ડાંગર અને શાકભાજીની ખેતીમાં ઉપયોગી જળસંગ્રહની 2000 વર્ષ જૂની પદ્ધતિ શું છે?

    • લેેખક, ઝિનારા રથનાયકે
    • પદ, બીબીસી ફ્યુચર

શ્રીલંકાની 2,000 વર્ષ જૂની હાઇડ્રોલિક સિસ્ટમમાં વરસાદી પાણીના એકત્રીકરણ અને સંગ્રહમાં કુદરતી સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. ઝડપથી ગરમ થઈ રહેલી દુનિયામાં આ પદ્ધતિ ગ્રામીણ સમુદાયોની જીવનરેખા બની રહી છે.

ઉત્તર-પશ્ચિમ શ્રીલંકાના મેલિયા ગામમાં પિંચલ વેલડુરેલેજ સિરીવર્દને દર વર્ષ એપ્રિલમાં તેમના સમુદાયના લોકોને એક મોટા વટવૃક્ષની નીચે એકઠા કરે છે. તે વટવૃક્ષ માનવનિર્મિત વેવાની ઉપર આવેલું છે.

સિંહાલી ભાષામાં વેવાનો અર્થ જળાશય અથવા ટાંકી એવો થાય છે. આ વેવા 175 એકર વિસ્તાર એટલે કે 7,08,200 ચોરસ મીટરમાં વિસ્તરેલું છે અને તે આગલા મહિનાઓમાં થયેલા વરસાદની પાણીથી ભરાયેલું છે.

ગામની ખેતી સમિતિના 76 વર્ષના વયના મંત્રી સિરીવર્દને દર વર્ષે એક ધાર્મિક વિધિ કરે છે. તે વેવાની બાજુમાં ખુલ્લા ચૂલા પર નાળિયેરનું દૂધ ઉકાળીને, વૃક્ષમાં રહેતા દેવતાઓ પાસે સમૃદ્ધ વર્ષ માટે આશીર્વાદ માગે છે.

મેં એપ્રિલની મધ્યમાં એક બળબળતી બપોરે તેમની મુલાકાત લીધી ત્યારે તેમણે કહ્યું હતું, “આ વિધિ પૂર્ણ થયા પછી અમે ચોખાનાં ખેતરોને પાણી આપવા માટે સ્લુઈસ ગેટ ખોલી નાખીએ છીએ.”

વેવામાંથી નીચેની સિંચાઈની નહેરોમાં પાણી છોડવાથી વરસાદના આગમન પહેલાંના સૂકા મહિનાઓમાં ચોખાના પાકને પૂરતું પાણી મળી રહે છે. વેવા જેવાં જળાશયો લગભગ બે સહસ્રાબ્દીથી ખેડૂતોની અનેક પેઢીઓને ખેતી કરવામાં મદદરૂપ થતાં રહ્યાં છે.

એક જૂનું સિંહાલી વાક્ય ‘વેવાઈ, દગાબાઈ, ગામાઈ, પંસલાઈ’ ગામ્ય જીવનમાં ટેક્નૉલૉજીના મહત્ત્વને પણ પ્રતિબિંબિત કરે છે. તે વાક્યનો અર્થ થાય છેઃ જળાશય, પેગોડા, ગામ અને મંદિર.

અલબત્ત, આ જળાશય એકલું ઉપયોગી નથી. તે એલાંગાવા અથવા ટેન્ક કાસ્કેડ સિસ્ટમ તરીકે ઓળખાતા હાઇડ્રોલિક નેટવર્કનો એક હિસ્સો છે. જેમ કે મેલિયા ખાતેનું કૃત્રિમ તળાવ વૉટરશેડમાં ઉપરની તરફનાં નાનાં, માનવસર્જિત જળાશયો સાથે જોડાય છે. કુદરતી વાતાવરણમાં કાળજીપૂર્વક જળવાઈ રહેતા, એકમેકની સાથે જોડાયેલાં આ સ્ટોરેજ સ્ટ્રક્ચર્સ સમગ્ર સ્થાનિક વિસ્તારમાં વરસાદી પાણીનાં સંગ્રહ, વહેંચણી અને તેનો ફરી ઉપયોગ કરવામાં ઉપયોગી થાય છે.

