રવિશંકર મહારાજ: અન્યાય સામે સતત સંઘર્ષ અને લોકસેવામાં તત્પર ખરા લોકસેવક

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

ગુજરાત રાજ્યની સ્થાપના-પ્રસંગે આશીર્વચન આપનાર તરીકે, ‘ઘસાઈને ઊજળા થઈએ’ જેવા વચનમાં અને બહુ તો ગાંધીજી-સરદાર પટેલનાં પ્રશંસાત્મક અવતરણોમાં આટોપાઈ જતા રવિશંકર મહારાજ વિરલ લોકસેવક હતા. સેવાવૃત્તિ, સાદગી, અન્યાય સામે સંઘર્ષ અને અનુકરણને બદલે કોઠાસૂઝ એ તેમની કેટલીક મુખ્ય વિશેષતા હતી. તોળીને શબ્દો વાપરનારા સ્વામી આનંદે મહારાજને ‘પુણ્યના પરવત સમા’ ગણાવ્યા હતા. સો વર્ષના દીર્ઘ આયુષ્યમાં સત્તાના-સંસ્થાઓના રાજકારણથી દૂર રહીને તેમણે કરેલી કામગીરી લોકસેવાના ‘ગાંધી મૉડલ’નો ઉત્તમ નમૂનો છે.

કુટુંબકબીલામાંથી દેશસેવામાં

મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામના રવિશંકર વ્યાસ ગરીબ પરિવારમાં ઉછર્યા. 19 વર્ષના હતા ત્યારે પિતાનું મૃત્યુ થયું. એટલે ગુજરાન ખાતર ખેતી, પરચૂરણ નોકરીઓ અને યજમાનગીરી થોડો સમય કર્યાં. આર્યસમાજના સંપર્કમાં આવ્યા પછી તેનાથી આકર્ષાયા અને ગામના રૂઢિચુસ્ત ધાર્મિકોના રોષની ચિંતા કર્યા વિના તેના પ્રચારક બન્યા.

ખેડા જિલ્લાના જ કઠલાલ ગામના મોહનલાલ પંડ્યાની સોબતે તેમનામાં રાષ્ટ્રીય ભાવનાનું ઘડતર કર્યું. ગાંધીજી વિશેની જાણકારી પણ તેમની પાસેથી જ મળી. રવિશંકર ગાંધીજીને પહેલી વાર 1916માં કોચરબ આશ્રમમાં અને બે બે વર્ષ પછી સાબરમતી આશ્રમમાં પણ મળ્યા. ત્યાંથી ખાદીનો તાકો ખરીદ્યા પછી તેમણે મિલનું કાપડ છોડ્યું. કસ્તૂરબાએ રવિશંકરને રેંટિયો ભળાવ્યો. એટલે તેમણે આવડે એવું કાંતવાનું શરૂ કર્યું. તેમને વ્યક્તિગત રીતે ગાંધીજીની નજીક જવાને બદલે તેમની વાતો-વિચારો સમજવામાં અને ઉતારવામાં વધારે રસ હતો.

રૉલેટ ઍક્ટ સામેના આંદોલનમાં 1919માં રવિશંકરે ગાંધીજીનું પ્રતિબંધિત પુસ્તક ‘હિંદ સ્વરાજ’ ખેડા જિલ્લામાં ગામેગામ પહોંચાડવાનું કામ ઉપાડ્યું. પુસ્તકની દરેક નકલ પર તે વહેંચનારનું (એટલે કે પોતાનું) નામ-સરનામું પણ લખતા હતા. આ તેમની સત્યાગ્રહની સમજ હતી. તબક્કા વાર તે વિદેશી કાપડ, પગરખાં, ખાંડ જેવી ચીજો છોડતા ગયા. 1921ના અસહકારના આંદોલન વખતે મહેમદાવાદના બજારમાં થયેલી વિદેશી કાપડની હોળીમાં રવિશંકરે પાઘડી બાળી. આ અરસામાં એક લગ્ન કરાવ્યા પછી તેમણે યજમાનવૃત્તિનો-ગોરપદાના કૌટુંબિક વ્યવસાયને પણ રામ રામ કર્યા.

