ડૉ. નીલકંઠરાય છત્રપતિ: એ ડૉક્ટર જેમણે દૃષ્ટિ ગુમાવ્યા બાદ અંધજનો માટે આયખું ખર્ચી નાખ્યું

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

તેજસ્વી વિદ્યાર્થી અને કુશળ તબીબ તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા પછી દૃષ્ટિહીન થનાર નીલકંઠરાય છત્રપતિએ લગભગ ત્રણ દાયકા સુધી અંધજનોના શિક્ષણ અને પ્રગતિ માટે નોંધપાત્ર પ્રદાન કર્યું.

અમદાવાદમાં વર્ષ 1894માં પહેલવહેલી અંધશાળા શરૂ કરનાર નીલકંઠરાય મુંબઈમાં સ્થપાયેલી ‘વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ’ના પહેલા આચાર્ય તરીકે નીમાયા હતા. અંગ્રેજી લિપિ આધારિત બ્રેઇલ લિપિને બદલે તેમણે નાગરી લિપિ આધારીત બ્રેઇલ લિપિ તૈયાર કરી. 1951માં સમગ્ર દેશની ભાષાઓ માટે મહદંશે એકસરખી બ્રેઇલ લિપિ ‘ભારતી બ્રેઇલ’ અમલી બની, તેના પાયામાં રહેલી વ્યક્તિઓમાં નીલકઠંરાયનો પણ સમાવેશ થાય છે.

તબીબી અભ્યાસ અને સેવાભાવી કારકિર્દી

વડોદરામાં 1854માં જન્મેલા નીલકંઠરાય ડાહ્યાભાઈ છત્રપતિનું આરંભિક ભણતર વડોદરામાં થયું. પછી અંગ્રેજી નિશાળમાં ભણવા માટે અમદાવાદ આવ્યા. મૅટ્રિક થયા અને સરકારી નોકરીમાં લાગી જવાને બદલે મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં ભણવા ગયા, ત્યાંથી 1880માં તેમણે LMSની ડિગ્રી મેળવીને અમદાવાદમાં પ્રૅક્ટિસ શરૂ કરી. થોડા વખત પછી તે અમદાવાદના મિલઉદ્યોગના પિતામહ ગણાતા રણછોડલાલ છોટાલાલની યાદગીરીમાં તેમના કુટુંબની પહેલથી શરૂ થયેલા સેવાભાવી દવાખાનામાં જોડાયા.

ડૉક્ટર તરીકે નીલકંઠરાયની કાબેલિયતના પ્રતાપે દવાખાનું જોતજોતાંમાં હૉસ્પિટલના દરજ્જે પહોંચ્યું. તેમની ખ્યાતિ સાંભળીને અમદાવાદની સિવિલ હૉસ્પિટલના સિવિલ સર્જન જૉન રૉબે તેમને હૉસ્પિટલ અને તેની સાથે સંકળાયેલી બીજે (બહેરામજી જીજીભાઈ) મેડિકલ કૉલેજમાં જોડાઈ જવા કહ્યું. થોડા ખચકાટ પછી વ્યાપક જનહિતને ધ્યાનમાં રાખીને 1883માં નીલકંઠરાય સિવિલ હૉસ્પિટલમાં સહાયક સર્જન તરીકે જોડાયા અને મેડિકલ કૉલેજમાં ઍનેટોમી તથા ફિઝિયોલૉજીના અધ્યાપક બન્યા.

નીલકંઠરાય એક તબીબ તરીકે જેટલા સેવાભાવી, એટલા જ અભ્યાસી અને જનજાગૃતિમાં રસ ધરાવતા હતા. એક તરફ તેમના લેખ ‘લાન્સેટ’ જેવા પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલમાં પ્રગટ થતા, તો ઘરઆંગણે ગુજરાત વિદ્યાસભાની પ્રવૃત્તિમાં ઊંડો રસ લઈને ગુજરાતીમાં આરોગ્યવિષયક પુસ્તકો પણ લખતા હતા. સ્ત્રીઓનાં આરોગ્ય વિશે તેમણે 1883માં ‘સ્ત્રી-મિત્ર’ નામે પુસ્તક લખ્યું હતું. દારૂની ખરાબ અસરો આલેખીને દારૂનો વિરોધ કરતું એક પુસ્તક તેમનું પુસ્તક ‘દારૂ’ 1892માં પ્રગટ થયું હતું અને તે વિષયનાં સાવ શરૂઆતનાં પુસ્તકોમાંનું એક હતું. ‘હિંદુસ્તાનનાં ગામડાંની આરોગ્યતા’ (1897), ‘ઘરમાં વપરાતી ચીજોનું રસાયણ’ (1899), ‘અકસ્માતના વખતે મદદ અને ઇલાજ’ (1900) અને એવાં બીજાં પણ પુસ્તકો તેમની લેખનપ્રવૃત્તિ ઉપરાંત જાહેર આરોગ્ય પ્રત્યેની તેમની નિસબત દર્શાવે છે.

