પંચમહાલ અને રાજકોટમાં પણ ‘સુરતવાળી’ થતાં રહી ગઈ? કૉંગ્રેસ નબળી ક્યાં પડે છે?

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કૉંગ્રેસના સુરતના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ થયા બાદ સુરત બેઠક પર જે રીતે ભાજપનો નિર્વિરોધ વિજય થયો તેનાથી સૌ કોઈ ચોંકી ગયા હતા.

આ ઘટનાથી ભાજપ પર તો સવાલો ઉઠ્યા જ હતા, પરંતુ કૉંગ્રેસની કાર્યપદ્ધતિ સામે પણ અસંખ્ય સવાલો ઊભા થયા હતા. ખાસ કરીને કૉંગ્રેસના નેતાઓએ જ પક્ષની અંદર ટિકિટની વહેંચણીની પ્રક્રિયા અને સંગઠન તથા મોવડીમંડળની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા.

હવે એવો મામલો સામે આવ્યો છે જેના કારણે એવી શંકા ઊભી થઈ છે કે સુરતમાં જે બન્યું એ અન્ય લોકસભા બેઠકો પર પણ થઈ શકે તેમ હતું.

પંચમહાલથી કૉંગ્રેસે જેમને પોતાના ડમી ઉમેદવાર બનાવ્યા હતા તેવા દુષ્યંતસિંહ ચૌહાણ હવે 27 એપ્રિલે ભાજપમાં સામેલ થવાના છે. દુષ્યંતસિંહે પોતે પણ આ વાતને નકારી નથી.

તો બીજી તરફ કૉંગ્રેસના નેતા ડૉ. હેમાંગ વસાવડાએ એવો આરોપ મૂક્યો હતો કે રાજકોટ બેઠક પર પણ સુરતની ઘટનાનું પુનરાવર્તન થવાનું હતું. પરંતુ પરેશ ધાનાણીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા એટલે એ ન થયું.

પંચમહાલની બેઠક પર શું થયું?

પંચમહાલની બેઠક પર કૉંગ્રેસે આ વખતે ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. પરંતુ તેમના ડમી ઉમેદવાર તરીકે દુષ્યંતસિંહ ચૌહાણને ફૉર્મ ભરાવવામાં આવ્યું હતું.

ફૉર્મ પાછું ખેંચવાની તારીખ પૂર્ણ થયા બાદ કૉંગ્રેસના આ ડમી ઉમેદવારે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.

તેઓ તેમના પત્ની તથા પંચમહાલ અને ગોધરાના 70થી વધુ આગેવાનો સાથે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. બીબીસી સહયોગી દક્ષેશ શાહે આ ઘટનાક્રમની પુષ્ટિ કરી છે.

કૉંગ્રેસ છોડી ચૂકેલા દુષ્યંતસિંહ ચૌહાણ સાથે પણ બીબીસી ગુજરાતીએ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “કૉંગ્રેસના જાહેર થયેલા ઉમેદવાર જરા પણ મહેનત કરતા નથી અને અમને પંચમહાલમાં કોઈ સારું પરિણામ મળે તેવું લાગતું ન હતું. મેં વારંવાર રજૂઆત કરી હતી છતાં પણ કોઈ પગલાં લેવાયાં ન હતાં. તેના કારણે મેં કૉંગ્રેસ છોડી છે.”

ભાજપમાં તેઓ શા માટે જોડાશે એ અંગે તેમણે કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નહોતું. પરંતુ કૉંગ્રેસમાં કોઈ પરિણામની આશા દેખાતી નહોતી એટલા માટે તેઓ કૉંગ્રેસમાંથી ભાજપમાં જઈ રહ્યા છે એમ કહ્યું હતું.

તો બીજી તરફ ભાજપના પંચમહાલ જિલ્લાના મહામંત્રી કુલદિપસિંહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “લોકો ભાજપના કામ અને નેતાગીરીથી આકર્ષાઈ રહ્યા છે અને એટલા માટે જ ભાજપમાં જોડાઈ રહ્યા છે.”

જોકે, પંચમહાલમાં પણ શું સુરત જેવું થવાનું હતું એવા આરોપો વિશે સવાલ પૂછતાં જ ભાજપના આ નેતાએ ફોન કાપી નાખ્યો હતો.

દુષ્યંતસિંહ ચૌહાણને કૉંગ્રેસે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં શેહરા વિધાનસભાથી ટિકિટ આપી હતી. તો તેમના પત્ની રશ્મિતાબહેન ચૌહાણને કૉંગ્રેસે 2022ની ચૂંટણીમાં ગોધરા વિધાનસભાથી ટિકિટ આપી હતી. બંનેનો મોટો પરાજય થયો હતો.

રાજકોટમાં પણ શું આવો ખેલ થવાનો હતો?

