બચુભાઈ રાવત : એક પણ પુસ્તક લખ્યા વિના ગુજરાતની ત્રણ પેઢીઓનાં ઘડતરમાં ફાળો આપનાર સંપાદક

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

વીસમી સદીના લગભગ છ દાયકા સુધી ગુણવત્તા અને સંસ્કારિતાનો પર્યાય બની રહેલા માસિક ‘કુમાર’ના સંપાદક બચુભાઈ રાવતે એક પણ પુસ્તક લખ્યા વિના ગુજરાતી સાહિત્યક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કર્યું. ‘કુમાર’ના જ એક આડપ્રવાહ તરીકે બચુભાઈએ શરૂ કરેલી અને લગભગ પાંચ દાયકા સુધી ચલાવેલી કાવ્યપાઠ-કાવ્યચર્ચાની ‘બુધસભા’એ ગુજરાતના અનેક નામી કવિઓના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.

શિક્ષકમાંથી સંપાદક

અમદાવાદમાં 1898માં જન્મેલા બચુભાઈ રાવતના પિતા ગોંડલ રાજ્યમાં કામ કરતા હતા. બચુભાઈનો ઉછેર અને આરંભિક શિક્ષણ ગોંડલમાં થયાં. મૅટ્રિક પછી કૉલેજમાં જવાની ઇચ્છા કૌટુંબિક સંજોગોને લીધે ફળી નહીં. એટલે બચુભાઈ શિક્ષક બન્યા, પણ શિક્ષક બનીને બેસી ન રહ્યા. પુસ્તકાલયમાં આવતાં નમૂનેદાર વિદેશી સાહિત્યિક સામયિકો અને સ્થાનિક કવિ-લેખકોના સંસર્ગથી સતત પોતાની રુચિ ખીલવતા ગયા. પહેલેથી તેમને કવિતામાં વિશેષ રસ હતો.

અંગ્રેજી વાચન ઉપરાંત, ગોંડલમાં પાડોશમાં રહેતાં બે અંગ્રેજ પરિવારોની રીતભાતની તેમની પર ઊંડી છાપ પડી. અંગ્રેજશાઈ ચોક્સાઈ, વ્યવસ્થિતતા અને પ્રશિષ્ટતા બચુભાઈની લાક્ષણિકતા બની રહ્યાં, જેને ધ્યાનમાં રાખીને ઉમાશંકર જોશીએ તેમને ‘ગુજરાતમાં ભૂલા પડેલા અંગ્રેજ’ તરીકે ઓળખાવ્યા હતા.

તે સમયગાળો હાજી મહંમદ અલારખિયા શિવજીના માસિક ‘વીસમી સદી’નો હતો. વાચન અને કળાના પ્રેમી બચુભાઈ તેની અસરથી શી રીતે મુક્ત રહી શકે? ‘વીસમી સદી’થી પ્રેરાઈને બચુભાઈએ ‘જ્ઞાનાંજલિ’ નામે હસ્તલિખિત સામયિક કાઢ્યું. રવિશંકર રાવળ 1919માં ગોંડલ ગયા ત્યારે બચુભાઈ તેમને મળ્યા. રવિભાઈએ ‘જ્ઞાનાંજલિ’ જોયું અને તેનાં સામગ્રી-ચિત્રો અને રજૂઆત જોઈને પ્રસન્ન થયા.

દરમિયાન, ભિક્ષુ અખંડાનંદ ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય’ના વહીવટમાંથી મુક્ત થવા ઇચ્છતા હતા. તે વાત તેમણે ગોંડલની મુલાકાત વખતે બહેચરદાસ પટેલ ‘વિહારી’ના ઘરે કરી. બહેચરદાસ એટલે આગળ જતાં ‘ભગવદ્ગોમંડળ’ શબ્દકોશના મહાકાર્યથી જાણીતા બનેલા ચંદુલાલ પટેલના પિતા, કવિ અને બચુભાઈના માર્ગદર્શક વડીલ. તેમના સૂચનથી બચુભાઈ ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય’નું કામકાજ સંભાળી લેવા 1920માં અમદાવાદ આવી ગયા. તેમના જેવો પ્રતિભાશાળી માણસ હાજી મહંમદની જરૂરિયાત સંતોષી શકશે એવું રવિભાઈને લાગતાં, તેમણે હાજીને વાત કરી અને બચુભાઈને મુંબઈ મોકલવાનું નક્કી થયું. બચુભાઈએ ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય’ની નોકરી છોડી દીધી હતી, પણ જાન્યુઆરી 1921માં હાજીનું અકાળે અવસાન થતાં આખી ગોઠવણ પડી ભાંગી.