આ વ્યવસ્થાનું નિર્માણ ઈસવી પૂર્વે ચોથી સદીથી 1200 દરમિયાન કરવામાં આવતું રહ્યું હતું. આ કાસ્કેડ સિસ્ટમે શ્રીલંકાના લોકોને દીર્ધકાલીન શુષ્ક હવામાનનો સામનો કરવામાં લાંબા સમયથી મદદ કરી છે.

શ્રીલંકાની ઑપન યુનિવર્સિટીમાં કૃષિ અને પ્લાન્ટેશન એન્જિનિયરિંગના વરિષ્ઠ પ્રોફેસર શાંતિ ડીસિલ્વા કહે છે, “દેશનો મોટો હિસ્સો સખત સ્ફટિકીય ખડકોનો બનેલો છે. તેની અભેદ્યતા નબળી હોય છે. તેથી તે વહેણને આસાન બનાવે છે. અમારા પૂર્વજોએ સપાટી પરના પાણીને વહેણના સંગ્રહ માટે ટેન્ક કાસ્કેડ્સનું નિર્માણ કર્યું હતું.” આ રીતે વરસાદી પાણી નદીઓમાં અને આખરે સમુદ્રમાં વહી જતું નથી.

આ જ્ઞાનનો વારસો પેઢી દર પેઢી મળતો રહ્યો છે. સિરીવર્દનના પિતા ગામના સરપંચ હતા અને તેમણે દોરેલા મેલિયાના કાસ્કેડના નકશાને સિરીવર્દનેએ લેમેનેટિડ બૉક્સ ફાઇલમાં જતનપૂર્વક જાળવી રાખ્યા છે.

તેમના પિતાએ લખ્યું હતું કે આ ચોક્કસ કાસ્કેડમાં નવ ટેન્ક છે. અન્ય એક હસ્તલિખિત પુસ્તિકામાં ટેન્કના ઇતિહાસ અને લોકકવિતાઓની નોંધ છે. એ કવિતાઓ લોકો સાતત્યસભર જળસ્રોતનો આભાર માનવા ગાતા હતા.

વધતા ઉષ્ણતામાનમાં જીવનરેખા

સિરીવર્દને જણાવ્યા મુજબ, મેલિયાની સિસ્ટમમાંની કેટલીક ટેન્ક્સ ત્યજી દેવામાં આવી છે. તેમ છતાં મુખ્ય ટાંકી હજુ પણ 202 ખેડૂતોને વરસાદનું સંગ્રહિત પાણી પૂરું પાડે છે. તેનાથી 155 એકર જમીનમાં સિંચાઈ થાય છે. આબોહવા પરિવર્તનને લીધે શ્રીલંકામાં દુષ્કાળ તથા પૂરનું જોખમ બન્ને વધવાની સંભાવના છે એવા સમયમાં ટેન્ક કાસ્કેડ્સ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

શ્રીલંકાના ઉત્તર-મધ્યના મેદાની વિસ્તારમાં વિશ્વ બૅન્કની સહાયવાળા પ્રોજેક્ટ હેઠળ ગામડાની ટેન્ક કાસ્કેડ્સના પુનરોદ્ધારને લીધે ખેડૂતોને વર્ષભર ચોખા તથા શાકભાજીની ખેતી કરવામાં મદદ મળી છે.

ઉત્તર-પશ્ચિમના શુષ્ક ક્ષેત્રમાં 2017માં લાંબા દુષ્કાળને લીધે ઘણા ખેડૂતોએ પાક લેવાનું છોડી દેવું પડ્યું હતું. 27 ટેન્કની આ કાસ્કેડ સિસ્ટમના પુનરોદ્ધારના વિશ્વ બૅન્ક સમર્થિત પ્રોજેક્ટને લીધે કુરુનગાલાના એ ખેડૂતોને પણ ચોખાની ખેતી ચાલુ રાખવામાં મદદ મળી છે.

સંશોધકોએ શોધી કાઢ્યું છે કે વિવિધ ટેન્ક્સને એકમેકની સાથે જોડતી આ કાસ્કેડ સિસ્ટમ દુકાળને જોખમને ઘટાડવાની એક રીતે છે. વનસ્પતિની બદલાતી ઘનતાને માપવા માટે હાથ ધરવામાં આવેલા એક અભ્યાસના તારણ મુજબ, જોડાયલાં ન હોય તેવાં નાનાં જળાશયોની સરખામણીએ, સૂકી મોસમમાં કાસ્કેડનો હિસ્સો હોય તેવી ટેન્કમાં વધારે પાણી જળવાઈ રહે છે.

