You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીએ ઇલેક્ટોરલ બૉન્ડને સફળ ગણાવ્યા, પરંતુ સચ્ચાઈ શું છે?
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા
સમાચાર એજન્સી એએનઆઈને સોમવારે આપેલી મુલાકાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇલેક્ટોરલ બૉન્ડને એક સક્સેસ સ્ટોરી એટલે કે સફળતાની કહાણી ગણાવ્યા હતા. સાથે એમ પણ જણાવ્યું હતું કે ઇલેક્ટોરલ બૉન્ડને કારણે આજે એક મની ટ્રેઈલ ઉપલબ્ધ છે અને કોણે, કયા પક્ષને કેટલા પૈસા આપ્યા તેની ખબર પડે છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે ચૂંટણીને કાળા નાણાંથી મુક્તિ અપાવવા તથા ચૂંટણી ફંડિગમાં પારદર્શકતા લાવવા માટેના રસ્તા શોધવામાં આવતા હતા અને ઇલેક્ટોરલ બૉન્ડના સ્વરૂપમાં તેમને એક "નાનકડો માર્ગ મળ્યો" હતો. તેમણે ક્યારેય એવો દાવો કર્યો નથી કે આ માર્ગ સંપૂર્ણ છે.
જોકે, ઇલેક્ટોરલ બૉન્ડ યોજનાની કલ્પનાથી માંડીને તેને ગેરબંધારણીય જાહેર કરવા સુધીના ઘટનાક્રમ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે પારદર્શકતાની કમી જ આ યોજનાની સૌથી મોટી મુશ્કેલી સાબિત થઈ છે.
ફેબ્રુઆરીમાં આ યોજનાને રદ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સ્વતંત્ર તથા નિષ્પક્ષ ચૂંટણી માટે ગુપ્ત મતદાન જરૂરી છે તેમ રાજકીય પક્ષોના ફંડિગમાં ગુપ્તતા નહીં, પરંતુ પારદર્શકતા અનિવાર્ય છે.
સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે મતદાન કેન્દ્રની ગુપ્તતાને રાજકીય પક્ષોના ફંડિંગની ગુમનામી સુધી વિસ્તારી શકાય નહીં.
"આ રોકડનો વ્યવહાર ચાલે એવું હું ઇચ્છતો ન હતો."
એએનઆઈનાં તંત્રી સ્મિતા પ્રકાશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પૂછ્યું હતું કે ઇલેક્ટોરલ બૉન્ડનો નિર્ણય ખોટો હતો?
તેના જવાબમાં વડાપ્રધાને કહ્યું હતું, "ચૂંટણીમાં કાળા નાણાંનો એક બહુ મોટો, ખતરનાક ખેલ થઈ રહ્યો હોવાની ચર્ચા આપણા દેશમાં લાંબા સમયથી ચાલી રહી છે. ચૂંટણીને કાળા નાણાંમાંથી મુક્તિ મળે એ માટે કંઈક કરવું જોઈએ. ચૂંટણીમાં ખર્ચ તો થાય જ છે. તેનો ઇનકાર કોઈ કરી શકે નહીં. મારો પક્ષ પણ કરે છે. બધા પક્ષો કરે છે, ઉમેદવારો પણ કરે છે અને પૈસા લોકો પાસેથી લેવા પડે છે. બધા પક્ષો લે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ કાળા નાણાંમાંથી આપણી ચૂંટણીને કેવી રીતે મુક્તિ મળે, પારદર્શકતા કેવી રીતે આવે તે માટે આપણે થોડા પ્રયાસ કરવા જોઈએ, તેવું હું ઇચ્છતો હતો. મારા મનમાં એક પ્રામાણિક, પવિત્ર વિચાર હતો. રસ્તો શોધી રહ્યા હતા. એક નાનકડો માર્ગ મળ્યો. તે પૂર્ણ છે એવો દાવો અમે ત્યારે પણ કર્યો ન હતો."
