You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આધુનિક ભારતના શિલ્પી નહેરુ જ આજની તમામ સમસ્યા માટે જવાબદાર છે?
- લેેખક, તુષાર કુલકર્ણી
- પદ, બીબીસી મરાઠી
કાગળની ઓરડીમાં પ્રકાશ લઈ જતો રેંકડીવાળો.
મેં પૂછ્યું : "તમે આ પ્રકાશને કઈ તરફ લઈ જઈ રહ્યા છો?"
"આગળ કાળો અંધકાર હશે ત્યાં પ્રકાશ લઈ જઈ રહ્યો છું."
નહેરુ ગયા એ વખતની કથા.
મરાઠી કવિ નારાયણ સુર્વેએ 1964ની 27 મેએ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુનું મૃત્યુ થયું પછી આ પંક્તિઓ લખી હતી. તેમણે આ શબ્દોમાં એ સમયની લોકોની લાગણી વ્યક્ત કરી હતી.
નહેરુનો જાદુ કાશ્મીરથી કન્યાકુમારી અને આસામથી ગુજરાત સુધી જનતા પર છવાયેલો હતો. એ સમયે ભારતમાં મહાત્મા ગાંધી પછી આટલી લોકપ્રિય વ્યક્તિ બીજી કોઈ ન હતી. દેશની આઝાદી પછી મધરાતે બાર વાગ્યે તેમણે આપેલું ‘ટ્રાઇસ્ટ વિથ ડેસ્ટિની’ ભાષણ ઘણા લોકોએ મોઢે કરી લીધું હતું.
તેઓ બાહ્ય આવરણ વિનાનું પરંપરાગત શેરવાની જૅકેટ પહેરતા હતા, જે બાદમાં નહેરુ જૅકેટ તરીકે જાણીતું થયું હતું અને આજે પણ વિખ્યાત છે.
પંડિત નહેરુ દેશમાં સૌથી લાંબો સમય સેવા આપનારા વડા પ્રધાન છે. તેઓ સતત 16 વર્ષ સુધી વડા પ્રધાન રહ્યા હતા, પરંતુ તમે જાણો છો કે વડા પ્રધાન તરીકે બે ટર્મ પૂર્ણ કર્યા પછી પંડિત નહેરુ વડા પ્રધાનપદે રહેવા ઇચ્છતા ન હતા? પછી એવું તે શું થયું કે તેઓ વધુ પાંચ વર્ષ, મૃત્યુ સુધી વડા પ્રધાન રહ્યા?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેરળ લિટરેચર ફેસ્ટિવલમાં ભાષણ કરતાં કૉંગ્રેસના સાંસદ અને ‘નહેરુઃ ઇન્વેન્શન ઑફ ઇન્ડિયા’ પુસ્તકના લેખક શશિ થરૂરે કહ્યું હતું, "પંડિત જવાહરલાલ નહેરુએ 1958માં રાજીનામું આપ્યું હતું અને થોડા મહિનાઓ માટે હિમાલય જવાનો નિર્ણય કર્યો હતો. દેશની આટલી સેવા કર્યા પછી નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે અને બીજા કોઈએ આ જવાબદારી ઉપાડવી જોઈએ, એવું તેમણે એક પત્ર લખીને કૉંગ્રેસ કારોબારીને જણાવ્યું હતું."
"વડા પ્રધાન નહેરુએ રાજીનામું આપ્યું હતું, પરંતુ તેમનું રાજીનામું સ્વીકારવા કોઈ તૈયાર ન હતું. ભારતીય કૉંગ્રેસના નેતાઓ, દેશની જનતા અને અમેરિકા તથા રશિયાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખોએ નહેરુને રાજીનામું ન આપવા કહ્યું હતું."
"ચારે બાજુથી દબાણ આવવાને કારણે પંડિત નહેરુએ તેમનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો. તેમણે છ મહિના માટે હિમાલયમાં રજાઓ ગાળવાની યોજના બનાવી હતી, પરંતુ માત્ર 15 દિવસમાં પાછા આવીને ફરીથી વડા પ્રધાનપદની જવાબદારી પોતાના ખભા પર લેવી પડી હતી."
આના પરથી નહેરુની લોકપ્રિયતા અને લોકોના મનમાંની તેમની છબીનો ખ્યાલ આવી શકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલાં તેમના ભાષણમાં નહેરુનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ભારતના પતન માટે નહેરુ જવાબદાર છે.
નહેરુ દેશમાં સર્વાધિક ચર્ચિત રાજકીય નેતા બની ગયા છે.
આટલાં વર્ષો પછી તેમના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર અને ચર્ચામાં રહે છે. તેમની તરફેણમાં અને વિરુદ્ધમાં બોલનારાઓની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં છે. આ તેમની પ્રાસંગિકતા દર્શાવે છે. તેમનું વ્યક્તિત્વ કેવું હતું તે જાણવાનો પ્રયાસ આ લેખમાં કરવામાં આવ્યો છે.
પંડિત નહેરુનું બાળપણ
આપણે લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પંડિત નહેરુના વ્યક્તિત્વની ચર્ચા કરતા હોઈએ તો સવાલ થાય કે તેમના બાળપણની વાત શા માટે કરવી જોઈએ? કહેવાય છે કે તમારે કોઈ વ્યક્તિને સમજવી હોય તો તેનું બાળપણ સમજવું પણ એટલું જ જરૂરી છે.
