ડૉ. મનમોહનસિંહ : ભારતના એ PM જેમણે 'બોલીવૂડના હીરોની માફક' આવીને દેશને ડૂબતો બચાવી લીધો

    • લેેખક, ગણેશ પોલ
    • પદ, બીબીસી સંવાદદાતા

‘માના કી તેરી દીદ કે કાબિલ નહીં હું મૈં, તૂ મેરા શોક દેખ, મેરા ઇંતેજાર દેખ.’

2011માં સંસદના બજેટ સત્ર દરમિયાન તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહ અને દિવંગત ભાજપ નેતા સુષ્મા સ્વરાજ વચ્ચે દલીલો થઈ રહી હતી. ત્યારે ડૉ.સિંહે સંસદમાં આ પંક્તિઓ બોલીને તેમના પર પ્રહાર કર્યો હતો. સંસદમાં મનમોહનસિંહનો આવો અંદાજ જવલ્લે જ જોવા મળ્યો છે. તેમની આ પંક્તિઓ પર સુષમા સ્વરાજ પણ હસવું રોકી નહોતાં શક્યાં.

ડૉ. મનમોહનસિંહ વિશે એવું કહેવાતું રહ્યું છે કે દેશને એવા વડા પ્રધાન મળ્યા જેઓ ચૂપ રહે છે. અનેકવાર તેમનું મૌન દેશને ખટકતું હતું.

યુપીએ-1 અને યુપીએ-2 સરકારના કાર્યકાળ દરમિયાન પ્રણવ મુખરજી કે પી. ચિદંબરમ જેવા અનેક કેન્દ્રીય મંત્રીઓ સરકાર તરફથી પોતાનો પક્ષ રજૂ કરતા હતા. પરંતુ ડૉ. સિંહ હંમેશાં ચૂપ રહેતા ન હતા. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે તેમણે મોટાં મોટાં ભાષણો આપવાને બદલે સંયમિતરૂપે જવાબ દેવાનું પસંદ કર્યું હતું.

વડા પ્રધાન પદ છોડ્યા બાદ ડૉ. સિંહે સપ્ટેમ્બર 2021માં એકવાર હિંમતપૂર્વક કહ્યું હતું કે તેઓ ‘ચૂપ રહેનાર વડા પ્રધાન’ નથી.

“મારે મારા કામની મોટી ડિંગો મારવાની જરૂર નહોતી. તમે જોયું હશે કે હું ક્યારેય મારી કારકિર્દીમાં મીડિયા સાથે વાત કરતા ડર્યો નથી. હું પત્રકારોને નિયમિતરૂપે મળતો હતો. મેં સમયે-સમયે વિદેશયાત્રાઓ કરી છે અને પાછા ફરતી વખતે અમે વિમાનમાં જ પત્રકારપરિષદ કરતા હતા અથવા તો વિમાન દિલ્હી ઊતરે ત્યારે અમે ઍરપૉર્ટ પર જ પત્રકારો સાથે વાત કરતા હતા.”

આમ કહીને ડૉ. મનમોહનસિંહે પરોક્ષરૂપે વડા પ્રધાન મોદીને ટોણો માર્યો હતો.

યુપીએ-2 સરકાર દરમિયાન ડૉ. મનમોહનસિંહના પ્રદર્શનની ખૂબ ટીકાઓ થઈ હતી. ભાજપ તેમના પર આરોપ લગાવતો હતો કે વડા પ્રધાન-કાર્યાલયનું રિમોટ કંટ્રોલ સોનિયા ગાંધી પાસે છે. ડૉ. સિંહની રાજકીય તાકાત પર પણ ખૂબ સવાલો ઉઠ્યા હતા. પરંતુ વડા પ્રધાન મનમોહનસિંહે જાન્યુઆરી 2014માં કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા માટે તેમની સરકારે કરેલાં કામને ચોક્કસપણે ઇતિહાસમાં નોંધવામાં આવશે.

