વિદ્યાગૌરી નીલકંઠ : મજાકમશ્કરી અને અપમાનનો સામનો કરી સ્ત્રીકેળવણીનો પર્યાય બનેલાં ગુજરાતણ

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

આશરે 30 વર્ષ સુધી ગુજરાત વિદ્યાસભા (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી)નાં માનદ્ મંત્રી રહેલાં વિદ્યાબહેન નીલકંઠ મહિલા શિક્ષણથી લઈને અનેક જાહેર પ્રવૃત્તિઓમાં એવા સમયે અગ્રણી રહ્યાં, જ્યારે ઉચ્ચ ગણાતી જ્ઞાતિની સ્ત્રીઓ માટે ભણવાની તો ઠીક, ઘરની બહાર નીકળવાની પણ નવાઈ હતી. તેમના પતિ રમણભાઈ નીલકંઠની જેમ વિદ્યાબહેનને ગાંધીજીના સત્યાગ્રહ આંદોલનમાં ભરોસો ન હતો. છતાં, મીઠાના સત્યાગ્રહ વખતે વીરમગામમાં બહેનો પર થયેલા પોલીસ અત્યાચારના વિરોધમાં તેમણે અંગ્રેજ રાજ તરફથી મળેલો ‘કૈસર-એ-હિંદ’નો ખિતાબ પાછો આપી દીધો હતો.

નામ સાર્થક કરતો અભ્યાસ

ગોપીલાલ ધ્રુ અને બાળાબહેન દિવેટીયાનાં પુત્રી વિદ્યાબહેન 1876માં અમદાવાદમાં જન્મ્યાં, ત્યારે તેમના પરિવારની સ્થિતિ સામાન્ય હતી, પણ મોસાળ સમૃદ્ધ હતું. ભોળાનાથ સારાભાઈ તેમના નાના અને સાક્ષર યુગના ધુરંધર કવિ નરસિંહરાવ દિવેટીયા તેમના મામા હતા. પરિવારમાં પ્રાર્થના સમાજના સંસ્કાર અને સુધારાવાદી અભિગમ પણ ખરો. એટલે દીકરીને ભણવા મૂકી છતાં, નાની વયે તેને પરણાવી દેવાના દબાણમાંથી મુક્ત ન રહી શક્યાં. એટલે 11-12 વર્ષની વયે વિદ્યાબહેનનો વિવાહ થઈ ગયો.

એ વિવાહ વિશે વિદ્યાબહેનનાં માતાને થોડો કચવાટ હતો. દરમિયાન, સુરતના જાણીતા સાક્ષર મહીપતરામ નીલકંઠના પુત્ર રમણભાઈ 19 વર્ષની કાચી વયે વિધુર થયા. તે સમયે વિવાહ તોડવાનું કામ જેલ તોડવા જેટલું અઘરું અને એવાં જ ભયંકર પરિણામ ધરાવતું હતું. છતાં, ઘણી અવઢવ અને ભાંજગડ પછી 1888માં બાર વર્ષનાં વિદ્યાબહેનની સગાઈ વીસ વર્ષના રમણભાઈ સાથે થઈ અને બીજા વર્ષે તેમનાં લગ્ન થયાં.

ગુજરાતી શાળામાં ચાર ધોરણ ભણ્યા પછી વિદ્યાબહેન મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં પાંચમા ધોરણ (એટલે કે અંગ્રેજી પહેલા ધોરણ)માં દાખલ થયાં અને ભણવાનું આગળ વધાર્યું. સામાન્ય સંજોગોમાં લગ્ન એટલે સ્ત્રીના અભ્યાસ પર પૂર્ણવિરામ. પરંતુ પતિ રમણભાઈ અને સસરા મહીપતરામ સ્ત્રીશિક્ષણના આગ્રહી હોવાથી વિદ્યાબહેન આગળ ભણ્યાં અને 1891માં મેટ્રિક થયાં. તેમનાં ચરિત્રકાર સુસ્મિતા મ્હેડે નોંધ્યું છે કે મૅટ્રિકમાં ગુજરાતી વિષયમાં વિદ્યાબહેન પહેલાં આવ્યાં. તેમના પરીક્ષક ગોવર્ધનરામ ત્રિપાઠી હતા.