પંડિત નેહરુએ તેમના બાળપણ વિશે તેમના જ શબ્દોમાં જણાવ્યું છે. તેમણે તેમના બાળપણને ‘અનઇવેન્ટફુલ’ ગણાવ્યું હતું.
જવાહરલાલના પિતા મોતીલાલ નહેરુ અલાહાબાદ હાઈકોર્ટમાં વકીલાત કરતા હતા. તેઓ તેમના વ્યવસાય અને રાજકારણ બન્નેમાં સફળ હતા. જવાહરલાલ અને તેમનાં ભાઈ-બહેનો વચ્ચે ઘણું અંતર હતું. એ સમયે ઘરમાં તેમની વયનું કોઈ ન હતું.
એ વખતે તેઓ મોટા પિતરાઈ ભાઈઓ સાથે ગપસપ કરતા હતા. એટલે કે માત્ર તેઓની વાત સાંભળતા હતા. તેથી એ સમયની પરિસ્થિતિ અને તે બાબતે નહેરુ શું માનતા હશે તેની કલ્પના કરી શકાય.
એ સમયે અંગ્રેજ સરકારના અધિકારીઓ ભારતીયો સાથે ભેદભાવ કરતા હતા. નહેરુના મનમાં ચીડ વધતી જઈ રહી હતી.
અલાહાબાદના બગીચાઓમાં અંગ્રેજો અને અન્ય લોકોને બેસવા માટે અલગ-અલગ બૅન્ચો હતી. બ્રિટિશ બૅન્ચ પર બેસવાની છૂટ ભારતીયોને નહોતી. નહેરુએ તેમની આત્મકથામાં લખ્યું છે કે આ વાતથી તેમને લાગી આવ્યું હતું.
જવાહરલાલને ભણાવવા માટે એક શિક્ષક તેમના ઘરે આવતા હતા. તેમને નાનપણથી ભણવાનું ગમતું હતું. પાઠ્ય પુસ્તકોની સાથે અન્ય પુસ્તકો વાંચવાનું પણ તેમને ગમતું હતું. અરેબિયન નાઇટ્સ, રામાયણ, મહાભારત ઉપરાંત બાળપણમાં જ તેમણે વિવિધ લોકકથાઓ પણ વાંચી લીધી હતી. અલાહાબાદની ગંગા-જમની સંસ્કૃતિનો પ્રભાવ તેમનામાં નાનપણથી જ જોવા મળતો હતો.
તેને લીધે જ તેઓ આગળ જતાં ધર્મનિરપેક્ષતા અને સર્વધર્મસમભાવના મૂલ્યો વિશે વાત કરતા તેમજ એ મૂલ્યોને જીવતા જોવા મળ્યા હતા. દિવાળી હોય, જન્માષ્ટમી હોય, મોહરમ હોય કે ઈદ હોય, તેઓ તમામ તહેવારોમાં સહભાગી થતા હતા.
તેમણે કહ્યું હતું કે ઘરમાં પુરુષો ધાર્મિક સ્વભાવના ન હતા, પરંંતુ મહિલાઓ ભક્તિભાવથી પૂજા કરતી હતી.
વધુ શિક્ષણ માટે તેઓ ઇંગ્લૅન્ડ ગયા હતા. તેમણે ઇંગ્લૅન્ડની હૅરો બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.
તેઓ 20 વર્ષની વયે કૅમ્બ્રિજમાંથી સ્નાતક થયા હતા. યુનિવર્સિટીમાં તેઓ વિદ્યાર્થીઓની રાજકીય ચર્ચામાં ભાગ લેતા હતા. ત્યાં દુનિયાભરની રાજનીતિ અને ઘટનાઓની ચર્ચા થતી હોવાને લીધે વિશ્વ પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ વિકસિત થયો હતો.
ઇંગ્લૅન્ડના ચિંતકોના વિજ્ઞાનનિષ્ઠ અભિગમથી તેઓ પ્રભાવિત થયા હતા અને તે દૃષ્ટિકોણ તેમણે આગળ જતાં વિકસાવ્યો હતો એ આપણે જોઈ શકીએ છીએ.
ગ્રેજ્યુએશન પછી શું કરવું તે સવાલ તેમની સામે આવ્યો હતો. તેમની પાસે સનદી પરીક્ષા આપવાનો વિકલ્પ હતો, પરંતુ એ માટે વધુ ત્રણ-ચાર વર્ષ રાહ જોવી પડે તેમ હતું.
એ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીની વય 23 વર્ષની હોવી જરૂરી હતી. તેથી ત્રણ વર્ષ રાહ જોવાનું અને પછી પરીક્ષા આપવાનું તેમને યોગ્ય લાગ્યું ન હતું.
બ્રિટિશ શાસન પ્રત્યે રોષ હોવા છતાં આઈસીએસ પરીક્ષા આપવાનું તેમને એ સમયે યોગ્ય જણાયું ન હતું. આ વિચારથી પાછળથી આવ્યો હોવાનું તેમણે કબૂલ્યું હતું.
છેવટે તેમણે તેમના પિતાના વ્યવસાયમાં જોડાવાનું નક્કી કર્યું હતું અને કાયદાનો અભ્યાસ કર્યો હતો. તેમણે એક પછી એક પરીક્ષા પાસ કરી હતી.
તેમના કહેવા મુજબ, કાયદાનો અભ્યાસ મુશ્કેલ ન હતો. તેથી હું કોઈ મુશ્કેલી વિના પાસ થતો રહ્યો હતો, પરંતુ આ પરીક્ષામાં મને કોઈ દિવ્ય સફળતા મળી ન હતી.
