મુંબઈથી 'ગુજરાતી' શરૂ કરનાર ઇચ્છારામ દેસાઈ, સામયિકોમાં નોખી ભાત પાડનાર તંત્રી

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

19મી સદીની છેલ્લી પચીસીમાં પારસીમાલિકીનાં ગુજરાતી અખબારોની બોલબાલા વચ્ચે ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ શુદ્ધ ગુજરાતી શબ્દો-જોડણી ધરાવતું પહેલું અઠવાડિક ‘ગુજરાતી’ મુંબઈથી શરૂ કર્યું. ઇચ્છારામ પાયારૂપ તંત્રી, મુદ્રક, પ્રકાશક ઉપરાંત સારા લેખક અને સંપાદક પણ હતા. દિવાળી અંક અને ભેટપુસ્તક જેવી ઘણી પરંપરાઓ શરૂ કરવાનું શ્રેય પણ તેમને આપવામાં આવે છે.

નિષ્ફળતા દોરી ગઈ પત્રકારત્વ સુધી

સમાજસુધારાની હિલચાલો માટે જાણીતા સુરતમાં ઇચ્છારામનો જન્મ 1853માં થયો. જીવનનાં પહેલાં પચીસ વર્ષ તેમના માટે રુચિને અનુરૂપ પ્રવૃત્તિ શોધવાનાં રહ્યાં. ભણ્યા તો ખરા, પણ અંગ્રેજી અભ્યાસ અધૂરો છોડ્યો, (વલ્લભભાઈ પટેલે જે પરીક્ષા પાસ કરી હતી તે) ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા ઇચ્છારામ પાસ ન કરી શક્યા. એટલે વકીલાતના વિકલ્પ ઉપર ચોકડી વાગી.

બાળપણથી જ તેમને વાંચનલેખનનો શોખ હતો. પુષ્કળ વાંચતા હતા અને વાંચનસામગ્રી પ્રસારવાની વૃત્તિ પણ હતી. તેમના પુત્ર નટવરલાલે નોંધ્યું કે ઇચ્છારામે તેમની 19-20 વર્ષની ઉંમરે પહેલી વાર અધિક માસ-પુરુષોત્તમ માસની કથા સાંભળીને પછી છપાવી હતી. એ તેમનું પહેલું પ્રકાશન હતું. જન્મજાત લેખકવૃત્તિ હોય તેમ જન્મજાત પ્રકાશકવૃત્તિ પણ ન હોઈ શકે?

વાંચનલેખનના શોખથી પેટ ન ભરાય, એવા વડીલોના ઠપકાથી અને તેની સચ્ચાઈ સ્વીકારીને ઇચ્છારામે તેમની ગમતી પ્રવૃત્તિની આસપાસનાં ઘણાં કામ અજમાવ્યાં. સુરતના ‘દેશી મિત્ર’ પ્રિન્ટિંગ પ્રેસમાં બીબાં ગોઠવવાની નોકરી લીધી, શેક્સપિયરનાં નાટક ભજવવા માટે એક નાટકકંપની કાઢી, નોકરી શોધવા મુંબઈ પહોંચ્યા ત્યાં ‘આર્ય મિત્ર’ સાપ્તાહિકના માલિકની ખરાબ તબિયતને કારણે, થોડો વખત તેમને કામ કાઢી આપ્યું, થોડા મહિના ‘મુંબઈ સમાચાર’માં પ્રૂફરીડર તરીકે નોકરી કરી. પણ ક્યાંય ગોઠ્યું નહીં. એટલે સુરત પાછા આવ્યા.

સુરતમાં ઇચ્છારામ અને તેમના સમરસિયા મિત્રો ‘શારદાપૂજક મંડળી’ શરૂ કરી. તેના વિસ્તારરૂપે જાન્યુઆરી 1878થી તેમણે એક માસિક શરૂ કર્યું. તેનું નામ હતું ‘સ્વતંત્રતા’. ત્યારે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપનાને સાત વર્ષની વાર હતી. ‘સ્વતંત્રતા’ના સુરતમાં પચાસ અને બહાર લગભગ સો ગ્રાહકો હતા.

‘સ્વતંત્રતા’થી ‘ગુજરાતી’ સુધી : એક અણધારી તક

યોગાનુયોગે ‘સ્વતંત્રતા’ શરૂ થયું એ સમયગાળો સુરતના જાહેર જીવનમાં ઊથલપાથલનો હતો. સ્થાનિક મ્યુનિસિપાલિટીએ લોકો પર જાત જાતના વેરા નાખ્યા. એટલું ઓછું હોય તેમ ‘લાયસન્સ ટૅક્સ’ પણ નાખ્યો, તેના કારણે લોકોમાં અસંતોષ ફેલાયો અને થોડા સમય પછી હુલ્લડ થયું. સરકારને લાગ્યું કે ‘સ્વતંત્રતા’ સહિતનાં સ્થાનિક પ્રકાશનોમાં છપાયેલા ઉશ્કેરણીજનક અહેવાલ પણ હુલ્લડ માટે કારણભૂત હતા.

