સુરત : અર્થતંત્રને વેગ આપતા પ્રવાસી શ્રમિકોને મોંઘવારી મતદાન કરતાં કેવી રીતે રોકે છે?

    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી સંવાદદાતા, સુરત

ગુજરાતનું ડાયમન્ડ સિટી અને ટેક્સ્ટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત પ્રવાસી કામદારોનું નગર પણ છે. ભારતનાં અલગઅલગ ખૂણેથી લાખો મજૂરો અહીં રોજગારી મેળવવા આવે છે. સુરતમાં વસેલા લાખો કામદારો તેમના રાજ્યમાં વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા તેમના વતન જતા હોય છે. પરંતુ આ વખતે એક એવો વર્ગ પણ છે જે એક અથવા બીજા કારણોસર આ ચૂંટણીમાં ભાગ નથી લઈ રહ્યો. તેમણે મતદાનથી વંચિત રહેવાનો નિર્ણય લીધો છે.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાંથી અહીં આવેલા લાખો લોકોએ સુરતને તેમનું પોતાનું શહેર બનાવી લીધું છે. તેઓ મોટાભાગે હીરા ઉદ્યોગ, પાવરલૂમ અને ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે.

પરંતુ ભારતનાં મહત્ત્વપૂર્ણ આર્થિક અને ઔદ્યોગિક શહેરોમાં સ્થાન પામતા સુરતમાં કામ કરી રહેલા સેંકડો પ્રવાસી કામદારોને એવી કેટલીક સમસ્યાઓ નડી રહી છે, જે તેમને મતદાન કરવાના અધિકારનો ઉપયોગ કરતાં રોકી રહ્યો છે.

મતદાન માટે ગામ જવું પોષાય એમ નથી

ઓડીશાના ગંજામ જિલ્લાના રાહુલ જેના સુરતમાં મહાપ્રભુનગર વિસ્તારમાં આવેલી પાવરલૂમ યુનિટમાં કામ કરે છે.

તેઓ વર્ષોથી સુરતમાં સ્થાયી છે પરંતુ મતદાન કાર્ડમાં હજી પણ ગામના સરનામા પર જ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ મતદાન કરવા માટે પોતાના ગામ ગયા હતા પણ આ વખતે તેઓ નથી જઈ રહ્યા.

બીબીસી ગજરાતી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે કે, "મારું ગામ બેરહમપુર લોકસભા બેઠકમાં આવે છે. આ વખતની ચૂંટણીમાં પણ મારા પરિવારના સભ્યો મતદાન કરશે પરંતુ હું નહીં કરું. આ વખતે હું સુરતમાં હોઈશ અને મતદાન કરવા માટે ગામ જવાનો નથી."

તેની પાછળનાં કારણો આપતા તેઓ જણાવે છે કે પ્રવાસનો ખર્ચ વધી ગયો છે અને આકરી ગરમીમાં પ્રવાસ કરવા માગતા નથી.

"ગામ જવા માટે વ્યક્તિ દીઠ 1500થી 2000 રૂપિયાનો ખર્ચ થાય છે. આટલો જ ખર્ચ પાછા આવવામાં પણ થાય છે. ખર્ચ ઉપરાંત ઓછામાં ઓછી ચાર દિવસની રજા જોઈએ. પાવરલૂમ સૅક્ટરમાં હવે આટલા દિવસની રજા મળતી નથી. જો તમે રજો લો તો પગાર કાપી લેવામાં આવે છે. હવે આવી સ્થિતિમાં મતદાન કરવા માટે જવું શક્ય નથી."

રાહુલ વધુમાં જણાવે છે કે તેમને પગાર પ્રતિ મીટર કાપડ ઉત્પાદનના આધારે મળે છે. અને એટલા માટે તેમનો એક ચોક્કસ પગાર નથી. તેઓ જેટલું કામ કરશે તેટલો પગાર મળશે.

જ્યારે બીબીસીએ રાહુલના ફેકટરી માલિક અનિલ પટેલને આ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે તેઓ "સવેતન રજા આપી શકે તેવી સ્થિતિમાં નથી".

"હાલમાં પાવરલૂમ સૅક્ટરની જે હાલત છે તેમાં સવેતન રજા આપવી કોઈ પણ પાવરલૂમ યુનિટ માટે શક્ય નથી." તેમણે આ મામલે વધુમાં કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

તેલંગણાના ધર્મસાગર નગરના નીલેશ કોટા પણ વખતે મતદાન માટે જવાના નથી. નીલેશ સુરતના કાપડ માર્કેટમાં કાપડ કટિંગનું કામ કરે છે. તેઓ તેલંગણાની વારંગલ બેઠકમાં મતદાન કરે છે. પણ આ વખતે મતદાન માટે વતન જવાની તેમની કોઈ યોજના નથી.

