You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બે-બે વખત કાર્યવાહક PM બનનારા એ નેતા જેનો સામાન એક પેટીમાં સમાય એટલો જ હતો
- લેેખક, તુષાર કુલકર્ણી
- પદ, બીબીસી સંવાદદાતા
મહાત્મા ગાંધી દ્વારા નિર્ધારિત આદર્શો અને માર્ગનું અનુસરણ કરતી વ્યક્તિને ગાંધીવાદી કહેવાય એવી વ્યાખ્યા હોય તો ભારતીય રાજકારણમાં ગુલઝારીલાલ નંદાથી વધારે ગાંધીવાદી હોય તેવી બીજી વ્યક્તિ શોધવી મુશ્કેલ છે.
ગુલઝારીલાલ નંદા એવા નેતા હતા, જેઓ ઓફિસના કાગળનો ઉપયોગ પોતાના અંગત કામ માટે ક્યારેય ન થાય તેનું ધ્યાન રાખતા હતા. તેઓ બે વખત કાર્યવાહક વડા પ્રધાન બન્યા હતા અને સેવાનિવૃત્તિ પછી ભાડાના એક ઘરમાં રહેતા હતા.
આ વાત આજે તમને સાચી નહીં લાગે, પરંતુ હકીકત એ છે કે ગુલઝારીલાલ નંદા મૃત્યુ પામ્યા તે પહેલાં તેમણે તેમની પુત્રીને કહ્યું હતું કે તેમનો બધો સામાન એક પેટીમાં સમાઈ જાય તેટલો જ છે.
ગુલઝારીલાલ નંદા કોણ હતા અને તેમને એક વખત નહીં, પણ બબ્બે વખત કાર્યવાહક વડાપ્રધાન શા માટે બનાવવામાં આવ્યા હતા?
મહાત્મા ગાંધી સાથે મુલાકાત
તેમનો જન્મ 1898ની ચોથી જુલાઈએ હાલ પાકિસ્તાનમાંના સિયાલકોટ જિલ્લામાં થયો હતો.
પોસ્ટ-ગ્રૅજ્યુએશન કર્યા બાદ તેઓ અલાહાબાદથી મુંબઈ આવી ગયા હતા. તેઓ મુંબઈની નેશનલ કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા. ગાંધીજી સાથે તેમની મુલાકાત મુંબઈમાં થઈ હતી.
ગાંધીજીએ 1920માં અસહકાર આંદોલનનો પ્રારંભ કર્યો હતો. ગાંધીજીએ કહ્યું હતું કે "હું અંગ્રેજોને કોઈ પણ પ્રકારે સહકાર આપવાનો નથી. હું કહીશ તેમ તમે કરશો તો તમને એક વર્ષમાં જ સ્વરાજ મળી જશે." તેમના કહેવાથી અનેક લોકોએ નોકરી છોડી દીધી હતી.
ગુલઝારીલાલ નંદાના જીવનચરિત્ર ‘ગુલઝારીલાલ નંદાઃ અ લાઈફ ઈન ધ સર્વિસ ઑફ પીપલ’માં ગાંધીજી અને નંદાની મુલાકાતનું વર્ણન છે. નંદાએ એ વિગત પોતાની ડાયરીમાં નોંધી હતી, એવું આ પુસ્તકનાં લેખિકા પ્રોમિલા કાનને જણાવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના કહેવા મુજબ, ગાંધીજીના અસહકાર આંદોલનમાં સામેલ થતાં પૂર્વે તેમના મનમાં ગડમથલ ચાલતી હતી. 1916માં તેમનાં લગ્ન થયાં હતાં અને તેમને એક સંતાન પણ હતું. આ બધાની જવાબદારી કોણ લેશે, એવો સવાલ પણ મનમાં હતો.