ભૂમિ તથા જળ વ્યવસ્થાપન સંશોધક અને સંયુક્ત રાષ્ટ્રસંઘના શ્રીલંકા ખાતેના ફૂડ ઍન્ડ એગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશનના રાષ્ટ્રીય સલાહકાર પુંચી ધર્મસેનાએ જણાવ્યું હતું કે લૅન્ડસ્કેપમાં કુદરતી ઢાળની આસપાસ પાળા બાંધીને માળખાંઓની રચના કરવામાં આવી હતી. પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે ટેન્કનિર્માતાઓએ સ્લુઇસ ગેટ બનાવ્યા છે અને ટેન્કમાં પાણીના સ્તરને માપવા માટે સ્લુઇસ ગેટ નજીક કુદરતી પથ્થરના માપિયાનો ઉપયોગ કરવામાં આવે છે. પાણી એક ટેન્કમાંથી બીજી ટેન્કમાં અને ત્યાંથી નાના પ્રવાહ મારફત ડાંગરના ખેતરમાં પહોંચે છે, એમ જણાવતાં ધર્મસેના કહે છે, “આપણે તેને જળનું રિસાયકલિંગ કહી શકીએ.”

શ્રીલંકાના રાજરતા યુનિવર્સિટીમાં વનશાસ્ત્રના વરિષ્ઠ વ્યાખ્યાતા નલાકા ગીકિયાનાગેના જણાવ્યા મુજબ, આ ટેન્ક પ્રણાલીની ઇકૉલૉજિકલ લાક્ષણિકતાઓ ભૂગર્ભજળના સ્તરને નિયંત્રિત કરીને દુકાળને રોકવામાં પણ મદદ કરે છે.

તેઓ કહે છે, “કાસ્કેટ્સની આસપાસ મોટાં વૃક્ષોનું આવરણ હોય છે, જે ઇકૉસિસ્ટમને ઠંડી રાખવામાં મોટી મદદ કરે છે, કારણ કે ટેન્ક સિસ્ટમની આ લાક્ષણિકતાને લીધે ભૂગર્ભજળનું સ્તર જળવાઈ રહે છે. તેના પુનરોથ્થાનથી, ઉનાળામાં સુકાઈ જતી નદીઓમાં પાણી જાળવી રાખવામાં પણ મદદ મળી શકે છે.”

ટેન્કની બાજુમાં વાવવામાં આવેલાં વૃક્ષો પવન અવરોધકનું કામ કરે છે અને બાષ્પીભવન ઘટાડે છે, જ્યારે જળસ્રાવ વિસ્તારમાંના સામુદાયિક માલિકીનું ફોરેસ્ટ કવર ભૂગર્ભજળના સ્તરને જાળવી રાખે છે અને સૂકા સમયગાળામાં ટેન્કમાં પાણી ધીમે ધીમે છોડે છે.

ઉપરાંત દુકાળ પછી પડતા ભારે વરસાદને લીધે આવતા પૂરને અટકાવીને વૃક્ષો પાણીનો વેગ ઘટાડે છે અને જમીનના ધોવાણને નિયંત્રિત કરે છે. તેથી સ્થાનિક સમુદાયને પૂર સામે રક્ષણ મળે છે.

સિંચાઈનું પાણી પૂરું પાડવા અને દુકાળ તથા પૂરના જોખમને ઘટાડવા ઉપરાંત કાસ્કેડ પ્રણાલી ગામડાના લોકોને પરોક્ષ રીતે પણ મદદગાર સાબિત થઈ છે.

મેલિયાથી ઉત્તર-પશ્ચિમમાં લગભગ 30 કિલોમીટર દૂર ઉલ્લાલાપોલા ગામમાં રહેતાં 72 વર્ષનાં ટીકીરીકુમારીને યાદ છે કે ગામની બહાર એક નાની ટેન્ક હતી.

તેઓ કહે છે, “તે એટલી નાની હતી કે તેમાં પાળાબંધ નહોતા. અમે તેમાંથી પાણી લેતા ન હતા. તેમાં ઢોર કાયમ બેઠેલાં જોવાં મળતાં હતાં.”