એટલે પહેલાં તો જરૂરી ડિક્લેરેશન ફાઇલ ન કર્યું હોવાનું ટેકનિકલ કારણ આપીને સ્થાનિક પોલીસે બે પ્રિન્ટિંગ પ્રેસની તલાશી લીધી. ત્યાર પછી ‘ગુજરાત મિત્ર’ તથા ‘સ્વતંત્રતા’ સાથે સંકળાયેલા કેટલાક લોકો પાસે જામીનગીરી માગવામાં આવી. તેમાં ‘સ્વતંત્રતા’ની સંચાલક એવી ‘શારદાપૂજક મંડળી’ના સેક્રેટરી તરીકે ઇચ્છારામ પાસે પણ રૂ. એક હજારના જામીન માગવામાં આવ્યા. (ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, 1 મે 1878, પૃ.3) આગળ જતાં ‘સુરત રાયટ કેસ’ ચાલ્યો, તેમાં ઇચ્છારામ આરોપી ન હતા, પણ અદાલતમાં તેમની જુબાની લેવામાં આવી. જસ્ટિસ એ.ડી. પોલનની કોર્ટમાં આપેલી જુબાનીમાં ઇચ્છારામે કહ્યું હતું કે તેમણે અંગ્રેજી ‘સ્પેક્ટેટર’થી પ્રેરાઈને શારદાપૂજક મંડળીની સ્થાપના કરી હતી. આખા પ્રકાશનની અને તેમાં છપાયેલા લેખોની જવાબદારી પણ ઇચ્છારામે સ્વીકારી હતી. કેસમાં આખરે ઇચ્છારામના સાથીદારો નિર્દોષ છૂટ્યા હતા. પરંતુ આ કેસ બહુ ચર્ચાયો હતો.

ઇચ્છારામના પુત્ર નટવરલાલે નોંધ્યા પ્રમાણે, કેસ પછી પણ ઇચ્છારામ માટે પૈસા કમાવાની સમસ્યા ઊભી રહી. તેમના સસરા તેમને ઉદારતાથી મદદ કરતા હતા. પણ લાંબા સમય સુધી એવી મદદ લેવાનું આકરું લાગતાં, ઇચ્છારામે મુંબઈના જાહેર જીવનના અગ્રણી સર મંગળદાસ નથુભાઈની મદદ લઈને એક અખબાર કાઢવાનું વિચાર્યું. એ માટે તેમણે મંગળદાસના ઘરે શિક્ષક તરીકે જતા એક મિત્રની મદદ લીધી. મંગળદાસને વિચાર પસંદ આવ્યો, જેમાંથી 1880માં ‘ગુજરાતી’ સાપ્તાહિકનો જન્મ થયો.

‘ગુજરાતી’નો લાંબો સંઘર્ષ, નોંધપાત્ર સફળતા

‘ગુજરાતી’ માટે ઇચ્છારામ મુંબઈ પહોંચ્યા. ત્યાં મંગળદાસની આર્થિક મદદ અને કવિ નર્મદ, મણિલાલ નભુભાઈ દ્વિવેદી સહિતના કેટલાક અગ્રણીઓની સહકારની ખાતરીથી 6 જૂન, 1880ના રોજ ‘ગુજરાતી’ સાપ્તાહિકનો પહેલો અંક પ્રકાશિત થયો. આ સામયિકનું નામકરણ કવિ નર્મદે કર્યું હતું. સામયિક અને આગળ જતાં સ્થપાનારા ‘ગુજરાતી પ્રેસ’ સાથે નર્મદનો લાંબાગાળાનો સંબંધ બંધાયો. તેમના અવસાન પછી પણ તેમનું સાહિત્ય ‘ગુજરાતી પ્રેસ’ દ્વારા પ્રગટ થતું હતું.