1912માં ભારત પરત આવ્યા પછી નહેરુએ તેમના પિતા સાથે પ્રેક્ટિસ શરૂ કરી હતી. તે સમયે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હતું અને દેશના રાજકારણમાં લોકમાન્ય ટિળક, એની બેસન્ટ તથા ગોપાલકૃષ્ણ ગોખલેનું વર્ચસ્વ હતું.
લોકમાન્ય ટિળક અને ગોખલે પ્રત્યે તેમને આદર હતો તથા રાજકારણ તેમને આકર્ષક લાગતું હતું. તેમના પિતા પણ રાજકારણમાં સક્રિય હતા. તેઓ વિવિધ સભાઓમાં હાજરી આપતા હતા.
મહાત્મા ગાંધી સાથે તેમની મુલાકાત 1916માં થઈ હતી. મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના લોકો માટે કરેલાં કાર્યો અને ચંપારણ સત્યાગ્રહથી તેઓ વાકેફ હતા.
તેઓ તેમના કામથી પ્રભાવિત થયા હતા. સરોજિની નાયડુના રાષ્ટ્રવાદ વિશેના ભાષણથી તેમને ખ્યાલ આવ્યો હતો કે તેઓ પોતે પણ એક કટ્ટર રાષ્ટ્રવાદી છે.
સ્વાતંત્ર્ય સંગ્રામમાં પંડિત નહેરુનું યોગદાન
નહેરુએ શરૂઆતથી જ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો અને એ અનુભવનો લાભ તેમને વ્યક્તિગત જીવનમાં થયો હતો. એ અનુભવે તેમને સમાજના વિવિધ વર્ગોની સમસ્યાઓ સમજવામાં અને તેના નિરાકરણમાં મદદ કરી હતી.
પંડિત નહેરુએ એક કાર્યકર તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ધીમે ધીમે એક પછી એક આંદોલનોનું નેતૃત્વ કર્યું હતું.
સૌથી વધુ સમય જેલવાસ ભોગવનાર વડા પ્રધાન તરીકે પણ તેમનો ઉલ્લેખ કરવો પડે. દેશની આઝાદી માટે તેમણે નવ વખત જેલમાં જવું પડ્યું હતું.
પ્રથમ કિસાન માર્ચનું આયોજન ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં 1920માં કરવામાં આવ્યું હતું. કોઈ ઉચ્ચ શિક્ષિત યુવાને ખેડૂત આંદોલનમાં ભાગ લીધો હોય એવી તે પહેલી ઘટના ન હતી.
દક્ષિણ આફ્રિકાથી પાછા આવેલા મહાત્મા ગાંધીએ પણ નીલની ખેતી કરતા ખેડૂતો માટે ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો.
ઘણાને આશ્ચર્ય થશે કે પંડિત નહેરુએ પોતાના આંદોલનની શરૂઆત ખેડૂત આંદોલનથી શા માટે કરી હતી?
આ સવાલનો જવાબ તેમની આત્મકથામાંથી મળે છે. નહેરુએ લખ્યું છેઃ "1921 અમારા બધા માટે એક અનોખું વર્ષ હતું. એ સમયગાળામાં રાષ્ટ્રવાદ, રાજકારણ, ધર્મ, રહસ્યવાદ અને ધાર્મિક કટ્ટરતાવાદનું અનોખું મિશ્રણ જોવા મળ્યું હતું. આ બાબતો પાછળ આપણા દેશની કૃષિ સમસ્યાઓ અને મોટાં શહેરોમાં કામદાર વર્ગના આંદોલનનો ઉદય જોઈ શકાય છે."
પંડિત નહેરુની અગ્રતા માત્ર આઝાદી નહીં, પરંતુ સમાજના તમામ વર્ગોનું ઉત્થાન પણ હતી. તેથી તેમણે આઝાદી પૂર્વેના સમયગાળામાં મજૂર અને ખેડૂત આંદોલનોમાં ભાગ લીધો હતો.
1920-22 દરમિયાન અસહકાર ચળવળ દરમિયાન તેમણે બે વખત જેલમાં જવું પડ્યું હતું. 1921-22માં અસહકાર આંદોલન તેની ટોચ પર હતું, પણ ચોરીચૌરા ખાતે આંદોલનકર્તાઓએ એક પોલીસ ચોકીને આગ ચાંપી હતી અને તેમાં 22 પોલીસકર્મીઓ તથા ત્રણ નાગરિકો મૃત્યુ પામ્યા હતા. એ પછી મહાત્મા ગાંધીએ તે આંદોલન પાછું ખેંચી લીધું હતું.
મહાત્મા ગાંધીના આ નિર્ણયથી નહેરુ અને અન્ય કૉંગ્રેસી નેતાઓને દુઃખ થયું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું, "ચોરીચૌરા આંદોલન પાછું ખેંચવાથી કૉંગ્રેસી નેતાઓ નારાજ થયા હતા અને યુવા લોકો વધારે પ્રક્ષુબ્ધ થયા હતા."
નહેરુએ તેમની આત્મકથામાં જણાવ્યું છે, "અમારી બધી આશાઓ ઠગારી નીવડી હતી અને આવી માનસિક પ્રતિક્રિયા સ્વાભાવિક હતી. સૌથી વધુ દુઃખદાયક બાબત આંદોલન રોકવાનું કારણ અને આંદોલન પછીની ઘટનાઓ હતી."
તે આંદોલન મહાત્મા ગાંધીએ અટકાવ્યું હતું. પંડિત નહેરુએ ગાંધીજીનું નેતૃત્વ સ્વીકાર્યું હતું, પરંતુ આંદોલન અટકાવી દેવા બદલ તેમણે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી.
એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે આપણે આઝાદી મેળવવા અહિંસાનો માર્ગ અપનાવ્યો છે, પરંતુ આ માર્ગની ફિલસુફી અને આચરણમાં દેખીતી રીતે જ કંઈ ખામી છે.
તેમણે ગાંધીજી સામે પોતાનું વલણ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કર્યું હતું.
સાથે જ તેમણે એ જોયું હતું કે ગાંધીજીનો અહિંસાનો સિદ્ધાંત શું છે, તેમાં શું સામેલ છે અને તેની પાછળની ફિલસૂફી શું છે. એ પછી તેમણે ગાંધીજીના નેતૃત્વ હેઠળના આંદોલનમાં પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરી દીધા હોય તેવું લાગે છે.
આંદોલનમાં ભાગ લેવાની સાથે તેમણે કૉંગ્રેસના રાજકારણમાં પણ સક્રિય ભાગ લીધો હતો. તેમણે કૉંગ્રેસના મહામંત્રી તરીકે કામ કર્યું હતું. તેમણે વિવિધ દેશોનો પ્રવાસ કરીને ભારતની ભૂમિકા વિશ્વ સમક્ષ રજૂ કરી હતી.
દેશને આઝાદી મળી પછી તેઓ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન બન્યા હતા. તેમણે આપેલા પંચસૂત્રને આજે પણ આપણી વિદેશ નીતિનો પ્રાણ ગણવામાં આવે છે. તેના બીજ તેમણે એ સમયગાળામાં કરેલા પ્રવાસમાં રોપાયાં હતાં.
પંડિત નહેરુ 1929માં કૉંગ્રેસના લાહોર અધિવેશનમાં અધ્યક્ષ બન્યા હતા. અગાઉ કૉંગ્રેસની માગ સેલ્ફ ગવર્નન્સની હતી, પરંતુ તેમના નેતૃત્વમાં તે માગ બદલીને પૂર્ણ સ્વરાજ તથા સ્વાતંત્ર્યની કરવામાં આવી હતી.
કૉંગ્રેસમાં અને આઝાદીની ચળવળના ઇતિહાસમાં નહેરુના નેતૃત્વ દરમિયાન આ મોટો ફેરફાર જોવા મળે છે.
તેમણે મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળનાં તમામ આંદોલનોમાં ભાગ લીધો હતો. તેમનાં કાર્યો અને વિચારોનો પ્રસાર વિવિધ માધ્યમોથી કર્યો હતો.
ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ શરૂ કર્યો. તેનાથી સામાન્ય માણસના જીવન અને જરૂરિયાતનો મુદ્દો તો સામે આવ્યો જ, પરંતુ તેણે એ દર્શાવ્યું કે સામાન્ય માણસનો પ્રશ્ન સ્વાતંત્ર્ય ચળવળના હાર્દમાં હોઈ શકે છે.
આ આંદોલનમાં કૉંગ્રેસ તેની પૂરી તાકાત સાથે ઊતરી હતી. આંદોલન દરમિયાન પંડિત નહેરુએ ઘણીવાર જેલમાં જવું પડ્યું હતું. જેલવાસ દરમિયાન તેમણે વિપુલ લેખન કર્યું હતું.
તેમણે 1935માં જેલમાં રહીને તેમની આત્મકથા પૂર્ણ કરી હતી અને તેનું પ્રકાશન 1936માં થયું હતું.
એ આત્મકથા તેમની સ્મૃતિઓ અને ઘટનાઓનો સંગ્રહ જ નથી, પરંતુ તેને સ્વાતંત્ર્ય પૂર્વેના યુગને સમજવા માટેનો એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે.
તેમણે મહાત્મા ગાંધીએ શરૂ કરેલા વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. પ્રથમ સત્યાગ્રહી વિનોબા ભાવે હતા જ્યારે પંડિત નહેરુ બીજા સત્યાગ્રહી હતા. બાદમાં તેમણે ભારત છોડો આંદોલનમાં પણ ભાગ લીધો હતો. ભારત છોડો આંદોલન વખતે તેમને અહેમદનગરની જેલમાં રાખવામાં આવ્યા હતા.
ભારત છોડો આંદોલન શિખર પર હતું ત્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ સેનાની સ્થાપના કરી હતી. આઝાદ હિંદ સેનાના ઘણા અધિકારીઓને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને તેમની સામે રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો હતો.
પંડિત નહેરુએ આઝાદ હિંદ સેનાના અધિકારીઓના વકીલપત્રો લઈને તેમનો બચાવ કર્યો હતો, પરંતુ તેઓ આ કેસ હારી ગયા હતા. જોકે, સુભાષચંદ્ર બોઝને આપેલો ટેકો અને તેમની દેશભક્તિ તેમાં સ્પષ્ટ થાય છે.
પંડિત નહેરુ વડા પ્રધાન કઈ રીતે બન્યા?
તેઓ વડા પ્રધાન બન્યા એ બાબતે અનેક આક્ષેપ અને જાતજાતના વિવાદ સર્જાયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોહપુરુષને પસંદ કરવાને બદલે મહાત્મા ગાંધીએ પંડિત નહેરુને પસંદ કેમ કર્યા હતા તેના વિશે ઘણી ચર્ચા થઈ હતી.