જંગલમાંની તે નાની ટાંકીઓ કાંપને અટકાવી રાખવા ઉપરાંત વધારાના વરસાદી પાણીના પ્રવાહનું નિયમન કરે છે. આવી ટાંકીઓનું નિર્માણ વન્ય જીવોને પાણી પૂરું પાડવા માટે કરવામાં આવ્યું હતું. તેને લીધે પ્રાણીઓને ગામમાં પ્રવેશતા અટકાવી શકાતા હતા.

પાણીના શુદ્ધીકરણનો બીજો ફાયદો પણ છે. કાંપને ટાંકીઓમાં જમા થતો અટકાવવા ટેન્ક નિર્માતાઓએ માટીના પાળા બાંધ્યા હતા અને છોડવાઓ ઉગાડ્યા હતા.

ગીકિયાનાગે કહે છે, “તે ફિલ્ટર જેવું છે. તે પાણી મુખ્ય જળાશયમાં જાય એ પહેલાં તેમાંથી કાંપ તારવીને પાણીને શુદ્ધ કરે છે.”

ટેન્કની નજીક ઊગતાં વૃક્ષોનાં મૂળિયાંને લીધે માછલીઓના પ્રજનન માટેના પાણીનાં કુદરતી પાંજરાં પણ બનાવવામાં આવ્યાં હતાં. સંયુક્ત રાષ્ટ્રસંઘના ડેવલપમૅન્ટ પ્રોગ્રામ અને રિફોરેસ્ટ શ્રીલંકાની તાજેતરની સંયુક્ત પહેલને લીધે ખેડૂતોને ટેન્કની આસપાસ સ્થાનિક વૃક્ષો તથા છોડવાઓ ઉગાડવામાં મદદ મળી છે. તેથી ઓરિજિનલ ટ્રી-બેલ્ટ્સનું નિર્માણ ફરી થયું છે.

પશુપાલન, મધમાખી ઉછેર, કૃષિ વનસંવર્ધન અને ચોખા ઉપરાંત બીજા અનાજની ખેતીને પણ સ્થાનિક ટેન્ક પ્રણાલીથી સધિયારો મળી શકે છે.

રાજરતા યુનિવર્સિટીના કૃષિ ઇજનેરી અને ભૂમિવિજ્ઞાન વિભાગના સહયોગી પ્રોફેસર શિરોમી દિસાનાયકાના જણાવ્યા મુજબ, કાસ્કેડ લૅન્ડસ્કેપમાં ઉપેક્ષિત ફળોની પ્રજાતિઓ, ખાદ્ય ઔષધીય વનસ્પતિઓ, સ્વદેશી શાકભાજી, કંદ અને મસાલા જેવું ખાદ્યસામગ્રીનું વ્યાપક વૈવિધ્ય જોવા મળે છે. આ બગીચાઓ આબોહવા પરિવર્તનના માઠા સામાજિક-આર્થિક પ્રભાવને ઘટાડી શકે છે.

દિસાનાયકા કહે છે, “ઘરના બગીચાઓમાંની આ ટેન્ક કાસ્કેડ જમીનમાં લાંબા સમય સુધી ભેજ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. તેથી ગ્રામજનો સમગ્ર વર્ષ દરમિયાન પાક લઈ શકે છે અને સુશોભન છોડવાઓ પણ ઉગાડી શકે છે.”

આધુનિક કાયાપલટ

સંશોધકો સૂચવે છે કે શ્રીલંકામાં એક સમયે 18,000થી 30,000 નાની ટાંકીઓ હતી, જે 90 ટકા ક્લસ્ટર્સ અથવા કાસ્કેડ્ઝમાં સમાહિત હતી, પરંતુ આજે માત્ર 14,421 સક્રિય ટેન્ક્સ ને 1,661 કાસ્કેડ્ઝ બચી હોવાનો અંદાજ છે.

કાસ્કેડ્ઝની સંખ્યામાં ઘટાડાનાં ઘણાં કારણો છે, એ સમજાવતાં ગીકિયાનાગે જણાવે છે કે શુષ્ક પ્રદેશોમાંના પ્રાચીન સામ્રાજ્યો બારમી સદીમાં સત્તા પરથી ફેંકાઈ ગયા હતા, જ્યારે સ્થાનિક વસાહતો અને સામ્રાજ્યો મધ્ય શ્રીલંકાના વરસાદી, ભીના વિસ્તારોમાં સ્થળાંતરિત થયા હતા. તેને કારણે ઘણી ટેન્ક પ્રણાલી ત્યજી દેવામાં આવી હતી.

