મથુરાદાસ ત્રિકમજી : 'ગાંધીજીના જીવનની દીવાદાંડી' અને 'નીતિના ચોકીદાર'

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

ગાંધીજીના તમામ સાથીદારોમાં તેમનાથી અત્યંત નિકટના અને સદંતર ભુલાયેલા સાથી એટલે મથુરાદાસ ત્રિકમજી. તે એક સમયે મુંબઈના મેયર હતા અને સગપણમાં ગાંધીજીનાં ઓરમાન બહેન મૂળીબહેનનાં દીકરી આણંદબહેનના પુત્ર થાય. ગાંધીજીએ તેમને લખ્યું હતું, ‘તું જાણે છે કે હું તને મારી નીતિનો ચોકીદાર ગણું છું. એ તારો અધિકાર અને ધર્મ બરાબર જાળવજે.’

સંબંધ અને સંબોધનોઃ ‘મામાશ્રી’થી ‘બાપુજી’

ગાંધીજી કરતાં ઉંમરમાં 25 વર્ષ નાના મથુરાદાસ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની સત્યાગ્રહની લડત વિશે જાણતા હતા અને તેમની ‘વીરતા, દેશભક્તિ અને સાધુતા’ માટે તેમના મનમાં અહોભાવ હતો. ગાંધીજી સાથેની તેમની પહેલી મુલાકાત 1915માં થઈ. ત્યારે મથુરાદાસ 20 વર્ષના હતા અને બી.એ. થયા પછી કાયદાનો અભ્યાસ શરૂ કર્યો હતો. ગાંધીજી સાથેની મુલાકાત પછી તેમણે કાયદાનો અભ્યાસ છોડ્યો.

પહેલી મુલાકાત પછી લગભગ બે વર્ષ સુધી મથુરાદાસ ‘મામાશ્રી’ ગાંધીજીને પત્રો લખીને સવાલો પૂછતા હતા-મૂંઝવણો ઉકેલવાનો પ્રયાસ કરતા હતા. તે અરસામાં એક વાર ગાંધીજીએ સરોજિની નાયડુને મથુરાદાસની ઓળખાણ કરાવતાં કહ્યું હતું, ‘આ આશાભર્યો જુવાન છે, પણ હમણાં તો તણાયે જાય છે.’ છતાં, મથુરાદાસે ગાંધીજીનો સંપર્ક ટકાવી રાખ્યો. તેમનો વિશ્વાસ જીતવો સહેલો ન હતો. ગુણવત્તામાં તે જરાય બાંધછોડ કરતા નહીં, પણ મથુરાદાસ કસોટી માટે તૈયાર હતા.

તેમણે ગાંધીજીનાં લખાણો-ભાષણોનો અનુવાદ કરીને તેનું પુસ્તક તૈયાર કરવાનું કામ હાથમાં લીધું, ગાંધીજીએ મથુરાદાસને પુસ્તકના હેતુ વિશે પૂછતાં તેમણે કહ્યું હતું, ‘પ્રજાને આપના વિચારો સમજવામાં સરળતા થાય અને અભ્યાસને પરિણામે શંકાશીલ (લોકો) આપના મતના થાય.’ તે સમયે ગાંધીજીનાં સામયિકો ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’ શરૂ થયાં ન હતાં. ગાંધીજીની મંજૂરી મળ્યા પછી મથુરાદાસે મૂળ ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, હિંદી અને મરાઠી લેખ-ભાષણોનો અનુવાદ ‘મહાત્મા ગાંધીની વિચારસૃષ્ટિ’ (1918) નામે પ્રગટ કર્યો. તેમાં ભાષાંતરકર્તા અને પ્રકાશક બંનેની ભૂમિકા મથુરાદાસે નિભાવી હતી.