ગ્રૅજ્યુએટ બનવાની ગડમથલ

મૅટ્રિક થયા પછી બીજા વર્ષે, 16 વર્ષનાં વિદ્યાબહેન માતા બન્યાં. એટલે અભ્યાસ છૂટી ગયો. આમ તો કન્યા મૅટ્રિક સુધી અભ્યાસ કરે તે જ અધધ ગણાતું. એટલે, વિદ્યાબહેનના મનમાં કૉલેજ કરવાનો વિચાર ન હતો. પણ આચાર્ય આનંદશંકર ધ્રુવના અછડતા સૂચનથી તેમણે 1894માં ગુજરાત કૉલેજમાં પ્રવેશ મેળવ્યો.

અલબત્ત, સંતાનોના જન્મ વચ્ચે ચાલતા અભ્યાસને કારણે, તેઓ આઠ વર્ષે ગ્રૅજ્યુએટ થયાં. ત્યાં સુધીમાં તેમનાથી નાનાં શારદાબહેન (સુમંત મહેતા) તેમની સાથે થઈ ગયાં હતાં. એટલે 1901માં બંને બહેનોએ પરીક્ષા પાસ કરી. હિંદુઓમાં આ બંને બહેનો ગ્રૅજ્યુએટ થનારી પ્રથમ મહિલાઓ બની રહી. તત્ત્વજ્ઞાનના વિષયમાં તે મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યાં હોવાનું પણ તેમનાં ચરિત્રકાર સુસ્મિતા મ્હેડે નોંધ્યું છે.

રમણભાઈ નીલકંઠના મિત્ર અને જાણીતા કવિ મણિશંકર ભટ્ટ ‘કાન્ત’ની સલાહથી વિદ્યાબહેને કૉલેજમાં પસંદગીના વિષય તરીકે મૉરલ ફિલૉસૉફી અને લૉજિક રાખ્યાં. પણ કૉલેજમાં મૉરલ ફિલૉસૉફીના અધ્યાપક ન હતા. સામાન્ય કલ્પના પ્રમાણે બને એવું કે વિદ્યાર્થીને વિષય બદલવો પડે, પણ તે સમયે આનંદશંકર ધ્રુવે તેમના વિષય સંસ્કૃત ઉપરાંત મૉરલ ફિલૉસૉફી ભણાવવાની જવાબદારી ઉપાડી લીધી. તેમને પોતાને એ વિષયનું પદ્ધતિસરનું જ્ઞાન ન હતું, પણ બે-ત્રણ વિદ્યાર્થીઓને ભણાવવા માટે તેમણે યુરોપના ફિલસૂફોનો અને આખા વિષયનો શાસ્ત્રીય રીતે અભ્યાસ કર્યો અને આગળ જતાં લખ્યું, ‘(વિદ્યાબહેનની) કેળવણીમાં મારો થોડોઘણો ભાગ છે એ ખરું...પણ મારી કેળવણીમાં એમનો પણ કેટલો મોટો ભાગ છે તે હું ભૂલી શકતો નથી.’

કૉલેજકાળમાં ચાર સંતાનોનાં માતા બનવાને કારણે વિદ્યાબહેનને ક્યારેક અભ્યાસ છોડવાનું મન થઈ આવતું. છોકરાઓથી ભરેલી કૉલેજમાં છોકરીએ ભણવું એ ગૌરવની નહીં, શરમની અને કલંકરૂપ બાબત ગણાતી. મજાકમશ્કરી અને અપમાન થતાં, પરંતુ, તેમનાં માતા અને પતિના સતત સહકારથી તેમણે અભ્યાસ પૂરો કર્યો. તેમના પગલે એકદમ તો યુવતીઓ કૉલેજ જતી ન થઈ, પણ આ બંને બહેનોની મક્કમતા અને હિંમતને સુધારાવાદી વર્તુળોમાંથી અભિનંદન અને આવકાર મળ્યાં. ‘ગ્રૅજ્યુએટ થયાં, પણ રાંધતાં આવડે છે?’ એવા સવાલ પણ પુછાતા હતા અને ભણીગણીને તેઓ ‘મૅડમ’ થઈ ગયાં નથી, એ જોઈને રૂઢિચુસ્તોને થોડી નિરાંત થતી હતી.