તેમણે ગ્રૅજ્યુએશન પછીનું ભણતર કૅમ્બ્રિજ અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી પૂર્ણ કર્યું હતું. ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર, કેન્દ્રીય નાણામંત્રાલયના સચિવ, યોજના આયોગના ઉપાધ્યક્ષ, દેશના નાણામંત્રી અને અંતે વડા પ્રધાન પદ સુધી પહોંચેલા ડૉ.મનમોહનસિંહની યાત્રા જવલ્લે જ જોવા મળે તેવી છે.

તે સિવાય તેમણે ઈન્દિરા ગાંધી પછીના સાત વડા પ્રધાન સાથે કામ કર્યું છે. તેમની સફર કેવી રહી તે વિશે જાણીએ આ લેખમાં.

બાળપણમાં માનું મૃત્યુ થઈ ગયું, વિભાજન પછી ઘર છોડી દીધું

મનમોહનસિંહનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગાહ ગામમાં 26 સપ્ટેમ્બર, 1932ના રોજ થયો હતો.

મનમોહનસિંહ નાના હતા ત્યારે તેમનાં માતાનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારે મનમોહનસિંહની ઉંમર માત્ર થોડા મહિનાઓ જ હતી. તેમના પિતા કાયમ કામના કારણે બહાર રહેતા હતા. પછી તેઓ તેમના કાકાને ત્યાં રહેવા જતા રહ્યા. તેમના દાદીએ તેમની સારી સારસંભાળ લીધી હતી. ડૉ.મનમોહનસિંહના મીડિયા સલાહકાર રહેલા સંજય બારુએ તેમના પુસ્તક ‘ધી ઍક્સિડૅન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં તેનો ઉલ્લેખ કર્યો છે.

તેમના પૈતૃક ઘરે કોઈ શાળા કે પ્રાથમિક આરોગ્યકેન્દ્ર ન હતું. મનમોહનસિંહને ઉર્દૂ માધ્યમની શાળામાં ભણવા જવા માટે દરરોજ અનેક માઇલ ચાલીને જવું પડ્યું હતું. ગામમાં વીજળી ન પહોંચી ત્યાં સુધી મનમોહનસિંહ રાતે તેલના દીવા નીચે ભણતા હતા. તેઓ બાળપણથી જ સતત ભણતા હતા અને શાંત સ્વભાવના મનમોહનસિંહ ખૂબ હોંશિયાર હતા.

વરિષ્ઠ પત્રકાર માનિની ચેટરજીએ બીબીસીને જણાવ્યું, "1947ના ભાગલા પછી મનમોહનસિંહ તેમના પરિવાર સાથે પાકિસ્તાનથી ભારત આવ્યા. અહીં આવ્યા પછી તેઓ સૌપ્રથમ હલ્દવાની(ઉત્તરાખંડ)માં શરણાર્થી શિબિરમાં રોકાયા. ભાગલાને કારણે તેઓ પાકિસ્તાનમાં બૉર્ડની પરીક્ષામાં હાજર રહ્યા ન હતા. તેથી, ભારત આવ્યા પછી તેમણે બૉર્ડની પરીક્ષા આપી હતી. તેઓ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ પંજાબ યુનિવર્સિટી પણ ગયા હતા."

ડૉ. મનમોહનસિંહ કેન્દ્રીય નાણામંત્રી બન્યા ત્યાર પછી ચેટરજીએ કહ્યું કે એક વિસ્તૃત ઇન્ટરવ્યૂમાં તેમણે બાળપણની યાદ તાજા કરી હતી.

ભારત આવ્યા બાદ પણ મનમોહનસિંહની ઘરની પરિસ્થિતિઓ ખરાબ હતી. શરણાર્થી-શિબિરમાં પહોંચ્યા પછી તેઓ અમૃતસર, હોંશિયારપુર, પટિયાલા અને ચંદીગઢમાં પણ રહ્યા હતા.

ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી. જોકે, પંજાબ યુનિવર્સિટીમાં તેમનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેઓ અર્થશાસ્ત્રમાં ઉચ્ચ અભ્યાસ માટે કૅમ્બ્રિજ યુનિવર્સિટી અને ઑક્સફર્ડ યુનિવર્સિટી ગયા હતા. તેની પાછળ એક ખૂબ અગત્યનું કારણ હતું. તેમને સ્કૉલરશિપ મળી હતી.

“હું કેમ્બ્રિજ કે ઑક્સફર્ડ જવાની સ્થિતિમાં ન હતો. પણ ભારત આવ્યા પછી મેં સારો અભ્યાસ કર્યો. નસીબજોગે મને શિષ્યવૃત્તિ પણ મળી." આ વાત ડૉ. મનમોહન સિંહે અમેરિકન પત્રકાર ચાર્લી રૉઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહી છે.

ડૉ. સિંહે આ ઇન્ટરવ્યૂ સપ્ટેમ્બર 2004માં આપ્યો હતો જ્યારે તેઓ યુએનજીએની જનરલ ઍસેમ્બલી માટે અમેરિકામાં હતા.

ભારત શા માટે ગરીબ છે? મનમોહનસિંહે એક વખત એમ પણ કહ્યું હતું કે આ સમજવા માટે તેમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું. ગરીબ પરિવારમાંથી આવતાં ડૉ. સિંહ મૂડીવાદના સમર્થક છે. તેઓ માને છે કે દેશના સર્વાંગી વિકાસ માટે મૂડીવાદની જરૂર છે.

1991માં જ્યારે તેઓ કેન્દ્રીય નાણામંત્રી હતા ત્યારે દેશની અર્થવ્યવસ્થા ડૉ. સિંહે વિશ્વ સમક્ષ ખુલ્લી મૂકી દીધી અને દેશમાં ઉદારવાદનો પવન ફૂંકાવા લાગ્યો.

આ અંગે પત્રકાર ચાર્લી રૉઝે સિંહને પૂછ્યું હતું કે, "તમે આટલી નબળી પરિસ્થિતિમાંથી આવ્યા છો. તમે હજુ પણ મૂડીવાદ અને મુક્ત બજારમાં કેમ માનો છો? ભારતમાં ઘણી ગરીબી અને અસમાનતા છે. તમે સમાજવાદને કેમ અપનાવ્યો નથી? "

ડૉ. સિંહે જવાબ આપતાં કહ્યું કે, "આર્થિક સમાનતા એવી વસ્તુ છે જેના વિશે આપણે સતત ચિંતિત રહીએ છીએ. મારા મત મુજબ મૂડીવાદમાં ઘણી ગતિશીલતા જોવા મળી છે. તેનાથી ગરીબી નાબૂદીમાં મદદ મળી શકે છે."

રાજકારણમાં આવ્યા એ પહેલાં

ઑક્સફર્ડમાં પીએચડી પૂર્ણ કર્યા બાદ ડૉ. સિંહે પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. 1971માં તેઓ ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા. ત્યાંથી તેમણે સરકાર માટે કામ કરવાનું શરૂ કર્યું.

1972માં તેમને નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે બઢતી આપવામાં આવી હતી.

સિંહે પ્લાનિંગ કમિશનના ડેપ્યુટી ચૅરમૅન, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર, વડા પ્રધાનના સલાહકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષના હોદ્દા પણ સંભાળ્યા છે.

ડૉ. મનમોહનસિંહની રાજકારણમાં આવ્યા એ પાછળની કહાણી અતિશય દિલચસ્પ છે. આ 1991ના ઉનાળાની વાત છે. એ સમયે ભારતમાં એવી ઘટનાઓ ઘટી હતી કે જેવી કોઈ રાજકીય થ્રિલર ફિલ્મમાં બનવી જોઈએ. ડૉ. સિંહ આ બધી ઘટનાઓને નજરે જોનારા સાક્ષી હતા.

