You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ નેતા જેમણે ઇંદિરા ગાંધીને કહી દીધું, '...હું કૉંગ્રેસને તોડવાનો પ્રયાસ કરીશ'
- લેેખક, નામદેવ કાટકર
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં જે વ્યક્તિ વડા પ્રધાન બને એ સામાન્ય રીતે અગાઉ કેટલાંક મંત્રીપદ મેળવી ચૂકી હોય છે. આજે પણ આ સિલસિલો પરોક્ષ રીતે ચાલી રહ્યો છે.
અત્યાર સુધીમાં માત્ર બે એવી વ્યક્તિ જ વડા પ્રધાન બની છે, જેમણે અગાઉ રાજ્ય કે કેન્દ્રમાં કોઈ પ્રધાનપદ સંભાળ્યું ન હતું. તેમાં રાજીવ ગાંધી અને ચંદ્રશેખરનો સમાવેશ થાય છે.
રાજીવ ગાંધીને ઇંદિરા ગાંધીની હત્યા બાદ વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા, જ્યારે ચંદ્રશેખરને વડા પ્રધાનપદ, તેમણે જાણે કે કોઈ તપ કર્યું હોય તેવી રીતે મળ્યું હતું.
વડા પ્રધાન બન્યા તે પહેલાં ચંદ્રશેખરે રાજ્ય કે કેન્દ્રમાં કોઈ પ્રધાનપદ સંભાળ્યું ન હતું. તેઓ સંસદસભ્ય હતા અને સીધા વડા પ્રધાન બની ગયા હતા, જાણે કે તેઓ સરકારમાં ‘વડા પ્રધાન’ જેવા એકમાત્ર પદ માટે બન્યા હોય. સર્વોચ્ચ પદ તેમની પાસે માત્ર સાત-આઠ મહિના રહ્યું હતું. તેમ છતાં તેમની નાની કારકિર્દી અનેક અર્થમાં મહત્ત્વપૂર્ણ અને વિવાદાસ્પદ રહી હતી.
અહીં ચંદ્રશેખરના વ્યક્તિગત તથા જાહેર જીવનની ઘટનાઓ મારફત તેમની જીવનયાત્રાને જાણવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે.
લોહિયાને પણ સંભળાવી દેનાર નેતા
ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના ઈબ્રાહિમપટ્ટીના વતની ચંદ્રશેખર સમાજવાદી આંદોલનના પ્રખર કાર્યકર્તા બન્યા હતા અને સમાજવાદી ચળવળ દ્વારા તેમણે કૉંગ્રેસની વિચારધારામાં છાંયડો અનુભવ્યો હતો. એ છાંયડાએ કટોકટીના ઝટકા આપવા શરૂ કર્યા પછી તેઓ તેમાંથી બહાર આવી ગયા હતા.
અત્યંત સ્પષ્ટવક્તા હોવું તેમની સ્વાભાવિક વિશેષતા બની ગયું હતું.
પોતાની આત્મકથા ‘જીવન જૈસે જિયા’માં ચંદ્રશેખરે રામમનોહર લોહિયા સંબંધી એક કિસ્સો નોંધ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોહિયા જેવા દિગ્ગજ નેતાને પોતાના ગામમાં બોલાવીને “આપ ભોજન કરીને રવાના થઈ જાઓ,” એવું બેધડક કહેનારો આ માણસ કેટલો નિડર હશે તેની કલ્પના કરી શકાય!
થયું એવું કે સમાજવાદી ચળવળના નેતા આચાર્ય નરેન્દ્રદેવને બલિયામાં એક વાર્ષિક કાર્યક્રમ માટે નોતરવાનું નક્કી થયું હતું, પરંતુ નરેન્દ્રદેવ પહોંચી શકે તેમ ન હતા. તેથી તેમણે રામમનોહર લોહિયાને ત્યાં જવા જણાવ્યું હતું.
