ઠક્કરબાપા: આદિવાસીઓ અને દલિતોના કલ્યાણ માટે આજીવન મથતા રહેનાર સિવિલ એન્જિનિયર

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યાર પહેલાં જાહેર સેવાના ક્ષેત્રમાં ઝંપલાવી ચૂકેલા સિવિલ એન્જિનિયર અમૃતલાલ ઠક્કર આદિવાસીઓના અને દલિતોના કલ્યાણ માટે આજીવન મથતા રહ્યા. ગાંધીજીના જ જન્મવર્ષ 1869માં ભાવનગરમાં જન્મેલા અમૃતલાલની ‘ઠક્કરસાહેબ’માંથી ‘ઠક્કરબાપા’ બનવાની સફરમાં સંવેદના જેટલાં જ કાર્યશક્તિ અને કાર્યક્ષમતા પણ ભળેલાં હતાં.

ઇજનેરી કામગીરી, સેવાનાં બીજ

સાત ધોરણ સુધી ભણવાનો પણ રિવાજ ન હોય એવા જમાનામાં અમૃતલાલ ઠક્કર મેટ્રિક થયા પછી પૂના સિવિલ એન્જિનિયરિંગ ભણવા ગયા. કુલ છ ભાઈઓ. ઘરની આર્થિક સ્થિતિ પાતળી. છતાં, સંતાનોને ભણાવવાની પિતા વિઠ્ઠલભાઈને હોંશ. એટલે, જાતે જઈને અમૃતલાલને 1887માં પૂના મૂકી આવ્યા. ત્યાર પછીનાં ત્રણ વર્ષ પૂનામાં કેમ ગયાં હશે, એ કલ્પી શકાય. ઝવેરચંદ મેઘાણીએ ઠક્કરબાપાના 71મા જન્મદિન નિમિત્તે તૈયાર કરાયેલી પુસ્તિકામાં નોંધ્યું છે કે પૂનાનો ખર્ચ કાઢવા માટે માતાએ ‘નજીવા દાગીના પણ વેચેલા.’

આવી પરિસ્થિતિમાં એલસીઇ (લાઇસન્સિએટ ઑફ સિવિલ એન્જિનિયરિંગ)ની ડિગ્રી મેળવ્યા પછી, નોકરીએ ચઢી જવા સિવાય બીજો શો વિકલ્પ હોય? તેમણે આઠેક વર્ષ સુધી વઢવાણ અને પોરબંદર રાજ્યની નોકરી કરી. એવામાં છપ્પનિયો દુકાળ આવ્યો. પોરબંદરની નોકરી છૂટી. એટલે બેવડું સંકટ ઊભું થયું. તે ટાળવા માટે અમૃતલાલ પૂર્વ આફ્રિકાના કેન્યા-યુગાન્ડામાં બંધાતી રેલવે લાઇનમાં કામ કરવા ઊપડ્યા. ત્રણ વર્ષ ત્યાં રહ્યા. પાછા આવીને સાંગલી અને પછી મુંબઈ મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતા હતા. દરમિયાન, ગોપાલકૃષ્ણ ગોખલેએ સ્થાપેલી સર્વન્ટ્સ સોસાયટી ઑફ ઇન્ડિયા (હિંદ સેવક સમાજ)ના સંપર્કમાં આવ્યા.

સેવાક્ષેત્રે અમૃતલાલ ઠક્કરના પહેલા ગુરુ તેમના પિતા. છપ્પનિયા દુકાળ વખતે પિતાજીએ જ્ઞાતિજનો માટે કરેલાં રાહતકાર્યોની વિગત આફ્રિકા રહેતા અમૃતલાલને પત્રો દ્વારા મળતી હતી. તે વાંચીને તેમને થતું કે આવાં કામ તે નાતજાતના ભેદભાવ વિના ક્યારે કરી શકશે? સમાજસુધારક અને મહિલાશિક્ષણ ક્ષેત્રે પાયાનું કામ કરનાર ધોંડો કેશવ કર્વે સાથે તો મુંબઈ આવ્યા પછી તેમને પ્રત્યક્ષ સંપર્ક પણ થયો.

