વલસાડ લોકસભા બેઠક પર ભાજપ હેટ્રિક નોંધાવશે કે અનંત પટેલ બાજી જીતી જશે?

    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા

ગુજરાતમાં 7 મેએ લોકસભાની ચૂંટણી થવાની છે અને આ ચૂંટણી માટે ખરાખરીનો જંગ વલસાડ બેઠક પર જામ્યો છે. ભાજપ અહીં વિજયની હૅટ્રિક નોંધાવવા પ્રયાસ કરી રહ્યો છે તો કૉંગ્રેસ જીત હાંસલ કરવા બનતું કરી છૂટવા માગે છે.

ભાજપની મહેનત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઇમેજ અને નવા પર ચહેરા પર પક્ષે મૂકેલા વિશ્વાસની આસપાસ થઈ રહી છે તો કૉંગ્રેસે પોતાના ઉમેદવાર અનંદ પટેલની લોકપ્રિયતા થકી આદિવાસી મતો અંકે કરવા પ્રયત્નશીલ જણાઈ રહી છે.

એવામાં શનિવારે કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી ધરમપુરમાં ચૂંટણીસભા યોજી રહ્યાં છે. કૉંગ્રેસને આશા છે કે આ વખતે અહીંના મતદારો એને નિરાશ નહીં કરે.

અનંત પટેલ વિ. ધવલ પટેલ

વલસાડ બેઠક પર કૉંગ્રેસે આદિવાસી ઓળખ ધરાવતાં 46 વર્ષના અનંત પટેલને મેદાનમાં ઉતાર્યા છે. અનંત પટેલ મૂળ વાંસદા તાલુકાના ઉનાઈ ગામના છે અને તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એડ.નો અભ્યાસ કર્યો છે.

વર્ષ 2009માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને સરપંચ બન્યા. તેઓ વાંસદા તાલુકાના પંચાયતના સભ્ય અને અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આ સાથે જ સાથે તેઓ ગુજરાત કૉંગ્રેસ યુવા મોરચાના મંત્રીનું પદ પણ સંભાળી ચૂક્યા છે.

કૉંગ્રેસે તેમને વર્ષ 2017માં વાંસદા બેઠક પરથી ટિકિટ આપી હતી અને એમણે જીત હાંસલ કરી હતી. એ બાદ વર્ષ 2022માં પણ તેઓ એ જ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા.

જોકે, આ વખતે અનંત પટેલનો સામનો ભાજપના ધવલ પટેલ સામે થઈ રહ્યો છે. મૂળ નવસારી જિલ્લાના ઝરી ગામના વતની ધવલ પટેલને ભાજપે વલસાડ લોકસભાની બેઠક પર ઉમેદવાર બનાવ્યા છે.

સુરતના સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીમાંથી બી.ટેક.નો અભ્યાસ કર્યા બાદ ધવલ પટેલે પૂણેની સિમ્બાયૉસિસ યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. કર્યું અને આઈટી એન્જિનિયર તરીકે નોકરી કરી.

2009માં તેઓ ભાજપમાં જોડાયા અને 2014માં નોકરી છોડી સંપૂર્ણ પણે ભાજપના કાર્યકર બની ગયા. તેઓ ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના નેશનલ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ રહી ચૂક્યા છે.

વલસાડ લોકસભાની બેઠકના મુખ્ય મુદ્દાઓ શું છે?

વલસાડ લોકસભાની બેઠકની ભૌગોલિક વિવિધતા અંગે વાત કરીએ તો અહીં આદિવાસી વિસ્તાર, કાંઠાવિસ્તાર, ઔદ્યોગિક ક્ષેત્ર, શહેરી અને ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે. વિસ્તાર પ્રમાણે પ્રશ્નો પણ અલગઅલગ છે.

પારડી, ધરમપુર, કપરાડા, નાના પૌંઢા જેવાં નાનાં શહેરોમાં શિક્ષણ, આરોગ્ય અને જાહેર પરિવહન સંબંધિત મુદ્દાઓ મુખ્ય છે. આદિવાસી વિસ્તારની વાત કરીએ તો જંગલ, જમીન, પાર-તાપી લિંક અને રોજગારી સૌથી મોટા મુદ્દાઓ છે.

વલસાડ જિલ્લાની જ તો વાત કરીએ તો અહીં લાંબો દરિયાકિનારો છે અને પીવાનું પાણી, દરિયાઈ ધોવાણ તેમ મત્સ્યઉદ્યોગ સંબંધિત સમસ્યા છે. વલસાડની જેટી અને બંદરની માગ વર્ષોથી પૂરી થઈ શકી નથી. આ અંગે લોકોમાં અસંતોષ પણ સ્પષ્ટ જોઈ શકાય છે.