લોહિયાને કોલકાતામાં થોડું કામ હતું. તેથી તેઓ બલિયા જવા ઉત્સુક ન હતા, પરંતુ નરેન્દ્રદેવની વિનંતીને ટાળવાનું શક્ય ન હતું. કોલકાતા જવાની બધી વ્યવસ્થા બલિયાથી થવી જોઈએ એવી શરતે તેઓ આખરે બલિયા આવ્યા હતા, પરંતુ આવ્યા ત્યારથી કચકચ કરતા હતા. પાછા જવાની કોઈ વ્યવસ્થા ન હોવાની ફરિયાદ તેમણે ચંદ્રશેખરને કરી હતી. તેથી ચંદ્રશેખર ગુસ્સે થયા હતા.
લોહિયા એ સમયે બહુ જ લોકપ્રિય હતા. પોતાના પ્રમાણિક Fરાદા બાબતે શંકા વ્યક્ત કરવામાં આવતાં ચંદ્રશેખરે લોહિયાને કહ્યું હતું, “હમારે પ્રોગ્રામ મેં આપકી જરૂરત નહીં હૈ. આપ ખાના ખા કે નિકલ સકતે હૈં.”
ચંદ્રશેખરના પ્રમાણિક વર્તનથી લોહિયા નરમ પડ્યા હતા અને તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. આખરે લોહિયાએ કાર્યક્રમમાં હાજરી આપીને આગળ જવાનો નિર્ણય કર્યો હતો.
ઈન્દિરા ગાંધીને કોંગ્રેસ છોડવાની ચેતવણી
લોહિયા સાથેની ચંદ્રશેખરની આવી એકમાત્ર ઘટના નથી.
ઇંદિરા ગાંધીની ‘લોખંડી મહિલા’ તરીકેની ઇમેજ દેશમાં પ્રસ્થાપિત થઈ ગઈ હતી ત્યારે ઘણા મોટા નેતાઓ ઇંદિરા ગાંધી સામે બોલતાં ખચકાતા હતા, પરંતુ ચંદ્રશેખર પાસે ઇંદિરા ગાંધી સામે બોલવાની હિંમત હતી.
ખરેખર આ ઘટના મોરારજી દેસાઈ સંબંધી હતી. બન્યું એવું કે મોરારજી દેસાઈ સાથે કોઈ કારણસર ઝઘડો થયો હતો. લોકસભામાં જ બન્ને વચ્ચે શાબ્દિક ચકમક થઈ હતી. ચંદ્રશેખર એ સમયે કૉંગ્રેસમાં હતા.
ઇંદિરા ગાંધીએ ચંદ્રશેખરનો અંગત રીતે સંપર્ક સાધીને કહ્યું હતું, “મોરારજીભાઈ મોટા છે. હું નથી ઇચ્છતી કે તમને પક્ષમાંથી કાઢવા પડે. મહેરબાની કરીને માફી માગી લો.”
ચંદ્રશેખરે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ઇંદિરા ગાંધીને કહ્યું હતું, “મેં કોઈ હિન્દુ રમણી નહીં હું, જો મરતે વક્ત તક પતિ કા સાથ નિભાએ. સ્વાભિમાન કે સાથ જીતા હૂં.” આમ કરીને તેમણે કૉંગ્રેસ છોડવાનો ગર્ભિત સંકેત આપ્યો હતો. આવા હતા ચંદ્રશેખર.
‘..તો હું કોંગ્રેસ તોડીશ’
ચંદ્રશેખરની સમાજવાદીથી કૉંગ્રેસી બનવા સુધીની સફર સામે ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. અત્યારે પણ ઉઠાવવામાં આવે છે, પરંતુ ચંદ્રશેખર જ્યાં પણ ગયા ત્યાં તેમણે સમાજવાદને જગાડવાનો પ્રયાસ કર્યા હતા, એવું કહી શકાય. તેમના રાજકારણ પર નજર કરીએ તો જણાય છે કે તેઓ રાજકીય દાવપેચ રમ્યા હતા, પરંતુ સમાજવાદના મૂળ વિચારો પ્રત્યે અડગ રહ્યા હતા.
