You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુભાષચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુ વચ્ચે ઘનિષ્ઠતા ન થઈ તેમાં મહાત્મા ગાંધી કેટલા જવાબદાર?
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
જવાહરલાલ નહેરુ અને નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મ વચ્ચે આઠ વર્ષનું અંતર હતું. નહેરુનો જન્મ 1889ની 14 નવેમ્બરે થયો હતો, જ્યારે નેતાજીનો 1897ની 23 જાન્યુઆરીએ.
નહેરુએ તેમના જીવનનાં પ્રારંભિક વર્ષો અલાહાબાદમાં પસાર કર્યાં હતાં, જ્યારે નેતાજીનું પ્રારંભિક જીવન ઓડિશાના કટક શહેરમાં વીત્યું હતું.
બન્ને નેતા સંપન્ન પરિવારમાં જન્મ્યા હતા. જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુ અને સુભાષચંદ્રના પિતા જાનકીનાથ બોઝ બન્ને વિખ્યાત વકીલ હતા. જવાહરલાલ તેમનાં માતા-પિતાના એકમાત્ર પુત્ર હતા, જ્યારે સુભાષચંદ્રને નવ ભાઈ-બહેન હતાં.
જવાહરલાલ અને સુભાષચંદ્ર બન્ને બહુ સારા વિદ્યાર્થી હતા. કટકથી કોલકાતા આવીને સુભાષચંદ્રે વિખ્યાત પ્રેસિડેન્સી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાં એક અંગ્રેજ પ્રોફેસરે એક વિદ્યાર્થી સાથે ગેરવર્તન કર્યું ત્યારે સુભાષચંદ્ર પ્રિન્સિપાલ પાસે ગયા હતા અને અધ્યાપકે કરેલા કૃત્ય બદલ માફીની માગણી કરી હતી.
જોકે, પ્રોફેસરને માફી માગવાની માગણી બદલ પ્રિન્સિપાલે સુભાષચંદ્રને કૉલેજમાંથી કાઢી મૂક્યા હતા.
એ પછી તેમણે સ્કૉટીશ ચર્ચ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતા અને આર્ટ્સની પરીક્ષામાં યુનિવર્સિટીમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. સુભાષચંદ્રે લંડનમાં આઈસીએસની પરીક્ષા આપી હતી. તેમાં તેમને મેરિટ લિસ્ટમાં ચોથું સ્થાન મળ્યું હતું.
નહેરુ કૅમ્બ્રિજથી ભણીને ભારત પાછા આવ્યા ત્યારે તેમની વય 23 વર્ષ હતી, જ્યારે સુભાષચંદ્ર લંડનથી ભારત પાછા ફર્યા ત્યારે તેઓ 25 વર્ષના થઈ ગયા હતા.
મહાત્મા ગાંધી પ્રત્યે બન્નેની અલગ-અલગ ધારણા
મહાત્મા ગાંધી સાથે નહેરુની પ્રથમ મુલાકાત કૉંગ્રેસના 1916ના સંમેલનમાં થઈ હતી. યુવા જવાહરલાલ પહેલી મુલાકાતમાં તો ગાંધીથી ખાસ પ્રભાવિત થયા ન હતા, પરંતુ ધીમે-ધીમે ગાંધીથી પ્રભાવિત થવા લાગ્યા હતા અને તેમનો બહુ આદર કરવા માંડ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેનાથી બિલકુલ વિપરીત સુભાષચંદ્ર પર ગાંધીજીની કોઈ ખાસ અસર થઈ ન હતી. વિખ્યાત ઇતિહાસકાર રુદ્રાંગ્શુ મુખરજી તેમના પુસ્તક ‘નહેરુ ઍન્ડ બોઝ – પેરલલ લાઈવ્ઝ’માં લખે છે કે “1927ના પ્રારંભ સુધીમાં બન્ને રાજકારણમાં સ્થાન બનાવી ચૂક્યા હતા. બન્ને બ્રિટિશ ભારતની જેલોમાં પોતપોતાની પહેલી સજા ભોગવી ચૂક્યા હતા. બન્નેએ ગાંધીના નેતૃત્વનો સ્વીકાર કરી લીધો હતો, પરંતુ સુભાષચંદ્ર સંપૂર્ણપણે ગાંધીજીના પ્રભાવમાં આવ્યા ન હતા.”
