You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
30 વર્ષ કે તેથી વધુ ઉંમરની સગર્ભા મહિલાઓએ કયા ટેસ્ટ ફરજિયાત કરાવવા જોઈએ?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
એક સગર્ભા તેમના ડૉક્ટરે સૂચવેલા મેડિકલ ટેસ્ટ કરાવવાની ના પાડે તો તેવા કિસ્સામાં ડૉક્ટર એ સગર્ભાની સારવાર કરવાની ના પાડી શકે? ડૉક્ટર તે મહિલાને અન્ય ડૉક્ટર પાસે સારવાર લેવાની સલાહ આપી શકે?
આ ચર્ચા વડોદરાના ડૉ. રાજેશ પરીખની સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવેલી પોસ્ટ બાદ શરૂ થઈ છે. કારણ એવું છે કે, 30 વર્ષ કે તેથી વધુ ઉંમરે ગર્ભ ધારણ કરનારી મહિલાઓનાં નવજાત શિશુમાં શારીરિક ખોડખાંપણ આવવાની સંભાવના હોય છે. તેના માટે ચોક્કસ પ્રકારના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવે તો તે વિશે જાણી શકાય છે. પણ જો મહિલા એ ડૉક્ટરની સલાહ બાદ પણ ટેસ્ટ કરાવવાની ના પાડે તો તેવા સંજોગોમાં ડૉક્ટર 'રાઇટ ટુ રિફ્યુઝ'ના અધિકારનો ઉપયોગ કરીને એ સગર્ભાને અન્ય ડૉક્ટર પાસે સારવાર માટે મોકલી શકે છે.
વડોદરાના ડૉ. રાજેશ પરીખે તેમના ત્યાં સારવાર માટે આવેલી એક સગર્ભાની સારવાર કરવાની ના પાડી હતી. આ અંગે તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ ઉપર પોતાનો તર્ક મૂક્યો હતો, જેમાં સગર્ભાને તેમણે કેટલાક જરૂરી ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી.
ગર્ભાવસ્થામાં માતા અને બાળકની સુરક્ષા નિશ્ચિત કરવા માટે કેટલાક ટેસ્ટની ભલામણ કરવામાં આવે છે. જોકે ડૉ. પરીખ પાસે પહોંચેલાં એ મહિલા આ ટેસ્ટ માટે તૈયાર થયાં નહોતાં.
ગર્ભવતી મહિલા માટે આ ટેસ્ટ ફરજિયાત નથી હોતા. પરંતુ ડૉક્ટરનું કહેવું છે કે ગર્ભમાં બાળકના આરોગ્યની ખાતરી કરવા માટે આ ટેસ્ટ કરાવવા જરૂરી હતા. પરંતુ મહિલા તે માટે તૈયાર ન થતાં તેમણે તેમને બીજા કોઈ ડૉક્ટર પાસે જવાની સલાહ આપી હતી.
ડૉ. રાજેશ પરીખે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, સીવીસી અને સેલ ફ્રી ડીએનએ જેવા ટેસ્ટથી પ્રસૂતિ પહેલાં આનુવાંશિક બીમારીઓ અંગેની માહિતી મેળવી શકાય છે. અલ્ટ્રાસાઉન્ડ (યુએસજી) કરાવવાથી ભ્રૂણના વિકાસ, સ્થિતિ અને શારીરિક વિસંગતતાઓ અંગે માહિતી મેળવી શકાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી અન્ય ટેસ્ટ કરાવવાથી પ્રસૂતિ પહેલાં ભ્રૂણ અંગેની માહિતી મેળવી શકાય છે. જેનાં પરિણામોથી ગર્ભમાં રહેલાં બાળકોની ખોડખાંપણ વિશે માહિતી મેળવી શકાય છે.
30 વર્ષથી વધુ વયે ગર્ભ ધારણ કરનારાં મહિલાઓએ કયા ટેસ્ટ કરાવવા જરૂરી છે?
