You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હું 50 વર્ષ હૉસ્પિટલમાં રહ્યો, પણ એટલો બીમાર નહોતો'
- લેેખક, લુસી એડમ્સ
- પદ, .
ચાર્લ્સ એસ્લરે 50થી વધુ વર્ષ તબિયત વધુ ખરાબ ન હોવા છતાં હૉસ્પિટલમાં બંધ દરવાજા પાછળ વિતાવ્યાં છે.
ચાર્લ્સની શીખવાની ક્ષમતા ઓછી છે અને તેમને એપીલેપ્સી છે, જ્યારે તેઓ 10 વર્ષના હતા ત્યારે તેમને સૌપ્રથમ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
તેમણે બીબીસી સ્કૉટલૅન્ડ ન્યૂઝને કહ્યું કે મેં ઘણાં વર્ષો હૉસ્પિટલોમાં વિતાવ્યાં છે.
તેમનાં બહેન માર્ગોએ જણાવ્યું હતું કે અમે ચાર્લ્સને એવી જગ્યાએ ખસેડવા માટે લડ્યા હતા જ્યાં તેઓ સ્વતંત્ર રહી શકે.
ગયા વર્ષે 62 વર્ષની વયે ચાર્લ્સને આખરે પ્રથમ વખત પોતાના ફ્લૅટની ચાવી મળી હતી.
રિચમન્ડ ફૅલોશિપ સ્કૉટલૅન્ડ સપોર્ટ ચેરિટીના ડેવિડ ફ્લેમિંગે જણાવ્યું હતું કે, "તેમના (ચાર્લ્સના) પરિવારે તેમને યોગ્ય સ્થાન શોધવા માટે વર્ષો સુધી સંઘર્ષ કર્યો હતો."
"કમનસીબે કેટલાક લોકો સિસ્ટમમાં અટવાઈ જાય છે."
બીબીસી સ્કૉટલૅન્ડની તપાસમાં જાણવા મળ્યું છે કે શીખવાની ઓછી ક્ષમતા ધરાવતા સેંકડો લોકો હજુ પણ હૉસ્પિટલોમાં ફસાયેલા છે અથવા પરિવારથી સેંકડો માઈલ દૂર રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, સરકારની નીતિ સ્પષ્ટ છે કે શીખવાની ઓછી ક્ષમતા ધરાવતા લોકોને લાંબા સમય સુધી હૉસ્પિટલોમાં ન રાખવા અને તેમને પોતાના ઘરે રહેવા દેવામાં આવે.
સ્કૉટિશ સરકારે અઢી વર્ષ પહેલાં જાહેરાત કરીને માર્ચ 2024 સુધી મોટા ભાગના શીખવાની ઓછી ક્ષમતા ધરાવતા લોકોને પોતાનાં ઘરોમાં ખસેડવાનું વચન આપ્યું હતું.
જોકે, બીબીસીને મળેલા નવા આંકડા દર્શાવે છે કે હૉસ્પિટલમાં રહેતા લોકોની સંખ્યામાં વધારો થયો છે.
જાણવા મળ્યું છે કે ગયા ઉનાળાથી હૉસ્પિટલમાં શીખવાની ઓછી ક્ષમતા ધરાવતા લોકોની સંખ્યા 173થી વધીને 191 થઈ ગઈ છે.
નવા રાષ્ટ્રીય રજિસ્ટર પ્રમાણે ઘરથી દૂર અથવા પ્લેસમેન્ટ તૂટી જવાના જોખમમાં રહેલા લોકોની સંખ્યા 1,243માંથી 1,398 સુધી 12% વધી છે.
ચાર્લ્સની સંભાળ રાખનારાઓએ કહ્યું કે તેમના કેસથી સાબિત થયું છે કે શીખવાની ઓછી ક્ષમતા ધરાવતા લોકો પણ સમુદાયના ટેકા સાથે રહી શકે છે.
ફ્લેમિંગે કહ્યું: "તેઓ હવે ખુશ અને સ્વતંત્ર છે."
ગ્લાસગોમાં ઊછરેલા ચાર્લ્સે કહ્યું, "હું હવે બહાર જઈ શકું છું અને સ્થળોએ જઈ શકું છું અને રસ્તા પરના પબમાં જઈને લંચ કરી શકું છું."
"મને માછલી અને ચિપ્સ ગમે છે. તે સારાં લાગે છે. મારી પાસે પહેલાં ક્યારેય સ્વતંત્રતા નહોતી."
તેમણે કહ્યું કે તેમને પોતાના લાઉન્જમાં બેસીને જેમ્સ બૉન્ડની ફિલ્મો જોવી ગમે છે. તેઓ રસોઈ અને બાગકામ કેવી રીતે કરવું તે શીખી રહ્યા છે.