આમાં મજાની વાત એ છે કે નહેરુ અને સરદાર બન્નેના પક્ષે બોલતા લોકો એ વાત સાથે સંમત છે કે એ સમયે સત્તાની ચાવી મહાત્મા ગાંધીના હાથમાં હતી તથા મહાત્મા ગાંધી જે નક્કી કરશે તે જ વડા પ્રધાન બનશે તે સ્પષ્ટ હતું.
મહાત્મા ગાંધીએ સરદારને બદલે નહેરુને પસંદ કેમ કર્યા તેની વાત કરીએ.
પંડિત નહેરુ અને સરદાર પટેલ વચ્ચે અનેક બાબતોમાં મતભેદ હતા, પરંતુ તે મતભેદ સાધ્ય બાબતે નહીં, સાધન બાબતે હતા.
બંને નેતાઓ લોકશાહીવાદી હતી, બંનેને સામાન્ય લોકોના ઉત્થાન માટે સમાન ચિંતા હતી અને બંનેનું નેતૃત્વ સ્વાતંત્ર્ય સંગ્રામની વિવિધ ચળવળોમાં ભાગ લઈને ઘડાયું હતું.
તો પછી એવું તે શું હતું કે જેને લીધે પંડિત નહેરુની પસંદગી થઈ અને તેઓ દેશના પ્રથમ વડા પ્રધાન બન્યા, જ્યારે સરદાર દેશના પ્રથમ ગૃહપ્રધાન બન્યા?
મહાત્મા ગાંધીએ 1929માં જ સ્પષ્ટ કરી દીધું હતું કે નહેરુ તેમના રાજકીય વારસદાર હશે. તે સમયે આઝાદી દેખાતી ન હતી, પરંતુ ગાંધીજીએ તેની વાત કરી દીધી હતી. તેનાં કારણોની મીમાંસા અનેક ઇતિહાસકારોએ કરી છે.
તેમાં એક અભિપ્રાય એવો છે કે પંડિત નહેરુ અંગ્રેજો સાથે વાટાઘાટો કરવામાં, દેશના નાજુક-સંવેદનશીલ મુદ્દાઓને સમજવામાં સક્ષમ સાબિત થયા હતા. માત્ર ભારત જ નહીં, પરંતુ અન્ય દેશો પણ તેમને ઊભરતા નેતા તરીકે જોતા હતા.
નહેરુએ અલિપ્તતાવાદી ચળવળનું નેતૃત્વ કર્યું ત્યારે આ વાત સિદ્ધ થઈ હતી. આ રીતે દેશનું નેતૃત્વ કરનાર નેતા એ પછી ભારતે જ નહીં, દુનિયાએ જોવા મળ્યો નથી. તેનો શ્રેય ગાંધીજીની દૂરંદેશી અને નહેરુના કૌશલ્યને પણ આપવો પડે.
દેશને આઝાદી મળી ત્યારે નહેરુ 56 વર્ષના, જ્યારે સરદાર 71 વર્ષના હતા. ઓછી વયની વ્યક્તિ વડા પ્રધાન બનવી જોઈએ, એવું ગાંધીજી વિચારતા હતા, જે તેમના પત્રવ્યવહાર પરથી જાણવા મળે છે.
મહાત્મા ગાંધીએ સ્વાસ્થ્યની ઉપેક્ષા કરવા બદલ સરદાર પટેલને ઠપકો પણ આપ્યો હતો.
સરદાર કરતાં નહેરુ ચડિયાતા કેમ હતા તેની વાત કરતાં બીબીસી હિંદી માટેના એક લેખમાં પીઢ પત્રકાર તથા લેખક દયાશંકર શુક્લ લખે છે કે મોહમ્મદ અલી ઝીણા સાથે વાટાઘાટ કરવા માટે સરદાર યોગ્ય નેતા હતા, પરંતુ ગાંધીજીએ નહેરુને પસંદ કર્યા હતા.
દયાશંકર શુક્લએ આ લેખમાં મહાત્મા ગાંધીના સમગ્ર સાહિત્યનો સંદર્ભ આપ્યો છે અને કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ મૌલાના આઝાદને લખેલા પત્રનો ઉલ્લેખ કર્યો છે. મહાત્મા ગાંધીએ તે પત્રમાં મૌલાના આઝાદને પ્રમુખપદેથી રાજીનામું આપવા જણાવ્યું હતું.
કૉંગ્રેસના અધ્યક્ષ દેશના રખેવાળ વડા પ્રધાન બનશે એ દેખીતું હતું. તેથી તેમણે આઝાદને પત્ર લખીને પોતાની મનોભાવના વ્યક્ત કરી હતી.
ગાંધીજીએ કોઈ પણ દંભ વિના સ્પષ્ટ લખ્યું હતું, "તમે મારી સલાહ માગશો તો હું જવાહરલાલનું નામ કહીશ. તેનાં ઘણાં કારણો છે, પણ તેનો ઉલ્લેખ કરવાનું મને યોગ્ય લાગતું નથી."
આ પત્ર પછી કૉંગ્રેસમાં એવી વાત ફેલાઈ હતી કે ગાંધીજી નહેરુને વડા પ્રધાન બનાવવા ઇચ્છે છે.
1946ની 29 એપ્રિલે કૉંગ્રેસ કારોબારીના પ્રમુખની પસંદગી થવાની હતી અને એ જ વ્યક્તિ વડા પ્રધાન બનવાની હતી.
કૉંગ્રેસ કારોબારીના પ્રમુખની ચૂંટણી પ્રાંતીય સમિતિના અધ્યક્ષની સંમતિથી કરવાની હતી. 15માંથી 12 પ્રાંતીય સમિતિના પ્રમુખો ઇચ્છતા હતા કે સરદાર કારોબારી સમિતિના અધ્યક્ષ બને.