નંદાના જીવનચરિત્રમાં એવી નોંધ છે કે “ગાંધીજી સાથે જવા માટે મારે નોકરી છોડવી પડે તેમ હતી. ઘર ચલાવવા માટે મારે 40 રૂપિયાની જરૂરિયાત હતી. તેની વ્યવસ્થા કેવી રીતે કરવી તે હું વિચારતો હતો. ગાંધીજીને મળ્યા પછી હું અસ્વસ્થ હતો અને મનમાં સંખ્યાબંધ વિચારો આવતા હતા, પણ છેવટે મેં આંદોલનમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.”
ગાંધીજી સાથે તેમની મુલાકાત શંકરલાલ બૅન્કર નામના સ્વાતંત્ર્યસેનાનીએ ગોઠવી આપી હતી.
નંદાના જણાવ્યા મુજબ, તેઓ મુંબઈના લૅમિંગ્ટન રોડ પર આવેલા મણિભવનમાં મહાત્મા ગાંધીને મળ્યા હતા. ગાંધીજીના હાથમાં મોટું પાત્ર હતું અને તેમાંથી તેઓ નાસ્તો કરતા હતા. આસપાસ કેટલાક નેતાઓ અને પત્રોનો ઢગલો પડ્યો હતો. પછી ગાંધીજીએ મારી પૂછપરછ કરી અને તાગ મેળવ્યો કે હું શું કરી શકું તેમ છું.
કામદારોની સમસ્યાઓથી વાકેફ
ગાંધીજીએ 1920-21માં શરૂ કરેલા અસહકાર આંદોલનમાં તેમણે ઝંપલાવ્યું હતું અને ત્યારથી જ તેઓ ગાંધીચીંધ્યા માર્ગને આજીવન અનુસર્યા હતા.
ગુલઝારીલાલ નંદાને મજૂર અને કામદારોના પ્રશ્નો પ્રત્યે સહાનુભૂતિ હતી. મજૂર ચળવળ તેમના અભ્યાસનો વિષય હતી.
તેમનું જ્ઞાન પુસ્તકો પૂરતું સીમિત ન હતું, પરંતુ પુસ્તકોમાંથી શીખેલી બાબતોનો અમલ જીવનમાં કેવી રીતે કરી શકાય એ બાબતે તેઓ જાગૃત હતા.
તેથી તેમણે કાપડ-કામદારોને અધિકાર અપાવવા માટે 'મજૂર મહાજન' નામના સંગઠનની શરૂઆત કરી હતી.
તેમણે કૉંગ્રેસ ટ્રૅડ યુનિયનની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં કામદારોની સમસ્યાઓના નિરાકરણ માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેથી તેમણે 1947માં જીનિવામાં યોજાયેલી લૅબર કૉન્ફરન્સમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો.
નંદાને કાર્યવાહક વડા પ્રધાન તરીકે કેમ પસંદ કરવામાં આવ્યા?
તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુનું નિધન 1964ની 27 મેના રોજ થયું હતું. તેમના મૃત્યુ પછી ગુલઝારીલાલ નંદાએ નવમી જૂન સુધી દેશના કાર્યવાહક વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. એ પછી લાલબહાદુર શાસ્ત્રી વડા પ્રધાન બન્યા હતા.
નહેરુના પ્રધાનમંડળમાં વરિષ્ઠ હોવાને કારણે તેમની પસંદગી રખેવાળ વડા પ્રધાન તરીકે કરવામાં આવી હોવાનું કહેવાય છે, પરંતુ એવું જ હોત તો કૅબિનેટમાં મોરારજી દેસાઈ તેમના કરતાં બે વર્ષ મોટા હતા. એ દૃષ્ટિએ તેમને કાર્યવાહક વડા પ્રધાન બનાવવા જોઈતા હતા પરંતુ આમ ન થયું.