આ પુસ્તકની પ્રસ્તાવના લખવાની વિનંતીના જવાબમાં ગાંધીજીએ મથુરાદાસને મોતીહારી (બિહાર)થી એક પત્રમાં લખ્યું હતું, ‘મારી પોતાની પ્રવૃત્તિઓની વિગતોમાંથી આ પુસ્તકનું પ્રકાશન થયું છે. તેમાં મારે પ્રસ્તાવના લખવાની શી જરૂર? મારા વિચારોનું મારા દ્વારા થતું આચરણ એ જ તેની સાચી પ્રસ્તાવના છે. એ પ્રસ્તાવના જે વાંચી શકશે તેને આ પુસ્તક વાંચવાનો ધક્કો મળશે.’ 1918માં જ થોડા સમય માટે મથુરાદાસે મહાદેવભાઈ દેસાઈની ગેરહાજરીમાં ગાંધીજીનું સચિવપદું પણ સંભાળ્યું. આમ, કૌટુંબિક સગપણને તેના કરતાં અનેક ગણા ચડિયાતા વૈચારિક સગપણનો રંગ ચડ્યો.

‘નીતિના ચોકીદાર’ની સજાગતા

ગાંધીજી પ્રત્યે પૂરા આદર છતાં, મથુરાદાસે તેમની સાથેના વ્યવહારમાં પૂજ્યભાવની કે કૌટુંબિક સંબંધની પટ્ટી બાંધી ન હતી. સામાન્ય રીતે મથુરાદાસ ગાંધીજીને મળે ત્યારે તે નમીને પગે લાગે અને ગાંધીજી તેમનો વાંસો થાબડે, પણ 1924માં મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને ગાંધીજીને માનપત્ર આપ્યું ત્યારે કૉર્પોરેશનના ચૂંટાયેલા સભ્ય તરીકે મથુરાદાસે તેમનું બે હાથ જોડીને અભિવાદન કર્યું હતું અને ગાંધીજીએ પણ એવી રીતે જ જવાબ આપ્યો હતો. કૉર્પોરેશનના સભ્ય મથુરાદાસે જાહેર કાર્યક્રમમાં ગાંધીજી સાથેની અંગતતાનું પ્રદર્શન કરવાનું ન હોય, એટલી સ્પષ્ટતા બંનેના મનમાં હતી.

કૉંગ્રેસના કેટલાક જૂના નેતાઓ સાથેના મતભેદ પછી ગાંધીજીએ કૉંગ્રેસમાંથી નીકળી જવું જોઈએ એવું મથુરાદાસે છેક 1924માં સૂચવ્યું હતું. આદર અને સંખ્યાબળના જોરે ગાંધીજી ધાર્યું કરી શકે એમ હતા. પણ તેમને એવી ‘જીત’ ખપતી ન હતી. અમદાવાદમાં થયેલી કૉંગ્રેસ મહાસમિતિની સભામાં, મથુરાદાસની નોંધ પ્રમાણે, ‘ભરસભામાં તેમની (ગાંધીજીની) આંખમાં આંસુ ટપક્યાં.’ એ વખતે ગાંધીજીએ ‘કૉંગ્રેસમાંથી નીકળી જવું જોઈએ અને નવો સંઘ ઊભો કરીને સ્વરાજનું કામ પોતાની રીતે આગળ ધપાવવું જોઈએ’ એવું સૂચવતો પત્ર મથુરાદાસે તેમને લખ્યો હતો.

દસ વર્ષ પછી ગાંધીજી ‘કૉંગ્રેસમાં દેખાતો બગાડો અને સર્વત્ર નિયમનના અભાવ’થી અકળાતા હતા ત્યારે મથુરાદાસે ગાંધીજીને પત્રમાં સાફ શબ્દોમાં લખ્યું, ‘આપના જીવનકાર્યની સફળતા અને દેશની પ્રગતિ આપ કૉંગ્રેસમાંથી ફારેગ થાઓ તો થાય એમ મને ચોક્કસ લાગે છે. સૌ ગૂંગળાઈ રહ્યા છે. તેમને છૂટા કરો.’

એક મહિના પછી ગાંધીજીની વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છાની સાથે મથુરાદાસે ફરી યાદ કરાવ્યું કે ‘(તમારા કૉંગ્રેસમાંથી નિવૃત્ત થવાના નિર્ણયમાં) જ કૉંગ્રેસનું, દેશનું અને માનવકુલનું હિત છે.’ તેમને જવાબ આપતાં ગાંધીજીએ લખ્યું, ‘કૉંગ્રેસમાંથી કાઢવા જેટલો તું ઉત્સુક થઈ રહ્યો છે તેના કરતાં હું નીકળવા વધારે ઉત્સુક થઈ રહ્યો છું. એટલે એ કામ સહેજે થઈ શકે એવા ઉપાયો જ આપણે રચવાપણું રહે છે.’

