ભાવનગર: 17 ગામના લોકોએ લોકસભા ચૂંટણીના બહિષ્કારનો નિર્ણય કેમ લીધો?

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં ગુજરાતમાં રાજકીય ગતિવિધિ વધી રહી છે. કેટલીક જગ્યાએ લોકો પોતાની માગણી સરકાર સમક્ષ મૂકી રહ્યા છે, તો વિરોધપ્રદર્શન બાદ ચૂંટણી બહિષ્કારની ઘટના સામે આવી રહી છે.

તાજા દાખલો ભાવનગર જિલ્લાનો છે જ્યાં 17 ગામના લોકોએ પોતાની માગણી નહીં સંતોષાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

18 માર્ચે સવારે તળાજા તાલુકાના મણાર ગામ ખાતે ગામલોકો અને ખેડૂતો દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.

મહાસંમેલનમાં સામેલ લોકો દ્વારા ટી.પી. સ્કીમ લાગુ કરવાના મુદ્દા પર યોગ્ય નિર્ણય ન આવે તો ચૂંટણી બહિષ્કાર કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ મુદ્દા પર જો કાયદાકીય લડત લડવી પડે તો તેના પણ સહમતિ સધાઈ હતી.

લોકોનો વિરોધ જોતાં ભાવનગર જિલ્લાતંત્ર હરકતમાં આવ્યું છે. એસડીએમ કક્ષાના અધિકારી ગામલોકો સાથે વાત કરશે અને તેમની રજૂઆતો સાંભળીને યોગ્ય નિર્ણય લેશે તેવું જાણવા મળ્યું છે.

ગામલોકો અને ખેડૂતો કહે છે કે તેઓ કોઈ પણ હિસાબે ટી.પી. (ટાઉન પ્લાનિંગ) સ્કીમ નહીં લાગુ થવા દે અને ઉકેલ ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે.

'ફળદ્રપ ખેતીની જમીન જઈ રહી છે'

તળાજા તાલુકાનાં 10 અને ઘોઘા તાલુકાનાં 7 ગામનો સમાવેશ કરીને સાલ 2006માં અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળનું ગઠન કરવામાં આવ્યું છે. સમગ્ર સત્તામંડળમાં 17 ગામો છે જેમનું કુલ ક્ષેત્રફળ 131.89 ચોરસ કિલોમીટર છે.

જાન્યુઆરી 2023માં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની 3 ટી.પી. સ્કીમને મંજૂરી આપી હતી. જ્યારથી સરકાર દ્વારા ટી.પી. સ્કીમને મંજૂરી આપવામાં આવી છે ત્યારથી સત્તામંડળમાં સામેલ ગામો તેનો વિરોધ કરી રહ્યાં છે. ગામલોકોની ફરિયાદ છે કે ટી.પી. સ્કીમમાં તેમની મહામૂલી જમીન જઈ રહી છે.

ગામલોકો અને ખેડૂતોની માગ છે કે સત્તામંડળ તાત્કાલિક અસરથી ટી.પી. સ્કીમની કામગીરી અટકાવી નાખે. 17 ગામોથી મોટા ભાગના ગામની માગ છે કે સત્તામંડળમાંથી મુક્ત કરવામાં આવે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ત્રાપજ ગામના જયદીપસિંહ ગોહિલ કહે છે કે, "હાલ પાંચ ગામો અલંગ, મણાર, કઠવા, ત્રાપજ અને મહાદેવપરા ટીંબોમાં ટી.પી. સ્કીમ લાગુ કરવામાં આવી છે. આ ટી.પી. સ્કીમમાં ગામની ફળદ્રુપ જમીનો જઈ રહી છે. જમીનમાલિકની 40 ટકા જમીન વિવિધ પ્રોજેક્ટના નામે અનામત કરી નાખવાની સરકારની યોજના છે. હવે 40 ટકા જમીન નીકળી જાય તો ખેડૂતો અને ખાસ કરીને નાના ખેડૂતોને ભૂખે મરવાનો વારો આવશે."

