મોરારજી દેસાઈઃ ઇંદિરા ગાંધી સામે પડનારા એ ગુજરાતી જે ભારતના પ્રથમ બિનકૉંગ્રેસી વડા પ્રધાન બન્યા

    • લેેખક, નામદેવ કાટકર
    • પદ, બીબીસી સંવાદદાતા

પહેલો પ્રસંગઃ જવાહરલાલ નહેરુના સચિવ એમ. ઓ. મથાઈ તેમના દોસ્તો સાથે એક વખત કુતુબ મિનાર જોવા ગયા હતા.

તેમના એક મિત્રએ કુતૂહલવશ મથાઈને પૂછ્યું, "વ્યક્તિ તરીકે મોરારજી દેસાઈ કેવા છે?"

મથાઈ કહ્યું, "સામે લોખંડનો થાંભલો દેખાય છેને. તેને ગાંધી ટોપી પહેરાવો એટલે તમારી સામે મોરારજી દેસાઈ સાકાર થશે. શરીર અને દિમાગ બંને અર્થમાં ખૂબ જ સાદા, સંયમી અને કઠોર છે."

બીજો પ્રસંગઃ નહેરુએ એક વખત મથાઈને કહ્યું હતું કે ભારતીય રાજકારણમાં તેમનો જે બે સૌથી પ્રામાણિક વ્યક્તિ સાથે પનારો પડ્યો હતો તે પૈકીના એક પુરુષોત્તમદાસ ટંડન અને બીજા મોરારજી દેસાઈ હતા.

વાસ્તવમાં નહેરુને છેલ્લા સમયગાળા દરમિયાન મોરારજી દેસાઈ સાથે બહુ જામતું ન હતું. તેમ છતાં નહેરુ આવું માનતા હતા.

મોરારજી દેસાઈના વ્યક્તિત્વની ઝલક આપવા માટે આ બે ઘટનાઓ ઉપયુક્ત છે.

મોરારજી દેસાઈ ભારતના છઠ્ઠા વડા પ્રધાન હતા. તેમનું રાજકીય અને અંગત જીવન ખૂબ જ રસપ્રદ છે.

સૌથી લાંબા સમય સુધી જાહેર જીવનમાં સક્રિય રહેલા આ રાજનેતા ‘કામરાજ પ્લાન’નો ભોગ બન્યા હતા. ઇંદિરા ગાંધી સાથેના જોરદાર મતભેદ, 82 વર્ષની વયે વડા પ્રધાન બનવું અને સ્વમૂત્રના પ્રયોગો વગેરે જેવી અનેક બાબતો માટે તેમની કારકિર્દી તથા અંગત જીવન ભારતીયોના સ્મરણમાં છે.

તેઓ નહેરુ-ગાંધી પરિવાર સાથે આજીવન સંઘર્ષમાં રહ્યા હતા. ઇંદિરા ગાંધીએ તેમની પ્રથમ કૅબિનેટમાંથી મોરારજી દેસાઈને નાણાપ્રધાન તરીકે દૂર કર્યા પછી સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો હતો. પછી કટોકટી બાદ મોરારજીભાઈ વડા પ્રધાન બન્યા હતા.

મોરારજી દેસાઈની રસપ્રદ સફર પર આપણે આ લેખમાં નજર નાખીએ છીએ.

મોરારજી દેસાઈ વહીવટી નોકરી છોડી આઝાદીની લડતમાં જોડાયા

મોરારજી દેસાઈનો જન્મ 1896માં થયો હતો. તારીખ હતી 29 ફેબ્રુઆરી. લીપ યરમાં જન્મ થયો હોવાને લીધે દર ચાર વર્ષે તેમનો જન્મદિવસ આવે. આ કારણે આચાર્ય અત્રેએ સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ દરમિયાન તેમની જન્મતારીખની ટીકા પણ કરી હતી. મોરારજીભાઈ માટેનો કાર્યક્રમ મુંબઈના વેપારીઓ વધારે પડતા ઉત્સાહથી યોજી રહ્યા હતા. એ બાબત આચાર્ય અત્રેની નજરમાંથી છટકી ન હતી. મોરારજી દેસાઈ સંયુક્ત મહારાષ્ટ્રના વિરોધી હતી. તેથી અત્રે તેમનાથી નારાજ હતા અને તક મળતી ત્યારે મોરારજીભાઈની ટીકા કરતા હતા.