‘ગાંધીજીના જીવનની દીવાદાંડી’

પચાસ વર્ષની વયે ગાંધીજી રવીન્દ્રનાથ ટાગોરનાં ભાણી સરલાદેવી ચૌધરાણી પ્રત્યે ખેંચાયા અને તેમની સાથે ‘સ્પિરિચ્યુઅલ મૅરેજ’ સુધીના વિચારની હદે પહોંચ્યા. સરલાદેવી ગાંધીજી કરતાં ત્રણ વર્ષ નાનાં અને તેજસ્વી દેશસેવિકા હતાં. પરંતુ ગાંધીજીના તેમની સાથેના સંબંધનાં વ્યાપક પરિણામોનો વિચાર કરીને, તેમને એ સંબંધમાંથી પાછા વાળવામાં ચાર જણની મુખ્ય ભૂમિકા રહી.

અભ્યાસી લેખક અને ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી આ વાત ગરિમાપૂર્વક પ્રકાશમાં લાવ્યા ત્યારે તેમણે આપેલાં ચાર નામમાં ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધી, સી. રાજગોપાલાચારી અને મહાદેવ દેસાઈ ઉપરાંત ચોથું નામ મથુરાદાસનું હતું. વર્ષ 2010માં આ લખનારને આપેલી મુલાકાતમાં અભ્યાસી-અનુવાદક અને હાઇકમિશનર-રાજ્યપાલ જેવા હોદ્દે રહી ચૂકેલા, (રાજમોહન ગાંધીના ભાઈ) ગોપાલકૃષ્ણ ગાંધીએ કહ્યું હતું, ‘મથુરાદાસ અને રાજાજી ગાંધીજીના જીવનનાં બે લાઇટહાઉસ (દીવાદાંડી) હતા.’

મથુરાદાસને 1925માં ટીબીનો ત્યારે ભયંકર ગણાતો રોગ લાગુ પડ્યો, જે તેમને ઓછેવત્તે અંશે છેવટ સુધી હેરાન કરતો રહ્યો. રોગનાં શરૂઆતનાં ત્રણ- સવા ત્રણ વર્ષ કુટુંબથી અલગ રહેતા મથુરાદાસની સેવા માટે ગાંધીજીએ વારાફરતી સ્વામી આનંદ, પ્યારલાલ જેવા નિકટના સાથીઓને અને પુત્ર દેવદાસને પણ મોકલ્યા હતા. આ ઉપરાંત પત્રો દ્વારા તે મથુરાદાસને સતત હૂંફ પૂરી પાડતા હતા.

હિંદ છોડો ચળવળ પછી જેલમાં રહેલા ગાંધીજીએ 1943માં જેલના ઉપરીને લખ્યું હતું, ‘મુંબઈના માજી મેયર શ્રી મથુરાદાસ ત્રિકમજીની તબિયતના સમાચાર જાણવા હું મહિનાઓ થયાં આતુર છું. ઘણા વર્ષ ઉપર ગુજરી ગયેલ મારી બહેનના તે પૌત્ર છે. સરકાર કાં તો મને ખબર મેળવી આપે અને કાં તો શ્રી મથુરાદાસ ત્રિકમજીને મને લખવાની રજા આપે અને જાતે લખવાની તેની સ્થિતિ ન હોય તો તેના વતી બીજા કોઈને પૂરેપૂરી વિગત લખી મોકલવાની રજા આપે.’