વડોદરાના રહેવાસી અને ગાયનેક (Obstetrics and gynaecology) ડૉ. રાજેશ પરીખે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાનો મારો ઇરાદો માત્ર લોકોને જાગૃત કરવાનો હતો. હું ત્રીસ વર્ષથી ગાયનેકૉલૉજિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરું છું. મોટી ઉંમરની મહિલાઓ ગર્ભવતી બને તો તેમને કમ્બાઇન્ડ ટેસ્ટ કરાવવો જોઈએ. જેમાં સોનોગ્રાફી, ડબલ માર્કર ટેસ્ટ છે, જે સ્ક્રીનિંગ માટેના ટેસ્ટ કરવામાં આવે છે. જે ટેસ્ટથી ગર્ભમાં રહેલા બાળકને ડાઉન સિંડ્રોમ છે કે નહીં? તે જાણી શકાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ વધુમાં જણાવે છે કે, "ડાઉન સિંડ્રોમ ક્યારેક નાની ઉંમરની મહિલાઓમાં પણ જોવા મળે છે. જેથી જરૂર લાગે ત્યારે નાની ઉંમરની ગર્ભવતી મહિલાઓનો પણ ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ આ શક્યતા 30 વર્ષ કરતાં મોટી ઉંમરની મહિલાઓમાં વધતી જાય છે. જેથી આ ટેસ્ટ મોટી ઉંમરે ગર્ભવતી બનતી મહિલાઓએ ખાસ કરાવવો જોઈએ. ખોડખાંપણ માટેનો એક ટેસ્ટ હોય છે, જે પણ કરાવવો જોઈએ."
તેમણે વધુમાં જણાવ્યું, "ડાઉન સિન્ડ્રોમ બાળક પેદા થાય તો માટે માતાપિતાની જિંદગી બદલાઈ જતી હોય છે. બાળકની પણ કોઈ જિંદગી રહેતી નથી. જેથી આ રિપોર્ટ કરાવવો જોઈએ."
ગર્ભાવસ્થા દરમિયાન કયા ટેસ્ટ કરવા જરૂરી છે અને કેમ?
હાલ ઘણી મહિલાઓ વિવિધ કારણોસર બાળકને જન્મ આપવાનું આયોજન મોટી ઉંમરે કરે છે. એમાં પણ જો મહિલાઓની ઉંમર 30 કરતાં વધુ હોય ત્યારે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે એ મહિલા અને તેમના આવનારા સંતાનનું સ્વાસ્થ્ય સારું હોય.
ગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ પ્રકારની સંભવિત સમસ્યાઓ ઊભી થવાની શક્યતાઓને અગાઉથી જાણીને તેના સમયસર ઉકેલ માટે ડૉક્ટરો વિવિધ પ્રકારના ટેસ્ટ કરાવી લેવાની સલાહ ગર્ભવતી મહિલાઓને આપતા હોય છે.
અમદાવાદનાં ગાયનેકૉલૉજિસ્ટ નીતા ઠાકરેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "30 વર્ષ કે તેથી વધુ ઉંમરે ગર્ભવતી બનતી મહિલાઓમાં બાળકોમાં ખોડખાંપણના ચાન્સ હોય છે. જેથી મહિલાઓને અલગ અલગ ટેસ્ટ કરવાની સલાહ આપવામાં આવે છે."
તેમણે વધુમાં કહ્યું, "ગર્ભવતી મહિલાઓએ 10 અઠવાડિયા બાદ NIPT નામનો બ્લડ ટેસ્ટ કરાવવામાં આવે છે. 12 અઠવાડિયા બાદ ડબલ માર્કર અને એન્ટી સ્કેન નામનો ટેસ્ટ કરાવવામાં આવે છે. જો આ ત્રણ ટેસ્ટ કર્યા બાદ કંઈ શંકાસ્પદ દેખાય તો 18થી 20 અઠવાડિયામાં અનોમલી ટેસ્ટ કરવામાં આવે છે. જે કન્ફર્મેશન ટેસ્ટ હોય છે."
ડૉ. ઠાકરેએ કહ્યું, "આરોગ્યના કારણોસર કરવામાં આવતા ગર્ભપાત માટેની સમયમર્યાદા 20 અઠવાડિયા સુધીની ગર્ભાવસ્થાની છે. જેથી વહેલા ખબર પડે તો ગર્ભને દૂર કરવાની જરૂર જણાય તો કરી શકાય છે. આથી આવા દરેક ટેસ્ટ કરાવવા પાછળ ડૉક્ટરોનો હેતુ સ્વસ્થ બાળકો જન્મ લે એટલો જ હોય છે."
શું છે રાઇટ ટુ રિફ્યૂઝ?
સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી પોસ્ટ અંગે વાત કરતા ડૉ. રાજેશ પરીખે જણાવ્યું, "મારી હૉસ્પિટલમાં એક 30 વર્ષ કરતાં વધું ઉંમરનાં ગર્ભવતી મહિલા મારી પાસે આવ્યાં હતાં. મારી હૉસ્પિટલમાં તેમની એ બીજી જ વિઝીટ હતી. મેં તેમને કમ્બાઇન રિપોર્ટ કરવાનું સજેસ્ટ કર્યું હતું. તેમનું કહેવું હતું કે તેમની ઓફિસમાં એક મહિલા 35 વર્ષ કરતાં વધુ ઉંમરે ગર્ભવતી બન્યાં હતાં અને તેમણે આ ટેસ્ટ કરાવ્યો ન હતો. જેથી અમારે પણ આ ટેસ્ટ કરાવવો નથી. આ વાત સાંભળી મને થયું કે આ પેશન્ટ મારા ઇરાદા ઉપર શંકા કરી રહ્યાં છે."
"મારો આ ટેસ્ટ કરાવવા પાછળનો આશય માત્ર એટલો જ છે કે, જો વહેલા ખબર પડે તો ડાઉન સિન્ડ્રોમ બાળકો અંગે વહેલાં જાણી શકાય. બીજું એ કે આ પેશન્ટ આગળની તપાસમાં જરૂરી ટેસ્ટમાં પણ તે આનાકાની કરી શકે છે. જેથી મે તેમને બહુ પ્રેમથી કહ્યું કે, તમે બીજા ડૉક્ટરને કન્સલ્ટ કરી શકો છો."
તેમણે કહ્યું, "રાઇટ ટુ રિફ્યુઝ ડૉક્ટરનો રાઇટ છે. પેશન્ટની ઇમર્જન્સી સ્થિતિ ન હોય તો તેવા કેસમાં ડૉક્ટર રિફયુઝ કરી શકે છે. જો કોઈ બાળક ડાઉન સિન્ડ્રોમ પેદા થાય તો મને બહુ જ દુઃખ થાય છે. જેથી મને લાગે છે કે પેશન્ટ જાય એ ચાલે."
ડૉક્ટર્સના 'રાઇટ-ટુ-રિફ્યૂઝ' વિશે તજજ્ઞો શું કહે છે?
અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. તુષાર પટેલએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "કોઈપણ ડૉક્ટર દર્દીને ઇમર્જન્સી વખતે સારવારની ના પાડી શકે નહીં. દાખલા તરીકે, હું ફેફસાંનો ડૉક્ટર છું. કોઈને વાગ્યું હોય અને મારા હૉસ્પિટલમાં આવે તો મારે તેની પ્રાથમિક સારવાર કરવી જ પડે. હું તેને સારવાર માટે ના પાડી શકું નહીં."
"દરેક ડૉક્ટરે એમબીબીએસનો અભ્યાસ કર્યો જ હોય. જેથી તેમને ઇમર્જન્સી દર્દીઓ હૅન્ડલ કરવા અંગે ખબર જ હોય છે. પરંતુ જેમકે આ કેસમાં દર્દીને કોઈ ઇમર્જન્સીની પરિસ્થિતિ નહોતી. તેમજ ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલા રિપોર્ટ પણ કરાવવા માટે દર્દી તૈયાર નથી. આવા કેસમાં ડૉક્ટર બીજા ડૉક્ટર પાસે સેવા લેવાનું કહી શકે છે."
માતા મૃત્યુદરના આંકડા
કેન્દ્ર સરકારના સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ ઑફ રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડીયાની વેબસાઇટ આપેલી માહિતી મુજબ, વર્ષ 2018થી 2020ના માતા મૃત્યુદર અંગેના રિપોર્ટમાં ભારતમાં દર 10,000 બાળકોના જન્મ વખતે સરેરાશ માતા મૃત્યુદર 97 હતો, જ્યારે ગુજરાતમાં 57 હતો.
કેન્દ્ર સરકારે 2020 સુધીના માતા મૃત્યુદરના આંકડા જાહેર કરેલા છે. વર્ષ 2016થી 2018ના રિપોર્ટમાં ભારત માતા મૃત્યુદર 113 હતો અને ગુજરાતનો 75 હતો.