નરેન્દ્ર મોદી જ્યાંથી ચૂંટણી લડીને વડા પ્રધાન બન્યા એ બેઠક પર ભાજપ ફસાઈ કેમ ગયો?

    • લેેખક, પારસ જ્હા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં છેલ્લી બે લોકસભા ચૂંટણીઓ (2014 અને 2019)માં 26માંથી 26 બેઠકો પર જીત મેળવનાર ભારતીય જનતા પક્ષ (ભાજપ) 2024માં ફરીથી અગાઉની બે ચૂંટણીઓનાં પરિણામોનું પુનરાવર્તન અને સાથે સાથે દરેક બેઠક પર 5 લાખથી વધુ મતના તફાવતના મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય સાથે મેદાનમાં ઊતર્યો છે.

જોકે વડોદરા લોકસભાની બેઠક પર સપાટી પર આવેલા અસંતોષ, ત્રીજી વખત ચૂંટણી લડવા માટે ઉમેદવાર બનેલાં રંજનબહેન ભટ્ટ સામેનો વિરોધ અને ત્યારબાદ તેમણે ઉમેદવારી પાછી ખેંચી લેવાનો કરેલો નિર્ણય એ સમગ્ર ઘટનાક્રમ રાજકીય બનવાની સાથે સાથે નાટકીય પણ બની ગયો છે.

કોઈના પણ દબાણ સામે ન ઝૂકવાની મજબૂત ઇમેજ ધરાવતા ભાજપના પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વએ છેવટે રંજનબહેનને બદલે વડોદરાથી રાજકીય રીતે ‘કોરી સ્લેટ’ ગણાતા હેમાંગ જોષીને લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે.

જેને કારણે શિસ્તબદ્ધ અને કૅડર આધારિત પક્ષ ગણાતા ભાજપની આ છબી સામે માત્ર સવાલો જ ઊભા નથી થયા, પરંતુ પક્ષના નેતાઓ અને રાજકીય વિશ્લેષકોનું માનીએ તો આ ઘટનાક્રમે ભાજપમાં પણ અસંતોષ વ્યક્ત કરીને કેન્દ્રીય નેતૃત્વનો નિર્ણય બદલાવી શકાય તેવો દાખલો પણ પૂરો પાડ્યો છે. જેની અસરો ગુજરાતમાં આગામી કૉર્પોરેશનથી લઈ વિધાનસભા સુધીની ચૂંટણીઓમાં પણ જોવા મળી શકે.

આ ઘટનાક્રમમાં ભાજપ એવી રીતે ફસાઈ ગયો કે પક્ષના નેતૃત્વએ ઉમેદવારીની આ મડાગાંઠ ઉકેલવા આખરે ઉમેદવાર જ બદલી નાખવા પડ્યા.

નરેન્દ્ર મોદી માત્ર 13 દિવસ માટે વડોદરાના સંસદસભ્ય બન્યા

વડોદરાની લોકસભા બેઠકની ચર્ચા કરવી એટલા માટે પણ જરૂરી છે કે આ એ જ બેઠક છે, જ્યાંથી વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું.

તે સમયે તેમણે ઉત્તર પ્રદેશથી વારાણસીની બેઠકની સાથે સાથે ગુજરાતમાં વડોદરા બેઠક પરથી પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. 16 મે, 2014ના દિવસે જાહેર થયેલાં પરિણામોમાં તેઓ બન્ને બેઠકો પરથી વિજયી બન્યા.

વડોદરા લોકસભા બેઠકને ભલે વડા પ્રધાનની લોકસભા બેઠક બનવાનો યશ ન મળ્યો, પણ ભારતના વડા પ્રધાન બનનારા નરેન્દ્ર મોદી 13 દિવસ માટે વડોદરાના સંસદ સભ્ય ચોક્કસ રહ્યા.