જીવનકાર્ય મળ્યું

બચુભાઈને મુંબઈ જવાનું તો રહ્યું નહીં. ઉપરથી કામ શોધવાનું થયું. અલબત્ત, રવિશંકર રાવળને પણ તેમની ફિકર હતી. તેમણે બચુભાઈને હાજી મહંમદના સ્મારક ગ્રંથનું કામ સોંપ્યું. 1922માં બચુભાઈ ગાંધીજી દ્વારા સ્થાપિત ‘નવજીવન પ્રકાશન મંદિર’માં સવેતન જોડાયા અને સ્વામી આનંદ સાથે તેમણે દોઢેક વર્ષ કામ કર્યું. 1923માં એ કામ છોડ્યું ત્યારે રવિશંકર રાવળ એક માસિકના આયોજનના છેલ્લા તબક્કામાં હતા અને તેમાં બચુભાઈની ભૂમિકા તેમના મુખ્ય સહાયક તરીકેની હતી.

‘કુમાર’નો પહેલો અંક જાન્યુઆરી 1924નો હતો, પણ બચુભાઈ તેમની કાર્યકારી સંપાદકની અનૌપચારિક ભૂમિકામાં ત્યાર પહેલાંથી સક્રિય બની ચૂક્યા હતા. શરૂઆતનાં વર્ષોમાં તેમનું નામ છપાતું નહીં. પહેલી વાર તેમનું નામ મુદ્રક-પ્રકાશક તરીકે જાન્યુઆરી 1927ના અંકમાં વાંચવા મળે છે. ‘કુમાર’ તે વખતનાં બીજાં ઘણાં સામયિકોની જેમ સાહિત્યિક સામયિક ન હતું. નવી પેઢીના સંસ્કારઘડતરના સામયિક તરીકે તેની કલ્પના કરવામાં આવી હતી. તેને સાકાર કરવામાં રવિશંકર રાવળને તેમનાથી છ વર્ષ નાના બચુભાઈ રાવતનો સરખેસરખો સહયોગ મળ્યો. બંનેની ઊંચી કલાદૃષ્ટિ ઉપરાંત બચુભાઈની પ્રકાશન-ફોન્ટ-લે-આઉટ-સામગ્રી વગેરેની અદ્વિતીય સૂઝને કારણે ‘કુમાર’ જોતજોતાંમાં બીજાં સામયિકો કરતાં જુદું અને ઊંચું સ્થાન ધરાવતું થઈ ગયું.

‘કુમાર’ના દરેક અંકનાં મુખપૃષ્ઠ પર તેના નામના અક્ષરો જુદી જુદી કળાત્મક રીતે લખવામાં આવતા હતા. દૃશ્યાત્મક રજૂઆતમાં ‘વીસમી સદી’ ‘કુમાર’નો આદર્શ હતું, પણ ઘણી બાબતોમાં તે ‘વીસમી સદી’ને વળોટી ગયું, તેને રવિશંકર રાવળે અને બચુભાઈ રાવતે હાજીને આપેલી સાચી અંજલિ ગણી શકાય. ‘વીસમી સદી’ના મોકળા, સ્પેસ ધરાવતા લે-આઉટની સરખામણીમાં, ‘કુમાર’નું લખાણ ખીચોખીચ લાગે, પણ ફોન્ટની સાઇઝ, તેની ગોઠવણી અને શબ્દો-લીટીઓ વચ્ચેની જગ્યાની બચુભાઈની સૂઝને કારણે, તેની વાચનક્ષમતા જરાય ઓછી થતી ન હતી. ઊલટું, લેખની સામગ્રી ભરચક છતાં સુઘડ રીતે ગોઠવાયેલી લાગતી હતી.

સ્વતંત્રપણે સુકાન

રવિશંકર રાવળે 19 વર્ષ સુધી ‘કુમાર’ સંભાળ્યા પછી તેનો સંકેલો કર્યો. ત્યાં સુધીમાં ‘કુમાર’ની શાખ એવી જામી ગઈ હતી કે એવું સામયિક બંધ થવા ન દેવાય, એવું ઘણા લોકોને લાગ્યું. કેટલાક અગ્રણીઓએ પહેલ કરી અને ‘કુમાર’ને વ્યક્તિગત માલિકીની કંપનીમાંથી લિમિટેડ કંપનીમાં ફેરવવામાં આવ્યું. તેમાં એક જ શરત હતીઃ બચુભાઈ ‘કુમાર’ના તંત્રી (સંપાદક) ઉપરાંત કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પણ બને. બચુભાઈ માટે પણ ‘કુમાર’ તેમના અસ્તિત્વનો હિસ્સો હતું. તેમણે ઉલટભેર બંને જવાબદારીઓ સ્વીકારી અને તેની આર્થિક મર્યાદાઓ વિશે કદી ફરિયાદ ન કરી.