કૉંગ્રેસ કારોબારીએ મોરારજીભાઈને બદલે નંદાને પ્રાધાન્ય આપ્યું હતું. નેહરુના અવસાન પછી મોરારજીભાઈ પોતે વડા પ્રધાન બનવાની રેસમાં હતા, પણ નંદા એ રેસમાં ન હતા અને તેમને વરિષ્ઠ ચહેરો ગણવામાં આવ્યા હતા. તેથી તેમને વડા પ્રધાનપદ મળ્યું હોવાનું કહેવાય છે.
એ તેર દિવસના કાર્યકાળ દરમિયાન તેમણે દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું હતું અને પછી કૉંગ્રેસ કારોબારીએ નક્કી કર્યા મુજબ શાસ્ત્રીજીને વડા પ્રધાનપદ સોંપ્યું હતું. શાસ્ત્રીજીએ નંદાને કૅબિનેટમાં સ્થાન આપ્યું હતું અને તેઓ ગૃહમંત્રી બન્યા હતા.
લાલબહાદુર શાસ્ત્રીનું 1966ની 11 જાન્યુઆરીએ તાશ્કંદમાં અવસાન થયું ત્યારે ફરીથી વડા પ્રધાનપદની જવાબદારી નંદા પર આવી પડી હતી.
એ સમયે ઇંદિરા ગાંધી, કે. કામરાજ, મોરારજી દેસાઈ, યશવંતરાવ ચવાણ અને એમ.સી.ચાગલા જેવાં દિગ્ગજ નેતાઓ વડા પ્રધાનપદની રેસમાં હતા, પરંતુ નંદા તેમાં ન હતા. ફરીથી વડા પ્રધાનપદનો બોજ તેમના ખભા પર આવી પડ્યો હતો. ફરીથી તેર દિવસ બાદ તેમણે વડા પ્રધાનપદ ઇંદિરા ગાંધીને સોંપ્યું હતું.
શ્રુતિ જોશીએ 'ધ પ્રિન્ટ' માટે લખેલા લેખમાં જણાવ્યું છે કે સત્તાની લાલસા ન હોવાને કારણે નંદાને આ જવાબદારી સોંપવામાં આવી હતી.
ઇંદિરા ગાંધી ગાંધી વડાં પ્રધાન બન્યાં ત્યારે પણ ગુલઝારીલાલ નંદા ગૃહમંત્રી બન્યા હતા. સાધુ-સંતોની પદયાત્રાને લીધે ગૃહમંત્રીનું પદ ગુમાવ્યું.
ગુલઝારીલાલ નંદા 1966માં દેશના ગૃહમંત્રી હતા. એ વખતે ગૌહત્યા પ્રતિબંધ કાયદા માટે હિન્દુ સમુદાયની લાગણી ઉગ્ર હતી. ગૌહત્યા પ્રતિબંધક કાયદો લાવવા માટે સતત આંદોલન થતાં હતાં.
આ કાયદા માટે સાધુ-સંતોએ 1966માં દિલ્હીમાં સંસદ સુધી કૂચ કરી હતી. કૂચ દરમિયાન આવેલા સાધુસંતો અને કાર્યકરોએ સરકારી જગ્યાઓ તથા મિલકતોમાં તોડફોડ કરી હતી. તેના પર નિયંત્રણ મેળવવા માટે ગોળીબાર કરવામાં આવ્યો હતો.
બાદમાં આવેલા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે એ ગોળીબારમાં 8-9 લોકો માર્યા ગયા હતા. મામલો યોગ્ય રીતે ન સંભાળવા બદલ ઇંદિરા ગાંધી ગુલઝારીલાલ નંદા પર ગુસ્સે થયાં હતાં અને તેમને પ્રધાનમંડળમાંથી દૂર કર્યા હતા.
ગુલઝારીલાલ નંદા પોતે માનતા હતા કે ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તેથી તેમણે આંદોલનકર્તાઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ વલણ અપનાવ્યું હતું અને તેનો પ્રભાવ તેમની નિર્ણયશક્તિ પર પડ્યો હોવાનું કહેવાયું હતું.
