You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દરરોજ નાહવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય? રોજ ના નાહવું જોઈએ?
- લેેખક, માટિલ્ડા વેલિન
- પદ, ફીચર્સ સંવાદદાતા
આપણા શરીરને વારંવાર સ્વચ્છ કરવું જરૂરી છે? કેટલાક નિષ્ણાતો માને છે કે રોજેરોજ સ્નાન કરવાનું વાસ્તવિક જરૂરિયાત કરતાં એક ‘સામાજિક કરાર’ પર વધુ આધારિત છે.
મેં થોડાં વર્ષો પહેલાં રોજ સ્નાન કરવાનું બંધ કરી દીધું હતું. મહામારીને લીધે ઘરેથી ઑફિસનું કામ કરવાનું હતું. એવા પાર્ટનર સાથે રહેવાનું થયું હતું, જેને મારા કરતાં સ્નાન કરવાની આદત ઓછી હતી અને શુદ્ધ, મધ્યમવર્ગીય આળસે મને ત્રણ દાયકા પુરાણી આદત છોડવા પ્રેરિત કરી હતી.
હું વ્યાયામ ન કરતી હોઉં ત્યાં સુધી સપ્તાહમાં લગભગ ત્રણેક વાર જ સ્નાન કરું છું. મારા કેટલાક દોસ્તો તેનાથી પણ ઓછી વખત સ્નાન કરે છે. શિયાળામાં તો તેઓ સપ્તાહમાં એક જ વખત સ્નાન કરે છે. ક્યારેક ત્વચાની સમસ્યાઓને કારણે કે ભીના વાળ ગમતા ન હોવાથી સ્નાન કરતા નથી, પરંતુ અન્ય લોકો મારી સાથે તાલમેલ ગોઠવી શકતા નથી અથવા નારાજ થઈ જાય છે.
તેઓ કહે છે, "સવારે સ્નાન ન કરું તો હું યોગ્ય રીતે જાગી શકતો નથી. દરેક દિવસની શરૂઆત સ્નાન અને એક કપ ચા સાથે થવી જોઈએ. લંડનમાં પ્રવાસ કર્યા બાદ સ્નાન કર્યા સિવાય પથારીમાં પડવાનું શક્ય નથી. સપ્તાહમાં ત્રણ જ વખત સ્નાન? છી."
વારંવાર સ્નાન કરવું શું જરૂરી છે?
વારંવાર સ્નાન ન કરતા અમારા જેવા લોકોને શંકાની નજરે જોવામાં આવે છે. પ્રકૃતિપ્રેમીઓ, તંબુમાં રહેતા હિપ્પીઓના કિસ્સામાં જ નહીં, પરંતુ ઓછી વખત સ્નાન કરતા ટિકટોક યુઝર્સ તેમજ સેલિબ્રિટીઝના કિસ્સામાં પણ એવું બને છે. બ્રિટિશ ટીવી પ્રેઝન્ટર જોનાથન રોસ એવું કહીને સમાચારમાં ચમક્યા હતા કે તેઓ સપ્તાહમાં એક કરતાં ઓછી વખત સ્નાન કરે છે. પોતે ક્યારેક જ સ્નાન કરે છે, એવી કબુલાત 2023માં એક ઇન્ટરવ્યુમાં કરીને અભિનેતા અમેરિકા ફેરેરાએ તેના સાથી બાર્બી કાસ્ટમેટ્સને આશ્ચર્યચકિત કર્યાં હતાં.
અભિનેતા ઍશ્ટન કુચરે 2021માં એવું કહ્યું હતું કે તેઓ રોજ માત્ર "બગલ અને બે પગની વચ્ચેનો હિસ્સો" જ ધુએ છે. આ સાંભળીને ટીકાકારો દિગ્મૂઢ થઈ ગયા હતા.
સાથી અભિનેતા જૅક ગિલેનહાલના કહેવા મુજબ, રોજેરોજ સ્નાન કરવું "ઓછું જરૂરી" છે. (બાદમાં તેમણે ફેરવી તોળ્યું હતું કે એ તો કટાક્ષ હતો) રોજેરોજ સ્નાન નહીં કરવામાં અન્ય વિખ્યાત વ્યક્તિઓ સામેલ થઈ તેમ તેમ, અકળામણમાં મોટો વધારો થયો હતો. અભિનેતા જેસન મોમોઆ અને ધ રૉકે ટૂંક સમયમાં સ્પષ્ટતા કરી હતી કે તેઓ ખૂબ સ્નાન કરે છે.