1943થી શરૂ કરીને જૂન 1980 સુધી બચુભાઈ રાવતે એકલે હાથે ‘કુમાર’નો વાવટો ફરકતો રાખ્યો અને તેને અને ગુજરાતી સામયિકોના ઇતિહાસમાં પહેલી હરોળનાં સામયિકોમાં અવિચળ સ્થાન અપાવ્યું. તેના માટે કેવળ ગુણવત્તા નહીં, તેનું દંગ થઈ જવાય એવું સાતત્ય પણ કારણભૂત હતું. બચુભાઈ પોતે ‘કુમાર’માં ભાગ્યે જ લખતા. લખે ત્યારે પણ નામ અને અટકના છેલ્લા અક્ષર પરથી ‘ઈ.ત.’ નામે લખતા, પણ તે સાચા અને સંપૂર્ણ સંપાદક હતા. આવતા લેખ-કવિતા ઝીણવટભેર વાંચીને તે લેવાં કે નહીં, તે નક્કી કરવું એ તો સંપાદકનું સાવ પ્રાથમિક કામ થયું. બચુભાઈ લેખ-કવિતાના સ્વીકાર-અસ્વીકારની સાથે જરૂર મુંજબ પ્રશંસાના કે શાલીનતાસભર ટીપ્પણીના શબ્દો પણ લખતા. કયા લેખક પાસેથી કયા લેખ લખાવવા એની તેમને ગજબ સૂઝ હતી. તે લેખો અને કવિતાઓ માગીને છાપતા. બચુભાઈની કડક પરીક્ષામાંથી પાસ થવા માટે લખનારનું નામ નહીં, કૃતિની ગુણવત્તા જ એકમાત્ર માપદંડ રહેતી. એટલે, ‘કુમાર’માં લેખ કે કવિતા છપાય, તે લેખક કે કવિ હોવાનું પ્રમાણપત્ર ગણાતું. ગુજરાતના અસંખ્ય નામી લેખકોની પહેલી કે શરૂઆતની કૃતિઓ ‘કુમાર’માં પ્રગટ થઈ.

સામયિકમાં છપાતી સામગ્રીમાં શિષ્ટતાનાં ધોરણો સાથે ક્યાંય બાંધછોડ ન થાય એનો તે પૂરો ખ્યાલ રાખતા હતા. ‘કુમાર’માં ‘વિનોદની નજરે’ સહિતની કેટલીક શ્રેણીઓ લખનાર દિવંગત હાસ્યલેખક વિનોદ ભટ્ટે લખ્યું હતુઃ ‘કુમાર’ના વેચાણમાં થોડી નકલોનો પણ વધારો થાય તો બચુભાઈ રાજી થવાને બદલે ચિંતામાં પડી જાય કે કશું લોકરંજક તો નહીં છપાઈ ગયું હોય? ‘કુમાર’માં સાહિત્યના વિવિધ પ્રકારો ઉપરાંત કળા, પત્રમૈત્રી, ટપાલટિકિટનો સંગ્રહ, આકાશદર્શન, શુદ્ધ વિજ્ઞાન, શરીરશાસ્ત્ર, સાહસયાત્રાઓ અને બીજા અનેક અવનવા વિષયોને લગતા લેખ તથા લેખમાળાઓ પ્રગટ થતાં હતાં, જે બચુભાઈની સંપાદકીય સજ્જતાનાં પરિચયરૂપ અને પરિપાકરૂપ હતાં.

‘બુધસભા’-‘નિહારિકા’ અને પેઢીઓનું ઘડતર

‘કુમાર’ કાર્યાલયમાં 1930ની આસપાસ બચુભાઈ નવોદિત તસવીરકારોનું મંડળ ચલાવતા હતા. તેનું નામ હતું ‘નિહારિકા’. દર શુક્રવારે તેની બેઠક યોજાય. નવોદિતો તેમણે પાડેલી તસવીરો લઈને આવે. કર્નલ બળવંત ભટ્ટ સહિત સૌ તેના વિશે ચર્ચા કરે. એ અરસામાં, એક તરફ સ્વરાજની લડત ચાલતી હતી ત્યારે ઉમાશંકર જોશી, સુંદરમ્ અને રામપ્રસાદ શુક્લ જેવા જુવાનિયા સેનાની અને ઊભરતા કવિઓ ગામડાંમાં ફરતા અને અમદાવાદ આવે ત્યારે ‘કુમાર’ કાર્યાલયમાં રાતવાસો કરતા. તેમની નવી રચનાઓની ચર્ચાના આનંદમાંથી અને કવિતા માટેના પ્રેમમાંથી બચુભાઈને ‘નિહારિકા’ની જેમ કવિઓનું મંડળ સ્થાપવાનો વિચાર આવ્યો.