લોકમાન્ય ટિળકના અવસાન પછી ગાંધીજીએ ટિળક સ્વરાજ ફાળામાં રૂ. એક કરોડ ઉઘરાવવાની જાહેરાત કરી. ખેડા જિલ્લામાં રૂપિયા ઉઘરાવવાની જવાબદારી લેનાર રવિશંકરને થયું કે શરૂઆત પોતાના ઘરથી જ કરવી જોઈએ, પરંતુ પત્ની સૂરજબહેન કૌટુંબિક જવાબદારીઓને કારણે સંમત ન થયાં. એટલે, રવિશંકરે કુટુંબની માલમિલકત પર પોતાનો અધિકાર છોડી દીધો અને પોતાની જાતને દેશસેવા માટે અર્પણ કરી.

માણસાઈના દીવા પ્રગટાવનાર સત્યાગ્રહી

ખાદીકામ અને રેંટિયાના પ્રસારમાં જોડાયેલા રવિશંકર તેમના ગામમાં અને આસપાસ ‘સ્વરાજવાળો’ તરીકે ઓળખાતા થઈ ગયા હતા. સરકારી શિક્ષણના બહિષ્કાર પછી તેમણે સુણાવ અને મહેમદાવાદમાં રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરી. તે સમયે ખેડા જિલ્લામાં બહારવટિયાઓનો બહુ ત્રાસ હતો. પણ રવિશંકરની પ્રકૃતિમાં પહેલેથી ડરનું નામનિશાન નહીં. પહેલી વાર 1922માં બહારવટિયાઓનો ભેટો થયો, ત્યારે તેમણે જરાય વિચલિત થયા વિના બહારવટિયાઓને સમજાવ્યું કે સાચું બહારવટું તો ગાંધીજી ખેડે છે.

ગાંધીજીએ તેમને બહારવટિયા જે કોમમાંથી આવતા હતા, તેની સેવા કરવાનું કહ્યું. પછાત અને ચોરીના વ્યવસાય સાથે સંકળાયેલી ગણાતી એ કોમોનો વિશ્વાસ જીતીને, તેમને સુધારવાનું કામ મહારાજે કેવી રીતે કર્યું, તેનાં કેટલાંક હૃદયસ્પર્શી આલેખનો ઝવેરચંદ મેઘાણીએ તેમના યાદગાર પુસ્તક ‘માણસાઈના દીવા’માં કર્યાં છે. સદંતર બિનરાજકીય અને સામાજિક કહેવાય એવી એ કામગીરી મહારાજની વિશિષ્ટતાનો અને સંવેદનશીલતાનો સાચો પરિચય કરાવે છે. કાકાસાહેબ કાલેલકરે તે પુસ્તકને ‘સંસ્કારસુધારનો કીમતી દસ્તાવેજ’ ગણાવ્યું હતું.

ગુનેગાર ગણાતી કોમોનું આંતરિક તેજ ઓલવ્યા વિના સુધારાના રસ્તે આણવાનું કામ કરતાં રવિશંકર વ્યાસ તેમના અને આખા ગુજરાતના ‘મહારાજ’ બન્યા. પૂર આવ્યું હોય, દુષ્કાળ પડ્યો હોય કે બીજી કોઈ પણ આપત્તિ હોય, સેવાકાર્યો માટે મહારાજ સદા તત્પર. એવી જ રીતે, નાગપુરનો ઝંડા સત્યાગ્રહ હોય કે બારડોલી સત્યાગ્રહ કે દાંડી કૂચ, સરકારની સામે સત્યાગ્રહ કરવામાં અને જેલ વહોરવામાં પણ પાછા ન પડે. બારડોલી સત્યાગ્રહમાં સૌથી પહેલી ધરપકડ તેમની થઈ, ત્યારે ગાંધીજીએ પોતાની અદલાબદલી રવિશંકર મહારાજ સાથે થાય, એવી લાગણી વ્યક્ત કરી હતી.

મહારાજનો જેલવાસ પણ આકરો. એક સમયે રોજનાં 38 શેર (આશરે 19 કિલો) દળણાં દળે. એવો ખડતલ, કસાયેલો બાંધો. શ્રમમાં આનંદ અનુભવે અને ગમે તે કામમાં નાનમ નહીં. દાંડી કૂચ વખતે મહારાજ ગાંધીજી અને તેમના સાથીદારોથી પહેલાં અરુણ ટુકડી સાથે કૂચના રસ્તે આગળ પહોંચીને વ્યવસ્થા સંભાળતા હતા. 1941માં અમદાવાદમાં કોમી હુલ્લડો થયાં, ત્યારે શેરીઓમાં રઝળતા અને સડી ગયેલા મૃતદેહોને મહારાજે એકઠા કરીને તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.

