નેસ્લેએ બાળકોના ખોરાકમાં વધારે ખાંડ ભેળવી, શું છે સમગ્ર મામલો?

    • લેેખક, અનઘા પાઠક
    • પદ, બીબીસી

નેસ્લે ઇન્ડિયાના ઍકસ અકાઉન્ટ પરના બાયોમાં લખ્યું છે, 'જીવનની ગુણવત્તામાં વધારો કરવો અને તંદુરસ્ત ભવિષ્યમાં યોગદાન આપવું.'

સ્વિસ તપાસ એજન્સી પબ્લિક આઈ અને ઇન્ટરનેશનલ બેબીફૂડ ઍક્શન નેટવર્ક (આઈબીએફએએન) એ એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે 'ગરીબ દેશોમાં વેચવામાં આવતા મોટા ભાગના સેરેલેક અને નિડો (દૂધ પાવડર) ઉત્પાદનોમાં વધારે પ્રમાણમાં ખાંડ ઉમેરવામાં આવે છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નેસ્લે ભારતમાં તમામ બાળઆહારોમાં 2.7 ગ્રામ ખાંડ ઉમેરે છે.

જોકે, નેસ્લેના મુખ્ય યુરોપિયન બજારોમાં 12-36 મહિનાની વયના બાળકો માટે વેચાતાં બેબીફૂડમાં વધારે ખાંડ ઉમેરવામાં આવતી નથી. જ્યારે એક વર્ષથી વધુ ઉંમરના નાના બાળકો માટેના કેટલાક બેબીફૂડમાં ખાંડ ઉમેરવામાં આવે છે, છ મહિનાની ઉંમરના બાળકો માટેના બેબીફૂડમાં ખાંડ ન હતી.

આ રિપોર્ટને લઈને ભારતમાં વિવાદ શરૂ થઈ ગયો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતની ખાદ્ય નિયમનકારી સંસ્થા ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઈ) એ કહ્યું છે કે તે આ બાબતની તપાસ કરશે.

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે, "એફએસએસએઆઈ રિપોર્ટની તપાસ કરી રહી છે. આ રિપોર્ટને વૈજ્ઞાનિકોની પેનલ સમક્ષ મૂકવામાં આવશે."

નેશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર) એ એફએસએસએઆઈને નેસ્લેનાં બેબી ફૂડ ઉત્પાદનોમાં ખાંડના પ્રમાણ અંગેની ફરિયાદોની સંપૂર્ણ સમીક્ષા કરવા વિનંતી કરી હતી.

આ દરમિયાન નેસ્લે ઇન્ડિયાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું, "છેલ્લાં પાંચ વર્ષમાં અમે પહેલાં જ વેરિયન્ટના આધારે ખાંડ ભેળવવામાં 30 ટકાનો ઘટાડો કરી દીધો છે. અમે નિયયમિતપણે અમારા પોર્ટફોલિયોની સમીક્ષા કરીએ છીએ. પોષણ, ગુણવત્તા, સુરક્ષા અને સ્વાદ સાથે સમાધાન કર્યા વગર અમે અમારાં ઉત્પાદનોમાં નવીનતા અને સુધારો લાવવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ."

કંપનીએ નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, "અમે એ પણ સુનિશ્ચિત કરીએ છીએ કે ભારતમાં બનતા અમારાં ઉત્પાદનો કોડેક્સ ધોરણોનું (ડબ્લ્યુએચઓ અને એફએઓ દ્વારા સ્થાપિત કમિશન) જરૂરી સ્થાનિક વિશેષતાઓનું કડકાઈથી સંપૂર્ણપણે પાલન કરે છે."

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નેસ્લે હાલમાં વિશ્વભરના બેબીફૂડ માર્કેટના 20 ટકાનો ભાગ ધરાવે છે, જેનું મૂલ્ય લગભગ 70 અબજ ડૉલર છે. ભારતમાં નેસ્લેના બેબીફૂડ સેરેલેકનું વેચાણ 2022માં 250 મિલિયન (25 કરોડ)થી પણ વધારે હતું.

રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે?

પબ્લિક આઈ અને આઈબીએફએએને તેમના અહેવાલમાં નેસ્લેના મુખ્ય બજારો જેવા કે આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકામાં વેચાયેલાં 115 ઉત્પાદનોની તપાસ કરી હતી. જેમાં 108 જેટલાં ઉત્પાદનોમાં (94 ટકા) ખાંડ ઉમેરવામાં આવી હતી.

નેસ્લેના ઉત્પાદનોમાં ઉમેરવામાં આવેલી ખાંડની સરેરાશ ચાર ગ્રામ પ્રતિ સર્વિંગ છે. ફિલિપાઇન્સમાં વેચવામાં આવતાં ઉત્પાદનોમાં સૌથી વધુ ઉમેરવામાં આવેલી ખાંડ 7.3 ગ્રામ પ્રતિ સર્વિંગ છે અને તે છ મહિનાનાં બાળકો માટે વપરાતાં ઉત્પાદનોમાં છે.

અન્ય દેશો કે જ્યાં ઉમેરવામાં આવેલી ખાંડની ઊંચી ટકાવારી મળી આવી હતી -

નાઇજીરીયા - 6.8 ગ્રામ પ્રતિ સર્વિંગ,

સેનેગલ - 5.9 ગ્રામ પ્રતિ સર્વિંગ,

વિયેતનામ - 5.5 ગ્રામ પ્રતિ સર્વિંગ

ઇથોપિયા - 5.2 ગ્રામ પ્રતિ સર્વિંગ

દક્ષિણ આફ્રિકા – 4.2 પ્રતિ સર્વિંગ

અહેવાલમાં જાણવા મળ્યું છે કે ભારતમાં ઉમેરાયેલ ખાંડની ટકાવારી પેકેજિંગ પર જાહેર કરવામાં આવે છે. જોકે, ઘણા આફ્રિકન અને લેટિન અમેરિકન દેશોમાં આ માહિતી દર્શાવવામાં આવતી નથી.

જોકે, કંપની તેની વેબસાઇટ પર કંપની કહે છે કે 'ખાંડને ટાળો.'

નેસ્લે બેબી એન્ડ મી વેબસાઈટ પર પ્રકાશિત થયેલ એક લેખ "તમારાં બાળકના આહારમાં નવા સ્વાદને ઉમેરવાની દસ રીતો" માં કંપની કહે છે, "તમારે બાળકો માટે ખોરાક બનાવતી વખતે ખાંડ ઉમેરવી હિતાવહ નથી. આ ઉપરાંત તેમને ખાંડયુક્ત પીણાં પણ આપવા ન જોઈએ."

કંપનીના બેવડા માપદંડ

રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે નેસ્લે વિશ્વભરમાં તેના તમામ ઉત્પાદનોમાં ખાંડ ઉમેરતું નથી.

સ્વિટ્ઝરલૅન્ડ, જર્મની, ફ્રાન્સ અથવા બ્રિટન જેવા યુરોપિયન દેશોમાં વેચાતાં નેસ્લે ઉત્પાદનોમાં ખાંડ ઉમેરવામાં આવતી નથી. જોકે, એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં ઓછી આવક ધરાવતા દેશોમાં કંપનીના ઉત્પાદનો છે, જેમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે.

આ કારણે નેસ્લેના બેવડા ધોરણો અને શા માટે કંપની ઓછી આવક ધરાવતા દેશો સાથે અલગ રીતે વર્તે છે તે અંગે ચર્ચાઓ થઈ રહી છે.

બેજોન મિશ્રા ભારતના ફૂડ ઑથૉરિટી એફએસએસએઆઈના ભૂતપૂર્વ સભ્ય અને ફૂડ પૉલિસી નિષ્ણાત છે.