ગાંધીજીએ કૉંગ્રેસ કારોબારીના પ્રમુખની પસંદગી માટેનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો અને તેમાં સરદાર તથા નહેરુનાં નામ મૂક્યાં હતાં. તમારા નામનો પ્રસ્તાવ કોઈએ મૂક્યો નથી, એવું ગાંધીજીએ નહેરુને પૂછ્યું ત્યારે નહેરુ મૌન રહ્યા હતા. નિર્ણય ગાંધીજીએ લેવાનો હતો. એ માટે ગાંધીજીએ અલગ દરખાસ્ત રજૂ કરી હતી.
સરદારે પોતાનું નામ પાછું ખેંચ્યુ હોત તો ચૂંટણી બિનહરીફ થઈ શકી હોત. ગાંધીજીએ સરદારને આ બાબતે પૂછ્યું હતું અને સરદારે પ્રસ્તાવ પર સહી કરીને પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ વાત કૉંગ્રેસના તત્કાલીન મહામંત્રી આચાર્ય કૃપલાનીએ ‘ગાંધી, હિઝ લાઇફ ઍન્ડ થૉટ’ પુસ્તકમાં નોંધી હોવાનું દયાશંકર શુક્લએ લખ્યું છે.
એ મુજબ, નહેરુ કારોબારીના અધ્યક્ષ બન્યા હતા અને 1947ની 15 ઑગસ્ટે દેશના રખેવાળ વડા પ્રધાન બન્યા હતા.
તેમણે તેમના વિરોધીઓને પ્રથમ પ્રધાનમંડળમાં સામેલ કર્યા હતા. કૉંગ્રેસ અને નહેરુની ટીકા કરતા ડૉ. બાબાસાહેબ આંબેડકરને કૅબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. એવી જ રીતે હિન્દુ મહાસભાના નેતા ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીને પણ કૅબિનેટમાં લેવામાં આવ્યા હતા. બંનેને તેમની શૈક્ષણિક યોગ્યતા અનુસાર પદ આપવામાં આવ્યાં હતાં. તેમની ભૂમિકા એવી હતી કે દેશને જે આઝાદી મળી છે તે માત્ર કૉંગ્રેસની જ નહીં તમામની છે. તેથી તેમણે પોતાના પ્રધાનમંડળમાં અલગ-અલગ પક્ષોના લોકોને સામેલ કર્યા હતા.
નહેરુ પરના આક્ષેપો અને તેમને મળેલો વારસો
પંડિત નહેરુ વડા પ્રધાન બન્યા ત્યારે તેમના ટેકેદારોએ મોટી ઉજવણી કરી ન હતી. તેઓ વડા પ્રધાન બન્યા ત્યારે પરિસ્થિતિ અલગ હતી. મોતીલાલ નહેરુના વારસદાર અને મહાત્મા ગાંધીને રાજકીય વારસદાર હોવાને લીધે તેમને વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેની સાથે તેમને બીજો વારસો પણ મળ્યો હતો.
દેશનું વિભાજન તથા તે પછી થયેલાં હુલ્લડ, પાકિસ્તાનની રચના તથા બંને બાજુએ તંગ પરિસ્થિતિ, મહાત્મા ગાંધીની હત્યા તથા રમખાણો, દેશમાં સાક્ષરતાનું નીચું સ્તર, ગરીબી, બંધારણની રચના, ભાષાવાર પ્રાંતોની રચના, મહિલાઓના અધિકારો વિરોધી પુરુષપ્રધાન માનસિકતા, સિંચાઈના અભાવે કૃષિ સંકટ અને અંગ્રેજોની રવાનગી પછી સિયાચીન પર ચીનનો દાવો વગેરે તેમને વડા પ્રધાનપદની જવાબદારી સાથે મળ્યા હતા.
પંડિત નહેરુના આલોચકો તેમને આ સમસ્યાઓના નિરાકરણ કે વકરવા માટે જવાબદાર ઠેરવે છે એટલું જ નહીં, આ સમસ્યાઓના સર્જક તેઓ જ હતા એમ કહીને એક રીતે તેમના પર આક્ષેપ કરે છે.
આ પૈકીની દરેક સમસ્યા માટે નહેરુને જ જવાબદાર ઠેરવવા હોય તો એ જાણવું પણ જરૂરી છે કે આ સમસ્યાઓ કેવી રીતે સર્જાઈ હતી અને તેનો જવાબ ક્યાં છે.
પંડિત નહેરુના ઘણા નિર્ણયો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેમાંથી મુખ્ય બે – પંડિત નહેરુએ કાશ્મીર મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચાડ્યો તેથી તે વધારે વણસ્યો અને પંડિત નહેરુએ કઠોર વલણ ન લીધું હોવાને કારણે ચીને ભારત સાથે યુદ્ધ કર્યું તથા ભારત હારી ગયું – તે છે. આ બન્ને સવાલોના જવાબ એક વાક્યમાં આપી શકાય તેટલા સરળ છે?
પંડિત નહેરુને આ અને આવી અનેક સમસ્યાઓ માટે જવાબદાર ગણવામાં આવે છે ત્યારે ‘પંડિત નહેરુઃ એક માગોવા’ પુસ્તકના લેખક ડૉ. ન. ગો. રાજુરકર તથા પ્રો. નરહર કુરુન્દકર લખે છે, "આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે ભારતના પ્રથમ વડા પ્રધાન તરીકે નહેરુ સામે વિવિધ સમસ્યાઓ હતી અને દરેક સમસ્યાનું સ્વરૂપ અત્યંત જટિલ અને મુશ્કેલ હતું."