ઉપરાંત સમય જતાં શ્રીલંકા પર દક્ષિણ ભારતમાંથી અનેક વખત આક્રમણ થયું હતું. તેને લીધે દેશમાંની આવી ટાંકીઓ તથા અન્ય પ્રકારની પરંપરાગત સિંચાઈ વ્યવસ્થાનો નાશ થયો હતો.

બ્રિટિશ સામ્રાજ્યે પણ તેમાં ભૂમિકા ભજવી હતી. 18મી સદીના અંતમાં બ્રિટિશ વસાહતીકરણ પહેલાં ગામની ટેન્ક કાસ્કેડ પ્રણાલી ખેડૂતોની માલિકીની હતી. તેઓ પરંપરાગત કાયદા અનુસાર તેનું સંચાલન અને જાળવણી સામૂહિક રીતે કરતા હતા.

એ પ્રક્રિયા હેઠળ ટેન્ક પ્રણાલીની જાળવણીમાં સમુદાયના તમામ લોકો માટે ફરજિયાત હતું, પરંતુ અંગ્રેજોએ તેને બળજબરીથી કરાવવામાં આવતી મજૂરી ગણાવીને તેને 1932માં નાબૂદ કરી હતી તેમજ તેની જાળવણીનું કામ સૅન્ટ્રલાઇઝ કર્યું હતું. એ પછી દાયકાઓ સુધી સ્થાનિક સરકાર દ્વારા અવગણના કરવામાં આવી હતી.

1948માં બ્રિટિશરોથી આઝાદી મળ્યા પછી કૃષિ વિકાસ વિભાગ જેવી સંસ્થાઓ અને ખેડૂત સંગઠનોએ ટેન્ક પ્રણાલીનું વ્યવસ્થાપન સંભાળ્યું હતું. તે સંસ્થાકીય ફેરફારનો અર્થ એ થયો કે આજે ટેન્ક પ્રણાલીની સ્પષ્ટ માલિકી કોઈની નથી. ઘણી જગ્યાએ ગ્રામ્ય સમુદાય દ્વારા તેનું સંચાલન તથા જાળવણી કરવામાં આવતી નથી.

જે ટેન્ક પ્રણાલી બાકી રહી છે તેના પર તાજેતરમાં થયેલી શહેરીકરણ અને વિસ્તરી રહેલી ખેતીએ પણ નકારાત્મક અસર કરી છે.

સ્થાનિક ઇકૉસિસ્ટમને ટેકો આપવાની અને દુકાળનો સામનો કરવાની તેની ક્ષમતાને નુકસાન થયું છે. વૉટર હાયસિન્થ અને સાલ્વિનિયા જેવા પાણીનું મોટા પ્રમાણમાં શોષણ કરતા છોડવાઓને કારણે સિંચાઈ નેટવર્કની નહેરો તથા પ્રવાહને અવરોધિત કર્યા છે.

વૃક્ષોનું આવરણ ઘટ્યું છે અને રાસાયણિક ખાતર પરની વ્યાપક નિર્ભરતાની જમીન તથા જૈવવૈવિધ્યને માઠી અસર થઈ છે.

જોકે, તેના પુનઃસ્થાપનના પ્રયાસો હવે ચાલી રહ્યા છે. યુનેસ્કો અને એફએઓએ 2017માં વૈશ્વિક સ્તરે મહત્ત્વપૂર્ણ કૃષિવારસા પ્રણાલી તરીકે ટેન્ક કાસ્કેડને માન્યતા આપી હતી. તેના પગલે શ્રીલંકામાં આબોહવા પરિવર્તનની અસરો સામેની દેશની અનુકૂલન યોજનામાં નાની ટેન્ક પ્રણાલીની પુનઃસ્થાપના તથા કાસ્કેડ મૅનેજમૅન્ટ પ્રોગ્રામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગીકિયાનાગેના જણાવ્યા મુજબ, ટેન્ક કાસ્કેડનું પુનઃસ્થાપન એક મોટો પડકાર હોવા છતાં વિકાસ અને સંરક્ષણનું કામ કરતા લોકોની કાર્યસૂચિમાં તે છેલ્લાં ઘણાં વર્ષોથી અગ્રસ્થાને છે.