તેઓ લખે છે કે “જવાહરલાલ તેમના પિતા મોતીલાલ નહેરુ, ગાંધી અને બીજા કૉંગ્રેસી નેતાઓ સાથે 1921માં કૉંગ્રેસના ખાસ અધિવેશનમાં ભાગ લેવા માટે કોલકાતા આવ્યા હતા. એ સમયે સુભાષચંદ્ર બોઝ ચિતરંજન દાસ સાથે કામ કરતા હતા. મોટા ભાગના કૉંગ્રેસી નેતાઓ ચિતરંજન દાસના ઘરે જ રોકાયા હતા. એ દરમિયાન જવાહરલાલ અને સુભાષચંદ્રની મુલાકાત ન થઈ હોય તેવી શક્યતા બહુ ઓછી છે.”
કમલા નહેરુના અંતિમસંસ્કાર
સુભાષચંદ્ર અને જવાહરલાલ વચ્ચેનો સંબંધ, તેમનાં પત્ની કમલા ટીબીની સારવાર માટે યુરોપ ગયાં ત્યારે ગાઢ બન્યો હતો. એ વખતે જવાહરલાલ જેલમાં હતા.
સુભાષચંદ્ર ખાસ કમલા નહેરુની ખબર કાઢવા ખાસ બાડેનવાઈલર ગયા હતા. કમલાની હાલત કથળી ત્યારે નહેરુને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
સુગત બોઝ તેમના પુસ્તક ‘હિઝ મેજેસ્ટીઝ ઓપોનન્ટ’માં લખે છે કે “નહેરુ યુરોપ પહોંચ્યા ત્યારે બોઝ તેમને મળવા બ્લૅક ફોરેસ્ટ રિસોર્ટ ગયા હતા અને બન્ને એક જ બૉર્ડિંગ હાઉસમાં રોકાયા હતા. કમલા નહેરુની હાલતમાં થોડો સુધારો થયો ત્યારે સુભાષચંદ્ર ઑસ્ટ્રિયા ચાલ્યા ગયા હતા.”
તેઓ આગળ લખે છે કે “સુભાષચંદ્રે ત્યાંથી એક પત્ર લખીને નહેરુને જણાવ્યું હતું કે તમારી તકલીફમાં હું થોડો-ઘણો કામ આવી શકું તો મને બોલાવવામાં ખચકાશો નહીં. 1936ની 28 ફેબ્રુઆરીએ સ્વિટ્ઝર્લૅન્ડના લુઝાન શહેરમાં કમલા નહેરુએ અંતિમ શ્વાસ લીધા ત્યારે જવાહરલાલ, સુભાષચંદ્ર અને ઇન્દિરા ગાંધી હાજર હતાં.”
“કમલા નહેરુના અંતિમસંસ્કારની વ્યવસ્થા સુભાષચંદ્રે જ કરાવી હતી. જવાહરલાલના દુઃખદ દિવસોમાં સુભાષચંદ્ર તેમની પડખે રહ્યા હતા. તેથી બન્ને વચ્ચેનો સંબંધ વધારે ઘનિષ્ઠ થયો હતો.”
ગાંધીના કહેવાથી નહેરુ કૉંગ્રેસ અધ્યક્ષ બન્યા
જવાહરલાલ યુરોપમાં તેમનાં પત્ની કમલાની સેવાચાકરી કરતા હતા ત્યારે જ તેમની વરણી એપ્રિલ, 1936માં લખનૌમાં યોજાનારા કૉંગ્રેસના અધિવેશનના અધ્યક્ષ તરીકે કરી દેવામાં આવી હતી. તેમને અધ્યક્ષ બનાવવાનો વિચાર ગાંધીનો હતો.