26 મે, 2014ના દિવસે વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ વડોદરાની બેઠક પરથી 29 મે, 2014ના દિવસે રાજીનામું આપ્યું અને વારાણસીની બેઠકને જાળવી રાખી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીનામું આપ્યા બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં વડોદરાની લોકસભા બેઠક પરથી રંજનબહેન ભટ્ટને ભાજપનાં ઉમેદવાર બનાવવામાં આવ્યાં હતાં.

તેઓ સપ્ટેમ્બર 2014માં યોજાયેલી પેટાચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણીઓમાં કૉંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવારો સામે અનુક્રમે 3.29 લાખ અને 5.89 લાખ મતોના રેકર્ડ માર્જિનથી વિજેતા બન્યાં.

પરંતુ 2024માં રંજનબહેન ભટ્ટને ત્રીજી વખત વડોદરા બેઠક માટે ભાજપનાં ઉમેદવાર જાહેર કરવાની સાથે જ તેમની સામેનો વિરોધ અને વડોદરા ભાજપમાં વ્યાપેલો અસંતોષ ખૂલીને બહાર આવ્યો.

ભાજપ વડોદરા બેઠક મામલે કેવી રીતે ફસાયો?

ચૂંટણીમાં પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપ પ્રદેશ અને કેન્દ્રીય સ્તરે ચૂંટણી જાહેર થાય તેના મહિનાઓ પહેલાં ‘સેન્સ’ લેવા માટે પક્ષના નિરીક્ષકોને જે-તે વિધાનસભા કે લોકસભા બેઠકો પર મોકલે છે.

સેન્સ લેવાનો અર્થ એ છે કે એ બેઠકો સાથે સીધી રીતે ન જોડાયેલા પક્ષના નેતાઓ નિરીક્ષકો તરીકે જે-તે બેઠક પર પહોંચીને ત્યાંના સ્થાનિક આગેવાનો, પક્ષના કાર્યકરો અને ટિકિટના દાવેદાર નેતાઓ સાથે સંવાદ કરે છે.

જેમાં વર્તમાન ધારાસભ્ય કે સંસદસભ્યની કામગીરી કેવી રહી છે? તેમના વિશે તેમના મતવિસ્તારના લોકો કેવો અભિપ્રાય ધરાવે છે? તેમના સિવાય બીજા કયા કાર્યકર્તાઓ કે નેતાઓ કે અગ્રણીઓ છે જેમને ઉમેદવાર તરીકે વિચારી શકાય? તેમની જીતવાની શક્યતા કેવી છે? સ્થાનિક સ્તરે સંગઠનની શું પરિસ્થિતિ છે? જેવી તમામ બાબતોને બારીકાઈથી ચકાસવામાં આવે છે.

ત્યારબાદ નિરીક્ષકો પક્ષના પ્રદેશ અને કેન્દ્રીય સ્તરે ચૂંટણી અને ઉમેદવારીનો નિર્ણય કરતા નેતાઓ સુધી પોતાનો વિગતવાર અહેવાલ આપે છે. વડોદરાના ઘટનાક્રમને નજીકથી જોનારા પત્રકારો માને છે કે ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા અહીં નબળી પડેલી જોવા મળે છે.

વડોદરાના વરિષ્ઠ પત્રકાર વિશ્વજીત પારેખ કહે છે, "ભાજપમાં દરેક બેઠક પ્રમાણે ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા છે, તે સંદર્ભે ઉમેદવારોની જાહેરાત પહેલાં અહીં આવેલા પક્ષના નિરિક્ષકોએ શું જોયું? જો તેમણે યોગ્ય અહેવાલ આપ્યો હોય તો પ્રદેશ સ્તરે એ અહેવાલને ધ્યાનમાં નથી લેવામાં આવ્યો અથવા તો પ્રદેશમાંથી એ અહેવાલને આગળ (કેન્દ્રીય સ્તરે) મોકલવામાં નથી આવ્યો."

"સેન્સ લેવા માટે આવેલા પક્ષના નિરીક્ષકો એ વાત જોવાનું બિલકુલ ચૂકી ગયા હતા કે લોકસભા બેઠક પરથી ઉમેદવારી કરવા માટે પક્ષના 18 નેતાઓ અને કાર્યકર્તાઓએ પોતાનો દાવો રજૂ કર્યો હતો."