મુંબઈમાં નોકરી દરમિયાન તેમના હાથ નીચે કામ કરતા મહારાષ્ટ્રની દલિત જ્ઞાતિઓ મહાર અને માંગ લોકોના જીવનસંઘર્ષનો નિકટપરિચય થયો. તેમના જીવનની કરુણતા જોઈને દ્રવી ઊઠેલા ‘ઠક્કરસાહેબે’ તેમના કલ્યાણ માટે યથાશક્તિ પ્રયાસ આરંભ્યા. તેમાં એમને માર્ગદર્શન અને મદદ આપનાર ગુરુ હતા વિઠ્ઠલ રામજી શીંદે, જે 1905થી પૂનામાં દલિતો માટે આશ્રમ ચલાવતા હતા. એવા જ બીજા આગેવાન હતા હિંદ સેવક સમાજના દેવધર, જેમના સંપર્કથી ‘સમાજ’માં જોડાવાની તેમની ઇચ્છા દૃઢ બની.

સેવાધર્મનો સાક્ષાત્કાર

44 વર્ષના અમૃતલાલે કુટુંબના હિત ખાતર 21 વર્ષ સુધી (1891-1913) નોકરી કરી, પણ મનમાં જાગેલી સેવાની લગની તેમને જંપવા દેતી ન હતી. નોકરીમાં સિનિયોરિટી થઈ હતી. વધુ પાંચ વર્ષ ખમી જાય, પૂરું નહીં તો પણ ખાસ્સું પેન્શન મળે એમ હતું. છતાં, તેમનો જીવ મૂંઝાતો હતો. એટલે, બધી ગણતરી પડતી મૂકીને પિતાના અવસાન પછી, તે 1913માં ‘હિંદ સેવક સમાજ’માં જોડાઈ ગયા. ગોપાલકૃષ્ણ ગોખલેએ સ્થાપેલી આ સંસ્થા જરૂર પૂરતો પગાર આપીને દેશદાઝ અને સેવાભાવ ધરાવતા યુવકોને સભ્ય બનાવતી હતી અને રાજકારણથી દૂર રહીને, નાતજાતધર્મકોમના ભેદ વિના દીનદુઃખી લોકોની સેવા કરવાનું ધ્યેય રાખતી હતી.

અમૃતલાલ ઠક્કરે તેમાં જોડાયા પછી ગુજરાત સહિત ભારતના વિવિધ પ્રાંતોમાં વિવિધ પ્રકારનાં સેવાકાર્યો હાથ ધર્યાં. તેમાં દુષ્કાળરાહત, મજૂરકલ્યાણ, આદિવાસીઓ પર થતા શોષણ અને દમનના ચક્રને તોડવાના પ્રયાસ, ખાદીકામ, દલિતોદ્ધાર જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ આવી જતી હતી. તેમનાં કાર્યક્ષેત્રોમાં કચ્છ અને સૌરાષ્ટ્રથી માંડીને ભારતભરના પ્રદેશોનો સમાવેશ થતો હતો. તેમના માટે કોઈ ભૂમિ કે પ્રજા પારકી ન હતી.

સાદગી અને આકરી મહેનત જેવા ગુણો ઉપરાંત હાથમાં લીધેલા મુદ્દાનો ઊંડો અને તલસ્પર્શી અભ્યાસ ઠક્કરબાપાની વિશેષતા હતી. વિઠ્ઠલભાઈ પટેલે મુંબઈ ધારાસભામાં મફત અને ફરજિયાત કેળવણીનો ખરડો દાખલ કર્યો, ત્યારે તેને લગતા આધારભૂત આંકડા મેળવવા માટે ઠક્કરબાપા ગાડામાં બેસીને ગુજરાત-સૌરાષ્ટ્રની ઘણી શાળાઓમાં ફરી વળ્યા હતા. આવો જ અભ્યાસ તેમણે આદિવાસીઓના પ્રશ્નોનો પણ કર્યો હતો.