એ ઘટનાની દેશમાં કેવી અસર થઈ હતી તેની વાત કરતાં વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવઈએ બીબીસી હિન્દીને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને ડીટીસીની બસમાં બેસાડીને અરવલ્લીના જંગલમાં, ગુડગાંવ નજીક છોડી દીધા હતા. તેમની સામે કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હતો.
એ ઘટના પછી ગુલઝારીલાલ નંદાએ રાજીનામું આપવું પડ્યું હતું. કહેવાય છે કે ઇંદિરા ગાંધીએ નંદાને પહેલાંથી જ જણાવી દીધું હતું કે પરિસ્થિતિ કાબૂ બહાર જઈ શકે છે. તમારે તૈયાર રહેવું જોઈએ.
ગુલઝારીલાલ નંદા ગૃહમંત્રી હોવાની સાથે 'ભારત સાધુ સમાજ' નામની એક સંસ્થાના પ્રમુખ પણ હતા. તેઓ માનતા હતા કે વાટાઘાટ દ્વારા સમસ્યાનું નિરાકરણ કરી શકાશે, પરંતુ એવું થયું નહીં.
કિદવઈના જણાવ્યા મુજબ, વાત આટલેથી અટકી ન હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે 1971માં ચૂંટણીપ્રચાર માટે આ ઘટનાનો ઉપયોગ કર્યો હતો. એ ઘટનાને 'હિન્દુ હત્યાકાંડ' ગણાવવામાં આવી હતી અને ગામડાંમાં કૉંગ્રેસવિરોધી પ્રચાર કરવામાં આવ્યો હતો, પરંતુ કૉંગ્રેસના વિરોધીઓ એ ઘટનાનો લાભ લઈ શક્યા ન હતા. એ સમયે દેશમાં મર્યાદિત પ્રસાર-માધ્યમો હતાં.
સોશિયલ મીડિયાના આગમન પછી આ ઘટનાનો ઉલ્લેખ ‘હિન્દુ નરસંહાર’ તરીકે કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર જણાવવામાં આવ્યું હતું કે એ ઘટનામાં હજારો લોકો માર્યા ગયા હતા. જોકે, ઘણા અહેવાલોથી સ્પષ્ટ છે કે તેમાં પીડિતોની સંખ્યા 10થી વધારે ન હતી. બીબીસી હિન્દીએ આ બાબતે હકીકતની ચકાસણી કરી છે.
નંદાના સમયમાં બનેલી આ ઘટનાની અસર હાલના સમયમાં પણ દેખાતી હોવાનું જોવા મળે છે.
તેમને કૅબિનેટમાંથી પડતા મૂકવામાં આવ્યા પછી પણ તેમના રોજબરોજના કામકાજ પર કોઈ અસર થઈ ન હતી. તેઓ કુરુક્ષેત્ર લોકસભા મતવિસ્તારના સંસદસભ્ય હતા, કામદારોના કલ્યાણ માટે સક્રિય હતા અને તેમના નિવાસસ્થાનમાં બધાને પ્રવેશ મળતો હતો.
કટોકટી માટે નારાજગી અને રાજીનામું
કટોકટી સામે તેમના વિરોધ અને એ બાબતે ઇંદિરા ગાંધી સાથે થયેલી તેમની ચર્ચા વિશેનો એક ટુચકો વરિષ્ઠ પત્રકાર વિજય સભરવાલે ‘ધ ટ્રિબ્યૂન’ માટે લખેલા લેખમાં નોંધવામાં આવ્યો છે.
1975ની 25 જૂને દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. ઇંદિરા ગાંધી જાણતાં હતાં કે ગુલઝારીલાલ નંદા કટોકટીના વિરોધી છે. તેથી તેમને સમજાવવાના આશયથી તેમનાં ઘરે જવાના હતાં.
