You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરા : રંજનબહેન ભટ્ટે ભાજપમાંથી ચૂંટણી લડવાનો ઇન્કાર કેમ કર્યો?
વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટે ચૂંટણી લડવાની અસમર્થતા દર્શાવી છે.
રંજનબહેને શનિવારે સવારે તેમના ઍક્સ હૅન્ડલ પર લખ્યું, "હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું." તેમના આ ટ્વીટે ભાજપમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણને સાર્વજનિક કરી દીધી છે.
આ પહેલાં શુક્રવારે સવારે રંજનબહેન ભટ્ટે ટ્વીટ કર્યું હતું, "વડોદરાનો વિશ્વાસ એજ મારી તાકાત."
નોંધનીય છે કે ભાજપે લોકસભાની ચૂંટણી માટે તેની બીજી યાદી બહાર પાડી, તેમાં ગુજરાતના સાત ઉમેદવારનાં નામોની જાહેરાત કરવામાં આવી હતી અને વડોદરાની બેઠક ઉપરથી રંજનબહેનને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં હતાં.
તા. 13મી મેના રોજ ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર સામાન્ય ચૂંટણી યોજાશે. આ સાથે જ પાંચ વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાશે. ચોથી જૂનના રોજ દેશની તમામ લોકસભાની બેઠકો સાથે ગુજરાતની બેઠકો પરનાં ચૂંટણીપરિણામોની જાહેરાત થશે.
આંતરિક રાજકારણે ભાગ ભજવ્યો?
રંજનબહેને તેમના ટ્વીટમાં 'અંગત કારણોસર' ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવી છે, પરંતુ તેના માટે શિસ્તબદ્ધ પાર્ટી ગણાતા ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને જવાબદાર માનવામાં આવે છે.
રંજનબહેનનાં નામની જાહેરાત થતાં જ વિવાદ થયો હતો. વડોદરાનાં પૂર્વ મેયર અને પાર્ટીનાં વરિષ્ઠ નેતા જ્યોતિબહેન પંડ્યાએ પ્રેસ કૉન્ફરન્સ યોજવાની જાહેરાત કરી હતી. પ્રેસ કૉન્ફરન્સની ગણતરીના કલાકો પહેલાં જ તેમને ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષપદેથી હઠાવી દેવામાં આવ્યાં.
રાજીનામું આપતી વખતે જ્યોતિબહેને સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમનો વિરોધ રંજનબહેનને ફરીથી ટિકિટ આપવા સામે છે. તેમણે ટિકિટ ઉપર પોતાનો દાવો પણ રજૂ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટનાના ત્રણ દિવસ બાદ સાવલીની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ "અંતરાત્માનો અવાજ સાંભળીને" ઈમેલ મારફત ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું.
ઇનામદારે સ્થાનિક મીડિયા સાથે વાત કરતી વેળાએ પાર્ટીમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થઈ હોવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે જે કાર્યકર્તાઓએ પક્ષ માટે ભોગ આપ્યો હોય, તેમની અવગણના થાય તે બરાબર નથી.
સામાન્ય રીતે કૉંગ્રેસના ધારાસભ્યોનાં રાજીનામાં પડી રહ્યાં હતાં, ત્યારે આ ભાજપના તંત્ર માટે પણ ચોંકાવનારી ઘટના હતી અને શિર્ષસ્થ નેતાઓ દોડતા થઈ ગયા હતા.
મીડિયા રિપોટર્સ્ પ્રમાણે, ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે વાત કર્યા બાદ કેતન ઇનામદારે પોતાનું રાજીનામું પાછું ખેંચ્યું હતું. પાર્ટીએ સ્પષ્ટ કર્યું હતું કે પક્ષમાં કોને લેવા તથા કોને નહીં તેના વિશેનો નિર્ણય પાર્ટીનું નેતૃત્વ લેશે તથા આના વિશે કોઈ દબાણને વશ નહીં થાય.
આ પછી પણ રંજનબહેનની ઉમેદવારી સામે નારાજગી ચાલુ રહેવા પામી હતી અને વડોદરાની કેટલીક સોસાયટીઓમાં રંજનબહેન વિરૂદ્ધ બેનર લાગ્યાં હતાં. આદર્શ આચાર સંહિતા લાગુ હોવાથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ બેનરો ઉતરાવી લીધા હતા. જોકે, એ પહેલાં આ વાત સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઈ ગઈ હતી.
વડોદરામાં અસંતોષનું વાવાઝોડું
વડોદરા ભાજપમાં આંતરિક જૂથબંધી નવી વાત નથી. વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે વાઘોડિયાની બેઠક પરથી મધુ શ્રીવાસ્તવનું પત્તું કાપવામાં આવ્યું હતું. આથી તેમણે અપક્ષ ચૂંટણી લડી હતી.
વાઘોડિયાની બેઠક ઉપર દાવેદાર મનાતા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પણ ભાજપે ટિકિટ આપી ન હતી. એટલે તેમણે અપક્ષ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું. ભાજપની વિજયની આંધીની વચ્ચે પણ વાઘેલાનો વિજય થયો હતો.
ધર્મેન્દ્રસિંહે ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલને 14 હજાર જેટલા મતે પરાજય આપ્યો હતો. શ્રીવાસ્તવને 14 હજાર 650 જેટલા મત મળ્યા હતા અને તેઓ ચોથા ક્રમે રહ્યા હતા.
કૉંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડને 18 હજાર 900 જેટલા મત મળ્યા હતા. 'નક્કર આંકડાકીય' રીતે જોવામાં આવે તો વાઘેલા ભાજપમાં હોત તો અથવા શ્રીવાસ્તવે અપક્ષ ન ઝંપલાવ્યું હોત તો ભાજપના ઉમેદવારના વિજયની શક્યતાઓ હતી.
વાઘેલાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે અને તેઓ ફરી ભાજપમાં સામેલ થઈ ગયા છે. એવું માનવામાં આવે છે કે તેમને વાઘોડિયાની બેઠક પરથી ટિકિટ આપવામાં આવશે.