મોરારજીભાઈનો જન્મ ગુજરાતના ભડેલી ગામમાં થયો હતો. એ વખતે આ ગામ બૉમ્બે પ્રાંત હેઠળ આવતું હતું.

મોરારજી 15 વર્ષના હતા ત્યારે તેમણે પિતાનું છત્ર ગુમાવ્યું હતું. ગુજરાતમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા પછી તેઓ મુંબઈની વિલ્સન કૉલેજમાં ભણવા આવ્યા હતા. એ માટે તેમને ભાવનગર સંસ્થા તરફથી શિષ્યવૃત્તિ મળી હતી.

ભણતા હતા ત્યારે જ એટલે 1911માં ગજરાબહેન સાથે તેમનાં લગ્ન થયાં. 1917માં કૉલેજ શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેઓ બૉમ્બે પ્રાંતની વહીવટી સેવામાં જોડાયા હતા.

વહીવટી સેવામાં સ્થાયી થયા ત્યારે દેશમાં આઝાદીની ચળવળ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આગળ વધી રહી હતી. આ બધી ઘટનાઓથી મોરારજીભાઈ પ્રભાવિત થયા હતા અને તેમણે 1930માં વહીવટી સેવા છોડીને સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાવાનું નક્કી કર્યું હતું.

તેઓ 1931માં ગુજરાત પ્રાંતીય કૉંગ્રેસના સચિવ તરીકે ચૂંટાયા પછી તેમણે જાહેર જીવનમાં પાછું વળીને ક્યારેય જોયું ન હતું.

તેમણે 1952થી 1956 સુધી બૉમ્બે પ્રાંતના મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી. તેમણે બૉમ્બે પ્રાંતના મહેસૂલ પ્રધાન, કૃષિ પ્રધાન અને વન પ્રધાન તરીકે પણ કામ કર્યું હતું.

1957થી શરૂ કરીને 1977માં વડા પ્રધાન બન્યા ત્યાં સુધી તેઓ લોકસભામાં ચૂંટાતા રહ્યા હતા.

1950-60ના દાયકામાં મોરારજી દેસાઈએ મહારાષ્ટ્રના લોકોના જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેનું કારણ તેમણે કરેલો મુંબઈ સહ સંયુક્ત મહારાષ્ટ્રનો વિરોધ હતું.

મુંબઈ સાથે સંયુક્ત મહારાષ્ટ્ર માટે મોટું આંદોલન થયું હતું. એ સમયે મોરારજીભાઈ મુંબઈને ગુજરાત સાથે જોડવાની તરફેણમાં હતા. તેનાથી મહારાષ્ટ્રના લોકોમાં તેમના પ્રત્યે રોષની લાગણી જન્મી હતી.

1958થી તેઓ કેન્દ્રમાં પ્રધાનપદ સંભાળવા લાગ્યા હતા. ટી. ટી. કૃષ્ણમાચારીના રાજીનામા પછી મોરારજી દેસાઈને 1963 સુધી નાણાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.

જોકે, 1963માં તેમણે કેબિનેટ છોડવી પડી હતી. તેનું કારણ હતો ‘કામરાજ પ્લાન.’

‘કામરાજ પ્લાન’નો ભોગ બન્યા મોરારજી દેસાઈ

તામિલનાડુના મુખ્યપ્રધાન કે. કામરાજે 1963માં એક યોજના રજૂ કરી હતી. તે યોજનાનો ઉદ્દેશ્ય કૉંગ્રેસના વરિષ્ઠ પ્રધાનો રાજીનામાં આપે અને સંગઠન માટે કામ કરે તેવો હતો. આ યોજના બાદમાં કામરાજ પ્લાન તરીકે જાણીતી થઈ હતી.

આ યોજના હેઠળ મોરારજી દેસાઈ, જગજીવન રામ, લાલ બહાદુર શાસ્ત્રી અને સ. કા. પાટિલ જેવા કેન્દ્રીય પ્રધાનો તથા તત્કાલીન કૉંગ્રેસશાસિત રાજ્યોના ઘણા મુખ્યપ્રધાનોએ પણ રાજીનામાં આપ્યાં હતાં.