કૉંગ્રેસમાં જોડાયા પછી તેઓ ઇંદિરા ગાંધીને મળવા ગયા હતા. એ વખતે ઇંદિરા ગાંધીએ તેમને પૂછ્યું હતું કે 'ચંદ્રશેખરજી, તમે કૉંગ્રેસને સમાજવાદી માનો છો?' આ સવાલનો ચંદ્રશેખરે આપેલો જવાબ તેમની વૈચારિક ભૂમિકા અને સ્પષ્ટવક્તા હોવાનો પુરાવો છે.
વાતચીત આ રીતે થઈ હતીઃ
ઇંદિરા ગાંધીએ પૂછ્યું હતું કે 'તમે કૉંગ્રેસમાં શા માટે આવ્યા?'
ચંદ્રશેખરે કહ્યું હતું, 'તમે ખરેખર સત્ય સાંભળવા ઈચ્છો છો?'
ઇંદિરાએ હકારમાં માથું ધુણાવ્યું પછી ચંદ્રશેખરે કહ્યું હતું, 'પ્રજા સમાજવાદી પક્ષમાં 13 વર્ષ કામ કર્યું છે. સંપૂર્ણ ક્ષમતા અને ઈમાનદારી સાથે સમાજવાદના માર્ગે ચાલ્યો છું. ત્યાં કંઈક ખોટું છે એવું લાગ્યું એટલે ત્યાંથી નીકળ્યો અને વિચાર્યું કે ચાલો, કૉંગ્રેસમાં જઈએ તથા કશુંક કરવાનો પ્રયાસ કરીએ.'
ઇંદિરા ગાંધીએ પૂછ્યું, 'તો પછી તમે કૉંગ્રેસમાં આવીને શું કરવા માંગો છો?'
ચંદ્રશેખરે કહ્યું હતું, 'હું કૉંગ્રેસને સમાજવાદી બનાવવા ઇચ્છું છું.'
એ સાંભળીને ઇંદિરા ગાંધીએ પ્રતિપ્રશ્ન કર્યો, 'જો એવું નહીં થાય તો?'
ચંદ્રશેખરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું, “હું કૉંગ્રેસને તોડવાનો પ્રયાસ કરીશ, કારણ કે કૉંગ્રેસ તૂટશે નહીં ત્યાં સુધી દેશમાં બીજું રાજકારણ ટકશે નહીં. હું કૉંગ્રેસને પહેલાં સમાજવાદી બનાવવાનો પ્રયાસ કરીશ. અન્યથા તેને તોડવા સિવાયનો કોઈ વિકલ્પ રહેશે નહીં. કૉંગ્રેસ એક વટવૃક્ષ છે. તેની નીચે બીજું વૃક્ષ ટકી શકે નહીં. તેથી આ પક્ષ તૂટે નહીં ત્યાં સુધી ક્રાંતિકારી પરિવર્તન શક્ય નથી.”
આ સાંભળીને ઇંદિરા ગાંધી અવાક થઈ ગયાં હતાં. ચંદ્રશેખરની વાતો સાંભળીને તેઓ ગુસ્સે થયાં ન હતાં, પરંતુ આટલા સ્પષ્ટ જવાબોથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં.
આ ત્રણ ઘટના ચંદ્રશેખરનો નિડર અને જિદ્દી સ્વભાવ દર્શાવે છે. જો કે, આવા સ્વભાવને કારણે ચંદ્રશેખરે તેમની કારકિર્દીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
વરિષ્ઠ નેતાઓને પડકારનાર ‘તરુણ તુર્ક’ જૂથના વડા
ચંદ્રશેખર કૉંગ્રેસમાં હતા ત્યારે 'યંગ ટર્ક્સ' એટલે કે તરુણ તુર્ક જૂથના વડા હતા. એ કૉંગ્રેસના યુવા નેતાઓનું જૂથ હતું.