નહેરુ યુરોપ જવા રવાના થયા એ પહેલાં ગાંધીએ એક પત્ર લખીને તેમને જણાવ્યું હતું કે “તમારે આગામી વર્ષે કૉંગ્રેસના જહાજનું સુકાન સંભાળી લેવું જોઈએ.”
થોડા દિવસ પછી તેમને સીધી વિનંતી કરતાં જણાવ્યું હતું કે “આગામી વર્ષે તમે કૉંગ્રેસના અધ્યક્ષ બનવા સહમત થાઓ તેવું હું ઇચ્છું છું. તમારી સહમતીથી ઘણી સમસ્યાઓનું નિવારણ થઈ જશે.”
નહેરુ સહમત થવામાં પ્રારંભે થોડો ખચકાટ દેખાડ્યો હતો, પરંતુ બાદમાં તેમણે ગાંધીની વિનંતીનો સ્વીકાર કર્યો હતો. જોકે, ગાંધીના આ નિર્ણયના વિરોધમાં કૉંગ્રેસમાં થોડો ગણગણાટ જરૂર થયો હતો.
ગાંધીને અપીલ કરવામાં આવી હતી કે તેઓ રાજગોપાલાચારીને નહેરુ સામે ચૂંટણી લડવાની પરવાનગી આપે, પરંતુ ગાંધીએ તે અપીલ સ્વીકારી ન હતી અને નહેરુને કુલ 592 સભ્યોમાંથી 541ના મત મળ્યા હતા.
આવી જીત છતાં નહેરુ પરના હુમલામાં ઘટાડો થયો ન હતો. કાવસજી જહાંગીરે તેમને સંપૂર્ણપણે ‘સામ્યવાદી’ ગણાવ્યા હતા. હોમી મોદીએ ચેતવણી આપી હતી કે નહેરુને મોસ્કો તરફ ઝૂકતાં જરાય વાર નહીં લાગે.
નહેરુના ફરી અધ્યક્ષ બનવા બાબતે કૉંગ્રેસમાં મતભેદ
ડિસેમ્બર, 1936માં ફૈઝપુરમાં યોજાયેલા કૉંગ્રેસના અધિવેશનમાં નહેરુને ફરી પક્ષના અધ્યક્ષ તરીકે ચૂંટવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી ત્યારે સરદાર પટેલે તેનો જોરદાર વિરોધ કર્યો હતો.
સરદાર પટેલે ગાંધીના સચિવ મહાદેવ દેસાઈને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે “નહેરુ એક એવા વરરાજા છે, જેની સાથે તેમણે જોયેલી બધી છોકરીઓ લગ્ન કરવા તૈયાર છે.”
મહાદેવ દેસાઈની સલાહ મુજબ ગાંધીએ રાજગોપાલાચારીને પત્ર લખીને જણાવ્યું હતું કે સરદાર પટેલ ઇચ્છે છે કે તમે કૉંગ્રેસ અધ્યક્ષનો કાંટાળો તાજ પહેરો. રાજગોપાલાચારીએ તેનો અસ્વીકાર કર્યો ત્યારે સરદાર પટેલે ગોવિંદ વલ્લભ પંતનું નામ સૂચવ્યું હતું.
સરદાર પટેલે ત્યાં સુધી કહેલું કે જવાહરલાલ ફરી પક્ષના અધ્યક્ષ બનશે તો મારી પાસે પક્ષનું સભ્યપદ છોડવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં.