આ કામરાજ પ્લાન બાબતે મોરારજી દેસાઈનાં મંતવ્યો કંઈક અલગ અને વિવાદાસ્પદ હતાં. તેમણે આ યોજનાને ‘નહેરુનું કાવતરું’ ગણી હતી.

નહેરુએ તેમનાં પુત્રી ઇંદિરા ગાંધીના માર્ગમાં અવરોધરૂપ બને એવા નેતાઓને કામરાજ પ્લાન વડે દૂર કર્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

મોરારજી દેસાઈએ તેમની આત્મકથા ‘ધ સ્ટોરી ઑફ માય લાઇફ’ના બીજા ખંડમાં કામરાજ પ્લાન બાબતે પોતાનું મંતવ્ય નોંધ્યું છે.

મોરારજીભાઈએ લખ્યું છે, "મે-જૂન 1963માં લોકસભા સ્થગિત થયા બાદ નેહરુ કાશ્મીર ગયા હતા. તેમની સાથે બીજુ પટનાયક હતા."

"એ વખતે પહેલાં પટનાયકે આ યોજના બાબતે તેમને વાત કરી હતી. એ પછી કે. કામરાજે 1963માં પોતાની યોજના રજૂ કરી હતી."

તદુપરાંત મોરારજીભાઈએ નહેરુને સીધું જ કહ્યું હતું કે કામરાજ પ્લાનમાં જે બાબતો છે તે તેનાથી સંસ્થામાં તમારા બાબતે શંકા સર્જાશે.

મોરારજીભાઈએ તેમની આત્મકથામાં એક સ્વતંત્ર પ્રકરણ લખીને કામરાજ પ્લાન બાબતે શંકા વ્યક્ત કરી છે.

ઇંદિરા ગાંધી સાથે દુશ્મની, નાયબ વડા પ્રધાનપદ ગુમાવ્યું

પંડિત નહેરુના સ્થાને કોને વડા પ્રધાન બનાવવા એ બાબતે ચર્ચા શરૂ થઈ ત્યારે મોરારજી દેસાઈનું નામ સામે આવ્યું હતું. જોકે, લાલ બહાદુર શાસ્ત્રીને વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

એ પછી લાલ બહાદુર શાસ્ત્રીના નિધન બાદ વડા પ્રધાન તરીકે ફરી મોરારજીભાઈનું નામ ચર્ચાયું હતું. એ સમયે મોરારજી દેસાઈ કૉંગ્રેસના કેન્દ્રીય નેતાઓમાં પણ વરિષ્ઠ નેતા હતા. મોરારજીભાઈ પોતે પણ વડા પ્રધાનની ખુરશી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. અલબત, તે પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

તેમને પક્ષમાંથી જરૂરી ટેકો મળ્યો ન હતો. તેથી વડા પ્રધાનપદની લડાઈમાં ઇંદિરા ગાંધીએ બાજી મારી લીધી હતી.

મોરારજી દેસાઈ પક્ષના વરિષ્ઠ નેતાઓ પૈકીના એક હતા. તેમને વડા પ્રધાનપદ ન મળ્યું, પરંતુ તેમને મહત્ત્વના પદ પરથી હટાવવાનું શક્ય ન હતું. તેથી ઇંદિરા ગાંધીએ તેમને નાયબ વડા પ્રધાન બનાવ્યા હતા અને તેમને નાણાપ્રધાનપદ આપ્યું હતું.

જોકે, થોડા દિવસમાં જ ઇંદિરા ગાંધી અને મોરારજી દેસાઈ વચ્ચે મતભેદો સર્જાવાનું શરૂ થયું હતું.

રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં એ મતભેદ જાહેરમાં જોવા મળ્યા હતા. વરિષ્ઠ પત્રકાર ઇંદર મલ્હોત્રાએ આ ઘટના બાબતે જણાવ્યું હતું.

રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં એક રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાને વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને એક સવાલ પૂછ્યો હતો.