સાત્ત્વિકતા સાથે સંઘર્ષ અને સ્પષ્ટતા

રવિશંકર મહારાજનાં સેવાકાર્યો કે તેમની સૌમ્ય સ્મિત ધરાવતી છબી જોઈને કોઈ એવું ન ધારે કે તે કોઈને નારાજ કર્યા વિના જેટલું થાય તેટલું કરનારા સેવક હતા. એ અર્થમાં તે ‘મૂક’ નહીં, ચોખ્ખેચોખ્ખું બોલનારા હતા.

આઝાદીની આસપાસના અરસામાં ડાકોરના રણછોડરાય મંદિરમાં દલિતોને પ્રવેશ ન હતો. તેની સામે મહારાજે ઉપવાસ કર્યા હતા. એવી જ રીતે અમદાવાદના રણછોડરાય મંદિરમાં પણ મહારાજે દલિતોની ટુકડી સાથે મંદિરપ્રવેશ કર્યો હતો. અમદાવાદના જ સ્વામિનારાયણ મંદિર (કાલુપુર)માં અને દ્વારકામાં દલિતોના મંદિરપ્રવેશના મુદ્દે પણ મહારાજે દરમિયાનગીરી કરી હતી. કલોલ તાલુકાના સરઢવમાં દલિતોને બસમાં મુસાફરી કરવા માટે સત્યાગ્રહ કરવો પડ્યો હતો. તેમાં પણ મહારાજે દલિતો સાથે રખાતો ભેદભાવ દૂર કરવામાં સક્રિય થયા હતા.

વિકસી રહેલા અમદાવાદ શહેરની ગટરોનું પાણી કાઢવા માટે આઝાદી પછીના અરસામાં મ્યુનિસિપાલિટીએ ગ્યાસપુર ગામની જમીનો લોકો પાસેથી ખરીદવા માંડી. તેના કારણે ફક્ત ઘરથી જ નહીં, રોજગારથી પણ વિસ્થાપિત થતા ગામલોકો મહારાજ પાસે ગયા. મહારાજે મ્યુનિસિપાલિટીના પ્રમુખથી માંડીને (તે સમયે ગુજરાત-મહારાષ્ટ્રના બનેલા) મુંબઈ રાજ્યના મુખ્ય મંત્રી મોરારજી દેસાઈ સુધી રજૂઆતો કરી. પરંતુ તેમની વાત કાને ધરવામાં આવી નહીં.

છેવટે મહારાજે સરદાર પટેલને વાત કરી. સરદારે પણ આરંભે મ્યુનિસિપાલિટીના પગલાની તરફેણ કરતાં મહારાજે તેમની શુદ્ધ ચરોતરી ભાષામાં એ મતલબનું કહ્યું હતું કે ‘આ તો ગામડાંના ભોગે શહેરોને જીવાડવાની વાત છે અને હું એ નહીં થવા દઉં. મને જેલમાં પૂરીને જે કરવું હોય તે કરજો.’ ત્યાર પછી સરદારની સૂચનાથી મ્યુનિસિપાલિટીએ જમીનો લેવાનું બંધ કર્યું.

આસામમાં 1983માં થયેલા નેલ્લી હત્યાકાંડ પછી બાબુભાઈ જશભાઈ પટેલ અને ચુનીભાઈ વૈદ્ય જેવા ગાંધીવાદીઓએ આસામમાં નોંધપાત્ર રાહતકાર્ય કર્યું હતું. તેની શરૂઆતમાં નાણાંભીડનો પ્રશ્ન આવ્યો, ત્યારે બંને જણ રવિશંકર મહારાજને મળ્યા. તેમણે ગુજરાત રાહતસમિતિના સંચાલક પ્રભુદાસ પટવારીને આસામ માટે રૂપિયા આપવા કહ્યું. ગુજરાતના જાહેર જીવનના એક અગ્રણી હસમુખ પટેલે તેમના એક લેખ (સાર્થક જલસો-11)માં નોંધ્યું છે કે પટવારીને શરૂઆતમાં રૂપિયા આપતાં ખચકાટ થતો હતો ત્યારે મહારાજે ગળગળા થઈને તેમને પણ કહી દીધું હતું કે આટલાં નાનાં છોકરાં મરી ગયાં ને લોકો લાચાર છે ત્યારે આપણા રૂપિયાને ધોઈ પીવાના? આવા કામમાં રૂપિયા આપવાના ઠાગાઠૈયા કરવા હોય તો રાહત સમિતિના પ્રમુખ તરીકે મારું કામ કાઢી નાખો.