તેમનાં બહેન માર્ગો મેકકીવરે કહ્યું કે જ્યારે ચાર્લ્સ બાળક હતો ત્યારે તેની વર્તણૂક ઘણી વખત પડકારજનક રહી હતી અને માતા-પિતાને ચાર્લ્સને હૉસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવી હતી.
તેમણે કહ્યું કે ડૉક્ટરોએ ચાર્લ્સની વાઈની દવા મેળવવા માટે સંઘર્ષ કર્યો.
મેકકીવરે તેમના ભાઈને પોતાનું ઘર મળે તે માટે વર્ષો સુધી સંઘર્ષ કર્યો હતો.
તેમણે કહ્યું, "આ એક સરળ લડાઈ છે તેવું ન વિચારશો. આ રાતોરાત થયું નથી."
"કેટલાય લોકો આ સંઘર્ષમાં સામેલ હતા અને યોગ્ય સ્થાન શોધવામાં લગભગ 14 વર્ષ લાગ્યાં હતાં."
"દરેક વ્યક્તિ પાસે એવી વ્યક્તિ હોવી જોઈએ જે તેમને માત્ર એક આંકડા તરીકે ન જુએ."
'અમે મદદ માગી તે અમારી સૌથી મોટી ભૂલ હતી'
ફ્રેઝર માલ્કમે કરાર પણ કર્યો છે કે તેઓ હૉસ્પિટલ છોડવા માટે તૈયાર છે તેમ છતાં ત્રણ વર્ષથી વધુ સમયથી હૉસ્પિટલમાં રહે છે.
ઉત્તર આયરશાયરના વેસ્ટ કિલબ્રાઇડના 20 વર્ષીય ફ્રેઝર માલ્કમ ખૂબ જ ઓછું બોલી શકે છે. જોકે, તેઓ હૉસ્પિટલમાં જાય તે પહેલાં તેમનાં માતાપિતાએ કહ્યું હતું કે તેઓ સામાન્ય જીવન જીવે છે.
તેઓ (ફ્રેઝર) એક ખાસ શાળામાં ભણતા હતા. નિયમિત હોડી ચલાવતા અને પરિવાર સાથે રજા પર જતા. તેમજ તેમના પિતાને સઢવાળી હોડીને સમારવામાં પણ મદદ કરી રહ્યા હતા.
તેમનાં માતાપિતાએ કહ્યું કે અમે મદદ માગી તે અમારી સૌથી મોટી ભૂલ હતી.
ફ્રેઝરનાં માતા કેરેને જણાવ્યું, “મારા પુત્રની સ્થિતિ હૉસ્પિટલમાં દાખલ થયા ત્યારથી જ ખરાબ થઈ રહી હતી. ઉપરાંત હૉસ્પિટલમાં સતત રોકટોકને કારણે તેના વ્યક્તિત્વમાં ઘણા ફેરફાર થઈ ગયા છે."
તેમણે કહ્યું કે હું "ખૂબ નારાજ" હતી કે મંત્રીઓએ લોકોને ઘરે પહોંચાડવાનું વચન આપ્યું ત્યાર બાદ પણ હૉસ્પિટલમાં શીખવાની ઓછી ક્ષમતા ધરાવતા લોકોની સંખ્યા વધી રહી છે.
ફ્રેઝરના પરિવારે તેમના માટે હેતુ-નિર્મિત રૂમ બનાવ્યો છે અને તેઓ ઘરે આવે તેવું ઇચ્છે છે. જોકે, તેમનાં માતાપિતા કહે છે કે હૉસ્પિટલમાં તેમની તબિયત એટલી બગડી ગઈ છે કે પોતાનો રૂમ છોડતા ડરે છે.
સામાન્ય રીતે ઘણા પરિવારોને યોગ્ય ચાકરીવાળા શોધવા સંઘર્ષ કરવો પડે છે અને હૉસ્પિટલમાં રાખવા માટે રાજી થાય છે.
નૉર્થ આયરશાયર હેલ્થ ઍન્ડ સોશિયલ કેર પાર્ટનરશિપના પ્રવક્તાએ જણાવ્યું કે તેઓ હૉસ્પિટલમાંથી ફ્રેઝરને ડિસ્ચાર્જ કરવા ફ્રેઝર અને તેના પરિવાર સાથે કામ કરવાનું ચાલુ રાખશે.
"જટીલ જરૂરિયાતો ધરાવતી વ્યક્તિઓ માટે ક્ષમતા, ઉપલબ્ધતા અને વિવિધ સમુદાય આધારિત સારસંભાળ વિકલ્પોમાં સ્થાનિક સ્તરે અને સમગ્ર સ્કૉટલૅન્ડમાં સતત પડકારો છે."
ગ્લાસગોની હેલ્થ ઍન્ડ સોશિયલ કેર પાર્ટનરશિપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચાર્લ્સનું પોતાના ઘરમાં જવું એક મહત્ત્વપૂર્ણ પગલું હતું.