સરદાર પટેલની જીવનકથા ‘સરદાર’માં રાજમોહન ગાંધીએ લખ્યું છે કે “નહેરુએ આચાર્ય કૃપલાણી સમક્ષ અધ્યક્ષ બની રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમની દલીલ એ હતી કે કૉંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે આઠ મહિનાનો કાર્યકાળ બહુ ટૂંકો ગાળો છે. ગાંધીએ તેનો જવાબ આપતાં જણાવ્યું હતું કે આ બાબતે શું કરી શકાય તે વિચારીશું. તેમણે સરદાર પટેલને નહેરુ વિરુદ્ધ ચૂંટણી ન લડવા મનાવી લીધા હતા.”
ગાંધીની સહમતીથી બોઝ બન્યા કૉંગ્રેસ અધ્યક્ષ
1937માં કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે મહાત્મા ગાંધીએ સુભાષચંદ્ર બોઝનું નામ સૂચવ્યું હતું. નહેરુ કૉંગ્રેસ અધ્યક્ષપદે હતા ત્યાં સુધી સુભાષચંદ્ર કાં તો જેલમાં હતા અથવા વિદેશમાં હતા.
સુભાષચંદ્ર કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા ત્યારે નહેરુ ભારતમાં ન હતા, પરંતુ એ દરમિયાન બન્ને વચ્ચે વૈચારિક મતભેદ ન હતા. બન્ને હિન્દુ-મુસલમાન વચ્ચે કોઈ રીતે સમજૂતી કરાવવા ઇચ્છતા હતા.
આ જ કારણસર સુભાષચંદ્ર મહમદઅલી ઝીણાને મળવા તેમના મુંબઈસ્થિત નિવાસસ્થાને ગયા હતા, પરંતુ તેમની વાતચીતનું હકારાત્મક પરિણામ આવ્યું ન હતું.
નહેરુની માફક સુભાષચંદ્રે પણ વધુ એક વર્ષ કૉંગ્રેસ અધ્યક્ષ તરીકે કાર્યરત રહેવાની ઇચ્છા પ્રગટ કરી હતી. તેને રવીન્દ્રનાથ ટાગોરે સજ્જડ ટેકો આપ્યો હતો. તેઓ માનતા હતા કે કૉંગ્રેસમાં આધુનિક વિચારધારા ધરાવતા બે જ લોકો – સુભાષચંદ્ર અને જવાહરલાલ છે.
નહેરુ આયોજન સમિતિના અધ્યક્ષ હતા. તેથી ટાગોર ઇચ્છતા હતા કે બોઝ ફરી વાર કૉંગ્રેસના અધ્યક્ષ બને, પરંતુ મહાત્મા ગાંધી તેની તરફેણમાં ન હતા.
સુભાષચંદ્ર અને મહાત્મા ગાંધી વચ્ચે ટકરાવ
મહાત્મા ગાંધીની નજીકના પટ્ટાભિ સીતારમૈયાને સુભાષચંદ્ર સામે ચૂંટણીમાં ઊતારવામાં આવ્યા હતા. ગાંધીજીના વિરોધ છતાં સુભાષચંદ્ર જીતી ગયા હતા. તેમને કુલ 1580 મત મળ્યા હતા, જ્યારે સીતારમૈયાને 1377 સભ્યોનું સમર્થન મળ્યું હતું.
સુભાષચંદ્રને મોટા ભાગના મત બંગાળ, મૈસૂર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મદ્રાસમાંથી મળ્યા હતા, પરંતુ આ ચૂંટણીના પરિણામ પછી મહાત્મા ગાંધીએ કરેલા નિવેદનથી બધા ચોંકી ઊઠ્યા હતા.
ગાંધીજીએ કહ્યું હતું કે “સીતારમૈયા મારા કહેવાથી આ મુકાબલામાંથી હટ્યા ન હતા. તેથી આ હાર તેમની નહીં, પરંતુ મારી છે.”