પંડિત જવાહરલાલ નહેરુના ગયા પછી ઇંદિરા ગાંધી ભારતીય રાજકારણમાં વધુ સક્રિય થયાં હતાં. જોકે, એ સમયે પક્ષની ધુરા વરિષ્ઠ નેતાઓના હાથમાં હતી. મોરારજી દેસાઈ, યશવંતરાવ ચવ્હાણ, એસ. કે. પાટીલ, કામરાજ અને નિજલિંગપ્પા જેવા નેતાઓનો કૉંગ્રેસની નિર્ણયપ્રક્રિયા પર પ્રભાવ હતો.
એ સમયગાળામાં કૉંગ્રેસમાં સમાજવાદી યુવાનોનો એક વર્ગ પણ હતો. ચંદ્રશેખર, મોહન ધારિયા, કૃષ્ણન કાંત અને અમૃત નાહટા વગેરેનો એ સમયના યુવા નેતાઓમાં સમાવેશ થતો હતો.
આ વાત 1967 આસપાસની છે. એ વખતે કે કામરાજ કૉંગ્રેસના પ્રમુખ હતા અને ઇંદિરા ગાંધી વડાં પ્રધાન હતાં.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજકીય વિશ્લેષક ઉલ્હાસ પવાર કહે છે, “એ સમયે કૉંગ્રેસમાં વિવિધ વિચારધારાઓનો સંગમ હતો. સમાજવાદી અને ગાંધીવાદી વિચારધારાના તેમજ મૂડીવાદી વિચારધારાના નેતાઓ પણ હતા. મોરારજી દેસાઈ જેવા નેતાઓ મૂડીવાદી વિચારધારા પ્રત્યે ઝુકાવ ધરાવતા હતા. માત્ર ચંદ્રશેખર અને મોહન ધારિયા સમાજવાદી પશ્ચાદ્ભૂ ધરાવતા હતા. તેથી તેઓ આર્થિક અને સામાજિક સુધારાના આગ્રહી હતા.”
ભૂતપૂર્વ વડા પ્રધાન ચંદ્રશેખરને આ 'યંગ ટર્ક્સ'ના વડા માનવામાં આવતા હતા.
તેમણે બૅન્કોના રાષ્ટ્રીયકરણ, રજવાડાંના સાલિયાણાં બંધ કરવાં અને કોલસાની ખાણોના રાષ્ટ્રીયકરણ જેવી નાણાકીય ક્ષેત્ર સંબંધી દસ માગણીઓનો દસસૂત્રી કાર્યક્રમ તૈયાર કર્યો હતો તથા કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સમક્ષ રજૂ કર્યો હતો.
આ દસ માંગણી સ્વીકારવામાં આવે એ માટે ચંદ્રશેખર અને તેમના સાથીઓએ દબાણ લાવવાના પ્રયાસો કર્યા હતા. ચંદ્રશેખરે આ માંગણીઓ માટે સમર્થન મેળવવા તેમના અન્ય સાથીદારો સાથે સંસદસભ્યોની સહી ઝૂંબેશ પણ શરૂ કરી હતી. જોકે, કેન્દ્રના તત્કાલીન નાણામંત્રી મોરારજી દેસાઈએ તેનો વિરોધ કર્યો હતો.
ચંદ્રશેખરે તેમની આત્મકથામાં લખ્યું છે કે આ દસસૂત્રી કાર્યક્રમની પ્રત કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ કામરાજને મોકલવામાં આવી ત્યારે મોટો હોબાળો થયો હતો. દસસૂત્રી કાર્યક્રમ માટે સમર્થન મેળવવા ચંદ્રશેખરે દેશવ્યાપી પ્રવાસ શરૂ કર્યો ત્યારે કૉંગ્રેસ વરિષ્ઠ નેતાઓએ આદેશ આપ્યો હતો કે પક્ષની ઓફિસે આ યંગ ટર્ક્સને મહત્ત્વ આપવું જોઈએ નહીં.