ચંદ્રશેખરની સરકાર પડી અને આ પછી લોકસભા ચૂંટણીપ્રચાર દરમિયાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. ચૂંટણી પછી નરસિંમ્હારાવ વડા પ્રધાન બન્યા.

આ દિવસોમાં ભારત નાદારીની અણી પર હતું. ભારતની તિજોરીમાં વિદેશમાંથી બળતણ, ખાતર અને અન્ય ચીજવસ્તુઓ આયાત કરવા માટે માત્ર બે અઠવાડિયાં પૂરતું વિદેશી હૂંડિયામણ જ હતું.

એક તરફ અખાતના દેશોમાં યુદ્ધના કારણે તેલના ભાવ આસમાને આંબી રહ્યા હતા. તો બીજી તરફ ભારતના નબળા આર્થિક વ્યવસ્થાપનને કારણે 1990ના દાયકાની શરૂઆતમાં નાણાકીય કટોકટી આવી હતી.

તેના કારણે વિદેશમાંથી કોઈ લોન ન મળી. પછી બે અઠવાડિયાં પછી પણ કેન્દ્ર સરકાર અને રિઝર્વ બૅંક ઑફ ઈન્ડિયા સમક્ષ પ્રશ્ન ઊભો થયો કે દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે ચલાવવી. બિનનિવાસી ભારતીયોએ પણ ભારતમાંથી 900 મિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચી લીધું હતું.

જો વિદેશી હૂંડિયામણની વ્યવસ્થા ન કરાઈ હોત તો જુલાઈ 1991 પછી દેશની આયાત બંધ થઈ ગઈ હોત.

તત્કાલીન વડા પ્રધાન નરસિંમ્હા રાવને સમજાયું કે દેશ સામેની આર્થિક વિપત્તિને ઉકેલવા માટે વિશેષ અર્થશાસ્ત્રીની નિમણૂક કરવાની જરૂર છે.

તેમણે તરત જ નાણામંત્રીપદ માટે ઉમેદવાર શોધવાનું શરૂ કર્યું. તેઓ એ પણ જાણતા હતા કે હવે આ પદ પર રાજકારણની બહારના કોઈ વ્યક્તિની નિમણૂક થવી જોઈએ. તેમની સામે બે નામ આવ્યાં. એક હતા આઈ. જી પટેલ અને બીજા હતા ડૉ. મનમોહનસિંહ.

નરસિંમ્હા રાવ ડૉ.મનમોહનસિંહના નામ પર લાગેલી મહોરની જાણકારી સી. ઍલેક્ઝાન્ડરને આપી.

ઍલેક્ઝાન્ડર એ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન વડા પ્રધાનના મુખ્ય સચિવ હતા. ઍલેક્ઝાંડરે પોતાની આત્મકથા 'થ્રુ ધ કૉરિડૉર્સ ઑફ પાવર'માં આ ઘટના વિશે લખ્યું છે.

સવારે ઍલેક્ઝાંડરે ડૉ.સિંહને જગાડ્યા અને કહ્યું કે તેઓ દેશના નાણામંત્રી બનવા જઈ રહ્યા છે.

જેમ બોલિવૂડ ફિલ્મોમાં હીરો કટોકટીના સમયે પ્રવેશ કરે છે તે રીતે જાણે કે ડૉ.મનમોહન સિંહે દેશના નાણામંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને ભારતની અર્થવ્યવસ્થાને દુનિયા માટે મુક્ત કરી દીધી.

1991ની શરૂઆતમાં દેશને નાદારીમાંથી બચાવવા માટે સરકાર પાસે તેનું સોનું ગીરવે મૂકવાની નોબત આવી ગઈ હતી. ત્યાર પછી ભારતની આર્થિક સ્થિતિમાં સુધારો થયો અને ડિસેમ્બર 1991ના અંત સુધીમાં ભારત સરકારે જામીન તરીકે ગીરવે મૂકેલું તમામ સોનું પાછું મેળવી લીધું.