ઇંદિરા ગાંધી એ સવાલનો જવાબ આપતાં હતાં ત્યારે મોરારજી દેસાઈએ તેમને અટકાવ્યાં હતાં અને કહ્યું હતું કે આ સવાલનો જવાબ હું સારી રીતે આપી શકું છું.

બાદમાં પી.એન. હકસરે બીબીસીના પત્રકાર રેહાન ફઝલને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય વિકાસ પરિષદની આ ઘટના વખતે જ ઇંદિરા ગાંધીએ નક્કી કરી લીધું હતું કે મોરારજી દેસાઈનું સ્થાન પ્રધાનમંડળમાં હશે નહીં.

એ પછી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર, બૅન્કોના રાષ્ટ્રીયકરણ અને રજવાડાઓનાં સાલિયાણાં જેવા મુદ્દે ઇંદિરા ગાંધી તથા મોરારજી દેસાઈ વચ્ચે મતભેદ સર્જાયા હતા. મતભેદ એટલા તીવ્ર બન્યા હતા કે ઇંદિરા ગાંધીએ મોરારજીભાઈને નાણાપ્રધાનપદેથી હટાવવાનો નિર્ણય કર્યો હતો.

એ નિર્ણય પછી મોરારજીભાઈએ ઇંદિરા ગાંધીને પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓ નાયબ વડાપ્રધાન તરીકે વધુ કામ કરવા ઇચ્છુક નથી. એ સાથે તેમણે નાયબ વડા પ્રધાનપદેથી પણ રાજીનામું આપી દીધું હતું.

કટોકટી પછી મોરારજી દેસાઈ બન્યા વડા પ્રધાન

1977માં કટોકટી પછીની ચૂંટણીમાં ઇંદિરા ગાંધીનો પરાજય થયો હતો અને જનતા પાર્ટી સત્તા પર આવી ત્યારે મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા હતા.

ભૂતપૂર્વ વડા પ્રધાન ઇંદર કુમાર ગુજરાલે 2004માં બીબીસી હિન્દી માટે એક લેખ લખ્યો હતો. તેમાં વડા પ્રધાન તરીકે મોરારજી દેસાઈની પસંદગી બાબતે વાત કરવામાં આવી હતી.

ગુજરાલે લખ્યું હતું, "અનેક વિચારધારાઓ અને નાના-મોટા પક્ષોને એકત્ર કરીને જનતા પાર્ટીની રચના કરવામાં આવી હતી. પોતપોતાના મતભેદો બાજુ પર મૂકીને બધા સાથે આવ્યા હતા. વડા પ્રધાનપદ માટે ચર્ચા શરૂ થઈ ત્યારે જગજીવન રામ, ચૌધરી ચરણ સિંહ અને મોરારજી દેસાઈનાં નામો સામે આવ્યાં હતાં. જનતા પાર્ટીમાં જયપ્રકાશ નારાયણનો શબ્દ મહત્ત્વનો ગણાતો હતો અને તેમને મોરારજી દેસાઈ પસંદ હતા. તેથી મોરારજીભાઈ વડા પ્રધાન બન્યા હતા."

રેહાન ફઝલે પત્રકાર કુલદીપ નય્યરનો ઇન્ટરવ્યુ કર્યો હતો. એ વખતે એક સવાલના જવાબમાં નય્યરે જણાવ્યું હતું કે જનતા પાર્ટીમાં જગજીવન રામને વધુ સમર્થન હતું. માત્ર જયપ્રકાશ નારાયણ એવું માનતા હતા કે જગજીવન રામે સંસદમાં કટોકટીનો પ્રસ્તાવ રજૂ કર્યો હોવાથી તેમને વડા પ્રધાન બનાવવા શક્ય નથી.

આમ તો જનતા પાર્ટીની રચના થઈ ત્યારથી જ આંતરિક કલહ ચાલી રહ્યો હતો. ચૌધરી ચરણ સિંહ પણ વડા પ્રધાન બનવા ઇચ્છતા હતા. ઇંદર કુમાર ગુજરાલે લખ્યું હતું કે 1979માં કૉંગ્રેસે ચૌધરી ચરણ સિંહ અને હેમવતી નંદન બહુગુણાને ઉશ્કેર્યા હતા.