"સત્તામંડળમાં જેટલાં પણ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યાંની જમીન ફળદ્રુપ હોવાથી અહીં ત્રણ સિઝનનો પાક લેવામાં આવે છે. જો ટી.પી. સ્કીમ બંજર જમીન પર લાગુ કરવામાં આવે તો અમને કોઈ વાંધો નથી પરંતુ અહીં ખેડૂતની ફળદ્રુપ જમીન લેવાઈ રહી છે. શેત્રુંજી કૅનાલનું પાણી મળતું હોવાના કારણે ખેડૂતો રોજીરોટી મેળવી રહ્યા છે."

તેઓ વધુમાં જણાવે છે કે ટી.પી. સ્કીમના વિરોધમાં પાંચ ગામના ખેડૂત ખાતેદારો અને ગામના લોકોએ વિવિધ સ્તરે આવેદન આપ્યું છે અને યોગ્ય નિર્ણય નહીં આવે તો હાઈકોર્ટ સુધી લડવા તૈયારી હોવાનું જણાવ્યું હતું અને કોઈ પ્રકારે ટીપી સ્કીમ લાગુ નહી કરવા માગ કરી હતી.

ગામલોકો અને ખેડૂતો કહે છે કે સત્તામંડળમાં આવતાં ગામોમાં ઘઉં, જુવાર, બાજરી સહિતના પાકો લેવામાં આવે છે. સમગ્ર 131.89 ચોરસ વિસ્તારમાં આંબા અને ચીકુની અસંખ્ય વાડીઓ છે. શાકભાજીની પણ સારા એવા પ્રમાણમાં ખેતી થાય છે.

મણાર ગામના ખેડૂત પરેશ ભટ્ટ કહે છે કે, "2006માં સત્તામંડળની સ્થાપના કરવામાં આવી હતી અને આજે 18 વર્ષ બાદ પણ એક પણ નોંધપાત્ર કહી શકાય તેવાં વિકાસનાં કામ કરવામાં આવ્યાં નથી. વિકાસના નામે માત્ર જમીન પચાવી લેવાનો કારસો છે. સૌથી મોટી વાત છે કે ટી.પી. સ્કીમ માત્ર રોડની આજુબાજુની જે જમીનો છે ત્યાં લાગુ કરવામાં આવી છે જે થોડી વિચિત્ર બાબત છે.

બધા 17 ગામલોકોની એક જ મત છે કે અમને સત્તામંડળ અથવા નગરપાલિકાની કોઈ જરૂર નથી. અમે અમારા ગામ-પંચાયતના વહીવટથી ખુશ છીએ. જો સરકાર અમારી સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો ચૂંટણીનો બહિષ્કાર કરાશે.

ગામલોકો અનુસાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સક્ષમ અધિકારીઓ પાસે રજૂઆત કરીને આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે વિનંતી કરી છે.

સરકાર કેમ જમીન સંપાદન કરવા માગે છે?

ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ અનુસાર અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળ પરંપરાગત ટી.પી. સ્કીમથી ભિન્ન છે. અલંગની ટીપી સ્કીમ્સ્ કૉમર્શિયલ અને ઔદ્યોગિક જગ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે.

શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ અને ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અહીં વિકાસ કરવા માગે છે. એવી પણ વાત છે કે ભવિષ્યમાં અલંગ અને નજીકના વિસ્તારોમાં જૂનાં વાહનો સ્ક્રેપ કરતા ઉદ્યોગો વિકસાવવામાં આવશે. ઉદ્યોગો આવે તે માટે અમુક સુવિધાઓ આપવા માટે ટી.પી. સ્કીમ જરૂરી છે.