"આ દરેક ઉમેદવારે પોતાની જીતવાની ક્ષમતાઓ અને સારી બાબતો શું છે એ દર્શાવવા કરતાં બાકીના દાવેદારો કેટલા ખરાબ છે અને તેમણે શું ભ્રષ્ટાચારો કર્યા છે તેની રજૂઆતો કરીને પોતાનો દાવો રજૂ કર્યો હતો."

પારેખના મતે નિરીક્ષકો આ પ્રકારે દાવેદારીની રજૂઆતોથી પક્ષમાં ચાલી રહેલા અસંતોષને ઓળખવામાં નિષ્ફળ ગયા અથવા તો તેમણે એ અસંતોષને અવગણ્યો. અધૂરામાં પૂરું પક્ષના પ્રદેશ નેતૃત્વએ આ અસંતોષને કોઈ મોટી પ્રતિક્રિયા વિના ઠારવાનો પ્રયાસ કરવાને બદલે આક્રમક પગલાં ભર્યાં, જેને કારણે વિવાદને વધુ વેગ મળ્યો.

પારેખ કહે છે, "જ્યારે ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ અને એક સમયે વડોદરાનાં મેયર રહી ચૂકેલાં જ્યોતિબહેન પંડ્યાએ એક પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કર્યું ત્યારે પત્રકારોને પણ ખબર નહોતી કે એમણે પ્રેસ કૉન્ફરન્સ કેમ બોલાવી છે."

"પરંતુ એ પ્રેસ કૉન્ફરન્સના અડધા કલાક પહેલાં જ પક્ષે જ્યોતિબહેનને તાત્કાલિક અસરથી પક્ષના પ્રાથમિક સભ્ય સહિત તમામ પદો પરથી સસ્પેન્ડ કરી દીધાં. જેને કારણે વડોદરા ભાજપમાં રહેલા અસંતોષને જાહેરમાં આવી ગયો."

તેમણે વધુમાં કહ્યું, "ત્યારપછી આ અસંતોષમાં સોશિયલ મીડિયા પર વીડિયો, સંદેશાઓ અને સ્થાનિક સ્તરે મોટા ભ્રષ્ટાચાર, વડોદરાનો રૂંધાયેલો વિકાસ, આંતરિક જૂથબંધી જેવી બાબતો વાઇરલ થવા લાગી."

"બૅનરો પણ લાગ્યાં અને સ્થાનિક નેતાઓથી શરૂ કરીને ધર્માચાર્યો સહિતના અગ્રણીઓ આ મામલે લડાઈમાં આવી ગયા. ભાજપના કાર્યાલયમાં થયેલી મીટિંગ અને ચર્ચાની વીડિયો રીલ્સ પણ વાઇરલ થવા લાગી."

જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે જ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું રાજીનામું અને ત્યારપછી એ રાજીનામું પાછું ખેંચવાનો નાટકીય ઘટનાક્રમ પણ થયો. જોકે, આ તમામ બાબતોની એકસૂત્રતા ઉમેદવાર મામલે વડોદરા ભાજપમાં રહેલા અસંતોષનો તરફ જ નિર્દેશ કરી રહી હતી.

ભાજપની ભૂલ ક્યાં થઈ?

ભાજપ માટે વિવાદો કંઈ નવા નથી, પરંતુ વડોદરામાં જે વિવાદ થયો છે તેમાં પક્ષની આંતરિક જૂથબંધી અને અસંતોષને કારણે ગેરશિસ્ત પણ બહાર આવી છે.

આ વિશે વાત કરતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા (એમએસયુ)ના પૉલિટિકલ સાયન્સ વિભાગના વડા પ્રો. અમિત ધોળકિયા કહે છે, "વડોદરામાં થયેલા વિવાદમાં ભાજપની ભૂલ થઈ છે. નિરીક્ષકો સેન્સ ના લઈ શક્યા. આ ઉપરાંત પક્ષે એકવાર ઉમેદવાર જાહેર કર્યા બાદ, ઉમેદવારને પોતાનું નામ પાછું ખેંચવા દીધું એ પણ પક્ષની નબળાઈ છતી કરે છે. એકવાર નિર્ણય સાર્વજનિક કર્યા બાદ એને પાછો ખેંચવો પડે એવું ભાજપમાં જોવા નથી મળતું."