એ પછી મધુ લિમયેએ બેવડા સભ્યપદ(જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)નો મુદ્દો ઉઠાવ્યો હતો.

આવા અનેક કારણો નિમિત્ત બન્યાં અને મોરારજી દેસાઈની સરકાર ભાંગી પડી હતી. બિન-કૉંગ્રેસી સરકાર બનાવવાનો પહેલો પ્રયાસ નિષ્ફળ સાબિત થયો હતો.

આમ મોરારજી દેસાઈ માત્ર બે જ વર્ષ વડાપ્રધાન રહ્યા હતા. જોકે, એ દરમિયાન તેમણે લીધેલા કેટલાક નિર્ણયોની આજે પણ પ્રશંસા કરવામાં આવે છે. એ પૈકીની એક વિદેશ નીતિ છે.

‘ભારત રત્ન’ અને ‘નિશાન-એ-પાકિસ્તાન’

મોરારજી દેસાઈ ભારતના એવા પ્રથમ વડા પ્રધાન છે, જેમને ભારત તથા પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતે તેમને ‘ભારત રત્ન’ પુરસ્કાર એનાયત કર્યો હતો, જ્યારે પાકિસ્તાને તેમને ‘નિશાન-એ-પાકિસ્તાન’ ઍવૉર્ડથી નવાજ્યા હતા.

પાકિસ્તાને મોરારજી દેસાઈને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપ્યો તેનું કારણ મોરારજીભાઈની વિદેશ નીતિ છે.

મોરારજીભાઈએ વડા પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ભારત-પાકિસ્તાનની મૈત્રીને મજબૂત કરવાના પ્રયાસ કર્યા હતા.

કેન્દ્રમાં જનતા પાર્ટી સત્તા પર આવી પછી મોરારજી દેસાઈએ અટલ બિહારી વાજપેયીને ભારતના વિદેશ પ્રધાન બનાવ્યા હતા. વાજપેયીએ ભારત-પાકિસ્તાન મૈત્રીનો માર્ગ મોકળો કર્યો હતો અને તેના કારણે બંને દેશ વચ્ચે 17 વર્ષ પછી ક્રિકેટ સ્પર્ધા શરૂ થઈ હતી.

વરિષ્ઠ પત્રકાર અને લેખક રાશિદ કિદવાઈએ તેમના પુસ્તક ‘ભારત કે પ્રધાન મંત્રી’માં નોંધ્યું છે, "મોરારજી દેસાઈ વડા પ્રધાન હતા ત્યારે તેમણે કાશ્મીર સમસ્યાના નિરાકરણની યોજના બનાવી હતી. મોરારજીભાઈ પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ જનરલ ઝિયા ઉલ-હક સાથે આ માટે કરાર પણ કરવાના હતા."

"ઝિયાની ઇચ્છા હતી કે તેની જાહેરાત તેઓ ભારતની મુલાકાતે આવે ત્યારે કરવી જોઈએ. આ બધું થાય તે પહેલાં મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતા પાર્ટી સરકાર તૂટી પડી હતી."

વિદેશી બાબતોના ઘણા નિષ્ણાતો માને છે કે કાશ્મીર સમસ્યાના નિરાકરણ માટે પાકિસ્તાન સાથે કરાર કરવાની એ છેલ્લી તક હતી.

મોરારજી દેસાઈએ જ્યારે કહ્યું ‘આઈ બિલીવ ઇન ડુઈંગ થિંગ્સ રાઇટ’

મોરારજી દેસાઈ ખરેખર ગાંધીવાદી હતા. મહાત્મા ગાંધીની પ્રેરણાથી તેમણે વહીવટી નોકરી છોડીને સ્વાતંત્ર્ય ચળવળના અગ્નિકુંડમાં ઝંપલાવ્યું હતું અને તત્કાલીન બૉમ્બે કોંગ્રેસમાં સક્રિય થયા હતા.

કૉંગ્રેસમાં શરૂઆતથી સક્રિય મોરારજીભાઈ જમણેરી વિચારધારા ધરાવતા હતા. બાદમાં તેઓ વડા પ્રધાન બન્યા ત્યારે તેમની નીતિઓમાં પણ આ પ્રભાવ જોવા મળ્યો હતો.

જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન ભારત સામ્યવાદી વિચારધારાને લીધે સોવિયેટ સંઘ તરફ ઝુક્યું હતું. તેમાંથી ‘અલિપ્તતાવાદી’ નીતિના પગરણ થયાં હતાં. જોકે, મોરારજીભાઈ એ નીતિને અનુસર્યા ન હતા. એ સમયે ભારતીય નીતિ સંદર્ભે અસ્પૃશ્ય ગણવામાં આવતા મૂડીવાદી અમેરિકા સાથે મૈત્રી માટે તેમણે પગલાં લીધાં હતાં.

એ સમયે અમેરિકાની મુલાકાત દરમિયાન મોરારજીભાઈ વૉશિંગ્ટનમાં અમેરિકાના તત્કાલીન પ્રમુખ નિક કાર્ટરને મળ્યા હતા. એ ઉપરાંત 1978માં કાર્ટરને ભારતના પ્રવાસ માટે પણ નોતર્યા હતા.

મોરારજીભાઈની નીતિ અમેરિકા સાથે જોડાણ કરવાની હતી, પરંતુ તેમણે રાષ્ટ્રહિતને કોરાણે મૂક્યું ન હતું.

પરમાણુ હથિયારો વિશેની ચર્ચા દરમિયાન મોરારજી દેસાઈએ અમેરિકાનું દબાણ સ્વીકાર્યું ન હતું.

તેમના પર જમણેરી નેતા હોવાનો આક્ષેપ કાયમ થતો રહ્યો હતો.

એકવાર આ આક્ષેપ બાબતે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે આપેલો જવાબ તેમના હાજરજવાબીપણાનો પુરાવો હતો. મોરારજીભાઈ કહ્યું હતું, "હા, હું જમણેરી છું, કારણ કે હું યોગ્ય કામ કરવામાં માનું છું." (યસ, આઈ એમ રાઇટિસ્ટ, ઇન ધ સેન્સ ધૅટ આઈ બિલીવ ઇન ડુઈંગ થિંગ્સ રાઇટ)

સ્વમૂત્રના પ્રયોગો

મોરારજીભાઈની એક અન્ય બાબતે બહુ ચર્ચા થઈ હતી અને તે હતી સ્વમૂત્રના પ્રયોગો. તેઓ પોતાનું મૂત્ર પીતા હતા એટલું જ નહીં, તે પીવાની હિમાયત પણ કરતા હતા. તેમની આ દલીલ મોટા ભાગના ભારતીયોના ગળે ઊતરી ન હતી.

આ વિશેનો એક કિસ્સો ભારતીય ગુપ્તચર સંસ્થા RAW'ના ભૂતપૂર્વ અધિકારી બી. રમણે ‘કાઉ બૉયઝ ઑફ રૉ’ પુસ્તકમાં નોંધ્યો છે.

મોરારજી દેસાઈ 1978માં ફ્રાન્સ સરકારના મહેમાન તરીકે ગયા હતા. એ વખતે આર. ડી. સાઠે ફ્રાન્સમાં ભારતના રાજદૂત તરીકે કામ કરતા હતા. મોરારજીભાઈ સાઠેના ઘરે રોકાયા હતા.

મોરારજીભાઈ ફ્રાન્સના પ્રવાસેથી ભારત પરત આવ્યા પછી સાઠે તેમના ઘરમાં બેઠા હતા ત્યારે નોકર તેમના માટે ગ્લાસમાં દારૂ લાવ્યો હતો. સાઠેએ તેમનાં પત્નીને પૂછ્યું હતું, "તમે નવા ગ્લાસ લાવ્યા છો?"

સાઠેનાં પત્નીએ કહ્યું, "મોરારજી દેસાઈ સ્વમૂત્ર પીવા માટે કયો ગ્લાસ વાપરતા હતા તેની મને ખબર ન હતી એટલે મેં જૂના બધા ગ્લાસ ફેંકી દીધા."

મોરારજીભાઈનું જીવન આવી વાતોથી ભરેલું છે. 1995ની દસમી એપ્રિલે તેમનું અવસાન થયું ત્યારે તેઓ આયુષ્યના 100માં વર્ષમાં હતા.