મુંબઈના મેયરપદે

બીમારીની શરૂઆતમાં મથુરાદાસને તેની ગંભીરતાનો અંદાજ નહીં. એટલે 1926માં યોજાયેલી મુંબઈ કૉર્પોરેશનની ચૂંટણીનું ફૉર્મ ભર્યું હતું. પછી તબિયત બગડતાં તેમને મુંબઈ છોડવું પડ્યું. છતાં, મિત્રોના પ્રચારથી તે ગેરહાજર હોવા છતાં ચૂંટણીમાં જીતી ગયા. તે પ્રસંગે ગાંધીજીએ તેમને લખ્યું હતું, ‘ઘણા હાર્યા છતાં કચરાપટ્ટીમાં તમને જય મળ્યો. તેને સારુ તમને મુબારકબાદી જોઈએ તો આ એ જ છે એમ માની લેજો.’

મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કૉંગ્રેસને 1939માં સ્પષ્ટ બહુમતી થઈ. તે વર્ષે પારસી મેયર ચૂંટાયા, ત્યારે ગાંધીજીએ મથુરાદાસને લખ્યું, ‘તું કિંગમેકર જેવો છે તે રહે. ત્યાગથી તારી શક્તિ વધશે અને શહેરની સેવા વધારે કરી શકીશ.’ બીજા વર્ષે મથુરાદાસ મેયર બન્યા ત્યારે ગાંધીજીએ તેમને પત્રમાં લખ્યું, ‘તને મુબારકબાદી નથી આપતો. તેં ભારે ફરજ ઓઢી છે, એ અદા કરવાનું ઇશ્વર તને બળ આપો. આજ લગી તું મેયર બનાવતો આવ્યો. તેમાં રસ ઘણો હતો ને જવાબદારી ઓછી. હવે રસ ગયો ને નકરી જવાબદારી. એ ભાર તળે દબાઈ ન જતો. બધું ઇશ્વરપ્રીત્યર્થ છે એમ સમજશે તો ભાર જેવું નહીં લાગે.’

વિદાય અને વિસ્મૃતિ

ગાંધીજીનાં સંભારણાં આલેખતું મથુરાદાસનું પુસ્તક ‘બાપુની પ્રસાદી’ ગાંધીજીના મૃત્યુના આઠ મહિના પછી ‘નવજીવન’ તરફથી પ્રકાશિત થયું. એ કદાચ તેની પહેલી ને છેલ્લી આવૃત્તિ. તેમાં કશા ઉભરા કે દાવા વિના, સાવ સરળ અને સપાટ લાગી શકે એવી રીતે તેમણે અનેક ઉપયોગી વિગતો નોંધી છે. ગાંધીજીના સાથીઓ દ્વારા લખાયેલા અને ચીલાચાલુ કરતાં જુદી રીતે ગાંધીજીની ઝાંખી કરાવતાં પુસ્તકોમાં મથુરાદાસનાં સભારણાં બહુ ઉપયોગી નીવડે એવાં છે.

આ ઉપરાંત, તેમનું પોતાના જીવનનો ટૂંકો આલેખ રજૂ કરતું ‘આત્મનિરીક્ષણ’, દેશવ્યાપી અસહકારની 1921ની ચળવળ વિશે પુસ્તિકા ‘અસહકાર’, ક્ષયરોગ વિશે તેમણે લખેલું અને ડૉ. જીવરાજ મહેતાનું પરામર્શન ધરાવતું પુસ્તક ‘મરુકુંજ’, લોકમાન્ય ટીળકના ‘ગીતારહસ્ય’ પુસ્તકનો તેમણે કરેલો સંક્ષિપ્ત ભાવાર્થ ‘કર્મયોગ’, જેલવાસ દરમિયાન સ્ત્રીઓની સમસ્યા વિશે લખેલું નાટક –આ મથુરાદાસની શબ્દસ્મૃતિ છે. તેમનાં પત્ની તારામતિબહેન અને સંતાનો દિલીપભાઈ, કપિલભાઈ, જ્યોત્સનાબહેન વિશે કશું જાણવા મળ્યું નથી. ગાંધીહત્યાનાં ત્રણ વર્ષ પછી, 57 વર્ષની વયે 1951માં મથુરાદાસનું અવસાન થયું. ત્યાર પછીની પેઢીઓ માટે મથુરાદાસનું અસ્તિત્વ સદંતર ભુલાઈ ચૂકેલું છે—અત્યંત ઘેરા ધુમ્મસમાં દીવાદાંડી પણ ઢંકાઈ જાય તેમ.