તેમના આવા અભિગમને કારણે તેમણે તૈયાર કરેલા અહેવાલ આધારભૂત ગણાતા હતા. ઓરિસ્સાના દુષ્કાળનું મૅનેજમૅન્ટ હોય કે જમશેદપુરમાં તાતાના કારખાનામાં કામ કરતા મજૂરોનું જીવનધોરણ સુધારવાની કામગીરી, ઠક્કરબાપા આખા પ્રશ્નનાં વિવિધ પાસાં તપાસીને, તેના ઉકેલ શોધતા હતા. તેમના ચરિત્રકાર કાન્તિલાલ શાહે નોંધ્યું છે કે ઠક્કરબાપાની દુષ્કાળવિષયક કામગીરીના આડપરિણામ તરીકે ઓરિસ્સામાં જાહેર જીવનની શરૂઆત થઈ અને તેના શરૂઆતના નેતાઓનું ઘડતર પણ થયું.

ભીલ સેવા મંડળ અને બિનરાજકીય લડત

પંચમહાલ સાથે ઠક્કરબાપાનો સંબંધ 1918-19ના દુકાળરાહત કાર્યથી બંધાયો હતો. અભણ અને પછાત ભીલોનું અનેકવિધ રીતે શોષણ કરતી અંગ્રેજ અમલદારશાહી અને દેશી વેપારીઓના સકંજામાં સપડાયેલા ભીલોની સ્થિતિ પ્રત્યક્ષ જોયા પછી 1922માં તેમણે ભીલ સેવા મંડળની શરૂઆત કરી. અલબત્ત, સંસ્થાકીય માળખા વગરની કામગીરી કેટલાક સાથીદારોની મદદથી ત્યાર પહેલાં શરૂ થઈ ચૂકી હતી. તેનું મૉડલ હિંદ સેવક સમાજની માફક, મર્યાદિત પગાર લઈને સેવા કરતા કાર્યકરો પર આધારિત હતું.

ઠક્કરબાપા બિનરાજકીય એવા ‘હિંદ સેવક સમાજ’ના સભ્ય હોવાથી તે કૉંગ્રેસમાં ન હતા, પણ તેમની કામગીરીએ ઇન્દુલાલ યાજ્ઞિક અને વલ્લભભાઈ પટેલથી માંડીને ગાંધીજી સુધીના નેતાઓ પર ઊંડો પ્રભાવ પાડ્યો. આજીવન ઠક્કરબાપાની કામગીરીનું મુખ્ય પ્રેરકબળ સંવેદના અને સહાનુભૂતિનું રહ્યું. તેથી ડૉ. આંબેડકરના છેડેથી લડાતી દલિતોના અધિકાર માટેની લડાઈથી તો ઠીક, ગાંધીજી દ્વારા ચાલતા આઝાદીના આંદોલનથી પણ તે દૂર રહ્યા. છતાં, સેવાકાર્ય માટે સરકારી તંત્રની ટીકા કરતાં કે તેની સામે પડતાં તે ખચકાતા ન હતા.

ભાવનગર રાજ્ય પ્રજાપરિષદના બીજા અધિવેશનનું પ્રમુખપદ તેમને સોંપાયું, ત્યારે તેમણે થોડાં ગામ ફર્યા પછી જ હોદ્દો સ્વીકારવાની શરત મૂકી અને અધિવેશનમાં આપેલા પ્રવચનમાં ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણીના કેટલાક અભિગમની ટીકા પણ કરી. પોરબંદરમાં 1928માં યોજાયેલી ચોથી કાઠિયાવાડ રાજકીય પરિષદ માટે ગાંધીજીના સૂચનથી તેમણે પ્રમુખપદ સ્વીકાર્યું. રાજકારણથી દૂર રહેવા છતાં, 1930માં મીઠાના સત્યાગ્રહ વખતે પોલીસદમનનો તેમણે ખુલ્લો વિરોધ કર્યો. કોઈ પણ કાયદાનો ભંગ ન કર્યો હોવા છતાં, પિકેટિંગ દરમિયાન થતા પોલીસદમનની તપાસ માટે તે મહેમદાવાદમાં દારૂના એક પીઠાથી દૂર ઊભા હતા, ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી અને જૂઠા આરોપોસર સજા આપીને તેમને સાબરમતી જેલમાં પૂરવામાં આવ્યા. આ તેમનો એકમાત્ર જેલવાસ હતો.