"ભારતની સમસ્યાઓ અચાનક સર્જાઈ ન હતી. તે સદીઓથી એકઠી થઈ હતી. એ પૈકીની ઘણી સમસ્યાઓ 150 વર્ષના બ્રિટિશ શાસન દરમિયાન સર્જાઈ હતી. લોકોની ઇચ્છા ખૂબ જ સરળ અને એક વાક્યમાં તેનો સારાંશ હતો."
લેખકો લખે છે, "તેઓ તમામ પ્રશ્નોનું તાત્કાલિક અને સંતોષકારક નિરાકરણ ઇચ્છતા હતા. કોઈપણ નવા સ્વતંત્ર દેશના લોકો ઇચ્છા આવી આતુર અને જુસ્સાદાર હોય છે. ભારતીયોની અપેક્ષા પણ આવી હતી. આ અપેક્ષા રાખવા માટે લોકોને દોષ દેવાનું કોઈ કારણ નથી."
"એ અપેક્ષાઓ સંતોષવાનું માનવીય શક્યતાની પહોંચ બહાર હતું. નહેરુની મહાનતા એ છે કે તેમણે ભારતની સમસ્યાઓ વિશે આઝાદી પૂર્વેથી વિચારવાનું શરૂ કર્યું હતું અને તેના નિરાકરણ માટે પોતાના મનથી કેટલીક દિશા નક્કી કરી હતી," એવું રાજુરકર અને કુરુંદકરે તેમના પુસ્તકમાં લખ્યું છે.
દેશની પ્રથમ ચૂંટણી
દેશની પ્રથમ ચૂંટણી પહેલાં સરદાર પટેલનું નિધન થયું હતું. તેમનો પત્રવ્યવહાર દર્શાવે છે કે તેમણે રજવાડાઓને એકીકૃત કરવાની ખૂબ જ મુશ્કેલ સમસ્યાને હલ કરી હતી અને આ માટે નહેરુએ તેમને કાયમ વખાણ્યા હતા.
એક ધારણા એવી છે કે નહેરુ દેશના પહેલા વડા પ્રધાન બન્યા હતા, કારણ કે મહાત્મા ગાંધીએ તેમને રખેવાળ વડા પ્રધાન બનાવ્યા હતા, પરંતુ એ પછી 1952, 1957 અને 1962માં નહેરુને નેતૃત્વ હેઠળ યોજાયેલી ત્રણ ચૂંટણીમાં કૉંગ્રેસે લોકસભાની અંદાજે 490 બેઠકોમાંથી અનુક્રમે 364, 371 અને 361 બેઠકો જીતી હતી.
પંડિત નહેરુનો હેતુ માત્ર ચૂંટણી લડવાનો ન હતો, પરંતુ દેશમાં લોકશાહી મૂલ્યો કેળવવાનો, બંધારણનો પ્રચાર-પ્રસાર કરવાનો અને શક્ય તેટલા લોકોને મળવાનો તેમજ તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનો હતો.
એ કામ તેમણે તેમની પ્રચાર સભાઓ થકી કર્યું હતું. તેમની પ્રચાર ઝુંબેશનો સૂર વિરોધીઓ કે અંગ્રેજોને કારણે સર્જાયેલી સમસ્યાઓ વિશેનો ન હતો.
નહેરુ નિર્વિવાદ રીતે લોકપ્રિય હતા અને તેઓ લોકપ્રિય હતા તેનો અર્થ એવો નથી કે તેમણે લોકો રાજી થાય તેવા નિર્ણયો લેવાના હતા. પોતાની લોકપ્રિયતા પર જોખમ સર્જાશે એવું જાણતા હોવા છતાં તેમણે ઘણા કઠોર નિર્ણયો લીધા હતા. તેથી તેમનો મત એવો હતો કે દેશમાં આંતરિક વિભાજનને બદલે રાજ્યો બહુભાષી હોવાં જોઈએ.
તેઓ વર્ષો સુધી આ બાબતે દૃઢ રહ્યા હતા, પરંતુ પોટ્ટી શ્રીરામાલુ અલગ આંધ્ર પ્રદેશની રચના માટેના આમરણાંત ઉપવાસ દરમિયાન મૃત્યુ પામ્યા ત્યારે તેમણે લોકોની ઇચ્છા મુજબ ભાષાવાર રાજ્યોની રચનાને મંજૂરી આપી હતી.
એ ઘટનાના એક વર્ષ પછી દેશમાં પ્રથમ ચૂંટણી યોજાઈ હતી અને કૉંગ્રેસે 364 બેઠકો જીતી હતી.
તે દર્શાવે છે કે દેશના લોકો નહેરુને માત્ર ઘટનાઓના દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ નહેરુના એકંદર વ્યક્તિત્વ, સમાજમાં તેમના વર્તન અને લોકશાહી પ્રત્યેના તેમના પ્રેમના સંદર્ભમાં પણ જોતા હતા.