તેઓ કહે છે કે, "મોંઘવારીમાં જોઈએ એવી બચત થતી નથી, ત્યારે ખાલી મતદાન કરવા માટે ખર્ચ કરીને મસાફરી કરવી એ નાની પગારદાર વ્યક્તિ માટે અશક્ય છે. હું જો ટ્રેનમાં જનરલ ટિકિટમાં પણ મુસાફરી કરું તો પણ મને 2000 રૂપિયાનો માત્ર મુસાફરીનો ખર્ચ થશે. અહીંથી પહેલાં હૈદરાબાદ અને ત્યાંથી પોતાના ગામ જવા માટે બીજી ટ્રેન પકડવી પડશે."

"હું મતદાન કરવા માગં છું, પરંતુ ઓછા પગારના કારણે આટલો ખર્ચ કરી શકવાની સ્થિતિમાં નથી. હું જે કામ કરું છું, તેમાં જો લાંબી રજા મૂકવાથી નોકરી ગમાવવાનો પણ વારો આવી શકે છે. આ સ્થિતિમાંથી બચવા માટે જ મેં આવો નિર્ણય કર્યો છે."

તેઓ વધમાં જણાવે છે કે જો તેમની પાસે વ્યવસ્થા હશે તો જરૂર મતદાન કરવા માટે પોતાના ગામ જશે.

આવી સ્થિતિ અલાહાબાદના પરવેઝ આલમની છે જેઓ સચીનની એક ફેકટરીમાં દરજી તરીકે કામ કરે છે. તેમનું ગામ પ્રતાપપુર અલાહાબાદ લોકસભા બેઠકમાં આવે છે.

તેઓ કહે છે કે, "ગામ જઈએ ત્યારે બધાની સાથે મુલાકાત કરવાની હોય અને સામાજિક પ્રસંગોમાં હાજરી આપવી પડે છે. આ બધાં કાર્યોમાં લાંબી રજા જોઈએ. મારું કામ એવા પ્રકારનું છે કે તમે વર્ષમાં એક અથવા બે વાર લાંબી રજા લઈ શકો. મતદાન કરવા માટે જો જવું હોય તો એકલા જવાય એમ નથી અને પરિવારને સાથે લઈ જવો પડે છે. તેમાં સારો એવો ખર્ચ થાય છે."

"જેટલા ખર્ચમાં હું મારા પરિવારને લઈ જઉં એટલા પૈસામાં હું મારા બીજા ખર્ચ જેમકે બાળકોની સ્કૂલ ફી ચૂકવી શકું છું અને એટલા માટે આ વખતે મતદાન માટે નહીં જવાનો વિચાર કર્યો છે."

જે શ્રમિકો આ વખતે મતદાન માટે જવાના નથી તેઓ મોટા ભાગે દૈનિક મજૂરો અને નાના કર્મચારીઓ છે, જેમની સંખ્યા સુરતમાં લાખોમાં છે.

શહેરનાં કાપડ, સિક્યૉરિટી, બાંધકામ, હોટલ અને અન્ય સૅક્ટરોમાં કામ કરતાં આ લોકો પાસે નોકરી હોય છે પણ વધારાનો કોઈપણ ખર્ચ કરી શકાય એટલો પગાર હોતો નથી.

ઘનશ્યામ પાંડે સુરતમાં લેબર કૉન્ટ્રેક્ટર તરીકે કામ કરે છે. તેમની નીચે 2000થી પણ વધુ પ્રવાસી મજૂરો કામ કરે છે.

બીબીસી ગજરાતી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "લોકસભા ચૂંટણીમાં સામાન્ય રીતે મજૂરો મતદાન કરવા માટે વતનમાં જતા હોય તેવું જોવા મળતું હોય છે, પણ આ વખતે પ્રવાસી શ્રમિકો પોતાના ગામ નથી જઈ રહ્યા. એ લોકો જ જઈ રહ્યા છે જેમને મતદાનની સાથેસાથે બીજાં કામો પણ પૂર્ણ કરવાં છે. મારી સાથે બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને બીજાં રાજ્યોના શ્રમિકો કામ કરે છે, પરંતુ મતદાન માટે જવામાં બહુ ઓછા લોકોને રસ છે".

તેની પાછળ શું માત્ર આર્થિક કારણ છે? તેના જવાબમાં તેઓ કહે છે કે ટ્રેનોમાં બહુ ભીડ છે. મુસાફરી લાંબી હોય છે અને આકરો તાપ પણ છે. બસોમાં પણ ભીડ છે અને અન્ય વિકલ્પો મોંઘા છે.

અમારા માટે વ્યવસ્થા કરવામાં આવે

પ્રવાસી મજૂરો જેઓ મતદાન કરવા માગે છે, પરંતુ કોઈ કારણવશ જઈ શકતા નથી તેમની માંગ છે કે સરકાર તેમના માટે કોઈ વ્યવસ્થા કરે. જે રાજ્યમાં ચૂંટણી છે ત્યાં માટે સ્પેશયલ ટ્રેન ચલાવવી જોઈએ જેથી લોકો મતદાન કરવા માટે જઈ શકે.