જંતુઓનો પ્રસાર રોકવા માટે વારંવાર હાથ ધોવા જરૂરી છે, પરંતુ મોટા ભાગના ચિકિત્સકોના મતે, દૈનિક સ્નાન કરવાથી શારીરિક સ્વાસ્થ્યને કોઈ લાભ થતો નથી. વાસ્તવમાં તે તમારી ત્વચાને શુષ્ક કરીને તથા તમારી રોગપ્રતિકારક પ્રણાલીને નિર્બળ બનાવે છે, જે હાનિકારક હોઈ શકે છે. તેમ છતાં અભ્યાસો સૂચવે છે કે 50 ટકાથી વધુ અમેરિકનો અને બ્રિટિશરો રોજ સ્નાન કરે છે. આ સમય તેમાં ઘટાડો કરવાનો છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતે રોજ સ્નાન કરતા નથી તેવું રેકૉર્ડ પર જણાવવા તૈયાર હોય તેવા લોકોને શોધવાનું સરળ નથી. પોતે 12 વર્ષથી નાહ્યા નથી એવું 2015માં જાહેર કરીને રસાયણશાસ્ત્રી ડેવિડ વ્હિટલોક સમાચારોમાં ચમક્યા હતા.
સ્નાનને બદલે તેમણે શરીર પર સારા બેક્ટેરિયાનો છંટકાવ કર્યો હતો અને પોતાની આ ફિલસૂફીને આધારે તેમણે એક સ્કિનકેર બ્રાન્ડ લૉન્ચ કરી હતી.
'મને મારામાંથી ગંધ આવે છે'
એક વર્ષ પછી ચિકિત્સક જેમ્સ હેમ્બલિને, તેમણે સ્નાન કરવાનું બંધ કેવી રીતે કર્યું તે વિશે લખ્યું હતું. તેમનું પુસ્તક ‘ક્લિનઃ ધ સાયન્સ ઑફ સ્કિન ઍન્ડ બ્યુટી ઑફ ડુઇંગ લેસ’ 2022માં પ્રકાશિત થયું ત્યારે તેમણે બીબીસીને કહ્યું હતું, "મને મારામાંથી ગંધ આવે છે અને મારી પત્ની કહે છે કે તે ઓળખી શકાય તેવી છે, પણ એ ગંધ તેને ગમે છે. અન્ય લોકો કહે છે કે તે ખરાબ નથી."
સપ્તાહમાં ત્રણ વખત સ્નાન કરવાની મારી ટેવનો ઉલ્લેખ કરતો ઈમેઇલ મેં તેમને મોકલ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ ચેટ કરી શકે તેમ નથી. તેમણે ઉમેર્યું હતું, "તમારી મજાક કરતી દરેક વ્યક્તિને જણાવો કે તેઓ ત્વચાના માઇક્રોબાયોમ વિશે કશું જ જાણતા નથી અને ચાલી નીકળો."
આખરે મારી મુલાકાત પર્યાવરણવાદી ડોનાચાડ મેકાર્થી સાથે થઈ હતી. તેમણે કહ્યું હતું, "દરરોજ સ્નાન ન કરતી હોય તેવી એકમાત્ર વ્યક્તિ હું નથી, પણ એ બાબતે બહાદુરીથી વાત કરવા તૈયાર હોય તેવી એકમાત્ર વ્યક્તિ જરૂર છું."
મૅકાર્થીએ ગાર્ડિયન અખબાર માટે આઠ વર્ષ પહેલાં તેમના સાપ્તાહિક સ્નાન વિશે એક લેખ લખ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, પોતે સપ્તાહમાં એક જ વખત સ્નાન કરે છે તે જાહેર કરવું મુશ્કેલ હતું, કારણ કે લોકો તેમની સાથે દુર્વ્યવહાર કરશે અને તેમનો ઉપહાસ કરશે, એ તેઓ જાણતા હતા. જોકે, એ લેખ પ્રકાશિત થયા પછી લોકોએ તેમના કાનમાં કહ્યું હતું કે તેઓ પણ આવું જ કરે છે.
ઘાયલ ન થયા ત્યાં સુધી મેકાર્થી સ્નાનની સરેરાશ આદત ધરાવતા વ્યાવસાયિક બેલે ડાન્સર હતા. અમેઝોનના રેઇનફૉરેસ્ટમાં સ્થાનિક યાનોમામી લોકો સાથે બે સપ્તાહ ગાળ્યા પછી તેમણે પર્યાવરણ માટે કશુંક કરવાનો નિશ્ચય કર્યો હતો. તેમણે તેમના લંડનના ઘરમાં રેઇન વૉટર હાર્વેસ્ટર અને સોલર થર્મલ હૉ વૉટર ફેસિલિટી ઇન્સ્ટૉલ કરી હતી તેમજ પાણીના વપરાશ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.