પ્રો. ધોળકિયાએ વધુમાં કહ્યું, "ગુજરાતમાં પહેલી વખત (ભાજપમાં) અશિસ્ત જોવા મળી છે અને ભાજપ માટે તે ચેતવણીરૂપ છે. સ્થાનિક કક્ષાએ નેતાગીરી નબળી પડે ત્યારે પક્ષમાં રહેલા આંતરિક વિખવાદો વધે છે અને સપાટી પર પણ આવે છે."

વિશ્વજીત પારેખ આ વાતને અલગ રીતે રજૂ કરે છે.

તેઓ કહે છે, "વિજ્ઞાનનો નિયમ છે, જ્યારે કોઈપણ વસ્તુનું વજન વધે ત્યારે જો યોગ્ય સંતુલન જળવાય નહીં તો તે હાલકડોલક થવા લાગે. સ્થાનિક કક્ષાએ નેતૃત્વ જોઈએ તેટલું મજબૂત ન હોય ત્યારે આવો અસંતોષ અને વિખવાદ જોવા મળે જ છે. ભાજપે પણ વડોદરામાં પક્ષને એટલો મોટો કર્યો છે, પરંતુ સંતુલન જળવાયું નથી."

તેમણે ઉદાહરણ આપતા કહ્યું, "વડોદરા ભાજપમાં સંગઠન અને સત્તામાં રહેલી પાંખ વચ્ચે હંમેશાં ખેંચતાણ રહી છે."

"બન્ને જૂથો નીતિ વિષયક બાબતો અને વહીવટમાં પોતાનું વર્ચસ્વ અને પ્રભાવ જાળવી રાખવા એકબીજા સાથે સંઘર્ષ કરતાં જોવાં મળે છે. મને લાગે છે કે ભાજપમાં આંતરિક ખેંચતાણને ખુલ્લી કરે તે પ્રકારે શહેરમાં ‘સંગઠન સર્વોપરી છે.’ એવાં પોસ્ટરો જાહેરમાં લાગ્યાં હોય તેવું દેશ ક્યાંય પણ બન્યું નથી, પણ વડોદરામાં જરૂર બન્યું છે."

વડોદરા ભાજપના એક કાર્યકર્તાએ ઓળખ ગુપ્ત રાખવાની વિનંતી કરતા કહ્યું, "અહીં ઉમેદવાર બદલવાની ઘટના કરતાં જે પ્રકારે ઉમેદવાર બદલાયા એ બાબત પક્ષ માટે ચિંતાજનક છે. ગુજરાતીમાં કહેવત છે, ‘ડોશી મરે તેના કરતાં જમ ઘર ભાળી જાય તેનો ભય છે’ એવી રીતે 2024માં જે પ્રકારે ઉમેદવાર બદલાયા છે, તે આવનારી કૉર્પોરેશનથી લઈ વિધાનસભા સ્તરની તમામ ચૂંટણીઓમાં એક ઉદાહરણ બનશે."

"પાર્ટી મોટી થઈ ગઈ છે, કાર્યકર્તાઓની અપેક્ષાઓ વધી ગઈ છે એટલે ઉન્માદ ઊભો થશે અને વિરોધ વ્યાપક બનશે. દરેક વખતે ઉમેદવાર બદલવાની માગણી વચ્ચે 2024ની લોકસભા ચૂંટણીનાં ઉમેદવાર જે રીતે બદલાયા તે યાદ કરાવીને પોતાનો દાવો રજૂ કરવામાં આવશે.”

તેમણે વધુમાં કહ્યું, "સેન્સ લેવા માટે જ્યારે નિરીક્ષકો આવે ત્યારે કાર્યકર્તાઓમાં પણ એવી લાગણી ફેલાઈ ગઈ છે કે આપણે જે કંઈ પણ વાત કરીશું, પણ ટિકિટ તો એને જ મળશે જેને કેન્દ્રીય નેતૃત્વએ પહેલાંથી નક્કી રાખ્યા હોય."