મુંબઈનાં બધાં પ્રકાશન પારસીઓની માલિકીનાં હતાં ત્યારે ‘હિંદુ પ્રજાના વિચારોનો પડઘો પાડનારા અને તેને દોરવણી આપનારા એકાદ વૃત્તપત્રની ખરેખર જરૂર હતી. એ ખોટ ‘ગુજરાતી’એ સારી રીતે પૂરી કરી.’ એવું નોંધીને રતન માર્શલે ‘ગૂજરાતી પત્રકારિત્વનો ઇતિહાસ’માં લખ્યું હતું કે ‘ગુજરાતી’ની નીતિ કોઈ એક કોમ કે ધર્મ કે જાતિના વકીલ બનવાની ન હતી.’ ઇચ્છારામ મુંબઈના બેતાજ બાદશાહ કહેવાતા અને સુરત રાયટ કેસમાં આરોપીઓનો બચાવ કરનારા કૉંગ્રેસી નેતા ફિરોઝશા મહેતાથી પ્રભાવિત હતા. એટલે ‘ગુજરાતી’ રાજકીય બાબતોમાં કૉંગ્રેસની નીતિ પ્રમાણે ચાલતું હતું અને એવું કરનારું તે એકમાત્ર ગુજરાતી પ્રકાશન હતું. સામાજિક બાબતોમાં ઇચ્છારામનું અને ‘ગુજરાતી’નું વલણ એકદમ સુધારાવાદીને બદલે, પ્રમાણમાં સમાધાનકારી અને રૂઢિચુસ્તોને નારાજ નહીં કરવાનું હતું.

શરૂઆતની ઓછી ગ્રાહકસંખ્યા પછી ‘ગુજરાતી’નો ગ્રાહકવર્ગ વધતો ગયો. વર્ષ 1884માં તેમણે ‘ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ’ની અને 1900માં ‘ગુજરાતી ટાઇપ ફાઉન્ડ્રી’ની એટલે કે ચોક્કસ પ્રકારનાં ગુજરાતી બીબાં બનાવતી સુવિધાની શરૂઆત કરી. આઠ મોટી સાઇઝનાં (રોયલ ફોલિયો) પાનાંથી ‘ગુજરાતી’ પૃષ્ઠસંખ્યા વધતી વધતી 16 અને 1887માં 24 સુધી પહોંચી. નટવરલાલ દેસાઈએ લખ્યા પ્રમાણે 1887માં– અને ‘ગુજરાતી પ્રેસ’ના જ એક પુસ્તકમાં આપેલી ભેટપુસ્તકોની સૂચિ પ્રમાણે, 1885માં– ઇચ્છારામે તેમની ચર્ચાસ્પદ બનેલી નવલકથા ‘હિંદ અને બ્રિટાનિયા’ લવાજમ ભરનારને ભેટ તરીકે આપવાની જાહેરાત કરી. તેના કારણે ‘ગુજરાતી’ની ગ્રાહકસંખ્યા આશરે 850માંથી 2,500 સુધી પહોંચી. પરંતુ સામયિકનો પથારો વધતો ગયો, તેમ પ્રવૃત્તિઓ વધતાં ખોટ પણ વધતી રહી. ક્યારેક તેમને આપઘાત કરવાના કે સુરત પાછા જવાના વિચાર સુધ્ધાં આવતા હતા. (તેમના મિત્ર છગનલાલ મોદી પરનો પત્ર, 15 માર્ચ 1888) છતાં, તે ટકી રહ્યા, કામગીરી ચાલુ રાખી અને છેક 1904માં દેવામુક્ત થયા.

લેખન, સંપાદન અને પુસ્તક-પ્રકાશનમાં નામના

‘ગુજરાતી’ના તંત્રી બનતાં પહેલાં ઇચ્છારામની લેખક તરીકેની કારકિર્દી શરૂ થઈ ચૂકી હતી. તેમની પ્રખ્યાત નવલકથા ‘હિંદ અને બ્રિટાનિયા’ લખવાની શરૂઆત તેમણે 1878માં ‘સ્વતંત્રતા’ સામયિકમાં કરી હતી, જે મુંબઈ આવીને પૂરી કરી. મુંબઈમાં તેમણે એક કવિમિત્રના સામયિક ‘આર્યજ્ઞાનવર્ધક’માં ‘ગંગા-એક ગૂર્જર વાર્તા’ નામે સામાજિક નવલકથા લખી. ધાર્મિક ચિંતન-મનનના તેમના ગ્રંથ ‘ચન્દ્રકાન્ત’ના ત્રણ ભાગ અત્યંત લોકપ્રિય નીવડ્યા અને તેની ઘણી આવૃત્તિઓ ઉપરાંત મરાઠી અને હિંદીમાં ભાષાંતર થયાં. આ તેમના લેખનની સંપૂર્ણ નહીં, મુખ્ય કૃતિઓની યાદી.