એ પછીનાં વર્ષોમાં તેમણે ઓછામાં ઓછું સ્નાન કરવાનું શરૂ કર્યું હતું. હાલ તેઓ મહિનામાં એક વખત સ્નાન કરે છે. તેઓ સિંક દરરોજ સાફ કરે છે. આખા શરીરને સાફ કરવા તેઓ કપડાનો ઉપયોગ કરે છે અને માત્ર એક કપ પાણીના ઉપયોગથી દાઢી કરે છે. તેમનામાંથી ગંધ આવે છે, એવું કોઈ કહેતું નથી.
તેઓ કહે છે, "તમે કોઈ જૂની ઇમારતમાં જશો તો બેડરૂમમાં તમને લાકડાના સુંદર ટેબલ પર બાઉલ પડેલા જોવા મળશે. લોકો બાઉલમાંથી પાણીનો ઉપયોગ કરતા હતા અને ચહેરા તથા શરીરની સફાઈ માટે કપડાનો ઉપયોગ કરતા હતા. વહેતું પાણી મળે એ દેખીતી રીતે સારી વાત છે, પરંતુ તેનો તમે વધુ ઉપયોગ કરો છો."
‘પર્ફોર્મેટિવ’ શાવરિંગ
રોજ સ્નાન કરવાના આપણા જુસ્સા બાબતે પણ ભાગ્યે જ અભ્યાસ થયો છે. એટલી હદ સુધી કે 2005ના એક અહેવાલને સ્નાન સંશોધન વર્તુળોમાં હજુ પણ માપદંડ ગણવામાં આવે છે. તે અહેવાલમાં જણાવ્યા મુજબ, બ્રિટનમાં દિવસમાં એક કે બે વખત સ્નાન કરવું તે સામાન્ય છે. ઘણા લોકો માટે આવું કરવું "દિનચર્યાનો એટલો સામાન્ય હિસ્સો બની ગયું છે કે ઓછા પ્રમાણમાં સ્નાન કરવું સામાજિક તથા શારીરિક રીતે અકળાવનારું ગણવામાં આવે છે."
બ્રિસ્ટલ યુનિવર્સિટી ખાતે સોશિયોલૉજી ઑફ કન્ઝમ્પ્શનના પ્રોફેસર ડેલ સાઉથટર્ને બીબીસીને કહ્યું હતું, "આપણે ભૂતકાળના પ્રમાણમાં અત્યારે વધારે પ્રમાણમાં સ્નાન કરીએ છીએ." આ ફેરફાર મોટા ભાગે છેલ્લાં 100 વર્ષમાં થયો છે અને તે આયોજિત ન હતું. હકીકતમાં એવું લાગે છે કે તે આકસ્મિક રીતે થયું છે.
પરંપરાગત રીતે લોકો સ્નાન કરીને પોતાના શરીરને સાફ કરે છે. સ્પા ટાઉનમાં હીલિંગ વોટરથી માંડીને એક ગ્લાસ વાઈન અથવા ચાના કપ અને પુસ્તક સાથે બબલ બાથ સુધી સ્નાનનું સમૃદ્ધ કલ્ચર છે. (કેવી રીતે સ્નાન કરવા માટે ઓછા પાણીની જરૂર પડે અને તે સસ્તું તથા પર્યાવરણને અનુકૂળ છે તેનો આધાર સ્નાનની અવધિ પર હોય છે. કેટલાક કહે છે કે શાવર લેવો વધુ આરોગ્યપ્રદ છે, કારણ કે ગંદકી દૂર થઈ જાય છે. અન્યો એવું સૂચવે છે કે આ તફાવત બહુ નાનો છે)
સાઉથટર્નના કહેવા મુજબ, બ્રિટિશરોને 1950ના દાયકામાં બાથરૂમમાં વહેતા પાણીની સુવિધા મળી હતી અને ટૂંક સમયમાં જ શાવરહેડની શોધ થઈ હતી. આજે ઘણાં ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ઘણા સ્ટુડન્ટ્સ હૉલ્સ ફરીથી બનાવવામાં આવ્યા છે, જેથી દરેક રૂમમાં એક પ્રાઇવેટ બાથરૂમ હોય. સાઉથર્ટને કહ્યું હતું, "તમારા પાંચ જણના પરિવારમાં એક જ શાવર હોય તો સ્નાન માટે તે નિરાશાજનક બાબત છે, પરંતુ પથારીમાંથી બેઠા થઈને તમારા પ્રાઈવેટ બાથરૂમમાં પહોંચી જાઓ તો મજા પડે." પ્રાઇવેટ બાથરૂમ ઉપલબ્ધ થયા પછી આપણા માટે શરીરને સ્વચ્છ રાખવું આસાન બની જાય છે અને આપણે વધુ પ્રમાણમાં સ્નાન કરીએ છીએ.