રુદ્રાંગ્શુ મુખરજી લખે છે કે “પોતાને ગાંધીજીના નિવેદનથી પીડા થઈ હોવાનું સુભાષચંદ્રે સ્વીકાર્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કૉંગ્રેસના સભ્યોને ગાંધીની તરફેણમાં કે વિરોધમાં મત આપવાનું કહેવાયું ન હતું.”
મુખરજી લખે છે કે “ગાંધી સાથેના સંબંધ બાબતે સુભાષચંદ્રે કહ્યું હતું કે કેટલાક મુદ્દે ગાંધી સાથે મતભેદ જરૂર છે, પરંતુ તેમના પ્રત્યેના મારા આદરમાં જરાય ઘટાડો થયો નથી. ભારતની આ મહાનતમ વ્યક્તિનો વિશ્વાસ જીતી શકું એવા પ્રયાસ હું જરૂર કરીશ.”
નહેરુ અને બોઝ વચ્ચે મતભેદ વધ્યા
અહીંથી સુભાષચંદ્ર અને જવાહરલાલ વચ્ચે મતભેદની શરૂઆત થઈ હતી. ફેબ્રુઆરીની શરૂઆતના દિવસોમાં નહેરુ અને બોઝ વચ્ચે શાંતિનિકેતનમાં એક કલાક વાતચીત થઈ હતી.
એ મુલાકાતમાં શું થયું તેનો કોઈ રેકૉર્ડ ઉપલબ્ધ નથી, પરંતુ એ પછી નહેરુએ બોઝને જે પત્ર લખ્યો હતો તે રેકૉર્ડ પર જરૂર છે.
રુદ્રાંગ્શુ મુખરજી લખે છે કે “કૉંગ્રેસની અંદરના લોકો માટે સુભાષચંદ્રે કરેલા ‘ડાબેરી’ તથા ‘જમણેરી’ શબ્દના ઉપયોગ સામે નહેરુને વાંધો હતો. નહેરુ માનતા હતા કે આ શબ્દોથી એવો આભાસ થાય છે કે ગાંધી અને તેમને ટેકો આપતા લોકો જમણેરી જૂથના છે, જ્યારે તેમનો વિરોધ કરતા લોકો ડાબેરી છે.”
તેઓ લખે છે કે “નહેરુએ તે પત્રમાં હિન્દુ-મુસલમાન, ખેડૂતો, મજૂરો અને વિદેશ નીતિના મુદ્દા પણ ઉઠાવ્યા હતા. નહેરુ એ જાણવા ઇચ્છતા હતા કે આ મુદ્દે સુભાષચંદ્રનો મત તેમના કૉંગ્રેસી સાથીઓથી અલગ છે કે કેમ. સુભાષચંદ્ર આ બાબતે સ્પષ્ટીકરણ આપે એ તેનું સૌથી ઉત્તમ નિરાકરણ છે, એવું નહેરુ માનતા હતા.”
સરદાર પટેલ તથા પંતે કર્યો બોઝનો વિરોધ
બીજી તરફ ત્યાં સુધીમાં સરદાર પટેલ પણ બોઝના વિરોધી બની ચૂક્યા હતા.
રાજમોહન ગાંધી લખે છે કે “સરદારે રાજેન્દ્ર પ્રસાદને પણ લખીને જણાવ્યું હતું કે બોઝ સાથે કામ કરવું અશક્ય બની ગયું છે અને તેઓ ઇચ્છે છે કે પક્ષના સંચાલનમાં તેમને છુટ્ટો દોર આપવામાં આવે.”
વર્ધામાં 22 ફેબ્રુઆરીએ કૉંગ્રેસ કારોબારીની બેઠક યોજાઈ ત્યારે સુભાષચંદ્ર બીમાર હોવાને કારણે તેમાં ગેરહાજર રહ્યા હતા.
મહાત્મા ગાંધીના કહેવાથી નહેરુ અને શરદચંદ્ર બોઝ સિવાયના સરદાર પટેલ સહિતના કારોબારીના તમામ સભ્યોએ રાજીનામાં આપી દીધાં હતાં.