જોકે, યંગ ટર્ક્સના આવા ઘણા મુદ્દાને ઇંદિરા ગાંધીએ ટેકો આપ્યો હતો. ઇંદિરા ગાંધીએ બાદમાં તેમની કેટલીક માંગણીઓનો અમલ કર્યો હતો. બૅન્કોનું રાષ્ટ્રીયકરણ અને રજવાડાંનાં સાલિયાણાંની નાબૂદીનો નિર્ણય તેને આભારી હતા. એ યંગ ટર્ક્સ માટે એક પ્રકારની જીત હતી.
જોકે, એ પછી યંગ ટર્ક્સનું જૂથ રાજકીય ઘટનાઓને કારણે અકબંધ રહ્યું નહોતું. ઇંદિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીના વિરોધમાં તેમણે કૉંગ્રેસ છોડી હતી. એ પૈકીના ઘણાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
સાઠના દાયકામાં ચંદ્રશેખર, મોહન ધારિયા અને તેમના સાથીદારોનું વર્ચસ્વ હતું. વરિષ્ઠ નેતાઓ સામે ઉઠાવીને આર્થિક-સામાજિક મુદ્દાઓને આગળ વધારવા તરુણ તુર્કોએ મહત્ત્વપૂર્ણ પ્રયાસો કર્યા હતા.
ઈન્દિરા ગાંધીને છોડ્યાં, રાજીવ ગાંધીના ટેકાથી વડાપ્રધાન બન્યા
ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીને કારણે તેમણે કૉંગ્રેસ છોડી દીધી હતી. બાદમાં તેઓ જનતા પાર્ટીમાં જોડાયા હતા અને જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા.
જનતા પાર્ટીના ટોચના નેતાઓ પૈકીના એક હોવાને કારણે તેમને કટોકટી પછીની સરકારમાં વડા પ્રધાનપદ મળવાની આશા હતી, પરંતુ એ વખતે મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા હતા. વડા પ્રધાનપદ ન મળવાથી ચંદ્રશેખર નારાજ હોવાની ચર્ચા એ સમયે થઈ હતી. તેમને મોરારજી દેસાઈના પ્રધાનમંડળમાં સ્થાન ન મળ્યું હોવાથી આ ચર્ચાને વધુ બળ મળ્યું હતું.
જોકે, તેમને ટૂંક સમયમાં વડા પ્રધાનપદ મળવાનું હતું. વી. પી. સિંહની સરકારનું પતન અપેક્ષિત હતું. એવું થયું પણ અને ચંદ્રશેખર વડા પ્રધાન બન્યા હતા.
વી. પી. સિંહ સરકારને સામ્યવાદીઓ અને ભારતીય જનતા પક્ષ બન્નેનો ટેકો હતો. એ જ સમયે લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા ચાલી રહી હતી. એ દરમિયાન અડવાણીની ધરપકડ કરવામાં આવી હતી. તેથી 1990ની છઠ્ઠી ઑક્ટોબરે ભાજપે વી. પી. સિંહને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો.
સિંહે રાષ્ટ્રપતિ પાસે ત્રણ સપ્તાહનો સમય માંગ્યો હતો. જોકે, તેઓ બહુમતિ સિદ્ધ કરી શક્યા નહોતા અને 1990ની 7 નવેમ્બરે વી. પી. સિંહની સરકાર તૂટી ગઈ હતી. ચૌધરી દેવીલાલે સરકારથી છેડો ફાડ્યો હતો, કારણ કે વી. પી. સિંહે તેમની પાસેથી નાયબ વડા પ્રધાનપદ છીનવી લીધું હતું.
એ સમયગાળામાં દેશમાં મંડલપંચની ભલામણોના અમલને પગલે હિંસા ચાલી રહી હતી. રથયાત્રાને કારણે વાતાવરણ તંગ બન્યું હતું. જોરદાર હોબાળો થઈ રહ્યો હતો. આ સ્થિતિમાં ચંદ્રશેખરને કૉંગ્રેસના ટેકાથી વડા પ્રધાન બનાવવા રાજીવ ગાંધીએ અલગ-અલગ રીતે તેમનો સંપર્ક શરૂ કર્યો હતો.