નંદાને વડાં પ્રધાનની ઑફિસમાંથી જણાવવામાં આવ્યું હતું કે તમારા જન્મદિવસ નિમિત્તે અભિનંદન આપવા વડાં પ્રધાન તમારા નિવાસસ્થાને આવશે. ગુલઝારીલાલ નંદાએ સ્પષ્ટ કહ્યું હતું કે તેની કોઈ જરૂર નથી. તેમને કહો કે ન આવે. જોકે, ત્યાં સુધીમાં ગાંધીએ નક્કી કરી લીધું હતું. તેઓ નંદાજીના ઘરે પહોંચ્યાં હતાં અને તેમની વચ્ચે 25 મિનિટ ચર્ચા થઈ હતી.
ગુલઝારીલાલે ઇંદિરા ગાંધીને જણાવ્યું હતું કે તેઓ કટોકટીની વિરુદ્ધ છે. આપણે આઝાદી માટે આંદોલન કર્યું હતું ત્યારે લોકોનું સ્વાતંત્ર્ય છીનવી લેવું તે ખોટું છે. પોતે કટોકટી શા માટે જાહેર કરી તેની માહિતી ઇંદિરા ગાંધીએ ગુલઝારીલાલને આપી હતી.
તેમણે 1977ની 11 એપ્રિલે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપતી વખતે તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસમાં હાલની પરિસ્થિતિ અસહ્ય બની ગઈ છે.
તેમણે જણાવ્યું હતું કે "મારા આપ્તજનો અને સાથીદારો છેલ્લા ઘણા દિવસથી મને રાજીનામું નહીં આપવા જણાવી રહ્યા હતા, પરંતુ હું હવે રાજીનામું આપી રહ્યો છું." પોતે કોઈ અન્ય પક્ષમાં જોડાશે નહીં એવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી.
નંદા પછી કોઈ કાર્યવાહક વડા પ્રધાન નહીં
ગુલઝારીલાલ નંદા પછી દેશમાં કોઈ કાર્યવાહક વડા પ્રધાન બન્યું નથી. 1984ની 31 ઑક્ટોબરે ઇંદિરા ગાંધીની તેમના જ સુરક્ષાકર્મીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. એ પછી નવા વડા પ્રધાનની નિમણૂક થાય ત્યાં સુધી કાર્યવાહક વડા પ્રધાન કોણ બનશે તેની વાત ચાલી હતી.
તેમાં નંદા સીધી રીતે સામેલ ન હતા, પરંતુ તેમનો દાખલો બધાની નજર સામે હતો.
આ ઘટના બાબતે રશીદ કિદવઈએ બીબીસીને જણાવ્યું હતું કે ઈન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે રાજીવ ગાંધી અને પ્રણવ મુખરજી સાથે હતા. ફ્લાઇટમાં પ્રવાસ દરમિયાન રાજીવે મુખરજીને પૂછ્યું હતું કે નહેરુનું અવસાન થયું ત્યારે શું થયું હતું?
પ્રણવ મુખરજીએ તેમને કહ્યું હતું કે ગુલઝારીલાલ નંદાને વરિષ્ઠતાના આધારે કાર્યવાહક વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા. રાજીવ ગાંધીએ આ વાત તેમના નજીકના સહયોગીઓને કહી ત્યારે સહયોગીઓએ રાજીવને એમ કહ્યું હતું કે પ્રણવ મુખરજી વરિષ્ઠતાના આધારે વડા પ્રધાન બનવા ઈચ્છે છે. તેથી એ પછી કોઈ વ્યક્તિને કાર્યપાલક વડા પ્રધાન બનાવવામાં આવી નથી.
રાજીવ ગાંધીએ ચોથી નવેમ્બરે પૂર્ણકાલીન વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. એક મહિના પછી ચૂંટણી યોજાઈ હતી અને રાજીવ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસે અભૂતપૂર્વ સફળતા મેળવી હતી. દેશમાં એક જ પક્ષના 400થી વધુ સાંસદોને ચૂંટી કાઢવામાં આવ્યા હોય તેવી તે એકમાત્ર ચૂંટણી બની હતી.