એ પછી 10થી 12 માર્ચ દરમિયાન ત્રિપુરીમાં કૉંગ્રેસની બેઠક યોજાઈ હતી, જેમાં ભાગ લેવા બોઝ, તાવ હોવા છતાં પહોંચ્યા હતા. ગાંધીજીએ તે બેઠકમાં ભાગ લીધો ન હતો, કારણ કે તેઓ એ સમયે રાજકોટમાં ઉપવાસ કરી રહ્યા હતા.
પટ્ટાભિ સીતારમૈયાએ તેમના પુસ્તક ‘હિસ્ટ્રી ઑફ ધ કૉંગ્રેસ’માં લખ્યું છે કે “ગોવિંદ વલ્લભ પંતે દરખાસ્ત રજૂ કરી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે કૉંગ્રેસ ગાંધીની મૂળભૂત નીતિઓ પ્રત્યે કટિબદ્ધ છે. ગાંધીની ઇચ્છા અનુસાર કારોબારીની રચના કરવાની વિનંતી તેમાં કરવામાં આવી હતી.”
બોઝે નહેરુને મોકલ્યો 27 પાનાંનો પત્ર
એ પત્રનું પહેલું જ વાક્ય હતું કે “છેલ્લા કેટલાક સમયથી મને લાગે છે કે તમને મારા પ્રત્યે બહુ જ અણગમો છે.”
તેમણે આગળ લખ્યુ હતું કે “હું 1937માં જેલમાંથી બહાર આવ્યો ત્યારથી ખાનગી તથા જાહેર જીવનમાં મેં કાયમ તમારો આદર કર્યો છે. હું તમને મારા મોટાભાઈ માનતો રહ્યો છું અને તમારી સલાહ વારંવાર લીધી છે, પરંતુ મારા પ્રત્યેનું તમારું વલણ હંમેશાં અસ્પષ્ટ રહ્યું છે.”
આખો પત્ર કડવાશભર્યો હતો. 26 જાન્યુઆરીના નહેરુના નિવેદનનો ઉલ્લેખ કરતાં સુભાષચંદ્રે લખ્યું હતું કે “તમે કહ્યું કે આપણે નીતિઓ તથા યોજનાઓ વિશે વાત કરવી જોઈએ, વ્યક્તિઓ વિશે નહીં. કેટલાક ખાસ લોકોનો ઉલ્લેખ થાય ત્યારે તમે ઇચ્છો છો કે આપણે લોકોને ભૂલી જઈએ, પરંતુ સુભાષ બોઝ બીજી વખત ચૂંટણી લડવા ઊભા થાય છે ત્યારે તમે વ્યક્તિત્વની અવગણના કરીને સિદ્ધાંતોની વાત કરો છો. મૌલાના આઝાદ ફરી ચૂંટણી લડવાની વાત કરે છે ત્યારે તમને તેમનાં વખાણ કરવામાં જરાય ખચકાટ થતો નથી.”
સુભાષચંદ્રને ખાસ કરીને 22 ફેબ્રુઆરીએ કૉંગ્રેસ કારોબારીના 12 સભ્યોના રાજીનામા બાદ નહેરુએ આપેલા નિવેદન સામે વાંધો હતો. સુભાષચંદ્રનું કહેવું હતું કે એ તમારા વ્યક્તિત્વને શોભતું નથી. (નેતાજી કલેક્ટેડ વર્ક્સ, ભાગ – 9)
સુભાષચંદ્રનો ‘સ્વમતાગ્રહ’ ગમ્યો નહીં
એ પત્રનો જવાબ આપતાં નહેરુએ સુભાષચંદ્રની નિખાસલતાની પ્રશંસા કરી હતી.