બેજોન મિશ્રાનું માનવું છે કે ખાદ્ય સુરક્ષાની વાત આવે ત્યારે ભારતમાં કડક નિયમોનો અભાવ છે.

તેમણે સમજાવ્યું, "એ વાત સાચી છે કે નેસ્લે વધુ આવક અને ઓછી આવક ધરાવતા દેશો સાથે અલગ-અલગ રીતે વર્તે છે, પરંતુ આપણે જ તેને આમ કરવાની મંજૂરી આપીએ છીએ."

"સરકારી નિયામકતંત્ર ખૂબ જ રૅન્ડમ છે. તેઓ પરીક્ષણ માટે આડેધડ રીતે ખાદ્યપદાર્થોના નમૂનાઓ લે છે અને પરિણામો વિશે પણ કોઈ પારદર્શિતા નથી. ખાદ્ય ઉત્પાદનોમાં કેટલી ખાંડ ઉમેરી શકાય તે અંગેના નિયમો તો છે પરંતુ તેની નિર્ધારિત માત્રા ખૂબ ઊંચી છે. તેના કારણે આ કંપનીઓને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવા સ્તરે ખાંડ ઉમેરવાની મંજૂરી મળી જાય છે."

બેજોન મિશ્રા સવાલ કરે છે કે ભારતીય ખાદ્ય પ્રાધિકરણ શા માટે થર્ડ પાર્ટી રિસર્ચ પર નિર્ભર છે.

મિશ્રાએ કહ્યું,"આ પ્રકારનું સંશોધન સરકાર દ્વારા થવું જોઈએ. એફએસએસએઆઈનું કામ નાગરિકોની સલામતી અને સ્વાસ્થ્ય માટેના ધોરણો નક્કી કરવાનું છે. સૌથી મોટી સમસ્યા નિયમોના અમલીકરણની છે. શા માટે ખાદ્ય ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ હતાં?"

"સામાન્ય રીતે માતાપિતા માનતા હોય છે કે જો કોઈ ખાદ્યપદાર્થ ભારતીય બજારોમાં ઉપલબ્ધ છે અને તેના પર પ્રતિબંધ નથી તો સરકારે તેની તપાસ કરીને તેને મંજૂરી આપી હોવી જોઈએ."

એફએસએસએઆઈ કથિત રીતે પબ્લિક આઈ રિપોર્ટમાં પ્રકાશિત થયેલા દાવાઓની તપાસ કરી રહી છે. જોકે, મિશ્રાના મતે આ માત્ર મામલાને ઠંડો પાડવાની કવાયત છે.

અમે આ બાબતે સરકારનું વલણ જાણવા એફએસએસઆઈએનો સંપર્ક કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. તેમનો જવાબ મળ્યા બાદ આ સમાચાર અપડેટ કરવામાં આવશે.

ખાંડ બાળકોના સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે?

ડૉ. રાજીવ કોવિલ મુંબઈમાં ડાયાબિટીસ સેન્ટર ચલાવે છે. તેમણે કહ્યું, "બાળકમાં સ્વાભાવિક રીતે સ્વાદની કોઈ સમજ હોતી નથી. જો તેમને શરૂઆતના તબક્કે ખાંડનો પરિચય કરાવવામાં આવે, તો તેઓ જ્યારે મોટા થાય ત્યારે પણ ખાંડ ખાવાની ઇચ્છા વધી જાય છે."

"આ કારણે બાળકને ખાંડ ખાવાની આદત થઈ જશે અને સામાન્ય ખોરાક જેમ કે ભાત અથવા શાકભાજી ખાવા માટે તેઓ આનાકાની કરશે. બાળકો અમુક સમયે આવી ખાદ્ય ચીજો ખાવાની એકદમ મનાઈ કરે છે."

"તમે ઘણાં માતા-પિતાને ફરિયાદ કરતાં જોઈ શકો છો કે મારા બાળકો સામાન્ય ખોરાક નથી ખાતાં અને તેને માત્ર મિલ્કશેક, ચૉકલેટ કે જ્યુસ જ જોઈએ છે."

