અમદાવાદ પૂર્વના કૉંગ્રેસ ઉમેદવાર તરીકે નામ પાછું ખેંચનારા રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા

લોકસભા 2024ની ચૂંટણી માટે કૉંગ્રેસ પાર્ટીએ તેમને અમદાવાદ પૂર્વથી ટિકિટ આપી હતી. જોકે, તેમણે તેમના પિતાની તબિયત નાદુરસ્ત હોવાનું કારણ આપીને પોતાની ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જોકે, થોડાક દિવસો પછી તેમણે કૉંગ્રેસના બધાં જ પદો પરથી રાજીનામું આપ્યું હતું અને હવે દિલ્હીમાં ભાજપના કાર્યાલય પર પહોંચીને ભાજપમાં જોડાયા છે.

ભાજપમાં જોડાતી વખતે રોહન ગુપ્તાએ કહ્યું, “હું આજ નવરાત્રીના પવિત્ર દિવસોમાં ભાજપ સાથે જોડાઈ રહ્યો છું. એક યુવા હોવાને નાતે જે મોદીજીનું 2047 માટે જે વિઝન છે. દેશ માટે નડ્ડાજી, અમિત શાહજી અને ભાજપ પરિવારનું વિઝન અને સપનું છે અને એક ભારતીય નાગરિક હોવાને નાતે મને લાગ્યું કે મારે પણ મારું યોગદાન આપવું જોઈએ. રાષ્ટ્રનિર્માણ માટે જે પણ જવાબદારી આપવામાં આવશે તે કામ હું દિલથી કરીશ.”

કૉંગ્રેસ પાર્ટીનાં એક વરિષ્ઠ નેતા પર આડકતરી રીતે પ્રહાર કરતા રોહન ગુપ્તાએ કહ્યું, “જ્યારે સનાતનનું અપમાન થઈ રહ્યું હતું, ત્યારે જેમના નામમાં “રામ” છે તેમણે અમને ચુપ રહેવા માટે કહ્યું.”

લોકસભા માટે નામ જાહેર થયા પછી ઉમેદવારી પાછી ખેંચી

અમદવાદ પૂર્વ બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ અચનાક ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ પાર્ટીના બધાં પદો અને પ્રાથમિક સદસ્યતા પરથી પણ રાજીનામું આપી દીધું હતું.

તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપતા લખ્યું હતું કે, "છેલ્લાં બે વર્ષથી કૉંગ્રેસના કૉમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના એક વરિષ્ઠ નેતા તરફથી સતત અપમાન થતાં દુ:ખી છું અને અંગત જીવનમાં સંકટના સમયે હું આ નિર્ણય લેવા માટે મજબૂર બન્યો છું."

તેમણે કહ્યું કે, "મેં છેલ્લાં 13 વર્ષ સુધી રાષ્ટ્રીય સ્તર પર પાર્ટીમાં અનેક પદો પર પોતાની જવાબદારી ઈમાનદારી અને ગંભીરતાથી નિભાવી છે."

અગાઉ તેમણે લોકસભા ચૂંટણીમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી.

ત્યારે તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમણે આ અંગેની માહિતી આપી હતી. ટ્વીટમાં તેમણે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને સંબોધીને લખેલો એક પત્ર શૅર કર્યો હતો.

પત્ર શૅર કરતાં તેમણે લખ્યું, ‘‘મારા પિતાની તબિયત નાદુરસ્ત હોઈ એમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાંથી મારી ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. પક્ષ દ્વારા જે પણ ઉમેદવાર પસંદ કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સાથ સહકાર રહેશે.’’

રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લેતાં ગુજરાત કૉંગ્રેસના નેતાઓ પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે. કૉંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં અત્યાર સુધી સાત ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે.

અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં કૉંગ્રેસ પક્ષની મુશકેલીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. 6 માર્ચના રોજ પક્ષના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા અને અંબરીષ ડેર ભાજપમાં સામેલ થતાં ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસના ગઢના રહ્યાસહ્યા કાંગરા પણ ખરી પડ્યા હતા.

