટૂંકાગાળાના શારીરિક જોખમો, લાંબાગાળે આરોગ્ય પર અસરો અને નૈતિક ધોરણો પર લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

કોઈપણ પ્રકારની બ્રેઇન સર્જરીમાં જોખમ રહેલું છે.

બે દાયકા પહેલાં કેટલીક કંપનીઓેએ પ્રયોગ કર્યા હતા. 2004માં બ્લૅકરૉક ન્યૂરોટેક, યૂટા, યુએસએ દ્વારા સફળતાપૂર્વક બ્રેઇન કૉમ્પ્યૂટર ઇંટરફેસ પ્રત્યર્પિત કરવામાં આવ્યું હતું.

ન્યૂરાલિંકના સહ-સંસ્થાપક દ્વારા સ્થાપિત કંપની પ્રિસિઝન ન્યૂરોસાઇન્સ પણ પક્ષાઘાતના પીડિતોની મદદ કરવાના ઉદ્દેશ્યથી પ્રયોગ કરી રહી છે.

ડિસેમ્બર, 2022માં પ્રગટ થયેલા રોઇટર્સના એક અહેવાલ પ્રમાણે, ન્યૂરાલિંક એ પરીક્ષણોનો ભાગ હતું જેના કારણે ઘેટાં, વાંદરાઓ અને ભૂંડ સહિત કુલ 1500 પ્રાણીઓનાં મૃત્યુ થયાં હતાં.

જુલાઈ 2023માં, યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રિકલ્ચર, કે જે ઍનિમલ વેલફેરના મુદ્દાઓની તપાસ કરે છે તેણે કહ્યું કે તેને મસ્કની કંપની દ્વારા પ્રાણી સંશોધન કાયદાના ઉલ્લંઘનના કોઈ પુરાવાઓ મળ્યા નથી. જોકે, આ અંગેની સ્વતંત્ર તપાસ ચાલુ છે.

જોકે, એફડીએ દ્વારા મસ્કને માનવીય પરીક્ષણ કરવાની મંજૂરી મળી તે દર્શાવે છે કે તેના માર્ગમાં રહેલા અમુક અવરોધો દૂર થઈ ગયા છે.

કદાચ, આની સાથે જોડાયેલી સૌથી મોટી ચિંતા એ છે કે તે લાંબાગાળે મગજની કાર્યક્ષમતા પર કેવી અને કેટલી અસર કરશે. કારણ કે મગજ એક એવો અવયવ છે જેના વિશે આજે પણ મેડિકલ સાયન્સને સંપૂર્ણ જાણકારી નથી.

કારણ કે આ એક નવો પ્રયોગ છે, એટલે તેમાં સંભવિત નુકસાન અંગે પૂરતો ડેટા ઉપલબ્ધ નથી. માનવ પ્રયોગો સાથેે તે બદલાશે અને પછી આ પ્રકારનાં ઉત્પાદનોના વિકાસ માટે ચાવીરૂપ બનશે.

નૈતિક પ્રશ્નો વધુ અગત્યના છે. આ તકનીકોમાં ડેટા સિક્યૉરિટીની ચિંતાઓ, સંભવિત ઉપયોગો અને માનવીય જ્ઞાનાત્મક ક્ષમતાઓને વધારવાની સંભાવનાનો પણ સમાવેશ થાય છે.

ન્યૂરાલિંક્સના અન્ય પ્રોજેક્ટ કયા છે

એ વાત સાચી છે કે આ પ્રકારના પ્રૉજેક્ટ્સમાં મસ્કની કંપનીના ઝંપલાવવાથી તેની ચર્ચા વધી છે પરંતુ હકીકત એ છે કે આ દિશામાં તેના સ્પર્ધકો છેલ્લા બે દાયકાથી કામ કરી રહ્યા છે.

અમેરિકન કંપની બ્લૅકરોક ન્યૂરોટેકે બ્રેઇન-કૉમ્પ્યૂટર ઇન્ટરફેસનું અમલીકરણ 2004માં જ કરી દીધું હતું.

ન્યૂરાલિંકના જ એક સહસ્થાપક દ્વારા બનાવવામાં આવેલી કંપની પ્રીસિઝન ન્યૂરોસાયન્સ પણ આ પ્રકારના સંશોધનોથી પેરાલિસિસના દર્દીઓને મદદ કરવા તત્પર છે.

તેનું પ્રત્યારોપણ ટેપના ખૂબ જ પાતળા વાળ જેવું લાગે છે જેને મગજની સપાટી પર મૂકવામાં આવે છે અને તેને "ક્રેનિયલ માઇક્રોસ્લિટ" દ્વારા રોપવામાં આવે છે.

બીજા ઘણા ઉપકરણોએ પણ પરિણામો આપ્યા છે.

અન્ય કંપનીઓ કે જેણે આ ક્ષેત્રમાં આ જ પ્રકારની પ્રગતિ કરી છે તેમાં સ્વિટ્ઝર્લૅન્ડની ઇકોન પૉલિટેકનિક ફેડેરલ ડે લુસેન (ઈપીએફએલ) છે. આ કંપનીએ લકવાગ્રસ્ત માણસ માટે માત્ર વિચાર કરીને ચાલવાનું શક્ય બનાવ્યું છે.

આ સફળતા તેના મગજ અને કરોડરજ્જુમાં ઈલેક્ટ્રોનિક ઈમ્પ્લાન્ટ્સ મૂકીને પ્રાપ્ત થઈ હતી જે તેના પગ સુધી વાયરલેસ ઢબે વિચારોનો સંચાર કરે છે.

આ વિગતો મે,2023 માં પિઅર રિવ્યૂ જર્નલ નેચરમાં પ્રકાશિત કરવામાં આવી હતી.