"સંસદીય ચર્ચામાં બધાએ તેને વખાણ્યો હતો. આજે જે લોકો ભળતીસળતી વાતો કરી રહ્યા છે તેમણે પણ તેને વખાણ્યો હતો. સંસદીય ચર્ચા પર નજર નાખી લેજો."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, "અમે કેવાં-કેવાં કામ કર્યાં. જેમ કે રૂ. 1,000 અને રૂ. 2,000ની ચલણી નોટો રદ કરી. ચૂંટણીમાં તેની જ મોટા પ્રમાણમાં હેરફેર થતી હોય છે. શા માટે? કારણ કે આ કાળા નાણા ખતમ થાય. સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે પક્ષો રૂ. 20,000 સુધીની રોકડ લઈ શકે છે. મેં કાયદો બનાવીને, નિયમ બનાવીને રૂ. 20,000ને રૂ. 2,500 કરી નાખ્યા હતા. શા માટે? કારણ કે આ રોકડનો વ્યવહાર ચાલતો રહે એવું હું ઇચ્છતો ન હતો."
વડા પ્રધાને કહ્યું હતું, "બધા વેપારીઓ અમને કહેતા હતા કે અમે ચેક મારફત પૈસા આપી શકીએ તેમ નથી. અમે કહ્યું, કેમ ન આપી શકો. તેમણે કહ્યું, અમે ચેકથી આપીશું તો નોંધ કરવી પડશે. અમે ચેકથી આપીશું તો સરકાર એ જોશે કે વિરોધ પક્ષને કેટલા પૈસા આપ્યા. તેનાથી અમે પરેશાન થઈશું."
"અમે પૈસા આપવા તૈયાર છીએ, પરંતુ ચેકથી નહીં આપીએ. મને યાદ છે કે 90ના દાયકામાં ચૂંટણીમાં અમને મોટી મુશ્કેલી થઈ હતી. અમારી પાસે પૈસા જ ન હતા અને અમે નિયમ રાખ્યો હતો કે અમે ચેકથી જ લઈશું. આપનારાઓ તૈયાર હતા, પરંતુ ચેકથી આપવાની તેમની હિંમત ન હતી. આ બધી બાબતો હું જાણતો હતો."
એ પછી નરેન્દ્ર મોદીએ ઇલેક્ટોરલ બૉન્ડની વાત કરી હતી.
તેમણે કહ્યું હતું, "જુઓ, ઇલેક્ટોરલ બૉન્ડ ન હોત તો કઈ વ્યવસ્થામાં તાકાત છે કે પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા તે શોધી શકે. આ તો ઇલેક્ટોરલ બૉન્ડની સક્સેસ સ્ટોરી છે કે ઇલેક્ટોરલ બૉન્ડથી તમને પૈસાના સગડ મળે છે...કઈ કંપનીએ આપ્યા, કેવી રીતે આપ્યા, ક્યાં આપ્યા."
"હવે તેમાં સારું થયું, ખરાબ થયું તે વિવાદનો વિષય હોઈ શકે છે. તેની ચર્ચા થવી જોઈએ. મને જે ચિંતા છે...હું ક્યારેય કહેતો નથી કે નિર્ણયમાં કોઈ ખામી નથી હોતી. નિર્ણયને..ચર્ચા કરીને શીખીએ છીએ, સુધારીએ છીએ. આમાં પણ સુધારાની ઘણી શક્યતા છે, પરંતુ આજે સંપૂર્ણપણે દેશને કાળા ધન તરફ ધકેલી દેવામાં આવ્યો છે અને હું એટલે જ કહું છું..બધા લોકો પસ્તાશે...બાદમાં પ્રમાણિકતાથી વિચારશે ત્યારે બધા લોકો પસ્તાશે."