સેવા એ જ સાધના

મહાગુજરાત આંદોલન પછી અલગ ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ત્યારે સાબરમતી આશ્રમમાં યોજાયેલા સમારંભમાં રવિશંકર મહારાજે મંચ પરથી નવા રાજ્યને આશીર્વચન આપ્યાં હતાં. ગાંધીજીની હત્યા પછી સર્જાયેલા શૂન્યાવકાશમાં સાચા સેવક એવા મહારાજ હાથ જોડીને બેસી રહ્યા ન હતા, પણ વિનોબાએ શરૂ કરેલા ભૂદાન આંદોલનમાં મહારાજને નવી આશા દેખાઈ.

અગાઉ ટિળક સ્વરાજ ફાળા માટે દાન આપતા ખચકાયેલાં મહારાજનાં પત્નીએ ભૂદાનમાં પૂરી હોંશથી તેમની જમીન મહારાજને આપી દીધી. 1955માં મહારાજે ગુજરાતમાં ભૂદાન પદયાત્રા શરૂ કરી અને બે મહિના સુધી ચલાવી ત્યારે તેમની ઉંમર 71 વર્ષ હતી. ત્યાર પહેલાં અખિલ હિંદ શાંતિસમિતિના ભાગરૂપે 1952માં તે ચીન પણ જઈ આવ્યા અને ત્યાંના લોકો સાથે પણ છૂટથી હળ્યામળ્યા.

છેક 1973 સુધી એટલે કે 89 વર્ષ સુધી તેમણે દુષ્કાળરાહત, રેલરાહત, બાંગલાદેશના નિરાશ્રિતોને રાહત જેવી સેવાકામગીરી અણથક ચાલુ રાખી અને ગાંધીજીની સ્મૃતિને દીપાવી. 1973માં પગે ફ્રેક્ચર થયા પછી તેમનું હલનચલન મર્યાદિત બન્યું. છતાં, જાહેર કામોમાં તેમનો રસ ઓછો થયો ન હતો. વિખ્યાત નવલકથાકાર અશ્વિની ભટ્ટ તે સમયે અંગ્રેજી પુસ્તકોના અનુવાદો કરતા હતા. આ લખનાર સાથેની વાતચીતમાં તેમણે એક વાર કહ્યું હતું કે તે ‘ફ્રીડમ એટ મિડનાઇટ’નો (‘અર્ધી રાત્રે આઝાદી’ નામે) અનુવાદ કરતા હતા, ત્યારે મહારાજ હૉસ્પિટલમાં હતા. અશ્વિનીભાઈએ તેમને અનુવાદનો કેટલોક હિસ્સો વાંચી સંભળાવ્યો હતો અને તેમના કહેવા પ્રમાણે, ગાંધીજી વિશેની વાતોમાં મહારાજને બહુ આનંદ આવતો હતો.

આકરી સાદગી સહજ રીતે અપનાવનાર, સન્નિષ્ઠ સેવાને પોતાનું જીવનકાર્ય બનાવનાર, સત્તાના આકર્ષણથી દૂર રહીને ગાંધીચીંધ્યા માર્ગે લોકસેવા કરનાર મહારાજે સો વર્ષનું પૂરું આયુષ્ય ભોગવીને 1984માં વિદાય લીધી. રવિશંકર મહારાજની જગ્યાએ શ્રીશ્રી રવિશંકર, પંડિત રવિશંકર કે બીજા રવિશંકરોની વિગતો અપાઈ જાય એવા છબરડા ગુજરાતમાં બનતા રહે છે. મહેમદાવાદ નજીક આવેલી ખાત્રજ પંચવટીના વિશાળ સર્કલમાં થોડાં વર્ષ થયે રવિશંકર મહારાજની સરસ પ્રતિમા મૂકવામાં આવી છે, પણ બીજી વિગત તો ઠીક, તે પ્રતિમા કોની છે, તેની તકતી ક્યાંય મુકાઈ નથી.

મહારાજનું કામ તકતીનું કે પ્રતિમાનું પણ મોહતાજ નથી. તેમના જેવા લોકોને પ્રજાએ પોતાની ગરજે યાદ રાખવાના હોય છે અને એવું ન કરવામાં આવે તો શું થાય, તે સ્વયંસ્પષ્ટ છે.