તેમણે લખ્યું હતું કે “નિખાલસતાથી કેટલાક લોકોને તકલીફ થઈ શકે છે, પરંતુ ખાસ કરીને જેમની સાથે કામ કરવાનું છે એમની વચ્ચે નિખાલસતા જરૂરી છે. વ્યક્તિગત રીતે તમારા પ્રત્યે મારા મનમાં કાયમ સ્નેહ તથા આદર રહ્યો છે અને આજે પણ છે. તેમ છતાં મને ક્યારેક તમારા કામ અને કામ કરવાની રીત ગમી નથી.”
એ પત્રના બીજા હિસ્સામાં નહેરુએ સુભાષચંદ્રની દરેક વાતનો મુદ્દાસર જવાબ આપ્યો હતો.
રુદ્રાંગ્શુ મુખરજી લખે છે કે “નહેરુને ક્યારેક સુભાષચંદ્રનો કથિત સ્વમતાગ્રહ અરુચિકર લાગતો હતો. તેમણે બોઝને એક પત્રમા લખ્યું હતું કે તમે ફરી કૉંગ્રેસ અધ્યક્ષ બનવા કંઈક વધારે પડતા આતુર હો એવું મને લાગે છે. રાજકીય રીતે એમાં કશું ખોટું નથી અને તમને ફરી ચૂંટણી લડવાનો તથા એ માટે કામ કરવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ મને તેનાથી પીડા થઈ, કારણ કે તમે આ બધાથી ક્યાંય ઉપર છો, એવું હું માનું છું.”
બોઝ અને ગાંધીજી વચ્ચેના મતભેદ યથાવત્
આ પત્રવ્યવહાર છતાં સુભાષચંદ્રએ ગાંધી તથા નહેરુને મનાવવાના પ્રયાસ ચાલુ રાખ્યા હતા. જૂનમાં તેઓ ગાંધીજીને મળવા વર્ધા ગયા હતા અને ગાંધીજી તથા બોઝ વચ્ચેની તે અંતિમ મુલાકાત હતી.
તે મુલાકાતનું હકારાત્મક પરિણામ આવ્યું નહીં અને સુભાષચંદ્ર પ્રત્યેના ગાંધીજીના વિચાર વધારે દૃઢ થતા રહ્યા હતા.
રવીન્દ્રનાથ ટાગોરે ડિસેમ્બર, 1939માં ગાંધીજીને એક ટેલિગ્રામ પાઠવીને જણાવ્યું હતું કે સુભાષચંદ્ર પર લાદવામાં આવેલો પ્રતિબંધ ઉઠાવી લો. તેના જવાબમાં ગાંધીજીએ જણાવ્યું હતું કે પહેલાં આપ સુભાષચંદ્રને શિસ્તમાં રહેવાની શિખામણ આપો.
જાન્યુઆરી, 1940માં સીએફ એન્ડ્રુઝને લખેલા પત્રમાં મહાત્મા ગાંધીએ ટાગોરના આ ટેલિગ્રામનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે “સુભાષ પરિવારના બગડેલા સંતાન માફક વર્તન કરતા હોય તેવું મને લાગે છે. મને લાગે છે કે આ જટિલ બાબતની નિરાકરણની ક્ષમતા ગુરુદેવમાં નથી.”
(ગાંધી કલેક્ટેડ વર્ક્સ, ભાગ – 71)
બોઝના મૃત્યુના સમાચાર સાંભળીને નહેરુ થયા ભાવુક
આખરે સુભાષચંદ્ર બોઝે કૉંગ્રેસમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમણે ફોરવર્ડ બ્લોક નામના નવા પક્ષની રચના કરી હતી.
તેઓ 1941માં ભારતમાંથી ગુપ્ત રીતે પરદેશ જવામાં સફળ થયા હતા. તેઓ અફઘાનિસ્તાન થઈને જર્મની પહોંચ્યા હતા, જ્યાં તેમણે હિટલરની મુલાકાત લીધી હતી.