ડૉ. કોવિલ માને છે કે વધુ પડતી ખાંડનું સેવન નાનાં બાળકોને અતિશય આક્રમક અને ચીડિયાં બનાવી શકે છે.

"અમે તેના કારણે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ખોરાકમા ખાંડ ન ઉમેરવાની સલાહ આપીએ છીએ."

ખોરાકમાં વધુ પડતી ખાંડને કારણે બાળકોને તેનું વ્યસન લાગી શકે છે. ડૉક્ટરો ચેતવણી આપે છે કે ખાંડ તેમના ભાવિ સ્વાસ્થ્યને ગંભીર અસર કરશે.

ડૉ. અભિષેક પિંપરાલેકર એપોલો હૉસ્પિટલમાં ડાયાબિટીસ નિષ્ણાત છે. તેમણે કહ્યું,"ભારત હાઈપર ટેન્શન અને ડાયાબિટીસ માટે જાણે કે 'વર્લ્ડ કૅપિટલ' બની રહ્યું છે. હું ઘણા કિશોર વયના લોકોની સારવાર કરું છું જેને ડાયાબિટીસ છે. તેમના રોગનું મૂળ શરૂઆતના વર્ષોમાં તેમની ખાવાની ટેવમાંથી શોધી શકાય છે."

તેઓ એ વાત પર પણ ભાર મૂકીને કહે છે કે ખાંડનું વ્યસન લાગી શકે છે.

ડૉ. કોવિલ પણ નિર્દેશ કરે છે કે વધુ પડતી ખાંડનું સેવન બાળપણમાં થતી સ્થૂળતા સાથે સંકળાયેલું છે.

"ભારત બાળકોમાં સૌથી વધુ સ્થૂળતા ધરાવતા ટોચના પાંચ દેશોમાં સામેલ છે."

"કુદરતી ખાંડ જરૂર કરતાં વધારે છે. તમારી પાસે ચોખા, ઘઉં, ફળોમાં કુદરતી રીતે ખાંડ હોય છે. તમારે વધારે ખાંડની જરૂર નથી."

ડૉ. કોવિલ સલાહ આપે છે કે માતા-પિતાએ ફૂડ લેબલ્સ વાંચીને સાવચેત રહેવું જોઈએ.

તેમણે કહ્યું હતું કે, "માતાપિતાએ કોઈપણ પૅક્ડ ફૂડ આઇટમ અથવા બેબીફૂડ પ્રોડક્ટ કે જેના લેબલ પર ખાંડ ઉમેરવાનો ઉલ્લેખ હોય તેને ખરીદવાનું ટાળવું જોઈએ."

"અન્ય પ્રકારની ખાંડ પણ સામેલ છે જેમ કે ફ્રુક્ટોઝ, મકાઈ, ઉચ્ચ સ્ટાર્ચ જેનો ઉમેરેલી ખાંડ તરીકે ઉલ્લેખ નથી. તેનો ઉલ્લેખ અલગ રીતે કરવામાં આવ્યો છે. હકીકતમાં આ બધી જ ઉમેરવામાં આવેલી ખાંડ છે. આ કારણે ફૂડ લેબલ વિશે નિયમો હોવા જોઈએ. આ ઉપરાંત સરકારે કલર કોડેડ સિસ્ટમ લાવવી જોઈએ જેથી દરેક માતાપિતા સમજી શકે કે તેઓ તેમનાં બાળકોને શું આપી રહ્યાં છે."

બીજી તરફ ડૉ. પિંપરાલેકર સૂચવે છે કે પ્રિમિક્સ, પૅક્ડ ફૂડ અથવા ઇન્સ્ટન્ટ ફૂડ પ્રોડક્ટ બાળકોને બિલકુલ ન આપવા જોઈએ.