રાજકોટમાં કૉંગ્રેસે પરશોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. પરંતુ કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. હેમાંગ વસાવડાના નિવેદનથી એવું સામે આવ્યું હતું કે રાજકોટમાં પણ કૉંગ્રેસની ઉમેદવારી અંગે બધું ઠીક ન હતું.

ડૉ. હેમાંગ વસાવડાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “કૉંગ્રેસમાં જ્યારે કોને ટિકિટ આપવી તેની બેઠકો થઈ રહી હતી ત્યારે એક નામ જોરશોરથી સામે આવ્યું હતું. કોળી સમાજના નેતા વિક્રમ સોરાણીને ટિકિટ આપવા માટે કૉંગ્રેસના અમુક નેતાઓ મોવડીમંડળ ઉપર દબાણ કરી રહ્યા હતા.”

તેઓ કહે છે, “અમે આ વાતનો ભરપૂર વિરોધ કર્યો હતો અને અંતે કૉંગ્રેસ મોવડીમંડળે તેમને ટિકિટ આપી નહોતી. હવે આ જ વિક્રમ સોરાણી ભાજપમાં જોડાવાના છે અને સીઆર પાટીલ આટલા વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ તેમને આવકારવા માટે આવવાના છે.”

ડૉ. હેમાંગ વસાવડા અનુસાર એટલે જ એમની આશંકાને બળ મળ્યું હતું કે જે સુરતમાં બન્યું એવું જ કંઈક રાજકોટમાં બને તેમ હતું.

અહીં ઉલ્લેખનીય છે કે વિક્રમ સોરાણીને આમ આદમી પાર્ટીએ વાંકાનેરથી 2022ની ચૂંટણીમાં ટિકિટ આપી હતી પરંતુ તેઓ ત્રીજા ક્રમે રહ્યા હતા. જોકે, તેમને 53 હજારથી વધુ મતો મળ્યા હતા અને તેમના કારણે આ બેઠક ભાજપ જીતવામાં સફળ રહ્યું હતું.

કૉંગ્રેસે શું ખરેખર નબળા ઉમેદવારો ઉતાર્યા છે?

સુરતની ઘટનાને કારણે કૉંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી પર સવાલો ઉઠ્યા હતા. પરંતુ પંચમહાલ અને રાજકોટને કારણે આ ચર્ચાઓ વધુ તીવ્ર બની છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં છેલ્લા ચાર દાયકા કરતાં પણ વધુ સમયથી કૉંગ્રેસમાં સક્રિય નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, “પંચમહાલમાં કૉંગ્રેસના ડમી ઉમેદવાર ભાજપમાં જઈ રહ્યા છે તેમના વિરોધનાં કારણો અંશત: સાચા છે. કૉંગ્રેસના અહીંના જાહેર થયેલા ઉમેદવાર હકીકતમાં કોઈ પ્રચાર કરી રહ્યા નથી અને તેમના કારણે પક્ષને નુકસાન થઈ રહ્યું છે.”

કૉંગ્રેસના આ નેતાએ બીબીસી સાથે કરેલી વાતમાં તેઓ પક્ષની નેતાગીરી પર ગંભીર સવાલો ઉઠાવે છે. તેઓ કહે છે, “કૉંગ્રેસના પ્રદેશ કક્ષાના મોટા નેતાઓ સતત પોતાના માનીતા ઉમેદવારોનું લોબિંગ કરાવે છે અને તેમને ટિકિટ અપાવે છે. તેના કારણે સતત કૉંગ્રેસને નુકસાન થાય છે. તેના કારણે પક્ષને માત્ર કમિટેડ મતદારોના જ મત મળે છે અને જીતની શક્યતાઓ કદી સર્જાતી જ નથી.”

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના રાજનીતિવિજ્ઞાનના પ્રોફેસર અમિત ધોળકિયાએ આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “ધીરેધીરે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે કે કૉંગ્રેસ ગુજરાતમાંથી નેસ્તનાબૂદ થઈ જાય એવું બને તોપણ આશ્ચર્ય નહીં થાય. ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાં પણ કૉંગ્રેસ અસ્તિત્ત્વની લડાઈ લડી રહી છે. આ રાજ્યોમાં તે એક સમયે સત્તા પર હતી.”

“કૉંગ્રેસની આ પરિસ્થિતિ માટે હું મહદંશે કૉંગ્રેસને જ જવાબદાર ગણું છું. પ્રજાને તો ઠીક પરંતુ કૉંગ્રેસ પક્ષને કે તેના કાર્યકરોને પણ સર્વસ્વીકૃત હોય તેવું નેતૃત્ત્વ ગુજરાત કૉંગ્રેસમાં નથી. તેની કોઈપણ પાંખો વચ્ચે કોઈપણ પ્રકારનું સંકલન નથી. પ્રજાલક્ષી કાર્યક્રમો પણ કૉંગ્રેસ આપી શકતી નથી. વિધાનસભામાં પણ ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સાંઠગાંઠ હોય તેવું લાગે છે. મોટાભાગના નેતાઓ ભાજપની સાથે મળીને કામ કરતા હોય તેવું લાગે છે. રાષ્ટ્રીય સ્તરના નેતાઓએ પણ ગુજરાત કૉંગ્રેસને છોડી દીધી છે.”