"જ્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે કોઈ કાર્યકર્તા કડવી પણ સાચી વાસ્તવિક પરિસ્થિતિ નિરિક્ષકો સમક્ષ મૂકવાને બદલે સ્થાનિક દાવેદારોને ખોટું ન લાગે, એમની સાથેના સંબંધો કોણ બગાડે એવું વિચારીને બધા માટે સારું સારું બોલીને, ગોળ-ગોળ જવાબો આપીને ‘સબસલામત’ હોવાનો નકલી અભિપ્રાય આપે છે. જે પક્ષને લાંબેગાળે નુકસાનકારક સાબિત થાય છે.”

જોકે, ભાજપના મધ્યગુજરાતના મીડિયા સહ-કન્વીનર રાજેશ પારેખ કહે છે કે પક્ષમાં બહાર આવેલા અસંતોષની ચૂંટણી પર કોઈ અસર નહીં પડે.

તેમણે કહ્યું, "દસ વર્ષ રહ્યા પછી લોકોને એવું હતું કે, બીજા કોઈને ચાન્સ આપો અને પાર્ટીએ પણ તે માન્ય રાખ્યું છે. એટલે હું માનું છું ત્યાં સુધી કોઈ એવી આડી કે ઊંધી અસર નહીં થાય."

રાજેશ પારેખના જણાવ્યા અનુસાર સેન્સ લેતી વખતે નિરીક્ષકો સમક્ષ એવો કોઈ વિરોધ કે રજૂઆત નહોતી થઈ.

વડા પ્રધાન મોદીની બેઠક ગણાતી વડોદરાની બેઠકનો ઇતિહાસ કેવો રહ્યો છે?

નરેન્દ્ર મોદી જ્યારે પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારે ભાજપ ગુજરાતમાં અત્યંત મજબૂત હતો અને મોદીની જન સામાન્યમાં મોદીની અતિલોકપ્રિય અને મજબૂત નેતા તરીકેની ઇમેજ હતી એટલે તેઓ ગુજરાતની કોઈપણ બેઠક પરથી ચૂંટણી લડ્યા હોત તો પણ તેમની જીત નક્કી હતી. તેમ છતાં તેમણે વડોદરાની જ બેઠક કેમ પસંદ કરી?

આ વિશે વાત કરતા વડોદરાના વરિષ્ઠ પત્રકાર અનિલ દેવપુરકર કહે છે, "મોદી સંઘના પ્રચારક તરીકે વડોદરામાં લાંબો સમય રહ્યા હતા અને અહીં તેમના સ્થાનિક સ્તરે સેંકડો લોકો સાથે પારિવારિક સંબંધો છે. જેને કારણે તેમણે આ બેઠક પસંદ કરી હતી."

"આ ઉપરાંત વડોદરાની બેઠક ભાજપ માટે સુરક્ષિત ગણાય છે. તેમણે આ બેઠક પરથી 5.70 લાખ જેટલા મતના માર્જિનથી જીતી હતી."

જોકે, આ વિશે પ્રો. ધોળકિયા કહે છે, "નરેન્દ્ર મોદીએ જ્યારે વડોદરાની બેઠક પસંદ કરવા પાછળનું એક કારણ જન સામાન્ય પર એક પ્રકારની મનોવૈજ્ઞાનિક અસર ઊભી કરવાનું પણ હોઈ શકે."

"વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે જ્યારે ચૂંટણી લડવાની હોય ત્યારે માત્ર વિજેતા બનવા કરતાં મોટા માર્જિનથી વિજેતા બનવું એ મહત્ત્વનું બની રહે છે."