વલસાડ બેઠકને લગતા મુદ્દાઓ અંગે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર ઉત્પલ દેસાઈ બીબીસી ગુજરાતીને જણાવે છે, "આદિવાસી અને કાંઠાવિસ્તારનાં ગામોની સમસ્યાઓ સંબધિત કામ ટુકડે-ટુકડે થયું છે. જોકે, બીજી બાબતોમાં હજુ પણ આ વિસ્તાર વિકાસની રાહ જોઈ રહ્યો છે. અહીં ઍન્ટીઇન્કમબન્સી પણ છે પરંતુ વિપક્ષ એને યોગ્ય રીતે ઉપાડી શકતો નથી, જેના લીધે સત્તાધારી પક્ષને ફાયદો થાય છે. "

તેઓ એવું પણ ઉમેર છે, "શહેરી વિસ્તારમાં રોજગારી અને માળખાકીય સુવિધાઓ એક મોટો મુદ્દો છે. સ્થાનિક યુવાનોને કામ માટે આજે પણ વાપી જી.આઈ.ડી.સી અને ઉમરગામ જી.આઈ.ડી.સી. પર નિર્ભર રહેવું પડે છે. મોટા ઉદ્યોગમાં કૉન્ટ્રેક્ટ સિસ્ટમ આવી જતાં પગારધોરણ નીચાં ગયાં છે અને એની સીધી જ અસર લોકોની ખરીદશક્તિ પર પડી છે. જોકે, આ બધા મુદ્દાઓ ચૂંટણીમાં ક્યાંય જોવા નથી મળી રહ્યા. "

વલસાડ બેઠક પર કયા મતો નિર્ણાયક બનશે?

આ બેઠક પર 18.48 લાખ મતદારો પૈકી 9.60 લાખથી વધુ મતદારો ઢોડિયા, કુકણા અને વારલી સમાજના છે. એમાં સૌથી મોટો સમુદાય ઢોડિયા પટેલ છે, જેના 4 લાખ મતદારો છે. એ બાદ કુકણા સમાજના 3 લાખ જેટલા મતદારો છે. જ્યારે વારલી જાતિના 2,58,980 મતદારો છે.

ઉત્પલ દેસાઈનું કહેવું છે, "ભાજપ અને કૉંગ્રેસે એમ બન્ને પક્ષોએ જે ઉમેદવારો ચૂંટણીના મેદાને ઉતાર્યા છે એ બન્ને ઢોડિયા પટેલ છે. એ જોતાં બન્ને પક્ષો સીધી રીતે આ સમાજના મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે. આ જાતિના મોટા ભાગના મતદારો આદિવાસી પટ્ટામાં રહે છે અને એટલા માટે પ્રચાર પણ એ જ રીતે કરવામાં આવી રહ્યો છે. એ હિસાબે અનંત પટેલના પ્રચારમાં આ સમાજના મુદ્દાઓ પ્રાધાન્ય પણ મળી રહ્યું છે.

સામાન્ય રીતે આ બંને સમાજના લોકો એક તરફી અથવા પક્ષના સમર્થનમાં મતદાન કરતા હોય છે.

ધરમપુરના વરિષ્ઠ પત્રકાર સંદીપ પટેલ આ અંગે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "આ ચૂંટણીમાં ઢોડિયા પટેલ અને કુકણા સમાજના મત મહત્ત્વના રહેવાના છે. એટલે જ બન્ને પક્ષો આદિવાસી વિસ્તારમાં જોર લગાવી રહ્યા છે. જે પક્ષની તરફેણમાં વધારે મત પડશે એને દેખિતો ફાયદો થશે."

ધરમપુર તાલુકાના કરંજવેરી ગામમાં રહેતા વિજય મહાલા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "અહીંના ખેડૂતો માટે જંગલ, જમીન તથા પાર-તાપી લિંક યોજના મહત્ત્વના મુદ્દા છે. હજુ સુધી ભાજપના નેતાઓએ આ અંગે ખુલ્લીને વાત નથી કરી. બીજી તરફ અનંત પટેલ આ બન્ને મુદ્દાઓ પર જાહેરમાં વાત કરી રહ્યા છે."

સંદીપ પટેલનું આ અંગે કહેવું છે, "લોકોમાં સરકારની કેટલીક યોજનાઓને લઈને ગુસ્સો છે અને કૉંગ્રેસ મહેનત કરે તો ગુસ્સો મતમાં ફેરવાઈ શકે છે. અનંત પટેલ અને પક્ષના કાર્યકરોએ ઘણી મહેનત કરવી પડશે, કેમ કે સામે પક્ષે ભાજપ પણ લાંબા સમયથી પ્રચાર કરી રહ્યો છે."

અહીં અહીં ઍન્ટી ઇન્કમબન્સીની અસર નથી? જાણકારોનું માનવું છે કે આ મુદ્દે કદાચ ભાજપને અસર ના પણ થાય.