અંધકારમાંથી ઉજાસની સફળ મથામણ

વર્ષ 1892માં તેમની દૃષ્ટિ ધીમે ધીમે ઓછી થવા લાગી. ડૉક્ટરોએ પહેલાં તો બેતાળાં ચશ્મા પહેરવા કહ્યું, પણ તેનાથી ફરક ન પડ્યો. દરમિયાન, લેખ માટે થયેલા પત્રવ્યવહારમાં ‘લાન્સેટ’ના તંત્રીને એ વાતની જાણ થતાં તેમણે નીલકંઠરાયની વિગતો મેળવીને લંડનના ડૉક્ટરોનો અભિપ્રાય મેળવ્યો. છેવટે, નિદાન થયું કે તેમને ‘અટ્રોફી ઑફ ઑપ્ટિક નર્વ’ તરીકે ઓળખાતો રોગ લાગુ પડ્યો હતો, જેમાં દૃષ્ટિ જોતજોતાંમાં ઘટીને છેવટે સાવ જતી રહેવાની હતી. એટલે 1892માં તેમણે પહેલાં એક વર્ષની રજા લીધી, પણ દૃષ્ટિહીનતા સંપૂર્ણ બનતાં તેમણે નોકરી છોડી દીધી.

અકલ્પનીય રીતે કરુણ પરિસ્થિતિ આવી પડી. છતાં, ભાંગી પડવાને બદલે નીલકંઠરાયે નવી સ્થિતિ સામે ઝઝૂમવાની તૈયારી કરી. તેમણે શિવલાલ શાહ નામના એક ભાઈને કાયમી મદદનીશ તરીકે રોક્યા, જે તેમને વાંચી સંભળાવે, તેમના લખાવ્યા પ્રમાણે લખે અને તેમને બહાર હરવાફરવામાં પણ મદદરૂપ થાય. તેમની મદદથી નીલકંઠરાયે લેખો અને પુસ્તકો લખવાનું તથા અંધત્વને લગતાં પુસ્તકો વાંચવાનું (સાંભળવાનું) ચાલુ રાખ્યું. તે અરસામાં તેમના જૂના ઉપરી અને નિવૃત્ત થઈને ઇંગ્લૅન્ડ પાછા ફરેલા ડૉ. જૉન રૉબને નીલકંઠરાય વિશેના સમાચાર મળ્યા.

નીલકંઠરાયે એક પ્રવચનમાં કહ્યું હતું તેમ, રૉબે તમને ડૉ. ટી.બી. આર્મિટેજના જીવન વિશેનું લખાણ મોકલ્યું. આર્મિટેજ દૃષ્ટિહીનોના મિત્ર અને મદદગાર તરીકે જાણીતા હતા. તેમના વિશે જાણીને નીલકંઠરાયને લખવા-વાંચવા માટેની બ્રેઇલ લિપિ શીખવાની ઇચ્છા થઈ. ઉપરાંત બ્રિટન અને આયર્લૅન્ડમાં તે ક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે, તેની પણ જાણકારી મળી. તેમાંથી દૃષ્ટિહીનો માટેની શાળા શરૂ કરવાનો વિચાર આવ્યો.

અંધશાળાનો વિચાર લઈને તે અમદાવાદના શેઠિયાઓને મળ્યા. તેમણે મદદ કરવાનો વાયદો આપ્યો. પછી તે વડોદરા જઈને મહારાજા ગાયકવાડને પણ મળ્યા. તેમણે શાળા શરૂમાં કરવામાં રસ ન બતાવ્યો, પણ રૂ. 300 ભેટ તરીકે આપ્યા. તે રકમમાંથી નીલકંઠરાય અમૃતસર ગયા અને ત્યાં ચાલતી અંધ ખ્રિસ્તી બાળકોની શાળામાં પંદર દિવસ રહ્યા. અમદાવાદ પાછા આવીને કેટલાક સાથીદારોની મદદથી અંગ્રેજી ભાષા માટે વપરાતી બ્રેઇલ લિપિને નાગરી અક્ષરો માટે અપનાવી. તે ‘ડૉ.નીલકંઠરાય બ્રેઇલ’ કહેવાઈ.

મુંબઈ પ્રાંતમાં અંધશાળાના પ્રણેતા

નવી તૈયાર કરેલી નાગરી બ્રેઇલમાં પહેલું પુસ્તક પ્રકાશિત કરવાનું કપરું કામ નીલકંઠરાયે બહુ મુશ્કેલીઓ વેઠીને અને કેટલાંક સ્નેહીજનોની મદદથી પાર પાડ્યું. ત્યાર પછી જુદા જુદા વિષયોના પાઠ સાથેનાં પુસ્તક તૈયાર કર્યાં. દૃષ્ટિ ગુમાવ્યા પછીનાં બે જ વર્ષમાં તેમણે એટલી સ્વસ્થતા અને સજ્જતા કેળવી લીધી હતી કે 1894માં તેમણે અમદાવાદમાં મુંબઈ રાજ્યની પહેલી અંધશાળાની શરૂઆત કરી. તેમાં લખવા-વાંચવા ઉપરાંત સંગીત અને નેતરની ગૂંથણી જવા કસબનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું. અમદાવાદની મ્યુનિસિપાલિટીએ તેમની અંધશાળા માટે દર વર્ષે રૂ. 600ની મદદ આપવાનો ઠરાવ કર્યો.