'100 વર્ષ પહેલાં આજે રોજ સ્નાન કરતા નહોતા'
આ બાપડા શાવરને નવો અર્થ પણ પ્રાપ્ત થયો છે. 1900ના દાયકામાં જાહેરાતના ધમધમતા વ્યવસાયે આપણા બાથરૂમ સાથે નવું પ્રતીક જોડ્યું હતું. સાઉથર્ટનના કહેવા મુજબ, શાવરનું માર્કેટિંગ સમય બચાવવાના સાધન તરીકે પણ કરવામાં આવ્યું હતું.
1970ની આસપાસ શાવરની જાહેરાતોમાં શાવર હેડ સાથેના બાથનું સાદા ડ્રૉઇંગનો સમાવેશ થતો હતો, પરંતુ 1980ના દાયકા સુધીમાં આરામ કરતી અને વરાળથી ઘેરાયેલી સ્ત્રીઓની છબીઓ દેખાવા લાગી હતી. સ્નાન એ નવરાશની પ્રવૃત્તિ બની ગયું હતું. આપણે દિવસ દરમિયાન અનેક ભૂમિકાઓ ભજવીએ છીએ. ઑફિસ કર્મચારી, ટેનિસ ખેલાડી, માતા-પિતા, મિત્ર સાથે ડિનર. આ બધામાં શાવર એક થ્રેસહોલ્ડ પ્રવૃત્તિ છે. શાવર ક્યુબિકલ એક પોર્ટલ છે, જે આપણા વ્યક્તિત્વને એકમાંથી બીજામાં પરિવર્તિત કરે છે.
ડેનમાર્કની અલબોર્ગ યુનિવર્સિટીના બિલ્ડ એન્વાયર્નમેન્ટ વિભાગના પ્રોફેસર ક્રિસ્ટન ગ્રામ-હેન્સેને મને કહ્યું હતું, "100 વર્ષ પહેલાં આપણે રોજ સ્નાન કરતા ન હતા, કારણ કે શાવર એક સામાન્ય બાબત ન હતો. આપણે સ્વાસ્થ્ય માટે સ્નાન કરતા નથી. સ્નાન હવે નોર્મલ બાબત છે એટલે આપણે તે કરીએ છીએ."
તેમના કહેવા મુજબ, આપણે ટ્રેકિંગ હૉલિડે પર અથવા મ્યુઝિક ફેસ્ટિવલ્સ જેવા વાતાવરણમાં હોઈએ ત્યારે વારંવાર સ્નાન કરવાની સામાજિક રૂઢિનું પાસું વધારે સ્પષ્ટ થાય છે. જુદા-જુદા ધારાધોરણો અમલમાં આવે છે અને પછી અચાનક સપ્તાહમાં ઓછા દિવસ સ્નાન કરવું યોગ્ય ગણાય છે.
ભવિષ્ય કેવું હશે? આપણે બધા શાવર ક્યુબિકલ્સમાં જવાનું ટાળીશું? એવી શક્યતા નથી. પર્યાવરણના કારણોસર લોકો ઓછા પ્રમાણમાં સ્નાન કરતા થશે, એ વાતમાં શિક્ષણવિદોને ખાસ ભરોસો નથી. સાઉથર્ટને કહ્યું હતું, "આ કોઈ સંકુલ વાર્તા નથી કે જેમાં બધું ગૂંચવાતું રહે અને પછી આપણે કહીએ કે તે એક ખરાબ વિચાર હતો. આપણે ઘડિયાળના કાંટાને ઉંધા ફેરવી શકતા નથી. શાવરિંગના ધોરણો હવે સમાજમાં જડાઈ ગયાં છે."
હવે એવું લાગે છે કે મારા સપ્તાહમાં ઓછા દિવસ સ્નાન કરવાથી કેટલાક લોકો આકર્ષાશે. મને મેકાર્થીની વાત સાચી લાગે છે, "મને લાગે છે કે વધુ પ્રમાણમાં સ્નાન કરવું તે પ્રદર્શનાત્મક હોય છે. આપણે વધારે પ્રમાણમાં સ્નાન શા માટે કરીએ છીએ? મોટા ભાગે એ કારણે કે આપણા શરીરમાંથી દુર્ગંધ આવી રહી છે એવું કોઈ કહેશે તેનો આપણને ડર છે. મેં તે ભયનો સામનો કર્યો છે અને હું જીવંત છું."