ખરા અર્થમાં જીવનસાથી

વિદ્યાબહેને કુલ નવ સંતાનો (છ પુત્રી-ત્રણ પુત્ર)ને જન્મ આપ્યો. તેમાંથી પહેલો પુત્ર અને પહેલી પુત્રી એક વર્ષનાં થતાં પહેલાં જ અવસાન પામ્યાં. તે આઘાત પચાવીને વિદ્યાબહેને કૉલેજનો અભ્યાસ ચાલુ રાખ્યો. ગ્રૅજ્યુએટ થયા પછી તેઓ રમણભાઈ સાથે પ્રાર્થના સમાજ, સંસારસુધારા સમાજ, વિધવાવિવાહ ઉત્તેજન સમિતિ જેવી જાહેર સંસ્થાઓની કામગીરીમાં રસ લેતાં હતાં. રમણભાઈ વિદ્યાબહેન કરતાં આઠ વર્ષ મોટા હોવાથી તેમનામાં વડીલપણું રહેતું. છતાં, વિદ્યાબહેનના તેમની સાથેના સંબંધમાં સાથીપણાનો પણ પૂરો ભાવ હતો.

રમણભાઈને તેમના એલએલ.બી.ના અભ્યાસ માટે મુંબઈ રહેવાનું થયું ત્યારે પતિ-પત્ની વચ્ચે, મોટે ભાગે અંગ્રેજીમાં, સતત પત્રવ્યવહાર ચાલતો. વિદ્યાબહેનનું અંગ્રેજી ખીલે તે માટે રમણભાઈ અંગ્રેજીમાં પત્ર લખવા-લખાવવાનો આગ્રહ રાખતા અને તેમનું અંગ્રેજી ‘ગુજરાતી કહેવતોનો શબ્દાર્થમાં અંગ્રેજી તરજુમો કરતા અધકચરા ભણેલાઓના લખાણ કરતાં ઘણું ચડિયાતું છે’ એવું પ્રોત્સાહન પણ આપતા હતા. કૉંગ્રેસના અધિવેશન જેવી જાહેર પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોમાં રમણભાઈ જાય ત્યારે તેની ઝીણી ઝીણી વિગતો વિદ્યાબહેનને લખતા હતા.

મોસાળમાં સંગીતના સંસ્કાર હોવાથી વિદ્યાબહેન સારંગી શીખ્યાં હતાં અને સારું ગાતાં હતાં. રમણભાઈ ‘જ્ઞાનસુધા’ માસિક સંભાળતા હતા ત્યારે વિદ્યાબહેન લેખોનાં પ્રૂફ તપાસવામાં રમણભાઈને મદદ કરતાં અને ક્યારેક પોતે પણ લેખો લખતાં. એ સિવાયનાં કેટલાંક સામયિકોમાં પણ વિદ્યાબહેન લખતાં હતાં.

એકમાત્ર હાસ્યલેખક અને પરિષદ-પ્રમુખ દંપતી

આત્યંતિક રૂઢિચુસ્તોની ઠેકડી ઉડાડતી રમણભાઈની હાસ્યનવલકથા ‘ભદ્રંભદ્ર’ જ્યારે ‘જ્ઞાનસુધા’માં ટુકડે ટુકડે પ્રગટ થઈ, ત્યારે વિરોધી છાવણીમાં ભારે ઉકળાટ વ્યાપ્યો. ‘ભદ્રંભદ્ર’ના વળતા પ્રહાર તરીકે અંબાલાલ નરસિંહલાલ ત્રવાડીએ 1902માં ‘ભ્રમણચંદ્ર’ નામે નવલકથા લખી. તેમાં રમણભાઈ પરથી ‘ભ્રમણચંદ્ર’ અને વિદ્યાબહેન પરથી ‘નિવિદ્યા’નું પાત્ર બનાવીને તેમના અંગત જીવનનું અને અંગ્રેજી રીતભાતનું ગલીચ અતિશયોક્તિભર્યું આલેખન કર્યું.