વર્ષ 1901માં રાણી વિક્ટોરિયાનું અવસાન થતાં, મુંબઈના નાગરિકોએ ભંડોળ ઉઘરાવ્યું અને ચર્ચાવિચારણાને અંતે તેમની યાદમાં એક અંધશાળા સ્થાપવાનું નક્કી કર્યું. મુંબઈ રાજ્યના ડાયરેક્ટર ઑફ પબ્લિક ઇન્સ્ટ્રક્શન અને બીજા અગ્રણીઓ અમદાવાદમાં નીલકંઠરાયની અંધશાળા જોઈને તેનાથી પ્રભાવિત થઈ ચૂક્યા હતા. તેના કારણે ‘વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલ ફૉર બ્લાઇન્ડ’ના આચાર્ય તરીકેનો હોદ્દો સંભાળવા માટે નીલકંઠરાયને વિનંતી કરવામાં આવી.

અમદાવાદમાં પોતાની સ્કૂલ મૂકીને જવાનું તેમને કઠણ લાગતું હતું. તેમની સ્કૂલમાં ચાર અંધ કન્યાઓ પણ હતી, જ્યારે મુંબઈની સ્કૂલ ફક્ત છોકરાઓ માટે જ હતી. છતાં, સમજાવટ અને વ્યાપક હિતનો વિચાર કરીને 1902માં નીલકંઠરાય વિક્ટોરિયા મેમોરિયલના પહેલા આચાર્ય બન્યા. અમદાવાદમાં તેમની સ્કૂલમાં રહેલા છોકરાઓને મુંબઈની સ્કૂલમાં સમાવી લેવામાં આવ્યા. તેમના જૂના સાથીદાર શિવલાલ શાહને સહાયક શિક્ષક તરીકે નીમવામાં આવ્યા. સ્કૂલના સેક્રેટરી જહાંગીર પીટીટ અને નીલકંઠરાયે સ્કૂલની કામગીરી વિશે લોકોને જાણ કરવામાં કોઈ કસર ન છોડી. સ્કૂલો-કૉલેજોમાં તેની જાણકારી આપી. તેના કારણે ભંડોળ મળવા લાગ્યું અને સ્કૂલ વધારે સારી જગ્યાએ ખસેડાઈ.

શાળા ઉપરાંતની કલ્યાણ-પ્રવૃત્તિઓ

વિક્ટોરિયા સ્કૂલનો અભ્યાસક્રમ પાંચથી સાત વર્ષ સુધીનો હતો. ત્યાં સંગીતનું શિક્ષણ મેળવનારને ક્યાંકને ક્યાંક સંગીત શીખવવાનું કામ મળી જતું હતું. પરંતુ એ સિવાય નેતરનું કામ ઓછું હતું. નીલકંઠરાય અને શિવલાલને થયું કે સ્કૂલમાંથી ભણીને નીકળેલા છોકરાઓને રોજગારી મળી રહે એ દિશામાં પણ કંઈક કરવું જોઈએ. તેની ગડમથલમાંથી તેમણે એક ઉદ્યોગગૃહ શરૂ કર્યું. ત્યાં દિવસે અંધ વિદ્યાર્થીઓ કામ કરતા હતા અને રાત્રે ત્યાં જ ઊંઘી જતા હતા.

આ ઉદ્યોગગૃહ માટે એક મોટું દાન મળતાં આર્થિક પ્રશ્ન ઉકેલાઈ ગયો. 1919માં અંગ્રેજ અધિકારી સી.જી. હૅન્ડરસને ઇંગ્લૅન્ડની ‘રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ બ્લાઇન્ડ’ની તરાહ પર ભારતમાં એક સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. મુંબઈના અગ્રણી નાગરિકો અને નીલકંઠરાય સાથે ચર્ચા પછી મુંબઈમાં ‘બ્લાઇન્ડ રિલીફ ઍસોસિયેશન’ની સ્થાપના થઈ. તેણે ઉદ્યોગગૃહનું સંચાલન સંભાળી લીધું. તે ઍસોસિયેશને મુંબઈ પ્રાંતમાં બીજાં ઠેકાણે પણ આંખનાં દવાખાનાં ખોલ્યાં.

ડૉ. નીલકંઠરાય છત્રપતિનું 1922માં અવસાન થયું. પરંતુ નાગરી લિપિ પર આધારિત બ્રેઇલ અને અંધજનોનાં શિક્ષણ-કલ્યાણ માટે તેમના પ્રયાસોને કારણે, આ ક્ષેત્રના આરંભિક અગ્રણી તરીકે તેમનું નામ માનપૂર્વક લેવાય છે.