ચૂંટણીપંચ અને રિઝર્વ બૅન્કે પ્રારંભે જ વ્યક્ત કરી હતી ગંભીર ચિંતા
આ યોજનાની શરૂઆત કરતાં ભારત સરકારે જણાવ્યું હતું કે ઇલેક્ટોરલ બૉન્ડ દેશમાં રાજકીય ફંડિગની વ્યવસ્થાને સ્વચ્છ બનાવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરની મુલાકાતમાં આ યોજના મારફત ચૂંટણી ફંડિંગમાં પારદર્શકતા લાવવાની વાત કરી હતી.
પારદર્શકતા બાબતે શરૂઆતથી જ સતત ચિંતા વ્યક્ત કરવામાં આવતી રહી છે અને તે ચિંતા વિરોધ પક્ષોએ નહીં, બલકે ચૂંટણીપંચ અને રિઝર્વ બૅન્કે વ્યક્ત કરી હતી.
અહીં એ નોંધવું જોઈએ કે 2019માં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા એક સોગંદનામામાં ચૂંટણીપંચે જણાવ્યું હતું કે ઇલેક્ટોરલ બૉન્ડ રાજકીય ફંડિંગમાં પારદર્શકતાને ખતમ કરી નાખશે અને તેનો ઉપયોગ ભારતીય રાજકારણને પ્રભાવિત કરવા માટે વિદેશી કૉર્પોરેટ શક્તિઓને આમંત્રણ આપવા જેવો હશે.
ચૂંટણીપંચે એવું પણ જણાવ્યું હતું કે અનેક મુખ્ય કાયદાઓમાં સુધારાને લીધે, માત્ર રાજકીય પક્ષોને ફાળો આપવાના હેતુસર શેલ કંપનીઓ બનાવવાની શક્યતા વધી જશે.
રિઝર્વ બૅન્કે વારંવાર ચેતવણી આપી હતી કે ઇલેક્ટોરલ બૉન્ડનો ઉપયોગ કાળા નાણાંના પ્રસાર, મની લૉન્ડરિંગ અને સરહદ પાર નકલી નાણાંમાં વૃદ્ધિ માટે પણ થઈ શકે છે.
ઇલેક્ટોરલ બૉન્ડને એક ‘અપારદર્શી નાણાકીય સાધન’ ગણાવતાં રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું કે આ બૉન્ડ નાણાની માફક વારંવાર એકથી બીજા હાથમાં જતાં હોવાથી તેની ગુમનામીનો લાભ મની લૉન્ડરિંગ માટે કરી શકાય છે.
‘સરકારી પ્રભાવથી મુક્ત તપાસ થવી જોઈએ’
અંજલિ ભારદ્વાજ સામાજિક કાર્યકર છે. તેઓ માહિતીના અધિકાર, પારદર્શકતા અને જવાબદારીના મુદ્દાઓ પર કામ કરે છે.
તેઓ કહે છે, "રિઝર્વ બૅન્ક અને ચૂંટણીપંચ બન્નેએ ઇલેક્ટોરલ બૉન્ડ યોજના આવતા પહેલાં નાણાં મંત્રાલયને પત્રો લખ્યા હતા તે સાચી વાત છે. આ બધા પત્રો આરટીઆઈ કાયદા હેઠળ બહાર આવ્યા છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ઇલેક્ટોરલ બૉન્ડ યોજના કાળા નાણાંને કઈ રીતે પ્રોત્સાહિત કરશે અને શેલ કંપનીઓ મારફત પૈસાના હેરફેરમાં વૃદ્ધિ કરશે તેમજ કઈ રીતે મની લૉન્ડરિંગ વધારશે."
અંજલિ કહે છે, "રિઝર્વ બૅન્ક અને ચૂંટણીપંચે ચેતવણી આપી હતી, વારંવાર મનાઈ કરી હતી કે ઇલેક્ટોરલ બૉન્ડ સ્કીમ લાવશો નહીં. તેમ છતાં આ સ્કીમ લાવવામાં આવી હતી અને પછી સુપ્રીમ કોર્ટમાં આ બધા બાબતે ચર્ચા થઈ. હવે તેની માહિતી બહાર આવી રહી છે."