1915માં પ્રગટ થયેલા ગુજરાતી હાસ્યસાહિત્યના મહત્ત્વના પુસ્તક ‘હાસ્યમંદિર’માં લેખક તરીકે રમણભાઈની સાથે ‘વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ’નું પણ નામ હતું. પુસ્તકમાં વિદ્યાબહેનના 14 લેખ હતા, જેમાંથી ઘણા કોઈ ને કોઈ અંગ્રેજી લેખ પરથી શબ્દો અને ભાવના રૂપાંતર સાથે તેમણે લખ્યા હતા. ‘થોભિયા’ વિશે તો રમણભાઈ અને વિદ્યાબહેન બંનેના લેખ હતા. ગુજરાતી હાસ્યસાહિત્યના ઇતિહાસમાં આ કદાચ એકમાત્ર દંપતી છે, જેમનું સંયુક્ત કર્તૃત્વ ધરાવતું હાસ્યલેખોનું પુસ્તક હોય.

લગ્ન પછી તેમણે રમણભાઈને એક અનુવાદકાર્યમાં થોડી મદદ કરી હતી. ત્યાર પછી તેમનાં બહેન શારદાબહેન મહેતા સાથે મળીને બે અંગ્રેજી પુસ્તકોનો ગુજરાતી અનુવાદ કર્યો હતો અને શારદાબહેનનાં દીકરી પ્રેમલીલા સાથે મળીને ‘ગૃહદીપિકા’ પુસ્તક પણ લખ્યું હતું. તે સિવાય વિવિધ સામયિકોમાં તે લેખો લખતાં અને વિદ્યાકીય પ્રવૃત્તિઓમાં ઊંડો રસ લેતાં હતાં. આ બધાને કારણે તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ બન્યાં હતાં. અગાઉ રમણભાઈ પણ એ હોદ્દો શોભાવી ચૂક્યા હતા. સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પતિ-પત્ની બંને હોય એવો પણ આ એકમાત્ર કિસ્સો છે.

સમૃદ્ધ જાહેર જીવન અને ‘ઍવૉર્ડવાપસી’

છપ્પનિયા દુષ્કાળ અને અમદાવાદની લેડીઝ ક્લબથી શરૂ કરીને વિદ્યાબહેને અનેક જાહેર અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો. આ વર્ષે જેની 175મી જયંતી ઉજવાઈ રહી છે તે ગુજરાત વિદ્યાસભામાં તેઓ લગભગ ત્રણ દાયકા સુધી માનદ્ મંત્રીપદે રહ્યાં.

1932માં તેઓ અખિલ હિંદ મહિલા પરિષદનાં પ્રમુખ તરીકે ચૂંટાયાં. તે સિવાય મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે નિમાતાં રહ્યાં. એસ.એન.ડી.ટી.એ તેમને માનદ્ ડી.લિટ.થી સન્માનિત કર્યાં.

પહેલા વિશ્વયુદ્ધ વખતે તેમણે યુદ્ધફાળો એકઠો કરવાના કામમાં કરેલી સહાયને કારણે અંગ્રેજ સરકારે 1919માં તેમને એમબીઈ(મેમ્બર ઑફ ધ બ્રિટિશ ઍમ્પાયર)નો અને 1926માં જાહેર સેવાની કદરરૂપે ‘કૈસર-એ-હિંદ’નો ખિતાબ આપ્યો હતો. બીજા વર્ષે રમણભાઈને ‘સર’નો ખિતાબ મળતાં, વિદ્યાબહેન લેડી વિદ્યાગૌરી નીલકંઠ બન્યાં. ગાંધીજી પ્રત્યે આદર છતાં ગાંધીજીની અસહકારની ચળવળમાં તેમને ખાસ શ્રદ્ધા ન હતી. છતાં, 1930માં વીરમગામમાં સત્યાગ્રહી મહિલાઓ પર પોલીસદમનના સમાચાર જાણ્યા પછી તેમણે ‘કૈસર-એ-હિંદ’નો ખિતાબ પાછો આપી દીધો.

1928માં રમણભાઈના અવસાન પછી પણ વિદ્યાબહેન ત્રણ દાયકા સુધી જીવ્યાં અને જાહેર જીવનમાં સક્રિય રહ્યાં. 1958માં 82 વર્ષની વયે તેમનું અવસાન થયું, પણ ગુજરાતના સાંસ્કૃતિક-સામાજિક જીવન અને તેમાં સ્ત્રીઓની ભૂમિકાની કથા તેમના પ્રદાનના વિગતવાર ઉલ્લેખ વિના અધૂરી ગણાય.