ધર્મસેનાના જણાવ્યા અનુસાર, એક પ્રોજેક્ટ હેઠળ 30 કાસ્કેડમાંની 352 ટેન્ક્સને પુનઃસ્થાપિત કરવામાં આવી છે, જ્યારે એક અન્ય પ્રોજેક્ટમાં 280 કાસ્કેડ સિસ્ટમમાંની 1,700 ટાંકીઓની પુનઃસ્થાપના કરવામાં આવી છે.

આ પ્રયાસોની સકારાત્મક અસર દેખાવા લાગી છે.

2013ના એક અભ્યાસ મુજબ, ઉત્તર-પશ્ચિમ શ્રીલંકામાં થમ્બુલા ટેન્ક પ્રણાલીના પુનરોદ્ધાર પછી ખેતઊપજમાં સુધારો થયો છે અને ગ્રામજનો મેથી સપ્ટેમ્બર સુધીના ઉનાળાના સમયમાં મકાઈ અને શાકભાજી જેવા પાક 30 એકર જમીનમાં લઈ શક્યા છે.

2016ના એક અન્ય અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ઉત્તર-મધ્ય શ્રીલંકામાં કપિરિગામા કાસ્કેડ પ્રણાલીના પુનરોદ્ધારને લીધે દુષ્કાળના મહિનાઓમાં 11 ગામના ખેડૂતો ચોખાની ખેતી કરી શક્યા હતા. તે સિસ્ટમમાં 22 ટેન્ક છે અને તે 800 એકર વિસ્તારમાં આવેલાં ખેતરોને પાણી પૂરું પાડે છે.

જોકે, ટેન્ક સિસ્ટમના પુનરોદ્ધાર કાર્યક્રમની કેટલીક મર્યાદા પણ છે. ગીકિયાનાગે અને ધર્મસેના બંને જાળવણીના કામ સાથે સંકળાયેલી વિવિધ સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ વચ્ચે યોગ્ય સંકલનની જરૂરિયાત પર ભાર મૂકે છે.

ગીકિયાનાગે નોંધે છે કે ઘણાં ગામોની ટેન્ક પ્રણાલી વધતી જતી વસ્તીની માગને પહોંચી વળવા માટે જરૂરી મોટા વાવેતર વિસ્તારો માટે અપૂરતી છે.

ગીકિયાનાગે ઉમેરે છે કે પ્રીસિસન એગ્રિકલ્ચર જેવી કેટલીક નવી તકનીકોને એકીકૃત કરવાથી જમીનની ઉત્પાદકતા વધારવામાં પણ મદદ મળી શકે.

તેઓ કહે છે, “શ્રીલંકાએ પોતાની ખેતીના લાભ માટે આનું પરીક્ષણ કરવું જોઈએ. તેનાથી પરંપરાગત પ્રણાલીઓ પરનું દબાણ ઘટશે. તે શુષ્ક વિસ્તારોમાં સાતત્યસભર ખેતીને પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ થશે.”

યોગ્ય ભૂસ્તશાસ્ત્રીય પરિસ્થિતિ ધરાવતા પ્રદેશોમાં જ કાસ્કેડ પ્રણાલી અપનાવી શકાય, એવું ધર્મસેના જણાવે છે ત્યારે ગીકિયાનાગે સમજાવે છે કે આસપાસના જંગલના સંરક્ષણ જેવી કેટલીક પ્રાચીન જળ-વ્યવસ્થાપન તકનીકો શ્રીલંકામાં આધુનિક સિંચાઈ પ્રકલ્પોમાં અમલી બનાવી શકાય.

દાખલા તરીકે, માટીના પટ્ટાઓનો ઉપયોગ કાંપના પ્રવાહને નિયંત્રિત કરવા અને અવરોધોને નિવારવા માટે કરી શકાય. ટેન્ક કાસ્કેડથી વિપરીત, મહાવેલી ડેવલપમૅન્ટ પ્રોજેક્ટ જેવા શ્રીલંકામાંના આધુનિક સિંચાઈ પ્રકલ્પોમાં પર્યાવરણની બહુ ઓછી ચિંતા કરવામાં આવે છે, એમ જણાવતાં ગીકિયાનાગે કહે છે, “ઉપરના પ્રદેશમાં દર વર્ષે ખેતરોમાંથી માટી ધોવાઈ જાય છે અને જળાશયોમાં આવી જાય છે.”