"તે એ જ ટ્રેન્ડ્સ દર્શાવે છે કે સંભવિત શેલ કંપનીઓ ભારતીય જનતા પાર્ટી અને અન્ય રાજકીય પક્ષોને પણ પૈસા આપી રહી છે. ખોટમાં ચાલતી કંપનીઓ મોટા પ્રમાણમાં નાણાં આપી રહી છે. આ કેવી રીતે થઈ રહ્યું છે."
તેમના કહેવા મુજબ, આ ટ્રેન્ડ બહાર આવી રહ્યા છે અને વાસ્તવમાં શું થઈ રહ્યું હતું તે જાણવા માટે સ્વતંત્ર તપાસ થવી જોઈએ, કારણ કે આની આશંકા તો રિઝર્વ બૅન્ક અને ચૂંટણીપંચે પહેલાં જ વ્યક્ત કરી હતી. અંજલિના કહેવા મુજબ, આ તપાસ સરકારના પ્રભાવથી મુક્ત રીતે થવી જોઈએ.
‘સુપ્રીમ કોર્ટ દ્વારા ડેટા જાહેર કરાવવાનું કામ સક્સેસ સ્ટોરી છે’
રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી કહે છે, "ઇલેક્ટોરલ બૉન્ડને કારણે એ જાણી શકાય છે કે કોણે કેટલા પૈસા આપ્યા અને તેની મની ટ્રેઈલ ઉપલબ્ધ છે, એવું વડા પ્રધાનનું નિવેદન અહીં સુધી ઠીક છે, પરંતુ જે સવાલ ઊઠી રહ્યા છે એ તેની આગળ પણ જાય છે. સવાલ એ છે કે આટલા બધા લોકો પર, જેમના પર દરોડા પાડવામાં આવ્યા હતા, એ પછી તરત જ ભાજપને પૈસા આપ્યા હતા. આ વાતનો જવાબ વડા પ્રધાને આપ્યો નથી."
નીરજા ચૌધરી કહે છે, "રાજ્યોમાં સત્તાધારી પ્રાદેશિક પક્ષોને પણ પૈસા મળ્યા છે. તે પ્રાદેશિક પક્ષો માટે કે ભાજપ માટે આરામદાયક સ્થિતિ નથી. આપણે વિચારવું પડશે. આટલાં વર્ષોથી આ બાબતે ચર્ચા થઈ રહી છે. આટલા અહેવાલો આવ્યા અને પછી ચૂંટણી બૉન્ડની કલ્પના કરવામાં આવી હતી. આપણને હવે ખબર પડી છે કે તે સમાધાન નથી. બલકે તેનાથી વધારે મુશ્કેલી સર્જાઈ છે. બધું નવેસરથી શરૂ કરવું પડશે."
બીબીસીએ નીરજા ચૌધરીને સવાલ કર્યો હતો કે ઇલેક્ટોરલ બૉન્ડ સ્કીમ એક સક્સેસ સ્ટોરી છે, એવું વડા પ્રધાનનું કહેવું કેટલી હદે યોગ્ય છે?
તેમના કહેવા મુજબ, "ઇલેક્ટોરલ બૉન્ડ એક સક્સેસ સ્ટોરી એ રીતે છે કે સુપ્રીમ કોર્ટે હવે તેને જાહેર કરી દીધી છે. હવે લોકોને ખબર પડી ગઈ છે કે શું થયું હતું, કોણે આપ્યા હતા, કોને આપ્યા હતા, ક્યારે આપ્યા હતા. તેનો અર્થ એ થાય કે વડા પ્રધાન એક રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરી રહ્યા છે."