અહેવાલ અનુસાર અલંગમાં આવેલા શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ સાલ 2016થી મંદીનો સામનો કરી રહ્યા છે. માળાખાકીય સુવિધાના અભાવે શિપ-રિસાયકલર્સને તેમના સ્ક્રેપ મટીરિયલ સ્ટીલ રિ-રોલિંગ મિલોને વેચવામાં મુશ્કેલી પડી રહી છે. રાજ્ય સરકારના ધ્યાને આ વાત આવતાં તેમના વિસ્તારના વિકાસ માટેની યોજના ઘડી હતી અને 3 ટી.પી. સ્કીમને મંજૂરી આપી છે.

અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર વિકાસ રાતડા અનુસાર "ટી.પી. સ્કીમની જમીનમાં રસ્તા અને અન્ય માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ગરીબો માટે 18900 આવાસ બનાવાશે. અલંગમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો કામ કરે છે. તેઓ શિપ રિસાયક્લિંગ અને સંલગ્ન ઉદ્યોગો સાથે જોડાયલા છે. મોટા ભાગના મજૂરો નજીકના સ્લમ વિસ્તારોમાં રહે છે."

"ટી.પી. સ્કીમની જમીનમાં અમે ઘરો, ઉદ્યાનો અને બગીચાઓ બનાવીશું. મજૂરો માટે સસ્તા આવાસ તેમજ મનોરંજનની જગ્યા પૂરી પાડીશું. સૂચિત જમીન સંપાદન એ રોડ નેટવર્ક, ટ્રાન્સપૉર્ટેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રવાસન અને આપત્તિ જોખમ અને વ્યવસ્થાપન માટે છે."

ગામલોકોની રજૂઆતો સાંભળીને આગળ વધીશું

બીબીસીના સહયોગી અલ્પેશ ડાભી અનુસાર ગામલોકોની રજૂઆત બાદ ત્રણેય સૂચિત ટી.પી. સ્કીમમાં જમીન કપાતનું ધોરણ 30 ટકા કરવામાં આવ્યું છે. તેમ છતાં ગામલોકો ટી.પી. સ્કીમ માટે સહમત થયા નથી. સર્વાનુમતે ઠરાવ નામંજૂર કરવામાં આવ્યો હોવા છતાં સરકાર દ્વારા ટી.પી સ્કીમ મૂકવામાં આવતાં 17 ગામના લોકો અને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. હાલ 17 ગામના લોકો અને ખેડૂતો દ્વારા જરૂર પડશે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે તેવો ઠરાવ કરવામાં આવ્યો છે.

અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળના ચૅરમૅન અને પ્રાદેશિક કમિશનર ડી. એમ. સોલંકીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, "અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળમાં આવતા 17 ગામના લોકો વિરોધ કરી રહ્યા છે તેવું અમારી જાણમાં આવ્યું છે. 3 ટી.પી. સ્કીમનો પ્રાથમિક રીતે મુસદ્દો જાહેર કરવામાં આવ્યો છે, જે અંગેના વાંધા પણ રજૂ કરવામાં આવ્યા છે. નગરરચના અધિકારી વાંધાઓને સાંભળીને તેનો યોગ્ય નિકાલ લાવશે. આ બાબતે મેં જરૂરી સૂચનો નગરરચના અધિકારીને આપી દીધી છે."

પ્રક્રિયા પ્રમાણે વાંધાઓ અને રજૂઆતો સાંભળીને તેનો નિકાલ કર્યા બાદ ફાઇનલ ટી.પી. સ્કીમ જાહેર કરવામાં આવે છે. પ્રાંત અધિકારી તળાજા અને નગરરચના અધિકારી 17 ગામના લોકોને જે પણ વાંધા હશે તે સાંભળશે. રજૂઆત બાદ ગ્રામજનોના હિતમાં યોગ્ય હશે તે નિર્ણય કરવામાં આવશે.

તેઓ વધુમાં જણાવે છે કે "ગામલોકો બેટરમેન્ટ ચાર્જ અને જમીન કપાતનો વિરોધ કરી રહ્યા છે. ટી.પી. સ્કીમનો હેતુ સત્તા મડળ હેઠળ આવતાં વિસ્તારનો વિકાસ કરવાનો છે. ટી.પી. સ્કીમથી જમીનનું મૂલ્ય પણ વધશે અને સમગ્ર વિસ્તારનો યોગ્ય રીતે વિકાસ થઈ શકશે."