નહેરુ અને લોકશાહી પ્રત્યેનો તેમનો પ્રેમ
પંડિત નહેરુએ પ્રથમ ચૂંટણીમાં કેવી રીતે પ્રચાર કર્યો હતો તે બાબતે ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ હિન્દુસ્તાન ટાઇમ્સ માટે લખેલા એક લેખમાં જણાવ્યું હતું કે નહેરુએ દેશ સમક્ષની સમસ્યાઓની વાત ક્યારેય કરી ન હતી. ઊલટાનું તેમણે એમ કહ્યું હતું કે દરેક વ્યક્તિ દેશની પ્રગતિ માટે કામ કરે તો દેશની પ્રગતિ શક્ય છે. સાંપ્રદાયિકતા અને તેને લીધે સર્જાતી સમસ્યાઓથી તેમને ચીડ હતી. તેઓ ભારપૂર્વક કહેતા હતા કે ધર્મના નામે કોઈ વ્યક્તિ અન્ય સાથે લડશે તો હું કાયમ એવી પ્રવૃત્તિનો વિરોધ કરીશ. સરકારમાં હોઉં કે બહાર, હું કાયમ આવી શક્તિઓ સામે અડગ રહીશ.
હિંદુ ધર્મની અધોગતિ થઈ રહી હોવાનું જે લોકો કહેતા હતા તેમને તેઓ એવું કહેતા હતા કે દરેક વ્યક્તિની સ્થિતિ સુધારવી એ જ ધર્મનું કામ છે. તેઓ મહિલાઓની સમસ્યાઓથી વાકેફ હતા. પ્રત્યેક વાતમાં ધર્મને વચ્ચે લાવતા લોકોને તેઓ કહેતા કે આ સંકુચિત મનની વિચારસરણી છે. તેનાથી પ્રગતિ ક્યારેય થશે નહીં.
પંડિત નહેરુએ માત્ર ચૂંટણીઓ લડી ન હતી, દેશમાં વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ પણ કર્યું હતું. ભાખરા નાંગલ ડૅમનું સફળ નિર્માણ હોય કે મુંબઈમાં પરમાણુ સંશોધન કેન્દ્રની સ્થાપના હોય કે પછી આઈઆઈટી, આઈઆઈએમ, ઈસ્રો, પંચવર્ષીય યોજના, જાહેર ક્ષેત્રના કારખાના હોય, તેમનાં 16 વર્ષના કાર્યકાળ દરમિયાન આવી અનેક મહત્ત્વાકાંક્ષી યોજનાઓ પાર પાડવામાં આવી હતી.
તેમણે કરેલા આયોજનને આધારે જ આપણા દેશમાં પ્રગતિ જોઈ શકાય છે. તેથી દરેક રાજકીય પક્ષમાં તેમનો આદર કરતા લોકો જોવા મળે છે. વિદેશ મંત્રાલયમાંથી પંડિત નહેરુનો ફોટોગ્રાફ કાઢી નાખવામાં આવ્યો એ વાત જનતા સરકારમાં વિદેશ પ્રધાન રહેલા અટલ બિહારી વાજપેયીની ગમી ન હતી. પંડિત નહેરુનો ફોટોગ્રાફ ક્યાં ગયો, એવો સવાલ તેમણે અધિકારીઓને કર્યો ત્યારે કોઈ જવાબ મળ્યો ન હતો, પણ તસવીર ફરી મૂળ સ્થાને આવી ગઈ હતી.
પંડિત નહેરુ આધુનિક ભારતના સ્થપતિ હતા કે આજની તમામ સમસ્યાઓ માટે જવાબદાર હતા એ બાબતે બંને પક્ષો અનેક દલીલો કરી રહ્યા છે ત્યારે તેઓ ખરેખર કોણ હતા તે સંપૂર્ણપણે વ્યક્તિગત મત પર આધારિત છે.
પંડિત નહેરુ લોકશાહી અને દેશની જનતાને કેટલો પ્રેમ કરતા હતા તે સમજવા માટે આ ઘટના પૂરતી છે.
પંડિત નહેરુ લોકોના નેતા હતા. તેમણે લોકોની લાગણીની કાયમ કદર કરી હતી. કોઈએ તેમના પર ભલે ગમે તેટલો ગુસ્સો વ્યક્ત કર્યો હોત, પરંતુ તેમનો લોકો પરનો પ્રેમ અને લોકશાહી પ્રત્યેની વફાદારી ક્યારેય ડગમગ્યા ન હતા.
નહેરુ બાબતે એક કિસ્સો જાણીતો છે. બીબીસી હિન્દીના સંવાદદાતા ઇકબાલ અહમદે આ કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે.
તેમણે લખ્યું છે કે રામ મનોહર લોહિયાના કહેવાથી એક મહિલા સંસદ પરિસરમાં આવ્યાં હતાં. નહેરુ કારમાંથી ઊતર્યા કે તરત એ મહિલા તેમની સામે આવ્યાં હતાં અને નહેરુનો કૉલર પકડીને પૂછ્યું હતું કે ભારત આઝાદ થયું, તમે દેશના વડા પ્રધાન બન્યા, પરંતુ આ વૃદ્ધ મહિલાને શું મળ્યું? તેના જવાબમાં નહેરુએ કહ્યું હતુઃ "તમને એ મળ્યું છે કે તમે દેશના વડા પ્રધાનનો કૉલર પકડીને ઊભાં છો."
કદાચ આ શબ્દોને લીધે જ, જ્યારે તેમણે વડા પ્રધાનપદ ત્યાગવાનો નિર્ણય કર્યો ત્યારે તીવ્ર પ્રતિક્રિયા ઊમટી હતી અને તેના પ્રેમમાં કવિ નારાયણ સૂર્વે કહી શક્યાઃ "આગળ કાળો અંધકાર હશે. ત્યાં પ્રકાશ લઈ જઈ રહ્યો છું."