‘બૉન્ડ બનાવ્યા જ હતા ગોપનિયતા માટે’
અંજલિ ભારદ્વાજના જણાવ્યા અનુસાર, આ એક મોટી વિડંબના છે કે સુપ્રીમ કોર્ટે બૉન્ડ સ્કીમને ફગાવી દીધી, કારણ કે તેમાં પારદર્શકતા ન હતી અને તે લોકોના માહિતી મેળવવાના અધિકાર અને તેમના અભિવ્યક્તિના અધિકારનું ઉલ્લંઘન કરે છે.
તેઓ કહે છે, "આ તો પારદર્શકતા છે અને આ ઇલેક્ટોરલ બૉન્ડની સક્સેસ સ્ટોરી છે, એવું વડા પ્રધાન કહી રહ્યા છે. વાસ્તવમાં ઇલેક્ટોરલ બૉન્ડની રચના જ એટલા માટે કરવામાં આવી હતી કે તેની મારફત કોણ, ક્યા રાજકીય પક્ષને પૈસા આપી રહ્યું છે તેની કોઈને ખબર ન પડે."
તેમના જણાવ્યા મુજબ, સુપ્રીમ કોર્ટના ચુકાદાને લીધે માહિતી બહાર આવી, પરંતુ પાછલાં છ વર્ષ દરમિયાન તો લોકોને કોઈ માહિતી મળતી ન હતી અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો ન આવ્યો હોત તો પડદા પાછળ આખો સિલસિલો ચાલુ રહ્યો હોત.
અંજલિ ભારદ્વાજ કહે છે, "ઇલેક્ટોરલ બૉન્ડ સક્સેસ સ્ટોરી છે અને તેનાથી પારદર્શકતા આવી છે એ વાતનું શ્રેય સરકાર લઈ શકે નહીં, એવું મને લાગે છે, કારણ કે સુપ્રીમ કોર્ટે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા પાસેથી બળજબરીથી માહિતી કઢાવી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી પણ આ માહિતી બહાર ન આવે તેવા પ્રયાસ થતા રહ્યા હતા. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ચૂંટણી પૂર્ણ થવા સુધીનો સમય માગ્યો હતો, જ્યારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોણે, ક્યા રાજકીય પક્ષને પૈસા આપ્યા છે તે જાણવાનો અધિકાર મતદારોને છે."
એજન્સીઓના દુરુપયોગનો મુદ્દો
ઇલેક્ટોરલ બૉન્ડની માહિતી જાહેર થયા બાદ અનેક પેટર્ન બહાર આવી છે અને એ બાબતે કેન્દ્ર સરકાર તથા ભાજપની આકરી ટીકા થઈ રહી છે.
એ પેટર્ન્સ મુજબ, અનેક ખાનગી કંપનીઓ પર ઈડી, સીબીઆઈ કે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એ પછી તેમણે ભાજપને કરોડો રૂપિયા ઇલેક્ટોરલ બૉન્ડ મારફત ફાળામાં આપ્યા હતા.
એવી પેટર્ન પણ છે કે કંપનીઓએ પહેલાં ચૂંટણી બૉન્ડ આપ્યા હતા અને પછી તેમની સામે તપાસ એજન્સીઓએ કાર્યવાહી કરી હતી. વિરોધ પક્ષો, ખાસ કરીને કૉંગ્રેસનું કહેવું છે કે ઇલેક્ટોરલ બૉન્ડ માત્ર એક વસૂલીની યોજના હતી.
એએનઆઈને આપેલી મુલાકાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશમાં 3,000 કંપનીઓએ ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા હતા અને એ પૈકીની 26 કંપનીઓ પર કાર્યવાહી થઈ હતી.