ભાવનગર બેઠકનું ગણિત

ભાવનગર (લોકસભા બેઠક નંબર-15) બેઠકમાં તળાજા, પાલિતાણા, ભાવનગર ગ્રામીણ, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા તથા બોટાદ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

2009 પછી ભાવનગર લોકસભા બેઠકના સીમાંકનમાં ફેરફાર કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગરની લોકસભા બેઠકમાંથી મહુવા અને ગારિયાધારને બાદ કરી દેવામાં આવી હતી.

બોટાદ અને ગઢડાને ભાવનગરની લોકસભા બેઠકમાં સમાવવામાં આવ્યા છે જ્યારે મહુવા અને ગારિયાધાર વિધાસભા બેઠકોને અમરેલીની લોકસભા બેઠકમાં સમાવવામાં આવી છે.

ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ અનુસાર 2019ની લોકસભા ચૂંટણીમાં ભાવનગર બેઠકમાં 9,19,883 પુરુષ, 8,47,122 મહિલા અને 35 અન્ય સહિત કુલ 17,67,040 મતદાતા નોંધાયા હતા.

2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે મહિલા ઉમેદવાર ડૉ. ભારતીબહેન શિયાળને ભાવનગર બેઠકથી ઉમેદવાર બનાવ્યાં હતા. 2014માં તેમણે કૉંગ્રેસના પ્રવીણ રાઠોડને પરાજય આપ્યો હતો. 2019ની ચૂંટણીમાં કૉંગ્રેસના મનહર પટેલને 295488 મતોથી હરાવ્યા હતા.

ડૉ. ભારતીબહેન શિયાળ આ બેઠક પરથી ચૂંટાયેલાં પ્રથમ મહિલા સાંસદ છે. હવે જો નીમુબહેન બાંભણિયા ચૂંટાય તો બીજાં મહિલા સાંસદ બનશે.

બીજી જગ્યાએ પણ ચૂંટણીના બહિષ્કારની ચીમકી

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગીદરડી ગામના સરપંચ મુકેશ સોલંકી બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “અમારું ગામ છેવાડાનું છે. અમારી આગળનાં ગામોમાં નર્મદાનાં પાણી આવી ગયાં છે, પરંતુ અમારા ગામમાં નથી. જેથી અમે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.”

ગામની પાણીની સમસ્યા વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ ખાંભા તાલુકાના મામલતદાર એ. પી. અટાળાને પૂછ્યું તો તેમણે કહ્યું કે અહીં જે મોટર લાગેલી છે, એ ઓછા હૉર્સપાવરની છે તેથી અમે વધારે હૉર્સપાવર ધરાવતી મોટર મૂકવાનું કહ્યું છે અને આ પ્રશ્નનો તાત્કાલિક નિકાલ આવે તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

તો પાટણના રાધનપુર તાલુકાના ત્રણ ગામના લોકોએ બૅનર લગાવી વિરોધ નોંધાવ્યો છે. ‘રોડ નહીં તો વોટ નહીં’ના બેનરો સાથે લોકો ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. ગામલોકો અનુસાર છેલ્લાં ઘણાં વર્ષોથી રોડની માગ ન સ્વીકારતા બૅનર લગાવી વિરોધ નોંધાવ્યો છે. રાધનપુર તાલુકાના નજુપુરા, શેરગઢ અને શબ્દલપુરા ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના અવાળા અને અરણીવાડા ગામે ગ્રામજનોએ ખનીજચોરી અટકાવીને ‘ખનીજમાફિયા’ઓ સામે પગલાં ભરવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી આપી છે.

ગામલોકોનો દાવો છે કે ગામમાં છેલ્લાં ઘણાં વર્ષોથી મોટા પાયે ખનીજની ચોરી થઈ રહી છે અને તંત્ર કોઈ પગલાં લેતી નથી.