સંપાદક તરીકે તેમનું બહુ મોટું કામ તે પ્રાચીન કવિઓની કૃતિઓનાં કવિપરિચય સાથેનાં ‘બૃહત્ કાવ્યદોહન’ના આઠ દળદાર ભાગ, જે 1886થી 1913 વચ્ચે પ્રગટ થયા. તે ગ્રંથોમાં કવિતા ઉપરાંત લે-આઉટ, સૂચિ અને શબ્દાર્થ સહિતનું આયોજન નમૂનેદાર હતું. કવિતા ઉપરાંત વિવિધ ધાર્મિક પુસ્તકો અને ‘રુલર્સ ઑફ ઇન્ડિયા’ શ્રેણી સહિતના અનુવાદો પણ તેમણે પ્રગટ કર્યા. ‘ગુજરાતી પ્રેસ’માં છપાયેલાં પુસ્તકોની એક વિશિષ્ટ છાપ ઊભી થઈ. ‘ગુજરાતી’ શરૂ કર્યાનાં આઠ વર્ષ પછી, 1888માં તેમણે સામયિકમાં અંગ્રેજી વિભાગ શરૂ કર્યો અને તેના તંત્રી તરીકે એન.વી. ગોખલેને નીમ્યા. (ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, 4-7-1904, ‘ગુજરાતી’ની રજત જયંતીનો અહેવાલ) 1909થી તેમણે દિવાળીમાં સાહિત્યનો ખાસ અંક કાઢવાની પરંપરા તેમણે શરૂ કરી.

‘ગુજરાતી’ના સચિત્ર દિવાળી અંકો અને તેમાં તસવીરો-ચિત્રોની ગોઠવણીની રીતે તેને ‘વીસમી સદી’નું પૂર્વસૂરિ કહી શકાય. વિજયરાય વૈદ્યે હાજી મહંમદ સ્મારકગ્રંથમાં નોંધ્યું છે કે ’ગુજરાતી’ના તંત્રી ઇચ્છારામને (‘વીસમી સદી’ના તંત્રી) હાજી લગભગ પૂજ્યવૃત્તિથી નિહાળતા અને તેમને આદર્શ પત્રકાર ગણતા. ‘વીસમી સદી’માં જોવા મળ્યું એટલું વિષયવૈવિધ્ય ત્યાર પહેલાં ‘ગુજરાતી’માં આવતું હતું. કનૈયાલાલ મુનશીએ હપ્તાર નવલકથાલેખનની શરૂઆત ‘ગુજરાતી’માં ‘વેરની વસૂલાત’થી કરી હતી. આત્મકથા (‘સીધાં ચઢાણ’, મુનશી ગ્રંથાવલિ 10, પૃ.158)માં તેમણે નોંધ્યા પ્રમાણે, ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં એક ચાલુ નવલકથા આવતી ને દિવાળીમાં એક નવલકથાનું પુસ્તક તેના ગ્રાહકોને ભેટ અપાતું હતું. તેમાંથી ઘણીખરી નવલકથાઓ ઐતિહાસિક વિષયવસ્તુ ધરાવતી હતી. મુનશીની પહેલી ઐતિહાસિક નવલકથા ‘પાટણની પ્રભુતા’ 1916માં ‘ગુજરાતી’ સાથે ભેટપુસ્તક તરીકે અપાઈ હતી.

વર્ષ 1904માં ‘ગુજરાતી’ની રજત જયંતી મુંબઈમાં ધામધૂમથી ઉજવાઈ. તેમાં ફિરોઝશા મહેતા, ગોપાળકૃષ્ણ ગોખલે અને ચીમનલાલ સેતલવાડથી માંડીને મનઃસુખરામ ત્રિપાઠી, વિઠ્ઠલદાસ ઠાકરસી ઇબ્રાહીમ રહીમતુલ્લા સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમ (સ્વામી આનંદનાં લખાણો થકી વાચકોમાં જાણીતા) મોરારજી શેઠના નિવાસસ્થાન ચીનાબાગમાં યોજાયો હતો. તેમાં શુભેચ્છાસંદેશ મોકલનારામાં દાદાભાઈ નવરોજી, સયાજીરાવ ગાયકવાડ અને જસ્ટિસ બદરૂદ્દીન તૈયબજી સહિતના અનેક મહત્ત્વના લોકોનો સમાવેશ થતો હતો. ઔપચારિક લાગે એવી આ યાદી ‘ગુજરાતી’ અને ઇચ્છારામના પ્રભાવની સૂચક છે.

જીવનના છેલ્લા દસકામાં તેમની તબિયત નરમગરમ રહી. 1912માં તેમનું અવસાન થયું ત્યાર પછી તેમના પુત્રોએ તેમની પ્રવૃત્તિ આગળ ધપાવી. પણ 1880-1912 સુધીનો મુંબઈના ગુજરાતી પત્રકારત્વ અને પ્રકાશનનો સમયગાળો ઇચ્છારામનો અને ‘ગુજરાતી’નો હતો.