કોણ છે રોહન ગુપ્તા?

રોહન ગુપ્તા હાલમાં ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટિના પ્રવક્તા હતા. તેઓ સોશિયલ મીડિયા અને ટીવી ડિબેટમાં કૉંગ્રેસનો પક્ષ રજૂ કરતા હતા. તેઓ કૉંગ્રેસ નેતા જયરામ રમેશને રિપોર્ટ કરતા હતા.

આ પહેલાં તેઓ ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટિના સોશિયલ મીડિયા વિભાગના ચૅરમૅન તરીકે પણ કામ કરતા હતા. 2022માં કૉંગ્રેસ પક્ષના તે સમયનાં પ્રમુખ સોનિયા ગાંધી દ્વારા તેમની જગ્યાએ સુપ્રિયા શ્રીનેતની નિમણૂંક કરી હતી.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર સોશિયલ મીડિયા વિભાગના ચૅરમૅન તરીકે પોતાના કાર્યકાળમાં રોહન ગુપ્તા વિવાદોમાં આવ્યા હતા, જેના કારણે પણ તેમની પાસેથી ચાર્જ લઈ લેવામાં આવ્યો હતો.

રોહન ગુપ્તાનાં પત્ની યોગીતા ગુપ્તા અને તેમના ભાઈ અર્પણ 'સનબર્ડસ્ ઇન્ફ્રાબિલ્ડ'માં ભાગીદાર બનવા પર વિવાદ થયો હતો. કારણ કે આ કંપનીના પ્રમોટર અજય પટેલ હતા, જેમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નજીકની વ્યક્તિ માનવામાં આવે છે.

ગુજરાતના પીઢ કૉંગ્રેસ નેતા રાજકુમાર ગુપ્તાના પુત્ર રોહન ગુપ્તાએ પૂણેની ખાનગી કૉલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેઓ 2012માં કૉંગ્રેસમાં સામેલ થયા હતા અને ત્યારબાદ વિવિધ હોદ્દાઓ પર રહ્યા છે.

રાજકુમાર ગુપ્તા વર્ષો સુધી ગુજરાત કૉંગ્રેસમાં મહત્ત્વની જવાબદારી નિભાવી છે. તેઓ અહમદ પટેલ સાથે વર્ષો સુધી કામ કર્યું છે. 'કૉમેટ ગ્રૂપ' એ ગુપ્તા પરિવારની માલિકીનું છે.

અહેવાલ અનુસાર 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે સોશિયલ મીડિયામાં ‘વિકાસ ગાંડો થયો છે’ વાઇરલ થયું હતું. આ કૅમ્પેનને સમગ્ર રાજ્યમાં ઘણી લોકપ્રિયતા મળી હતી અને અનેક મીમ્સ પણ બન્યાં હતાં. રોહન ગુપ્તાનો દાવો છે કે ‘વિકાસ ગાંડો થયો છે’ પાછળ સમગ્ર મહેનત તેમની હતી.

કૉંગ્રેસ માટે મોટો ઝાટકો છે

રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વ બેઠકથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાની ઘટનાને રાજકીય વિશ્લેષક અજય ઉમટ પક્ષ માટે મોટા ઝાટકા સમાન ગણાવી હતી.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, ‘‘સ્વાભિવક છે કે રોહન ગુપ્તાના ચૂંટણી ન લડવાના નિર્ણયથી પક્ષને ઝાટકો લાગશે. આ બેઠક પર ભાજપ મજબૂત સ્થિતિમાં છે. હરીન પાઠક લાંબા સમય સુધી આ બેઠકથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા અને ત્યારબાદ પરેશ રાવલને તક મળી. અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર બેઠકો એક રીતે ભાજપનો ગઢ ગણાય છે.’’