રાહુલ જેના કહે છે કે, "જો અમારા માટે ટ્રેનની વ્યવસ્થા થઈ જાય તો મતદાન કરવા માટે જરૂર જઈએ. છેક ગામ સુધી નહીં, પણ નજીકનાં સ્ટેશનો સુધી ઓછાં ભાડામાં પહોંચવાની વ્યવસ્થા થઈ જાય તો પણ ઘણું સારું કહેવાય. જો અમને સુરતમાં મત આપવાની તક મળે તો એ પણ અમારા માટે ઘણું છે."

ઘનશ્યામ પાંડે કહે છે, "મજૂરોની વસતીને આધાર રાખીને જો જન સાધારણ જેવી ટ્રેનો ચલાવવામાં આવે તો મજૂરોને જરૂર તેનાથી લાભ થશે. આમ કરવાથી મતની ટકાવારી પણ વધશે. ખાસ કરીને મહિલા મતદારોની ટકાવારી વધશે."પ્રવાસી મજૂરોની દુવિધા વચ્ચે સુરતથી ઘણી બસો દેશનાં અલગઅલગ રાજ્યોમાં જઈ રહી છે, જેમાં પાર્ટીના કાર્યકર્તાઓ છે. ગરૂવારે પણ શહેરના સહારા દરવાજાથી ખાનગી લકઝરી બસોમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ રાજસ્થાનમાં બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાન કરવા માટે નીકળ્યા હતા.

26 એપ્રિલના રોજ રાજસ્થાનના બાડેમર, જેસલમેર, જાલોર, સિરોહી અને પાલી લોકસભા બેઠકોમાં મતદાન થશે. ચૂંટણીમાં મત આપવા માટે મોટી સંખ્યામાં રાજસ્થાની લોકોએ બસમાં બેસીને પોતાના વતનની વાટ પકડી હતી. રાજસ્થાન જનાર લોકોમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ સામેલ હતા.

યજુવેન્દ્ર દુબે સુરત શેહર ભાજપના કાર્યકર્તા છે. બીબીસી ગજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, "મોટી સંખ્યામાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પોતાના વતન મતદાન કરવા માટે ગયા છે. તેઓ પાર્ટીને સારી લીડથી જીત મળે તે હેતુથી ગયા છે".

શું આ બધાનો ખર્ચ ભાજપે કરે છે? એ પ્રશ્નનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું.

કૉંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ કહ્યં કે, "પાર્ટી આ પ્રકારની કોઈ વ્યવસ્થા કરતી નથી. જે કાર્યકર્તાઓએ જવું હોય તેઓ પોતાની રીતે જાય છે અને પાર્ટીની કોઈ ભૂમિકા હોતી નથી".

સુરતમાં 40 લાખથી પણ વધુ પ્રવાસી શ્રમિકો છે

સુરતના વિવિધ સૅક્ટરોમાં 40 લાખથી પણ વધારે પ્રવાસી શ્રમિકો કામ કરી રહ્યા છે. એક અહેવાલ અનુસાર શહેરમાં અંદાજીત 41 લાખ 76 હજાર પ્રવાસી છે.

શહેરમાં ભારતનાં 21 રાજ્યોમાંથી અને ગુજરાતના 33 જિલ્લાઓમાંથી પ્રવાસી શ્રમિકો રોજગાર માટે આવે છે, જે શહેરની કુલ વસ્તીના લગભગ 58 ટકા છે.

આ લોકો ટૅક્સ્ટાઇલ મૅન્યુફેક્ચરિંગ, ડાઇંગ અને પ્રિન્ટિંગ, પાવરલૂમ, ઍમ્બ્રૉઇડરી, કાપડનું કટિંગ અને પૅકિંગ, બાંધકામ, હીરા કટિંગ અને પૅકિંગ પૉલિશિંગ જેવા ઉદ્યોગોમાં કામ કરે છે.

અંદાજિત 60 ટકા સ્થળાંતર કરનારાઓ કૉન્ટ્રૅક્ટ પર કામ કરતા મજૂરો અને દૈનિક વેતન તરીકે કામ કરે છે.

ઘનશ્યામ પાંડે કહે છે કે સુરત અને દક્ષિણ ગજરાતમાં પ્રવાસી મજૂરો મોટી સંખ્યામાં છે અને તેઓની વસતી વધી પણ રહી છે.

કેટલાંક નગરો જેમ કે સચીન, લિંબાયત, પાંડેસરા, જોળવા, પલસાણા સહિતના વિસ્તારોમાં તેમની મોટી સંખ્યા છે. જો દક્ષિણ ગજરાતને પણ સામેલ કરીએ તો આંકડો બહુ મોટો થઈ જાય છે.