તેમણે કહ્યું, "અમે ચાર્લ્સ અને તેમના જેવી અન્ય વ્યક્તિઓને ટેકો આપવા માટે સખત મહેનત કરવાનું ચાલુ રાખીએ છીએ, જેમને હૉસ્પિટલથી કૉમ્યુનિટી હોમમાં ખસેડવા વધારે મદદની જરૂર છે."
બીબીસીએ સ્કૉટલૅન્ડનાં તમામ આરોગ્ય બોર્ડ પાસેથી માહિતી માટે વિનંતી કરી હતી અને તેમાં જાણવા મળ્યું હતું કે શીખવાની ઓછી ક્ષમતા ધરાવતા 120થી વધુ લોકો એક વર્ષથી વધુ સમયથી હૉસ્પિટલમાં હતા. તેમાંથી 28 લોકો 10 વર્ષથી વધુ સમયથી હૉસ્પિટલમાં રહે છે અને ચાર લોકોએ 20થી વધારે વર્ષ હૉસ્પિટલમાં વિતાવ્યા છે.
સ્કૉટલૅન્ડની સરકારે આ વિશે શું કહ્યું?
બીબીસી ડિસ્ક્લોઝરમાં બે વર્ષ પહેલાં જાણવા મળ્યું હતું કે શીખવાની ઓછી ક્ષમતા ધરાવતા લોકો હૉસ્પિટલમાં ફસાયા હતા.
ફ્રેઝર માલ્કમ અને તેમના જેવા અન્ય યુવાઓ હજુ પણ હૉસ્પિટલોના બંધ દરવાજા પાછળ જ રહે છે.
કાયલ ગિબન અત્યારે 37 વર્ષના છે અને 15 વર્ષથી કારસ્ટેર્સ સ્ટેટ હૉસ્પિટલમાં રહે છે.
જેમી 26 વર્ષના છે અને હજુ પણ આયરશાયર અને એરાનની વુડલેન્ડ્સ વ્યૂ હૉસ્પિટલમાં રહે છે. તેઓ 19 વર્ષના હતા ત્યારથી ત્યાં જ છે.
લૂઇસ સેન્સબરી વર્ષો સુધી હૉસ્પિટલમાં રહ્યા પછી પણ પર્થશાયરમાં પોતાની ઘરે સારી રીતે જીવી રહ્યા છે.
શીખવાની ઓછી ક્ષમતા ધરાવતા હજારો લોકો 1990ના દાયકા પહેલાં લાંબા સમય સુધી હૉસ્પિટલમાં રહેતા હતા. જોકે, તે અમાનવીય હતું.
સ્કૉટિશ સરકારે વર્ષ 2000માં “ધ સેમ એઝ યુ?” અહેવાલ બહાર પાડ્યો હતો, જેમાં શીખવાની ઓછી ક્ષમતા ધરાવતા દરેક લોકોને પોતાનાં ઘરો અને સમાજમાં રહેવાનો અધિકાર સ્થાપિત કર્યો હતો.
નિષ્ણાતો કહે છે કે યોગ્ય સમર્થન સાથે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં રહે તે સંપૂર્ણપણે શક્ય છે.
ડૉ. સૅમ સ્મિથ વિકલાંગ લોકોને ઘરે રહેવા સમર્થન આપતી સંસ્થા સી-ચેન્જ સ્કૉટલૅન્ડના નિદેશક છે. તેમણે જણાવ્યું, "અમે 20 વર્ષ પહેલાં લાંબા સમય સુધી રહેવાની હૉસ્પિટલો બંધ કરી દીધી હતી, કારણ કે અમને ભરોસો હતો કે લોકો સમાજમાં રહી શકે છે."
સ્કૉટિશ સરકારે જણાવ્યું હતું કે અમે સ્થાનિક વહીવટીતંત્રની મદદથી શીખવાની ઓછી ક્ષમતા ધરાવતા લોકો ઘરથી દૂર હૉસ્પિટલમાં રહે છે તેમની નોંધ રાખવા એક રાષ્ટ્રીય રજિસ્ટર બનાવ્યું હતું. સરકારે આ લોકો ફરીથી પોતાના ઘર પર રહી શકે તે માટે 20 મિલિયન યુરોનું બજેટ ફાળવ્યું છે.
સોશિયલ કેર મિનિસ્ટર મેરી ટોડે બીબીસી સ્કૉટલૅન્ડ ન્યૂઝને કહ્યું: “અમે આ મુદ્દા પર પ્રગતિ કરવા માટે સંપૂર્ણ સંકલ્પબદ્ધ છીએ. જોકે, આ માહિતી બતાવે છે કે આ સમસ્યાને હલ કરવી મુશ્કેલ છે.”
"વૈધાનિક જવાબદારી સ્થાનિક સત્તાવાળાની છે અને હું પરિસ્થિતિને સુધારવાનો પ્રયાસ કરવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે ખૂબ નજીકથી કામ કરી રહ્યો છું."