તેમણે કહ્યું હતું, "3,000 દાતાઓ છે, તેમાં માત્ર 26 અને તેમાં પણ 16 કંપનીઓ એવી છે, જેમણે દરોડા પડ્યા ત્યારે બૉન્ડ ખરીદ્યા હતા. કોઈ જોડી શકે આને...બૉન્ડ ખરીદ્યા...લોકો આ જોડી રહ્યા છે..તેની વિશેષતા એ છે કે જે 16 કંપનીઓએ બૉન્ડ ખરીદ્યા હતા તેમાંથી 37 ટકા પૈસા ભાજપને દાનમાં મળ્યા છે. 63 ટકા ભાજપના વિરોધી પક્ષોને મળ્યા છે."
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, "તેનો અર્થ એ થાય કે 63 ટકા પૈસા વિરોધ પક્ષો પાસે ગયા અને તમે અમારા પર આક્ષેપ કરો છો..પરંતુ તેઓ ગોળગોળ બોલે છે અને તેમને ભાગી જવું છે."
અંજલિ ભારદ્વાજ કહે છે, "સીધી વાત એ છે કે જેમના પર ઈડી, સીબીઆઈ કે ઇન્કમ ટૅક્સના દરોડા પડ્યા હતા એ બધી કંપનીઓએ ભાજપને પૈસા આપ્યા હતા. તેનાથી એવો સવાલ થાય છે કે એ પૈસા વસૂલી તરીકે આવ્યા હતા? વસૂલી માટે તેમના પર દરોડા પાડવામાં આવ્યા હતા કે પછી જેમના પર દરોડા પડ્યા હતા તેમણે ઇલેક્ટોરલ બૉન્ડ મારફત પૈસા આપીને કાર્યવાહી તથા તપાસ બંધ કરાવવાના પ્રયાસ કર્યા હતા?"
તેમના કહેવા મુજબ, આ કંપનીઓએ વિરોધ પક્ષોને પૈસા આપ્યા હોય કે કશુંક મેળવવા માટે કશુંક આપવામાં આવ્યું હોય તે તપાસનો વિષય છે, પરંતુ ભાજપની તપાસનો મુદ્દો એટલા માટે બને છે કે તે કેન્દ્રમાં સત્તાધારી પક્ષ છે અને તેની પાસે તમામ તપાસ એજન્સીઓને પ્રભાવિત કરવાની તાકાત છે.
અંજલિ ભારદ્વાજ કહે છે, "ભાજપને 37 ટકા મળ્યા હોય કે 40 ટકા, પરંતુ જે પૈસા મળ્યા હતા તે વસૂલીના હતા કે પછી તપાસને પ્રભાવિત કરવા માટે આપવામાં આવ્યા હતા તેનો સવાલ જરૂર થાય. કોઈ અન્ય પક્ષોને કંપનીઓએ ભલે ગમે તેટલા પૈસા આપ્યા હોય, પરંતુ તેનાથી આ સવાલનો જવાબ મળતો નથી."
"તપાસ થશે તો ખબર પડશે કે કઈ કંપનીઓએ ભાજપને પૈસા આપ્યા હતા અને ક્યારે આપ્યા હતા."
અહીં એ યાદ રાખવું જરૂરી છે કે 2018થી 2024 દરમિયાન 30 તબક્કામાં રૂ. 16,518 કરોડના ઇલેક્ટોરલ બૉન્ડ વેચવામાં આવ્યા હતા. તેમાં લગભગ રૂ. 25 કરોડના બૉન્ડ એન્કેશ કરવામાં આવ્યા ન હતા.
તાજેતરમાં જાહેર કરવામાં આવેલી માહિતીથી ખબર પડે છે કે ભાજપને ઇલેક્ટોરલ બૉન્ડ દ્વારા સૌથી વધારે રૂ. 6,060 કરોડ મળ્યા હતા.
લગભગ રૂ. 1,609 કરોડ તૃણમૂલ કોંગ્રેસને, રૂ. 1,421 કરોડ કૉંગ્રેસને, રૂ. 1,214 કરોડ ભારત રાષ્ટ્ર સમિતિને અને રૂ. 775 કરોડ બીજુ જનતા દળને મળ્યા હતા.