તેમણે વધુમાં કહ્યું, "વડોદરાની બેઠક ભાજપ માટે મહત્ત્વની છે, પરંતુ નરેન્દ્ર મોદીની ઉમેદવારીને અપવાદરૂપ ગણીએ તો અહીંથી ભાજપે મોટેભાગે હેવીવેઇટ ઉમેદવારોને બદલે રાજકીય રીતે ‘લો-પ્રોફાઇલ’ ઉમેદવારોને જ ચૂંટણીમાં ઉતાર્યાં છે."

"અહીંથી ભાજપનાં સંસદસભ્ય રહી ચૂકેલાં સીતા તરીકે જાણીતાં બનેલાં દીપિકા ચિખલીયા રાજકારણ માટે નવાં હતાં, જયાબહેન ઠક્કર કે બાલકૃષ્ણ શુક્લ કે પછી રંજનબહેન ભટ્ટ આ બધાં જે-તે સમયે ‘લો-પ્રોફાઇલ’ ઉમેદવારો હતાં."

પારેખે વડોદરાના રાજકારણ અને નરેન્દ્ર મોદી વિશેનો એક પ્રસંગ ટાંકીને વાત પૂરી કરતા કહ્યું, "ભાજપનો ગુજરાતમાં વિસ્તાર કરવામાં વડોદરાના નેતા નલિન ભટ્ટનું પણ મોટું પ્રદાન રહેલું છે. તેઓ એક સમયે નરેન્દ્ર મોદીના રાજકીય વિરોધી પણ રહ્યા હતા તેમણે તેમની સામે બળવો પણ કર્યો હતો."

"આમ છતાં, નલિન ભટ્ટ તેમના અંતસમયે કૅન્સરની બીમારી સામે ઝઝૂમતા હતા ત્યારે નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાત વખતે તેમના ખબરઅંતર પૂછવા ગયા હતા અને તેમની સાથે લગભગ દોઢ કલાક બંધબારણે બેઠક કરી હતી."

"એ બેઠકમાં ભટ્ટે ડાયરીઓ ભરીને મધ્ય ગુજરાતની રાજકીય સ્થિતિ અને ભાજપની સ્થિતિ વિશે વિસ્તારથી મોદી સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે ભાજપને મધ્ય ગુજરાતમાં બચાવવા માટે નરેન્દ્ર મોદીએ વડોદરાથી ચૂંટણી લડવી જોઈએ."

પારેખે વધુમાં કહ્યું, "વડોદરા ગાયકવાડ અટક ધરાવતા સ્થાનિક ઉમેદવારો સિવાય મોટાભાગે આયાતી ઉમેદવારોને જ ચૂંટણીમાં વિજેતા બનાવે છે. એક રીતે જોઈએ તો વડોદરાએ એક ગોવાળમાંથી ગાયકવાડ બનેલાં શાસકને પણ પોતાના રાજા સ્વીકાર્યા હતા એટલે વડોદરા માટે આયાતી ઉમેદવારોને શાસક તરીકે સ્વીકારવા એ મોટી વાત નથી. પરંતુ વડોદરાનો વિકાસ થતો રહે તે દરેક શાસક જોતા હતા."

તેમણે સૂચક રીતે કહ્યું કે "જ્યારે નરેન્દ્ર મોદીએ વડોદરાની બેઠકના સંસદસભ્ય તરીકે રાજીનામું આપ્યું ત્યારે તેમણે વડોદરાના લોકોને ખાતરી આપી હતી કે વડોદરા આવનારાં વર્ષોમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તે માટે તેઓ પૂરતા પ્રયત્નો કરશે. પરંતુ છેલ્લાં દસ વર્ષમાં શું થયું? એમએસયુની શાખ નબળી પડી, ઔદ્યોગિક શહેરની ઓળખ ધરાવતું વડોદરા હવે ઔદ્યોગિક વિકાસ ઘટવાથી રિટાયર્ડ-પેન્શનરોનું શહેર બની ગયું."

પારેખની આ વાતનો નિર્દેશ ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે અમદાવાદ અને સુરતની સરખામણીમાં વડોદરામાં થયેલા ધીમા અને ઓછા વિકાસ મામલે તાજેતરમાં કરેલી ટિપ્પણીઓ પરથી મળે છે.