કૉંગ્રેસનું આ મુદ્દે શું કહેવું છે?

કૉંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે આ મુદ્દે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “કૉંગ્રેસ પક્ષે પોતાના આગેવાનને જ ટિકિટ આપી હતી. ટિકિટ આપ્યા પછી તેને બધી છૂટછાટ આપી હતી, ભાજપની જેમ તેમને બાંધી રાખ્યા નહોતા. કૉંગ્રેસે તેમને પસંદગીના ટેકેદારો રાખવાની છૂટ આપી હતી તથા પસંદગીના ડમી ઉમેદવાર પણ રાખવાની છૂટ આપી હતી. કૉંગ્રેસ આટલી સ્વતંત્રતા તેના મોટાભાગના ઉમેદવારોને આપે છે.”

તેમણે કહ્યું હતું કે, “હું પણ કૉંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી ચૂક્યો છું. કૉંગ્રેસમાં ઉમેદવાર જ જાહેર થયા પછી હાઈકમાન્ડ હોય છે. આખું સંગઠન તેની નીચે કામ કરે છે. કૉંગ્રેસે આટલું માન-સમ્માન આપ્યું હોવા છતાં પણ જો કોઈ ઉમેદવાર ભાગી જાય તો એ લોકશાહીના ગળે ટૂંપો છે.”

જોકે, તેમણે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ક્યાંક ઉમેદવારને મૂલવવામાં પક્ષથી ભૂલ થઈ છે.

તેઓ કહે છે, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં 100થી 200 જેટલા પ્રથમ હરોળના રાષ્ટ્રીય અને રાજ્યસ્તરના કૉંગ્રેસના નેતાઓએ કૉંગ્રેસ છોડી છે. આ એવો સમય છે જેમાં કૉંગ્રેસ માટે તમામ સ્તરેથી પડકારો સર્જાયા છે. મહત્ત્વાકાંક્ષી અને સત્તાલાલસુ લોકોની ચળાઈ રહ્યા છે તો સામે પક્ષે રાજકારણમાં બગાડ વધી રહ્યો છે.”

કૉંગ્રેસ આમાંથી બોધપાઠ લેશે?

સુરતની ઘટનામાં હજુ સુધી એ સામે આવ્યું નથી કે આ આખી ઘટનાના સૂત્રધારો કોણ છે? પરંતુ કૉંગ્રેસના જ ઉમેદવાર નીલેશ કુંભાણી પર શંકાની સોય તકાઈ રહી છે. ભૂતકાળમાં પણ વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવારના હાથમાંથી કોઈ બાળક મૅન્ડેટ આંચકી જતાં તેમના ઉમેદવાર ફૉર્મ ભરી શક્યા ન હતા.

પ્રો. ધોળકિયા કહે છે કે, “સુરતની ઘટના એ એક રાષ્ટ્રીય પક્ષ માટે અતિશય શરમજનક પ્રકારની ઘટના છે. આવું ક્યારેય ચલાવી ન લેવાય.”

“જો કૉંગ્રેસ આમાંથી નહીં ચેતે તો આમ આદમી પાર્ટી સાથેનું પણ તેનું જોડાણ નજીકના ભવિષ્યમાં તૂટી જશે. એવું બની શકે કે આમ આદમી પાર્ટી કૉંગ્રેસની ગુજરાતમાં જગ્યા લઈ લેશે. આવનારા ભવિષ્યમાં વિપક્ષવિહોણી ગુજરાતની રાજકીય પરિસ્થિતિ પેદા થશે એવું લાગી રહ્યું છે જે લોકશાહી માટે ઘાતક છે.”

તેમણે કહ્યું કે, કૉંગ્રેસે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા ક્રાંતિકારી પગલાં ભરવા પડશે અને હવે કોઈ નાની-મોટી સર્જરીથી તેમનું કામ નહીં ચાલે.

બીજી તરફ કૉંગ્રેસ પ્રવક્તા મનહર પટેલને વિશ્વાસ છે કે કૉંગ્રેસ પક્ષ આમાંથી સો ટકા બોધપાઠ લેશે અને ટિકિટ વહેંચણી, જવાબદારી વગેરે પ્રશ્ને કૉંગ્રેસ હવેથી ઘણા સ્તરે ચકાસણી કરશે.