કૉંગ્રેસમાં નેતા બનવાની તક ન મળવા છતાં પોતે શું-શું કરી શકે છે એ તેમણે 1943-44માં દેખાડ્યું હતું. તેમણે આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ કર્યું હતું.
તેઓ બાળપણથી જ સૈનિક તરીકે કારકિર્દી બનાવવા ઇચ્છતા હતા. તેમણે તેમના જીવનનાં કેટલાંક અંતિમ વર્ષો સૈનિકના ગણવેશમાં વિતાવ્યાં હતાં.
એ દરમિયાન નહેરુ 1942ની નવ ઑગસ્ટથી 1945ની 15 જૂન સુધી જેલમાં રહ્યા હતા. એ નહેરુના જીવનનો સૌથી લાંબો કારાવાસ હતો. વિમાન દુર્ઘટનામાં સુભાષચંદ્ર બોઝના નિધનના સમાચાર સાંભળ્યા ત્યારે નહેરુ રડી પડ્યા હતા.
તેમણે ભાવુક થઈને કહ્યું હતું કે “બહાદુર સૈનિકોએ જીવનમાં જે મુસીબતોનો સામનો કરવો પડે છે તે તમામથી હવે સુભાષ દૂર ચાલ્યા ગયા છે. હું અનેક બાબતોમાં સુભાષ સાથે સહમત ન હતો, પરંતુ ભારતની આઝાદી માટેના સંઘર્ષમાં તેમની ઇમાનદારી બાબતે કોઈ શંકા ન હતી.”
લશ્કરી ટુકડીને આપ્યું નહેરુનું નામ
બોઝ સાથેના મતભેદ છતાં નહેરુ તેમની સાથે પસાર કરેલા દિવસોને ક્યારેય ભૂલી શક્યા ન હતા.
સુભાષચંદ્રના મનમાં પણ અંતિમ સમય સુધી નહેરુ પ્રત્યેનો આદર યથાવત રહ્યો હતો. એટલે જ તેમણે આઝાદ હિન્દ ફોજની એક રેજિમેન્ટનું નામ ‘નહેરુ રેજિમેન્ટ’ રાખ્યું હતું.
બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયા પછી અંગ્રેજ સરકારે આઝાદ હિન્દ ફોજના સૈનિકો સામે દિલ્હીના લાલ કિલ્લામાં કેસ ચલાવ્યો ત્યારે જવાહરલાલે 25 વર્ષ પછી વકીલનો ગાઉન ફરી પહેર્યો હતો અને અદાલતમાં સૈનિકો વતી જોરદાર દલીલો કરી હતી.
રુદ્રાંગ્શુ મુખરજી લખે છે કે “નહેરુ સાથે મળીને પોતે ઇતિહાસ રચી શકશે, તેવી સુભાષચંદ્રને ખાતરી હતી, પરંતુ નહેરુ, ગાંધી વિના પોતાનું ભવિષ્ય જોવા તૈયાર ન હતા. બોઝનો નહેરુ સાથેનો સંબંધ ગાઢ ન બનવાનું સૌથી મોટું કારણ આ જ હતું.”
નહેરુ-બોઝના સંબંધને ભારતીય રાજકારણમાં એક મોટી પ્રતિસ્પર્ધા ગણવામાં આવે છે. એ પ્રતિસ્પર્ધા વધુ આગળ વધી હોત, પરંતુ એ પહેલાં નિયતિએ બોઝને ભારતના રાજકીય મંચ પરથી હટાવી લીધા હતા.
કેટલાક લોકો માને છે કે સુભાષચંદ્ર બોઝ જીવતા હોત તો આઝાદ ભારતના સૌપ્રથમ વડા પ્રધાન બનવાના પ્રબળ દાવેદાર હોત અને એ વખતે ભારતના નેતૃત્વની જવાબદારી જવાહરલાલ નહેરુને સોંપવામાં આવે છે કે સુભાષચંદ્ર બોઝને તે જોવાનું રસપ્રદ બની રહ્યું હોત.