એક રાત્રે ચંદ્રશેખર પર રોમેશ ભંડારીનો ફોન આવ્યો હતો. તેમણે ચંદ્રશેખરને કૉફી પીવા બોલાવ્યા હતા. ચંદ્રશેખર થયું કે આટલી મોડી રાત્રે પોતાને ત્યાં કૉફી પીવાનું આમંત્રણ કોઈ આપતું નથી. તેમને શંકા પડી હતી. તેઓ આમંત્રણ મુજબ રોમેશ ભંડારીના ઘરે ગયા ત્યારે રાજીવ ગાંધી ત્યાં બેઠા હતા.
રાજીવ ગાંધીએ ચંદ્રશેખરને કહ્યું હતું કે 'દેશમાં સ્થિતિ ગંભીર છે. આપણે કંઈક કરવું જોઈએ.' રાજીવ ગાંધીએ ચંદ્રશેખરને ટેકાની ખાતરી આપી હતી. એ મુજબ, ચંદ્રશેખર બીજા દિવસે રાષ્ટ્રપતિને મળવા ગયા હતા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો.
ચંદ્રશેખરે 1990ની 11 નવેમ્બરે વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. એ વખતે દેશમાં 70-75 જગ્યાએ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. યુવાનો આત્મદહન કરતા હતા. મંડલપંચની ભલામણોના અમલ બાદ હિંસામાં વધારો થયો હતો. એવી સ્થિતિમાં દેશનું નેતૃત્વ ચંદ્રશેખરના હાથમાં આવ્યું હતું.
ચંદ્રશેખરે વાસ્તવમાં ચાર જ મહિના વડા પ્રધાનપદ સંભાળ્યું હતું, કારણ કે એ બાકીના ત્રણ મહિના તેઓ રખેવાળ વડા પ્રધાન હતા.
રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસ
ચંદ્રશેખર વડા પ્રધાન બન્યા ત્યારે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ જોરશોરથી ચાલતો હતો. અડવાણીની રથયાત્રાએ તેને વેગ આપ્યો હતો. જોકે, ચંદ્રશેખરે વડા પ્રધાન બન્યા બાદ આ વિવાદને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લીધો હતો.
વિશ્વ હિંદુ પરિષદ અને મુસ્લિમ ઈતિહાસકારોને ચર્ચા માટે ચંદ્રશેખર એક ટેબલ પર લાવ્યા હતા. બાબરી મસ્જિદના ધ્વંસને લીધે બન્ને પક્ષોએ એકમેકની સાથે વાતચીત બંધ કરી દીધી હતી. એ વાતચીત ફરી શરૂ કરાવવાનું કામ ચંદ્રશેખરે કર્યું હતું.
વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવઈ તેમના પુસ્તક ‘ભારત કે પ્રધાન મંત્રી’માં લખે છે કે ચંદ્રશેખર સરકારે બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદને સમાધાન સુધી પહોંચાડ્યો ત્યારે રાજીવ ગાંધી અને તેમની નજીકના લોકો બેચેન થઈ ગયા હતા. તેમને થયું કે બધું શ્રેય ચંદ્રશેખરને મળી જશે.
આ પ્રયાસો માટે ચંદ્રશેખરે રાજસ્થાનના તત્કાલીન મુખ્ય મંત્રી ભૈરોંસિંહ શેખાવત, મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય મંત્રી શરદ પવાર અને ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી મુલાયમ સિંહ યાદવની મદદ લીધી હતી.