શું જીતવાની કોઈ શક્યતા ન દેખાતાં રોહન ગુપ્તાએ આવો નિર્ણય લીધો હશે? તેના જવાબમાં અજય ઉમટ કહે છે કે આ પણ એક કારણ હોઈ શકે છે.

‘‘ભાજપના નેતાઓ સતત રોહન ગુપ્તા સામે અંગત આક્ષેપ કરતા હતા. તેમને લાગ્યું હશે કે ચૂંટણી ન લડવી સારી.’’

તેઓ વધુમાં જણાવે છે કે કૉંગ્રેસ પક્ષ દ્વારા કેટલાંક નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. કૉંગ્રેસ નેતા હિમ્મત પટેલ અને કૈલાશ પરમારે ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. પક્ષને હવે નિર્ણય કરવાનો છે.

ભાજપે હસમુખ પટેલને આપી છે ટિકિટ

અમદાવાદ પૂર્વ બેઠકમાં ભાજપે હસમુખ પટેલને રિપીટ કર્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં આ બેઠકથી સાંસદ એવા પરેશ રાવલની ટિકિટ કાપીને હસમુખભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી હતી.

હસમુખ પટેલ વર્ષોથી ભાજપ સાથે છે. તેઓ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં બે વખત કોર્પોરેટર રહી ચૂક્યા છે. હસમુખ પટેલ વર્ષ 2012 અને 2017માં અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી સતત બે વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. 17મી લોકસભામાં તેઓ ટેક્સટાઈલ વિભાગની કમિટી અને સ્ટેન્ડિંગ કમિટી ઑન વૉટર રિસોર્સમાં સભ્ય તરીકે કામ કર્યું છે. તેઓ ભારત વિકાસ પરિષદ અમદાવાદના ટ્રસ્ટી પણ છે.

2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે કૉંગ્રેસનાં ઉમેદવાર ગીતાબહેન પટેલ સામે 4,34,330 મતથી જીત્યા હતા.

આ બેઠકમાં ઉત્તર ભારતીયો તેમજ સૌરાષ્ટ્ર તથા ડાયમડના વેપારીઓનો બહોળો વર્ગ વસે છે. એક જમાનામાં અહી કાપડની મિલો ધમધમતી હતી. ગાંધીનગર દક્ષિણ, દહેગામ, વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર તથા બાપુનગર વિધાનસભા મતવિસ્તાર આ લોકસભાક્ષેત્ર હેઠળ આવે છે. 954055 પુરુષ, 855719 મહિલા અને 67 અન્ય સહિત કુલ 1809841 મતદાતા આ બેઠક ઉપર નોંધાયેલા છે.

ગુજરાતમાં કૉંગ્રેસનું પ્રદર્શન

લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો કૉંગ્રેસ છેલ્લી બે ચૂંટણીઓથી ગુજરાતમાં એકપણ બેઠક જીતી શકી નથી.

છેલ્લે 2009ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ગુજરાતમાં 11 બેઠકો જીતી હતી. ત્યારબાદ ગુજરાતમાં કૉંગ્રેસ સતત નબળું પ્રદર્શન કરી રહી છે.

ગત ચૂંટણીમાં કૉંગ્રેસ તરફથી ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડેલા સી. જે. ચાવડા, જામનગર બેઠક પરથી ચૂંટણી લડેલા મૂળુભાઈ કંડોરિયા, નવસારી બેઠક પરથી ચૂંટણી લડેલા ધર્મેશ પટેલ જેવા નેતાઓ ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે.

તો બીજી તરફ ચૂંટણી લડવા માટે પ્રબળ દાવેદારો મનાતા અર્જુન મોઢવાડિયા અને અંબરીષ ડેર જેવા નેતાઓ ભાજપમાં સામેલ થઈ ગયા છે.

છેલ્લે 1980માં કૉંગ્રેસે ગુજરાતની 26માંથી 25 બેઠકો જીતી હતી જે ગુજરાતમાં લોકસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસનું શ્રેષ્ઠ પ્રદર્શન ગણાય છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)