ગાંધીજીની સાથેઃ હરિજન સેવક સંઘથી નોઆખલી સુધી

બ્રિટિશ વડા પ્રધાને ચૂંટણીમાં દલિતો માટે અલગ મતદાર મંડળની જાહેરાત કરી, તેના વિરોધમાં ગાંધીજીએ આમરણ ઉપવાસ કર્યા. ત્યારે અલગ મતદાર મંડળના આગ્રહી ડૉ. આંબેડકર સાથે સંવાદ અને ચર્ચા કરવામાં ઠક્કરબાપાની મહત્ત્વની ભૂમિકા રહી. ડૉ. આંબેડકરે તે આગ્રહ પડતો મૂકીને અનામત બેઠકો સ્વીકારી ત્યાર પછી અસ્પૃશ્યતાનિવારણ માટે ગાંધીજીએ ‘અખિલ હિંદ અસ્પૃશ્યતાનિવારણ સંઘ’ની સ્થાપના કરી, જે આગળ જતાં ‘હરિજન સેવક સંઘ’ બન્યો. આનાકાની પછી અને ગાંધીજીની સમજાવટ બાદ ઠક્કરબાપા તેના પહેલા પ્રમુખ બન્યા અને તેના કામ માટે ‘ભીલ સેવા મંડળ’નું દાહોદનું થાણું છોડીને દિલ્હી વસ્યા.

હરિજન સેવક સંઘના કામ માટે દેશને 22 પ્રાંત અને 184 કેન્દ્રોમાં વહેંચી નાખવામાં આવ્યો હતો. ઠક્કરબાપાએ દેશભરમાં ફરીને અસ્પૃશ્યતા વિશેની કાળજું કંપાવનારી વિગતો મેળવી. તેમના સૂચનથી ગાંધીજીએ દેશભરમાં હરિજન યાત્રા આરંભી. 1933-34ના આ સમયગાળામાં હરિજન યાત્રા અંતર્ગત ઠક્કરબાપાએ આશરે નવ મહિના સુધી ગાંધીજી સાથે પ્રવાસ કર્યો. ગાંધીજીની અસ્પૃશ્યતાવિરોધી ઝુંબેશથી ઉશ્કેરાયેલા પૂનાના કેટલાક સનાતનીઓએ ગાંધીજીની કાર પર બૉમ્બ ફેંક્યો. તે વખતે ગાંધીજી અને ઠક્કરબાપા યોગાનુયોગે બીજી કારમાં હોવાથી તે હેમખેમ રહ્યા.

ગાંધીજી સાથેની તેમની બીજી યાદગાર યાત્રા દેશના વિભાજન સમયે નોઆખલીમાં હતી. ગાંધીજી અને તેમના સાથીદારોએ શાંતિ સ્થાપવામાં જાતને ખૂંપાવી દીધી હતી, ત્યારે ઠક્કરબાપાએ પણ એ વિસ્તારના લોકોના અને તેમાં પણ સવિશેષ રીતે દલિતોને બેઠા કરવામાં પાછું વાળીને જોયું નહીં.

આજીવન રાજકારણથી દૂર રહેલા ઠક્કરબાપાને આદિવાસીઓ અને દલિતોને લગતી જોગવાઈઓમાં તેમના અનુભવનો લાભ મળે એ માટે બંધારણસભામાં લેવામાં આવ્યા. છેલ્લાં વર્ષોમાં તબિયત કથળતાં તેમણે અંતિમ સમય દાહોદ તાલુકામાં અનાસ નદીના કિનારે કોઈ એકાંત સ્થળે વિતાવવાનું વિચાર્યું હતું. પણ ગાંધીજીની હત્યાથી હચમચી ગયા પછી તેમણે નિર્ણય બદલ્યો અને ગાંધીજીની જેમ છેલ્લી ઘડી સુધી કાર્યરત રહેવાનું નક્કી કર્યું. તેમની 70મી અને 80મી જન્મજયંતી દેશના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ધામધૂમપૂર્વક ઊજવાઈ અને એ નિમિત્તે ગ્રંથો પણ તૈયાર થયા.

આદિવાસીઓ-દલિતો-પીડિતોની સેવામાં જીવનના લગભગ ચાર દાયકા ગાળનારા ઠક્કરબાપાએ રાષ્ટ્રીય નેતાઓ, લોકસેવકો અને તેમને પ્રિય એવાં આદિવાસીઓ-દલિતોનો પ્રેમાદર મેળવીને 81 વર્ષની વયે ભાવનગરમાં છેલ્લા શ્વાસ લીધા.