ઉત્પલ દેસાઈ જણાવે છે, "2019ની લોકસભાની ચૂંટણીમાં પાર-તાપી લિંક યોજના અને જંગલ-જમીનના મુદ્દાઓ ભારે ચર્ચામાં હતા અને બધાને લાગતું હતું કે ભાજપને અહીં નુકસાન થઈ શકે છે. જોકે, જે પરિણમાં આવ્યું એમાં કપરાડા, ધરમપુર, વાંસદા અને ડાંગમાં ભાજપને સારી લીડ મળી હતી. "

સંઘનો સીધો જ ફાયદો ભાજપને

વલસાડ અને ડાંગમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારે સક્રિય છે અને એનો સીધો જ લાભ ભાજપને મળી શકે છે. ડાંગ અને વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામોમાં સંઘની સક્રિયાને પગલે અહીં પહોંચવામાં ભાજપને ઘણી સરળતા રહી છે. વાંસદા બેઠકને બાદ કરતાં આ લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભાની લગભગ બેઠકોમાં ભાજપનો દબદબો રહ્યો છે.

ઉત્પલ દેસાઈનું કહેવું છે, "પેજ પ્રમુખ થકી ભાજપ અહીં દરેક ફળિયા સુધી પહોંચી ગયો છે. કૉંગ્રેસની વાત કરીએ તો એ અમુક વિસ્તારો પૂરતી જ મજબૂત જણાય છે. સામે પક્ષે ભાજપ શહેરી, અર્ધશહેરી અને ગામડાંમાં પણ મજબૂત સંગઠન ધરાવે છે."

તેમના જણાવ્યા અનુસાર સંઘના લીધે ભાજપને મદદ મળી રહે છે, જ્યારે બીજી તરફ કૉંગ્રેસનું સેવાદળ કમજોર થઈ ગયું છે અને એની સીધી જ અસર ચૂંટણીમાં કૉંગ્રેસનાં પરિણામો પર પડે છે

કૉંગ્રેસ માટે કેવી તક?

વલસાડની લોકસભા બેઠક પર અનંત પટેલ અને ધવલ પટેલ પોતપોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે.

અનંતની સભાઓમાં ભારે ભીડ જામતી હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા રહે છે. એવામાં પ્રિયંકા ગાંધી પણ ધરમપુરમાં સભા કરી રહ્યાં છે. અનંત પટેલને આ બેઠક પર જીત મળશે એવું કૉંગ્રેસના ઘણા નેતાઓનું માનવું છે.

જોકે, નિષ્ણાતો કહે છે કે અનંત પટેલ માત્ર કેટલાક વિસ્તારોમાં જ પ્રચાર કરી રહ્યા છે અને એક મોટો વિસ્તાર એવો છે જ્યાં તેઓ કહેવા પૂરતા ગયા છે. શહેરી વિસ્તારો જેમ કે વલસાડ, વાપી, પારડી અને ઉમરગામમાં કૉંગ્રેસ જોઈએ એવી રીતે પ્રચાર નથી કરી રહી.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વલસાડ જિલ્લા કૉંગ્રેસના નેતા સુરેશ જોગારી જણાવે છે, "અનંત પટેલને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે અને તેઓ બધી જગ્યાએ પ્રચાર કરી રહ્યા છે. કૉંગ્રેસના કાર્યકરો વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યા છે અને અનંત પટેલના વિજયની અમને ભારે આશા છે."

પરંતુ કૉંગ્રેસ આ વખતે અહીં ખરેખર કમાલ કરી શકશે? આ અંગે વાત કરતાં સંદીપ પટેલ કહે છે કે, "આદિવાસી પટ્ટામાં કૉંગ્રેસતરફી માહોલ દેખાય તો છે પરંતુ એ મતમાં બદલાશે કે કેમ એ હાલ કહેવું મુશ્કેલ છે. અનંત પટેલ અહીં સતત પ્રચાર કરી રહ્યા છે અને ધારાસભ્ય તરીકે તેમની કામગીરી પણ સારી રહી છે, પરંતુ સાંસદની ચૂંટણીમાં મુદ્દાઓ અલગ હોય છે."

જોકે, સંદીપ પટેલનું એવું પણ માનવું છે કે લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઇમેજ પણ એક ફેકટર રહેશે, જેનો લાભ ભાજપને મળી શકે છે.

વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ હેમંત પંચાળ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "ધવલ પટેલ એક શિક્ષક અને સક્ષમ નેતા છે. ભાજપ દરેક જગ્યાએ નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારના વિકાસલક્ષી કાર્ય થકી ચૂંટણી લડી રહ્યો છે. અમે આ બેઠક પર પાંચ લાખથી વધારે લીડ મેળવીશું."

જોકે, ઉત્પલ દેસાઈનું માનવું છે, "અનંત પટેલ માત્ર આદિવાસી પટ્ટામાં ફરીને જ પ્રચાર કરી રહ્યા છે. અહીં એવા વિસ્તારો પણ છે, જ્યાં કૉંગ્રેસના કાર્યકરો નથી કાં તો ગણ્યાગાઠ્યા છે. બીજી એક મહત્ત્વની વાત છે ચૂંટણીનું ભંડોળ. ભાજપ પાસે ચૂંટણી માટે સંસાધનો છે, જે અનંત પટેલ પાસે નથી. વલસાડ-ડાંગમાં કૉંગ્રેસ ભંડોળ મૅનેજ નથી કરી શકતી."