ચંદ્રશેખરની મધ્યસ્થીને લીધે વિશ્વ હિંદુ પરિષદ અને બાબરી મસ્જિદ ઍક્શન કમિટી બન્ને બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદનું નિરાકરણ અદાલતના માધ્યમથી કરવા સહમત થયાં હતાં. તેની સાથે ચંદ્રશેખર મસ્જિદ-મંદિર વિવાદના નિરાકરણ માટે ઐતિહાસિક, પુરાતત્વીય, બંધારણીય અને મહેસૂલ રેકૉર્ડના અભ્યાસ માટે ચાર સમિતિની રચના કરવામાં સફળ થયા હતા. બાબરી મસ્જિદ ઍક્શન કમિટી અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોના અભ્યાસની જવાબદારી આ સમિતિઓને સોંપવામાં આવી હતી.
બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદના નિરાકરણ માટે ચંદ્રશેખરે કરેલા પ્રયાસો તેમની કારકિર્દી માટે યાદગાર બની ગયા હતા.
જોકે, ચંદ્રશેખરનો વડા પ્રધાન તરીકેનો કાર્યકાળ નવેમ્બર, 1990થી જુન, 1991 સુધીનો, માત્ર સાત મહિનાનો હતો. રાજીવ ગાંધીને ટેકાથી તેમની સરકાર ટકી હતી. એ સરકારની ખૂબ ટીકા થઈ હતી. સરકાર એટલી અસ્થિર હતી કે બજેટ પણ રજૂ કરી શકી ન હતી, પરંતુ રાજીવ ગાંધી ટેકો પાછો ખેંચી લેશે તેવો ગણગણાટ શરૂ થયો ત્યારે ટેકો પાછો ખેંચાય તે પહેલાં જ ચંદ્રશેખરે રાજીનામું આપી દીધું હતું.
‘ચંદ્રશેખરઃ ધ લાસ્ટ આઈકોન ઓફ આયડિયોલોજિકલ પોલિટિક્સ’
ભારતના આઠમા વડા પ્રધાન બનેલા ચંદ્રશેખરને વડા પ્રધાન આવાસમાં ક્યારેય રહ્યા ન હતા. તેઓ હરિયાણા ખાતેના પોતાના આશ્રમમાંથી જ વડા પ્રધાન તરીકે કામ કર્યું હતું.
સલામતી રક્ષકોને ચા આપવાથી માંડીને વિદેશ પ્રવાસ દરમિયાન સલામતી રક્ષકોના ભોજન બાબતે યાદ કરીને પૂછપરછ કરવા સુધી, તેમની શાલીનતા અનેક વખત જોવા મળી હતી. વાસ્તવમાં વડા પ્રધાન તરીકે તેમણે માત્ર બે વિદેશયાત્રા જ કરી હતી.
લગભગ ચાર-પાંચ દાયકા સુધી રાજકારણમાં રહેલા ચંદ્રશેખર જીવનનાં અંતિમ વર્ષોમાં તેમનાં પત્નીના એક વાક્ય ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. એ વાક્યનો ઉલ્લેખ ચંદ્રશેખરે તેમની આત્મકથામાં કર્યો છે. એક દિવસ તેમનાં પત્નીએ કહ્યું હતું, “તમે બાળકો માટે કશું જ કર્યું નહીં.”
ચંદ્રશેખર લખે છે કે 'પત્નીનું તે વાક્ય સાંભળીને હૈયું ભરાઈ આવ્યું હતું. તેઓ કોઈ જવાબ આપી શક્યા ન હતા.'
ચંદ્રશેખર પર અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા. જોકે, તેમના રાજકારણના સાક્ષીઓ કહે છે કે વિચારધારા બાબતે ચંદ્રશેખર મક્કમ હતા.
તેમની નજીક રહેલા હરિવંશે ચંદ્રશેખરનું જીવનચરિત્ર લખ્યું છે. એ જીવનચરિત્રનું શિર્ષક તેમની મોટાભાગની રાજકીય કારકિર્દીનું એક પ્રકારનું ભાષ્ય છે. એ જીવનચરિત્રનું શિર્ષક છે - ‘ચંદ્રશેખરઃ ધ લાસ્ટ આઇકન ઑફ આઇડિયોલોજિકલ પૉલિટિક્સ.’