ડૉ. સિંહે સીધા જ નાણામંત્રી બનીને સંસદીય રાજકારણમાં પોતાના ડગ માંડ્યા.

ચૂંટણી પછી મનમોહનસિંહે દેશનું બજેટ રજૂ કર્યું. ત્યારબાદ તેમણે ફ્રાન્સના મહાન લેખક અને રાજનીતિજ્ઞ વિક્ટર હ્યુગોના એક પ્રસિદ્ધ વિધાન સાથે તેમનું ભાષણ સમાપ્ત કર્યું હતું.

“પૃથ્વી પર કોઈ શક્તિ એ વિચારને રોકી નથી શકતી કે જેનો સમય આવી ગયો છે.”

ભારતે અર્થવ્યવસ્થાને મુક્ત કરી દીધી છે અને હવે આપણો દેશ જોરદાર આર્થિક પ્રગતિ કરવા તરફ આગળ વધી રહ્યો છે. તેનો મતલબ એ છે કે દુનિયાની કોઈ પણ તાકાત આપણને રોકી શકે તેમ નથી.

24 જુલાઈ, 1991ના રોજ ભારતે પોતાની અર્થવ્યવસ્થાને દુનિયા માટે ખોલી દીધી.

નવી આર્થિક નીતિઓએ આજે ભારતને 2024 સુધી 3 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવી દીધી છે. આજે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

ડૉ. મનમોહનસિંહના વડા પ્રધાન બનવાની ઇનસાઇડ સ્ટોરી

વર્ષ 2004 હતું. દિલ્હીમાં હજુ ઉનાળો હતો. અટલ બિહારી વાજપેયી સરકાર લોકસભા ચૂંટણીમાં હારી ગઈ હતી.

કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી વડા પ્રધાન બનશે તેવી ચર્ચા સર્વત્ર ચાલી રહી હતી. ભાજપ અને ખાસ કરીને સુષ્મા સ્વરાજે તેનો સખત વિરોધ કર્યો હતો.

સ્વરાજે ચેતવણી આપી હતી કે, "જો કોઈ વિદેશી વ્યક્તિ 60 વર્ષ પછી ફરી ભારત આવશે અને રાજ કરશે તો હું મારા વાળ કપાવીશ, સેન્ડલ નહીં પહેરું, માત્ર સફેદ સાડી જ પહેરીશ, જમીન પર ઊંઘીશ અને ચણા ખાઈને જીવીશ."

કૉંગ્રેસના નેતાઓએ ભાજપના વિરોધને એટલી ગંભીરતાથી લીધો ન હતો. સોનિયા ગાંધી સાથી પક્ષોના વરિષ્ઠ નેતાઓને મળી રહ્યા હતા. તેઓ ગઠબંધન સરકાર બનાવવા માટે વિવિધ પક્ષો વચ્ચે ગોઠવણ કરી રહ્યા હતા. પરંતુ એક ઘટના બાદ તેમણે નક્કી કરી લીધું કે તેઓ વડા પ્રધાન નહીં બને. 17મી મે, 2004નો દિવસ હતો. દિલ્હીમાં સોનિયા ગાંધીના અધિકૃત નિવાસસ્થાન 10, જનપથમાં બપોરે એક ઘટના બને છે.

એ પછી યુપીએ સરકારના નેતૃત્ત્વમાં અચાનક ફેરબદલ થાય છે. એ દિવસે નટવરસિંહ મનમોહનસિંહને શોધતાં શોધતાં 10, જનપથ પહોંચે છે.

સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહનસિંહ અને સુમન દુબે 10 જનપથ ખાતે સોનિયા ગાંધીના સત્તાવાર બંગલાના હૉલમાં સૉફા પર બેઠા હતા. ત્યારબાદ રાહુલ ગાંધી ત્યાં આવ્યા અને સૌની સામે સોનિયાને સંબોધીને કહ્યું કે, “મા, હું તને વડાં પ્રધાન નહીં બનવા દઉં. મારા પિતાની હત્યા કરવામાં આવી હતી. મારી દાદીની હત્યા કરવામાં આવી હતી. જો તમે વડાં પ્રધાન બનશો તો આગામી છ મહિનામાં તમારી પણ હત્યા થઈ શકે છે.”

સોનિયા ગાંધીના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી.

રાહુલ ગાંધીએ સોનિયાને 24 કલાકનો સમય આપ્યો હતો. “જો તમે મારી વાત નહીં સાંભળો તો હું આત્યંતિક પગલાં લઈશ” રાહુલ આમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા.

આ પછી સોનિયાની આંખોમાં પાણી આવવા લાગ્યું અને હૉલમાં મૌન છવાઈ ગયું. પછીની 15-20 મિનિટ સુધી કોઈ બોલ્યું નહીં.

આ દરમિયાન નટવરસિંહે સોનિયાને કહ્યું, “અંદરના રૂમમાં જાઓ, અમે આગળની બાબતો જોઈ લઈશું,"

નટવરસિંહે આ ઘટના વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીને કહી હતી. તેમણે આ ઘટનાનો ઉલ્લેખ પોતાના પુસ્તક ‘હાઉ પ્રાઈમ મિનિસ્ટર્સ ડિસાઈડ’માં કર્યો છે.

નટવરસિંહ પ્રમાણે રાહુલ ગાંધીની કડક ચેતવણીને કારણે સોનિયા ગાંધીએ વડાં પ્રધાન ન બનવાનો નિર્ણય કર્યો. એક મા તરીકે સોનિયા ગાંધી તેમના પુત્રની આ ચિંતાને અવગણી શકે તેમ ન હતાં.

એ જ દિવસે સોનિયા ગાંધીએ 10 જનપથ પર વરિષ્ઠ કૉંગ્રેસી નેતાઓની બેઠક બોલાવી હતી. રાહુલ સાથે બનેલી આ ઘટના પછી સોનિયા ભારે મન સાથે આ બેઠકમાં ગયાં. નટવરસિંહ અને મનમોહનસિંહ બંને તેમની સાથે ગયા.

પ્રણવ મુખરજી, શિવરાજ પાટીલ, ગુલામનબી આઝાદ, એમ.એલ. ફોતેદાર, અહેમદ પટેલ અને અન્ય આગેવાનોએ આ બેઠકમાં હાજરી આપી હતી.

"મેં મનમોહનસિંહને વડા પ્રધાનપદ સ્વીકારવા વિનંતી કરી છે." સોનિયા ગાંધીએ આવતાંની સાથે જ આની જાહેરાત કરી હતી. આ પછી તરત જ સર્વત્ર મૌન છવાઈ ગયું.

તે દરમિયાન ડૉ. મનમોહનસિંહે કહ્યું, “મૅડમ, હું તમારા પ્રસ્તાવ માટે આભારી છું. પરંતુ મારી પાસે બહુમતી ન હોવાથી હું તેને સ્વીકારી શકતો નથી.”

તે સમયે નટવરસિંહે દરમિયાનગીરી કરી હતી. "મનમોહનસિંહને ના પાડવાનો કોઈ અધિકાર નથી. કારણ કે જેની પાસે બહુમતી છે તેણે તમને ઑફર કરી છે."

બીજા જ દિવસે 18 મે, 2004ના રોજ સોનિયા ગાંધી અને મનમોહનસિંહ તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને મળ્યાં. બીજા જ દિવસે મનમોહનસિંહના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી.

આ સિવાય અટલ બિહારી વાજપેયીએ પણ સોનિયાને વડા પ્રધાનપદ ન સ્વીકારવાની સલાહ આપી હતી. રાજકારણ ઉપરાંત સોનિયા ગાંધી અને અટલ બિહારી વાજપેયી વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો હતા.