પ્રાચીન જ્ઞાન, નવો ઉપયોગ

મેલિયામાં પાછા ફરીએ. અહીં સિરીવર્દને તેમના બાળપણનાં વર્ષોને યાદ કરે છે.

તે દોસ્તો સાથે તળાવમાં તરતા હતા અને મંદિરમાંની ભગવાન બુદ્ધની મૂર્તિને અર્પણ કરવા માટે વૉટર લીલીઝ તથા શ્વેત કમળ તોડી લાવતા હતા. એ ટેન્ક આજે પણ સમુદાયનો અભિન્ન હિસ્સો છે.

શ્રીલંકાની તાજેતરની આર્થિક કટોકટીને કારણે દેશનો ગરીબી દર બમણો થઈ ગયો છે, પરંતુ મેલિયાના ગ્રામવાસીઓ એ ટેન્કના આભારી છે. તેને લીધે તેઓ ટકી રહ્યા છે.

સિરીવર્દને કહે છે, “આ ટેન્કને કારણે અમે જીવી શકીએ છીએ. ગામના માછીમારો તિલાપિયા અને સ્નેકહેડ્ઝ જેવી મીઠા પાણીની માછલીઓ પકડવા માટે રોજ સવારે લાકડાની નાની હોડીઓમાં તળાવમાં આવી જાય છે. તેઓ મુખ્ય રસ્તા પરના નાના કામચલાઉ સ્ટૉલ્સમાં તેનું વેચાણ કરે છે. ટેન્કમાંથી પાણી મળતું હોવાને કારણે લોકો ચોખા ઉગાડી શકે છે. ટેન્કમાંથી અમને માછલીઓ મળે છે. દેશમાં દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે, પરંતુ અમારા ગામના લોકો આ તળાવમાં પાણીને કારણે ટકી રહ્યા છે.”

ગીકિયાનાગેના જણાવ્યા મુજબ, ટેન્ક કાસ્કેડ પ્રણાલી સાથે જોડાયેલી પરંપરાગત ખેતી પદ્ધતિઓ આધુનિક જમાનામાં પણ સુસંગત છે.

દુકાળનાં વર્ષોમાં ટેન્ક નજીક જમીન ધરાવતા ખેડૂતોએ નાના વિસ્તારમાં ચોખા ઉગાડ્યા હતા અને બાકીની જમીન અન્યોને ખેતી કરવા આપી હતી. દુકાળ આકરો થયો ત્યારે ખેડૂતોએ તળાવમાં જ ચોખા ઉગાડ્યા હતા, જેથી આગામી સિઝન માટેનાં બીજને સાચવી શકાય.

ગીકિયાનાગે કહે છે, “તેને લીધે ખેતી માટે ઉપલબ્ધ જળ સંસાધનોની વહેંચણી લોકો કરી શકે છે. તેણે સંસ્કૃતિને ટકી રહેવામાં મદદ કરી છે.”

ગીકિયાનાગેના કહેવા મુજબ, ટેન્ક કાસ્કેડ પ્રણાલી ‘પરંપરાગત ઇકૉલૉજિકલ જ્ઞાન’નું પ્રતિનિધિત્વ કરે છે. તેને શ્રીલંકા ટૂરિઝમ પ્રોડક્ટ તરીકે પ્રમોટ કરી શકે. તેમાં સ્થાનિક તેમજ પરદેશી પ્રવાસીઓને ગાઇડેડ ટૂર કરાવી શકાય, પરંતુ ખેડૂતોને આ પ્રવાસન પહેલમાં સામેલ કરવા જોઈએ, જેથી તેમને પણ આર્થિક લાભ મળી શકે.

તેઓ ઉમેરે છે, “ખેડૂતો જ આ પ્રણાલીના મૂળ માલિકો છે. તેમણે જ આ પ્રણાલીને સાચવી રાખી છે.”

સિરીવર્દનના પિતા અને દાદાએ આ ટેન્ક પ્રણાલીની જાળવણી માટે ઘણું કામ કર્યું છે. તેમને એવી આશા રાખે છે કે મેલિયાની યુવા પેઢી પણ ટેન્ક પ્રણાલીની સંભાળ રાખશે.

તેઓ કહે છે, “અમારું જીવન તેના પર નિર્ભર છે. આ ટેન્ક વિના અમે ટકી શકીએ નહીં.”