‘નિહારિકા’ની બેઠક દર શુક્રવારે રાત્રે થતી, તો કવિઓની બેઠક માટે બુધવાર નક્કી થયો અને તેનું નામ જ પડ્યું ‘બુધસભા’. લગભગ પાંચ દાયકા સુધી ચાલેલી એ પ્રવૃત્તિએ ગુજરાતના ત્રણ પેઢીના કવિઓના ઘડતરમાં ઘણો ફાળો આપ્યો. બચુભાઈ છંદબદ્ધ કવિતાના આગ્રહી હતા. તેમના આગ્રહો પછીના ગાળામાં આવેલા નવા સર્જકોને જૂનવાણી કે રૂઢિચુસ્ત લાગે. તેમના જીવનના છેલ્લા તબક્કામાં અછાંદસ કવિતાઓની બોલબાલા થઈ, ત્યારે પણ તેમણે છંદનો આગ્રહ ન છોડ્યો. તેના કારણે ‘રે મઠ’ સહિત અન્ય પ્રગતિશીલ આંદોલનોનાં સ્પંદન તે ઝીલી શક્યા નહીં, એવી ટીકા પણ થઈ. છતાં, તે પોતાના આગ્રહને સમજની મર્યાદા ગણાવીને આશ્વસ્ત હતા.

‘કુમાર’ પર કે ‘બુધસભા’ માટે આવતી દરેક કવિતા તે એકથી વધુ વાર ધ્યાનથી વાંચતા અને તેમની પસંદગીમાં પાસ થાય તેનું ઉત્તમ રીતે પઠન કરતા હતા. પઠન વખતે ફક્ત કવિતા વંચાય અને તેની પર ચર્ચા થાય. કવિનું નામ છેક છેલ્લે જાહેર કરવામાં આવે. કેટલીક ઉત્તમ રચનાઓ તે વિષયના બંધનને કારણે ‘કુમાર’માં પ્રગટ કરી શકતા નહીં. એ અફસોસ ટાળવા માટે તેમણે 1950ની આસપાસ સોળ પાનાનું ટચૂકડું કવિતા સામયિક શરૂ કર્યું હતું. તે પણ થોડો સમય ચલાવ્યું.

સામયિકના સંપાદન ઉપરાંત લે-આઉટ, ગ્રાફિક્સ, મુદ્રણકળા, લિપિસુધાર, ગુજરાતી અક્ષરોના વિવિધ મરોડ જેવાં ઘણાં ક્ષેત્રોમાં તેમની સમજ ઊંડી હતી અને તેને લગતી પ્રવૃત્તિઓ સાથે તે સંકળાયેલા રહ્યા. ગુજરાતી ફોન્ટમાં તેમણે અવનવા પ્રયોગ કર્યા. તેમણે તૈયાર કરેલા, મોટું પેટ ધરાવતા ગુજરાતી અક્ષરો ‘રાવત મરોડ’ તરીકે ઓળખાયા. તેમના એ રસને કારણે ‘કુમાર’નો પ્રિન્ટિંગ પ્રેસ ઉત્તમ છપાઈ માટેનું ઠેકાણું બની રહ્યો. સાહિત્યલેખન વિના સાહિત્યની સેવા કરવા બદલ ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ રણજિતરામ ચંદ્રક મેળવનાર જૂજ લોકોમાં બચુભાઈનો સમાવેશ થાય છે. તેમને 1948માં રણજિતરામ ચંદ્રક અને 1975માં ‘પદ્મશ્રી’ મળ્યો.

પ્રદાનની ગુણવત્તાની સાથોસાથ આંકડાની રીતે પણ, કોઈ એક તંત્રી 56 વર્ષ (અને સાત મહિના) સુધી એક માસિક ચલાવે, તેવા દાખલા દુનિયાના પત્રકારત્વમાં વિરલ છે અને ગુજરાતીમાં તો કદાચ બચુભાઈ એકલા જ.