કૉંગ્રેસની જીત બાદ સોનિયા ગાંધીએ વાજપેયીને ફોન કરીને તેમનાં આશીર્વાદ લીધાં હતાં. પછી તેમણે કહ્યું, 'તમને મારાં આશીર્વાદ હંમેશાં રહેશે. પરંતુ તે તાજ પહેરશો નહીં. તેનાથી દેશમાં અશાંતિ ફેલાશે.’

વિરોધીઓ દ્વારા સોનિયા ગાંધીના વિદેશી મૂળનો ઉઠાવેલો મુદ્દો અને રાહુલ ગાંધીએ તેમની માતાને આપેલી ચેતવણીને કારણે મનમોહનસિંહ 2004માં વડા પ્રધાન બન્યા હતા.

નાણાકીય ગોટાળામાં ફસાઈ કારકિર્દી

મે 2004માં ડૉ. મનમોહન સિંહે દેશના ચૌદમા વડા પ્રધાન તરીકે ચાર્જ સંભાળ્યો.

ભારતે આગામી પાંચ વર્ષમાં ઝડપી આર્થિક પ્રગતિ કરી. દેશનો આર્થિક વિકાસ દર 7થી 8 ટકા સુધી પહોંચી ગયો હતો.

યુપીએ-1 ના કાર્યકાળ દરમિયાન કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં મનરેગા, માહિતીનો અધિકાર, શિક્ષણનો મૂળભૂત અધિકાર જેવા લોકલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા. પરંતુ મનમોહનસિંહના વડા પ્રધાન તરીકેના કાર્યકાળને ભારત-અમેરિકા નાગરિક પરમાણુ કરાર દરમિયાન પ્રથમ વખત પડકારવામાં આવ્યો હતો.

પરમાણુ કરાર દરમિયાન વિપક્ષો સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. ડાબેરી પક્ષોએ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો. જોકે, મનમોહનસિંહ સરકાર બચી ગઈ અને ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક નાગરિક પરમાણુ કરાર પર હસ્તાક્ષર થયા હતા.

આ સિવાય વધુ એક બાબત માટે મનમોહનસિંહનો પ્રથમ કાર્યકાળ ઐતિહાસિક માનવામાં આવે છે. તેમના કાર્યકાળ દરમિયાન ખેડૂતોની આ સૌથી મોટી લોન માફી હતી. મનમોહનસિંહે યવતમાલ આવીને એ નિર્ણયની જાહેરાત કરી હતી.

કેટલાક રાજકીય વિશ્લેષકો કહે છે કે તેમના નિર્ણયને કારણે જ યુપીએ સરકાર ફરી સત્તામાં આવી હતી. પરંતુ મનમોહનસિંહનો બીજો કાર્યકાળ તોફાની રહ્યો. તે નાણાકીય કૌભાંડોથી પણ ભરેલો રહ્યો.

આ દરમિયાન અણ્ણા હજારેએ ભ્રષ્ટાચારવિરોધી આંદોલન શરૂ કર્યું. દિલ્હીમાં એક યુવતી પર ચાલતી બસમાં સામૂહિક બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ પછી દેશભરમાં વિરોધ થયો હતો.

મનમોહનસિંહ વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી તરીકે જાણીતા છે પરંતુ ત્યારે તેમની કારકિર્દી દરમિયાન રાજકીય નિયંત્રણ ગુમાવવાને કારણે નાણાકીય કૌભાંડો અટકાવી ના શકાયાં હોવાના આરોપસર એમની ટીકા થઈ હતી.

ડૉ. સિંહ ક્યારેય ચૂંટણી જીત્યા નથી. પરંતુ તેઓ વિશ્વભરમાં પ્રખ્યાત અર્થશાસ્ત્રી તરીકે પ્રખ્યાત છે. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા જેવા વિશ્વ નેતાઓએ પણ તેમની પ્રશંસા કરી છે.