આ બધી ઘટનાઓ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે ઇંદિરા ગાંધીના મૃત્યુ સમયે ગુલઝારીલાલ નંદા કૅબિનેટમાં ન હતા. એ સમયે પ્રધાનમંડળમાં પણ એવી કોઈ વ્યક્તિ ન હતી, જે થોડા સમય માટે વડા પ્રધાનપદ સંભાળી શકે અને પછી કૉંગ્રેસના અન્ય નેતાને સરળતાથી સોંપી શકે. ગુલઝારીલાલ નંદા એ કરી શક્યા હતા, પણ બીજું કોઈ કરશે તેની ખાતરી ન હતી.
ખૂબ જ સાદું જીવન
ગુલઝારીલાલ નંદાએ 1977થી 1998 સુધી કોઈ પણ રાજકીય કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો. તેઓ તેમનાં પુત્રી પુષ્પાબહેન નાયક સાથે અમદાવાદમાં રહેતા હતા. 1998ની 15 જાન્યુઆરીએ તેમનું અવસાન થયું હતું. મૃત્યુ પછી તેમનો સામાન રાખવા માટે એક પેટી પૂરતી છે, એવું તેમણે મીડિયાને કહ્યું હતું.
પુષ્પાબહેને તેમના પિતાની સ્મૃતિ 'ઇન્ડિયા ટુડે' સાથે શૅર કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમના પુત્ર તેજસે તેના નાનાજી ગુલઝારીલાલને ભગવાન શ્રીકૃષ્ણનું એક ચિત્ર ભેટ આપ્યું હતું.
પહેલાં તો નાનાજીએ તેજસનાં વખાણ કર્યાં હતાં, પણ પછી પૂછ્યું હતું કે આ ચિત્ર બનાવવા માટેનો કોરો કાગળ ક્યાંથી મળ્યો? 'આ કાગળ તમારી ઓફિસમાંથી લીધો છે,' એવું તેજસે કહ્યું ત્યારે તેઓ ગુસ્સે થયા હતા. તેમણે તેજસ માટે અલગથી કાગળો મંગાવ્યા હતા અને તેને આપ્યા હતા.
તેમને ભ્રષ્ટાચાર બાબતે સખત ચીડ હતી અને કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર તેમને સ્વીકાર્ય ન હતો. તેમણે આજીવન ગાંધીવાદી સિદ્ધાંતોનું પાલન કર્યું હતું.
બે વખત કાર્યવાહક વડા પ્રધાન બન્યા બાદ પણ તેઓ વડા પ્રધાન શા માટે બનવા માગતા ન હતા, તેની વાત પુષ્પાબહેને 'ઇન્ડિયા ટુડે'ને કરી હતી.
પુષ્પાબહેને કહ્યું હતું, “તેઓ માનતા હતા કે કાર્યવાહક વડા પ્રધાન બનવું એ તેમની ફરજનો એક ભાગ હતું. બીજીવાર કાર્યવાહક વડા પ્રધાન બન્યા ત્યારે કૅબિનેટમાંના ઘણા લોકોએ તેમને વડા પ્રધાન બનેલા રહેવા કહ્યું હતું, પરંતુ તેઓ સત્તાના ખેલથી કાયમ દૂર રહ્યા હતા.”
ગુલઝારીલાલ નંદા કહેતા હતા કે ગાંધીજીના સિદ્ધાંતોથી વિચલિત થવું એ તમામ ભ્રષ્ટાચારનું મૂળ છે. તેમણે માત્ર એવું કહ્યું જ ન હતું, તેનું આચરણ પણ કર્યું હતું. તેથી જ કદાચ તેમના બૅન્ક એકાઉન્ટમાં થોડાક હજાર રૂપિયાથી વધારે રકમ ક્યારેય રહી ન હતી.