"ખાંડ વિશેની માહિતી કેટલીક વખત છુપાવામાં આવે છે. ઉદાહરણ તરીકે એવા બિસ્કિટો જેની જાહેરાત ડાયાબિટીસ ફ્રેન્ડલી તરીકે કરવામાં આવે છે. તેમાં ખાંડ પણ ઉમેરવામાં આવી હોય છે અને તેની માહિતી પૅકેટના ખૂણામાં આપવામાં આવે છે. તમે જ્યાં સુધી આ માહિતીને શોધશો નહીં ત્યાં સુધી તમને તે મળશે નહીં."

ખાંડના સેવન પર ડબ્લ્યુએચઓની માર્ગદર્શિકા

વિશ્વ આરોગ્ય સંસ્થા ભલામણ કરે છે કે બાળકોએ તેમની કુલ ઊર્જાના 10 ટકા કરતાં પણ ઓછું ખાંડના દૈનિક સેવનને કરવું જોઈએ. સંસ્થાએ કહ્યું છે કે જો ખાંડનું સેવન પાંચ ટકાથી પણ ઓછું એટલે કે દરરોજ 6 ચમચીથી પણ ઓછું થાય તો તે વધુ ફાયદાકારક રહેશે.

સરળ ભાષામાં કહીએ તો એક ચમચી કેચઅપમાં લગભગ ચાર ગ્રામ (લગભગ એક ચમચી) ખાંડ હોય છે. કોલ્ડ ડ્રિન્કના એક કેનમાં 40 ગ્રામ (લગભગ 10 ચમચી) જેટલી ખાંડ હોય છે.

ડબ્લ્યુએચઓના સંશોધન દર્શાવે છે કે કે ખાંડવાળા પીણાંનું સૌથી વધુ સેવન કરતા બાળકોમાં વધુ વજન અથવા મેદસ્વીતાની શક્યતા ખાંડવાળા પીણાંનું ઓછું સેવન ધરાવતા બાળકો કરતાં વધારે હોય છે.

લાન્સેટમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં 101 મિલિયન (10.1 કરોડ) લોકો એટલે કે દેશની કુલ વસ્તીના 11.4 ટકા લોકો ડાયાબિટીસ સાથે જીવે છે.

ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણમાં એવું પણ જાણવા મળ્યું છે કે 136 મિલિયન (13.6 કરોડ) લોકો એટલે કે કુલ વસ્તીના 15.3 ટકા લોકો પ્રી-ડાયાબિટીસ સમસ્યાઓ સાથે જીવી શકે છે.

બાળકોમાં સ્થૂળતા પણ એક ગંભીર સમસ્યા છે જેનો ભારત સામનો કરી રહ્યું છે.

સરકાર દ્વારા આરોગ્ય અને સામાજિક સૂચકાંકોનું સૌથી વ્યાપક સર્વેક્ષણ નેશનલ ફેમિલી હેલ્થ સરવે થકી કરવામાં આવે છે.

તાજેતરમાં થયેલા આ સર્વેક્ષણ પ્રમણે લગભગ 23 ટકા પુરુષો અને 24 ટકા મહિલાઓનો બૉડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ) 25 કે તેથી વધુ હોવાનું જણાયું હતું. આ પ્રમાણ 2015-16માં થયેલા સર્વેક્ષણ કરતા ચાર ટકા વધારે છે. આ રિપોર્ટનાં આંકડાઓ દર્શાવે છે કે 2015-16માં 2.1 ટકાની સરખામણીમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 3.4 ટકા બાળકોનું સામાન્ય કરતા વધારે વજન છે.

ડૉ. પિંપરાલેકરે કહ્યું, "બાળકોમાં સ્થૂળતા ડાયાબિટીસથી લઈને ડિપ્રેશન સુધીની ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. કિશોરવયની છોકરીને પીસીઓડી થવાનું જોખમ હોય છે અથવા માસિક સ્રાવમાં વિલંબ અનુભવી શકે છે. સ્થૂળતા એક મહામારી છે અને પેકેજ્ડ ફૂડમાં ઉમેરવામાં આવેલી ખાંડ તેમાં ઉમેરો કરી રહી છે."